Home Blog Page 1341

હાટકેશ્વર બ્રિજનો ખર્ચ 118 કરોડ સુધી પહોંચ્યો, AMC પર ઉઠ્યા પ્રશ્ન

અમદાવાદ: પાછલા ઘણા સમયથી હાટકેશ્વર વિસ્તારનો બ્રિજ ચર્ચામાં રહ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. નોંધનિય છે કે 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા થશે. આપને જણાવી દઈએ કે 2 મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવો કર્યો હતો કે, હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.

હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત AMC પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને 118 કરોડ પહોંચી ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી. 2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવા કર્યા હતા અને હાલમાં બ્રિજની કોસ્ટ 118 કરોડએ પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડનો ખર્ચ થશે. બીજી તરફ અમદાવાદની જનતા ટ્રાફિકથી પરેશાન થઈ રહી છે અને તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપના નેતા અમદાવાદ શહેરની જનતાને વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે.

ખાલિસ્તાની આતંકવાદી પન્નુની રામ મંદિર ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને અયોધ્યામાં રામ મંદિર સહિત હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની ધમકી આપી છે. તેણે રામ મંદિર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.  પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠન તરફથી જારી કરવામાં આવેલા એક વિડિયોમાં પન્નુએ 16 અને 17 નવેમ્બરે હુમલાની ચેતવણી આપી છે. કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોનો ઉદ્દેશળ હિન્દુ પૂજા સ્થળોની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ગયા મહિને પન્નુએ યાત્રીઓને એકથી 19 નવેમ્બરની વચ્ચે એક ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ઉડાન ભરવા પ્રત્યે ચેતવણી આપી હતી. પન્ને ભારતીય ડિપ્લોમેટની વિરુદ્ધ હિંસાનું આહવાન પણ કર્યું છે.

આ સાથે કેનેડામાં ભારતીય મૂળના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપવામાં આવી છે. પન્નુએ એક વિડિયો જાહેર કરીને કહ્યું છે કે 16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે. તેમણે કહ્યું કે અમે હિંદુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.

આ વિડિયોમાં પન્નુએ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના અનેક હિન્દુ મંદિરોની તસવીરો સામેલ કરી છે. આ પહેલાં 28 મે 2024એ પણ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સૌથી પહેલાં એક ID પરથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું.

ગુજરાતમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ ગુલાબી ઠંડી દેખાવાની શરૂ થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ઠંડીને લઈ આગાહી વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રીતો લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી નોંધાયું છે. આગામી દીવસોમા હજુ બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે.

આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે, આ ઉપરાંત રાજ્યના 15 જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પાર નોંધાયું છે. ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. આ મિક્સ ઋતુના લીધે શરદી-તાવ જેવી બીમારીઓમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં આ વખતે શિયાળો થોડો મોડો છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ થવા લાગતો હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ કે સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે મહત્તમ તાપમાન તે સામાન્ય કરતા નીચું કે સામાન્ય રહેવાની સંભાવના છે.

બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 23 નવેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે તો માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ શકયતાઓ દેખાઈ રહી છે.

રોહિત શેટ્ટી પૌરાણિક ફિલ્મો બનાવવાનું કેમ ટાળે છે ?

મુંબઈ: લોકપ્રિય ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી, જેઓ તેમની એક્શનથી ભરપૂર ફિલ્મો માટે જાણીતા છે, તેમણે તાજેતરમાં તેમની નવી ફિલ્મ ‘સિંઘમ અગેન’ના શૂટિંગ દરમિયાન સામનો કરેલા દબાણ અને પડકારો વિશે વાત કરી હતી. આ ફિલ્મ તેમના પોલીસ યુનિવર્સનો એક ભાગ છે, જેમાં તેણે ભારતીય પૌરાણિક કથાઓ, ખાસ કરીને રામાયણની કેટલીક ઝલકને એક્શન સાથે બતાવવાનો પ્રયાસ કર્યો છે. ‘સિંઘમ અગેન’ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. આ દરમિયાન હવે રોહિત શેટ્ટીએ સૌથી રસપ્રદ વિષય પર વાત કરી છે. તેનું કારણ એ હતું કે તે ફિલ્મમાં રામાયણના દ્રશ્યો બતાવવામાં ખૂબ જ ડરતા હતા.

