અમદાવાદ: અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તથા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીના યોગદાન માટે પુષ્પાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિતિ કાર્યકરોએ ‘જબ તક સૂરજ ચાંદ રહેગા સરદાર સાહેબ કા નામ રહેગા’, સરદાર સાહેબ અમર રહો, ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, શ્રીમતી ઈન્દિરા ગાંધીજી અમર રહોના બુલંદ નારાથી વંદન-નમન કર્યા હતા.
પુષ્પાંજલી કાર્યક્રમમાં અમદાવાદ શહેર કોંગ્રસના પ્રભારી, પૂર્વ મંત્રી બિમલ શાહ, ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ.મનીષ દોશી, અશોક પંજાબી, ઇકબાલ શેખ, રત્નાબેન વોરા, કૉર્પોરેટર હાજી બેગ મિર્ઝા, સૂરજ મંગલકર, મુબીન કાદરી, જુનેદ શેખ, હેતાબેન પરીખ સહિત શહેરના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સરદાર પટેલની જન્મજયંતી, ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસનો પુષ્પાંજલી કાર્યક્રમ
‘એક દેશ એક ચૂંટણી અશક્ય’, PM મોદીના નિવેદન પર ખડગેનો પલટવાર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન વન ઇલેક્શનના વહેલા અમલીકરણ અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. ખડગેએ તેને અશક્ય ગણાવ્યું. ગુરુવારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એક કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રસ્તાવનો હેતુ દેશમાં એક સાથે એક જ દિવસે અથવા ચોક્કસ સમયમર્યાદામાં યોજવાનો છે ટૂંક સમયમાં મંજૂર થશે અને વાસ્તવિકતા બની જશે.
VIDEO | “What PM Modi tells, he won’t do because unless this Bill comes in Parliament, he has to take everybody into confidence, then only it will happen. One Nation One Election is impossible…” says Congress president Mallikarjun Kharge (@kharge) on ‘One Nation One Election’.… pic.twitter.com/8MdAFRhXGO
— Press Trust of India (@PTI_News) October 31, 2024
ખડગેએ વળતો જવાબ આપ્યો
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદી જે કહે તે નહીં કરે કારણ કે જ્યાં સુધી આ બિલ સંસદમાં નહીં આવે ત્યાં સુધી તેમણે બધાને વિશ્વાસમાં લેવા પડશે, તો જ તે થશે. એક દેશ એક ચૂંટણી અશક્ય છે.
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પ્રસ્તાવ, જેનો હેતુ દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે એક જ દિવસે અથવા ચોક્કસ સમયમર્યાદામાં કરાવવાનો છે, તે ટૂંક સમયમાં મંજૂર થઈ જશે અને વાસ્તવિકતા બની જશે. આ પ્રસ્તાવને કેબિનેટ દ્વારા આ વર્ષની શરૂઆતમાં મંજૂરી આપવામાં આવી હતી અને આ વર્ષના અંતમાં સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ છે આગળ?
અમેરિકા: પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 4 કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે. 5 નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે પછી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેની ખબર પડશે પણ છેલ્લા સર્વે પ્રમાણે, જોરદાર ટક્કર થશે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ/સિએના કોલેજ દ્વારા 20 અને 23 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સર્વેમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી કરાઈ છે. બાકીના 4 ટકા મતદારોએ હજુ કોને મત આપવો એ નક્કી કર્યું નથી એ જોતાં આ કમલા અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ઘડી સુધી મુકાબલો થવાનાં એંધાણ છે. સીએનએનએ ચૂંટણી અંગે રાષ્ટ્રીય સ્તરે કરેલા પોતાના છેલ્લા સર્વે પ્રમાણે પણ કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી છે. 47 ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપે છે અને 47 ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે. સર્વેમાં કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડતાં આ મુકાબલો રસપ્રદ બની ગયા છે. 
