Home Blog Page 1396

‘લોરેન્સ-એ ગેંગસ્ટર’ : લોરેન્સ બિશ્નોઈ પર બનશે વેબ સિરીઝ

બાબા સિદ્દીકીના મોત માટે જવાબદાર અને સલમાન ખાનને સતત ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર વેબ સિરીઝ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને ફરીથી ધમકીઓ મળવા લાગી છે. આ સાથે જ લોરેન્સ પર વેબ સિરીઝ બનાવવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વેબ સિરીઝને ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન તરફથી મંજૂરી મળી ગઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે વેબ સિરીઝ પર કામ પણ શરૂ થઈ ગયું છે. જાની ફાયરફોક્સ ફિલ્મ પ્રોડક્શન લોરેન્સ પર વેબ સિરીઝ બનાવી રહ્યું છે, જેનું નામ ‘લોરેન્સ-એ ગેંગસ્ટર’ છે. આ વેબ સિરીઝમાં લોરેન્સના જીવન વિશે જણાવવામાં આવશે, જેમાં તેનું ગેંગસ્ટરમાં રૂપાંતર અને તેનું નેટવર્ક બતાવવામાં આવશે. જો કે આ ફિલ્મમાં લોરેન્સના રોલમાં કોણ જોવા મળશે તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સીરીઝનું પોસ્ટર દિવાળીની આસપાસ રિલીઝ કરવામાં આવશે. પોસ્ટરમાં જ અભિનેતાનો ખુલાસો થશે.

‘લોરેન્સ – એ ગેંગસ્ટર’ના પ્રોડક્શન હાઉસ જાની ફાયરફોક્સ ફિલ્મ પ્રોડક્શનના વડા અમિત જાનીએ આ સિરીઝ વિશે વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય દર્શકોને સીરિઝ દ્વારા વાસ્તવિક વાર્તા સાથે જોડવાનો છે. આ પહેલા પણ જાની આવી સિરીઝ બનાવી ચૂક્યા છે, જે એક સત્ય ઘટના પર આધારિત છે. તેણે ‘એ ટેલર મર્ડર સ્ટોરી’ બનાવી, જે ઉદયપુરના દરજી કન્હૈયા લાલ પર આધારિત છે, જેની 2022માં તેની દુકાનમાં હત્યા કરવામાં આવી હતી. આ સિવાય પાકિસ્તાની મહિલા સીમા હૈદર પર ‘કરાચી ટુ નોઈડા’ પણ બનાવવામાં આવી છે.

ઇઝરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુના ઘર પર ડ્રોનથી હુમલો

તેલ અવિવઃ હમાસ ચીફ યાહ્યા સિનવારના મોતના 72 કલાક પછી ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુના નિવાસસ્થાન પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પછી ઇઝારાયેલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં નેતાન્યાહુ બચી ગયા હતા.

ઇઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુના ઘર પાસે લેબનીઝ ડ્રોન પડી ગયું છે. આ હુમલો હિજબુલ્લા દ્વારા કરવામાં આવ્યો હતો, જેની પુષ્ટિ ખુદ ઈઝરાયેલી સેનાએ કરી છે. મોટી વાત એ છે કે ઈઝરાયેલની એર ડિફેન્સમાં હિજબુલ્લાના લડવૈયાઓ ઘૂસી ગયા હતા, જેને કારણે ડ્રોન આટલું નજીક આવ્યું અને પડી ગયું. જોકે આ હુમલા સમયે નેતાન્યાહુ તેમના નિવાસસ્થાને હાજર ન હતા.

અલજઝીરાએ અહેવાલમાં કહ્યું હતું કે લેબનોને ઉત્તરી ઇઝરાયેલના સીઝેરિયા વિસ્તારમાં બોમ્બમારો કર્યો, તે હુમલામાં PM નેતાન્યાહુના ઘરની નજીક એક ડ્રોન પડ્યું. ઈઝરાયેલી સેનાનો દાવો છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બે ડ્રોનને પણ અટકાવીને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલના બોમ્બધડાકા પછી સિઝેરિયા વિસ્તારમાં તેનાં યુદ્ધ વિમાનો તૈનાત કરી રહ્યું છે.

