Home Blog Page 1358

મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ છેલ્લી ઘડીએ હટ્યા ચૂંટણીમાંથી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે. 4 નવેમ્બર ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં છેલ્લા દિવસે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. મોડી રાત સુધી મરાઠા નેતાઓ સાથેની બેઠક બાદ તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જરાંગે કહ્યું હતું કે તેમના ઉમેદવારો વિધાનસભા ચૂંટણીમાં 25 સીટો પર ચૂંટણી લડશે.

મનોજ જરાંગે શું કહ્યું?

મનોજ જરાંગે પાટીલે જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેઓ વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરાયેલા તમામ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેશે અને ચૂંટણી લડશે નહીં. જરાંગેના આહ્વાન પર મરાઠા ઉમેદવારોએ પણ ઘણી બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હવે જરાંગે દરેકને તેમના નામાંકન પાછા ખેંચવાની અપીલ કરી છે. પાટીલે કહ્યું કે અનામત માટેની અમારી લડાઈ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ગઈ કાલે મરાઠા નેતાઓ સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૂંટણી નહીં લડવામાં આવે.

ચૂંટણી ક્યારે છે?

મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે કે 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.

 

કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર કર્યો હુમલો

ટોરેન્ટોઃ કેનેડાના બ્રેમ્પટનમાં સ્થિત હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં ભારે ગુસ્સો હતો. આ  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેમણે મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ હિંદુ સમાજ પર વધતી હિંસા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે, જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે આજે કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે. બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.

તેમણે આગળ લખ્યું હતું કે મને લાગે છે કે આ અહેવાલોમાં થોડું સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત ખાલિસ્તાનીઓએ પણ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લઈ રહ્યા છે અને આ બધું કરવા માટે તેમને મફત પાસ મળી રહ્યા છે.

PM જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરતાં સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીલ રીજનલ પોલીસ વડા નિશાન દુરૈપ્પાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારતવિરોધી તત્વોએ ‘ઈરાદાપૂર્વક’ હિંસા કરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ.

 

 

 

 

 

 

દિવસમાં 100 સિગારેટ પીતા શાહરુખ ખાને કેવી રીતે છોડ્યુ સ્મોકિંગ?

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેનો 59મો જન્મદિવસ શનિવાર, 2 નવેમ્બરના રોજ મુંબઈના બાંદ્રામાં બાલ ગાંધર્વ રંગ મંદિર હોલમાં તેના ચાહકો સાથે ઉજવ્યો, જ્યાં તેણે તેના જીવન સાથે સંબંધિત ઘણા ખુલાસા કર્યા. આ ઈવેન્ટમાં અભિનેતા પોતાના જીવનને લગતા અનેક સવાલોના જવાબ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કિંગ ખાને મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામમાં તેણે કેવી રીતે ધૂમ્રપાન છોડ્યુ તે અંગે વાત કરી હતી. શાહરૂખ ખાને તેના જન્મદિવસના અવસર પર તેના ચાહકોને ખુશખબર આપતા કહ્યું કે હવે તેણે ધૂમ્રપાન છોડી દીધું છે.

શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડી દીધું
મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમમાં શાહરૂખ ખાને જીવનમાં અપનાવેલી સારી બાબતો વિશે પણ વાત કરી અને તેણે ખુલાસો કર્યો કે તેણે ધૂમ્રપાન છોડી દીધું છે. ફેન્સ સાથે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું,’બીજી સારી વાત એ છે કે હું હવે ધૂમ્રપાન નહીં કરીશ.’ તેણે જણાવ્યું કે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, જેના કારણે તેણે ધૂમ્રપાન છોડવાનો નિર્ણય કર્યો. આ સાંભળીને કાર્યક્રમમાં હાજર લોકોએ તેમના માટે તાળીઓ પાડવાનું શરૂ કર્યું. જો કે, તેણે એ પણ ખુલાસો કર્યો કે તેને હજુ પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.