 

રોહિત શેટ્ટી આનાથી ડરી ગયા હતા
તાજેતરમાં, રોહિત શેટ્ટી અને અજય દેવગણે રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં ઘણા ખુલાસા કર્યા હતા. જ્યાં તેણે શૂટિંગની ઘણી વાતો કહી. આ ઉપરાંત ફિલ્મમાં રામાયણના દ્રશ્યો વિશે વાત કરતી વખતે બંનેએ કહ્યું કે તેઓ ખૂબ જ ડરતા હતા કે ક્યાંક કોઈ વિવાદ ના થઈ જાય, કારણ કે તેઓ પૌરાણિક ફિલ્મો બનાવવાનું ટાળે છે. જ્યારે બેરબાઈસેપ્સે તેને પૂછ્યું કે તમને એક્શન ફિલ્મો કરવી ગમે છે અને શું તમે ક્યારેય પૌરાણિક ફિલ્મો વિશે વિચાર્યું છે? રોહિતે આનો જવાબ આપતાં જે કહ્યું તે સાંભળીને દરેક તેના વખાણ કરવા જઈ રહ્યા છે.

રોહિત શેટ્ટી પૌરાણિક ફિલ્મો કેમ નથી બનાવતા?
રોહિત શેટ્ટીએ કહ્યું,’તેને એક્શન ફિલ્મો બનાવવી ગમે છે કારણ કે તેમાં તમારે તમારા મનની વસ્તુઓ જોવાની અને કરવાની હોય છે. હું પૌરાણિક ફિલ્મો બનાવવા માંગતો નથી કારણ કે તે સમયે શું, કેવી રીતે અને ક્યારે બન્યું તે વિશે મને વધુ ખબર નથી. આવી સ્થિતિમાં તથ્યો વિના આવી ફિલ્મનું શૂટિંગ કરવું ખૂબ મુશ્કેલ છે અને હું વિવાદોમાં ફસવા માંગતો નથી. હું કોઈની લાગણી દુભાવવા માંગતો નથી. એટલું જ નહીં, હું એ વિચારીને તણાવ અનુભવી રહ્યો હતો કે અમારી ફિલ્મમાં માતા સીતાના ચિત્રણને લઈને કોઈ વિવાદ ન થવો જોઈએ કારણ કે તે હિંદુ પૌરાણિક કથાઓમાં પૂજનીય દેવી છે.

વડોદરાની IOCL રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ

વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. એ બાદ રિફાઇનરી કંપનીમાં વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિમી દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અહીં બપોરે ઓઈલના એક સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં અનેક મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આગના કારણે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડના દસ જેટલા વાહનો તેમજ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. નોંધનીય છે કે, હાલ ઘટના સ્થળે રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા કહેવાયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર કર્મીઓ સાથે એમ્બ્યુલન્સ પણ અંદર ગઈ છે. જ્યારે બે વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. IOCL કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

VIDEO: ગંગા આરતીમાં મગ્ન થયા રાઘવ અને પરિણીતી

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. ફિલ્મોમાંથી બ્રેક લઈને અભિનેત્રી તેના પતિ રાઘવ ચઢ્ઢાને સમય આપી રહી છે. લગ્ન પછી જ અભિનેત્રીએ તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તેની રિલીઝ બાદ તેને પરિવાર માટે સમય મળ્યો, જેનો તે ભરપૂર ઉપયોગ કરી રહી છે. આજકાલ તે દરેક તહેવાર દિલ્હીમાં તેના સાસરિયાઓ સાથે ઉજવે છે.આ દિવસોમાં અભિનેત્રીનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ પણ વધી ગયો છે. તાજેતરમાં અભિનેત્રી તેના પતિ અને AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે વારાણસી પહોંચી હતી, જ્યાં બંને ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા. આ બંને પર કાશી શહેરની સંપૂર્ણ અસર દેખાતી હતી.

