
મહારાષ્ટ્ર ચૂંટણી માટે BJPની બીજી યાદી જાહેર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપની બીજી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલા પાર્ટીએ પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 121 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીની બીજી યાદીમાં માત્ર એક મહિલા ઉમેદવાર છે. પાર્ટીએ નાસિક સેન્ટ્રલથી દેવયાની સુહાસ ફરંદેને ટિકિટ આપી છે. બીજી યાદીમાં 3 ST અને 2 SC બેઠકો છે.


ભાજપે રામ ભદાનેને ધુલે ગ્રામીણથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મલકાપુર બેઠક પરથી ચૈનસુખ સંચેતીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આકોટમાંથી પ્રકાશ ભરસાખલેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના નેતા ગોપીચંદ પડલકરને જાટમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં 99 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભાજપે 20 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 99 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાંથી 6 બેઠકો ST અને 4 બેઠકો SC માટે હતી. જ્યારે 13 બેઠકો પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે.
યોગીના ‘બટેંગે તો કટેંગે’ નિવેદનનું RSSએ કર્યું સમર્થન
ઉત્તર પ્રદેશ: મથુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક બેઠક દરમિયાન આર.એસ.એસ.ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’વાળા નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આપણે આને આચરણમાં લાવવું જોઈએ. આ હિંદુની એકતા અને લોક કલ્યાણ માટે જરૂરી છે.
દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, “ગયા વર્ષ કરતાં આ વખતે આર.એસ.એસ.ની બ્રાન્ચ વધી છે. સમગ્ર દેશમાં સંઘની 72,354 બ્રાન્ચ ચાલી રહી છે. વર્તમાન સમયમાં એકતા જાળવી રાખવાની છે. ઘણા સ્થળે ધર્માંતરણ થઈ રહ્યું છે. ગણેશ પૂજા અને દુર્ગા પૂજાના પંડાલ પર હુમલા થઈ રહ્યા છે. આ મામલે પોતાની રક્ષા પણ કરવી જોઈએ અને એકતા પણ જાળવી રાખવી જોઈએ જેનાથી શાંતિ જળવાઈ રહે.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ ના નિવેદનના સવાલ પર તેમણે કહ્યું, ‘આનો અર્થ છે કે એકતાની જરૂર છે અને આપણે તેને આચરણમાં લાવવાનું છે. લોકો આને સમજી રહ્યાં છે અને લાગુ કરી રહ્યાં છે. આ હિંદુ એકતા અને લોક કલ્યાણ માટે ખૂબ જરૂરી છે. હિંદુઓની એકતા તોડવા માટે લોકો કામ કરી રહ્યાં છે.’
કાંકરિયા ઝૂમાં નવા વાઘ અને દીપડાનું આગમન
અમદાવાદ: કાંકરિયાના પ્રાણીસંગ્રહાલય અમદાવાદનું એક મહત્વનું આકર્ષણ છે. જેમાં વિવિધ પ્રકારના દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. સમયાંતરે અમદાવાદ મહાનગરપાલિકા નીત નવા આકર્ષણો ઉમેરે છે. તેના ભાગ રૂપે દિવાળી પહેલા મહારાષ્ટ્રથી નવા મહેમાનનું આગમન થયું છે. જેમાં બે નવી વાઘણ સહિત છ નવા દીપડાને નાગપુરથી કાંકરિયાના પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યાં છે. લોકો આજે શનિવારથી જ આઠ નવા સમાવેશ કરવામાં આવેલા પ્રાણીઓને નિહાળી શકશે. ધારાસભ્ય અમિત શાહ, કોર્પોરેશન અને વહીવટી