Home Blog Page 1337

55 વર્ષ જૂનું રાજકોટનું બાયોલોજીકલ મ્યુઝિયમ ડિજિટલ બનશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં આશરે 55 વર્ષ જૂના સંગ્રહાલયને સમયની સાથે તાલ મિલાવવા ડિજિટલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતનું આ પ્રાચીન સંગ્રહાલય ડિજિટલ બનશે તેનો લાભ સંશોધકો અને વિદ્યાર્થીઓ ઓનલાઇન લઈ શકશે.ઝુઓલોજીના આ મ્યુઝિયમમાં 12 પ્રકારના સાપ, 100 પ્રકારની માછલી, 300થી વધુ વનસ્પતિના સ્પેસિમેન રાખવામાં આવ્યા છે. જુદી-જુદી પ્રજાતિના અંગોની પેપર શીટ અહીં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. માનવી, પશુઓની ખોપડી પણ અહીં સંશોધન માટે રખાઈ છે. વાંદરા, ઉંદરો, સસલા, ગીધ, મગર, ડોલ્ફિન પર સંશોધન કરતા માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી. સુધીનો અભ્યાસમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે.

આ મ્યુઝિયમનું સંચાલન કરી રહેલા પ્રો. ભાવિક વંકાનીએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના જેવી પરિસ્થિતિમાં ભવન અને મ્યુઝિયમ લાંબો સમય બંધ હતું. ત્યારે વિદ્યાર્થીઓને રિસર્ચ માટે ખૂબ મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત કોઈ કારણોસર લાંબો સમય રજાઓ કે અન્ય કારણોસર મ્યુઝિયમ બંધ રહે ત્યારે પણ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. આથી હવે તે ડિજિટલ બનશે તો વિદ્યાર્થીઓને લાભ થશે.

આ બાયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની પ્રજાતિઓના સ્પેસીમેન્સ એટ્લે કે નમૂનાઓ સંગ્રહિત કરવામા આવ્યા છે. જેમાં ગીધ, મગર, વાંદરા, ઉંદરો, સસલાઓ, ચામાચીડિયાં, દેડકા, પોપટ, બતક, ચકલીઓ, સાપ, માછલીઓ તેમજ ડોલ્ફિના અસ્થી ઉપરાંત માનવ, ગધેડા, હરણ અને શિયાળની ખોપડી પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ શેવાળની 60થી વધુ પ્રજાતિઓ સહિત 300થી વધુ વનસ્પતિના અંગોની પેપરશીટ તૈયાર કરવામાં આવેલી છે.

દર વર્ષે 30 જેટલા વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત માસ્ટર ડિગ્રીનુ ડેઝર્ટેશન અને Ph.D.નું થીસીસ તૈયાર કરે છે. ભવનના અધ્યક્ષ ડૉ. રમેશ કોઠારીના માર્ગદર્શન નીચે આ સંગ્રહાલય કાર્યરત છે. તેઓએ બયોલોજીકલ ડિજીટલ મ્યુઝિયમના નિર્માણનું બીડું ઝડપ્યું છે. જે ગુજરાતમાં બાયો સાયન્સ ભવનનુ પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ બનશે. જેનાથી દુનિયાના કોઈપણ ખૂણે બેસેલા વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમમાં રહેલા સ્પેસીમેન પર રિસર્ચ કરી શકશે. યુનિવર્સિટીની ઓફોસિયલ વેબસાઈટ પરથી આ ભવનના પેજ પર જઈ સંગ્રહાલયમાં હાજર સ્પેસિમેન-નમૂનાઓનો અભ્યાસ કરી શકાશે.

