Home Blog Page 1352

લાભ પાંચમથી ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડ ધમધમતા થયા

દિવાળીના તહેવાર બાદની પાંચ એટલે લાભ પાંચમ. આ વર્ષે આજે એટલેકે 6 નવેમ્બરના લાભ પાંચમનો શુભ પર્વ છે. લાભ પાંચમના દિવસે પૂજા કરવાથી સાધકને વેપાર વગેરેમાં લાભ થાય છે. આજના દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. ત્યારે દિવાળીની રજાઓ બાદ આજથી રાજકોટ, મોરબી, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે. જ્યાં મગફળી, કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની આવક શરૂ થઈ છે.

રાજકોટનું બેડી માર્કેટ યાર્ડ આજથી ધમધમતુ થયું હતું. આજે પહેલા દિવસે જ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. આજે 1 લાખ ગુણી જેટલી મગફળીની આવક થઈ હતી અને 1250 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી. મોરબી માર્કેર્ટ યાર્ડમાં આજે વેપારના શ્રીગણેશ થયા હતા. આજે વધુ આવક કપાસની થઈ હતી. મગફળી, બાજરો, એરંડા, તલ, ચણા, સોયાબીન વગેરેની પણ આવક થઈ છે. આજે 11,060 મણ કપાસની આવક થઈ હતી, જેના 1300થી 1550 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત 2875 મણ મગફળીની આવક થઈ હતી, જેનો 840થી 1256 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.

વિવિધ માર્કેટ યાર્ડમાં જણસીના આવક શરૂ 

દિવાળીના મિની વેકેશન બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 345થી વધુ વાહનોમાં મગફળી સહીત જુદી જુદી જણસીની આવક શરૂ થઈ છે. મંગળવારથી યાર્ડ ખાતે મગફળી લઈને ખેડૂતો આવ્યા હોવાથી દોઢ કિ.મી. લાંબી કતાર જોવા મળી હતી. બીજી બાજુ લાભ પાંચમના દિવસે પોરબંદરના માર્કેટ યાર્ડમાં જણસીની આવક જોવા મળી હતી. ત્યારે આજે મગફળીના ભાવ 1000થી 1100 રૂપિયા જેવો મળ્યો છે. નોંધનીય છે કે, ખેડૂતોને મગફળીની ગુણવત્તા મુજબ ભાવ પણ સારા મળ્યા છે. હિંમત નગર માર્કેટ યાર્ડ ખાતે ઘણાં સમથી મગફળીની આવકની શરૂઆત થઈ હતી. યાર્ડમાં મગફળીની 15 હજાર જેટલી બોરીની આવક થઈ હતી અને 1200થી 1400 સુધીના પ્રતિ મણે ભાવ બોલાયો હતો. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે. પહેલા દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી. સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા અને મગફળીની 1500 થી વધુ ગુણીની આવક થઈ છે. અમરેલીના સાવરકુંડલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ થયો છે. માર્કેટ યાર્ડમાં ચણાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ચણાનો ભાવ 1,000થી 1,561 રૂપિયા બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં 40 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડ ચણા સહિતની જણસીની પણ આવક નોંધાઈ હતી. મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 236 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં દિવાળીના તહેવારો પછી ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, આજે ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રજકા સહિતના પાકો વેચાણ અર્થે લઈને આવ્યા હતા. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં લાભ પાંચમથી ખેડૂતોએ બટાટાની વાવણી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં જિલ્લામાં આશરે 60થી 70 હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે.

મિથુન ચક્રવર્તી મુશ્કેલીમાં, આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન, હવે નોંધાઈ FIR

મુંબઈ: આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા ભાજપ રાજ્યમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. આ સંબંધમાં ગૃહમંત્રી અમિત શાહ ગયા મહિને 27 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. તેમની એક સભામાં લોકોને સંબોધિત કરતી વખતે, અભિનેતામાંથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીએ કંઈક એવું કહ્યું જેના માટે હવે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે તેમણે શું કહ્યું જેના માટે તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

 (Photo: Kuntal Chakrabarty/IANS)