ટ્રમ્પે છેલ્લે છેલ્લે કેટલાંક રાજ્યોમાં કરેલી જોરદાર મહેનતના કારણે ચૂંટણીના માત્ર 10 દિવસ પહેલા જ બાજી પલટાઈ ગઈ હોવાનું મનાય છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને અત્યંત હરીફાઈવાળા રાજ્યોમાં ‘લોકપ્રિય મત’ જીતવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તેમાં ટ્રમ્પ આગળ નિકળીને લીડ કાપી ગયાનું મનાય છે.
આ પહેલાંના સર્વે એવું સૂચવતા હતા કે, કમલા હેરિસનો ઘોડો વિનમાં છે. લગભગ 15 દિવસ પહેલાં આવેલા સર્વેમાં ચૂંટણી જીતવાની રેસમાં કમલા હેરિસને 47 ટકા લોકો પસંદ કરી રહ્યા હતા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 42 ટકા લોકો પસંદ કરી રહ્યા હતા. રોયટર્સ/ઇપ્સોસના સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ સામેની સામેની ચર્ચા પછી કમલા હેરિસની લીડ સતત વધી છે. મતદારોનું માનવું હતું કે, કમલા હેરિસે ચર્ચામાં ડોનાલ્ડ ટ્રમ્પને પછાડયા છે તેથી કમલાના જીતવાના ચાન્સ વધારે છે.
અમેરિકાના પ્રમુખની ચૂંટણી સાથે જ અમેરિકાની સસંદ એટલે કે યુએસ સેનેટ અને હાઉસ ઓફ કોંગ્રેસના સભ્યો, અમેરિકાના દરેક સ્ટેટના ગવર્નર અને દરેક રાજ્યની એસેમ્બલીની ચૂંટણીઓ યોજાય છે. અમેરિકામાં એ રીતે વન નેશન, વન ઈલેક્શન છે. અમેરિકાનાં સ્ટેટમાં કોણ ગવર્નર બને છે તેમાં દુનિયાના બીજા દેશોને રસ નથી હોતો તેથી આ ચૂંટણીઓ તરફ કોઈનું ધ્યાન નથી જતું. અમેરિકામાં પ્રમુખ સર્વેસર્વા હોય છે અને તેની પાસે અમર્યાદિત સત્તાઓ છે તેથી પ્રમુખપદે કોણ આવે છે તેમાં જ સમગ્ર દુનિયાને રસ હોય છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટેના મુખ્ય સ્વિંગ સ્ટેટ એટલે કે જે રાજ્યોમાં કઈ તરફ મતદારો ઢળશે એ નક્કી નથી હોતું એ રાજ્યોમાં એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાડા, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનનો સમાવેશ થાય છે. 
આ તમામ ચૂંટણીનાં પરિણામ 10 નવેમ્બર, 2024ના રોજ આવી જશે. જાન્યુઆરીમાં અમેરિકાની સંસદ તેના પર મંજૂરીની મહોર મારે પછી 20 જાન્યુઆરી, 2025ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના 47મા પ્રમુખ અને ૫૦મા ઉપપ્રમુખ પોતાનો કાર્યભાર સંભાળશે.
આવતીકાલથી બદલાશે આ 6 મોટા નિયમો
દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા નિયમોમાં ફેરફાર થવાના છે. ક્રેડિટ કાર્ડ, એલપીજી અને ટ્રેન ટિકિટથી લઈને એફડીની સમયમર્યાદા સુધીના નિયમો 1લી નવેમ્બરથી બદલાશે. જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તેની તમારા પર શું અસર થઈ શકે છે.

LPG સિલિન્ડરની કિંમત
દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ ગેસ સિલિન્ડર (LPG સિલિન્ડરની કિંમત)ના ભાવમાં ફેરફાર કરે છે અને નવા દર જાહેર કરે છે. આ વખતે પણ તેની કિંમતો 1લી નવેમ્બરે સંશોધિત થઈ શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં આ વખતે લોકોને ઘટાડો થવાની આશા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો જુલાઈ મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો, પરંતુ તે પછી સતત ત્રણ મહિનાથી તેમાં વધારો થઈ રહ્યો છે.

