Home Blog Page 1378

અમદાવાદ ક્રિપ્ટો કાંડમાં ઝોન-1 સ્કવોડ પોલીસ વિવાદમાં!

અમદાવાદ પોલીસનો વઘુ એક તોડકાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ક્રિપ્ટો કરન્સીનો એક સોદો થયો અને સીજી રોડ ઉપર આંગડિયા પેઢીમાં 20 લાખ રૂપિયાનું ચૂકવણું થાય ત્યાં ઝોન-1 સ્કવોડ પોલીસ પહોંચી હતી. ક્રિપ્ટો કરન્સીનો સોદો કરનાર અશોક નામનો શખ્સ અને પોલીસે પાંચ લાખ તેની પાસેથી લીધાનું રહસ્ય પણ ઘેરાયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મહિના પહેલાં નવરંગપુરામાં જ તોડ અંગે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં હતાં. ત્યારે હવે ઝોન-1 સ્કવોડ સામે આક્ષેપો થયાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના અશોક નામના એક શખ્સે છેલ્લા એક-દોઢ વર્ષથી સુદર્શનભાઈ નામના વેપારી સાથે મિત્રતા કેળવી 50 લાખાના રોકાણ સામે 60 લાખ કમાવાની લાલચ આપી હતી. જેમાં એક વ્યક્તિને પૈસાની જરૂરત હોવાથી ૩0 લાખની ક્રિપ્ટો કરન્સી 20 લાખમાં વેચવાની હોવાની વાત કરાઈ હતી. સુદર્શનભાઈએ પોતાના વોલેટમાં યુ.એસ.ડી.ટી. આવે તે પછી જ 20 લાખ આપશે તેવી વાત કરી હતી.  વોલેટમાં ક્રિપ્ટો કરન્સી આવે તેની રાહ જોવાઈ રહી હતી ત્યાં મયૂર, અમીત સહિતના પોલીસ કર્મચારીઓ આવ્યાં હતાં. આંગડિયા પેઢીથી 20 લાખ રૂપિયા સાથે સુદર્શનભાઈ અને અશોકને નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જવાયાં હતાં. ઝોન-1 સ્કવોડની ઓફિસમાં પીએસઆઈ જેવા દેખાતાં એક અધિકારી પાસે બન્નેને 20 લાખ રૂપિયા સાથે રજૂ કરવામાં આવ્યાં હતાં. કંઈક અજૂગતું થશે તેવી આશંકાથી સુદર્શનભાઈએ પોતાના ઓળખિતાઓને ફોન કર્યા હતા. દબાણ સર્જાતાં અશોકે જ ઝોન-1 સ્કવોડને જવા દેવા માટેની ભલામણ કરવા સાથે સુદર્શનભાઈને 20 લાખ પરત અપાવવા ખાતરી આપી હતી. બદલામાં અશોક રૂા. પાંચ લાખ ચૂકવે તેવી માગણી કરાઈ હતી. અગાઉ નવરંગપુરામાં કામ કરી ચૂકેલા અને હાલ વેજલપુરમાં કાર્યરત પોલીસ કર્મચારીને મઘ્યસ્થી બનાવીને પાંચ લાખ રૂપિયાનો હવાલો અપાયો હતો. આ પ્રકારે અશોક પાસેથી પાંચ લાખ મેળવાયાં હતાં.

જો કે, ત્રણ દિવસ સુધી પૈસા પરત આવ્યાં નહોતાં અને અશોકે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આખરે, વેપારી સુદર્શનભાઈએ પોલીસ કમિશનર કચેરીમાં પોતાની સાથે તોડબાજી થયાની રજૂઆત કરતાં પોલીસ કમિશનર દ્વારા ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ચાર દિવસ અગાઉના ઘટના ક્રમમાં ક્રિપ્ટો કરન્સી લેવા આવેલા વેપારીના 20 લાખ રૂપિયા હાલમાં કોની પાસે છે? તે તપાસનો મુદ્દો છે. વોલેટમાં યુએસડીટી આવે તે પછી 20 લાખ ચૂકવવાની તૈયારી વેપારીએ બતાવી હતી અને આંગડિયા પેઢીએ હતા. આ જ વેપારી પાસે 20 લાખ છે અને ક્રિપ્ટો કરન્સીનો સોદો છે તેની વિગતો પોલીસને કઈ રીતે ખબર પડી? 20 લાખ રૂપિયા પરત મળ્યાં નથી અને અશોકે પાંચ લાખ આપવાના છે તેનો હવાલો વેજલપુરના પોલીસ કર્મચારીએ શા માટે લીધો? પોલીસે 20 લાખ પરત આપવા ખાતરી આપ્યા પછી પૈસા ક્યાં ગયા? ખરેખર પચ્ચીસ લાખ ચાઊં થયાં કે મિલીભગત હોવાથી 20 લાખ ચાઊં કરવા અશોકના પાંચ લાખ લેવાયાનું નાટક થયું?

