Home Blog Page 1366

શિયાળાની શરૂઆતમાં ગરમીનો પ્રકોપ યથાવત્

અમદાવાદ: ગુજરાતમાં આ વર્ષ અતિવર્ષા જેવો માહોલ સર્જાયો છે. જ્યાં કેટલાક વિસ્તારમાં લીલો દુકાળ થયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે હવે શિયાળાની શરૂઆતમાં આપણે ઠંડીની માટે રાહ જોવી પડશે. કેમ કે હવામાન વિભાગ પ્રમામે આગામી એક સપ્તાહ સુધી ગરમીમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે. અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી યથાવત્‌ રહેતાં સળંગ છઠ્ઠા દિવસે 37 ડિગ્રીથી વઘુ તાપમાન નોંધાયું હતું. હજુ એક સપ્તાહ તાપમાન 37 ડિગ્રીથી વઘુ જ રહે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આજે 37.2 ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 38 ડિગ્રીને પાર જઇ શકે છે. આમ, દિવાળીના તહેવારોમાં પણ ગરમીથી રાહત મળવાની સંભાવના નહિવત્‌ છે. સોમવારે રાત્રિએ અમદાવાદમાં 24.5 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હાલની સ્થિતિ પ્રમાણે પાંચ નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. દરમિયાન આજે 39.7 ડિગ્રી સાથે ડીસામાં સૌથી વઘુ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 39 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

કાજુ-પિસ્તા રોલ

દિવાળીમાં નિતનવી મીઠાઈઓ જેટલી બનાવો તેટલી ઓછી છે. ગૃહિણીઓ નવીન મીઠાઈ બનાવવાના અખતરા દિવાળીમાં કરી લેતી હોય છે. તેમાં આ કાજુ-પિસ્તા રોલ તો ઝટપટ અને ફાયરલેસ બની જાય છે!

સામગ્રીઃ

  • કાજુ 1 કપ
  • પિસ્તા 1 કપ
  • દૂધ પાઉડર 1-1 કપ
  • દળેલી સાકર 1-1 કપ
  • એલચી પાઉડર ¼ -¼ ટી.સ્પૂન
  • ઘી 2-2 ટે.સ્પૂન
  • દૂધ ¼ -¼  કપ

રીતઃ કાજુને મિક્સીમાં પલ્સ મોડ પર ધીરે ધીરે કરીને બારીક પાઉડર પીસી લો. કાજુ પાઉડરને બારીક સ્ટીલની ચાળણીમાં ચાળી લો. પિસ્તાનો પણ આ જ રીતે પાઉડર કરીને ચાળીને અલગ બાઉલમાં કાઢી લો.

એક બાઉલમાં કાજુ પાઉડર લઈ તેમાં દૂધ પાઉડર 1 કપ, દળેલી સાકર 1 કપ, એલચી પાઉડર ¼ ટી.સ્પૂન, ઘી 2 ટે.સ્પૂન તથા દૂધ ¼ કપ મેળવીને તેનો લોટ બાંધી લો.

આ જ રીતે બીજા બાઉલમાં પણ પિસ્તા પાઉડર લઈ કાજુ પાઉડરમાં ઉમેરેલી સામગ્રી પ્રમાણેની સામગ્રી ઉમેરીને લોટ બાંધી લો.

એક પ્લાસ્ટીક ઉપર કાજુનો લોટ લઈ તેને હાથેથી થાપીને ચપટો કરી લીધા બાદ થોડો પાતળો વણી લો. આ જ રીતે બીજા પ્લાસ્ટીક પર પિસ્તાનો બાંધેલો લોટ લઈ તેને પણ હાથેથી થાપી લીધા બાદ પાતળો રોટલો વણી લો.

કાજુના વણેલો રોટલા ઉપર પિસ્તાનો વણેલો રોટલો પાથરી દો અને પ્લાસ્ટીકને ધીમે ધીમે વાળતા જઈ બંને રોટલાનો રોલ વાળતા વાળતા પ્લાસ્ટીર કાઢીને આખો રોલ વાળી લો. આ રોલને વચ્ચેથી ચપ્પૂ વડે કટ કરીને બે ભાગ કરી લો. બંને ભાગને અલગ અલગ પ્લાસ્ટીકમાં ટાઈટ રોલ કરીને પેક કરીને રેફ્રીજરેટરમાં 10 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ બહાર કાઢીને આ રોલની સ્લાઈસ કરી લો.

