Home Blog Page 1383

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો, અનેક લોકોના મોત

તુર્કીની રાજધાનીમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં ઘણા લોકોના મોતની આશંકા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારામાં સ્થિત ડિફેન્સ અને એરોસ્પેસ કંપની ‘તુર્કિશ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ’ના હેડક્વાર્ટર પર થયો હતો. ટર્કિશ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દેશના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ KAANનું ઉત્પાદન કરે છે.

તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું કે સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના હેડક્વાર્ટર પર થયેલા આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, જોરદાર વિસ્ફોટ સંભળાયો અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો. આ પછી વિસ્તારમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. આ આતંકી હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં કેટલાક આતંકીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે. જો કે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીના મુખ્યાલયમાં ઈમરજન્સી સેવાઓ મોકલી દેવામાં આવી છે.

‘કંગુઆ’ની સ્ટારકાસ્ટ લાગી ગઈ ફિલ્મ પ્રમોશનમાં

મુંબઈ: ફિલ્મ ‘કંગુવા’ની આખી ટીમે મુંબઈમાં પ્રમોશનલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં બોબી દેઓલ સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તમિલ સ્ટાર સૂર્યા, બોલિવૂડ સેલેબ્સ દિશા પટણી અને એક્ટર બોબી દેઓલ આજે એક સાથે મુંબઈમાં જોવા મળ્યા હતા. તમિલ સ્ટાર સૂર્યા ફિલ્મ ‘કંગુવા’માં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનું પાત્ર તેના અત્યાર સુધીના સૌથી મજબૂત પાત્રોમાંનું એક માનવામાં આવી રહ્યું છે. બોબી દેઓલ ‘કંગુવા’માં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે. ‘એનિમલ’ પછી બોબીને વિલનની ભૂમિકાઓ ઓફર કરવામાં આવી રહી હતી અને આગામી ફિલ્મ ‘કંગુવા’માં તેનો વિકરાળ લુક પણ વાયરલ થયો હતો.

આ ફિલ્મમાં દિશા પટણી પણ મહત્વના રોલમાં જોવા મળશે. હાલમાં, તેણે આ ઇવેન્ટમાં બ્લેક બોડીકોન પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સૂર્યા અને દિશા પટણી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે. ‘કંગુવા’નું ટ્રેલર 12મી ઓગસ્ટે રિલીઝ થયું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.  14 નવેમ્બરે આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે.

(તમામ તસવીર: માનસ સોમપુરા)

ગાંધીનગરમાં ‘ચલ મન મુંબઈ નગરી’ કાર્યક્રમમાં છવાયા મુંબઈના કવિ, લેખક અને કલાકારો

મુંબઈ: ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કવિ ભાગ્યેશ જહાએ તથા મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવે એક અનોખી પહેલ કરી છે. એમણે ગાંધીનગરના મેઘાણી હૉલમાં મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તથા મુંબઈના કવિઓ ,પ્રોફેસર તથા કલાકારોને નિમંત્રણ આપીને ગુજરાતના ભાવકોને મુંબઈના સર્જનની ઝાંખી કરાવી હતી.

 

કાર્યક્રમની શરૂઆતમાં મંજાયેલા ગાયક તથા અભિનેતા જોની શાહે સરસ્વતી વંદના રજૂ કરી હતી. કવિ હિતેન આનંદપરાએ આ આયોજન માટે સંચાલન કર્યુ હતું. કવિ સંજય પંડ્યાએ મુંબઈની વિવિધ જગ્યાઓ વિશે વાત કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ એક વર્ષમાં 175 પુસ્તકો પ્રકાશિત કર્યાં એ માટે એમણે અકાદમીને અભિનંદન આપ્યા હતા.

કવિ ભાગ્યેશ જહાએ એમના સ્વાગત પ્રવચનમાં પ્રકૃતિની વાત કરી હતી.એમણે માતૃભાષાના પ્રસારની ખેવના દરેકે રાખવી જોઈએ અને યુવાનોને ભાષા અને સાહિત્યના કાર્યક્રમમાં સાથે રાખવા જોઈએ એની વાત કરી હતી. એક હજાર વર્ષ જૂની ગુજરાતી ભાષાને ટકાવવામાં ગુજરાતીઓ પાછાં પડ્તા હોવાની વાત તેમણે કરી હતી. મુંબઈના સર્જકો કેવી પરિસ્થિતિમાં ભાષાને જાળવીને લખી રહ્યાં છે એનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને મુંબઈના સાહિત્યને સાંકળતા કાર્યક્રમ તો ફક્ત શરૂઆત છે અને હવે પછી વધુ કાર્યક્રમો દ્વારા મુંબઈ અને ગુજરાત વચ્ચેનું અંતર ઓછું કરાશે.


મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારે ‘ચલ મન મુંબઈ નગરી’ની વિભાવનાને ખાસ્સી જૂની ગણાવીને સંભવત ઈ.સ. 1026માં ભીમદેવ સાથે સાંકળી હતી. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ગુજરાત અને ગુજરાતીઓના પ્રદાન અંગે ચર્ચા કરી પંડિત ઓમકારનાથજી અને ન્હાનાલાલ વિશે વાત કરી હતી. મુંબઈની એસ.એન.ડી.ટી.યુનિવર્સીટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ.દર્શના ઓઝાએ મુંબઈની સ્ત્રી સર્જકો વિશે અભ્યાસી વક્તવ્ય આપ્યું હતું. સ્ત્રી કવિતા કેમ લખે છે, કયું બળ એને લખાવે છે, સ્ત્રી પરંપરા, દ્રષ્ટિકોણ, ભાષા, બોલી, ઈતિહાસ વગેરેના પૃથક્કરણની તેમણે વાત કરી હતી.

કવિ સંજય પંડ્યાએ પણ કવિ નર્મદથી માંડી સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ રણજિતરામ વાવાભાઈ મહેતા અને ત્યાંથી મોહનલાલ મહેતા ‘સોપાન ‘ થી લઈને અનેક જાણીતા સર્જકોનો ઉલ્લેખ કર્યો જેમણે મુંબઈમાં રહી સાહિત્ય સર્જન કર્યું. વરિષ્ઠ ગઝલકાર હેમેન શાહ, કવિ ભાગ્યેશ જહા, હિતેન આનંદપરા, સંજય પંડ્યા, ડૉ.ભૂમા વશી તથા મીતા ગોર મેવાડાનાં ગીત , ગઝલ, દુહાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં. ડિમ્પલ આનંદપરાની એકોક્તિ ‘ મારું સરનામું આપો ‘ એ એમના લાજવાબ લેખન તથા અભિનયનો પરિચય કરાવ્યો. કનૈયાલાલ મુનશીની નવલકથાના યાદગાર પાત્ર ‘ મંજરી ‘ને ડૉ.મંજરી મુઝુમદારે પોતાના અભિનયથી જીવંત કર્યું. સ્નેહલ મુઝુમદારે છંદોબદ્ધ ગાનથી કાર્યક્રમને પડાવ તરફ દોર્યો. નવલકથાકાર કેશુભાઈ દેસાઈ, જિજ્ઞેશ અધ્યારૂ તથા અન્ય ભાવકોથી હૉલ ભરાયેલો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપનાં સક્રિય સભ્ય બન્યા

ગાંધીનગર: 1 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસતા અભિયાન યોજાયું. જેમાં અત્યાર સુધીમાં લગભગ એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સક્રિય સભ્ય હોય તે ભાજપના મેન્ટેડ ઉપરથી ચૂંટણી લડી શકે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ફોર્મ ભરાવીને સક્રિય સભ્ય બનાવ્યાં હતાં. આ સમયે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.ગુજરાતમાં સક્રિય સભ્ય બનાવવા માટે ભાજપે ત્રણ લોકોની કમિટીનું ગઠન કર્યું છે. જેમાં ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, પૂર્વ પ્રવક્તા ભરત પંડ્યા તેમજ પૂર્વ મેયર બીજલબેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ અંગે ભરત પંડયાએ જણાવ્યું હતું, લોકશાહીમાં સંખ્યાબળ અગત્યનું પરિબળ છે. વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપ છે. પ્રાથમિક સભ્ય બનાવવા માટેનું અભિયાન એ મતદારો, શુભેચ્છક અને કાર્યકર્તા સુધીના બહુ મોટા વ્યાપ પર આધારિત છે. જ્યારે સક્રિય સદસ્યતા અભિયાન એ ભાજપની ઓળખ, સંગઠનની રચના અને ચૂંટાયેલ પ્રતિનિધી માટે અતિ મહત્વનું છે. એટલે કે, સક્રિય સદસ્યતા અભિયાન પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે.