ગંગા આરતીમાં ભાગ લીધો
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વારાણસીના ઘાટ પર આધ્યાત્મિકતા માણતા જોવા મળ્યા હતા. રવિવારે રાત્રે યુગલે વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. પરિણીતી અને રાઘવે દશાશ્વમેધ ઘાટ પર આરતી કરી હતી અને તેમની માતા અને અન્ય પરિવારના સભ્યો સાથે હતા. સોશિયલ મીડિયા પર આ કપલનો એક વીડિયો પણ ટ્રેન્ડ કરી રહ્યો છે જેમાં તેઓ ગંગા આરતી કરતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં, બંને ભક્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે, જ્યારે રાઘવ ભક્તિમાં મગ્ન જોવા મળે છે તો પરિણીતી ભજન ગાતી અને ડાન્સ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

ગંગા સેવા નિધિના અધિકારીઓએ બંનેને પરંપરાગત વસ્ત્રો, પ્રસાદ અને સ્મૃતિ ચિન્હ આપીને આવકાર્યા હતા. પરિણીતી અને રાઘવે ગયા વર્ષે 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરની લીલા પેલેસ હોટલમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો હાજર ન હતા, પરંતુ AAP નેતાઓની ગેરહાજરી જરા પણ ચૂકી ન હતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો એક ડાન્સ વીડિયો પણ વાયરલ થયો હતો. આ સિવાય હરભજન સિંહ અને ગીતા બસરાએ પણ લગ્નમાં રંગ જમાવ્યો હતો.

હેં? મધ્ય પ્રદેશમાં ઉંદરો 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ખાઈ ગયા!

ભોપાલઃ અત્યાર સુધી તો ઉંદરોએ ઘરોમાં, રેલવે સ્ટેશનો વિસ્તારોમાં ચીજવસ્તુઓ અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવા વિશે સાંભળ્યું હશે, પરંતુ ઉંદરો પર સૌપ્રથમ વાર આખેઆખો બ્રિજ કાતરી ખાવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઉંદરોએ અશોકનગર જિલ્લામાં નિર્મિત 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ઓળવી ગયાનો અજીબોગરીબ દાવો PWD વિભાગે કર્યો છે.

વાસ્તવમાં મધ્ય પ્રદેશના અશોકનગરમાં 30 વર્ષ જૂનો ઓવરબ્રિજને કોતરી-કોતરીને નુકસાન પહોંચાડવાનો દાવો PWDએ કર્યો છે. વિભાગે દાવો કરતાં કહ્યું હતું કે ઉંદરોને કારણે આ પૂલ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે અને ઠેક-ઠેકાણે ખાડા પડી ગયા છે. શહેરમાં આશરે 30 વર્ષ જૂના ઓવરબ્રિજમાં બે દિવસ પહેલાં મોટા-મોટા ખાડા જોવા મળ્યા હતા અને ત્યાં વહીવટી તંત્રએ વાહવવ્યવહાર શરૂ કરવા માટે બેરિકેટિગ કરવું પડ્યું હતું અને ટ્રાફિક પોલીસ તહેનાત કરવી પડી હતી. આ ઓવરબ્રિજ પર ખાડા હોવાથી સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. સંપૂર્ણ મામલેક બ્રિજ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રવિ શર્મે જણાવ્યું હતું કે વર્ષોથી સસત ઉંદરો એની માટી બહાર કાઢતા હતા અને અંદરથી બ્રિજ ખોખલો કરતા રહેતા હતા, જેને પગેલી બ્રિજ CCના સ્લેબ અચાનક તૂટી ગયો હતો. ઓવરબ્રિજના સ્લેબમાં માટી ભરીને પાણીથી અંદર સુધી ભરવામાં આવશે અને જ્યારે એ માટી સારી રીતે બેસી જશે, ત્યારે CCનો સ્લેબ ભરવામાં આવશે, પણ ઉંદરો ફરીથી એની અંદર ઘર ના બનાવી શકે એ માટે પાણીને કાઢવાની જગ્યાએ કાચના ટુકડા ભરવામાં આવશે.