અન્ય રીત પ્રમાણે રોટલાને બદલે લાંબી પાતળી કાજુ તેમજ પિસ્તાની સ્ટ્રીપ વણીને 2 ઈંચના લંબગોળ રોલ વાળી લો.

૩૦ ઓક્ટોબર ૨૦૨૪

કેવી રીતે ગુસ્સો તમને નુકસાન કરે છે?

દરેક સન્નિષ્ઠ સાધક ગુસ્સાને તિલાંજલિ આપવા અને સર્વોત્કૃષ્ટતાની અવસ્થા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ તેની પોતાની લાગણીઓને લીધે આ ઈચ્છા ધોવાઈ જાય છે. જ્યારે તમારામાં ગુસ્સો ઉદ્દભવે છે ત્યારે તમે શું કરી શકો છો? તમે તમારી જાતને સો વાર યાદ કરાવતા હશો કે તમારે ગુસ્સે ના થવું જોઈએ, પરંતુ જ્યારે ગુસ્સો કરે આવી ક્ષણ આવે છે ત્યારે તમે નિયંત્રણ રાખી શકતા નથી. એક વાવાઝોડાની જેમ આવે છે. તમારા વિચારો અને તમે જે પ્રતિજ્ઞા લો છો તેના કરતાં લાગણીઓ ઘણી વધારે પ્રબળ હોય છે.

ગુસ્સો એ આપણા નૈસર્ગિક સ્વભાવની વિકૃતિ છે અને તે આપણી ચેતનાને સંપૂર્ણપણે પ્રકાશિત થવા દેતો નથી. માનવીય ચેતના કે મનની રચના એક અણુની રચનાને ઘણી મળતી આવે છે. સકારાત્મક ગુણભાર ધરાવતા પ્રોટોન અને ન્યુટ્રોન અણુની મધ્યે હોય છે જ્યારે નકારાત્મક ગુણભાર ધરાવતા ઈલેક્ટ્રોન બહાર પરિઘ પર હોય છે. એ જ રીતે માણસની ચેતના, મન અને જીવનમાં પણ તમામ નકારાત્મકતાઓ અને દુર્ગુણો માત્ર બહાર કિનારે જ હોય છે.

ગુસ્સો પ્રદર્શિત કરવો ખોટું નથી, પરંતુ પોતાના ગુસ્સા વિશે સભાનતા ના હોય તો તમને પોતાને જ નુકસાન થાય છે. ક્યારેક તમે ઈરાદાપૂર્વક ગુસ્સો પ્રદર્શિત કરી શકો છો.દા.ત. મા તેના બાળકો પર ગુસ્સે થાય છે. જો બાળકો પોતાને જોખમમાં નાંખે છે તો મા કઠોર વર્તન કરી શકે છે અથવા તેમના પર ખિજાઈ શકે છે. ગુસ્સો પ્રદર્શિત કરવા યોગ્ય સંજોગો હોઈ શકે છે પરંતુ જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમે કેવું અનુભવો છો? તમે બિલકુલ વિચલિત થઈ ગયા હોવ છો. ગુસ્સો કર્યા પછી જે પરિણામો આવે છે તે તરફ જુઓ. તમે જ્યારે ગુસ્સે થાવ છો અને એ દરમ્યાન તમે જે નિર્ણયો લો છો અથવા તમે જે શબ્દો બોલ્યા હોવ છો તેનાથી શું તમને ક્યારેય આનંદ મળ્યો છે? ના, કારણકે તમે તમારી સંપૂર્ણ સભાનતા ખોઈ બેઠા હોવ છો. જો તમે સંપૂર્ણ સભાનપણે ગુસ્સે થયા હોવાનું નાટક કરતા હોવ તો બરોબર છે.

