Home Blog Page 1397

સાહિલ ચઢ્ઢાએ રવિ ચોપડાને ખોટા પાડ્યા

સાહિલ ચઢ્ઢાને જે નિર્દેશકે અભિનય એનું કામ ન હોવાનું કહ્યું હતું એમણે જ પોતાની ફિલ્મમાં અમિતાભ સાથે કામ આપ્યું હતું. સાહિલને નાનપણથી જ અભિનયનો શોખ હતો. યુવાન થયા પછી સાહિલ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પહોંચી ગયો હતો. જે કામ મળે એ કરતો હતો. તે મોડેલિંગ કરતો હતો. ફિલ્મ ‘મશાલ’ વખતે કલાકારોના કપડાં, જમવાનું વગેરે લાવવાનું કામ કર્યું હતું. નિર્દેશક રવિ ચોપડાએ એમના પ્રોડકશનમાં એનું ઓડિશન જોઈને કહ્યું કે તું દૂબળો-પાતળો છે. તારો મેળ પડશે નહીં. સમય બગાડ્યા વગર તું દિલ્હી પાછો જતો રહે. સાહિલે એમને ખોટા સાબિત કરવા મહેનત કરી. કેટલીક ટીવી સિરિયલો કરી.

એક ફિલ્મ ‘સત્યમેવ જયતે’ પછી સાહિલની થોડી નોંધ લેવાઈ હતી. તે એક કપડાના શુટિંગની જાહેરાત માટે ખંડાલા જતો હતો ત્યારે મોડેલ મિત્ર વેવર્લીએ એને કહ્યું કે હું એક ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’ (૧૯૮૮) નું ઓડિશન આપીને આવી છું. મારો નંબર લાગ્યો નથી પણ તું હીરો તરીકે ઓડિશન આપી શકે છે. સાહિલે જાણ્યું કે એ ફિલ્મ રવીન્દ્ર પીપટની છે. એમની એક ફિલ્મ સાહિલ સાથે બની શકી ન હતી. રવીન્દ્રએ ગુલશનકુમારની ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવી. ઓડિશન આપ્યા પછી સાહિલે કહ્યું કે આ મહિલાપ્રધાન ફિલ્મ છે. પણ પછી પોતાનું જ મન મનાવ્યું કે હું હીરો છું અને ક્લાઇમેક્સમાં પણ તક મળશે. રવીન્દ્રએ એના માટે સારા દ્રશ્યો બનાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારે સાહિલે અભિપ્રાય આપ્યો હતો કે આ એક જૂના જમાનાની પ્રેમવાર્તા છે. કોઈ આધુનિક લવસ્ટોરી નથી? આ વાતને દોઢ મહિનો થઈ ગયો અને એમના તરફથી કોઈ સંદેશ આવ્યો નહીં. સાહિલ ત્યારે માંદો પડ્યો હતો એટલે બહુ ધ્યાન આપ્યું નહીં.

એક દિવસ એણે રેડિયો પર ‘ક્યા કરતે થે સાજના’ ગીત સાંભળ્યું અને ખ્યાલ આવ્યો કે આ એ જ ફિલ્મ છે જેનું મેં ઓડિશન આપ્યું હતું. એને થયું કે આ ફિલ્મ મેળવવી જ જોઈએ. એ રવીન્દ્ર પાસે ગયો અને પૂછ્યું કે ફિલ્મનું શું થયું? એમણે કહ્યું કે તારે તો મોર્ડન લવસ્ટોરી કરવી છે ને? સાહિલે કહ્યું કે ના હું આ કરી લઇશ. અને સાહિલે ફરી કેટલીક છોકરીઓ સાથે હીરો તરીકે ઓડિશન આપ્યું. એ પછી વળી પંદર દિવસ સુધી કોઈ સંદેશ ના આવ્યો. એક દિવસ એરપોર્ટ પર ‘ટી સીરીઝ’ ના ગુલશનકુમારે એને નામથી બોલાવીને કહ્યું કે મેં તારું ઓડિશન જોયું છે અને આપણે ફિલ્મ કરી રહ્યા છે. ‘લાલ દુપટ્ટા મલમલ કા’ ના પહેલાં ઓડિયો ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને એની લોકપ્રિયતને કારણે ગુલશનકુમારે એ ગીતો સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ થતાં સાહિલ મોટો ડીજીટલ સ્ટાર બની ગયો હતો. એ પછી ખાસ કોઈ ફિલ્મો મળી નહીં. સલમાન ખાન પણ ત્યારે એનાથી પ્રભાવિત હતો અને કહ્યું હતું કે હું એક ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહ્યો છું. આમિર ખાનને એ પસંદ આવી નથી. હું તારી અને મોહનીશ બહલ સાથે બનાવીશ. પછી કહ્યું હતું કે ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) થી અભિનેતા તરીકે નહીં ચાલે તો નિર્દેશક બનશે અને તારી સાથે ફિલ્મ બનાવશે. સાહિલ જીવન નિર્વાહ માટે જાહેરાતો કરતો રહેતો હતો. ત્યારે ફિલ્મ ‘શહઝાદે’ માટે આમિર ખાને ના પાડ્યા પછી સાહિલને ઓફર થઈ એમાં આદિત્ય પંચોલી આવી ગયો હતો.