થોડા દિવસો પહેલાં પણ એવા અહેવાલ આવ્યા હતા કે નેતાન્યાહુને નિશાન બનાવવા માટે રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તે પછી ઈઝરાયેલની સેના કે ત્યાંના મિડિયાએ તે હુમલાની પુષ્ટિ કરી ન હતી, માત્ર હિજબુલ્લા દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા હતા,પરંતુ આ વખતે ઈઝરાયેલે સામેથી હુમલો સ્વીકારી લીધો છે. આ હુમલો પણ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઈઝરાયેલે હમાસના ટોચના કમાન્ડર સિનવારને મારી નાખ્યો છે.

 

 

BJPનું સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ, સી આર પાટીલે ભર્યું ફોર્મ

દેશભરમા ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન ચાલી રહ્યુ છે. પ્રાથમિક સભ્ય બન્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બનવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.

આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટુંક દિવસમા ભરાવવામા આવશે.  સમગ્ર ગુજરાતમાં સંગઠનના પદાધીકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંક માંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે. તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે. તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.

ગોરઘનભાઇએ પ્રાથમિક સભ્ય અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, અંદાજે 45 દિવસમા 1.8 કરોડ પ્રાથમિક સભ્ય નોંધાયા છે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉમંર, વિધાનસભા, મોબાઇલ નંબર, એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે  કાર્યકર્તાએ 100 સભ્યો બનાવ્યા હશે તેમજ પાર્ટીમા ભવિષ્યમા સારી રીતે કામ કરનાર અને પાર્ટીમા સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.

ગેરકાયદે દબાણ સામે AMCની લાલ આંખ, દિવાળીના પહેલા શહેરમાં સફાઈ

અમદાવાદામાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં દબાણો વધવાની ફરિયાદો થઈ રહી હતી અને દિવાળી આવતા પહેલા જ AMC એક્શન મોડમાં આવ્યું છે અને શહેરમાં તમામ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે પણ દબાણો અંગે AMCમાં ટકોર કરી હતી. અમદાવાદમાં દબાણ હટાવવાને લઈને AMCએ કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ભદ્ર પ્લાઝા, બાદશાહના હજીરા નજીકના વિસ્તારોમાં AMCએ સપાટો બોલાવ્યો છે, તમામ ગેરકાયદેસર પાથરણાના દબાણો દૂર કરાવ્યા છે.

ભદ્ર પ્લાઝા ખાતે દબાણના કારણે શહેર ભાજપ અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ લાલઘૂમ થયા હતા. નવરાત્રિના પર્વમાં લોકો નગરદેવી ભદ્રકાળી માંના દર્શને વાહન સાથે જઈ શકે તેવી વ્યવસ્થા કરવા માટે ટકોર કરી હતી. કારણ કે ભદ્રકાળી માતાના દર્શન માટે જતા લોકોને ભારે હાલાકી પડી રહી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે ગેરકાયદે મોટા પ્રમાણમાં ફેરિયાઓ દબાણ કરે છે. AMC અને પોલીસની મીઠી નજર હેઠળ આ દબાણ છે. દબાણના કારણે લોકો ચાલીને પણ જઈ શકે તેવી સ્થિતિ નથી. ત્યારે અમિત શાહની ટકોર બાદ દબાણ હટાવવામાં આવ્યા છે. ત્યારે બીજા બાજુ વિરમગામ શહેરમાં નગરપાલિકા તંત્રનું સતત બે દિવસ મેગા ડિમોલીશન ચાલ્યું છે. જેમાં વિરમગામ શહેરની ત્રણ જગ્યાએ મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરના લાકડી બજાર વિસ્તારમાં રહેણાંક મકાનના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 5થી વધુ JCB નગરપાલિકા કર્મચારીઓ સહિત ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તાને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

બાબા સિદ્દીકી મામલે મોટો ખુલાસો…આરોપીઓના ફોનમાં મળ્યો જીશાનનો ફોટો

મુંબઈ: બાબા સિદ્દીકી હત્યા કેસમાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીની તસવીર મળી આવી છે. આ તસવીર તેના હેન્ડલરે આરોપી સાથે સ્નેપચેટ દ્વારા શેર કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે શૂટર અને કાવતરાખોરોએ માહિતી શેર કરવા માટે સ્નેપચેટનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે.

બાબા સિદ્દીકીની હત્યા સમયે તેની સાથે રહેલા સુરક્ષા ગાર્ડ કોન્સ્ટેબલ શ્યામ સોનાવણેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે કોન્સ્ટેબલે બાબા સિદ્દીકી પર ગોળીબાર કરનારા આરોપીઓ સામે તેના તરફથી કોઈ કાર્યવાહી કરી ન હતી.