ગુસ્સો એવી કોઈ બાબત પર હોય છે જે થઈ ચુકેલી છે. તમે જેને બદલી નથી શકવાના એવી બાબત વિશે ગુસ્સો કરવાનો કોઈ ફાયદો ખરો? મન હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાતુ હોય છે. મન ભૂતકાળમાં હોય છે ત્યારે તે કંઈક, જે થઈ ચૂક્યું છે, તેના વિશે ગુસ્સે થાય છે; એ ગુસ્સો અર્થહીન છે કારણ કે આપણે ભૂતકાળને બદલી શકતા નથી. મન ભવિષ્યમાં હોય છે ત્યારે એ કોઈ બાબત વિશે ચિંતા કરે છે જે થાય પણ ખરી અને ના પણ થાય. જ્યારે મન વર્તમાન ક્ષણમાં હોય છે ત્યારે ચિંતા અને ગુસ્સો એકદમ અર્થહીન જણાય છે.

આધ્યાત્મિક પ્રક્રિયાઓ તમને કેન્દ્રિત રહેવામાં અને નાની ઘટનાઓથી વિચલિત ના થવામાં સહાય કરે છે. આમા આપણા વિશેનું, આપણા મન અને ચેતના વિશેનું તથા આપણા સ્વભાવમાં વિકૃતિ કરી શકે તે ઉદ્ભવ સ્થાન વિશેનું થોડું જ્ઞાન સહાયરૂપ થશે. તમે એકદમ થાકી ગયેલા અથવા તણાવમાં હોવ છો ત્યારે તમે તમારા સ્વભાવથી અળગા થઈ જાવ છો અને ગુસ્સો કરી બેસો છો. દરેક વ્યક્તિને દુનિયાના બધા સદ્ગુણોની બક્ષિસ મળેલી હોય છે. આ સદ્ગુણો સમજના અભાવે અને તનાવને લીધે આચ્છાદિત થઈ જાય છે. માત્ર એ કરવું જરૂરી છે કે જે સદ્ગુણો અગાઉથી છે જ તેમને અનાચ્છાદિત કરવા.

શ્વસન પ્રક્રિયાઓ અને ધ્યાન મનને શાંત કરવા માટે ખૂબ અસરકારક છે. આપણા શ્વાસ વિશે થોડું જાણવું બહુ અગત્યનું છે. આપણો શ્વાસ આપણને એક અગત્યનો પાઠ ભણાવે છે જે આપણે ભૂલી ગયા છીએ. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની પણ લય હોય છે અને શ્વાસની દરેક લયને અનુરૂપ લાગણી હોય છે. તમે તમારા મનને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત નથી કરી શકતા ત્યારે તમે શ્વાસ દ્વારા તેમ વધારે સારી રીતે કરી શકો છો. ધ્યાન એટલે ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓને લઈને ઉદ્ભવતા ગુસ્સાને ત્યજવો. એનો એ પણ અર્થ છે કે આ ક્ષણનો સ્વીકાર કરવો અને દરેક ક્ષણને ગહેરાઈથી સંપૂર્ણપણે જીવવી. ઘણી વાર તમે આ ક્ષણનો સ્વીકાર નથી કરતા એને લીધે ગુસ્સો આવે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