આદિત્ય ચોપડાએ એને યશજીની એક ફિલ્મ ‘ડર’ (૧૯૯૩) કરવાની સલાહ આપી હતી. કેમકે આમિરે ના પાડી હતી. એમાં નકારાત્મક ભૂમિકા હોવાનું જાણી ખચકાયો હતો. પણ મહત્વની ભૂમિકા હોવાથી હા પાડી હતી. યશજીની ‘લમ્હે’ (૧૯૯૧) ફ્લોપ થયા પછી ફેરફાર થતાં એ ભૂમિકામાં શાહરૂખ ખાન આવી ગયો હતો. વર્ષો પછી રવિ ચોપડાએ અમિતાભની ફિલ્મ ‘બાગબાન’ (૨૦૦૩) માં સાહિલને કામ આપ્યું હતું અને પરિવાર સાથે મુલાકાત કરાવીને વખાણ કરતાં કહ્યું હતું કે આ છોકરાને મેં ના પાડી હતી છતાં એ અભિનયમાં રહ્યો અને આ સ્થાન પર પહોંચ્યો છે.

પંચાંગ 19/10/2024

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી

AMCના ફાયર વિભાગમાં ચીફ ઓફિસર તરીકે અમિત ડોંગરેની નિમણૂક કરવામાં આવી છે. મેયર પ્રતિભા જૈન દ્વારા માહિતી આપવામાં આવી હતી. જ્યારે એડી. ચીફ ફાયર ઓફિસર તરીકે મિહિર રાણાની નિમણૂક કરાઈ છે. મિથુન મિસ્ત્રી અને જયેશ ખડિયાને એડી. ચીફ ફાયર ઓફિસર તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. મિથુન મિસ્ત્રીને સિનિયર જ્યારે જયેશ ખડિયાને સેકેન્ડરી પદે પ્રમોશન અપાયું છે. પહેલા જયેશ ખડિયાનાં નામે વિરોધ વિપક્ષે નોંધાવ્યો હતો. જેથી સત્તાપક્ષ દ્વારા જયેશ ખડિયાને સેકન્ડ પોઝિશન પર રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સફાળી જાગેલી રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ વિભાગમાં ભરતીઓની પ્રક્રિયા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયરબ્રિગેડમાં કાયમી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વધારાની જગ્યા પર બે અધિકારીઓને પ્રમોશન આપી એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા છે. સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ કમિટીમાં ચીફ ફાયર ઓફિસર અને 3 એડિશનલ ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી.

બે અધિકારીઓને પ્રમોશન આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા. જો કે, ચીફ ફાયર ઓફિસર અને એક એડિશનલ ચીફ ફાયર ઓફિસરને મ્યુનિસિપલ કોર્પોરેશનના બહારથી ભરતી કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડમાં હાલમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરનો હોદ્દો ધરાવતા અને હાલના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયા અને ઇન્ચાર્જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી બંનેને એડિશનલ ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સૂત્ર મુજબ બહારથી લેવાનારા બે અધિકારીઓ પાસે શહેરી વિસ્તારમાં મોટી આગ બૂઝવવાની કે બચાવ કોલની કામગીરીનો અનુભવ નથી. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા અધિકારીને CFO અને AD.CFO બનાવવામાં આવ્યા નથી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓને પ્રમોશન આપીને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવી રહ્યા છે.

મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સત્યેન્દ્ર જૈનને શરતી જામીન

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સત્યેન્દ્ર જૈનને જામીન મળ્યા છે. દિલ્હીનમી રાઉઝ એવેન્યુ કોર્ટમાં તેમને રૂ. 50,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જોકે કોર્ટે તેમને શરતી જામીન આપતાં કહ્યું હતું કે તેઓ દેશની બહાર નહીં જઈ શકે.

આપના નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. જામીન આપતાં ત્યારે હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો હવાલો આપ્યો છે અને મનીષ સિસોદિયાના મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતાં મૌલિક અધિકાર રૂપે ત્વરિત સુનાવણી કરવાના હક પર ભાર મૂક્યો હતો.કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

ખાસ કરીને PMLA જેવા કડક કાયદા સંબંધિત મામલામાં વ્યક્તિની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કોર્ટે મનીષ સિસોદિયા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધાર બનાવતાં જામીન મંજૂર કર્યા છે. આ મામલે તપાસ કરી રહેલા EDએ સત્યેન્દ્ર જૈનને જામીન ન આપવા દલીલ કરી હતી.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ

સત્યેન્દ્ર જૈનની EDએ 30 મે, 2022એ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જેમાં જૈનના નામે ચાર કંપનીઓના માધ્યમથી મની લોન્ડરિંગ થયુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2017માં CBI દ્વારા આ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

 

શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ દ્વારા આધુનિક સુવિધા સાથે ગુજરાતી ભવનનું થશે નિર્માણ

મુંબઈ: મહારાષ્ટ્રની સંસ્કારી નગરી પૂનામાં છેલ્લા 111 વર્ષથી શ્રી પુના ગુજરાતી બંધુ સમાજ સંગઠન કાર્યરત છે. જે હંમેશાં ત્યાં વસેલા ગુજરાતીઓ માટે પરોપકારી પ્રવૃત્તિ કરતું આવ્યું છે. હવે આ સગંઠન પુનાના ગુજરાતીઓને એક મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. શ્રી પુના ગુજરાતી બંધુ સમાજે આધુનિક ગુજરાતી ભવન અને સ્પોટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કર્યુ છે. જેનું વાસ્તુ પૂજન દિવાળીના પાવન અવસર પર કરવામાં આવશે.

શ્રી પૂના ગુજરાતી બંધુ સમાજના જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી નૈનેશ નંદુએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે કરતા જણાવ્યું કે ‘પુનાના ગુજરાતીઓએ 1913માં આ સંગઠનની સ્થાપના કરી હતી. વર્ષ 1986માં સંગઠને છ એકર જમીન ખરીદી હતી. તે જમીનનો ઉપયોગ ગુજરાતી સમાજ માટે કેવી રીતે કરી શકાય તે દિશામાં ખુબ જ મંથન થયું અને અંતે ગુજરાતી ભવનના નિર્માણનો સંકલ્પ કર્યો. ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2013માં તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી સમાજ માટે જમીન ખરીદનારોના નામની વાત કરીએ તો મારા પિતા મૂળજીભાઈ નંદુ, ડાયાલાલ શાહ અને સુરતવાલા સહિત કેટલાકના નામને સામેલ કરી શકાય.પહેલા આ જમીન પર વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાનો વિચાર હતો. પરંતુ બાદમાં તે વિચાર પર કંઈ કામ થયું નહીં અને આખરે સંકુલ તથા ગુજરાતી ભવનના નિર્માણનો નિર્ણય કર્યો.’

ગુજરાતી ભવનનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. દિવાળીના પાવન અવસરે તેનું વાસ્તુ પૂજન થશે. ઈમારત છ માળની બનાવવામાં આવી છે. જેમાં જયરાજ સ્પોટ્સ એન્ડ કન્વેન્સન સેન્ટર પણ છે. 2 લાખ 20 હજાર ચો.ફૂટમાં ફેલાયેલુ ગુજરાતી ભવન આધુનિક સુવિધાથી સજ્જ છે. સ્પોટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે બૅડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિલ કોર્ટ, બિલિયર્ડ રૂમ અને જિમ્નેશિયમ એરિયા તૈયાર કરવામાં આવ્યા છે. આ સિવાય સ્વિમિંગ પૂલ, બેન્ક્વેટ હૉલ, વિવિધ ફેન્સી ફૂડ ધરાવતી રોસ્ટોરન્ટ, ગુજરાતી ફૂડ એન્ડ સ્નેક્સ માટે એક અલગ ફૂડ કોર્ટ, મિની થિયેટર, સ્પા,લાઈબ્રેરી (અંગ્રેજી-ગુજરાતી), કોન્ફરન્સ રૂમ, સલૉન, ગેસ્ટ રૂમ અને સ્યુટ્સ સહિતની મોર્ડન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે જ 250 કાર માટે પાર્કિંગ વિસ્તાર છે. ઉપરાંત વૉટરફોલ કેફે અને ઓપન એર ગાર્ડન રેસ્ટોરન્ટ પણ છે. આમ, તમામ મોર્ડન ફેસિલિટિઝ સાથે ભવનનું અદ્ભૂત નિર્માણ થયું છે.