મ્યુઝિયમ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની ઓળખ રહી છે. વર્ષ 1969માં સાયન્સ ભવનના સ્થાપક હેડ એ. સી. પાંડે દ્વારા આ મ્યુઝિયમની સ્થાપના થઈ હતી. અહીં અલગ-અલગ પ્રકારના સ્પેસીમેનનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેમાં અમૂક ડ્રાય એટ્લે કે સૂકાઈ ગયા બાદ રાખવામાં આવેલા છે. જ્યારે લિકવિડ એટલે કે પૂરા પ્રાણીનું સ્પેસીમેન પણ છે. જ્યારે બોટનીકલમાં ઘણી હરબેરિયમ શીટ છે. જેનાથી વિદ્યાર્થીઓ વનસ્પતિના પાંદડા, ફૂલોને ઓળખી શકે છે. મ્યુઝિયમને ડિજિટલ બનાવવા અંગે યુનિ.ના સતાધીશોએ જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં અનુભવ્યું કે તેમાં મ્યુઝિયમની જાળવણી કરી શકતા નથી. વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસ કરવા ન આવી શકે અને તેને અભ્યાસ ન ગુમાવવો પડે તે હેતુથી અહીં રહેલા સ્પેસીમેનને ફોટોગ્રાફ સાથે ડિજીટલી મૂકવામાં આવે તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. દર વર્ષે માસ્ટર ડિગ્રીના 25 તો Phd ના 5 વિદ્યાર્થીઓ મ્યુઝિયમ આધારિત રિસર્ચ કરતા હોય છે. એક વિદ્યાર્થી ઈરાનમાં હાલ સ્ટાર ફિશ પર રિસર્ચ કરી રહ્યા છે. ગુજરાતમાં વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટી પછી વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બાયોસાયન્સ ભવનમાં આવેલું આપણું આ મ્યુઝીયમ પણ વિવિધ નમૂનાઓની જાળવણીના લીધે જાણીતું છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

કોંગ્રેસના ઈરાદા ખતરનાક, PM મોદીના વિપક્ષ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે બુધવારે ઝારખંડના દેવઘરમાં સરથ પહોંચ્યા હતા. જ્યાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે સંથાલ પ્રદેશમાં આ બંને પક્ષોનો સફાયો થવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના ઈરાદા ખૂબ જ ખતરનાક છે અને તે દેશમાંથી અનામત ખતમ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારના પિતાએ અનામતને ગુલામી ગણાવી હતી. પીએમએ બેઠકમાં હાજર લોકોને કહ્યું- તમે મારા પરિવાર છો.

જનસભાને સંબોધતા મોદીએ કહ્યું, ‘આજે ઝારખંડની ઓળખ બદલવાનું એક મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. બહારથી ઘૂસણખોરોને અહીં કાયમી રહેવાસી બનાવવા માટે જેએમએમ-કોંગ્રેસમાં દરેક ખોટું કામ કરવામાં આવ્યું છે. આ ઘૂસણખોરોને રાતોરાત તેમના માટે કાયમી કાગળો આપવામાં આવ્યા હતા. આદિવાસી દીકરીઓને લગ્નના નામે છેતરીને જમીન પચાવી પાડવામાં આવી હતી. આ ઘૂસણખોરોએ તમારી પાસેથી તમારી રોજગાર અને તમારી રોટી પણ છીનવી લીધી. આ અંગે અહીં સરકારનું બેવડું વલણ જુઓ. જેએમએમ સરકારે કોર્ટને કહ્યું કે ઝારખંડમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી… સ્થાનિક રહેવાસીઓ માટે પાણી મેળવવું પણ મુશ્કેલ બની ગયું છે… હું તમને ખાતરી આપું છું કે ભાજપ-એનડીએ સરકાર સંથાલો માટે છે, ઝારખંડ માટે છે.’ ‘રોટી, બેટી અને માટી’ની સુરક્ષા સાથે કોઈને ખેલ કરવા દેશે નહીં.

મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી અને બીજેપી ઉમેદવાર સીતા સોરેનનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું, ‘અહીં અમારી દીકરી અને બહેન સાથે કોંગ્રેસના નેતાઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેઓ અશ્લીલ ગાળોનો ઉપયોગ કરે છે. આખરે આ લોકોમાં આટલી હિંમત ક્યાંથી આવી? આ હિંમત એટલા માટે આવી છે કારણ કે આ લોકો જાણે છે કે સરકાર મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરીને પણ તેમની સુરક્ષા કરશે. આથી કોંગ્રેસ અને તેના નેતાઓ આદિવાસી દીકરીઓનું અપમાન કરે છે.

મણિપુરના જિરીબામ અથડામણમાં બે લોકોનાં મોત, છ લોકો લાપતા

ઇમ્ફાલઃ મણિપુરના જિરીબામ વિસ્તારમાં ઘણું ટેન્શન પ્રવર્તી રહ્યું છે. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે. મણીપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ છ જણ મૈતેઈ પરિવારના જ હોવાનું મૈતેઈ સમુદાયે જણાવ્યું છે. વધુમાં મૈતેઈ સમુદાયના અન્ય બે ભાઈઓના મૃતદેહો પણ મળી આવ્યા છે. અહીં નિગરાની ઘણી વધી ગઈ છે.