નોટ આઉટ @92 : ચંચળબહેન ઉત્તમભાઈ દેસાઈ

92 વર્ષની ઉંમરે 10 માણસની રસોઈ બનાવી નાખવાનો આત્મવિશ્વાસ ધરાવનાર અને રોજ પોતાનાં કપડાં જાતે ધોઈ-સૂકવી નાખનાર, સ્વાધ્યાયી ચંચળબહેન દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ વાપી-ઉદવાડા પાસે પરિઆ ગામમાં. પિતા ગામના સરપંચ. કેળવણી સાથે સંકળાયેલા. સાત ભાઈ-બહેનોમાં ચંચળબહેન સૌથી મોટાં. આઠમું ધોરણ પાસ કર્યું અને તેમના લગ્ન વાપીના ઉત્તમભાઈ સાથે થયા. તેમનો અભ્યાસ અધૂરો રહ્યો એટલે બાળકોને સરસ ભણાવ્યાં. થોડા વખતમાં પિતાનું અવસાન થતાં, નાના પાંચ ભાઈઓની જવાબદારી તેમના પર આવી. બે ભાઈઓને પોતાની જોડે રાખીને ભણાવ્યા અને બધા ભાઈઓને સારી નોકરીમાં લગાડ્યા. શરૂઆત મુંબઈથી કરી. ગામડેથી મુંબઈ હોસ્પિટલમાં આવતાં લોકોની ઘણી સેવા કરી. 1960માં ગુજરાત-રાજ્ય અલગ  થતાં તેઓ અમદાવાદ આવી ગયાં. પોતાનાં ચાર બાળકો, સસરા, બે મામા, અને નોકર સાથેનું 10 જણનું કુટુંબ બે-રૂમના નાના ઘરમાં રહેતું! સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ઘણાં સક્રિય હતાં.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે 8:30 વાગે ઊઠે. નાહી-ધોઈ, ચા-પાણી કરી કલાક પૂજાપાઠ કરે. પછી છાપુ વાંચે. 12:00 વાગે જમે. અત્યારે પણ સોમવાર, ગુરુવાર, અગિયારસના ઉપવાસ-ફરાળ કરે. બપોરે જમીને થોડો આરામ કરે. બાળકોનું ધ્યાન રાખે. 3-4 કલાક વાંચે. ક્યારેક દર્શન કરવા જાય. હમણાં મુંબઈ જઈ આવ્યાં! અનાવિલની નાત અને દહેજનો રિવાજ, પણ ત્રણે દીકરીઓને દહેજ વગર, સારી રીતે, સામેથી માગાં આવે તેમ લગ્ન કર્યાં. દીકરાના લગ્ન પણ દહેજ વગર કર્યા.

શોખના વિષયો : 

વાતો કરવાનો બહુ શોખ! 90 વર્ષની પાંચ બહેનપણીઓ ભેગી થાય તો કલાકો સુધી વાતો કરે! વાંચવાનો શોખ, ટીવી જોવું ગમે, ગરબા ગાય અને કરે પણ ખરા. જોકે પગની તકલીફને લીધે ગરબા બંધ છે. નવરાત્રીમાં દર વર્ષે માતાજીનું સ્થાપન અને ઉપવાસ કરે. ગાર્ડનિંગ કરવું ગમે. ભજનનો શોખ. રસોઈનો બહુ શોખ. બગાડ બિલકુલ ગમે નહીં. વધેલી વસ્તુમાંથી સરસ નવી વસ્તુ બનાવી નાખે. તેમની મીઠાઈઓ બનાવવાની આવડત પેટન્ટ કરાવી પડે એટલી સરસ!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઘરમાં હરતાં-ફરતાં છે. કોઈ મેજર બીમારી નથી. કોરોના સમયમાં બોલ-રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરવું પડ્યું હતું. ત્રણ-ચાર વાર પડી ગયાં, પણ તરત જ રિકવર થઈ જાય! મેમરી ખૂબ સરસ છે, આંખો સારી છે, સાંભળવાની અને પગની થોડી તકલીફ છે. દીકરો-વહુ (ગૌતમ-રશ્મિ) તથા પૌત્ર-પૌત્રવધૂ (માલવ-ઊર્મિ) સરસ સેવા કરે છે. ગૌતમભાઈ હસતા-હસતા કહે: કંપની આપવાની એ જ સેવા!

યાદગાર પ્રસંગ: 

વ્યવહારિક જ્ઞાન ઘણું. પુત્રના મિત્રોને પોતાના પુત્ર જેમ રાખે. એક મિત્રની તબિયત બગડી. ચંચળબાને ખબર પડી, કે હવે મિત્રને જોવા હોસ્પિટલ જોવું પડશે. તેમણે પુત્રને કહ્યું કે બિમાર-મિત્રની સાથે એકદમ પોઝિટિવ જ વાત કરવાની. ક્યારેય માંદા-મિત્રની સામે રડવાનું નહીં. હોસ્પિટલ જઈને એમણે મિત્રના આખા શરીરે હાથ ફેરવ્યો અને પ્રેમથી કહ્યું કે તું સારો થઈ જાય એટલે અમારે ઘેર રહેવા આવજે!

