Home Blog Page 1346

ભારતમાં સેમીકંડક્ટર નીતિ અમલ કરનાર ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય

ગુજરાત સેમીકંડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્ય બન્યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી ‘ગુજરાત સેમીકંડક્ટર નીતિ 2022-2027’ની શરૂઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણ ખાતરી કરવા માટે, રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય ઈલેક્ટ્રોનિક્સ મિશન’ની સ્થાપના કરી છે. જે સેમિકંડક્ટર આત્મ નિર્ભરતામાં રાજ્યના નેતૃત્વને આગળ વધારવાના ઉદ્દેશ્યને સમર્પિત સંસ્થા છે.

સેમીકંડક્ટર નીતિ હેઠળ, ગુજરાત સરકારે સેમીકંડક્ટર કંપની માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ સાથે રાજ્યની ચાર મોટી સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં કુલ 1.24 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી 53 હજાર નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2021માં ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ની શરૂઆત કરી હતી. આ માટે 76 હજાર કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારતનું સેમીકંડક્ટર બજારનું મૂલ્ય 2020માં 15 અરબ ડોલર હતું, જે 2026 સુધી 63 અરબ ડોલરે વટાવી દેશે તેવું અનુમાન છે.

મહા વિકાસ આઘાડીની ગાડીમાં બ્રેક અને પૈડાં નથીઃ PM મોદી

નાસિકઃ રાજ્યમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં PM મોદીએ ચૂંટણીપ્રચારનું બ્યુગલ ફૂક્યું હતું.તેમણે ધુળેમાં ચૂંટણી સભા સંબોધિત કર્યું હતું. તેમણે મહા વિકાસ આઘાડી પર આકરા પ્રહારો કર્યા હતા. મહા વિકાસ આઘાડીની ગાડીમાં બ્રેક પણ નથી અને પૈડાં નથી, એમ તેમણે કહ્યું હતું. MVAના લોકો મહિલાઓને ગાળો આપે છે.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ જાતિને આધારે લોકોને વહેંચી રહ્યા છે. તે ઈચ્છે છે કે SC, ST અને OBCની પ્રગતિ ન થાય. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં વોલ 370 ઊભી કરી હતી, જેને અમે તોડી પાડી હતી.નાસિકની દરેક વ્યક્તિને ગર્વ છે કે તેમનું શહેર સ્વતંત્ર ભારતમાં આટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. બીજી તરફ તેઓ કોંગ્રેસ અને અઘાડીના પણ છે. તેઓ દેશને કમજોર કરવાની કોઈ તક છોડતા નથી. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓને ન તો બાબાસાહેબ આંબેડકરના બંધારણની પરવા છે કે ન તો દેશની. જ્યારે સંવિધાનની સુરક્ષાની વાત આવે છે ત્યારે તેઓ ઊલટું કરે છે. આ એ કોંગ્રેસી લોકો છે જેમણે બાબાસાહેબ આંબેડકરના બંધારણને 75 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન થવા દીધું.

હજી બે દિવસ પહેલાં કોંગ્રેસ અને તેના સહયોગીઓએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370ને ફરીથી લાગુ કરવાને લઈને હંગામો કર્યો હતો. આ લોકો ફરી ઇચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી બાબાસાહેબ આંબેડકરનું બંધારણ હટાવવામાં આવે. આ લોકો ફરી ઇચ્છે છે કે ત્યાં દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલ આરક્ષણ ફરીથી નાબૂદ કરવામાં આવે.મહારાષ્ટ્રની જનતા જોઈ રહી છે કે એક તરફ મહાયુતિનો ઢંઢેરો છે તો બીજી તરફ મહા આઘાડીનો કૌભાંડી પત્ર છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જ્યાં પણ હાજર હશે ત્યાં ચોક્કસ કૌભાંડો થશે. આ લોકો એવી જાહેરાતો કરે છે, જેમાં મહત્તમ ભ્રષ્ટાચાર થઈ શકે, એમ તેમણે કહ્યું હતું.