જિરીબામમાં છ લોકોના અપહરણના સમાચાર સાથે ઈમ્ફાલ ખીણમાં ઉગ્ર આંદોલનને કારણે પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે બંધનું એલાન છે. પોલીસે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. સોશિયલ મિડિયા પર આ ગુમ વ્યક્તિઓના ફોટો વાયરલ થયા છે.

મૈતેઈ સમુદાય જિરી અપુન્બા લુપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ગુમ થયેલા છ લોકોમાં 1. તેલેમ થોઈબી દેવી (ઉ.વ.31) , તેની દીકરી તેલેમ થાજામંબી દેવી (ઉ.વ. 8), યુમ્રેમબમ રાની દેવી (ઉ.વ. 60), લૈશ્રામ હૈથોબી દેવી (ઉ.વ. 25) અને તેના એક અઢી વર્ષનું અને એક દસ મહિનાનું બાળક સામેલ છે. સોમવારે જિરીબામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવા 10 કુકી ઉગ્રવાદીઓ આવી ચઢ્યા હતાં. જેમને CRPFની ટીમે ઠાર માર્યા હતા, જેમાં એક CRPF જવાન પણ ઘાયલ થયો હતો. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી કુકી ઉગ્રવાદીઓ ઉશ્કેરાયા છે અને તેમણે અનેક ઘરોમાં આગ ચાંપી હતી. સુરક્ષા દળો પણ સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો કરી રહી છે. શાળા-કોલેજો, બજારો બંધ કરવામાં આવ્યા છે. સાર્વત્રિક રૂપે આગામી 24 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ટ્રેન અકસ્માતમાં 5 યુવકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં અવાર નવાર ટ્રેનની અડફેટે આવી મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે રાજ્યના મોટા શહેરમાં અલગ અલગ જગ્યાથી ટ્રેનની અડફેટે આવી મોત થવાની પાંચ ઘટનાઓ આવી છે. સુરતમાં રોજગારી માટે આવેલા ત્રણ યુવકોનું ટ્રેનની અડફેટે આવતાં મોત નિપજ્યું છે. તેમજ મહેસાણામાં આવતા બે કિશોરોએ ટ્રેન નીચે કચડાતા પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાથી પાંચેય યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર બનાવ વિશે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ દિવસ પહેલાં જ સુરતમાં રોજગારી મેળવવા માટે આવેલા ત્રણ મિત્રો સોમવારે ભેસ્તાન અને સચિન રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યાં હતાં, તે સમયે ટ્રેનની અડફેટે આવતા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ ત્રણેય મિત્રો દિવાળી બાદ ઉત્તર પ્રદેશથી સુરતમાં ઝરીના કારખાનામાં રોજગારી માટે આવ્યા હતાં. મૃતક યુવકોની ઓળખ પ્રમોદ નિશાદ, વડકું નિશાદ અને દીનું નિશાદ તરીકે થઈ છે. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રેલવે પોલીસને અચાનક ટ્રેક પર ત્રણ મૃતદેહ મળી આવ્યા હતાં. ત્યારબાદ રેલવે પોલીસે તુરંત અકસ્માતનો ગુનો નોંધી ત્રણેય મૃતકો વિશે માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.

બીજી બાજુ મહેસાણામાં અમરાપરા રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આવતા બે કૌટુંબિક ભાઈઓ મોતને ભેટ્યા છે. મહેસાણાના વિસનગરમાં રહેતાં 16 વર્ષીય દિવ્ય પરમાર અને તેનો કૌટુંબિક ભાઈ તરુણ પરમાર મોડી રાત્રે અગમ્ય કારણોસર અમરાપર પાસે રેલવે ટ્રેક પાસે પહોંચ્યા હતાં, જ્યાં ટ્રેને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  બંને કિશોરના મૃતદેહના મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ મોટે મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સલમાન-શાહરુખ બાદ હવે દિગ્ગજ અભિનેત્રીને મળી ધમકી

સલમાન ખાન અને શાહરૂખ ખાન બાદ હવે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને પણ ખંડણી કેસમાં ધમકીભર્યો ફોન આવ્યો છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના 11 નવેમ્બરની હોવાનું કહેવાય છે, મોડી રાત્રે તેને બે ધમકીભર્યા ફોન આવ્યા હતા, જેમાં તેની પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તે બે દિવસમાં આ રકમ નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે.

