નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રદૂષણનો સ્તર સતત વધી રહ્યો છે. દિલ્હીની હવા ઝેરીલી થતી જઈ રહી છે.પ્રદૂષણના વધતા સ્તરની અસરે લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આજે દિલ્હીની AQI 392ની નજીક પહોંચ્યો છે. દિલ્હીના વિસ્તારો જેવા કે અલીપુરમાં 343, આનંદ વિહાર 392, બવાના વિહાર 364, વજીરપુર 353 અને વિવેક વિહાર 363 છે.
રાજ્ય સરકાર વધતા પ્રદૂષણને કારણે અનેક જગ્યાએ પાણીનો છટંકાવ કરાવી રહી છે. દિલ્હીમાં DTC અને મેટ્રોની ફ્રીકવન્સી વધારી દીધી હતી. સરકારે ખાનગી વાહનોના ઉપયોગ ઓછો કરવા માટે પાર્કિંગ શૂલ્ક પણ બે ગણો કર્યો હતો.દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં ઘટાડો થયો હતો. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 પોઈન્ટને વટાવી ગયો. સવારે આકાશમાં ધુમ્મસ છવાયું હતું અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બીજી તરફ યમુના નદીમાં સતત બીજા દિવસે ઝેરી ફીણ જોવા મળી રહ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર પ્રદૂષણની અસર થવા લાગી છે. ધીમે ધીમે હવા ઝેરી બની રહી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને પ્રદૂષણ અંગે ફરી ઠપકો આપ્યો છે અને કહ્યું છે કે પરાળ બાળવા માટે દંડ સંબંધિત CAQM કાયદાની જોગવાઈઓ લાગુ કરવામાં આવી નથી.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે CAQM એક્ટની કલમ 15, જે પરાળ બાળવા માટે સજાની જોગવાઈ કરે છે, તેને અસરકારક રીતે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 10 દિવસમાં જરૂરી નિયમો જારી કરવામાં આવશે. આ ઉપરાંત, સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણાની સરકારોની પણ કડક ટીકા કરી હતી કે તેઓ પરાળ બાળવા બદલ લોકો સામે કોઈ પગલાં નથી લેતા. કોર્ટે કહ્યું કે જો આ સરકારો ખરેખર કાયદો લાગુ કરવામાં રસ ધરાવતી હોત તો ઓછામાં ઓછો એક મુકદ્દમો થયો હોત.
રાજકોટ: ગુજરાતનાં રાજકીય મોરચે લાંબા સમય બાદ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલને લઈને ચર્ચા જાગી છે. આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ આજે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે, સૌરાષ્ટ્ર-ગુજરાતના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચતું કરવા અને ગ્રામીણ વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર, ગુજરાતમાં ભાજપને સત્તા અપાવનાર પાયાના પથ્થર સ્વ. કેશુભાઈ પટેલ આજે ભુલાઈ ગયા છે. ભાજપમાં પણ વિસરાયા છે ત્યારે તેમના યોગદાનનું સામાજિક ઋણ અદા કરવા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવામાં આવે.
કુર્મી સેના દ્વારા આગામી તારીખ 27 ઓકટોબરે રાજકોટના મવડી વિસ્તારમાં સ્વ.કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિતે અંજલિ આપવા એક ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં કેશુભાઈના પુત્ર ભરત પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે.
કુર્મી સેનાના આગેવાનો ચિરાગ પટેલ, જીજ્ઞેશ કાલાવડીયાએ આજે રાજકોટ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના વિકાસમાં કેશુભાઈ પટેલનું મોટું યોગદાન છે. ભાજપની જવાબદારી છે, તેમના યોગદાનને આજની પેઢી સુધી લઈ જવાની. પણ કોઈ કારણોસર તેવું થયું નથી એટલે કુર્મી સેના તેમને અંજલિ આપવા અને તેમના યોગદાન-યોજનાઓને લોકો સુધી પહોંચાડવા રાજકોટમાં રવિવારે રાત્રે 8 વાગ્યે એક સભા યોજશે.
આ સભામાં હાજરી આપવા ખોડલધામ, સીદસર ધામ સહિતની પાટીદાર સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર, શરદ પવાર સહિતના નેતાઓ કુર્મી હોય તેમને પણ આમંત્રણ અપાયા છે. આ સભામાં સ્વ. કેશુભાઈ પટેલનું નામ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડવા ઠરાવ થશે. “ધરતીપુત્ર કેશુભાઈ” નામનું પુસ્તક જાણીતા પત્રકાર દિલીપ પટેલે લખ્યું છે તેનું વિમોચન પણ થશે. આ તકે એક શોર્ટ ફિલ્મ કેશુભાઈના જીવન પર બની છે તેનું સ્ક્રિનીંગ પણ કરાશે.