તેમનો પૌત્ર(માલવ) એક છોકરીના પ્રેમમાં હતો. દાદાને ખબર પડી ગઈ! દાદાએ ચંચળબાને વાત કરી અને બંને વડીલોએ છોકરી સાથે વાત કરીને રંગે-ચંગે પ્રસંગ પાર પાડ્યો! પૌત્ર માલવ અને પૌત્રી જીનલ બંને પહેલા જ ટ્રાયલે CA પાસ થયા તે યાદગાર પ્રસંગ. મોટી દીકરીએ મારવાડી કુટુંબમાં લગ્ન કર્યા એ પણ યાદગાર! પૌત્ર(માલવ) કાયમ બાને “108 નોટ-આઉટ” કહે એટલે બા ખુશ-ખુશ!  90 વર્ષની ઉંમરે નાતમાં તેમનું સન્માન થયું તે પણ યાદગાર!

 

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી ટેકનોલોજીનો ઉપયોગ ઓછો, પણ ખૂબ વ્યવહારુ. કોઈની બીમારી કે અવસાનના સમાચાર આવે તો ફોન ઉપર બહુ સરસ રીતે વાતો કરે. પરદેશ રહેતા પૌત્ર સાથે પણ નિયમિત વાત કરે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?

પહેલાં સગાં-સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વચ્ચે ઘણો પ્રેમ હતો. લોકો ભેગાં મળી ગપ્પા મારતાં. તેઓ વાપી જાય તો જાણે આખું ગામ મળવા આવતું! અત્યારે પ્રેમ ઓછો થઈ ગયો છે અને ઘેર આવવાનું તો બિલકુલ બંધ થઈ ગયું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

બહાર જવાનું ઓછું થઈ ગયું છે, એટલે પુત્ર અને પૌત્રોના મિત્રો આવે તો તેમને બહુ ગમે. ઘેર આવે ત્યારે તેમની સાથે સરસ વાતો કરે. પ્રપૌત્રીઓ નાવ્યા અને નિષ્કા સાથે તો બહુ ફાવે. તેમને 4 બાળકો, 8પૌત્ર-પૌત્રી અને 14 પ્રપૌત્ર-પ્રપૌત્રી છે.

સંદેશો :    

કોઈપણ વસ્તુનો બગાડ કરવો નહીં. તમારી રચનાત્મક આવડતને કામે લગાડી, વધેલી વસ્તુઓમાંથી કંઈને-કંઈ નવું બનાવો.

પંચાંગ 30/10/2024

આજે ફરી 100 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દેશમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ ફ્લાઈટ્સ અને એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. ત્યારે આજે ફરી એકવખત એકસાથે 100 વિમાનોને ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સરકાર અને ડીજીસીએની તમામ કડકતા અને નિયમો છતાં વિમાનોમાં બોમ્બની ધમકીઓ સતત મળી રહી છે. ફરી એકવાર સૂત્રો પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે મંગળવારે પણ વિવિધ ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત 100 થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી છે.

મંગળવારે એર ઈન્ડિયાને લગભગ 36 ફ્લાઈટ્સ અને ઈન્ડિગોને લગભગ 35 ફ્લાઈટ્સ માટે ધમકી મળી હતી. વિસ્તારાની 32 ફ્લાઈટમાં બોમ્બની ધમકીઓ પણ મળી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 16 દિવસમાં 510 થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને ધમકીઓ મળી છે. જોકે, તપાસ દરમિયાન લગભગ તમામ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. મોટાભાગે તમામ ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે તેમની મોટાભાગની ફ્લાઈટ્સને સોશિયલ મીડિયા પર બોમ્બની ધમકીઓ મળી છે. ધમકી મળતાં જ સંબંધિત અધિકારીઓ અને વિભાગોને નિયત પ્રોટોકોલ મુજબ એલર્ટ કરવામાં આવ્યા હતા. રેગ્યુલેટરી ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર સલામતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્રણ એરલાઇન્સને તેમની કુહાડીના હેન્ડલ પર બોમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સોમવારે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાને ધમકીઓ મળી હતી. જો કે તે અફવા સાબિત થઈ હતી. મુંબઈ પોલીસે ઑક્ટોબરમાં એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સંબંધમાં 14 FIR નોંધી છે.