સતત પાંચમા દિવસે શેરબજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 663 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં નરમાઈતરફી વલણ રહ્યું હતું. FIIની વેચવાલી, કંપનીઓનાં બીજા ત્રિમાસિક ગાળાના અપેક્ષા કરતા ઊણાં ઊતરતાં પરિણામો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો આગલ વધ્યો હતો. રોકાણકારોએ રૂ. 6.36 લાખ કરોડ ગુમાવ્યા હતા.

સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા હતા. નિફ્ટી FMCG અને નિફ્ટી હેલ્થકેર સિવાય 11 સેક્ટોરિયલ ઇન્ડેક્સ તૂટ્યા ગતા. 27 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 6500 પોઇન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે 2100 પોઇન્ટનું કરેક્શન જોવા મળ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 662.87 પોઇન્ટ તૂટીને 79,402.29ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 218.60 પોઇન્ટ ઘટીને 24,180.80ના સ્તરે બંધ થયો હતો. ડિસેમ્બર, 2022 પછી નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ માટે સૌથી ખરાબ સપ્તાહ રકહ્યું હતું.છેલ્લા એક મહિનામાં મિડકેપ અને સ્મોલકેપમાં 50 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સમયથી વેચવાલ રહ્યા છે. ગઈ કાલે FIIએ 24 ઓક્ટોબરે રૂ. 5062 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. આ મહિને FII અત્યાર સુધી રૂ. એક લાખ કરોડ કરતાં વધુની વેચવાલી કરી ચૂક્યા છે.

બજારમાં 27 સપ્ટેમ્બરથી આવેલા ઘટાડામાં છેલ્લા એક મહિનામાં રૂ. 40 લાખ કરોડ ડૂબ્યા છે. આ સમયગાળામાં નિફ્ટી અને સેન્સેક્સ એના ટોચથી આઠ ટકા, બેન્ક નિફ્ટી સાત ટકા, મિડકેપ 100 ઇન્ડેક્સ નવ ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ આઠ ટકા તૂટી ચૂક્યા છે.  

 

 

ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો નકલી હોવાનો ખુલાસો થયો છે. 200થી વધુ શંકાસ્પદ લોકોની ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરી અને બનાવટી અને નકલી દસ્તાવેજો અંગે હજુ પણ તપાસ યથાવત છે. અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાની માહિતી અહેવાલ સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી છે. આ લોકો શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે, બનાવટી અને નકલી દસ્તાવેજો સાથે અમદાવાદમાં વરસાટ કરતા હતા. તપાસ દરમિયાન અનેક લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ક્રાઈમ બ્રાંચના ઓફિસરને આ મામલે બાતમી મળી હતી. ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ખોટાં દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.

Opinion : બદલાતી દિવાળીની પરંપરા કે વિસરાતી સંસ્કૃતિ?

દિવાળી એટલે ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ. આમ તો દિવાળી પ્રકાશનો તહેવાર કહેવાય જ્યાં પ્રભુ શ્રી રામે રાવણનો વધ કરી ફરી રામરાજ્યની સ્થાપના કરી હતી. આ અવસરને આપણે અવનવી વાનગી, રંગબેરંગી રંગોળી અને ઝળહળતા ફટાકડા સાથે કેટલીક ધાર્મિક વિધિ અને પરંપરા સાથે ઉજવીએ છીએ. દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ઉજવાય છે. જેમાં દરેક દિવસનો અનેરો મહિમા અને વિધિવધાન હોય છે. પરંતુ હવેના સમયમાં દિવાળીનો વાસ્તવિક અર્થ બદલાયો છે. કેટલીક પરંપરામાં આધુનિક ફેરફાર આવ્યા છે, તો કેટલીક પરંપરા તો લુપ્ત થવાના આરે છે.
બદલતા સમય સાથે બદલાતી પરંપરા કેટલી યોગ્ય છે? આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..

