Home Blog Page 1391

મદરેસામાંથી સરકારી સ્કૂલોમાં ટ્રાન્સફર નહીં થાય બાળકોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NCPCRની ભલામણો પર સોમવારે સ્ટે આપ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં RTEનું પાલન ન કરતી મદરેસાઓને રાજ્ય તરફથી મળતું ભંડોળ બંધ કરવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે બિનમાન્યતા મદરેસાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર પણ સ્ટે લગાવી દીધો છે. જમિયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે દલીલ કરી હતી કે NCPCRના પત્ર અને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સહિતના કેટલાક રાજ્યોની કાર્યવાહી પર સ્ટે મૂકવો જોઈએ.

આ અરજી જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પ્રદેશ સરકારના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ આદેશ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના રિપોર્ટ પર આધારિત હતો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે મદરેસાઓ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નું પાલન નથી કરતી, જેથી તેમની માન્યતા રદ કરવી જોઈએ અને તમામ મદરેસાઓની તપાસ થવી જોઈએ.

સોમવારની સુનાવણીમાં CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે, કેન્દ્ર સરકાર અને રાજ્યોને નોટિસ પાઠવી હતી.

સુરતમાં ‘ડ્રગ્સ પાર્ટી’ પર CIDની રેડ, 14ની ધરપકડ

સુરત: ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું ચલણ વધતું જાય છે. અત્યાર સુધી દારૂની પાર્ટી સામાન્ય પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ કાળો કારોબાર ફૂલીફાલી રહ્યો છે, જેના લીધે હવે ડ્રગ્સ પાર્ટીઓ પણ સામાન્ય બનતી જાય છે. અંકલેશ્વરમાંથી 250 કરોડની કિંમતનું 427 કિલો ડ્રગ્સ ઝડપાયું છે, ત્યાં તો 24 કલાકમાં સુરતના મગદલ્લા વિસ્તારમાં ડ્રગ્સ પાર્ટીમાં સીઆઇડીએ રેડ પાડી સ્પા ગર્લ સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સૂત્રો પ્રમાણે સુરત સીઆઇડી ક્રાઇમે બાતમી આધારે મગદલ્લા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે આ મકાનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. આ રેડમાં 9 વિદેશી યુવતીઓ અને 5 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેડિકલ ટેસ્ટ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. સુરત સીઆઇડી ક્રાઇમે ડ્રગ્સનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું. વિદેશી યુવતિઓને કોણે બોલાવી હતી વગેરેને પ્રશ્નોના જવાબ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાશે. નોંધનીય છે કે આ પાર્ટીમાંથી નવ ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને સાત દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, આજે સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સનો જથ્થો એફએસએલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે. મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે.

ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, આ નેતાએ છોડી પાર્ટી

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં સીટની વહેંચણીને લઈને હજુ સુધી કોઈ વાત થઈ નથી. શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (SP) વચ્ચે બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. જ્ઞાનેશ્વર (મૌલી આબા) કટકેએ ઉદ્ધવની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મતદાનના થોડા દિવસો પહેલા જ જ્ઞાનેશ્વર અજિત પવારની NCPમાં જોડાઈ ગયા છે.

મહાવિકાસ આઘાડીમાં તણાવ વધ્યો
મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીને લઈને મહાવિકાસ અઘાડીમાં તણાવ વધી રહ્યો છે. એક પછી એક બેઠકો થઈ રહી છે, પરંતુ કોઈ ઉકેલ નીકળતો નથી. જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સીટને લઈને રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોંગ્રેસને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, સીટો નક્કી કરો નહીંતર સોમવારે યાદી જાહેર કરીશું. મહાવિકાસ આઘાડીએ 24 કલાકમાં ચાર બેઠકો કરી છે. હવે વધુ એક સમય આપવામાં આવ્યો છે.

MVA માં બેઠકોનો રાઉન્ડ ચાલી રહ્યો છે
મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીમાં જેટલો વિલંબ થઈ રહ્યો છે, તેટલો જ ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ દિલ્હી તરફ જોઈ રહી છે. મહાવિકાસ આઘાડીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીમાં કોંગ્રેસની બેઠક શરૂ થઈ ગઈ છે. આદિત્ય ઠાકરે મુંબઈમાં શરદ પવારને મળ્યા હતા. આ સાથે સંજય રાઉતે શરદ પવાર સાથે પણ મુલાકાત કરી છે.