ATF અને CNG-PNG ના દરો
એક તરફ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે, તેની સાથે, સીએનજી-પીએનજી સિવાય, એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) ના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં હવાઈ ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વખતે પણ ભાવ ઘટાડવાની તહેવારની ભેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સિવાય CNG અને PNGની કિંમતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ક્રેડિટ કાર્ડના નિયમો
હવે વાત કરીએ 1 નવેમ્બરથી દેશમાં લાગુ થનારા ત્રીજા ફેરફારની, જે દેશની સૌથી મોટી સરકારી બેંક સાથે સંબંધિત છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની પેટાકંપની SBI કાર્ડ 1 નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ કરવા જઈ રહી છે, જે તેના ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણી અને ફાઇનાન્સ ચાર્જિસ સાથે સંબંધિત છે. 1 નવેમ્બરથી, અસુરક્ષિત SBI ક્રેડિટ કાર્ડ્સ પર દર મહિને 3.75 રૂપિયાના ફાઇનાન્સ ચાર્જ ચૂકવવાના રહેશે. આ સિવાય વીજળી, પાણી, એલપીજી ગેસ અને અન્ય ઉપયોગિતા સેવાઓ માટે 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

મની ટ્રાન્સફરનો નિયમ
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે 1 નવેમ્બર, 2024 થી અમલમાં આવશે. આ નિયમોનો હેતુ છેતરપિંડી માટે બેંકિંગ ચેનલોનો દુરુપયોગ અટકાવવાનો છે.

ટ્રેન ટિકિટમાં ફેરફાર
ભારતીય રેલ્વેની ટ્રેન ટિકિટ એડવાન્સ રિઝર્વેશન પીરિયડ (ARP), જેમાં મુસાફરીના દિવસનો સમાવેશ થતો નથી, તે 1 નવેમ્બર, 2024 થી 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવશે. આ સુધારાનો ઉદ્દેશ્ય ટિકિટ ખરીદી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરીને મુસાફરોની સુવિધા જાળવી રાખવાનો છે.

13 દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય
નવેમ્બરમાં તહેવારો અને જાહેર રજાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીને કારણે બેંકો અનેક પ્રસંગોએ બંધ રહેશે. નવેમ્બરમાં કુલ 13 દિવસની બેંક રજાઓ રહેશે. ચાલો જાણીએ કે કયા પ્રસંગોએ બેંકો બંધ રહેશે. આ બેંક રજાઓ દરમિયાન, તમે બેંકોની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરીને તમારું બેંકિંગ સંબંધિત કામ અને વ્યવહારો પૂર્ણ કરી શકો છો. આ સેવા 24X7 કાર્યરત રહે છે.
ટ્રમ્પ અને કમલા વચ્ચે જોરદાર ટક્કર, સટ્ટા બજારમાં કોની બોલબાલા ?
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ ચૂંટણીમાં કયો ઉમેદવાર પ્રબળ દાવેદાર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. વિવિધ સર્વેમાં સામે આવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ મુકાબલો છે અને ચૂંટણીના પરિણામો કોઈપણના પક્ષમાં જઈ શકે છે.

બુધવાર સુધીમાં, લગભગ 60 મિલિયન અમેરિકનોએ 5 નવેમ્બરની સામાન્ય ચૂંટણી માટે મેઇલ-ઇન વોટ અથવા વ્યક્તિગત મતદાન કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા એક સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ પેન્સિલવેનિયા અને નોર્થ કેરોલિનામાં કમલા હેરિસ કરતાં માત્ર એક ટકા પોઈન્ટ આગળ છે, જ્યારે બંને મિશિગનમાં ટાઈ છે. એરિઝોના, નેવાડા, જ્યોર્જિયા અને વિસ્કોન્સિનમાં પણ નજીકની હરીફાઈ છે. અન્ય સર્વેમાં પેન્સિલવેનિયામાં બંને ઉમેદવારો 48 ટકા પર ટાઈ ધરાવે છે, જ્યારે કમલા હેરિસ વિસ્કોન્સિનમાં છ પોઈન્ટ અને મિશિગનમાં પાંચ પોઈન્ટથી ટ્રમ્પથી આગળ છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 ઈલેક્ટોરલ વોટની જરૂર પડશે.