શાહરૂખ ખાન 100 સિગારેટ પીતો હતો
શાહરૂખ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેના પછી લોકો તેના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં શાહરૂખે કહ્યું,’એક સારી વાત… હું હવે ધૂમ્રપાન કરતો નથી, મિત્રો.’ શાહરૂખ ખાને 2011માં ઈન્ડિયા ટુડેના ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે સિગારેટ અને કેફીનનો વ્યસની છે. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે હું દિવસમાં 100 થી વધુ સિગારેટ પીતો હતો. હું ખોરાક અને પાણી ભૂલી જતો હતો. હું દિવસમાં 30 કપ બ્લેક કોફી પીતો હતો, જેના કારણે મને ઊંઘ આવતી નહોતી.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ‘ડંકી’માં જોવા મળ્યો હતો, જેમાં તાપસી પન્નુ, બોમન ઈરાની અને વિકી કૌશલ પણ હતા. કિંગ ખાન ટૂંક સમયમાં તેની પુત્રી સુહાના ખાન સાથે સ્ક્રીન પર જોવા મળશે.

આપના કાર્યાલયમાં તાળું તૂટ્યું, દસ્તાવેજોની ચોરીની આશંકા

દિવાળીના ટાળે મોટાભાગે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યલયના તાડા તૂટવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તૂટ્યું છે. આમ આદમી પાર્ટીને આશંકા છે કે કાર્યાલયમાં મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી થયો છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે વિગતવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં  મોટેભાગે વેકેશનનો માહોલ હોય છે. ત્યારે કાર્યાલય ઓફિસમાં કામ કરતો કર્મચારી બપોરના સમયે તાળુ મારીને સંબંધીને ત્યાં ગયો હતો, ત્યારબાદ સાંજે સાત વાગ્યાની આસપાસ પરત ફર્યો ત્યારે ઓફિસનું તાળું તૂટેલી હાલતમાં જોયું. જે બાદ તેણે પાર્ટીના પદાધિકારીઓને જાણ કરી તેમને ઓફિસ પર બોલાવ્યા અને પોલીસને જાણ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું ઓફિસ કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે અમે તપાસ શરૂ છે. આ ઉપરાંત પાર્ટીના મહત્વના દસ્તાવેજ અને ડેટાની ચોરીની થઇ હોવાની આશંકા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ચેમ્બર સુધી ચોર પહોંચ્યા હતા. કેટલીક વસ્તુઓની ચોરી પણ થઇ છે. રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલય પર ચોરીની ઘટના કાયદો વ્યવસ્થાની હાલત ઉજાગર કરે છે. કાર્યાલયનો બહારનો દરવાજો બંધ તેને તોડવામાં આવ્યો હતો અને એલઇડી ટીવી સહિત અગત્યના ડોક્યુમેન્ટ અને ડેટા ચોરાયા હોવાની આશંકા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી.

તહેવારોની સીઝનમાં GST કલેક્શનમાં ઉછાળો, 18% નોંધાયો વધારો

GST વિભાગને દિવાળી ફળી, રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની GSTની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા વધુ છે. ઓકટોબર 2024માં રાજ્યની જીએસટી આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ છે. ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા રહેલો છે. રાજ્યને ઓક્ટોબર 2024માં વેટ હેઠળ 2,584 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક હેઠળ 986 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા હેઠળ 28 કરોડ રૂપિયાની આવક થઈ છે. રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 9,744 કરોડ રૂપિયાની આવક થઈ છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ 7 મહિનામાં રાજ્યકર વિભાગને GST, VAT, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 67,981 કરોડ રૂપિયાની આવક થઈ છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ઓકટોબર મહિનામાં નવરાત્રિથી દિવાળી સુધી દેશભરમાં તહેવારોની સિઝનને કારણે લોકોએ મન મુકીને ખરીદી કરી છે. જેનો સીધો જ લાભ સરકારને થયો છે. આ મહિને સરકારના GST કલેક્શનમાં મોટો ઉછાળો નોંધાયો છે, આ આંકડો 1.87 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે લોકોએ દિવાળીના તહેવારની અને સાથે જ લગ્નને લઈને પણ ધૂમ ખરીદી કરી છે, જેના કારણે સરકારી તિજોરીને પણ ફાયદો થયો અને GST કલેક્શનમાં મોટો વધારો જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે સરકાર દર મહિનાના પ્રથમ દિવસે અગાઉના મહિનામાં GSTમાંથી સરકારી તિજોરીને કેટલી આવક થઈ તેનો હિસાબ જાહેર કરે છે. જો કે GST કલેક્શનના અંતિમ આંકડાની ગણતરી કરવામાં આવે, ત્યારે તેમાં રિફંડની પણ ગણતરી કરી લેવામાં આવે છે. ત્યારે ઓક્ટોબર 2024માં રિફંડ બાદ સરકારનું GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા છે અને આ ઓક્ટોબર 2023ના નેટ GST કલેક્શન કરતાં પણ 8% વધુ છે.