ગુજરાતને મળશે દેશનો સૌથી દરિયાઈ બ્રિજ, ફ્યૂલ અને સમયમાં થશે મોટી બચત

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે અને ભારતમાલા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર દેશમાં 8 નવા પ્રોજેક્ટની શરૂઆત કરાવામાં આવી છે. જેમાં ગુજરાતને બે પ્રોજેક્ટ મળ્યા છે. નોંધનીય છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સુરત જવા ઈચ્છતા લોકો માટે માર્ગ સરળ બની જશે. જેનાથી હજારો રૂપિયાનું ફ્યૂલ અને સમયનો પણ બચાવ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતને મળેલા બે પ્રોજેક્ટમાં કુલ 316 કિ.મી. લાંબો નેશનલ હાઈવે તૈયાર કરાશે. જેમાં 248 કિ.મી. લાંબો ફોર અથવા સિક્સ લેન હાઈવે જામનગરથી રાજકોટ થઈને ભાવનગર સુધીનો તૈયાર કરાશે. જ્યારે અન્ય પ્રોજેક્ટમાં ભાવનગરથી ભરૂચ સુધી 68 કિ.મી. લાંબો ફોર અને સિક્સ લેન હાઈવે તૈયાર કરાશે. હાઈવે બનવાથી જામનગરથી માત્ર ચાર કલાકમાં અને સુરતથી માત્ર પાંચ કલાકમાં ભરૂચ પહોંચી શકાશે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાંથી દેશનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ એટલે કે 30 કિ.મી. લાંબો બ્રિજ બનાવાશે. આ તૈયાર થઈ જાય પછી માત્ર એક જ કલાકમાં ભાવનગરથી ભરૂચ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટનો સર્વે કરવા માટે સેન્ટ્રલ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ એજન્સીઓ પાસે બીડ મંગાવી છે. જે મંજૂર થતાં રોજનું લાખો લીટર ઈંધણ તેમજ લોકોનો કિંમતી સમય પણ બચશે. સૌરાષ્ટ્ર એટલે કે જામનગરથી સુરત જવા માટે  527 કિ.મી. બગોદરા કે વડોદરા થઈને જવું પડતું. પરંતુ આ પ્રોજેક્ટ હેઠળ જામનગરથી ભરૂચનો હાઈવે તૈયાર થતા 135 કિ.મી. જેટલું અંતર ઘટશે. આ સાથે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિ.મી.નું અંતરમાં 117 કિ.મી.નો ઘટાડો થશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિ.મી. અંતરમાં 215 કિ.મી ઘટાડો થવાથી માત્ર 412 કિ.મી. જેટલું થશે. જ્યારે ભાવનગરથી સુરત જવા માટેના 357 કિ.મી. અંતરમાંથી 243 કિ.મી. અંતર ઘટી જતા માત્ર બે કલાકમાં ભાવનગરથી સુરત પહોંચી શકાશે.

કાજોલની વેબ સીરિઝ દો પત્તીનો હરિયાણામાં વિરોધ, શું છે કારણ?

તાજેતરમાં જ નેટફ્લિક્સ પર ‘દો પત્તી’ વેબ સીરિઝ રિલીઝ થઈ છે. હરિયાણાની સર્વ હુડ્ડા ખાપે આ વેબ સીરિઝને લઈ વિરોધ વ્યક્ત કર્યો છે. ખાપનું કહેવું છે કે આ સીરિઝમાં ઉલ્લેખ કરવામાં આવેલા સંવાદોથી હુડ્ડા ગૌત્રને બદનામ કરવા માટે અપરાધિક ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ વેબ સીરિઝ 28 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી. આ મામલે સર્વ હુડ્ડા ખાપે 10 નવેમ્બરે રોહતકના બસંતપુરના ઐતિહાસિક ચબુતરા પર બેઠક બોલાવી હતી. જેમાં આગામી રણનીતિ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.

ખાપ આગેવાનોએ મુખ્યમંત્રી નાયબ સૈની અને કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને આ મામલે તુરંત કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ આ મામલાના સંબંધમાં સામાજીક કાર્યકર્તા સુરેન્દ્ર સિંહ હુડ્ડાને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. સર્વ હુડ્ડા ખાપના પ્રધાન ઓમપ્રકાણ હુડ્ડાએ રોહતકની છોટુરામ ધર્મશાલામાં કહ્યું કે જાટ સમાજના તમામ ગૌત્રોના લોકો દેશહિત અને સમાજ હિતમાં પોતાની અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે.