ઝારખંડમાં તેજસ્વી સાથે રમ્યો હતો
અહીં, ઝારખંડમાં સીટની વહેંચણીને લઈને ભારતીય ગઠબંધનમાં હંગામો થયો હતો. હેમંત સોરેનની પાર્ટી જેએમએમ અને કોંગ્રેસે સાથે મળીને તેજસ્વી યાદવનો સાથ લીધો છે. 81 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ અને JMMએ 70 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેજસ્વી યાદવ 22 સીટોની માંગ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં જેએમએમ અને કોંગ્રેસ કહી રહ્યા છે કે હવે બાકીની 11 સીટો ડાબેરીઓ અને આરજેડીને આપવામાં આવશે.

ભારે વરસાદથી શાકભાજી થયુ મોંઘુ, કોથમીર, આદું અને ટામેટાંએ સેન્ચુરી મારી

અમદાવાદ: આ વર્ષે લલનીનોને કારણે ગુજરાતમાં મેઘ મહેર ‘કહેર’ બની વરસી છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં જનજીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયુ હતું. તો બીજી બાજું ખેતીને પણ વ્યાપકપણે નુકસાન પહોંચ્યુ છે. શાકભાજીને વ્યાપક  નુકસાન થયુ છે. અવિરતપપણે વરસતાં વરસાદને લીધે શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો છે. આ જોતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંય કોથમીર, આદુ અને ટામેટાંના ભાવે તો સેન્ચુરી વટાવી દીધી છે.

ગુજરાતમાં ઘણાં એવા જિલ્લા છે, જ્યાં 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. હજુય અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, પરિણામે ચોમાસુ પાક તો તબાહ થયો છે. ખેડૂતોના મોમાંથી કોળિયો છિનવાયો હોય તેવી સ્થિતી સર્જાઇ છે.  ખેતીના સાથે સાથે શાકભાજીને પણ મોટું નુકસાન પહોચ્યું છે. ત્યારે બજારમાં શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે હવે ટામેટાં પણ કિલોના રૂ.100-120 ના ભાવે વેચાઇ રહ્યાં છે. કોથમીર પણ છુટક બજારમાં 100 રૂપિયે વેચાઇ રહ્યુ છે. ડુંગળીના પણ કિલોના ભાવ રૂ.70 સુધી પહોંચ્યા છે. તો  આદુનો  એક કિલોનો ભાવ રૂ.140 થયો છે. બટાકા પણ કિલોના રૂ.50ના ભાવે વેચાઇ રહ્યાં છે. વરસાદને લીધે ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યમાંથી આવતાં શાકભાજીનો જ્થ્થો પણ ઘટ્યો છે. શાકભાજીના વધતા ભાવોએ રસોડાનું બજેટ ખોરવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી વઘુ આવક નહી આવે ત્યાં સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા એંધાણ નથી. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે શાકભાજી મોંઘી થઇ છે.