 

રાજ્યપાલ સાથે નવ પ્રોબેશનર IPS અધિકારીઓની સૌજન્ય મુલાકાત

ગુજરાત કેડરના નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પોલીસ પ્રશાસનમાં લોકોની જે સેવા થઈ શકે એવી સેવા અન્ય વિભાગોની નોકરી દરમિયાન ન થઈ શકે. પોલીસની ફરજ દરમિયાન સાચા અર્થમાં જનસેવા થઈ શકે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, તપસ્યા, પરિશ્રમ અને બુદ્ધિપ્રતિભાથી આઈ.પી.એસ. બન્યા પછી પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે જનસેવા કરવાની તમને સુવર્ણ તક મળી છે ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને સુખના દિવસો દેખાડી શકો એવી રીતે ફરજ બજાવજો. વર્ષ 2022 અને 2023 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયેલા 76 આર.આર. બેચના ગુજરાત કેડરમાં આવેલા નવ પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓ સરદાર વલ્લભભાઈ નેશનલ પોલીસ એકેડેમી, હૈદરાબાદમાં તાલીમ લીધા પછી ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈમાં સ્ટેટ લૉ અને અન્ય તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુવા અધિકારીઓને સફળતા માટે શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવવાનો અવસર મળ્યો છે એ અત્યંત સારી બાબત છે. આગામી પાંચ વર્ષમાં ‘વિકસિત ગુજરાત’ બનવાની ક્ષમતા અને સમર્થતા ધરાવતું ગુજરાત ‘શાંત’ રાજ્ય છે. અહીંના લોકો શાંતિ, પ્રગતિ અને વિકાસના માર્ગે છે ત્યારે ધૈર્ય અને ચિંતનપૂર્વક કોઈને પણ અન્યાય ન થાય એ પ્રકારે ફરજ બજાવવા તેમણે પ્રોબેશનર આઈ.પી.એસ. અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જરૂરિયાતમંદ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવા હંમેશા પ્રયત્નશીલ રહેવાની તેમણે શીખ આપી હતી. આ પ્રકારે ફરજ બજાવવાથી આત્મા અને મનની પ્રસન્નતા જળવાઈ રહેશે અને તે જ જીવનની સાચી મૂડી છે એમ તેમણે કહ્યું હતું.

શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા સુનિલ શેટ્ટી, પોતે જ જણાવી હાલની સ્થિતિ

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી આજકાલ પોતાની આગામી સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં સુનીલ શેટ્ટી સૂટ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ શૂટિંગ અટકાવવું પડ્યું હતું. સુનીલ શેટ્ટીની ઈજાના સમાચારે તેના ચાહકોને પણ પરેશાન કરી દીધા હતા. હવે સુનીલ શેટ્ટીએ ફેન્સ માટે રાહતના સમાચાર આપ્યા છે. તેણે પોતાની હેલ્થ અપડેટ પણ આપી છે.

ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરતા સુનીલ શેટ્ટીએ લખ્યું,’નાની ઈજા હતી, જે ઠીક થઈ ગઈ છે. હું હવે એકદમ ઠીક છું અને ફરીથી શૂટિંગ કરવા માટે તૈયાર છું. ખૂબ પ્રેમ અને સમર્થન બદલ આભાર.’ તમને જણાવી દઈએ કે હાલમાં જ સુનીલ શેટ્ટી તેની OTT સિરીઝના એક્શન સીન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હવે તે સ્વસ્થ થઈ ગયો છે.

સુનીલ શેટ્ટીનો બોલિવૂડમાં 3 દાયકાથી દબદબો છે. 90ના દાયકામાં એક્શન હીરો તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર સુનીલ શેટ્ટીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. સુનીલ શેટ્ટીએ એક્શનથી લઈને રોમાન્સ અને ડ્રામા સુધીની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે. હવે 63 વર્ષની ઉંમરે પણ નવોદિત કલાકારો સુનીલ શેટ્ટીના અદભૂત શરીર સામે નિસ્તેજ દેખાય છે. સુનીલ શેટ્ટી હજુ પણ સ્ક્રીન પર એક્શન કરતા જોવા મળે છે. IMDB અનુસાર, સુનીલ શેટ્ટી આ દિવસોમાં 16 પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાંથી કેટલીક ફિલ્મો અને કેટલીક OTT શ્રેણી છે.