યુપીના ત્રણ પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા

બીજી તરફ રિફાઈનરી પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાં રહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર યોગેશનું વીડિયો સ્ટેટમેન્ટ વાયરલ થયા બાદ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મથુરાના SSP શૈલેષ પાંડેએ દિલ્હી સ્પેશિયલ સેલ અને મથુરા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં દિલ્હીમાં હત્યા કેસમાં સંડોવાયેલા યોગેશની ધરપકડ કરી છે.

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ તમામની પૂછપરછ કરી રહી છે. ધારાસભ્યના પુત્ર જીશાન સિદ્દીકીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અંગ્રેજીમાં લખ્યું, ‘જે છુપાયેલું છે તે ઊંઘતું નથી અને જે દેખાઈ રહ્યું છે તે બોલતું નથી.’

ઝીશાન ફડણવીસને મળ્યા હતા
તમને જણાવી દઈએ કે જીશાન સિદ્દીકીએ શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં ફડણવીસ પાસે ગૃહ વિભાગ પણ છે. ઝીશાન સિદ્દીકીએ પોતાના પિતાની હત્યા મામલે અત્યાર સુધીની પોલીસ તપાસ અંગે ગૃહમંત્રીને માહિતી આપી છે.

ઝીશાને તેના પિતાની હત્યા માટે ન્યાયની માંગણી કરી હતી
આ પહેલા ગુરુવારે ઝીશાન સિદ્દીકીએ પોતાના પરિવાર માટે ન્યાયની માંગ કરી હતી. સાથે જ અપીલ કરી હતી કે તેમના પિતાના મૃત્યુ પર રાજનીતિ ન થવી જોઈએ.

બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે મુંબઈના બાંદ્રા વિસ્તારના નિર્મલ નગરમાં જીશાન સિદ્દીકીની ઓફિસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી પાંચની શુક્રવારે પડોશી રાયગઢ જિલ્લામાં પનવેલ અને કર્જતમાં દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી હતી.

ઝોમેટો, સ્વિગી, ઉબેર કંપનીઓ પાસેથી વેલફેર ફી લેવાવાની શક્યતા

નવી દિલ્હીઃ ફૂડટેક અને ઓનલાઈન શોપિંગ જેવી કંપનીઓએ દેશમાં લાખો લોકોને ડિલિવરી પાર્ટનર તરીકે રોજગારી પૂરી પાડી છે. તેઓને ગિગ વર્કર્સ પણ કહેવામાં આવે છે. સ્વિગી, ઝોમેટો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઉબેર, ઓલા અને મિશો જેવી મોટી કંપનીઓ મોટા પાયે ગિગ વર્કર્સને નોકરીઓ પૂરી પાડવામાં સામેલ છે. હવે આ કંપનીઓ પાસેથી ગિગ વર્કર્સના નામે વેલફેર ફી વસૂલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ નિર્ણય લેવામાં આવે તો આ કંપનીઓ આ ફીનો બોજ ગ્રાહકો પર નાખે એવી શક્યતા છે.

જોકે આ તૈયારી કર્ણાટકમાં થઈ રહી છે. કર્ણાટક સરકારે ગિગ વર્કર્સ બિલ, 2024 તૈયાર કર્યું છે. સરકાર આ કાયદા હેઠળ આ એગ્રિગેટર પ્લેટફોર્મ પર 1થી 2 ટકા ફી લાદી શકે છે. આગામી સપ્તાહે યોજાનારી સમિતિ સ્તરની બેઠક બાદ આ અંગેની જાહેરાત થાય એવી શક્યતા છે. દરેક કંપની જેમાં ગિગ વર્કર્સ કામ કરે છે તે આ નિયમના દાયરામાં આવશે.

આ ડ્રાફ્ટ બિલ અનુસાર રાજ્ય સરકાર ગિગ વર્કર્સ માટે ફંડ બનાવશે. તે કર્ણાટક ગિગ વર્કર્સ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ફંડ તરીકે ઓળખાશે. આ ફંડ માટે તમામ એગ્રિગેટર કંપનીઓ પાસેથી વેલફેર ફી વસૂલવામાં આવશે. આ ડ્રાફ્ટ બિલ અનુસાર દરેક કંપનીએ આ ફી ક્વાર્ટરના અંતે સરકારને ચૂકવવાની રહેશે.