ગુજરાતી કેળવણી મંડળ અંતર્ગત એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ વિશ્વધામ સંકુલ પણ કાર્યરત છે. 2022માં શરૂ કરાયેલા સંકુલમાં એક હજારથી અધિક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે અને હવે માર્ચ 2025 સુધીમાં ગુજરાતી ભવન પણ લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. શ્રી ગુજરાતી બંધુ સમાજના પ્રમુખ નીતિન દેસાઈ, ઉપ પ્રમુખ વલ્લભ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ શાહ અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી નૈનેશ નંદુ સહિતની સમ્રગ ટીમ આ કાર્યને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. પુણેમાં આશરે અઢીથી ત્રણ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે.જે તમામ લોક આ ભવનનો લાભ ઉઠાવી શકશે.

અમદાવાદમાં હેલમેટ ન પહેરતા પોલીસ સામે પણ થશે કાર્યવાહી

અમદાવાદ: સ્માર્ટ સીટી ગણાતા અમદાવાદમાં હેલમેન્ટ મુદ્દે અવાર નવાર કેટલાક પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે હવે શહેર પોલીસ કમિશનર ફરી એક વખત હેલમેન્ટ મુદ્દે આક્રમક બન્યા છે. પરંતુ આ વખતે શહેર પોલીસ કમિશનર હેલમેટ મુદ્દે અમદાવાદ પોલીસ સામે જ બન્યા છે. જી, હા હવે અમદાવાદ શહેર પોલીસનો સ્ટાફ હેલમેટ નહી પહેરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારીઓને હેલમેટ પહેરવા માટે ફરજિયાત આદેશ કરવામાં આવ્યો છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓએ ફરજિયાત હેલમેટ પહેરવું જરૂરી બન્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડયો છે, જે પરિપત્ર પોલીસ કર્મીઓ માટે છે જેમાં અધિકારીઓ પણ આવી ગયા જેમા તેમણે કહ્યું કે અમદાવાદ શહેર પોલીસમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાત હેલમેટ પહેરીને પોલીસ સ્ટેશન આવવું પડશે જેમાં સિવિલ સ્ટાફને પણ હેલમેટ પહેરવું ફરજિયાત રહેશે,અને આ હેલમેટની જવાબદારી પોલીસ સ્ટેશનના અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદમાં શહેરમાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી હેલમેટ વિના કચેરીમાં પ્રવેશ નહી કરે તેને લઈ પરિપત્ર કર્યો છે. આ બાબતને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે તેવો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે હવે પોલીસ પણ પોલીસની ભલામણ નહી રાખે અને હેલમેટ પહેરશે.જે પણ પોલીસ કર્મીઓએ હેલમેટ વસાવ્યું નથી તે જલદીથી હેલમેટ વસાવી લો નહીતર દંડનીય કાર્યવાહી થશે. NCRBના ડેટા મૂજબ વાત કરવામાં આવે તો વર્ષ 2022માં રોડ એક્સીડન્ટના ડેટા મુજબ ભારતમાં કુલ 171100 વ્યક્તિઓના મૃત્યુ રોડ અકસ્માતના કારણે થયેલ છે. જે પૈકી 77876 એટલે કે 45.51% મૃત્યુ ટુ વ્હિલર વાળાના થયેલ છે. મૃત્યુ થવાનું મુખ્ય કારણ હેલ્મેટ નહિ પહેર્યા હોવાનું જાણવા મળતું હોય છે. મોટર વ્હિકલ એક્ટ-૧૯૮૮ ની કલમ ૧૨૯ તેમજ ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ 103 મુજબ મોટર સાયકલ ચાલક હેલ્મેટ પહેરવું ફરજીયાત છે, જેથી પોલીસ દ્વારા સૌથી પહેલા સ્વયં આ કાયદાનું પાલન કરવું જરૂરી છે. નિયમ મુજબ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) ના માપદંડ મુજબનું હેલમેટ પહેરવું ફરજીયાત છે.