કડીમાં નકલી ઘી પકડાયું, 10 લાખના ઘીના ડબ્બા જપ્ત

મહેસાણા: કડીમાં પાછલા એક મહિનામાં ફરી શંકાસ્પદ નકલી ઘી મળ્યું છે. કડીની બુડાસણ GIDCમાં શંકાસ્પદ નકલી ઘી બનતું હોવાની શંકાએ પોલીસ અને ફૂડ વિભાગે રેડ કરી હતી. જેમાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. કડી પોલીસની રેડ બાદ ફૂડ વિભાગે કાર્યવાહી કરી અને GIDCમાંથી 2500 કિલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરી લીધો છે. રૂપિયા 10 લાખના 118 ઘીના ડબ્બા સીઝ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈને ફૂડ વિભાગે હાલમાં તપાસ શરૂ કરી છે અને લેબમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ઘી અસલી છે કે નકલી તે ખબર પડશે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર વેજીટેબલ ઘીની ભેળસેળ મળી આવતા ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 15 કિલોના પેકિંગ કરતા હતા. આ સાથે જ સ્થળ પરથી પેકિંગનો સામાન, પેકિંગ મશીનરી, પેક કરેલા ઘીના ડબ્બા પણ મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાંથી પણ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. અંદાજે 822 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 5 લાખ 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સતત મળી રહેલા ભેળસેળયુક્ત ઘીના જથ્થા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં લાખો રૂપિયાનું ભેળસેળિયું ઘી ઝડપાય છે. હાલ સુધીમાં અમદાવાદમાં 12 વર્ષમાં 235 કેસનો જ નિકાલ થયો છે. 1914 કેસ પૈકી 235નો નિકાલ થયો છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં 16 ફૂડ સેફ્ટી ઓફિસર છે અને શહેરમાં માત્ર એક જ હરતીફરતી લેબ કાર્યરત છે. આ મામલે મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. ફૂડ ઓફિસરો જથ્થો જપ્ત કરીને રિપોર્ટ માટે મોકલે છે અને આ રિપોર્ટ તહેવારો બાદ આવે છે. ત્યારે ગ્રાહકો જમી જાય પછી રિપોર્ટ આવે તે શું કામનો? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

‘કર્માસ ચાઈલ્ડ’ પુસ્તકમાં જોવા મળશે સુભાષ ઘાઈની સિનેમેટિક જર્ની

મુંબઈ: હાર્પરકોલિન્સે સુભાષ ઘાઈ અને સુવીન સિંહા દ્વારા લખાયેલ ‘કર્માસ ચાઈલ્ડઃ ધ સ્ટોરી ઓફ ઈન્ડિયન સિનેમાના અલ્ટીમેટ શોમેન’ના પ્રકાશનની જાહેરાત કરી છે. ભારતીય સિનેમાના અલ્ટિમેટ શોમેન તરીકે જાણીતા સુભાષ ઘાઈ, સુવીન સિન્હા સાથે સહ-લેખક, ભારતીય સિનેમાના અલ્ટીમેટ શોમેનની વાર્તા કર્માઝ ચાઈલ્ડમાં તેમની સિનેમેટિક પ્રતિભા દ્વારા વાચકોને એક નોંધપાત્ર પ્રવાસ પર લઈ જશે.

ભવ્યતા, મજબુત વાર્તા કહેવાની અને અવિસ્મરણીય સંગીતનું સંપૂર્ણ મિશ્રણ ધરાવતી ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા સુભાષ ઘાઈના કામે 1970 ના દાયકાના અંતથી 1990 ના દાયકા સુધી બોલિવૂડનો લેન્ડસ્કેપ બદલી નાખ્યો. આ સુવર્ણ સમયગાળા દરમિયાન તેમણે નિર્દેશિત કરેલી પંદર ફિલ્મોમાંથી, અગિયાર – કાલીચરણ, વિધાતા, હીરો, કર્મ, રામ લખન, સૌદાગર, ખલનાયક અને તાલ – બ્લોકબસ્ટર હતી અને હિન્દી સિનેમામાં તેમનું નામ અમર થઈ ગયું.

સુભાષ ઘાઈની કલાકારો સાથે મલ્ટી-સ્ટારર ફિલ્મો બનાવવાની અને નવા કલાકારોને રજૂ કરવાની ક્ષમતા, જેઓ બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી સ્ટાર્સ બન્યા છે, તે પ્રતિભા અને નવીનતા પ્રત્યેની તેમની આતુર નજર દર્શાવે છે. વિડિયો પાયરસીના શિખર દરમિયાન પ્રેક્ષકોને થિયેટરોમાં પાછા લાવવાનું હોય, ઓડિયો સીડી પર ફિલ્મ સંગીતના પ્રકાશન માટે પહેલ કરવી હોય કે પછી હિન્દી ફિલ્મોને વૈશ્વિક બજારોમાં લઈ જવી હોય બધામાં ઘાઈ મોખરે રહ્યા છે. તેમની સર્જનાત્મક પ્રતિભાએ માત્ર સિનેમાના યુગને વ્યાખ્યાયિત કર્યું જ નહીં પરંતુ એક અવિશ્વસનીય છાપ પણ છોડી દીધી છે જે આજે પણ ફિલ્મ નિર્માતાઓને પ્રેરણા આપે છે.