ફિલ્મોની સાથે તે સિરીઝ અને રિયાલિટી શોમાં પણ કામ કરે છે
સુનીલ શેટ્ટી ફિલ્મોની સાથે અન્ય પ્રોજેક્ટ્સમાં પણ ભાગ લેતા રહે છે. સુનીલ શેટ્ટીનો જાદુ ઘણી વખત રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો છે. સુનીલ શેટ્ટીએ માધુરી દીક્ષિત સાથે ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે. સુનીલ શેટ્ટી ફિલ્મોની સાથે OTT સિરીઝમાં પણ સક્રિય છે.

ભરૂચમાં 18 લાખના MD ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

ગુજરાતમાં ફરી નસીલા પદાર્થીની હેરફર કરતા લોકોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચ પોલીસે એમડી ડ્ર્ગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ પાસેથી 180 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે એકસપ્રેસ હાઈવે પર કારમાં ત્રણ આરોપીઓ આવી રહ્યાં છે અને તેમની પાસે ડ્રગ્સ છે તેને લઈ પોલીસે કાર ચેક કરી હતી અને તેમાંથી ડ્રગ્સ મળી આવ્યુ હતુ.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરાથી ભરૂચ આવતી કારમાં 180 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યુ હતુ. ઈલિયાસ, અશરફ અને હનીફ રાજ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં ઈલિયાસ ડ્રગ્સ કેસમાંથી જેલમાંથી છૂટીને આવ્યો હતો અને કાવી પોલીસ સ્ટેશનના ચકચારી કેસમાં તેનો મુખ્ય રોલ હતો સાથે સાથે ડ્રગ્સના ઈન્જેક્શન આપી મહિલાઓ પર દુષ્કર્મ આચર્યુ હતુ તે કેસમાં ઈલિયાસની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. ભરૂચ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે તો અન્ય એક આરોપી ફરાર થયો છે. પોલીસે આરોપીઓ સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા કારમાંથી આ ડ્રગ્સ ઝડપાયું હતુ. સાથે સાથે આ ડ્રગ્સનો આરોપીઓ પોતે વેપાર કરતા હતા કે અન્ય કોઈને વેપાર માટે આપતા હતા તેને લઈ તપાસ ચાલુ છે. ત્યારે અગામી દિવસોમાં આ કેસને લઈ મોટા ખુલાસા પણ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.

ખેડૂતે કારને સમાધિ આપીને સ્મારક બનાવીને કર્યો જમણવાર

અમરેલીઃ જિલ્લામાં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું  અને જમણવાર પણ કર્યો હતો. ખેડૂતે સંપૂર્ણ વિધિ-વિધાનથી કાર માટે પૂજા-પાઠ કરી હતીઆખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કર્યું અને આશરે 1500 લોકો માટે જમણવાર પણ કર્યો હતો.

અમરેલીના લાઠી તાલુકાના પાડરસિંગા ગામમાં ખેડૂત સંજય પોલરાએ પોતાની જૂની કારને સમાધિ આપીને એક સ્મારક બનાવડાવ્યું છે. ગામના લોકો ઢોલ-નગારાં અને ડીજે પર ઝૂમ્યા પણ હતા. ખેડૂતે જૂની કારને ફૂલોથી સજાવવામાં આવી હતી. સંતો અને મહંતોની ખાસ હાજરીમાં આખુ ગામ કારને સમાધિ આપવા માટે પહોંચ્યું હતું. સંજય પોલરાએ વર્ષ 2013-14માં કાર ખરીદી હતી. ખેડૂતનું માનવું છે કે આ કારને કારણે તેના જીવનમાં પ્રગતિ થઈ છે માટે તેથી તેણે કાર વેચવાની જગ્યાએ તેને સમાધિ આપી હતી.

કારને લકી માનનારો ખેડૂત સુરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો. સમાજમાં સારું નામ થયું હતું. ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલાં તેના દ્વારા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. તે બાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.

આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.

 

57 નગરપાલિકાના વીજ બિલ બાકી, અંધકારમાં ડૂબી શકે છે અનેક શહેરો!