સુરતમાં વારલી કળાનું પ્રદર્શન યોજાયું, ઉધોગપતિઓએ કરી ખરીદી

સુરત: શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે વારલી ચિત્રો તથા શિલ્પ કલાનું ત્રિ-દિવસીય પ્રદર્શન યોજાયું હતું. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રવિવારે છેલ્લો દિવસ હતો. ગાંધીનગરના પ્રખ્યાત વારલી ચિત્રકાર અને શિલ્પકાર બીના પટેલના ૬૯ જેટલા ચિત્રો, શિલ્પ કલાકૃત્તિઓ પ્રદર્શનમાં હતી. ત્રણ દિવસમાં ઘણા લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સુરતના ઉદ્યોગપતીઓએ પણ અહીં મુલાકાત લીધી અને ચિત્રની ખરીદી પણ કરી. વલ્લભભાઈ લાખાણી, ગોવિંદભાઈ ધોળકિયા, અનુભાઈ તેજાણી, લાલજી પટેલ વગેરે ઉદ્યોગપતિ વારલી કળાના પેઈન્ટિંગ પોતાના ઘર તથા ઓફિસ માટે લઇ ગયા. ગાંધીનગર નિવાસી વારલી ચિત્રકાર બીના પટેલે ચિત્રલેખા.કોમને જણાવ્યું, “દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના સહ્યાદ્રી પ્રદેશમાં આશરે દસમી સદીમાં શરૂ થયેલી આ ચિત્રકલામાં વારલી આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે. ૧૨૨૦ વર્ષ જૂની આ કલા કાળક્રમે લુપ્ત થઈ રહી છે, ત્યારે છેલ્લા ૩૦ વર્ષથી ચિત્રો અને શિલ્પોના માધ્યમથી વારલી ચિત્રકલાને જીવંત રાખવા પ્રયત્નશીલ છું. આપણી આ પ્રાચીન કલાને પુનર્જીવિત કરી આપણી સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ-સંવર્ધનનો પ્રયાસ કરવાનો સંતોષ છે. કલારસિકો આપણી પ્રાચીન અને ગૌરવભરી કલાને જાણી-માણી શકે એ માટે આજ સુધી ૨૨ પ્રદર્શન યોજ્યા છે.” આ કલા વિશે બીનાબહેન વધુમાં જણાવે છે, “વારલી ચિત્રોમાં મુખ્યત્વે ત્રિકોણ, વર્તુળ, ચોરસ જેવાં ભૌમિતિક આકારોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી આદિજાતિઓની જેમ વારલીઓ પણ નૃત્યના શોખીન હોય છે. આથી નૃત્ય ચિત્રનો મુખ્ય વિષય રહ્યો છે. ઉપરાંત, ઝુંપડાં, રોજિંદું કામ કરતી સ્ત્રીઓ, ચરતાં પશુ-પક્ષીઓ, સાપ, વાંદરા, ગાય-બળદોને ચિત્રોમાં જીવંત કરવામાં આવે છે. દેવ-દેવીઓ અન્ય આદિજાતિઓની જેમ વારલીઓના જીવનમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વારલી ચિત્રોમાં આદિજાતિના જીવનના વિવિધ પાસાઓ ચિત્રિત થયેલા જોવા મળે છે.” વારલી ચિત્રકલામાં તહેવારો, જન્મ, સગાઈ, લગ્ન, પાકની લણણી, ખેતરો, પહાડો, ઝરણા, વન્ય પ્રાણીઓ આદિ તેના મુખ્ય વિષયો છે. વારલી મહિલાઓ લીપેલી દીવાલો પર પલાળેલા ચોખાને પથ્થર પર લસોટીને સફેદ રંગથી આ ચિત્રો બનાવતી. ઉપરાંત, સિંદૂર, ગુલાલ, કંકુ, મધ, વિગેરેનો પણ ચિત્રો બનાવવામાં ઉપયોગ થતો. પાલગુટ દેવી ફળદ્રુપતાની દેવી મનાય છે અને વારલી લગ્નમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ચિત્રોમાં તેનું મહત્વનું સ્થાન હોય છે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

કબજિયાતથી કાયમનો છુટકારો મેળવો

તમે Mobile/ YouTube/ WhatsApp/ TV ઉપર કબજિયાતના ઉપાય તરીકેની અનેક જુલાબની દવાઓ અને ફાઇબર સપ્લીમેન્ટ લેવાની ચિત્રવિચિત્ર પ્રકારની જાહેરાતો જોઈને આજ સુધીમાં કબજિયાતને મહારોગનું નામ આપી દીધું જ હશે, પણ આટલું યાદ રાખો કે કબજિયાતનો અર્થ ગમે ત્યારે સંડાસ જવું પડે અને મુશ્કેલીથી જોર કરીને સખત અને સુકાઈ ગયેલા મળને 15થી 30 મિનિટ સુધી ટોઇલેટ બેઠા પછી શરીરની બહારા કાઢી નાંખવાની ક્રિયા છે, જેમાં મળદ્વારની ચામડી ઘસાવાને કારણે કોઈ વાર લોહી નીકળે. લાંબો વખત આવી અકુદરતી પરિસ્થિતિ રહે તો હરસ, મસા અને ભગંદર થાય, વારેવારે પેટ ભારે લાગે અને દુર્ગંધ મારતો વાયુ નીકળ્યા જ કરે. પેટમાં દુ:ખે, આંકડી પણ આવે, અકળામણ થાય, જમો ત્યારે પરાણે જમતા હો તેવી લાગણી થાય. આવું વધારે વખત રહે તો કબજિયાતની ચિંતા થાય, જેની લીધે કોઈક વાર ડિપ્રેશન પણ આવી જાય.