નવી દિલ્હીઃ હવામાન વિભાગે વાવાઝોડા દાના મુદ્દે બંગાળ અને ઓડિશા સહિત કેટલાંક રાજ્યોમાં 24-25 ઓક્ટબરે ભારે વરસાદની સંભાવના છે. આ વાવાઝોડાની અસર ઓડિશાથી માંડીને બંગાળ, બિહાર, અને ઝારખંડ સુધી જોવા મળવાની સંભાવના છે. રાહત અને બચાવ કાર્યો માટે NDRFની 288 ટીમે તહેનાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 14 જિલ્લાના 10 લાખ લોકોને સુરક્ષિત શિબિરોમાં પહોંચાડવામાં આવ્યા છે.
ઓડિશા અને બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજો, આંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના નિર્દેશ આપવામાં આવ્યા છે. ડોકટરો, પોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
@IndiaCoastGuard Region (North East) has initiated preventive measures ahead of Cyclone ‘DANA’, expected to make landfall off #WestBengal and #Odisha between 24-25 Oct 24. Our ships, helicopters, and Dornier aircraft are fully prepared for assistance, rescue and relief… pic.twitter.com/1oG45NLzRl
ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે ‘દાના વાવાઝોડાની સૌથી પહેલા ઓડિશાના પુરીમાં દરિયાકાંઠે ટકરાશે. જેને કારણે પુરી શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. પુરીનાં મંદિરો બંધ છે અને પુરીથી લગભગ 10,000 શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. પુરીમાં આગામી ચાર દિવસ માટે હોટેલનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની 20 ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF)ની 51 અને ફાયર વિભાગની લગભગ 178 ટીમ તહેનાત કરવામાં આવી છે.’
દાના વાવાઝોડાને પગલે 500થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો રદ કરી છે, દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવેએ 14 ટ્રેનો રદ કરી છે. 6000 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (OPSC) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
મુંબઈ: બુધવારે સવારે ઐશ્વર્યા રાયના પરિવારની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. આ તસવીર ઐશ્વર્યા રાયની કઝીનના જન્મદિવસની હતી, જ્યાં અભિનેત્રી તેની પુત્રી સાથે પહોંચી હતી. આ ફંક્શનમાં તેની સાથે તેની માતા પણ જોવા મળી હતી. જો કોઈએ તેમાં ભાગ લીધો ન હોય તો તે અભિષેક બચ્ચન હતો. અભિષેક બચ્ચનની ગેરહાજરીએ છૂટાછેડાની અફવાઓને વધુ વેગ આપ્યો અને સોશિયલ મીડિયા પર એવી વાતો શરૂ થઈ કે બંને વચ્ચે તણાવ છે, જેના કારણે અભિષેક ફેમિલી ફંક્શનનો ભાગ પણ બન્યો નથી. નેટીઝન્સ અનુમાન કરી રહ્યા હતા કે અભિષેક તેની અને ઐશ્વર્યા વચ્ચેના મતભેદોને કારણે પાર્ટીથી દૂર રહ્યો હતો. પણ વાસ્તવ કારણ નથી. હકીકતે કારણ કંઈક બીજુ છે.
(Photo: IANS)
આ કારણોસર અભિષેક પહોંચ્યો ન હતો
વાસ્તવમાં અભિષેક બચ્ચન તેની બીમાર નાનીસાથે હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી બીમાર હતા અને તેમને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અભિષેક તેની નાની સંભાળ લેવા માટે ભોપાલ પહોંચ્યો હતો. અભિષેકના નાની ભોપાલમાં રહે છે. આ જ કારણ હતું કે અભિષેક ઐશ્વર્યાની કઝીનના બર્થડે સેલિબ્રેશનમાં સામેલ ન થઈ શક્યો.બચ્ચન પરિવારે હંમેશા એકબીજાને ટેકો આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. જો કે, અભિષેક બચ્ચન તેની નાનીની ખૂબ નજીક છે. હાલમાં ટ્રોલ કરી રહેલા લોકો માટે વિચારવાનો વિષય છે કે એક વ્યક્તિ એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હાજર રહી શકે છે.