આજે સુભાષ ઘાઈનો વારસો ફિલ્મ નિર્માણથી પણ આગળ વિસ્તરેલો છે. વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલના સ્થાપક તરીકે ભારતની મુખ્ય ફિલ્મ અને સર્જનાત્મક કલા સંસ્થા તેઓ વાર્તાકારો અને સ્વપ્નદ્રષ્ટાઓની આગામી પેઢીને ઉછેરી રહ્યા છે. કર્માઝ ચાઈલ્ડમાં સુભાષ ઘાઈ એક યુવાન માણસથી લઈને એક મહાન માણસ સુધીની તેમની સફરને પ્રતિબિંબિત કરે છે જેમણે તેમની ફિલ્મોની જેમ જ નાટકીય સ્વભાવથી પોતાનું ભાગ્ય બનાવ્યું હતું.

સંસ્મરણો વિશે બોલતા સુભાષ ઘાઈ કહે છે,”આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અસંખ્ય સ્ટાર્સ જન્મે છે અને તેટલા જ મૃત્યુ પામે છે. તમારા હાથમાં એ વાર્તા છે કે કેવી રીતે એક યુવાન ક્યાંયથી આવ્યો અને તેણે તેની સામે આવેલા પડકારોનો સામનો કર્યો અને પોતાનો રસ્તો બનાવ્યો. આ પુસ્તક 1960 ના દાયકાથી આજ સુધી મારી નજર સમક્ષ ખુલી ગયેલી હિન્દી ફિલ્મ ઉદ્યોગની વાર્તા છે.

આ પુસ્તકનું વિમોચન મુંબઈમાં 15 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

 

રાજ્ય સરકારે કર્યો ખેડૂત લક્ષી નિર્ણય, 1419 કરોડનું પેકેજ જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગસ્ટ 2024માં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રીની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1097.31 કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી 322.33 કરોડ ચૂકવાશે.

મંત્રી ઋષિકેશ પટેલે રાહત પેકેજ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ 20 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના ધારા-ધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે.

  • ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 2,500 સહાય મળી કુલ રૂપિયા 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા 5,000 સહાય મળી કુલ રૂપિયા 22,000 હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
  • બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂપિયા 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂપિયા 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂપિયા 3,500 ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે 475.71 કરોડ, પિયત પાકો માટે 942.54 કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે 1.37 કરોડ મળી કુલ 1419.62 કરોડ સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં 8-10 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાયો છે. ખેતરમાં તૈયાર મગફળી, મગ, તલ અને ડાંગર સહિતના પાક પલળી ગયા છે તેમજ જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં તો પાક જ તણાઈ જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એને લઈ ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કૃષિમંત્રી રાઘવજી પટેલને સહાય પેકેજ જાહેર કરવાની માગ સાથે પત્ર લખ્યો છે. મગફળી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ચોખા અને તેલના ભાવ વધી શકે છે.