આમ જુઓ તો મળત્યાગ કરવાની ક્રિયા ઘણી સરળ છે. જ્યારે હાજત થાય ત્યારે આંતરડાં આ પ્રકારનું સિગ્નલ (સૂચના) તમારા મગજને મોકલે છે, તમે જાણેઅજાણે આ સિગ્નલને ગણતરીમાં લેતા નથી. છાપું વાંચવાનું, કોઈની સાથે ગપ્પાં મારવાનું અને બીજાં ઘણાં તમારી દૃષ્ટિએ અગત્યનાં કામ તમારી પાસે છે. જેમાં શરીરની દૃષ્ટિએ આ ખૂબ અગત્યનું કામ મળત્યાગ કરવાનું તમે કરતા નથી. શરીરનાં બધાં કામ ઘડિયાળને કાંટે કરવાં જોઈએ તેની સદંતર ઘોર ઉપેક્ષા કરો છો. પરિણામ તમારે જ ભોગવવાં પડે છે. મળ મોટા આંતરડામાં પડી રહેવાથી તેમાંથી પાણી મોટું આંતરડું ખેંચી લે છે પરિણામે તે સુકાઈ સખત થાય છે અને નીકળતાં વાર લાગે છે અને કબજિયાત થાય છે.

કબજિયાતના અગત્યના કારણ સિવાય બીજાં પણ કારણો છે. તમારા ખોરાકમાં 25થી 30 ગ્રામ ફાઇબર (રેસાવાળા પદાર્થ) હોવા જોઈએ જે તમે લેતા નથી. કાચા શાકભાજી, ફણગાવેલાં કઠોળ, તાજાં ફળો લેવાની ટેવ રાખો તો કબજિયાત થશે નહિ. પાણી ઓછું પીતા હો (ચાર ગ્લાસથી ઓછું) તોપણ કબજિયાત થશે, તમારી મોટી ઉંમર હોય, સિગારેટ-તમાકુ લેવાની ટેવ હોય, વજન વધારે હોય, દવાની આડઅસર હોય, માનસિક તનાવ હોય, સેન્સિટિવ સ્વભાવ હોય ત્યારે પણ કબજિયાત થાય. આંતરડાનું કૅન્સર હોય અથવા આંતરડાના બીજા કોઈ સામાન્ય રોગ હોય ત્યારે અને યુવાનીમાં જ જુદા જુદા પ્રકારની પેટ સાફ કરવાની અને જુલાબની દવાઓ લેવાની ટેવ હોય ત્યારે પણ કબજિયાત થાય જ, એમાં શંકા નથી.

કબજિયાતનું નિદાન કેવી રીતે થાય?

આમ તો કબજિયાતને ડોક્ટરો રોગ ગણાવતા નથી એટલે તેની દવા વડે સારવાર પણ નથી પણ આને લીધે થનારા Complicationના ડરથી નિદાન કરવાનું નક્કી કરે છે. લોહીની તપાસ, ઝાડાની તપાસ અને Colonoscopy/ સીગ્મોઈડોસ્કોપીની તપાસથી બીજા કોઈ રોગ છે કે નહિ એ નક્કી કર્યા પછી તમારી હાજતની ટેવ વિશે પૂછીને સારવાર કરે છે. ખાસ તપાસ આંતરડાના કૅન્સર માટે, હરસ, મસા અને ભગંદર માટે કરવી પડે છે. એક્સ-રે સોનાગ્રાફી પણ કરવી પડે. આ બધું તો ઠીક પણ કબજિયાતની સાચી સારવાર જીવનશૈલીનો ફેરફાર કરવાની છે.

જીવનશૈલીનો ફેરફાર એટલે શું?