અભિષેક બચ્ચનના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,’ ભોપાલમાં તેની નાની સાથે હોવાના સમાચાર ચાહકોને ઊંડી અસર કરે છે. તે ખ્યાતિ અને જાહેર જીવનને ધ્યાનમાં લીધા વિના હંમેશા ફેમિલીને પ્રથમ પ્રાયોરિટી આપે છે. ઇન્દિરા ભાદુરીના સ્વાસ્થ્ય અંગેના અપડેટ્સ બહાર આવતાં, ચાહકો નિઃશંકપણે આ સમય દરમિયાન તેમના અને બચ્ચન પરિવાર બંને માટે તેમનો સપોર્ટ આપવાનું ચાલુ રાખશે.
કબીરજી આ સાખી દ્વારા એ સમજાવે છે કે, સત્સંગ સૌ કરે છે પણ દરેકને તેનો સમાન લાભ નથી થતો. રુખડાનું વૃક્ષ જમીનમાં હોય અને મૂળ મજબૂત હોય ત્યારે એક જ વરસાદ તેને નવપલ્લવિત કરી દે છે. જે લાકડું સુકાઈ ગયું છે. મૂળમાં જ ખામી છે, તેવા લાકડા પર ગમે તેટલો વરસાદ કેમ ન વરસે પણ તેમાં અંકુરો કે પર્ણો ઊગતાં નથી.
આપણી વૃત્તિઓ નકારાત્મક હોય, પ્રકૃતિ સ્વાર્થી હોય અને પ્રવૃત્તિઓ તામસી હોય તો સત્સંગની અસર થતી નથી. જોકે ગુરુ નાનકના ઉપદેશથી કુલીચંદને મૃત્યુ બાદ સોય પણ સાથે નથી લઈ જવાની તેવું જ્ઞાન થાય છે. નારદમુનિના ઉપદેશથી વાલિયો લૂંટારો વાલ્મીકિ બને છે. ગાંધીજીને મળીને સરદાર પટેલ વકીલાત અને વૈભવી જીવનને તિલાંજલિ આપે છે.
સાચા ગુરુનો પ્રભાવ તેના ઉપર જ પડે છે જેની મૂળભૂત વિચારણામાં વિકાસ પામી પાંગરવાની તાલાવેલી હોય છે. બાકી તો આપણે કહીએ છીએ ને – “ભેંસ આગળ ભાગવત .”
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
થોડાક દિવસમાં વિક્રમ સંવત 2080 વિદાય લેશે ને સંવત 2081 ચાર્જ સંભાળી લેશે. દર વર્ષની માફક આ વર્ષે પણ સંવાદ થશેઃ “હજી હમણાં તો 2024માં એન્ટર થયા ને એકાદ બે મહિનામાં તો 2024 આવી જશે. સમય જતાં વાર લાગતી નથી.” હા, સમય… રેતની જેમ સરકતો સમય. ઈશ્વરે ધનવાન, નિર્ધન સૌને એકસરખી માત્રામાં વહેંચેલી મૂલ્યવાન સંપત્તિ એટલે સમય.
ભારતના મહાન અર્થશાસ્ત્રી ચાણક્યે રોજબરોજના જીવન માટે કેટલાક સિદ્ધાંતો આપેલા. એ કહેતા કે, જિંદગીની વીતી ગયેલી પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી.
ખરેખર, સમયનું મૂલ્ય સમજી વિશ્વના સર્વે મહાપુરુષોએ યોગ્ય ટાણે તેનો યોગ્ય વિનિમય કરી મહત્તમ લાભ પ્રાપ્ત કરવાની અનુભવપૂર્ણ શિખામણ સમાજને આપી છે, જે વ્યક્તિના જીવનઘડતરમાં પ્રગતિનો પથ અજવાળે છે.
સમય રૂપી મૂડી દરેક પાસે સરખી જ છે. તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરનાર જિંદગીમાં બાજી મારી ગયા. આ જ ભેદ છે સામાન્ય અને અસામાન્ય વ્યક્તિ વચ્ચેનો. જગતની મહાન વ્યક્તિઓએ સમયને સંપત્તિ ગણી તેનો આયોજનપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કર્યો, જેના ફ્ળસ્વરૂપે તેઓ સફ્ળતાનાં શિખરસર કર્યાં, કરી રહ્યા છે. સમયનો સદુપયોગ એટલે ચોકસાઈ અને પ્રામાણિકતાથી ખટકો રાખી ખંતપૂર્વક કાર્ય કરવામાં ખર્ચેલો સમય, જેનું પરિણામ અકલ્પનીય હોય છે.