કિશન એમ મોઢા, શાસ્ત્રીજી, અમદાવાદ

બદલાતી પરંપરા પાછળનું મુખ્ય કારણ એ જ છે, કે પહેલાના અભ્યાસ અને આજના અભ્યાસમાં ઘણો ફરક હોય છે. પહેલા અભ્યાસમાં વડીલોના માન સમ્માનની રખવાળી યુવા પેઢીના હાથે હોવાની વાત શીખવવામાં આવતી હતી. જ્યારે આજકાલ આપણે લોકો વિદેશી કલ્ચરને વધુ મહત્વ આપીએ છીએ, અને આપણા કલ્ચરને ભૂલવા લાગ્યા છીએ. એટલા માટે આપણા તહેવાર ઉજવવાની રીતમાં બદલાવ આવી રહ્યા છે. જ્યારે ટેકનોલોજીએ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. નાની ઉંમરમાં વધતા ફોનના ઉપયોગથી દેખાદેખીનો દોર ચાલ્યો છે. લેટેસ્ટ બનવાના ચક્કરમાં આપણી પરંપરા ભૂલાતી જાય છે. પહેલાના સમયમાં વાલી ગુરુ પાસે શિષ્યના સારા સંસ્કાર આપવાની વાત કરતા, જ્યારે આજના સમયમાં નાનો એવો ઠપકો આપવાથી પણ મોટા ધીંગાણા થઈ જાય છે. પહેલાના સમયમાં ચોપડામાં પૂજન કરવામાં આવતું જેની જગ્યા પર હવે કોમ્પ્યુટર જેવી સિસ્ટમોની પૂજા કરવવામાં આવે છે.

હરિઓમ ગોહિલ, સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, સાયલા

ખેરખર તો, આપણે જૂની પરંપરાને ભૂલતા જઈએ છીએ. નવા જમાનામાં આપણે ‘ચાલશે’ બોલતા શીખી ગયા છીએ. સાચી વાત એ છે, કે નવા વર્ષની શરૂઆતમાં જે પણ કરીએ એ આખુ વર્ષ કરતા રહીએ, એવી ભાવનાથી આપણે વડીલોના આશીર્વાદ લેવા જતા હતા. વડીલો પણ આશીર્વાદ સ્વરૂપે બાળકોને કાંઈને કાઈ આપતા, આ પરંપરા તો જાણે નીકળી જ ગઈ છે. આ ઉપરાંત બીજી પરંપરા લુપ્ત થઈ છે એ ઝગમગતી દિવળીની પરંપરા, જેની જગ્યા LED લાઈટોએ લીધી છે. કેટલીક પરંપરામાં બદલાવ સારા માટે થાય છે. પરંતુ કેટલીક પરંપરા લુપ્ત થવાના સારા પરિણામોની જગ્યા પર ખરાબ પરિણામો વધુ આવી શકે છે. પહેલાના સમયમાં ફટાકડા ફોડવાનું ચલણ ન હતું. જ્યારે હવે રંગબેરંગી ફટાકડા ફોડી પ્રદૂષણ કરવાને જ દિવાળીની ઉજવણી ગણવામાં આવે છે. જો કે એ સાચા અર્થમાં દિવાળી નથી. સાચા અર્થમાં દિવાળીમાં એકબીજાની ખુશીમાં વધારો કરવો, ઘર આંગણાને અવનવી કળા, ચિત્રકલાથી મહેકાવવું અને હળીમળીને રહેવાનો તહેવાર છે.

ભાવના હિતેષ રાવલ, પરંપરાના પથપ્રદર્શક, અમદાવાદ

મારી દ્રષ્ટિએ પરંપરાગત રીત અંધકારમાંથી અજવાળા તરફ જવાનો તહેવાર એટલે દિવાળી છે. દિવાળી તો અતિપ્રાચીન તહેવાર છે. પરંતુ સમય સાથે બધું બદલાઈ ગયું છે. પહેલા લક્ષ્મી માતા સાથે વિષ્ણુના અલગ-અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવતું હતું. આજકાલ લોકો આપણી પરંપરા છોડી પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવી રહ્યા છે, જે આપણા માટે દુઃખદ ઘટના છે. એવુ નથી કે આપણી પરંપરા લુપ્ત થઈ ચુકી છે. કેટલીક જગ્યા પર હજુ પણ જૂના પરંપરાગત રીત-રિવાજો જોવા મળે છે. સમય જતા દિવાળી તેના ધાર્મિક મૂળથી અલગ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. આ તહેવાર મોટો સામાજિક અને સાંસ્કૃતિક તહેવાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હા ઘણી જગ્યા પર ધાર્મિક પરંપરાને અનુસરવામાં આવે છે, પણ સોશિયલ મીડિયા પર મુકવા માટે. આજના યુવાનોને માત્ર ભેટ સોગાદો, ફટાકડાં અને દિવાળી પાર્ટીમાં જ રસ છે.