1.  હાજતનો સમય ચોક્કસ પાળો: ચોક્કસ ટાઇમે તમને ભૂખ લાગે છે અને તમે જમો છો તે જ રીતે જ્યારે હાજત થાય ત્યારે તેનો સમય પાળો. ટોઇલેટને લાઇબ્રેરી કદાપિ ન બનાવો, ટેવ પાડશો તો પાંચ મિનિટમાં પેટ સાફ થઈ જશે.

2. તમને ગમે તે કસરત કરો: થોડા પ્રવૃત્તિશીલ રહો. આળસુ બેસી રહેશો તો વજન વધશે અને વજન વધશે તો કસરત નહીં કરી શકો. આ વિષચક્ર તોડો.

3. જુલાબ લેવાની ટેવ ગમે તેવી જૂની હોય તો તાત્કાલિક છોડી દો: આ ટેવ સિગારેટ-તમાકુ જેવી છે. બે—ચાર દિવસ જરૂર લાગે તો ઇસબગુલ લો, પણ Self Medication- જુલાબની દવાઓ તો લેવાની બંધ કરવી જ પડશે. નહીં તો લાંબેગાળે મોટા આંતરડાના રોગ, સંગ્રહણી, ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ (આઈ. બી. એસ.) થઈ જશે. એનીમા લેવાની ટેવ પણ છોડવી પડશે. ઈસબગુલ લેવાની રીત પણ જાણી લો. એક ગ્લાસ ગરમ પાણી કે દૂધમાં ત્રણથી ચાર ચમચી ઈસબગુલ નાંખી 15થી 20 મિનિટ રાખી મૂકો. જ્યારે સુંવાળા ફાલુદા જેવું થઈ જાય ત્યારે સવારથી સાંજ સુધી એક એક ચમચી દર બે કલાકે લઈ તે પૂરું કરો. જરૂર લાગે તો આ ગ્લાસમાં કોઈ પણ ફળ, સૂકોમેવો નાંખી શકો છો. આવું ચારેક દિવસ ઈસબગુલ લો.

દરમિયાન પહેલા જણાવ્યા તેવા ફાઇબરવાળા પદાર્થો લો. પેટ સાફ આવશે. કબજિયાત થશે નહિ. કબજિયાતની ચિંતા અને ટેન્શન નહિ થાય.

4. પાણી વધારે પીઓ : ધીરે ધીરે વધારીને સવારે ઊઠી અને તરત ત્રણથી ચાર ગ્લાસ પાણી પીવાની ટેવ પાડો અને આખા દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીઓ. તાંબાનો લોટો, પિત્તળનો લોટો, થર્મોસ કે બોટલનું પાણી ગમે તે ચાલશે. પાણીમાં ગજબની તાકાત છે. શરીરનો બધો કચરો જલદીથી અને સંપૂર્ણ રીતે નીકળી જાય માટે પૂરતું પાણી પીઓ. મળને નરમ રાખશે. પેટ સાફ રાખવામાં અને કબજિયાત નહિ થવામાં મદદ કરશે. ગરમ કે ઠંડુ જે ફાવે તે લઈ શકો છો.

5. વ્યસનોથી દૂર રહો: ગુટકા, સિગારેટ, દાંતે લગાડવાની પેસ્ટ દ્વારા તમાકુની ટેવ ન પાડો. તેમાં નિકોટીન આવે છે નસો નબળી પડી જશે. વધારે પડતી ચા, કૉફી, ચૉકલેટ અને કોલા આ બધામાં કેફીન આવે છે. આ પીણાં બે વખત સુધી બરાબર છે. વધારે વખત લેવાથી હેરાન થશો. દારૂની ટેવ પણ ખોટી છે. તેનાથી લિવર ખરાબ થશે. પાચનક્રિયામાં વાંધો આવશે.

6. માનસિક તનાવ દૂર કરવા પ્રયત્ન કરો : મેડિટેશન, રિલેક્ષેશન અને આસનોથી માનસિક તનાવ દૂર કરવા પ્રયત્ન કરો, વર્તમાનમાં જીવો, અહંકારને છોડો, આયોજનવાળી જિંદગી જીવો, ગુસ્સો, નારાજગી, અફસોસ અને વાતવાતમાં જૂઠું બોલવાની ટેવ અને ખોટું લગાડવાની ટેવ છોડી દો. વર્તમાનમાં જીવો. અપેક્ષાની જિંદગી છોડી દો. ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યની ચિંતા ન કરો. તનાવ દૂર થશે. કબજિયાત દૂર થશે.