હેન્રી વર્ડ્સવર્થ લોંગફેલો નામના પ્રસિદ્ધ અમેરિકન કવિ અને શિક્ષણશાસ્ત્રીને કૉફી બનાવતાં દસ મિનિટ થતી. ગેસ ઉપર કૉફી ઊકળવા મૂકી તેઓ પુસ્તકનું ભાષાંતર કરવા માંડે. કૉફી તૈયાર થાય ત્યાં સુધીમાં અડધા પાનાનું ભાષાંતર થઈ જાય. આવી જ રીતે સમયનો ઉપયોગ કરીને લોંગફેલોએ ‘ઈન્ફર્નો’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરેલો.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ થોડા સમયનો ઉપયોગ કરવામાં કુશળ હતા. મૉર્નિંગ વૉક લેતાં એ સંતો-ભક્તોને સાથે રાખીને ચાલતાં-ચાલતાં તેમના પ્રશ્નો કે વાત સાંભળી લેતા. ક્યારેક ભોજન સમયે જ સત્સંગ સંબંધી રિપોર્ટ કે વિશિષ્ટ પ્રસંગોની વાત સંતો પાસેથી સાંભળી લેતા. આવું કરવામાં તેમને ભ્રમણ કે ભોજનના કાર્યમાં સહેજ પણ વિક્ષેપ થતો નહીં.
એક ઉક્તિ છેઃ સમય અને ભરતી કોઈની રાહ જોતાં નથી. જો આપણે સમય નહીં વાપરીએ તો તે સ્વયં વપરાઈ જઈશું. “અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ્સ નાઈન” અર્થાત્ યોગ્ય સમયે લેવામાં આવેલો એક ટાંકો બીજા નવ ટાંકા બચાવે છે, અને ટાણે ન થયેલું કામ ઘણા પ્રશ્નોની ભેટ આપે છે. વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ ખૂબ વ્યસ્ત હોવાની માનસિક ભ્રમણામાં ઘેરાયેલા જોવા મળે છે. તેના દૈનિક જીવનમાં કાંઈક અલગ કે વિશેષ કામ માટે વાત આવશે તો કહેશે મને સમય જ ક્યાં મળે છે? પરંતુ, આ જ મહાશયના ઘણા કલાકો મોબાઈલ, વૉટ્સઍપ, ઈન્ટરનેટ, ટીવી જોવામાં વેડફાઈ જતા હોય છે. આ જ બતાવે છે કે સમય નથી મળતો એ દલીલબાજી છે.
વેડફાતા સમય માટે આધુનિક માનવ સભાન નથી. તે એક પ્રકારની જાત સાથેની છેતરપિંડી છે. વાસ્તવમાં તો દાનતનો અભાવ હોય છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને દાનત હોય તો સમયનો અભાવ આડે આવતો નથી. શેક્સપિયર કહેતા કે જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરે છે. ઘડિયાળના કાંટાને ક્યારેય અટકાવી શકાય નહીં માટે સમયરૂપી સંપત્તિનો મહત્તમ લાભ મળે તે માટે વ્યવસ્થિત ઢબે આયોજન કરવું જોઈએ. આ આયોજન એટલે જ ટાઈમ મૅનેજમેન્ટ. સફ્ળતા માટે વર્તમાન સમયની આએક ગુરુચાવી છે.
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘ઘીની તાવણી અને અષાઢી બીજની વાવણીમાં મુહૂર્ત જોવાનું ન હોય.’ તેજીને ટકોરો તેમ જીવનઘડતર અને સુખી ભવિષ્ય માટે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દૃઢ સંકલ્પ કરીએ. મોબાઈલ, ઈન્ટરનેટ અને ટીવીના સકંજામાંથી સમયનું રક્ષણ કરીને કારકિર્દીનું શ્રેષ્ઠ આયોજન કરીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
ગુજરાતી રંગભૂમિના જાણીતા ઍક્ટર-પ્રોડ્યુસર સંજય ગોરડિયાનું આગામી નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’વિવાદમાં ફસાયું. નાટકના પોસ્ટર બાદમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓએ તેના પર વાંધો ઉઠાવતાં વિવાદ શરૂ થયો હતો. જોકે, વિવાદ બાદ તરત જ નાટકનું પોસ્ટર બદલવામાં આવ્યું. પરંતુ તેમ છતાં કેટલીક બહેનોએ બીજા પોસ્ટર પર પણ આપત્તિ દર્શાવી છે. આખો મુદ્દો ફરી ફરીને ગુજરાતી રંગભૂમિમાં પીરસાતી સામગ્રી સુધી પણ પહોંચ્યો. આવી સ્થિતિમાં ચિત્રલેખા ડૉટ કૉમે લેખિકા પ્રીતિ જરીવાળા, સંજય ગોરડિયા અને નાટકની અભિનેત્રી કૌશંબી ભટ્ટ સાથે વાત કરી હતી.