ECIએ ચૂંટણીમાં EVM અંગે કોંગ્રેસના આરોપોને નકારી કાઢ્યા

ચૂંટણી પંચે હરિયાણા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિના કોંગ્રેસના આરોપોને પાયાવિહોણા, ખોટા અને તથ્યવિહીન ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે આરોપોને લઈને 1642 પાનાનો જવાબ પણ મોકલ્યો છે. પંચે કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી પછી પાયાવિહોણા આરોપોથી દૂર રહેવા પત્ર પણ લખ્યો છે. ચૂંટણી પંચે પણ કોંગ્રેસને આવા વલણોને રોકવા માટે નક્કર પગલાં લેવા વિનંતી કરી છે.

ચૂંટણી પંચે કોંગ્રેસને વિનંતી કરી કે મતદાન અને ગણતરીના દિવસો જેવા સંવેદનશીલ સમયે બેજવાબદારીભર્યા આરોપો જાહેરમાં અશાંતિ, અશાંતિ અને અરાજકતાનું કારણ બની શકે છે. છેલ્લા એક વર્ષમાં 5 વિશિષ્ટ કેસોને ટાંકીને, પક્ષને યોગ્ય ખંત રાખવા અને કોઈપણ પુરાવા વિના ચૂંટણી કાર્યો પર ટેવાયેલા હુમલાઓ ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

રિટર્નિંગ અધિકારીઓએ આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરી હતી

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 26 વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ અધિકારીઓએ જે અંગે રાજકીય પક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તેની સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ભૂલ જોવા મળી નથી. વિસ્તારોમાં જે પણ પગલાં લેવાયા હતા તે કોંગ્રેસના ઉમેદવારો કે એજન્ટોની દેખરેખ હેઠળ થયા હતા.

ઈસીઆઈ દ્વારા કોંગ્રેસ પક્ષને મોકલવામાં આવેલા જવાબમાં 1642 પાનાના પુરાવાનો પણ સમાવેશ થાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈવીએમમાં ​​બેટરી નાખવાથી લઈને મતગણતરી પૂરી થાય ત્યાં સુધી દરેક પગલા પર કોંગ્રેસના ઉમેદવારોના અધિકૃત પ્રતિનિધિઓ હાજર હતા. 7-8 દિવસમાં મતો હાજર છે. તેથી, મુખ્ય ચૂંટણી અધિકારી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે કોંગ્રેસ પક્ષની તમામ ફરિયાદોને નકારી કાઢે છે.

ઈન્સ્ટાગ્રામ ડાઉનઃ હજારો યુઝર્સ પરેશાન

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અચાનક બંધ થઈ ગયું છે. વિશ્વભરના હજારો વપરાશકર્તાઓ Instagram પર SMS મોકલી શકતા નથી. Downdetector અનુસાર, આ સમસ્યા સાંજે 5:14 વાગ્યે શરૂ થઈ હતી અને ઘણા યુઝર્સ મેસેજ મોકલવામાં સમસ્યાની જાણ કરી રહ્યા છે.

2000 થી વધુ લોકોએ ડાઉનડિટેક્ટર પર રિપોર્ટ્સ નોંધાવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે મેટાની માલિકીનું ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. લોકોએ X પર આ અંગે ફરિયાદ પણ કરી છે અને જણાવ્યું છે કે તેઓ કેવી રીતે મેસેજ ફીચરનો ઉપયોગ કરી શકતા નથી.

દિવાળીમાં ટ્રેડિશનલ પરિધાન પહેરવામાં વાંધો શું છે?