સટ્ટાબાજીના બજારમાં ટ્રમ્પનો દબદબો
તમામ મુખ્ય ચૂંટણીઓ પર નજર રાખનારી એજન્સી રિયલ ક્લિયર પોલિટિક્સનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પને 0.4 ટકા પોઈન્ટ્સની મામૂલી લીડ છે, જ્યારે જે રાજ્યોમાં બંને વચ્ચે જોરદાર ટક્કર છે ત્યાં ટ્રમ્પને 0.4 ટકાની લીડ મળી છે. માત્ર એક ટકાની લીડ. જોકે, સટ્ટાબાજીના બજારોમાં ટ્રમ્પ 63.1 પોઈન્ટ સાથે આગળ છે, જ્યારે હેરિસ 35.8 પોઈન્ટ સાથે આગળ છે.
કચ્છમાં BSF જવાનો સાથે વડાપ્રધાન મોદીએ દિવાળીની ઉજવણી કરી
કચ્છ: સતત 11મા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળી ઉજવવા કચ્છ પહોંચ્યા હતા. છેલ્લાં દસ વર્ષથી PM મોદી દિવાળીની ઉજવણી દેશના જવાનો સાથે કરતા આવ્યા છે. આજે દિવાળીનું પર્વ છે. PM મોદીએ પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની સરહદે ફરજ બજાવતા BSFના જવાનોનાં મોં મીઠાં કરાવી શુભેચ્છા પાઠવી હતી. છેલ્લાં 11 વર્ષમાં મોદી સૌથી વધુ ચાર વાર જમ્મુ-કાશ્મીર અને બે વાર હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે.
PM મોદી આજે દિવાળીના દિવસે જ ગુજરાત પ્રવાસે છે ત્યારે પર્વની ઉજવણી પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા સુરક્ષા જવાનો સાથે કરી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી કચ્છમાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 22 વર્ષ પહેલાં વર્ષ 2002માં ભચાઉના ચોબારી ખાતે ભૂંકપગ્રસ્તો સાથે દિવાળીની ઉજવણી કરી અસરગ્રસ્તોને હૂંફ પાડી હતી.
અમેરિકાની ચૂંટણી પહેલા ઈરાનની ઈઝરાયેલ પર મોટા હુમલાની તૈયારી
હમાસ અને હિઝબુલ્લા સાથે સીધા યુદ્ધમાં લાગેલા ઈઝરાયલે ઈરાન સાથે પણ દુશ્મનાવટ શરૂ કરી દીધી છે. બંને દેશ અત્યારે એકબીજાને ખતરામાં ધમકી આપી રહ્યા છે. 1 ઓક્ટોબરના રોજ ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલે ઈરાની સૈન્ય મથકો પર હુમલો કર્યો. ત્યારપછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધુ એક સંઘર્ષ થવાની શક્યતા છે. ગુરુવારે સીએનએનએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઈરાને ઈઝરાયેલ પર નિર્ણાયક અને અત્યંત પીડાદાયક હુમલાની તૈયારી કરી લીધી છે. ઈરાની સૂત્રોએ કહ્યું કે ઈઝરાયેલ એવા વિસ્ફોટો અને ઈજાઓ માટે તૈયારી કરી રહ્યું છે જેને પેઢીઓ યાદ રાખશે. અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ હુમલો કરવામાં આવી શકે છે.

ઈરાન તેના પ્રદેશ પર ઈઝરાયેલના તાજેતરના હુમલાનો નિર્ણાયક અને પીડાદાયક જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલો સંભવતઃ 5 નવેમ્બરે યોજાનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા થશે. યહૂદી શાસનના આક્રમણ સામે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનો પ્રતિભાવ નિર્ણાયક અને પીડાદાયક હશે.