ગુજરાતમાં રાજ્ય સમુદ્ધ રાજ્યોમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું આ સમુદ્ધ રાજ્યની નગરપાલિકાઓ સમુદ્ધ છે. અવારનાવાર તંત્ર સાથે સરકારની અણવ્યવસ્થાના કિસ્સા સામે આવતા હોય, ત્યારે આ વખતે ગુજરાતની 57 નગરપાલિકાની તિજોરી તળીયા જાટક થઈ હવોના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 57 નગરપાલિકા પર 311 કરોડનું વીજ બિલ બાકી છે. જે ભરવાના નગરપાલિકા પાસે રૂપિયા નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરથી ગુજરાતના ફૂલગુલાબી વિકાસનો પરપોટો ફૂટ્યો છે.

પાછલા ઘણા વખતથી કેટલીક નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે કેમકે, વેરાની આવક ઘટી છે. જ્યારે બીજી બાજુ પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઈ દાખવતું નથી તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. મહત્વની વાત એ છેકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી. આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે. અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે. વીજ બિલના નાણાં લાવવા ક્યાંથી છે એ સવાલ ઊભો થયો છે. ભૂજ, માંડવી, પોરબંદર, હળવદ, કુતિયાણા, પેટલાદ, પાદરા, લિંબડી, બાવળા, બારેજા, નડિયાદ, રાધનપુર, ડીસા, દહેગામ, વડાલી, સિદ્ધપુર, હારીજ, પાલનપુર, કલોલ, માણાવદર, સૂત્રાપાડા, બાબરા, મોરબી, ડભોઈ સહિત અન્ય નગરપાલિકા વીજ બિલ ભરવા નાણાંકીય રીતે સક્ષમ નથી. વીજ બિલ ભરવા અસક્ષમ નગરપાલિકાઓની એવી દશા થઈ છે કે, આ નગરપાલિકાઓએ હવે સરકારમાં દરખાસ્ત રજૂ કરીને 4 ટકા વ્યાજે લોન લેવી પડશે. વ્યાજે લોન લઈને વીજ બિલ ભરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. વીજકંપનીનું કહેવું છે કે, જો સમયસર વીજ બિલ ભરવામાં નહીં આવે તો સ્ટ્રીટલાઇટ બંધ થઈ જતાં ગુજરાતના કેટલાંય શહેરોમાં અંધકાર છવાઈ જશે.

ટ્રમ્પ 2.0: ભારત માટે ફાયદો કે ગેરફાયદો?

રિપબ્લિકન ઉમેદવાર અને અગાઉ અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ 292 ઈલેક્ટોરલ વોટ સાથે ફરી એક વખત પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. અમેરિકાની જનતાના વણકલ્પ્યા જન ચુકાદા બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના સંબોધનમાં આ વિજયને એક ચળવળ કહી હતી. રાજકીય દૃષ્ટિએ પણ આ વિજયને મહાન ચળવળ ગણાવી હતી. આ તમામ બાબતો વચ્ચે પ્રશ્ન એ થાય કે, અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી ભારતને શું ફાયદો થાય?

આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..

ડો.મયુર પરીખ, જાણીતા રાજકીય વિશ્લેશક

સાર્વજનિક રીતે એવું જોવામાં આવે છે કે ટ્રમ્પના પ્રધાનમંત્રી મોદી સાથે સારા સંબંધ છે. જ્યારે જો બાઈડન સમયે ઘણા ભૌગોલિક તણાવમાં અમેરિકાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. પબ્લિક ઓપિનિયન એવો બન્યો કે, કમલા હેરિસ ભારતીય રાજનીતિમાં અશાંતિ ઈચ્છે છે. ટ્રમ્પ કરિશ્માઈ નેતૃત્વ પ્રકારની વ્યક્તિ છે, જેના કારણે તે લોકોને ગમે છે. ટ્રમ્પ એવુ ઈચ્છે છે કે યુક્રેન અને રશિયા યુદ્ધ પૂર્ણ થાય, ત્યારે શાંતિપ્રિય ભારતે હંમેશા રશિયાનો સાથ આપ્યો. હા, એ વાત છે કે ભારતના PM બે વખત અમેરિકાના દબાણ હેઠળ યુક્રેનના PMને મળવા ગયા હતા. છેલ્લે રશિયાએ ચીનને ડિશ-એન્ગેજ કરવા ભાગ પડાવ્યા હતા અને ભારતે પોતાની સરહદ પર પોતાનું પ્રભુત્વ બનાવી લીધું. હવે પ્રશ્ન એ બને છે કે ટ્રમ્પ ભારતને પોતાનું સ્ટેન્ડ બદલવાની વાત કરે, ત્યારે ભારત શું કરે? રાજનીતિમાં મુદ્દાઓ અને વિષય વસ્તુ સતત ફરતા રહેતા હોય છે. ટ્રમ્પના ફરી પ્રેસિડેન્ટ બનવાથી ભારત માટે ફાયદારૂપ બનશે, કેમ કે જ્યારે ભારતની ક્ષેત્રિય સુરક્ષાની વાત થાય ત્યારે ટ્રમ્પ ભારતની મદદે આગળ આવે છે. આ ઉપરાંત ભૌગોલિક રીતે ભારત થોડું નબળું પડતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ટ્રમ્પ સરકાર હોવું ભારત માટે ફાયદાકારક છે.