7. કબજિયાત દૂર કરવાનો નવો રસ્તો: રોજ 100 ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ ખાઈ જાઓ (રસ નહિ), અથવા રાત્રે સૂતી વખતે ગરમ દૂધ (200 મિલી.) માં ચારથી છ અંજીર અથવા ખજૂર નાંખી અને રાત્રે સૂતી વખતે પી જાઓ. મૂળ વાત ફાઇબર લેવાની છે. ફાઇબરથી કબજિયાત જતી રહેશે.

8. દવાની આડઅસરથી થતી કબજિયાત માટે દવા બંધ કરો: (ઉઘરસની દવા (કોડીન) અને ડિપ્રેશનની દવાથી થનારી કબજિયાત માટે દવા બદલો. આ જ રીતે, એન્ટિએનીમિક દવાઓ (આયર્ન પ્રેપરેશન્સ) મેલેરિયાની દવા, વાની દવા અને એન્ટિબાયોટીકથી થનારી કબજિયાત માટે કાં તો દવા બંધ કરો અથવા ડોક્ટરની પાસે બીજી આડઅસર વગરની દવા લો.

9. નાનાં બાળકોની કબજિયાત માટેના ઉપાય: તમે જે ઉપાય તમારી કબજિયાતને દૂર કરવા અમલમાં મૂક્યા તે બધા જ તમારાં બાળકો અમલમાં મૂકે તેમ કરો. ફાઇબરવાળો ખોરક અને કસરત કે રમતગમતમાં ભાગ લેવા કહેશો.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

મહારાષ્ટ્ર ચૂંટણીમાં સીટ વહેંચણીને મુદ્દે તૂટવાને આરે ઇન્ડિયા ગઠબંધન?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)નું ટેન્શન વધી ગયું છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંમસ્યા ઔર વધારી દીધી છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દીધું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કહ્યું હતું કે સીટ શેરિંગ નક્કી કરો નહીં તો પાર્ટીનું લિસ્ટ જારી કરવામાં આવશે. આવામાં ચોરે ને ચૌટે સવાલ કરવામાં આવી રહ્યો છે કે આ ગઠબંધન રહેશે કે તૂટી જશે. આ મતભેદની વચ્ચે આજે MVA પત્રકાર પરિષદ યોજશે.મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ પક્ષોએ ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે. હવે જો સીટ વહેંચણી પર વાત નહીં જામે તો બધા પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જારી કરી દેશે.

ઉદ્ધવ ઠાકરેએ આજે ઇમર્જન્સી બેઠક બોલાવી છે. કોંગ્રેસે 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. જો 24 કલાકમાં જવાબ નહીં આવે તો ઠાકરે સેના પહેલી યાદી જારી કરી દેશે. એ સાથે ઠાકરેએ માગ કરી છે કે ત્રણે મોટા પક્ષો આઘાડીમાં સામેલ નાના પક્ષોને પોતપોતાના ક્વોટામાંથી સીટો આપશે.

આ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસના વડા નાના પટોલે સાથે વધુ સંવાદનો ઇનકાર કરીને ગઠબંધન તોડવાની ચીમકી આપી હતી. જ્યારે સૂત્રોએ સંકેત આપ્યો છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે ચેન્નીથલાને મોકલ્યા જેનાથી શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તણાવ ઓછો થાય.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સીટો છે. જેના પર 20મી નવેમ્બરે મતદાન થવાનું છે. જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. તેમજ સત્તા મેળવવા માટે બહુમતીનો આંકડો 145 બેઠકનો છે.

મોનાલીને લાગ્યું કે એના જીવનમાં નવી ભરતી આવી હતી…

મોનાલી દરિયાકિનારે સ્તબ્ધ જેવી ઊભી હતી. દૂરથી ખૂબ અવાજ સાથે ઉછળીને આવતાં મોજાં ડરામણા લાગતાં હતાં. ખૂબ બિહામણાં. જાણે મોનાલીના જીવનમાં ધસમસતી આવતી મુશ્કેલીઓ!