ટીમ ઇન્ડિયાની વળતી લડતઃ કોહલીએ પૂરા કર્યા 9000 ટેસ્ટ રન

બેંગલુરુઃ ટીમ ઇન્ડિયા બેંગલોર ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસની રમતને અંતે ન્યુ ઝીલેન્ડ સામે 125થી પાછળ છે. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં 49 ઓવરોમાં ત્રણ વિકેટે 231 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન હજી 70 રન બનાવીને નોટઆઉટ છે.

કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ્સમાં અર્ધ સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 70 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા હતા.ત્રીજા દિવસે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જબરદસ્ત રેકોર્ડની યાદીમાં સ્થાન બનાવ્યું છે. તે ટેસ્ટમાં 9000 રન પૂરા કરનાર ભારતનો ચોથો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલાં  સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ આ સીમાચિહ્ન સુધી પહોંચી શક્યા હતા. બેંગલુરુ ટેસ્ટના ત્રીજા દિવસે બીજા દાવમાં વિરાટ કોહલીએ 42મી ઓવરના ચોથા બોલ પર સિંગલ લઈને તેની ટેસ્ટ કારકિર્દીના 9000 રન પૂરા કર્યા.

વિરાટ કોહલીએ ટીમને મુશ્કેલી સમયમાંથી બહાર કાઢી હતી. છે. કોહલીએ યુવા સરફરાઝ ખાન સાથે ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ટીમના સ્કોરને 200 રનથી વધુ પહોંચાડ્યો હતો.

વિરાટ કોહલીએ બનાવ્યા 9000 રન

ન્યુ ઝીલેન્ડ સામેની ટેસ્ટમાં  વિરાટ કોહલીને 9000 રન સુધી પહોંચવા માટે 197 ઇનિંગ્સ લાગી હતી. આ પહેલાં ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડે તેના કરતાં ઓછી ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો હતો.

સચિન તેંડુલકરે 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 9000 રન પૂરા કર્યા હતા. સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડે સૌથી ઓછી 176 ઇનિંગ્સ લીધી હતી. તેણે 2006માં કિંગસ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની ટેસ્ટ કારકિર્દીના 9000 રન પૂરા કર્યા હતા.

Opinion: ખાદ્ય ખોરાકમાં થતી ભેળસેળ ક્યારે અટકશે?

તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આનંદનો ઉત્સવ હોય અને મોઢું મીઠુ તો પહેલા કરાવવું જોઈએ. પણ શું આજના સમયમાં મોઢું કરવું વ્યક્તિના સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. કેમ કે, તહેવાર ટાણે રાજ્યના ખૂણે ખૂણામાં અખાદ્ય સમાગ્રી વેચવાનો ગોરખધંધો શરૂ થઈ જતો હોય છે. ભેળસેળ જેવી ઘટના તો જાણે સામાન્ય બની ગઈ હોય, સામે પક્ષે તંત્ર તરફથી પણ એક્શન લેવાના ઢોંગ ધતિંગ થતા હોય એવું લાગી રહ્યું છે. ઘણી વખત એવું નજરે પડતું હોય કે, ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ જવાતા હોય પણ તેના પરિણામ તો તહેવાર પછી આવે છે.

તો અખાદ્ય સામગ્રીના વેચાણ પર રોક ક્યારે લાગશે? આ ભેડસેડના ગોરખધંધા પર શું નક્કર પગલાં લેવા જોઈએ?  જાણો અલગ અલગ વર્ગના લોકો શું કહે છે..

ડૉ.અનિંદિતા મહેતા, COO, CERC, અમદાવાદ

એવા કેટલાક વેપારીઓ જે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે, તેની સાથે તંત્ર એક્શન તો લે છે, આવા લોકો પાસેથી FSSAI કાર્યવાહી પણ કરે છે, અને દંડ પણ વસૂલે છે. કોઈપણ સામગ્રીનો પહેલા સામાન્ય ટેસ્ટ થાય, જો તેમાં કમી વર્તાય તો તેને FSL માં મોકલવામાં આવે છે. આ રિપોર્ટ આવતા લાંબો સમય લાગે છે. જ્યાં સુધી આ રીપોર્ટ નથી આવતા ત્યાં સુધી વેપારી ખાદ્ય સામગ્રી વેચી શકતો નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે વેપારી દંડ ભરી છૂટી જતા હોય છે. જ્યારે ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે રાજ્ય સ્તરે વેપારીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય, પછી તે વેપારી કેન્દ્રીય સ્તરેથી લાયસન્સ મેળવી લેતો હોય છે. આ સ્ટેટ અને સેન્ટ્રલ વચ્ચે જે લાયસન્સનું તાલમેલ વેપારી બનાવે છે તેના માટે FSSAIએ કડક કાયદા લાવવા જોઈએ. કાયદા તો છે, પરંતુ ક્યાંકને ક્યાંક લોકો તેમાંથી છટકબારી શોધી નીકળી જતા હોય છે. એવા કડક કાયદા લાવવા જોઈએ જેથી લોકોને આવું કામ કરતા ડર લાગે.

સિમ્મી ખન્ના, ક્લિનિકલ ડાયેટિશિયન અને ડાયાબિટીસ એજ્યુકેટર, જામનગર

પહેલા તો આવી સમસ્યા પ્રોડક્ટ પર નિર્ભર કરતી હોય છે, કે તે પ્રોડક્ટમાં શું સામગ્રીનો વપરાશ થયો છે. ખાદ્ય સામગ્રીમાં વપરાતા મસાલામાં જે કલરનું મિશ્રણ થાય છે, તે આપણા શરીર માટે હાનીકારક હોય છે. કેટલીક એવી વસ્તુ જેના સામાન્ય ઘરે પણ ટેસ્ટ કરી શકાય છે, એ આપણે કરવા જોઈએ પછી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં મળતી મીઠાઇમાં કંદોઈ હંમેશા પામ ઓઈલ અને વનસ્પતિ ઘીનો ઉપયોગ કરે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય છે. આ ઉપરાંત આપણે બહારનું ખાવાનું એક લીમીટમાં લેવું જોઈએ. ગ્રાહક જ્યારે પણ બજારની વસ્તુ ખરીદવા જાય ત્યારે પહેલા લેબલ ચેક કરવુ જોઈએ, કે પ્રોડક્ટમાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપણે ત્યારે ભ્રષ્ટાચારનું પ્રમાણે વધારે છે. જેથી આપણી સુરક્ષા આપણા જ હાથમાં હોય છે. કાયદાની કડક થતા પહેલા આપણે સજાગ થઈ જવું જોઈએ.

સચીન બારોટ, સામાજીક કાર્યકર કલોલ

આજના સમયમાં સારૂ ફૂડ મેળવવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. કેમ કે દરેક દુકાનમાં નાની મોટી ભેળસેળ તો જોવા મળતી જ હોય છે. બજારના ખાવાની ગુણવત્તા આમ પણ ઓછી હોય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘણી દુકાન પર રેડ પાડવામાં આવે છે, સેમ્પલ પણ લેવાય છે પરંતુ તેના પરિણામ નથી આવતા. આપણે ત્યા કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેમાં ખાદ્ય સામગ્રી સાથે તેમાં ઉપયોગ લેવાલી સામગ્રીનો પણ ઉલ્લેખ હોય. કેમ કે કેટલીક વખત લોકો તંત્રના એક્શન પહેલા દુકાન દારો સામાનની હેરફેર કરી દેતા હોય છે. આમ તો આપણે ત્યાં કડક કાયદા છે. પણ ભેળસેળ કરનારા તેમાંથી નીકળવાના રસ્તા શોધી લેતા હોય છે. આપણે એવા કાયદા બનાવવા જોઈએ, જેથી આવું કામ કરના હાથમાંથી નીકળી ના શકે.

મિલી કૌશલ શાહ, વર્કિંગ વુમન, અમદાવાદ

મારા મત અનુસાર, જ્યારે પણ બજારમાં કોઈ પણ વસ્તુની ચકાસણી કરીને વસ્તુની ખરીદી કરીશ. હાલ તંત્ર પણ એક્શન મોડ આવી છે. અને તમામ દુકાનમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા તો હાથ ધરી પણ તેના રીઝલ્ટ બે-ત્રણ મહિને આવે છે. મારું એવું માનવું છે કે કાયદા થોડા કડક કરવાની જરૂર છે. આવી ઘટના સામાન્ય દુકાન સહિત મોટી કંપનીમાં પણ બની રહી છે, કે તેની પ્રોડક્ટમાં ભેળસેળ મળી આવતી હોય. એવા કડક નિયમ હોવા જોઈએ કે, કોઈ પણ પ્રોડક્ટ બજારમાં મુકતા પહેલા તેની પુરતી ચકાસણી થવી જોઈએ. આવી નાની મોટી સમસ્યા ભારતમાં જ જોવા મળશે. ભારત બહારના કાયદા એટલા કડક છે આવી સમસ્યાનો સામનો જનતાને કરવો પડતો નથી. મારું એવું માનવું છે કે ગ્રાહક તો જાગૃત થઈ ગયા છે. પરંતુ કાયદા સાથે સરકારને જાગૃત થવાની જરૂર છે.

(તેજસ રાજપરા- અમદાવાદ)

વરિષ્ઠ અભિનેતા દેવરાજ રોયનું નિધન, મમતા બેનર્જીએ દુ:ખ વ્યક્ત કર્યુ

વરિષ્ઠ બંગાળી અભિનેતા દેવરાજ રોયનું નિધન થયુ છે. અભિનેતાનું ગુરુવારે રાત્રે ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ઘણા મહિનાઓ સુધી ગંભીર બીમારીઓથી પીડાતા હતાં. 69 વર્ષીય અભિનેતાને થોડા મહિનાઓ પહેલા બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તે ન્યુરોલોજીકલ પ્રોબ્લેમથી પીડિત હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અનુરાધા રોય છે જે બંગાળી અભિનેત્રી અને લોકપ્રિય ન્યૂઝરીડર હતા.

સીએમ મમતા બેનર્જીએ દેવરાજ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અભિનેતા દેવરાજ રોયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બેનર્જીએ X પર લખ્યું,’એક્ટર દેવરાજ રોયના નિધનથી હું દુખી છું. એક અભિનેતા જેણે આપણા પ્રતિષ્ઠિત દિગ્દર્શકોને ગૌરવ અપાવ્યું, તે દૂરદર્શન પર લોકપ્રિય સમાચાર વાચક પણ હતા. હું જાણું છું કે તે એક સારા વ્યક્તિ હતા અને હું આ ખોટથી ખૂબ જ દુઃખી છું. તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના. આજે આપણા સાંસ્કૃતિક જગતે એક વિશાળકાય વ્યક્તિ ગુમાવ્યો છે. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ‘

દેવરાજ રોયની હિટ કારકિર્દી

રોયે તેની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સત્યજીત રેની 1970માં આવેલી ફિલ્મ ‘પ્રતિદ્વંદવી’થી કરી અને પછી બીજા વર્ષે મૃણાલ સેનની ‘કલકત્તા 71’માં અભિનય કર્યો, જેના માટે તેમને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો. તેમની કેટલીક અન્ય લોકપ્રિય ફિલ્મોમાં ‘દુજોં મિલબો આબર’, ‘સ્મૃતિ કથા બોલે’, ‘જોડી કાગોજે લખો નામ’, ‘બદોદીર બ્રહ્મચારી બાબા લોકનાથ’ અને ‘શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ’નો સમાવેશ થાય છે. તેની છેલ્લી ફિલ્મ ‘ભૂત અધ્વેશ’ હતી, જે 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મો ઉપરાંત, રોય DDK કોલકાતાના લોકપ્રિય ન્યૂઝરીડર હતા અને આકાશવાણી કોલકાતા પરના ઘણા નાટકોમાં તેમના અવાજે રેડિયો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.

સુરેન્દ્રનગરમાં આઠ વ્યક્તિઓએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર

અમદાવાદઃ રાજ્યમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો બન્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરાનું અપહરણ કરીને આઠ શખસોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ આચર્યું છે. થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તમામ શખસોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પર સાત મહિનામાં આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાનું અપહરણ કરીને 8 શખ્સોએ અલગ-અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ માતાને જાણ કરતાં તેમણે થાનગઢ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ફરિયાદને આધારે તમામ શખસોની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થાનગઢમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મની ઘટના બની હતી. જેને કારણે લોકોમાં ભારે રોષ છવાયો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા છે.  આ આરોપીઓમાં અજય ભરવાડ, અજય મનાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઈ અલગોતર, ધ્રુવ  મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી, દર્શન મુકેશભાઈ સદાદિયા, કાનો ઉર્ફે હરિનો સમાવેશ થાય છે.