અહેવાલ મુજબ ઈઝરાયેલ જાણે છે કે ઈરાન તેના હુમલાનો જોરદાર જવાબ આપવા માટે તૈયાર છે. એટલા માટે ગયા અઠવાડિયે બેન્જામિન નેતન્યાહુ અને તેમની કેબિનેટની સુરક્ષાને લઈને નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર મંત્રીઓ જ બેઠક માટે હાજર રહેશે, તેમના સલાહકારો અને અન્ય નહીં. આ સિવાય બેઠક બંકરોમાં યોજાશે અને કોઈને પણ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે ટોચના અધિકારીઓની સુરક્ષા વધારી દીધી છે. જો કે, ઈઝરાયેલે તેહરાનને ચેતવણી આપી છે કે તેના પ્રદેશ પર કોઈપણ હુમલાનો વધુ વિનાશક રીતે જવાબ આપવામાં આવશે.
અમિત શાહના હસ્તે સાળંગપુરમાં શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ
બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું સૌથી મોટું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન તૈયાર થઇ ગયું છે. 31 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ લક્ઝુરિયસ હોટેલને ટક્કર આપે તેવા યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું. અમિત શાહ મારૂતિ યજ્ઞમાં પણ સહભાગી થઈ રહ્યા છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે અમિત શાહને વડતાલ ખાતે યોજાનાર દ્વિ શતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપ્યું હતું. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.
સાળંગપુરમાં અમિત શાહે કષ્ટભંજન દેવની જય બોલાવી પ્રવચન શરૂ કર્યું હતું. આ સાથે તેઓએ સંતોના ચરણોમાં વંદન કરી તમામ ભક્તોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. દિવાળી અને રૂપ ચૌદશના દિવસે દાદાના દર્શન કરવાનો મોકો મળ્યો તે બદલ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માનું છું. કરોડો લોકોને કષ્ટ પડે ત્યારે તે અહીં આવે છે અને મને પણ જ્યારે કષ્ટ પડ્યું ત્યારે દાદાને યાદ કર્યા હતા.
સાળંગપુરમાં દિવસે ને દિવસે હનુમાન દાદાના દર્શનાર્થે લાખો ભક્તો ઊમટી રહ્યા છે. દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા લક્ઝુરિયસ હોટલને ટક્કર આપે તેવું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન લાગી રહ્યું હતું, જેનું એલિવેશન ઈન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ ભવનની ડિઝાઈન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઈન સંતોએ ફાઈનલ કરી હતી.
દિવાળીમાં ત્યારે જ સાતેય કોઠે દિવા થશે…
દિવાળી એટલે સીતા અને ઉર્મિલાનાં જીવનનો હર્ષોત્સવ. કૌશલ્યારૂપી ધીરજનો પ્રાણોત્સવ. રામ, લક્ષ્મણ અને
જાનકીના વનવાસ બાદ અયોધ્યા આગમનની ઉજવણી અને ઉલ્લાસનો ઉત્સવ. દશાનનરૂપી નકારાત્મકતા પર ત્યાગ, તપ અને ધર્મનો વિજ્યોત્સવ. રિદ્ધિ-સિદ્ધિ સહિત લક્ષ્મીજીના આગમનના વધામણાનો તહેવાર.
પરંતુ ક્યારેય એવું લાગે છે કે વર્તમાન સમયમાં બધી માન્યતાઓ, પરંપરાગત વ્યવસ્થા અને વ્યવહારની સાચવણી કરવા જતાં ઘણી વાર બધુ કષ્ટદાયક થતુ જાય છે? બધા જ લોકો અને રિવાજો આપણાથી નથી સચવાતા ક્યારેક…
ઘરની સફાઈ કરતાં ક્યારેક કમરના મણકાઓનો મિજાજ બદલાઈ જાય છે અને બાળકોના કપડાં અને માણસોના પગાર ચૂકવતાં જ બજારમાં મંદી અને દાઢીમાં ક્યારે સફેદી છવાય જાય છે એનો અંદાજ રહેતો નથી. ઝગમગાટમાં રહેવાના સપનાંઓ દિવસભરના થાક પર ભારે પડે છે અને ભીનાં ખૂણાવાળી આંખના ફ્રોઝન શમણાઓ ઊંઘ સામે રોજ જીતી જાય છે. ઓનલાઇન લીલા ટપકાંમાં અને ફોરવર્ડ કરેલા મેસેજમાં પ્રિયજનની હાજરી શોધતાં શોધતાં છેવટે ક્યાંય પહોંચાતું નથી.