મોજાં ઉછળી રહ્યા હતા અને તેની આંખ સામે એક પછી એક દ્રશ્યો તાજા થતા ગયા. પ્રેમી પતિ રોનકનું મિલન અને પછી લગ્ન. લગ્નના એક વર્ષમાં જ એક્સિડન્ટમાં મૃત્યુ. નબળી આર્થિક સ્થિતિ અને માતાપિતાની રોજબરોજની નાદુરસ્ત થતી જતી તબિયત. આટલું ઓછું હોય એમ ઉપરથી લોકોના સમયે કસમયે લાગતા મહેણાંટોણાં! આહ! મોનાલી એકલી અને તકલીફો હજાર! જેમ આ તોફાની દરિયો એવો તોફાની ઝંઝાવાત એના જીવનમાં…

 

 

તે દૂર ક્ષિતિજે જોઇને જીંદગીના આ ભૂતકાળને તટસ્થ બનીને જાણે જોઇ રહી હતી…

“મોનાલી!”

તે સફાળી વિચારોમાંથી બહાર આવી. આ અવાજ તો ક્યાંક સાંભળ્યો હોય એવું એને પળવાર લાગ્યું.

“અરે કિશન તું?”

આ તો એ જ કિશન, જેણે બે વર્ષ પહેલાં તેને સિલેક્ટ કરી હતી પણ રોનકના કારણે પોતે તેને ના પાડી હતી. કિશન તેને જોવા આવ્યો ત્યારે પોતે એને પ્રેમથી સમજાવેલો. પોતે રોનકના પ્રેમમાં છે એવું કહીને કિશનને સમજાવીને પાછો મોકલેલો. એ સમયે કિશનના ચહેરા પર છવાયેલી નાખુશી જોઇને તેને સારું તો નહોતું લાગ્યું, પણ શું કરે? આજે કદાચ કિશન પણ એની જેમ એકલતા દૂર કરવા દરિયા કિનારે આવ્યો હતો કે શું? મોનાલીના મનમાં વિચાર આવી ગયો.

એ કિશનને કંઇ કહેવા હોઠ ખોલે એ પહેલાં જ કિશન જાણે એના વિશે બધું જ જાણતો હોય એમ બિન્દાસ્ત રીતે મોનાલીનો હાથ પકડીને એની નજીક આવી ગયો અને આંખોમાં આંખો નાખીને બોલ્યોઃ “એવરીથીંગ વીલ બી ફાઇન નાઉ..!”

થોડીવાર બંને એકબીજા સામે કાંઇ બોલ્યા વિના એકમેકની આંખોમાં જોઇ રહ્યા. ધીમે ધીમે શરૂ થતી સંધ્યાની સાથે દરિયાના મોજાં પણ શમીને અંદર જવા લાગ્યા હતા. ભરતી પછી ઓટ પણ આવે જ છે એ ન્ચાયે અહીં મોનાલીના જીવનમાં પણ ઓટ પછીની ભરતીનો ક્રમ શરૂ થતો હોવાનું તેણે અનુભવ્યું….

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

કઈ છે એ ઘટના જેને કારણે પોલીસ મેમોરિયલ ડે ઉજવવામાં આવે છે?

દિવસ છે 21 ઓક્ટોબર 1959નો. લદ્દાખનો હોટ સ્પ્રિંગ્સ વિસ્તાર. ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકોએ ઓચિંતો હુમલો કર્યો હતો. તેમની સામે 10 બહાદુર ભારતીય પોલીસકર્મીઓ હતા, પરંતુ તેમની પાસે ચીનના સૈનિકો જેવા હથિયાર નહોતા. તેમ છતાં તે 10 બહાદુર પોલીસકર્મીઓ પાછળ હટ્યા નહીં. મરતા દમ સુધી ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપતા રહ્યા. ત્યારથી આ શહીદો અને ફરજની લાઇનમાં શહીદ થયેલા અન્ય તમામ પોલીસકર્મીઓના સન્માન માટે દર વર્ષે 21 ઓક્ટોબરે ‘પોલીસ મેમોરિયલ ડે’ (Police Commemoration Day) ઉજવવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે શહીદ થયેલા તમામ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્ર પ્રત્યે પોલીસકર્મીઓના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શાહે કહ્યું કે ભારતને સુરક્ષિત રાખવામાં પોલીસકર્મીઓ અને તેમના પરિવારોએ આપેલા અમૂલ્ય બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક અવસર છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, પોલીસ સ્મારક દિવસ નિમિત્તે હું તે શહીદોને વંદન કરું છું જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને ફરજ દરમિયાન શહીદ થયા.