આ જાણીતા ડિરેક્ટરે કરી આત્મહત્યા, સડી ગયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

મુંબઈ: લોકપ્રિય કન્નડ ફિલ્મ ડિરેક્ટર ગુરુપ્રસાદે દુનિયાને અલવિદા કહી દીધું છે. નિર્દેશકે સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. તેમનો મૃતદેહ કર્ણાટકમાં તેના ઘરમાંથી સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. ફિલ્મ નિર્માતાનું 52 વર્ષની વયે અવસાન થયું. તેઓ ‘અદેલુ મંજુનાથ’ અને ‘ડિરેક્ટર્સ સ્પેશિયલ’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. તે બેંગલુરુના મદનાયકના હલ્લી ખાતેના તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુપ્રસાદે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. ગુરુપ્રસાદના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે.

ગુરુપ્રસાદે આત્મહત્યા કરી

એસપી સીકે ​​બાવાએ ગુરુપ્રસાદના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે 5-6 દિવસ પહેલા કન્નડ ફિલ્મ નિર્માતા તેમના એપાર્ટમેન્ટમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને પછી તે ગાયબ થઈ ગયા હતા. તદુપરાંત, શરીરની સ્થિતિ સૂચવે છે કે ગુરુપ્રસાદે 5-6 દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. બાવાએ એમ પણ કહ્યું કે ફિલ્મ નિર્માતા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી. અત્યારે અમારી પાસે આટલી જ માહિતી છે. પોલીસ તેના મૃત્યુના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે.

પોલીસને મોતની આશંકા મળી
પોલીસ તેના મૃત્યુના સમય અને સંજોગોની પુષ્ટિ કરવા માટે તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર તેમના ઘરમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.તપાસ પર અધિકારીઓને જાણવા મળ્યું કે ગુરુપ્રસાદ સીલિંગ ફેન સાથે લટકતો હતો, જે દર્શાવે છે કે તેણે ઘણા દિવસો પહેલા આત્મહત્યા કરી હતી.

ગુરુપ્રસાદ તણાવમાં હતા
પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે ગુરુપ્રસાદ લોકો પાસેથી લીધેલી લોનના કારણે તણાવમાં હતા. તેના પર લેણદારોનું દબાણ હતું, જેના કારણે તેણે હતાશ થઈને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. તાજેતરમાં, તેણે તેના બીજા લગ્નની તૈયારી માટે લોન પણ લીધી હતી, જે તે ચૂકવી શક્યો ન હતો અને કન્નડ ફિલ્મના નિર્માતા ગુરુપ્રસાદ પર પૈસા ન ચૂકવવાનો આરોપ હતો.

ગુરુપ્રસાદની હિટ ફિલ્મો
ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત, ગુરુપ્રસાદે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને આ દિવસોમાં તેઓ તેમની આગામી ફિલ્મ ‘એડીમા’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં.હવે ગુરુપ્રસાદના નિધન બાદ આ ફિલ્મનું શૂટિંગ અધૂરું રહી ગયું છે.

ઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માતઃ 20નાં મોત

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં પ્રવાસીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે. માર્ચુલા વિસ્તારમાં પ્રવાસીઓ ભરેલી એક બસ ખીણમાં પડી છે. આ બસમાં 40થી વધુ પ્રવાસીઓ હતા,  જેમાં 20 લોકોનાં મોત થયાં છે. જોકે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

SDRFની ત્રણ ટીમ રાહત કાર્યમાં લાગેલી છે. આ બસ બસ નૈની ડાંડાથી રામનગર જઈ રહી હતી અને સવારે જ ખીણમાં પડી ગઈ હતી. આ બસ પડી ગયા બાદ કેટલાક મુસાફરો ઘાયલ હાલતમાં બસમાંથી બહાર આવ્યા હતા. આ પછી તેમણે ત્યાં હાજર લોકોને જાણ કરી, ત્યાર બાદ રાહત ટીમ તાત્કાલિક પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અલ્મોડાના એસએસપી પણ સ્થળ પર હાજર છે. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. દુર્ઘટના સમયે અમુક મુસાફરો જીવ બચાવવા બારીમાંથી બહાર કૂદી ગયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. CM પુષ્કર સિંહ ધામીએ અલ્મોડા બસ અકસ્માત અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અલ્મોડાના DM સાથે ફોન સાથે પર વાચ કરી ઘટનાની માહિતી મેળવી હતી તેમ જ બચાવ અને રાહત કામગીરી ઝડપથી કરવા નિર્દેશ કર્યો હતો.

આ બસ દુર્ઘટનાનું કારણ હજી જાણી શકાયું નથી. પ્રારંભિક ધોરણે બસ ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. બસ 100 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં મોતનો આંકડો વધવાની ભીતિ છે.

 

 

ઠંડીની શરૂઆતમાં માવઠાની આગાહી

દેશમાં ભારે વર્ષા બાદ અંતે મેધરાજાએ વિદાય લીધી છે. આ સાથે ગુજરાતમાં શિયાળાએ ધીમા પગે દસ્તક દીધી છે. આ તમામ વચ્ચે હજી પણ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડાની પણ સંભાવના છે. આ ઉપરાંત 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 7મીથી 14મી અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. જે બાદ ડિસેમ્બર મહિનામાં ઠંડનું પ્રમાણ વધી શકે છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 15મી ઓક્ટોબર સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે ઓક્ટોબર મહિનો પૂરો થઈ ચૂક્યો છે. અને નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે કેટલાક રાજ્યોમાં ઠંડીની ધીમી શરૂઆત જોવા મળી રહી છે. તો પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ ઉપરાંત તમિલનાડુમાં આજે અને આવતીકાલે વરસાદ પડશે. હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે.

મોડેલિંગની ધૂને ધ્રુવીને જીતાડી આ મુશ્કેલ સ્પર્ધામાં

એક ગુજરાતી મૂળની છોકરીએ અમેરિકાની બ્યૂટી કોન્ટેસ્ટમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ જીત એટલે પણ મહત્વની કહેવાય કારણ કે તેમાં દુનિયાભરના દેશોમાંથી અમેરિકામાં સ્થાયી થયેલી યુવતીઓએ ભાગ લીધો હતો. કોમ્પિટિશન મુશ્કેલ હોવા છતાં પોતાની ટેલેન્ટ, સુંદરતા અને મહેનતથી આ છોકરીએ બધાંને પાછળ છોડી દીધા.

આજે ‘દીવાદાંડી’ વિભાગમાં અમે વાત કરી રહ્યા છીએ મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીતનાર ધ્રુવી પટેલ વિશે.

કોણ છે ધ્રુવી પટેલ?

ધ્રુવીના બેકગ્રાઉન્ડ વિશે જો વાત કરીએ તો તેના માતા-પિતા ગુજરાતના વડોદરાના રહેવાસી, પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. પિતા વિનોદભાઈ પટેલ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અભિપુરા ગામના જ્યારે માતા ભૂમિકા પટેલ વાસદા ગામના રહેવાસી. તેમને સંતાનોમાં ધ્રુવી સિવાય ધ્રુતી, દક્ષ અને દક્ષેય નામના બાળકો છે. ધ્રુવી હાલમાં ક્વિનીપિયાક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં ડિગ્રી મેળવી રહી છે.