આયુષ ધીનોજા, GEM Z  યુવાન, અમદાવાદ

પહેલાનો સમય અને અત્યારનો સમય અલગ છે. અમુક એવા રિવાજો છે જે બદલાયા નથી. હા એ વાત સાચી કે અમુક રિવાજો સમય સાથે બદલાય ગયા છે, તો અમુક સમય સંજોગોને લઈ છૂટી ગયા છે. હાલના સમયમાં જે કામ ફોનથી થતું હોય, તેના માટે રૂબરૂ મળીને સમય વ્યર્થ કરવાની મારી દ્વષ્ટિએ કોઈ જરૂર નથી. વાત રહી વિધી વિધાનની તો, પહેલાંના સમયમાં બધુ કામ ચોપડા પર થતું એટલા માટે ચોપડા પૂજન કરતા. જ્યારે હાલના સમયમાં બધુ કામ કોમ્પ્યુટર પર થાય છે એટલા માટે કોમ્પ્યુટર પૂજા થાય છે. જેને આપણે પરિવર્તન સંસારનો નિયમ કહી શકાય.

અનિરૂદ્ધ ઠાકોર, ફાઉન્ડર, આપણી ધરોહર(NGO) , અમદાવાદ

આમ જોવા જોઈએ, તો પરિવર્તન સંસારનો નિયમ છે. એજ માની ને અમુક વસ્તુમાં બદલાવ જરૂરી છે. પરંતુ જે સમાજ પાછલા કેટલાંક વર્ષોથી એક પરંપરાને અનુસરતો હોય તે કાંઈ ખોટી તો ના જ હોયને. એટલે કેટલીક પરંપરામાં કોઈ ફેરફાર નાજ આવવો જોઈએ. જ્યારે આજના વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરનારાને દિવાળીની પરંપરાની ખબર જ નથી હોતી. આજ કાલના યુવાનોને માત્ર નવા કપડા પહેરી, ફોટો પડાવવા સાથે ફટાકડાંની આતીશબાજી કરવામાં જ રસ છે. મારા મત પ્રમાણે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનની નવી ટેકનોલોજી સાથે રીત બદલાય છે, પરંપરા બદલાય નથી. હાલના સમયમાં પણ કેટલીક જગ્યા પર ચોપડા પૂજન કરવામાં આવે જ છે.

(તેજસ રાજપરા – અમદાવાદ)

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની વિરુદ્ધ કાર્યવાહીઃ સાત શૂટર્સની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી છે. આ તમામ શૂટરોની પંજાબ અને આસપાસનાં રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી કેસમાં ધરપકડ કરાયેલા શૂટરોની પણ પૂછપરછ કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા સાગરીતોનાં સ્થાનો પર દરોડા પાડી રહી છે. પોલીસના આ દરોડા પછી સાત શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ બદમાશોની પૂછપરછ કરી રહી છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.

અનમોલ બિશ્નોઈ સ્થળ બદલતો રહે છે અને તે વર્ષ 2023માં કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી ચૂક્યો છે. અનમોલને સાતમી ઓક્ટોબર 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

14મી એપ્રિલ 2024ના રોજ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં કથિત સંડોવણી બદલ વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) નોટિસ પણ જાહેર કરી હતી.

 

 

સુશાંત સિંહ રાજપૂત મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટ તરફથી મળી રાહત

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. CBI દ્વારા બહાર પાડવામાં આવેલ લુક આઉટ સર્ક્યુલર હવે રદ રહેશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે રિયાના ભાઈ અને તેના પિતાને પણ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ તથા પિતા વિરુદ્ધ સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલરના કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે CBIની અરજી ફગાવી દીધી હતી

માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ તથા પિતાની અરજી પર સીબીઆઈના લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો. હાઈકોર્ટના આદેશને સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે CBIની અપીલ ફગાવી દીધી છે. આનાથી રિયા અને તેના પરિવારને મોટી રાહત મળી.

આ કારણોસર લુક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો

ઓગસ્ટ 2020 માં રિયા, તેના ભાઈ, તેના પિતા અને તેની માતા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે બિહારના પટનામાં કેસ દાખલ કરીને તેના મૃત્યુની તપાસની માંગ કરી હતી. બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો. આ અંગે રિયાનો પરિવાર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રિયાની અરજી પર હાઈકોર્ટે લુક આઉટ સર્ક્યુલર રદ કરી દીધો હતો.

સુશાંત 14 જૂન 2020ના રોજ લટકતો જોવા મળ્યો હતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. આ પછી પટના નિવાસી તેના પિતા કૃષ્ણ કિશોર સિંહની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી.

ફિલ્મો અને ટેલિવિઝનમાં જોરદાર અભિનય કર્યો

સુશાંતે કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવા શો સાથે ટેલિવિઝનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને એકતા કપૂરની પવિત્ર રિશ્તામાં તેની ભૂમિકાથી ખ્યાતિ મેળવી. બાદમાં તે ફિલ્મો તરફ વળ્યો અને એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, છિછોરે અને દિલ બેચારા જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી.

સોમનાથ બુલડોઝર એક્શનમાં મુસ્લિમ પક્ષને ‘સુપ્રીમ’ રાહત નહીં

નવી દિલ્હીઃ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ, દબાણો ઉપર હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શનના કેસમાં એક મુસ્લિમ સંગઠને દાવો કર્યો હતો કે વર્ષ 1903માં એ જમીન એને આપવામાં આવી હતી જોકે ગુજરાત સરકારે એને ખોટો ગણવતાં કહ્યું હતું કે આ જમીન સોમનાથ ટ્રસ્ટની હતી અને ટ્રસ્ટ એ જમીન ઘણા સમય પહેલાં સરકારને સોંપી ચૂક્યું છે. અરજીકર્તા ખોટા દાવા કરીને એને સાંપ્રદાયિક રૂપ આપી રહ્યું છે.  

જોકે કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે જ રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

મુસ્લિમ પક્ષ વતી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ સંરક્ષિત સ્મારકો છે. કોઈ પણ તૃતીય પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે તૃતીય પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું હતું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારકો અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની નજીક હોઈ શકે નહીં. સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં આની કલ્પના કરી શકો છો?

સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરતાં કહ્યું હતું કે ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે હાઈકોર્ટનો આ આદેશ 2015માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલા હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

એસજીનું કહેવું છે કે આગળના આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.

 

IFFI: ફેસ્ટિવલમાં સ્વાતંત્ર્ય વીર સાવરકર મચાવશે ધમાલ, આ ગુજરાતી ફિલ્મ પણ…

મુંબઈ: ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને ’55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા'(IFFI)માં પ્રથમ ફીચર ફિલ્મ તરીકે બતાવવામાં આવશે. ગુરુવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પણજી, ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન યોજાનાર ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેનોરમા વિભાગ હેઠળ પાંચ મુખ્ય પ્રવાહની ફિલ્મો અને 20 નોન-ફીચર ફિલ્મો સહિત કુલ 25 ફીચર ફિલ્મો બતાવવામાં આવશે.

આ ફિલ્મ રણદીપ હુડ્ડાના નિર્દેશનમાં બની

રણદીપ હુડ્ડા દ્વારા નિર્દેશિત ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ આ વર્ષે માર્ચમાં હિન્દી અને મરાઠી ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હુડ્ડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની વાર્તા લેખક અને રાજકારણી વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે. રણદીપ હુડ્ડા આ ફિલ્મને લઈને ઘણા ચર્ચામાં છે. આ માટે તેણે પોતાનું વજન 30 કિલો સુધી ઘટાડ્યું હતું.

આ ફિલ્મો પણ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે
આ ઉપરાંત પાંચ મુખ્ય ફિલ્મો પણ છે જે ભારતની વિવિધતા દર્શાવે છે, જેમાં ‘કારખાનુ’ (ગુજરાતી), ’12મી ફેલ’ (હિન્દી), ‘મંજુમ્મેલ બોયઝ’ (મલયાલમ), ‘સ્વર્ગરથ’ (આસામી) અને ”કલ્કી 2898 એડી’ (તેલુગુ). લદ્દાખી ભાષાની ફિલ્મ ‘ઘર જૈસા કુછ’ ફેસ્ટિવલની ઓપનિંગ નોન-ફીચર ફિલ્મ હશે.

દિગ્દર્શક ડૉ. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીની અધ્યક્ષતામાં જાણીતા સિનેમા નિષ્ણાતોની એક પેનલે ભારતીય સિનેમાના બહુપક્ષીય સ્વભાવને હાઇલાઇટ કરતી સેંકડો એન્ટ્રીઓમાંથી આ ફિલ્મો પસંદ કરી હતી. 1978 થી મુખ્ય આધાર, ભારતીય પેનોરમા સિનેમા દ્વારા દેશના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે.

ભાજપના વિરોધ છતાં મલિકને ટિકિટ આપશે અજિત પવાર?

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે અજિત પવાર  જૂથે ઉમેદવારોની બીજી યાદી જારી કરી દીધી છે. આ યાદીમાં મોટી વાત એ છે કે નવાબ મલિકની ટિકિટ કપાઈ ગઈ છે, જે અણુશક્તિ સીટથી નવાબ વિધાનસભ્ય છે. ત્યાંથી તેમને ટિકિટ આપવામાં નથી આવી.અજિત પવારે નવાબ મલિકની પુત્રી સના મલિકને અણુશક્તિનગરથી ઉમેદવાર બનાવી છે.

ભાજપ અણુશક્તિ નગરથી નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કરી રહી છે. જોકે અજિત પવાર નવાબ મલિકને ટિકિટ આપવા માટે મક્કમ છે. NCP અજિત જૂથ નવાબ મલિકને માનખુર્દના શિવાજીનગર વિધાનસભા સીટથી ટિકિટ આપે એવી શક્યતા છે. હાલ અહીંથી સમાજવાદી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ અબુ આઝમી વિધાનસભ્ય છે.

ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિક પર અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમથી સંબંધ રાખવાનો આરોપ છે. આ આરોપ ભાજપના નેતા જ લગાવતા રહ્યા છે. અંડરવર્લ્ડના સંબંધો અને મની લોન્ડરિંગના આરોપો બાદ નવાબ મલિક જેલમાં હતા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ અજિત પવાર જૂથમાં સામેલ થઈ ગયા છે. અજિત પવારની પાર્ટીમાં સામેલ થયા પછી પણ ભાજપના સતત વિરોધને કારણે નવાબ મલિક આગળ પડતી ભૂમિકા નથી ભજવી શક્યા.

મહારાષ્ટ્રમાં મુખ્ય સ્પર્ધા મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતિ વચ્ચે છે. રાજ્યની 288 બેઠક માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

Google Doodle: સિંગર કેકેની યાદમાં ગૂગલે બનાવ્યું ડૂડલ

મુંબઈ: ગૂગલે આજે એટલે કે 25મી ઓક્ટોબરે કૃષ્ણકુમાર કુન્નાથ (કેકે)ની યાદમાં એક ડૂડલ બનાવ્યું છે, જેમણે પોતાના સુરીલા અવાજથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા. ગૂગલ ડૂડલ (Google Doodle)એ આજે 1996માં આ દિવસે ફિલ્મ માચીસના ગીત “છોડ આયે હમ” સાથે પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર દિવંગત ગાયક કેકેને ડૂડલ દ્વારા યાદ કર્યા છે.

કેકેનો જન્મ 23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કોલેજમાં અભ્યાસ કર્યો અને શરૂઆતમાં માર્કેટિંગમાં કામ કર્યું, પરંતુ પછીથી સંપૂર્ણપણે સંગીત તરફ વળ્યા. 1994 માં તેણે ઘણા ભારતીય કલાકારોને ડેમો ટેપ મોકલી, જેમાં તેમને પ્રથમ વખત જાહેરાતો માટે જિંગલ્સ ગાવાની તક મળી.

કેકેની હિન્દી સિનેમામાં સત્તાવાર શરૂઆત 1999માં ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના પ્રખ્યાત ગીત “તડપ તડપ” સાથે થઈ હતી. તે જ વર્ષે તેણે તેનું પહેલું આલ્બમ “પાલ” બહાર પાડ્યું, જેમાં ઘણા હિટ ગીતોનો સમાવેશ થાય છે જેણે તેને તરત જ લાઇમલાઇટમાં લાવી દીધા. કેકેએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે.

31 મે 2022 ના રોજ KK કોલકાતામાં એક સંગીત કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યા હતા. આ પછી જ્યારે તે હોટલ પહોંચ્યા તો બેભાન થઈ ગયા અને બેડ પર પડી ગયા. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.