દીકરી પૃથાને સમજાવતા બરખાબહેન બોલ્યા, આખું વર્ષ તને ગમે એવા કપડા તું પહેરે છે, છતાં હું કશુ જ કહેતી નથી. પણ દિવાળી માટે તો જીન્સ, સ્કર્ટની જગ્યાએ ટ્રેડિશનલ ડ્રેસ ખરીદી શકે ને ? મમ્મીની વાત સાંભળી પૃથા બોલી, યાર મમ્મી તું પણ તારા જમાનામાં જ જીવે છે. હવે એવું નથી કે દિવાળી હોય એટલે ટ્રેડિશનલ કપડાં જ પહેરવાના. સમયની સાથે બધુ બદલાઈ ગયું છે. બરખાબહેન બોલ્યા, હા બધુ બદલાઈ તો ગયું છે પણ આપણી સંસ્કૃતિ નથી બદલાઈ. એક કામ કર. તું તારે મનફાવે એવા કપડા પહેરજે, પણ હા પછી અમારી સાથે પૂજામાં બેસવાની કે મંદિરે દર્શન કરવા આવવાની જરૂર નથી. તું તારે બદલાયેલા સમય સાથે ફરજે હોં. બરખાબહેનને ગુસ્સામાં જોઈ પૃથાએ કહ્યું મમ્મી આમ ચિડાઈશ નહીં, હું તો તને અકળાવતી હતી. સાચું કહું દિવાળી માટે મે તારા ગમતા કલરનો સરસ મજાનો સલવાર સુટ લીધો છે. હવે તો ખુશ થઈ જા.

બરખાબહેનને તો પૃથાની વાત સાંભળીને હાશ થઈ, પણ ખરેખર આજના આધુનિક યુગમાં દિવાળી પરિધાનને લઈને અનેક મહિલાઓના મનમાં કસમકસ ચાલતી હોય છે. ખાસ કરીને નવી પેઢી અને જૂની પેઢીમાં તો ક્યારેક રીતસરના આંતરિક વિખવાદ પણ થઈ જાય છે. ત્યારે એ સવાલ તો જરૂર થાય કે દિવાળીમાં ટ્રેડિશનલ પરિધાન પહેરવામાં વાંધો શું છે?

દિવાળી તહેવાર દરમિયાન હવે મહિલાઓ અને યુવતીઓ ઇન્ડો-વેસ્ટર્ન અને વેસ્ટર્ન કપડામાં પહેરવાનું પસંદ કરે છે. જેમાં ખાસ કરીને ફ્યૂઝન અને સ્ટાઇલિશ લુક સાથે માર્ડન-ટચ આપે છે. હમણાં હમણાં લેટેસ્ટ ટ્રેન્ડમાં લોકપ્રિય વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન પરિધાનની પસંદગીમાં ધોતી પેન્ટ સાથે ટયુનિક ટોપ, શરારા સાથે ક્રોપ ટોપ અને જેકેટ, પલાઝો પેન્ટ અને કુર્તા, ફ્યુઝન સાડી અથવા ડ્રેપ સાડી, સ્કર્ટ અને લાંબી કુર્તી, જીન્સ સાથે ટ્રેડિશનલ ટોપ અથવા શ્રગ, કફતાન ટોપ અને પેન્ટ, ક્લોટ્સ અને પેપલમ ટોપ પણ પસંદ કરવામાં આવી રહ્યા છે.

દિવાળી પરંપરાગત તહેવાર છે, એમાં ટ્રેડિશનલ પરિધાન કેમ નહીં?