મિથુન ચક્રવર્તીએ આ નિવેદન આપ્યું હતું

અમિત શાહની સભામાં જનતાને સંબોધતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, ‘આપણે ત્યાં એક નેતા કહે છે કે અમે 70 ટકા મુસ્લિમ અને 30 ટકા હિંદુ છીએ. અમે તેમને કાપીને ભાગીરથીમાં વહાવી દેશું. તેમણે આગળ કહ્યું,’તમે કાપીને ભાગીરથીમાં ફેંકી દેશો,પણ એક દિવસ એવો આવશે જ્યારે અમે તમને કાપીને ભાગીરથીમાં નહીં, પણ તમારી ભૂમિમાં ફેંકી દઈશું. જો તમે અમારા ઝાડમાંથી એક ફળ તોડશો તો અમે તમારા ઝાડમાંથી 4 ફળો તોડી નાખીશું.

તેમણે સભામાં આગળ કહ્યું,’એટલે જ હું વારંવાર કહું છું કે અમે કંઈપણ, કંઈ પણ કરીશું. અમને એવા કાર્યકરોની જરૂર છે જે આગળ આવીને લડત આપે. આપણને એવા કામદારોની જરૂર છે જેઓ છાતી ઉંચી કરીને કહે કે ‘ગોળી માર, હું પણ જોઉં કે કેટલી ગોળીઓ છે.’

હવે કેસ દાખલ કરવામાં આવ્યો છે

મિથુન ચક્રવર્તી માટે સભામાં આ પ્રકારનું નિવેદન આપવું હવે એક સમસ્યા બની ગયું છે કારણ કે તેમના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અભિનેતામાંથી બીજેપી નેતા બનેલા મિથુન ચક્રવર્તી વિરુદ્ધ બિધાનનગર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ભાવનગરમાં ડેન્ગ્યુ-ટાઈફોઈડ સહિત રોગચાળાનો વધ્યો કહેર

ચોમાસા બાદ ગુજરાતભરમાં રોગચાળાની રાફડો ફાટેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરમાં ટાઈફોઈડ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સાથે તાવ અને શરદી ઉધરસના વાયરલ કેસોમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ટાઈફોઈડના 44થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા છે. આ ઉપરાંત શરદી ઉધરસના 2500થી વધુ કેસો નોંધાયા છે. તાવના પણ ત્રણ મહિનામાં 1000થી વધુ કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના ત્રણ મહિનામાં 25થી વધુ કેસો નોંધાયા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટાઈફોઈડના મામલે પાણીના સેમ્પલો લેવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વે કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. ભાવનગર શહેરમાં ત્રણ મહિનામાં વધેલા રોગચાળાને લઈ હાલ આરોગ્ય વિભાગ સતર્ક બની કામગીરી કરી રહ્યું છે.

ત્યારે બીજી બાજુ જૂનાગઢમાં બેવડી ઋતુમાં રોગચાળાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, ઈન્ફેક્શનના કુલ 800થી વધુ દર્દીઓ નોંધાયા છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન શરદી, ઉધરસ, તાવ અને ઈન્ફેક્શનના કુલ 189 કેસ નોંધાયા હતા. જેની સામે ઓક્ટોબરમાં 239 દર્દીઓ નોંધાયા છે, બીજી તરફ ઝાડા ઉલટીના સપ્ટેમ્બરમાં 99 કેસ હતા તો ઓક્ટોબર મહિનામાં 249 દર્દીનો વધારો થયો છે, જ્યારે ડેન્ગ્યુમાં ઓક્ટોબર મહિના દરમિયાન 14 અને સપ્ટેમ્બર મહિનામાં 16 તેમજ મેલેરિયાના કુલ બે મહિના દરમિયાન 12 કેસ નોંધાયા છે.

ભાજપના કાર્યકરે જાહેરમાં જન્મદિવસ ઉજવીને કાયદાનું કર્યું ઉલ્લંઘન

સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. છતા ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.

રાજ્યમાં અને દેશમાં ભાજપી કાર્યકરો સત્તાના મદમાં હોય તે રીતે નિયમોનો ભંગ કરતાં હોય એવા દૃશ્યો છાસવારે સામે આવી રહ્યાં છે. સચિન વિસ્તારના ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.

નોંધનીય છે કે, સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે અગાઉ કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉજવણી કરતો યુવક ભાજપના કાર્યકર્તા છે.

જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરે રેલી યોજી, ડીજેના તાલે ડાન્સ, જાહેરમાં આતશબાજી અને કેક પણ કાપવામાં આવી હતી. જેથી લોકો ચર્ચા કરી રહ્યા છે કે, ભાજપના કાર્યકર્તાઓને કાયદાનું ભાન નથી અને પોલીસનો પણ કોઈ ડર નથી. હવે જોવુ એ રહ્યું કે આવા લોકોને પોલીસ કમિશનર કાયદાનું ભાન કરાવશે કે નહીં?

UPમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં બુલડોઝર એક્શનને લઈને સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે UP સરકારને આદેશ કર્યો છે કે બુલડોઝરથી જેનું ઘર તોડ્યું છે, એને રૂ. 25 લાખનું વળતર ચૂકવવામાં આવે. આ મામલે CJIએ કહ્યું હતું કે ઘર તોડવામાં કોઈ પણ પ્રક્રિયાનું પાલન નથી કરવામાં આવ્યું.

કોર્ટે પણ આ મામલે ઉત્તર પ્રદેશ (UP) સરકારના અધિકારીઓના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશ (UP)ના મુખ્ય સચિવને મહારાજગંજ જિલ્લામાં મકાનોને ગેરકાયદે રીતે તોડી પાડવાના કેસની તપાસ કરવા જણાવ્યું હતું. બેન્ચ 2019 માં રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મકાનો તોડી પાડવા સંબંધિત કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે કહ્યું, તમે બુલડોઝર લાવીને અને રાતોરાત મકાનો તોડીને આવું ન કરી શકો.’ ખંડપીઠે કહ્યું, ‘તમે કાયદાનું પાલન કર્યા વિના કે નોટિસ આપ્યા વિના કેવી રીતે કોઈના ઘરમાં ઘૂસી શકો છો અને તેને તોડી શકો છો.

કોર્ટે રાજ્ય સરકારને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આદેશનો અમલ એક મહિનામાં કરવાનો રહેશે. બેન્ચે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે ડિમોલિશન કાયદાની સત્તા વિના અને મનસ્વી રીતે કરવામાં આવ્યું હતું.

કોર્ટે કેસને મુલતવી રાખવાની ઉત્તર પ્રદેશ (UP) સરકારની વિનંતીને નકારી કાઢી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કેસનો ઝડપથી નિકાલ થવો જોઈએ, કારણ કે તમામ કાનૂની દસ્તાવેજો પહેલેથી જ રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટના મતે રાજ્ય સરકાર ડિમોલિશન શરૂ કરતાં પહેલાં હાઈવેની મૂળ પહોળાઈ, અતિક્રમણની હદ કે જમીન સંપાદનનો કોઈ પુરાવો બતાવી શકી નથી.

 

મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મોટા સમાચાર,ભાજપ રાજ ઠાકરેના પુત્રને સમર્થન નહીં આપે

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને વિધાનસભા ચૂંટણીમાં સમર્થન નહીં આપે. તમને જણાવી દઈએ કે અમિત ઠાકરે માહિમ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના નેતા આશિષ શેલારે કહ્યું છે કે ભાજપ સમર્થન નથી કરી રહ્યું.

ભાજપ એક સીટ પર રાજ ઠાકરેની પાર્ટીને સમર્થન આપી રહી છે
ભાજપ મહારાષ્ટ્રમાં માત્ર એક સીટ પર રાજ ઠાકરેની પાર્ટી MNSને સમર્થન આપી રહી છે અને તે સીટ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની નથી. આ મુંબઈની શિવડી વિધાનસભા બેઠક છે, જ્યાં MNS નેતા અને રાજ ઠાકરેના નંબર 2 લેફ્ટનન્ટ બાલા નંદગાંવકર ચૂંટણી લડી રહ્યા છે.

જો કે આ પહેલા ભાજપે માહિમ બેઠક પર સમર્થનની વાત કરી હતી. માહિમ એ જ સીટ છે જ્યાંથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ હવે ભાજપનું વલણ બદલાઈ ગયું છે અને તે કહી રહ્યું છે કે તે મહારાષ્ટ્રમાં માત્ર એક જ બેઠક પર MNSને સમર્થન આપશે અને તે છે બાલા નંદગાંવકરની બેઠક.

મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે શું કહ્યું?
આશિષ શેલારે કહ્યું,’હું તમને બધાને કાર્યકરો અને મીડિયા દ્વારા કહું છું. આ (ભાજપનું સમર્થન) માત્ર શિવડી વિધાનસભા સીટ પૂરતું જ મર્યાદિત છે. તાજેતરમાં મેં માહિમ વિશે વાત કરી હતી, પરંતુ તમે તેને સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાવી દીધી હતી. હવે હું ફક્ત શિવડી વિશે જ બોલું છું. એવું ન વિચારો કે આ આખા મહારાષ્ટ્રની વાત છે.’

મહારાષ્ટ્રમાં ચૂંટણી ક્યારે છે; કયા પક્ષે સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા?
મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન છે. આ બેઠકોના પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વખતે ભાજપે સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. બીજા ક્રમે કોંગ્રેસ અને પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ચોથા સ્થાને છે અને છેલ્લે ડેપ્યુટી સીએમ અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી છઠ્ઠા સ્થાને છે.

જુનાગઢમાં નકલી આર્મી કેપ્ટનની છેતરપિંડી, બેરોજગાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

ગુજરાતના જુનાગઢમાં બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપી નકલી આર્મી કેપ્ટન દ્વારા છેતરપિંડી કરવાના કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટનામાં પ્રવીણ સોલંકી નામના યુવકે આર્મીના કેપ્ટન તરીકે નકલી ઓળખ આપી હતી અને અનેક યુવાનોને નોકરી અપાવવાની આશા આપીને લાખો રૂપિયા પડાવી લીધા છે.

આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે જૂનાગઢના દિવ્યેશ નામના યુવકે પંજાબ તરફની ટ્રેનમાં પ્રવીણ સોલંકીને આર્મી કેપ્ટનના યુનિફોર્મમાં જોયો. પોતાની ઓળખને મજબૂત કરવા માટે, પ્રવીણે પોતાના આર્મીના ડ્રેસમાં ફોટા, નકલી પગાર સ્લિપ અને આર્મીનો આઈકાર્ડ બતાવવાનું શરૂ કર્યું. પ્રવીણે દિવ્યેશને દિલ્હી NSAમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો અને રેલવેમાં લોકો-પાયલટની નોકરી અપાવવાની લાલચ આપી.

પ્રવીણે આ નકલી ઓળખનો લાભ ઉઠાવી દિવ્યેશ પાસેથી ગુગલ પે મારફતે તબક્કાવાર ત્રણ લાખથી વધુની રકમ પડાવી લીધી. કટકે કટકે રકમ લેતા અંતે દિવ્યેશને પ્રવીણની વાતોમાં શંકા થઈ અને તેણે પોલીસનો સંપર્ક કર્યો. જુનાગઢ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અને નકલી કેપ્ટન પ્રવીણ સોલંકીની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે પ્રવીણ સોલંકી માત્ર દિવ્યેશ જ નહીં, પરંતુ માંગરોળ, કેશોદ, માણાવદર જેવા વિસ્તારના આઠથી દસ જેટલા યુવાનોને પણ આ જ રીતે નોકરીની લાલચ આપીને છેતર્યો હતો. અંદાજે દસ લાખથી વધુ રકમ અલગ અલગ યુવાનો પાસેથી પડાવી છે.આ ઘટના એ બેરોજગાર યુવાનો માટે એક ચેતવણી રૂપ છે જે નોકરીની લાલચમાં આવીને અજાણ્યા લોકોની વાતોમાં આવી જાય છે. પોલીસનું અનુમાન છે કે આ નકલી આર્મી કેપ્ટનના અન્ય છેતરપિંડીના કિસ્સા હજુ સામે આવી શકે છે.

સુરતીઓ રસ્તા પર ભૂલથી પણ આ કામ કર્યું તો ભરવો પડશે દંડ, કેમેરા રાખી રહ્યા છે બાજનજર

સુરતના રસ્તામાં જાહેરમાં થૂંકનાર કે કચરો નાખનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વચ્છ શહેરોમાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે એને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે હવે આ જગ્યાઓ સ્વચ્છ રાખવા માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી  થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેમ છતાં આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.