આખી વાત એમ છે કે સંજય ગોરડિયાનું એક નવું કૉમેડી નાટક આવી રહ્યું છે. જેનું નામ છે ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’. આ નાટકનું પોસ્ટર બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર મહિલાઓએ આપત્તિ દર્શાવી હતી. પોસ્ટરમાં જે રીતે મહિલાઓને બતાવવામાં આવી હતી તેની વિરુદ્ધ ફેસબુક પર કેટલીક મહિલા આગેવાનોએ વિરોધ કર્યો હતો. પોસ્ટરમાં સંજય ગોરડિયા ત્રણ મહિલાઓના ચોટલા પકડીને ઉભા હતા અને જાણે કે તે પશુઓને હંકારતા હોય તેવું લાગતું હતું.
આ તમામ વિવાદ અંગે સંજય ગોરડિયાએ કહ્યું કે, ‘ઓરિજિનલ કોન્સેપ્ટ એવો હતો કે હું રથ પર સવાર છું. પરંતુ ક્યાંક એ બહુ જ ખરાબ રીતે ટ્રાન્સલેટ થયું. હું અહીં લોકોને હસાવવા આવ્યો છું કોઈનું દિલ દુભાવવા નહીં. જેવો આ હોબાળો થયો અને લોકોની પ્રતિક્રિયા આવી મેં અને મારા સાથી કલાકારોએ પોસ્ટર હટાવી લીધું અને નક્કી કર્યુ કે આજ પછી આ ફોટો નહીં વાપરીએ.’ તેમણે વધુમાં જણાવ્યું કે મારા હિસાબે આ મુદ્દો અહીં જ પુરો થઈ ગયો છે. બધા જ લોકો જજની ખુરશી પર બેસી જાય છે, મારો વિરોધ એની સામે છે. જો તમારી લાગણી દુભાઈ છે તો મેં પોસ્ટર ડિલીટ કરી નાખ્યું છે આનાથી વધારે હું શું કરું. તમે શું મને ફાંસીના માંચડે ચડાવશો.એક પોસ્ટરને કારણે તમે શું કરશો? મને ફાંસીના માંચડે ચડાવશો? પછી તમે પાણીમાંથી પોળા કાઢો કે બાયડી શબ્દ પણ છે.આપણે ભાયડો શબ્દ નથી બોલતાં!તે ખરાબ કેટેગરીમાં નથી આવતાં. જે લોકોને નાટક સાથે કંઈ સંબંધ નથી એ લોકો પણ જજની ખુરશી પર બેસી ગયા છે અને ચુકાદો આપી રહ્યાં છે. તો આપવા દો હું કંઈ બોલવાનો નથી.’
આ સાથે જ તેમણે કહ્યું કે હું જરા પણ આ મુદ્દાથી વિચલીત થયો નથી. અમે મારા નાટક પર કામ કરી રહ્યા છીએ.જો તમારો ઈરાદો ખરાબ હોય તો તમે વ્યથિત થાઓ. મારો ઈરાદો ખરાબ નથી. હજી પણ હું ધ્યાન રાખીશ કે એવું કંઈ ના થાય. અમુક લોકોના નામ લીધા વગર સંજય ગોરડિયાએ કહ્યું જો તમને નાટકનું નામ ખરાબ લાગતું હોય તો તમે ન આવો નાટક જોવા. ટાઈટલ વિશે પબ્લિકને નક્કી કરવા દો. તમે કેમ જજની ખુરશી પર બેસી જાવ છો. ક્યારેય પણ બુકનું કવર જોઈ તેના કન્ટેન્ટનો અંદાજો ન લાગવવો જોઈએ. જે ઘડીએ મેં પોસ્ટર કાઢી નાખ્યું તે સમયે વિવાદ ખતમ થઈ જવો જોઈતો હતો. હવે કોઈ કારણ વિના તેના ખેંચવામાં આવી રહ્યો છે. મેં મારી ભૂલ સુધારી લીધી છે અને હું તેનો ખોટો બચાવ પણ નથી કરતો.