તંત્ર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા પ્રાણીઓની ભેટ આપી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નાગપુરના ગોરેવાડા પ્રાણીસંગ્રહાલય સાથે વિનિમય પ્રથાના ભાગ રૂપે આ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. બે વાઘણ અને ત્રણ જોડી દીપડા મળી કુલ આઠ પ્રાણીઓના બદલામાં કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી 19 જેટલા પશુ-પક્ષીઓ ગોરેવાડા પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીના નીતિ નિયમ પ્રમાણે આ પ્રાણીઓને વિશિષ્ટ પ્રકારના વાતાવરણ માટે મુલાકાતીઓથી દૂર રાખવા માટે તેમને એક મહિના સુધી ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. કાંકરિયાના પ્રાણીસંગ્રહાલયના વાતાવરણમાં ટેવાઈ ગયા બાદ આ પ્રાણીઓને મુલાકાતીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. તહેવારોમાં કાંકરિયામાં આશરે 25 હજારથી વધુ લોકો મુલાકાતે આવતા હોય છે. કાંકરિયાના પ્રાણીસંગ્રહાલય ખાતે લોકો બાળકો અને પરિવાર સાથે પ્રાણીઓને જોવા અને પ્રકૃત્તિને માણવા આવતા હોય છે. આ પ્રાણીસંગ્રહાલયમાં એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, નવ દીપડા જેમાં ચાર નર અને પાંચ માદા, એક રીંછ, એક હાથી, બે હિપોપોટેમસ, નવ શિયાળ સહિત મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ છે. આ સાથે સરીસૃપો મળીને 2100 વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે.
MAMI ફેસ્ટિવલમાં મનોજ બાજપેયીને મળ્યું આ વિશેષ સન્માન
મુંબઈ: મનોજ બાજપેયીને દિગ્દર્શક રામ રેડ્ડીની તેજસ્વી અને સિનેમેટિક પ્રેમથી ભરેલી ફિલ્મ ‘ધ ફેબલ’ માટે MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં દક્ષિણ એશિયા સ્પર્ધામાં વિશેષ જ્યુરી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે MAMI ખાતે તેનું પ્રીમિયર થયું હતું. પુરસ્કારની જાહેરાત કરતા ફિલ્મ નિર્માતા કબીર ખાને આ ફિલ્મને એક અત્યાધુનિક અને કાલ્પનિક ફિલ્મ ગણાવી જે તેમની સમગ્ર ટીમની મહેનત દર્શાવે છે. તેણે મનોજ બાજપેયીની પણ પ્રશંસા કરી છે અને હવે અભિનેતાની પ્રતિક્રિયા સામે આવી છે.

મનોજ બાજપેયી તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. ફિલ્મમાં મનોજ ઉપરાંત પ્રિયંકા બોસ, દીપક ડોબરિયાલ, તિલોત્તમા શોમ, હિરલ સિદ્ધુ અને અવન પુકોટે પણ સારું કામ કર્યું છે. રામ રેડ્ડી હાલમાં અન્ય ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સ્પેનમાં છે. તેથી જ તે મામીના સમાપન સમારોહમાં હાજર નહોતા. પરંતુ તેના પિતા નિર્માતા પ્રતાપ રેડ્ડીએ ટીમ વતી તેમનો એક સંદેશ વાંચ્યો,’અમે આ અદ્ભુત તક માટે મામીનો આભાર માનીએ છીએ કે જેણે અમને આટલી હૂંફાળું અને ઉત્સાહિત ઇવેન્ટમાં અમારી ફિલ્મ પ્રદર્શિત કરવાની તક આપી .
રામ રેડ્ડીએ આગળ લખ્યું,’આ સપનાને સ્ક્રીન પર લાવવા માટે અમારી ટીમે ઘણા પડકારોને પાર કરીને પૂરા દિલથી કામ કર્યું. અમે આ માન્યતા માટે અત્યંત નમ્ર અને આભારી છીએ. ઘણી રીતે MAMI પ્રેક્ષકો અમારા પ્રથમ પ્રેક્ષકો છે અને અમે તમારો ટેકો મેળવવા માટે ભાગ્યશાળી અનુભવીએ છીએ. આ સ્વપ્ન સાકાર કરવા બદલ આપ સૌનો આભાર.’
અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું,’ધ ફેબલનો ભાગ બનવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. વાર્તાએ મને એક અભિનેતા તરીકે ફરી એકવાર પડકાર ફેંક્યો અને હું કંઈક નવું કરી શક્યો. પ્રકૃતિ અને માનવીય લાગણીઓ વચ્ચે સંતુલન સર્જનાર આ પાત્રે મને ઘણું શીખવ્યું.અમે મહામારી પહેલા કામ શરૂ કર્યુ, કામ અટક્યુ અને પછી ફરી શૂટ શરૂ કરી પૂર્ણ પણ કર્યુ. તમામ પડકારો છતાં ક્રૂએ પણ શાનદાર કામ કર્યુ. MAMI ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ ફિલ્મ જીતીને હું ખૂબ જ ખુશ છું.
તહેવારો નિમિત્તે ચોટીલામાં માતાજીના દર્શન આરતીના સમયમાં કરાયો ફેરફાર
ચોટીલા: દર વર્ષે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શનથી શરૂ કરે છે. જેના કારણે બેસતા વર્ષના દિવસે ચોટીલાના ચામુંડા માતાના મંદિરે ભક્તોનો ભારે ઘસારો પણ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો નવા વર્ષે માતાજીના દર્શને આવે તેવી સંભાવના છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલામાં નવા વર્ષ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના કપાટ 2 નવેમ્બર બેસતા વર્ષના દિવસે સવારે ચાર વાગ્યે ખુલશે અને પરોઢિયે આરતી સવારે 4:30 વાગ્યે કરવામાં આવશે. લાભ પાંચમ સુધી પરોઢિયે થતી આરતીનો સમય આ પ્રમાણે જ રહેશે. કારતક સુદ છઠ્ઠ એટલે 7 નવેમ્બરથી કારતક સુધ ચૌદ એટલે 14 નવેમ્બર સુધી મંદિરના કપાટ સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારની આરતનો સમય સવારે 5:00 વાગ્યાનો રહેશે. આ સિવાય તમામ દિવસે સંધ્યા આરતીનો સમય દરરોજ રાબેતા મુજબ સૂર્યાસ્તનો જ રહેશે.
સરકારે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા વધારી
દિવાળી પહેલા ભારતીય ઉદ્યોગપતિઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કોર્પોરેટ માટે આકારણી વર્ષ (AY) 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. નાણા મંત્રાલયે કહ્યું કે કોર્પોરેટ પાસે હવે 15 નવેમ્બર, 2024 સુધીનો સમય છે, આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે, જે 31 ઓક્ટોબર, 2024ની મૂળ સમયમર્યાદાથી લંબાવવામાં આવી છે. ચાલો સમજીએ કે આનાથી શું ફાયદો થશે અને તેના વિશે નિયમ શું કહે છે?

સરકારે કહ્યું છે કે આ વિસ્તરણ આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવરી લેવામાં આવેલા કરદાતાઓને લાગુ પડે છે. નોંધનીય છે કે, સરકારે ટેક્સ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર, 2024ના પ્રારંભિક સમયગાળાથી 7 ઓક્ટોબર, 2024 સુધી લંબાવી હતી તે પછી આ વિસ્તરણ આવ્યું છે.

નિયમ શું કહે છે?
તમને જણાવી દઈએ કે આવકવેરા કાયદા હેઠળ, કેટલાક કરદાતાઓએ આવકવેરા ઓડિટમાંથી પસાર થવું પડશે અને આકારણી વર્ષની 30મી સપ્ટેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવો પડશે. નાંગિયા એન્ડરસન એલએલપી ટેક્સ પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ મીડિયાને જણાવ્યું કે આ એક્સટેન્શન અન્ય આવકવેરા ફોર્મ જેમ કે ટેક્સ ઓડિટ રિપોર્ટ, ફોર્મ 3CEB અને ફોર્મ 10DA માં ટ્રાન્સફર પ્રાઇસિંગ સર્ટિફિકેશન પર લાગુ થશે નહીં, જેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર, 2024 હશે.