ઘણા સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નના જૂથે આ બિલને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને કહ્યું હતું કે આવા કાયદાથી રાજ્યમાં બિઝનેસ કરવાની સરળતાના વિચારને નુકસાન થશે. આનાથી સ્ટાર્ટઅપ અર્થતંત્ર પર બિનજરૂરી દબાણ આવશે અને નાણાકીય બોજ પણ વધશે. આ જૂથે CII, Nasscom અને IAMAI દ્વારા સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

 

દિવાળીમાં ડ્રાયફ્રુટના ભાવમાં ઉછાળો, જાણો નવી કિંમતો

અમદાવાદ: દિવાળીને આડે થોડા દિવસો જ બાકી છે. ત્યારે ડ્રાયફ્રૂટમાં દિવાળીની કોર્પોરેટ્‌સની ઘરાકી પૂરી થવા આવી છે. જ્યારે રિટેઈલ ઘરાકી હજી જોર પકડતી નથી. ત્યારે બીજી બાજુ આ વર્ષે કાજુના ભાવ ખાસ્સા ઊંચા છે. કિલોએ રૂ.200 જેટલા ઊંચા બોલી રહ્યા છે. કાજુના ભાવ રૂ.1000થી 1400ની રેન્જમાં છે. જ્યારે બદામના ભાવ રૂ. 800થી 1000ની આસપાસના બોલાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની કિસમિસ થોડી મોંઘી થઈ છે. તો પિસ્તાના ભાવ રૂ.1200થી 1400ની રેન્જમાં અથડાઈ રહ્યા છે. જરદાળુના સારી ક્વોલિટીના ભાવ રૂ. 900ની આસપાસના બોલાઈ રહ્યા છે. સારી ક્વોલિટીના અંજીરના કિલોદીઠ રૂ. 1600ની આસપાસ બોલાઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે દિવાળીમાં તેરસ પહેલા વધુ ઘરાકી જોવા મળતી હોય છે. પરંતુ આ વર્ષે તે ઘરાકીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જોતાં આ વખતે ધંધો ઓછો થવાની સંભાવના છે. પરંતુ હજી સુધી આશા પ્રમાણે બજારમાં લેવાલી જોવા મળતી ન હોવાનું વેપારીઓનું કહેવું છે. હવે ડ્રાયફ્રૂટના બોક્સમાં ચોકલેટ્‌સનો ખાસ્સો ઉમેરો થઈ રહ્યો છે. નોંધનીય બાબત છે કે ઇરાન-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે માલ આવવામાં તકલીફ પડી રહી હોવાથી આયાતી માલના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. આફ્રિકાના દેશમાંથી માલ મોડો આવતો હોવાથી અને યુદ્ધને કારણે તેના ભાવ ઊંચકાયા છે. ડૉલરના ભાવમાં થતી વધઘટને પરિણામે પણ ભાવમાં ઊછાળો આવી જાય છે. કાજુનું લોકલ ઉત્પાદન તો ભારતના કુલ વપરાશના 25 ટકા જ છે.  આફ્રિકાના અલગ અલગ દેશોમાંથી રૉ નટ્‌સની આયાત થાય છે. હોલસેલમાં આખા કાજુના ભાવ રૂ. 850થી 1600 સુધીના ભાવ છે. બેસ્ટ ક્વોલિટી કાજુના રિટેઈલમાં રૂા.1800ની આસપાસના ભાવ બોલાઈ રહ્યા છે. એપ્રિલ-મે 2024માં કાજુના ભાવ બોટમ પર હતા. ત્યાર બાદ તેના ભાવ ઊંચકાયા છે. ભારતમાં કાચા કાજુ મહારાષ્ટ્રના કોકણ બેલ્ટમાં, ગોવામાં, કર્ણાટકમાં, કેરળમાં તામિલનાડુમાં થાય છે. ગુજરાતમાં કાજુનું ઉત્પાદન અન્ય વિસ્તારોની તુલનાએ મામૂલી છે. હવે પછી તાન્ઝાનિયાની કાચા કાજુની સીઝન ચાલુ થઈ રહી છે. તેની સીઝનના કાજુ ભારત આવવા માંડશે. છતાં ભાવ નીચા જવાની શક્યતા ઓછી છે.