કુણાલ સોઢાણી, વાઈસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ ટ્રેડિંગ સેન્ટર, સિંહાન બેંક

રિપબ્લીકન ટ્રમ્પ પાર્ટી જે ફરી વિજય મેળવી સત્તા પર આવી છે, તેમનું બે વસ્તુ પર ફોક્સ હતું. એક તો, ટેક્સીસ કટ કરવા પર અને બીજુ શેર રેટમાં વધારો કરવો. આ બંને વસ્તુથી USમાં રૂપિયાના સ્પેડિંગમાં વધારો થાય. જેનાથી ઈનફ્લેશનમાં વધારો થાય અને તેની અસર આખા વિશ્વ પર પડી શકે છે. આપણે જોયું કે ડોલર ઈન્ડેક્સ 105ને વટાવી ગયો હતો. આ સાથે US ટ્રેઝરીમાં વધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પ સરકાર એમ્પ્લોયમેન્ટ પોલીસી નવી લાવી શકે છે, જેનાથી આપણા સ્ટુડન્ટને ફાયદો થઈ શકે. મારા મત અનુસાર ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ પ્રોત્સાહન આપવામાં માને છે. જ્યારે માર્કેટની વાત કરીએ તો, રૂપિયો થોડા પ્રેશરમાં રહી શકે. જો આપણે ઓઈલ ઈમ્પોર્ટ કરતા દેશ તરીકે જોઈએ તો, રૂપિયાનું પ્રેશરમાં રહેવું અને ડોલરમાં થતો વધારો આપણા માટે નથી સારો. ડોલર વધવાથી પણ ટ્રેડ ડેફિસિટ નંબર અને કરંટ ડેફિસિટ નંબર વધશે. નવી સરકાર આવવાથી બે મહિના સુધી આઉટફ્લો વધુ રહી શકે છે. પરંતુ RBIની પોલિસીને લઈ થોડું ડેફિસિયન્સી જોવા મળી શકે છે. હવે આગામી USની મોનેટરી પોલિસી પર વિશ્વની નજર રહેશે, કેમકે આ પોલિસી આખા વિશ્વને અસર કરી શકે છે.

પુનિત દુબે, સેક્રેટરી, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ ધરાવે છે. આ સારા સંબંધોને કારણે ઘણા ખરા સેક્ટરમાં વિકાસ જોવા મળ્યો હતો. જેમ કે, ફાર્માસ્યુટીકલ અને ડિફેન્સ સેક્ટર. આપણે ટ્રમ્પ સરકારની આ પહેલાની ટર્મ જોઈ હતી, જેમાં ટ્રમ્પ સરકારે બીજા કન્ટ્રીથી વધુ ભારત સાથે સંબંધ બનાવી રાખ્યા હતા. જ્યારે ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી એક્સપોર્ટ બિઝનેસ વધુ ગ્રોથ મળવાની આશા છે. જો અત્યાર સુધીની વાત કરીએ તો, US ભારતનું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. જ્યાં US ચાઈનાની તોલે ભારતને ફાર્માસિટીકલ વસ્તુના ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે વધુ પ્રોત્સાહન આપે છે. હાલના સમયમાં ભારતમાંથી ઓર્ગેનિક કેમિકલ, ટેક્સટાઈલ, જેમ્સ જ્વેલરી અને મશીનરી જેવી વસ્તુ અમેરીકામાં એક્સપોર્ટ થાય છે.