આરોગ્ય અધિકારીએ કહ્યું કે, 1 એપ્રિલથી થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્મેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે.

નોંધનીય છે કે, પાલિકાએ બ્રિજ, ડિવાઈડરો, સર્કલો, ગાર્ડનો, પે એન્ડ યુઝ સહિતની મિલકતો પર રંગરોગાન કરવા 4 કરોડથી વધુનો ખર્ચો થયો છે. પરંતુ ગુટકા-માવા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાનો આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ બમણાથી ત્રણ ગણો કરવાની તૈયારી કરી છે.

જલારામ બાપાની 225મી જયંતિની ભવ્ય તૈયારી

રાજકોટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય જલારામબાપાની આગામી શુક્રવારના રોજ 225મી જન્મજયંતિની ભવ્યતિભવ્ય ઉજવણી કરવા માટે સ્થાનિકોએ વીરપુર ધામને રંગબેરંગી લાઈટો, કમાનો, ધજા, તોરણો બાંધીને શણગારવામાં આવ્યું છે, અને બાપાની  જન્મ જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

“જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો”ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાના મંદિરે આજે 205 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે, તેમજ વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું, ત્યારે સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાની આગામી 8 નવેમ્બરે શુક્રવારે કારતક સુદ સાતમના રોજ આવતી 225મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વિરપુરમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં દિવાળી નિમિતે યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળે છે. દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોવાથી ભાવિકોમાં બાપાના દર્શન કરવામાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 8 નવેમ્બર શુક્રવારે કારતક સુદ સાતમના દિવસે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારે સ્વયં સેવકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે 300થી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડેપગે રહેશે અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગ્રામજનો દ્વારા બાપાના જીવન કવચને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે. તેમજ આ શોભાયાત્રામાં ભાવિકોને 225 કિલો જેટલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવશે, ત્યારે જલારામ જયંતિની યાત્રાધામ વીરપુરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમેરિકામાં ટ્રમ્પની જીતથી BSE સેન્સેક્સ, નિફ્ટીમાં તેજી

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતને ઘરેલુ શેરબજારોએ વધાવી લીધી છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ને સેન્સેક્સ જોરદાર તેજી સાથે બંધ થયા હતા. BSEનાં બધાં સેક્ટરોમાં લેવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજીનું વલણ જોવા મળ્યું હતું. સૌથી વધુ IT શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી IT ઇન્ડેક્સમાં ચાર મહિનામાં સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી થઈ હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો.

ટ્રમ્પની જીતથી ભારતીય ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને લાભ થવાની અપેક્ષા છે. ટ્રમ્પની જીતથી ડોલર મજબૂત થશે. એને લીધે IT કંપનીઓનાં માર્જિન સુધરશે. ટ્રમ્પના રાજમાં કોર્પોરેટ ટેક્સમાં કાપ મુકાવાની શક્યતા છે. ટેક્સમાં ખર્ચ થવાથી US કંપનીઓ ખર્ચ વધારશે. જેથી IT સેક્ટરને લાભ થશે.સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સ 902 પોઇન્ટ ઊછળી 80,378 પર બંધ થયો હતો. નિફ્ટી 277 પોઇન્ટના ઉછાળા સાથે 24,484ના સ્તરે બંધ થયો હતો. મિડકેપ 1240 પોઇન્ટ વધીને 57,356 અને નિપ્ટી બેન્ક 110 પોઇન્ટ વધીને 52,317ના સ્તરે બંધ થયો હતો.

અમેરિકામાં ટ્રમ્પના રાજમાં અમેરિકાની વેપાર ખાધ ઘટે એવી સંભાવના છે, કેમ કે ટ્રમ્પ આયાતી દરોમાં વધારો કરવાની ધારણા છે. જેનાથી વેપાર ખાધ ઘટશે. આને પગલે આયાતી માલસામાન વધુ મોંઘો બનતાં ફુગાવો વધવાનું જોખમ છે. જેને પગલે US ફેડ રિઝર્વ વ્યાજદરની સાઇકલમાં કાપની સાઇકલમાં વિલંબ થશે, એમ બજારના નિષ્ણાતનું કહેવું છે.

BSE એક્સચેન્જ પર કુલ 4063 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 3013 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 961 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 89 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 237 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 12 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.