દેશમાં ગૃહયુદ્ધ કરવાનો, ઇસ્લામી સ્ટેટ બનાવવાનો PFIનો ઉદ્દેશઃ ED

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પર મોટો ખુલાસો કર્યો છે. PFIનું વિદેશોમાં મોટું નેટવર્ક છે. સિંગાપુર અને ખાડી દેશોમાં 13,000થી વધુ PFIના સક્રિય સભ્યો છે. આ દેશોમાં પૈસા એકત્ર કરવા માટે PFIએ એક સમિતિની રચના કરી છે. જે પૈસા કલેક્ટ કરીને ભારત મોકલે છે. અહીં એ પૈસાનો ઉપયોગ ગેરકાયદે કામગીરીમાં અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.

PFIનો અસલી મકસદ ભારતમાં જેહાદ દ્વારા ઇસ્લામી સ્ટેટની સ્થાપના કરવાનો છે. મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહેલી તપાસમાં EDને અત્યાર સુધી રૂ. 94 કરોડની સંપત્તિ માલૂમ પડી છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં એજન્સીએ PFIથી જોડાયેલા 26 લોકોની ધરપકડ કરી છે. દેશમાં PFIને ફરી મજબૂત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

એજન્સીએ PFIની ચલ અને અચલ 35 સંપત્તિઓને જપ્ત કરી છે. આ સંપત્તિની કિંમત આશરે રૂ. 57 કરોડ છે. આ સંપત્તિઓ અનેક ટ્રસ્ટ, કંપનીઓ અને ખાનગી સંપત્તિઓ પણ સામેલ છે. એજન્સીએ દિલ્હી પોલીસ અને NIA દ્વારા નોંધાયેલા કેસોનો આધાર બનાવીને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. PFIના દેશ અને વિદેશમાં 29 ખાતાઓમાં ફંડ આવ્યું છે અને નકલી ફંડોના હવાલા દ્વારા અને અન્ય પ્રકારે નાણાં મોકલવામાં આવે છે.

દૂધીનો ઓળો (દૂધીનું ભરતું)

દૂધી મોટે ભાગે કોઈને નથી ભાવતી. તો શાકની વેરાયટી ક્યાંથી લાવવી? જો આ જ દૂધીનો ઓળો (દૂધીનું ભરતું) બનાવવામાં આવે, તો જમવામાં રોટલી ઓછી પડશે!

સામગ્રીઃ

  • દૂધી 1 કિલો
  • ટામેટાં 3
  • કાંદો 1 (optional)
  • લીલાં તીખા મરચાં 2
  • લસણની કળી 10-15
  • આદુ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½  ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 7-8
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • કોથમીર સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ 3-4 ટે.સ્પૂન
  • ઘી 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું

રીતઃ દૂધીને છોલીને ધોઈને ચોરસ ટુકડામાં સમારી લો. કૂકરમાં દૂધી નાખીને ¼  કપ જેટલું પાણી અને 1 ચમચી ઘી તેમજ ½ ટી.સ્પૂન મીઠું ઉમેરીને કૂકર બંધ કરી ગેસની મધ્યમ આંચે બાફવા મૂકો. 4-5 સીટી થાય એટલે ગેસ બંધ કરી દો.

ખાંડણી-દસ્તામાં લસણની છોલેલી કળીઓ તેમજ કાશ્મીરી મરચાં પાઉડર નાખીને પેસ્ટ બનાવી લો.

કૂકર ઠંડું થાય એટલે દૂધીમાંથી પાણી નિતારીને મેશર વડે દૂધીને છૂંદીને બારીક કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરુ તતડે એટલે હીંગ વઘારીને સમારેલો કાંદો અને લીલાં મરચાં ઉમેરીને કળી પત્તાના પાન ઉમેરી દો. કાંદો સાંતળી લીધા બાદ તેમાં બારીક સમારેલાં ટામેટાં ઉમેરો. ગેસની આંચ મધ્યમ-ધીમી રાખીને ટામેટાંમાંથી તેલ છૂટું પડે એટલે હળદર તેમજ લસણની પેસ્ટ નાખીને ગરમ મસાલો, ધાણાજીરૂ પાઉડર, કાળા મરી પાઉડર મેળવી દો. ગેસની આંચ ધીમી કરીને 5-10 મિનિટ બાદ તેલ છૂટું પડે એટલે મેશ કરેલી દૂધી મેળવીને ઢાંકીને ફરીથી 10 મિનિટ ધીમે તાપે શાક થવા દો. ત્યારબાદ સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને દૂધીનો ઓળો ગરમાગરમ પીરસો.

 

૧૯ ઓક્ટોબર ૨૦૨૪