મિતલ ગોસ્વામી, MD, ડાયનેમિક કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ

અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પના આવવાથી વધારે ફરક નહીં પડે. સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. ટ્રમ્પ સરકાર દ્વારા ઇમિગ્રન્ટ્સને આવકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા અને કાયદેસર રીતે યુએસમાં સ્થાયી થવાનો માર્ગ મોકળો બનશે. આ સાથે ટ્રમ્પ સરકાર ગેરકાયદે ઇમિગ્રેશન મેળવનાર લોકો પર કડક પગલાં લેવાની પણ વાત પણ કરી હતી. જે ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ સારી તક બની શકે છે. કેમ કે ગેરકાયદે જનારા લોકો હંમેશા કાયદેસર જનારા લોકોને ડિસ્ટર્બ કરે છે. કોઈ પણ દેશ લોકોને ત્યારે જ બોલાવે છે. જ્યારે તમારી સ્કિલ કે મેન પાવર એ દેશના વિકાસમાં મદદ રૂપ બને. પરંતુ ગેરકાયદે જનારા લોકો પાસે સ્કિલ્સ ન હોય, જેના કારણે ઇમિગ્રેશન પોલીસી અમુક અંશે કડક કરવાની વાત કરવામાં આવી છે. જે કાયદાકીય રીતે જનારા લોકોને નડતર રૂપ બનશે નહીં. 

(તેજસ રાજપરા – અમદાવાદ)

બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે કાલ્પનિક ભય ઉદ્ભવે

સમયની સાથે ઘણુબધું બદલાય છે. એક જમાનામાં ગુપ્તી લઈને ફરવું એ સભ્યતા ગણાતી હતી. હવે ગુપ્તી રાખવી એ ગુનો ગણાય છે. ગમે તેવો હાઈ ટેસ્ટ હોય તો પણ સો નાળી વાળી બંધુક તો કોઈ ન જ રાખે. કઈ નાળી ક્યારે ફૂટે એનો કંટ્રોલ ન રહે. માણસનું મન એને ઘણું ખોટું કરવા પ્રેરે પણ નિયમોને આધીન જીવવું ખુબ જરૂરી છે. જરા વિચારો કે જે વ્યક્તિને જેની ભૂખ હોય એ જ ખાવામાં મળે તો? થાળીમાં રૂપિયાના બંડલ દેખાય કે માત્ર સોનું દેખાય તો માણસની ભૂખ સંતોષાય? એના માટે તો ખોરાકમાં વપરાતી વસ્તુઓ જ જોઈએ. સાચી સમજણ વિના માનસિક વિકાસ શક્ય નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ  નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: આજકાલ બધું જ નકલી પકડાય છે. અને દરેક વખતે નવું નકલી પકડાય ત્યારે નવાઈ લાગે કે લે, આમાં ય નકલી? ક્યારેક વિચાર આવે કે કરોડોની નોટ લેવા ગયેલા માણસોને એટલું પણ નહિ શીખવાડ્યું હોય કે તપાસીને લેજો. ક્યારેક તો બધું ફિલ્મની વાર્તા જેવું લાગે છે. અમે નાના હતા ત્યારે એક વાર્તા આવતી કે રાજાને એક વિદ્વાને પારદર્શક કપડા પહેરાવી દીધેલા. હકીકતમાં એવા કપડા હતા જ નહિ. પણ રાજાના ડરના લીધે કોઈ સાચું બોલવા તૈયાર નહોતું. આજે જયારે વિચારો તો નિવસ્ત્ર થઇ જ રહ્યા છે. ત્યારે કોઈ અદ્રશ્ય કપડાના નામે આવું કરશે તો નવાઈ નહિ લાગે. ગઈકાલે જ એક સમાચાર વાંચ્યા કે એક માણસે 18000 ડોલરમાં એક અદ્રશ્ય ચિત્ર ખરીદ્યું. શરૂઆત તો થઇ જ ગઈ છે. આધુનિક થવાની હોડમાં બધા જેવું મન છે એવા જ થઈને ફરશે તો સમાજનું શું થશે?

જવાબ: આજના યુગમાં બધું જ શક્ય છે. કહે છે ને, જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. અદ્રશ્ય ચલણ ખરીદીને લોકો અબજોપતિ પણ થયા છે. જે નથી એનો મહિમા વધી રહ્યો છે. બધું જ આભાસી થઇ રહ્યું છે. પણ જીવનનો સંઘર્ષ તો સાચો જ હોય છે. એમાં કોઈ એક પગલું પણ ખોટું ભરાય તો આખો દાખલો ખોટો પડે.

સમાજની દિશા બદલાઈ છે. ભારતીયપણું વિસરાઈ રહ્યું છે. બધા કોઈ એક રેસમાં ભાગી રહ્યા છે. પણ કોઈ ક્યાંય પહોંચતું નથી. સાચો રસ્તો શોધી અને એને અનુસરવું ખુબ જરૂરી છે. જે વ્યક્તિ પ્રલોભનોથી પર રહી શકશે એ જ આ રેસમાંથી બચી શકશે. સવારમાં વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવવાથી સ્વ માટેની સાચી સમજણ આવશે.

સવાલ: સાહેબ, આજે હું એક જગ્યાએ ખુબ સારી પોસ્ટ પર છુ. હું નાનપણમાં ભણવામાં સારી ન હતી. પિતાજીનો સ્વભાવ ગુસ્સા વાળો. એમને બસ માર્ક જોઈએ. મને પ્રેક્ટીકલ શિખવાડવાના બહાને સાહેબો ભોંયરામાં લઇ જઈને છેડતી કરતા. માર્ક એમના હાથમાં હોવાથી હું વિરોધ ન કરી શકી. અમારા ઘરથી થોડે દુર અમારા એક દુરના સગા રહેતા. એનો દીકરો મારાથી દસ વરસ મોટો. એ ગણિત શિખવાડવાના બહાને મારો લાભ ઉઠાવતો. એક દિવસ ગર્ભ રહી ગયો. એ બાળક કોનું હતું એ તો હું પણ નક્કી કરી શકતી નહોતી. કુલ સાત લોકો મારા સંપર્કમાં હતા. મારા પિતાજીએ મને ખુબ મારી. પણ એમણે બીજું કાઈ પૂછ્યું નહિ એટલે માર્ક માટેની પ્રક્રિયા ચાલુ રહી. હું સ્નાતક થઇ ત્યાં સુધીમાં ચાર વાર ગર્ભ રહ્યો. હું સારા માર્કથી પાસ થઇ. શરીર સ્થૂળ થઇ ગયું હતું. એક દિવસ અમારા જ એક નોકર સાથે મેં લગ્ન કરી લીધા. એક જ સંતાન એટલે ઘરનાએ સ્વીકારી લીધું. મારે બે બાળકો છે. ક્યારેક ડર લાગે છે કે મારો ભૂતકાળ એમના ભવિષ્યમાં તો વચ્ચે નહિ આવે ને? વળી મારો પતિ ખુબ મહત્વકાંક્ષી છે. એને સતત પૈસા જ જોઈએ છે. એ વધારે પૈસા મળે તો મને છોડી નહિ દે ને? થોડા સમયથી એ મને એવું કહે છે કે સોનાના ભાવ વધ્યા છે તો તું તો મારું સોનું જ છે ને? મને ખુબ ડર લાગે છે.

જવાબ: જયારે બ્રહ્મ અને ઉત્તરનો દોષ ભેગો થાય ત્યારે કાલ્પનિક ભય ઉદ્ભવે. વળી તમારા ઘરનું દ્વાર દક્ષિણના નકારાત્મક પદમાં છે. બે મુખ્ય દરવાજા બાજુબાજુમાં છે. જે તમારા પતિને ભૌતિકતા તરફ લઇ જવાની સાથે એની ભૂખ વધારે છે.

બાળકો સાથે એવી રીતે સહેવું જોઈએ કે એ પોતાની સમસ્યા માતાપિતાને કહી શકે. તમારા ઘરમાં એ વાતાવરણ નહોતું. પણ હવે એ બધું ભૂતકાળ બની ગયું છે. તમે તમારા બાળકોને એ રીતે તૈયાર કરો કે એ હમેશા તમારી સાથે ઉભા રહે. તમારા પતિ એ માત્ર પૈસા માટે તમારી સાથે લગ્ન કર્યા છે. અત્યારે પણ એ તમારા પદનો લાભ લઇ અને બધાને છેતરે છે. તમારે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે મને આ નથી ગમતું. જો કોઈ તપાસ થશે તો તમે ફસાશો. એમને કોઈ એવી સત્તા ન આપો કે જે તમારું જીવન બગાડે. તમે લગ્ન માટે ઉતાવળીઓ નિર્ણય લીધો. જો તમારા માબાપ ન માન્યા હોત તો તમે એની સાથે ફૂટપાથ પર રહેવા ગયા હોત. એ તમને ફાવે? લગ્ન એ શરૂઆત છે. કોઈ જરાક સારી રીતે બોલે એટલે લગ્ન ન કરી લેવાય. હજુ પણ સમય છે. વિરોધ કરો. તમે સફળ છો. પણ તમારા પતિના લીધે તમે માનસન્માન તો ખોશો જ પણ કોઈ સજા થશે તો એ તમારે જ ભોગવવી પડશે. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો.

સુચન: બાજુબાજુમાં બે મુખ્ય દ્વાર આવતા હોય એ ઘર નકારાત્મક ગણાય.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

‘હિમ્મત હોય તો બચાવી લો’ સલમાન ખાનને ફરી મળી ધમકી

મુંબઈ: સલમાન ખાનની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. લોરેન્સ બિશ્નોઈની જૂની ધમકી બાદ વધુ એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે. આ વખતે પણ આ ધમકીમાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. આ ધમકી સીધી સલમાન ખાન માટે નથી પરંતુ તેના પર ગીત લખનાર વ્યક્તિ માટે છે. મુંબઈ પોલીસના ટ્રાફિક વિભાગને એક મેસેજ આવ્યો છે, જેમાં સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ હતો. મોકલવામાં આવેલા મેસેજમાં લોરેન્સ બિશ્નોઈ અને સલમાન વિશે લખેલા ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મેસેજ ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો.

Bollywood actor Salman Khan poses for photographs during the trailer launch of his movie ‘Tubelight’ in Mumbai, India on May25, 2017.

હાલ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધમકીભર્યો મેસેજ મળ્યા બાદ પ્રોટોકોલ મુજબ કેસ નોંધવામાં આવશે અને મેસેજ મોકલનાર આરોપીની શોધ કરવામાં આવશે. હાલમાં પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મેસેજ મોકલનાર વ્યક્તિએ સલમાન અને લોરેન્સ બિશ્નોઈ પર લખેલા ગીતનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે તે ગીત લખનારને બક્ષશે નહીં અને એક મહિનાની અંદર ગીત લખનારને મારી નાખશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવી લે.

શાહરૂખ ખાનને પણ ધમકી મળી હતી
નોંધનીય છે કે ગઈકાલે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ સ્ટેશનમાં મળેલા ફોનમાં શાહરૂખને ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો હતો. હવે તેના એક દિવસ બાદ જ સલમાન ખાનને ફરી એક ધમકી મળી છે. તાજેતરમાં પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાએ સૌને ચોંકાવી દીધા હતા. લોરેન્સ બિશ્નોઈની ગેંગે આ ઘટનાની જવાબદારી લીધી હતી અને તેના તાર સલમાન ખાનના કેસ સાથે પણ જોડાયેલા હતા. બાબા સિદ્દીકી સલમાન ખાનના ખાસ મિત્ર હતા. આના થોડા દિવસ પહેલા જ સલમાન ખાનને ધમકી મળી હતી. જેલમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ આવા ગુના કર્યા બાદ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ ગેંગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બાબા સિદ્દીકીનો પુત્ર જીશાન પણ નિશાને છે.

આ મામલે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે
આ મામલે પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. સતત કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મામલો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગથી શરૂ થયો હતો. આ પછી તેના પિતા સલીમ ખાનને ધમકીઓ મળી હતી. રસ્તામાં લોરેન્સ બિશ્નોઈના નામે સ્કૂટર પર સવાર બે લોકોએ તેને ધમકી આપી હતી. બાદમાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ પછી બાબા સિદ્દીકીની હત્યાએ આ સમગ્ર મામલાને વધુ વેગ આપ્યો. જો કે, સલમાન ખાનની સુરક્ષા કડક કરવામાં આવી છે. તે સુરક્ષાની વચ્ચે પોતાના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યો છે. ‘બિગ બોસ 17’ હોસ્ટ કરવાની સાથે સાથે સલમાન ખાન આગામી ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગમાં વ્યસ્ત છે.