અહેવાલો અનુસાર, તેમને એક મિનિટમાં બે કોલ આવ્યા, પહેલો કોલ 12.20 વાગ્યે અને બીજો કોલ 12.21 વાગ્યે. તેની પાસેથી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી અને તેની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. ધમકી આપનાર વ્યક્તિએ બે દિવસનો સમય આપ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પટનાના દાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં સ્ટેશન ઈન્ચાર્જ પ્રશાંત ભારદ્વાજે મીડિયાને આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે અક્ષરા સિંહની અરજી મળી છે અને તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થતાં જ યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવશે. અક્ષરાના ચાહકોને આ સમાચાર મળતા જ તેમણે અભિનેત્રીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ચાહકોનું કહેવું છે કે પોલીસે જલદી આરોપીને શોધીને સજા કરવી જોઈએ. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ માત્ર છેડતીનો મામલો છે કે કોઈ મોટી દુશ્મની છે.

ખ્યાતિ કાંડને લઈ તંત્ર હરકતમાં, CM સહિતના પદાધિકારીઓની બેઠકનો ધમધમાટ

અમદાવાદ: જિલ્લાના આજુબાજુના ગામમાંથી દર્દીઓને ભેગા કરી પોતાની હોસ્પિટલમાં ઈલાજના નામ પર સરકારી રૂપિયા હેઠવાના મસમોટા કૌભાંડનો પર્દાફાસ થયો છે. ખ્યાતિ હોસ્પિટલના આ કૌંભાડન માત્ર ગુજરાત બલ્કે દેશભરમાં હાલ આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે. PMJYનો દુરોપયોગ કરીને દર્દીઓના ખોટા ઓપરેશનો કરીને સરકાર પાસેથી સહાય પેઠે ખોટી રીતે પૈસા પડાવી લેવાના કૌભાંડથી આરોગ્ય તંત્ર પણ હચમચી ગયું છે.

આ મામલાને ગંભીરતાથી લઈ સરકાર તપાસ કરી રહી છે. તેવામાં ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે આરોગ્ય મંત્રી સાથે CMની બેઠક યોજાય છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાની તપાસ અને રિપોર્ટ મુદ્દે ચર્ચા કરવામાં આવ્યા. PMJYના દુરપયોગ સામે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બાયપાસ સર્જરીની તપાસ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવશે છે. હોસ્પિટલના સંચાલકો અને હોસ્પિટલના તબીબો સામે દાખલરૂપ સજા વિશે પણ ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર તેમજ પીએમજેવાયના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જોકે  ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, ખ્યાતિ હોસ્પિટલના સમગ્ર પ્રકરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અવગત કરાવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિતનાઓની મળેલી બેઠકમાં વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઇ અને ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. આ કેસમાં ગુજરાત સરકાર ખુદ ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે.

દેશમાં 10 રાજ્યોની 31 વિધાનસભા, એક લોકસભા સીટ પર પેટા ચૂંટણી

નવી દિલ્હીઃ ઝારખંડમાં પહેલા તબક્કાની 43 સીટોની સાથે 10 રાજ્યોની 31 વિધાનસભાની અને કેરળની વાયનાડ લોકસભા સીટ પર પેટા ચૂંટણી યોજાઈ છે. વાયનાડ લોકસભા સીટ પર પેટા ચૂંટણી રાહુલ ગાંધીએ આ સીટ છોડીને રાયબરેલી સીટ પસંદ કરવાને લીધે થઈ રહી છે. તેમની બહેન પ્રિયંકા ગાંધી અહીંથી કોંગ્રેસી ઉમેદવાર છે.

આ ઉપરાંત 10 રાજ્યોની 31 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણી થઈ રહી છે, જેમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્ય પ્રદેશની બે અને છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.બિહારમાં રામગઢ, તરરી, ઈમામગંજ અને બેલાગંજ સીટો પર પેટા ચૂંટણી છે. JDS નેતા નિખિલ કુમારસ્વામી કર્ણાટકના ચન્નાપટનાથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના લોકસભામાં ચૂંટાયા બાદ ખાલી પડી છે. ભાજપે પૂર્વ CM બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમ્માઈને શિગગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સાથે થશે.

મધ્ય પ્રદેશની બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા અને મોહન યાદવ કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા બાદ શ્યોપુર જિલ્લાની વિજયપુર બેઠક પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. બુધની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, કારણ કે ધારાસભ્ય અને ભૂતપૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ લોકસભામાં ચૂંટાયા છે અને હવે કેન્દ્રીય કૃષિ મંત્રી છે.