તેલના દીવડાના તેજમાં અને ઘૂઘરાના સાચા ઘીમાં મંદીએ પોતાનો સ્વભાવ જાળવી રાખ્યો છે અને એટલે જ ડાલડા ઘી અને પ્લાસ્ટિકના ફૂલોના માર્કેટનો પ્રભાવ ક્યારેય ઝાંખો થતો નથી.
મધ્યમ વર્ગ પર ઘર ચલાવવાની ચિંતાનુ કદ, કાળીચૌદશના મેલીવિદ્યાના પ્રભાવ કરતાં વધુ હોય છે. મોંઘવારી, થાક અને ખર્ચાઓનો કકળાટ કોઈ ચાર ચોક વચ્ચે મૂકી શકતું નથી અને ઘરમાંથી કકળાટ તો નીકળી જાય છે, પણ મનનો કકળાટ નીકળવા માટે હજુ કોઈ રસ્તા શોધાયા નથી. હનુમાનજીના વડા દ્વારા ભૂખ અને શેઠિયાઓના ઉતરેલ કપડામાં ફેશન સંતોષતો મજૂર વર્ગ વર્ષમાં એક વાર જ પોતાના પગના છાંલાઓને ઢાંકવા સક્ષમ બની શકે છે.

પ્લાસ્ટિકના ફૂલો, મીણીયા દીવડા અને ચાઇનીઝ રોશનીમાં ભૂલા પડેલા લક્ષ્મીજી અંતે તો શોધતા હોય છે-સાફ આંગણે કરાયેલ તેલનો એક દીવો.
આલિશાનતા તો ધનતેરસે લક્ષ્મીપુજાથી મેળવી જ લેવાય છે, પરંતુ ધનકુબેર બનતા બનતા છૂટી જાય છે શાંતિ અને સંતોષ. કેમકે લક્ષ્મીજીના ફોટા સાથે સરસ્વતી અને ગણપતિનુ મહત્વ આપણે કદાચ સમજી શક્યા નથી. જયારે આપણે એ મહત્વને જાણશું ત્યારે જ જ્ઞાનગંગા સાથે આવનારી લક્ષ્મીજી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવી શકશે.
ખરા અર્થમાં દિવાળી એ મનની આંગણવાડીનો ઉત્સવ છે. મનના ભેદભાવને વાળીને ખડે ચોકે મુકતા જ શાંતિરૂપી લક્ષ્મીજી નવા વર્ષે વેણ વગાડતાં ઘરમાં પ્રવેશશે. સ્નેહીઓને મળવાનુ ટાળવા જયારે આપણે હિલસ્ટેશનની રિસોર્ટમાં ભરાવાનો પલાયનવાદ ત્યજશું ત્યારે જ પરાણે દેખાદેખીમાં થતાં સ્નેહમિલનના રિવાજો બંધ થશે. જયારે દેખાદેખીનુ સ્થાન સાદગી અને માથે પડેલા રિવાજોનું સ્થાન એકમેકની અનુકૂળતા લેશે ત્યારે જ જીવનના આનંદરૂપી સબરસની બોણી થશે અને સાતેય કોઠે દિવા પ્રગટશે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
લોહ પુરુષની જન્મ જયંતીએ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ પુષ્પાંજલિ અર્પણ કરી
ગાંધીનગર: લોહ પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડયા, નાયબ સચિવઓ, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