ધ્રુવીને નાનપણથી જ ફેશન અને મોડલિંગનો શોખ. તેના આ શોખમાં માતા-પિતાએ પણ પૂરો સપોર્ટ કર્યો. ખાસ કરીને માતા ભૂમિકા પટેલને ખુબ ઈચ્છા કે દીકરી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લે અને તે ક્ષેત્રમાં આગળ વધે. ધ્રુવી અને ધ્રુતી માટે ભૂમિકાબેન માતા કરતાં બહેનપણી વધારે. આઠ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ધ્રુવીએ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ત્યારથી જ મોડલિંગ અને એક્ટિંગ શરૂ કરી દીધા હતા. સાથે-સાથે ભણવામાં પણ એટલો જ રસ, આથી તેમાં પણ ફોક્સ કરવું જરૂરી હોવાથી, ધ્રુવીએ વચ્ચે થોડોક બ્રેક લીધો. જો કે 2023ના વર્ષથી તેણીએ ફરીથી વિવિધ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. વર્ષ 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે કોન્ટેસ્ટમાં ધ્રુવીએ બહેન ધ્રુતી સાથે ભાગ લીધો હતો અને બન્ને બહેનોએ ટાઈટલ જીત્યું હતું. ધ્રુવીએ મિસ કેટેગરીમાં જ્યારે બહેન ધ્રુતીએ ટીન કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું.

જો મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ ટાઈટલ વિશે વાત કરીએ તો આ સ્પર્ધા ભારત બહાર ચાલતી સૌથી લાંબી ભારતીય સ્પર્ધા તરીકે જાણીતી છે. આ વર્ષે ઈવેન્ટ ન્યુ જર્સીના એડિસનમાં યોજાઈ હતી. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સ્પર્ધા દર વર્ષે ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા યોજવામાં આવે છે, જેની આગેવાની ભારતીય-અમેરિકન નીલમબહેન અને ધર્માત્મા સરન કરે છે. ટાઈટલ જીત્યા બાદ ધ્રુવીને ડાયસ્પોરા તરફથી પાંચ દેશોમાં લઈ જવામાં આવશે. તે અલગ-અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે. આ સિવાય અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે. મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ પ્રાપ્ત કર્યા પછી ધ્રુવીએ કહ્યું હતું, “મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનું ટાઈટલ જીતવું એ એક અવિશ્વસનીય સન્માન છે. આ ક્રાઉન મારા માટે ઘણું બધું છે. તે મારા સાંસ્કૃતિક વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.”

ધ્રુવી ભલે અમેરિકામાં જન્મી હોય અને મોટી થઈ હોય, પરંતુ તેને ગુજરાતી ફૂડ અને ગુજરાતી સાડી તેમજ ચાણિયાચોળી પ્રત્યે વિશેષ પ્રેમ છે. ખાસ કરીને બાંધણી પ્રત્યે. ધ્રુવીએ પોતાના ફાઈનલ રાઉન્ડમાં પણ બ્લૂ અને યલ્લો કલરની બાંધણીમાંથી તૈયાર કરેલો સ્પેશિયલ આટફિટ પહેર્યો હતો. ધ્રુવીને અમેરિકામાં યોજાતા ગરબા ઈવેન્ટ્સમાં પણ ટ્રેડિશનલ કપડાં પહેરવાનું ખુબ જ પસંદ કરે છે. ધ્રુવીએ ચિત્રલેખા.કોમને જણાવ્યું કે, “ફાઈનલ રાઉન્ડમાં મેં અને મારી માતાએ આ કસ્ટમ મેડ આઉટફિટ પહેરવાનું નક્કી કર્યું હતું. બાંધણી ખુબ જ સિમ્પલ અને એલિગન્ટ પીસ ઓફ કલ્ચર છે. આથી મને ખુબ જ ગમે છે. એક ગુજરાતી તરીકે મને ગમે કે હું ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણી સંસ્કૃતિની ધરોહર સમાન બાંધણીને રિપ્રેઝન્ટ કરું.”