બેંગ્લોરના આરતીબહેન રાજપોપટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, હું માનુ છુ કે તહેવારોમાં તો ટ્રેડિશનલ પરિધાન જ જોઈએ. આપણે દરિયાકિનારે, હિલ સ્ટેશન કે પછી ડિસ્કોમાં જઈએ તો એ પ્રમાણે જ વસ્ત્રો પહેરીએ છીએ. તો પછી દિવાળી તો આપણો પરંપરાગત તહેવાર છે તો એમાં ટ્રેડિશનલ પરિધાન કેમ નહીં? એ તહેવારની વાઈબ્સ પણ આપે છે. જો કે આજકાલ ટીવી સીરીયલ, ફિલ્મ, એડવર્ટાઇઝીંગમાં તહેવારોને લઈને ટ્રેડિશનલ પોશાક બતાવવામાં આવે છે. જેના કારણે આજની જનરેશન ફેશન સમજીને પણ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરતી થઇ છે. આજના બાળકોને આપણા પરંપરાગત તહેવાર અને એની સાથે જોડાયેલી પરંપરા ઉપરાંત પરિધાનો વિશે શાંતિથી અને સાચી સમજ આપવી જરૂરી છે. હું માનું છું કે પરાણે બાળકોને ટ્રેડિશનલ પોશાક પહેરવાની જીદ કરવાની જરૂર નથી. એમને સમજાવવાની જરૂર છે.

દિવાળી પર ટ્રેડિશનલ પરિધાન સારા લાગે એમ હું માનું છુ!

જાણીતા લેખિકા દિનાબહેન રાયચુરા ચિત્રલેખા.કોમને કહે છે, દિવાળીનો તહેવાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે. મને આજે પણ યાદ છે કે હું નાની હતી ત્યારે મારા મમ્મી વહેલી સવારે ઉઠીને બ્રાઈટ કલરનું સેલુ પહેરી, માથામાં સરસ મજાની મોગરાની વેણી નાખીને વડીલોને પગે લાગવા જતી. જો કે આજની આધુનિકતામાં આવા દ્રશ્યો ઘણા ઓછા જોવા મળે છે. છતાં દિવાળી જેવા તહેવાર પર તો ટ્રેડિશનલ પરિધાન સારા લાગે એમ હું માનું છુ. જો કોઈ યુવતીને જીન્સ ગમતું હોય તો એ પહેરી શકે પરંતુ પ્રયત્ન કરવો કે એના પર ટ્રેડિશનલ કુર્તી પહેરે. જેનાથી એ પણ ખુશ અને એને જોઈને પરિવારના વડીલોને પણ ખુશી થાય. દિવાળીના આ તહેવારોમાં ચાર-પાંચ દિવસ દરમિયાન ટ્રેડિશનલ લૂક રાખીએ તો સારું જ છે.

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે

અમદાવાદની ફેશન ડિઝાઈનર અને આજના યુવાનોને નવા ટ્રેન્ડથી માહિતગાર કરતી ઝરણા સોની ચિત્રલેખા.કોમને કહે છે કે, દિવાળીનો તહેવાર એટલે પ્રભુ શ્રી રામના આગમનનો ઉત્સવ. આપણા ઘરે કોઈ પ્રસંગ હોય તો આપણે ટ્રેડિશનલ કપડા જ પહેરીએ, તો પછી આ તો આપણો સૌથી મોટો તહેવાર છે. માટે ટ્રેડિશનલ પરિધાન જ શોભે. સામાન્ય રીતે તો સાડી ઓલ ટાઈમ હીટ છે. પરંતુ યુવતી શોર્ટ સરારા, ડિઝાઈનર કુર્તી વધુ પસંદ કરે છે. ઉપરાંત લહેંગા, ચણીયા-ચોળી અને હેવી ડ્રેસ કેરી કરી દિવાળીની ઉજવણી કરે છે.

 

ટ્રેડિશનલ ડ્રેસ માત્ર વસ્ત્ર નથી, એ આપણી સંસ્કૃતિનો અહેસાસ કરાવતી એક એવી ચીજ છે, જે વારસામાંથી મળેલી છે. આ વસ્ત્રો માત્ર આપણી ઓળખ જ નહીં, પરંતુ તહેવારના આનંદ અને ગૌરવને પણ વધારે છે. આજના યુગમાં ફેશન અને પસંદગી બદલાઈ છે, અને લોકોને પોતાની રીતે તહેવાર મનાવવાનો હક્ક છે, પરંતુ દિવાળી માત્ર પ્રકાશના પર્વની સાથે આપણને આપણા મૂળ અને સંસ્કૃતિની એકદમ નજીક લાવે છે.

હેતલ રાવ