નાટકના અભિનેત્રી કૌશંબી ભટ્ટે આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું કે, પોસ્ટર આ રીતે નહોતું કરવાનું એ સંજયભાઈએ કહ્યું જ છે. અમને ખ્યાલ નહોતો તેનો અર્થ આવો કાઢવામાં આવશે. હું માનું છું કે જે પોસ્ટર સામે આવ્યું તે દેખાવમાં ઠીક નહોતું પણ એવું જ શૂટ કરીને જાણી જોઈને આ પ્રકારનું પોસ્ટર મુકવાનો કોઈ ઈરાદો નહોતો. અમુક લોકો અભિનેત્રીઓ પર પણ બોલી રહ્યાં છે. હું છેલ્લા સાત વર્ષથી સંજય સરના પ્રોડક્શન સાથે જોડાયેલી છું. તમારે આ ફિલ્ડમાં ફિમેલ સેફ્ટી ફીલ કરવી હોય ને તો હું કહીશ કે સંજય ગોરડિયાના પ્રોડક્શનમાં કામ કરો. ત્યાં તમને આદર સાથે કામ કરવા મળે છે. દરેક વાતના તથ્ય સુધી પહોંચવું બહુ જરૂરી છે. આ બધા રિએક્શન્સ બહુ બાલિશ હોય એવું મને લાગે છે. હું સહમત છું કે પોસ્ટર જેવું જોઈએ તેવું બહાર ન આવ્યું. પણ એના માટે સંજયભાઈએ માફી માંગી છે. ચીપ પ્રકારની કૉમેડી કરીને નાટકની પબ્લિસીટી કરવાનો કે એવા નાટકો ચલાવવાનો કોઈ ઈરાદો નથી. જયારે તમને નાટકની વાર્તા ખબર નથી, નાટકમાં શું છે તેનો ખ્યાલ નથી અને કશું પણ જાણ્યા વગર સર્ટિફિકેટ આપો તે યોગ્ય નથી.
ગુજરાતી લેખિકાઓની સંસ્થા લેખિનીના પ્રમુખ પ્રીતિ જરીવાળાએ આ અંગે ચિત્રલેખા ડૉટ કૉમને જણાવ્યું કે, નાટકનું સ્તર ધીરે ધીરે ઉતરતું જાય છે. પ્રેક્ષકોને ગમે તેવું પીરસવા માટે આવી રમૂજ કરવામાં આવે છે. સ્ત્રીઓ ઉપર રમૂજ ન થવી જોઈએ. બીજા નાટકો થાય છે એમાં પણ હળવા જોક્સ હોય છે. જોકે આ નાટકના પોસ્ટરનો વિરોધ થતાં તેમણે ભૂલ સ્વીકારી લીધી એ પણ મોટી વાત છે. હવે બધી સ્ત્રીઓ સજાગ છે. તે પોતાને હાસ્યાસ્પદ નહીં બનવા દે. તેમણે પોસ્ટર ઉતારી લીધું છે. પરંતુ આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી ભૂલ ન કરે. માત્ર પોસ્ટર નહીં તમારી માનસિકતા પણ બદલો’
ગુજરાતી નાટકોની વિષય વસ્તુ પર વાત કરતાં પ્રીતિ બહેન જણાવે છે કે ગુજરાતી નાટકોમાં ભાષા સારી નથી વપરાતી. ભાષાનું સ્તર નીચું જતું જાય છે. પ્રેક્ષકોને હસાવવા માટે કોઈ પણ સ્તરે નીચે જાય છે. ઘણાં નાટકોમાં પુરુષ પત્નીની મા પર પણ જોક્સ કરે છે.પત્નીમા મા પતિની પણ મા છે, તેનો આદર કરવાનો હોય. આ પ્રકારના ડાયલૉગ નહીં ચાલે હવે. હલકું હ્યુમર નહીં ચાલે. પ્રેક્ષકોને કેળવવા પડશે. જો પ્રક્ષકોને સારુ પીરસવામાં આવશે તો તે સારું લેતા શીખશે. નાટકના લેખકો, સર્જકો અને આપણે સજાગ થવાની જરૂર છે.
સંજય ગોરડિયાએ નાટકનું પોસ્ટર બદલી નાખ્યું છે. નવું પોસ્ટર કંઈક આવું જોવા મળે છે.