વધુમાં ધ્રુવીએ જણાવ્યું, “આ બ્યૂટી કોન્ટેસ્ટ માટે હું છેલ્લાં છ-સાત મહિનાથી ખુબ જ મહેનત કરી રહી હતી. સવાલ-જવાબ કેવાં પ્રકારના હોય શકે છે તેની તૈયારી કરી હતી. ડાન્સ પર્ફોમન્સ માટે પણ ખૂબ જ મહેનત કરી હતી. ડાન્સની પ્રેક્ટિસ કરતા-કરતા મારા પગ એટલાં બધાં છોલાઈ ગયા હતા કે જેની કોઈ વાત ન પૂછો. છેલ્લાં ત્રણ મહિનાથી રોજના ત્રણથી ચાર કલાક તો ડાન્સ પ્રેક્ટિસ કરી રહી હતી. આ સિવાય ડાયેટ અને વર્કઆઉટ પણ ખરૂં જ.”

ટાઈટલ જીત્યા બાદ ધ્રુવી પટેલના પરિવારમાં ખુશીનો માહોલ છે. જો કે ધ્રુવીનું કહેવું છે કે હાલમાં જીવનમાં કોઈ મોટાં ફેરફાર આવ્યા નથી. હા, ટાઈટલ જીત્યા બાદ અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સમાં તે ખૂબ જ પોપ્યુલર બની ગઈ છે. આ સિવાય અનેક તકોના દ્વારા તેની માટે ખુલી ગયા છે. આથી તેને પોતાના ગોલ્સ અને ડ્રિમ્સને પૂરા કરવામાં આ જીત ચોક્કસથી મદદ કરશે એવું લાગી રહ્યું છે. ધ્રુવીનું કહેવું છે કે, “મારા સપનાં કરતાં પણ વધારે મહત્વનું છે કે મારા માતા-પિતાના સપનાઓ પૂરા થશે. મારી કારકિર્દીમાં જો હું આગળ વધીશ તે તેનાથી મારા ભાઈ-બહેનોને પણ મદદરૂપ થઈ શકીશ.”

હવે આગળ શું કરવું છે તેવો પ્રશ્ન ચિત્રલેખા.કોમ એ ધ્રુવીને પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું, “આગળ મારે મોડલિંગ પણ કરવું છે અને ભારત આવીને બોલિવૂડમાં કામ પણ કરવું છે. પરંતુ તે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરવા માગું છું. અભ્યાસ પૂરો કર્યો બાદ હું અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવા માગું છું.”

ધ્રુવી પટેલને બોલીવુડમાં શાહરૂખ ખાન અને કરિના કપૂર ખાન સાથે કામ કરવું છે. તેનું ફેવરિટ બોલીવૂડ મુવી જો કહી શકાય તો તેણે પોતાના દાદા સાથે ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ ફિલ્મ અઢળક વાર જોઈ છે. બાબુરાવ એટલે કે પરેશ રાવલનું કામ તેને ખુબ જ ગમે છે. શાહરૂખની ‘કભી ખુશી કભી ગમ’ અને ‘મેં હૂ ના’ ફિલ્મ ખુબ જ ગમે છે.

ધ્રુવી તેની બહેન અને ભાઈ સાથે મળીને એક NGO પણ ચલાવે છે. જેનું નામ 3DCharities છે. તેમનો આ NGO માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ બીજા દેશોમાં અને ભારતમાં પણ વડોદરા ખાતે કામ કરે છે. વડોદરાના હેપ્પી ફેસીસ નામના NGO સાથે મળીને તેઓ કામ કરે છે. યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ઝુંબેશમાં પણ તેમણે યોગદાન આપેલું છે. ધ્રુવી અને તેના પરિવારનું માનવું છે કે આપણે જે કંઈ પણ કમાયા છે અથવા તો મેળવ્યું છે તેમાંથી થોડોક હિસ્સો આપણે સમાજ અને આપણા દેશને પાછો આપવો જોઈએ. ધ્રુવી માટે ભારત અને અમેરિકા બન્ને સરખી રીતે મહત્વના છે. આથી તેમની સંસ્થા બન્ને દેશોમાં કામ કરી રહી છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

સુવિચાર – ૦૪ નવેમ્બર ૨૦૨૪