ઓપી હુડ્ડાએ કહ્યું હતું કે હુડ્ડા ગૌત્રના લોકોએ સેના, ખેલ, વિજ્ઞાન, શાસન, પ્રશાસન, સમાજસેવા, અભિનય, કાનુની પ્રક્રિયા સહિતના ક્ષેત્રોમાં પોતાની ફાલો આપ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે દો પત્તી ફિલ્મના નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે હુડ્ડા ગૌત્રને બદનામ કરનારો સંવાદ નહીં હટાવે અને સાર્વજનિક રીતે માફી નહીં માંગે તો સામાજીક સ્તર પર કડક નિર્ણય લેવામાં આવશે.

શું છે મૂળ વિવાદ?

કાજોલ અને ક્રિતી સૅનોન સ્ટારા વેબ સીરિઝ દો પત્તી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. જેમાં એક સંવાદ છે કે “મેરે પરિવારમેં હુડ્ડા પરિવાર રહેતા હૈ, ઉન્હોને અપની બહુ કો જિંદા જલા દિયા હૈ.” હુડ્ડા ખાપે આ સંવાદ પર આપત્તિ દર્શાવી છે. ઓપી ધનખડ અનુસાર તેઓ પોતાની વહુઓ અને દીકરીઓને એકસમાન માને છે. પરંતુ સીરિઝમાં તેમના ગૌત્રને બદનામ કરવામાં આવ્યું છે. જે બિલકુલ અયોગ્ય છે. સીરિઝના મેકરે આ શબ્દો કાઢીને માફી માંગવી જોઈએ. નહીં તો ખાપ પંચાયત મોટું આંદોલન કરશે તેવું તેમણે કહ્યું હતું.

CM યોગીની તુલનાએ મલ્લિકાર્જુન ખડગેએ આતંકવાદી સાથે કરી?

નવી દિલ્હીઃ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ CM યોગી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે बटेंगे तो कटेंगे જેવું નિવેદન કોઈ સાધુનું નિવેદન છે? કોઈ સાધુ આવું નિવેદન ના આપી શકે. આ વાત આતંકવાદી કહી શકે છે, તમે નહીં. કોઈ નાથ સંપ્રદાયના સાધુ આવી વાત કરી જ ના શકે, અમે ડરીશું તો મરીશું, અમે ડરવાવાળા નથી, એમ ઝારખંડના પલામુમાં છત્તરપુર વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું.

તેમણે આરોપ લગાવ્યો હતો કે મોદી-યોગીનો ઉદ્દેશ દેશની એકતાને ખતમ કરવાનો છે અને સત્તા જાળવી રાખવા તેઓ આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે. આવાં ભડકાઉ નિવેદનોનો હેતુ દેશમાં લોકોની વચ્ચે ફૂટ પાડવાનો છે., જેથી તેઓ રાજકીય સ્વાર્થ સાધી શકે. આ પ્રકારનાં નિવેદનોને તેમણે દાદાગીરીનું પ્રતીક ગણાવ્યાં હતાં.તેમણે PM મોદી અને UPના CM યોગી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે બંને- પોતપોતાનાં ભાષણોમાં વિરોધભાસી નિવેદનો આપી રહ્યા છે. તેમણે PMના એક “एक हैं तो सेफ हैं” અને CM યોગીના “बंटेंगे तो कटेंगे”ના સૂત્ર પર સવાલો ઊભા કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે તેઓ અત્યાર સુધી ચાર ચૂંટણી સભાઓ યોજી ચૂક્યા છે. તેમણે રાજ્યમાં ગઠબંધનની સરકાર  બનવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના રાજકારણ વિશે તેમણે ગઠબંધનની સરકાર રચાવાનો દાવો કર્યો હતો.

તેમણે PM મોદી અને CM યોગી પર દેશને વિભાજિત કરાવવાની નીતિ અપવાવવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓના સૂત્રો વિરોધાભાસી હોવાનો તેમણે દાવો કર્યો હતો.