 

બેવડી ઋતુથી ગુજરાતમાં રોગચાળાનો હાહાકાર, રાજકોટમાં ડેન્ગ્યુથી બેના મોત

રાજકોટ: ગુજરાતભરમાં રોગચાળાનો હાહાકાર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળાનો ફેલાવ અટક્યો નથી. હાલ ગુજરાતભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. હાલમાં આરોગ્ય વિભાગે સમગ્ર વાતને લઈ તપાસ હાથધરી છે.

હાલમાં રાજયમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,બપોરે ગરમી તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ ઓપીડીમાં લાંબી લાઈનો લાગે છે,રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર રાજકોટમાં હાલ ફોંગિગની અને દવાની છંટાકાવ કામગીરી શરૂ કરી છે. સરકારી આંકડ પ્રમાણે ડેન્ગ્યુથી ગઈકાલે 2 લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુથી 21 વર્ષના યુવક અને 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિપજયું મોત થયું છે. આપને જણાવી દઈએ કે મૃતકો જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં તંત્ર દ્વારા છંટકાવ અને ફોંગિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

શરદી-ખાંસીની સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. ડેંગ્યુના 48 શંકાસ્પદ દર્દીમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે મેલેરિયાના 739 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ડેન્ગ્યુના શંકાસ્પદ 48 દર્દી પૈકી એકતાનગર, તાંદલજા, દિવાળીપુરા, નવાયાર્ડ, નવી ધરતી, ગોરવામાંથી ડેન્ગ્યુના 6 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા જ્યારે મલેરિયાનાં લક્ષણો ધરાવતા 739 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ટાઈફોઈડના એક દર્દી નોંધાયા હતા.

ઝારખંડમાં 43 સીટો પર 11 વાગ્યા સુધી 29 ટકાથી વધુ મતદાન

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 43 સીટો પર મતદાન જારી છે. સવારે નવ વાગ્યાથી સુધી 13.04 ટકા અને સવારે 11 વાગ્યા સુધી 29.31 ટકા મતદાન થયું છે. રાજ્યમાં JMM અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર છે. રાજ્યમાં CM હેમંત સોરેન છે.

Hajipur: Voters stand in a queue to cast their votes at a polling booth during the 5th Phase of General Elections-2024, Hajipur, Monday, May 20, 2024.(IANS)રાજ્યમાં 950 મતદાન કેન્દ્રો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના 1.37 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.  ભૂતપૂર્વ CM ચંપઈ સોરેન સહિત કુલ 683 ઉમેદવારો ચૂંટણીની કિસ્મત અજમાવી રહ્યા છે. રાજ્યની 81 સીટોવાળી વિધાનસભામાં બાકીની 38 સીટો પર બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. મતોની ગણતરી 23 નવમ્બરે થશે.

આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 20 બેઠકો અનુસૂચિત જનજાતિ (ST) માટે અને છ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. ભાજપે તેના મેનિફેસ્ટોના ભાગરૂપે 25 વચનો ઓફર કર્યા છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનએ શિક્ષણ, નિવાસી નીતિ, સામાજિક ન્યાય, ખોરાક, મૈયા સન્માન યોજના, નોકરીઓ અને ખેડૂતોના કલ્યાણના ક્ષેત્રોમાં સાત ગેરંટી આપી છે. આ બેઠકો મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતા દક્ષિણ છોટાનાગપુર, ઉત્તર પલામુ અને કોલ્હન વિસ્તારોમાં આવેલી છે.

મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડની રાજધાની રાંચીના મતદાન મથક 16 પર એક મહિલાએ લોકોને મતદાન કરવા અલગ જ રસ્તો અપનાવ્યો હતો. અહીં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન એક મહિલા પરંપરાગત ઢોલ વગાડીને લોકોને મતદાન કરવાની અપીલ કરી રહી છે.

રાજ્યપાલ સંતોષ ગંગવારે કહ્યું હતું, કે મતદાન એ દેશના સૌથી મોટા લોકતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે હું દરેકને તેમના મતનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. હું દરેકને વિનંતી કરું છું કે પહેલા મતદાન કરો, પછી જલપાન કરો.

 

 

 

 

 

 

ગિરનાર લીલી પરિક્રમામાં 2 દિવસમાં 7 શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકથી મોત

જૂનાગઢ: સૌરાષ્ટ્રના ગરવા ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આ પરિક્રમ કરવા આવતા હોય છે. લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઇને ભય જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને સાત લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.