NCPએ 38 ઉમેદવારના નામ જાહેર કર્યા, અજીત પવાર બારામતીથી લડશે ચૂંટણી

મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી માટે NCP અજિત પવાર જૂથે 38 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી ખાસ વાત એ છે કે, તેમાં 95% વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. આ યાદીમાં નવાબ મલિક અને તેમના પુત્રી સના મલિકના નામ સામેલ નથી. અજિત પવાર પોતે બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. નોંધનીય છે કે, નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન હોવાના આરોપ છે, જેથી ભાજપ તેમનો વિરોધ કરી રહ્યો હતો. આ ઉપરાંત યાદી પ્રમાણે યેવલાથી છગન ભુજબલ, આંબેગાંવથી દિલીપ વલસે પાટીલ, કાગલથી હસન મુશ્રીફ, પરલીથી ધનંજય મુંડેને ઉમેદવાર બનાવ્યા છે. અમરાવતી શહેરથી સુલભા ખોડકે, નવાપૂર ભરતથી ગાવિત, પાથરીથી નિર્મલા ઉત્તમરાવ વિટેકર અને મુંબ્રા કલવાથી નજીબ મુલ્લાને ટિકિટ મળી છે.માહિતી પ્રમાણે મહાયુતિમાં ભાજપ 152થી 155 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના 70 થી 80 બેઠકો અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 52થી 54 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. અત્યાર સુધીમાં મહાયુતિમાં ભાજપે 99 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)એ પણ અત્યાર સુધીમાં માત્ર 45 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર) ગઠબંધનની સરકાર છે. 2019ની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 105 બેઠકો જીતી હતી. આ વખતે પણ મહાયુતિ પૂરી તાકાત સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. જો કે, શીટ શેરિંગને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોર્મ્યૂલા સામે નથી આવ્યો. હાલમાં ભાજપના 103 ધારાસભ્યો છે. શિવસેના (શિંદે) પાસે 40 ધારાસભ્યો અને NCP (અજિત પવાર) પાસે 43 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠક માટે 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

બબીતા ​​ફોગાટનો ખુલાસો, દંગલે 2000 કરોડની કમાણી કરી,અમને મળ્યા માત્ર….

મુંબઈ: નિતેશ તિવારીની ફિલ્મ ‘દંગલ’ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આમિર ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેની વાર્તા બબીતા ​​ફોગાટ અને ગીતા ફોગાટના જીવન પર આધારિત હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. વિશ્વભરમાં રૂ. 2070.3 કરોડનું ગ્રોસ કલેક્શન થયું હતું. પરંતુ હવે એક ઈન્ટરવ્યુમાં બબીતા ​​ફોગાટે કહ્યું છે કે તેને ખુબ ઓછા પૈસા મળ્યા હતા.

ફિલ્મ ‘દંગલ’ 90 કરોડના બજેટમાં બની હતી. અને તેના પ્રોડક્શન પાછળ 70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેના પ્રમોશન અને માર્કેટિંગ પર 20 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ફિલ્મે માત્ર ભારતમાં જ 387.38 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું અને તે સુપર-ડુપર હિટ રહી હતી. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મના રાઇટ્સ માટે ફોગાટ પરિવારને 80 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પરંતુ હવે ‘ન્યૂઝ 24’ સાથે વાત કરતા બબીતા ​​ફોગાટે કહ્યું છે કે તેના પરિવારને માત્ર 1 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જે ફિલ્મના કુલ બોક્સ ઓફિસ કલેક્શનના એક ટકા કરતા પણ ઓછો હતો. તેમને મળેલા પૈસા 10% એટલે કે 0.05% ના અડધા હતા. આમિર ખાન પ્રોડ્યુસર તરીકે આવ્યા તેના ઘણા સમય પહેલા આ ડીલ ફાઈનલ કરી હતી.

બબીતાએ કહ્યું કે તેના પિતા મહાવીર સિંહ ફોગટે કહ્યું કે તેને લોકોના પ્રેમ અને સન્માનની જરૂર છે. તેમણે અન્ય બાબતો પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીઓ લોકોના કારણે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. ફિલ્મને કારણે નહીં. આટલું જ નહીં, બબીતાએ જણાવ્યું કે જ્યારે આમિર ખાન ફિલ્મનો ભાગ બન્યા ત્યારે તેની ટીમે પાત્રોના નામ બદલવાનું સૂચન કર્યું હતું. પરંતુ તેના પિતા મહાવીર રાજી ન થયા.

બબીતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેના પિતાએ આમિર ખાનની ટીમને હરિયાણામાં રેસલિંગ એકેડમી ખોલવાની ઓફર કરી હતી. પરંતુ તેમના તરફથી ના-હા-ના જવાબ આવ્યો. અને પરિણામે તે એકેડમી આજદિન સુધી બની નથી. રિપોર્ટ્સ અનુસાર આમિર ખાને 35 કરોડ રૂપિયાની બેઝ સેલરી લીધી હતી. આ સિવાય તેણે પ્રોફિટ શેરિંગથી પણ ઘણી કમાણી કરી હતી, જેની રકમ 375 કરોડ રૂપિયા હતી.

દિવાળી પર્વમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ચાર દિવસની રજા

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ તે દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જોકે, દિવાળી પર્વમાં સરકારી કર્મચારી/અધિકારીઓ તહેવારો માણી શકે તે હેતુથી તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ જેમાં પંચાયત અને રાજ્ય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત બંધ રહેશે અને તેના બદલામાં 9-11-2024 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.