અમિત શાહ રાષ્ટ્રીય પોલીસ સ્મારક પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, ‘મારા માટે સૌભાગ્યની વાત છે કે આજે મને અહીં અમર સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી છે. આ સૈનિકો આપણી સરહદોને સુરક્ષિત રાખે છે. તેઓ -50 થી +50 ડિગ્રી સુધીના તાપમાનમાં સરહદોનું રક્ષણ કરે છે… તેઓના સર્વોચ્ચ બલિદાન માટે હું તેમના પરિવારોને પણ વંદન કરું છું.

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક બનાવવામાં આવ્યું

પોલીસકર્મીઓના બલિદાન અને રાષ્ટ્રીય સુરક્ષા તથા અખંડિતતા જાળવવામાં તેમની સર્વોચ્ચ ભૂમિકાની માન્યતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ચાણક્યપુરી ખાતે પોલીસ સ્મારક દિવસ-2018 રાષ્ટ્રને સમર્પિત કર્યું. સ્મારક પોલીસ દળોને રાષ્ટ્રીય ઓળખ, ગૌરવ, ઉદ્દેશ્યની એકતા, સહિયારા ઇતિહાસ અને ભાગ્યની ભાવના આપે છે અને તેમના જીવનની કિંમતે પણ રાષ્ટ્રની સુરક્ષા માટે તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

રાષ્ટ્રીય પોલીસ સ્મારકમાં એક પ્રતિમા, ‘વૉલ ઑફ બ્રેવરી’ અને એક મ્યુઝિયમ છે. 30 ફૂટ ઉંચી મોનોલિથિક ગ્રેનાઈટ પ્રતિમા પોલીસકર્મીઓની તાકાત, સ્થિતિસ્થાપકતા અને નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. શહીદોના નામો ધરાવતી બહાદુરીની દીવાલ એ પોલીસ જવાનોની બહાદુરી અને બલિદાનની દ્રઢ સ્વીકૃતિ તરીકે ઉભી છે જેમણે આઝાદી પછી ફરજની લાઇનમાં પોતાનું બલિદાન આપ્યું છે. આ સ્મારક સોમવાર સિવાયના તમામ દિવસોમાં જાહેર જનતા માટે ખુલ્લું રહે છે.

અંકલેશ્વરની ફેક્ટરીમાંથી ફરી ઝડપાયું 427 કિલો ડ્રગ્સ

ગુજરાતના દરિયા કિનારેથી અવાર-નવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવતું હોવાના સમાચાર સામે આવતા હોય છે. ડ્રગ્સ પેડલરોએ ગુજરાતમાં જ ડ્રગ્સ માટે બનવવાની નવી મોડસ ઓપરેડસ અપનાવી છે. અઠવાડિયા પહેલાં જ અંકલેશ્વરની એક ફેક્ટરીમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી 427 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 250 કરોડ હોવાનું અનુમાન છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત અને ભરૂચ પોલીસે એક સંયુક્ત ઓપરેશ પાર પાડીને અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી 427 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કંપની સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી લીધી છે. આ ડ્રગ્સનો જથ્થો એફએસએલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પૂછપરછ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે. આ ડ્રગ્સ કેવી રીતે અહીં આવ્યું. કોને પહોંચાડવાનું હતું જેવા વગેરે પ્રશ્નોના જવાબ મળી જશે. જોકે અઠવાડિયામાં જ આટલી મોટી માત્રા બીજીવાર ડ્રગ્સ ઝડપાતા લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર જ નહીં, પણ એપિસેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. આમ, ગુજરાત ડ્રગ્સ તસ્કરીનું સિલ્ક રૂટ બની રહ્યું છે. મોંઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ 2018ના આંકડા પ્રમાણે રાજ્યના 17,35,000 પુરુષો ડ્રગ્સના બંધાણી છે, જયારે 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સની બંધાણી છે. આ જ દર્શાવે છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે.