Home Blog Page 1398

સુરતની યશકલગીમાં થયો વધારો, રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2023 મળ્યો

ડાયમંડ સિટી, ટેક્સ્ટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ સાથે ઝળકી રહ્યું છે. જેમાં હવે નેશનલ વોટર એવોર્ડ-2023ના વિજેતાઓની જાહેરાત સાથે ટર્શરી ટ્રીટમેન્ટ 1 સહિતની પાણીને લગતી દાખલારૂપ કામગીરી કરવા બદલ દેશમાં સુરત શહેર પ્રથમ નંબરે જાહેર થયું છે. ગત વર્ષે સ્વચ્છતા ક્ષેત્રે સુરત દેશમાં પ્રથમ ક્રમે મળ્યો હતો. ત્યારબાદ ગત મહિને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરતને નંબર એકનું સ્થાન મળ્યું હતું. સુરતની યશ કલગીમાં વધુ એક ઉમેરો થયો છે. પાણી ક્ષેત્રમાં કરેલી કામગીરી બદલ બેસ્ટ અર્બન લોકલ બોડી તરીકે નંબર વનનો ખિતાબ મળવાનો હોય ત્રણેય ક્ષેત્રના એવોર્ડમાં સુરતનો દબદબો જોવા મળ્યો છે. 22 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલને ટ્રોફી, ઈનામની રકમ એનાયત થશે.

ભારત સરકારના જળશક્તિ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સ, રિવર ડેવલોપમેન્ટ અને ગંગા રિઝુવેનેશન દ્વારા પાંચમા નેશનલ વોટર એવોર્ડ-2023ની જાહેરાત કરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ‘બેસ્ટ અર્બન લોકલ બોડી’ કેટેગરીમાં ‘ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સ એન્ડ મેકિંગ સિસ્ટમ સેલ્ફ સસ્ટેનેબલ ટુ સેલ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર’ વિષય સાથે દાવેદારી નોંધાવવામાં આવી હતી. દરમિયાન જળશક્તિ મંત્રાલય દ્વારા વિજેતાઓ જાહેર કરાયા છે. જે અન્વયે બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરાઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફત ગંદા પાણીને શુદ્ધ કરી અંદાજિત 115 એમએલડી પાણી ઉદ્યોગને પૂરું પાડી વર્ષે 141 કરોડની આવક સુરત શહેર કરે છે. વિવિધ મિલકતોમાં 414 અને ખાનગી મિલકતોમાં અંદાજિત 4150 રિસોર્ચ બોરવેલ બનાવી ભૂગર્ભ જળસ્તરની જાળવણી બાબતે કામગીરી કરી છે. પાલિકા દ્વારા ટ્રી પ્લાન્ટેશનથી પર્યાવરણની જાળવણી સંબંધિત કામગીરી કરવામાં આવી છે. રેઇન વોટર રિચાર્જ તેમજ ટ્રી પ્લાન્ટેશનથી પર્યાવરણની જાળવણી સંબંધિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે

ઉત્તરાખંડમાં UCC સ્થાપના દિવસથી લાગુ થવાની શક્યતા

દહેરાદૂન: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની નિયમાવલિનો ડ્રાફ્ટ તૈયાર છે. આ નિયમાવલિનો ડ્રાફ્ટ બનાવતી સમિતિના અધ્યક્ષ શત્રુઘ્ન સિંહે CM પુષ્કર સિંહ ધામીને સચિવાલયમાં એ ડ્રાફ્ટ સોંપ્યો હતો. એ દરમ્યાન CM ધામીએ કહ્યું હતું કે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં મંત્રીમંડળની બેઠકમાં મૂકવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે કે એ કયારે લાગુ થશે.

ભાજપ ચૂંટણી પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચૂકી છે. CM પુષ્કર સિંહ ધામી સરકારે કહ્યું હતું કે UCCના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરવા માટેના નિયમોનો ડ્રાફ્ટ મળ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડના અમલની તારીખ નક્કી કરવા માટે ટૂંક સમયમાં કેબિનેટની બેઠક મળશે, જેમાં તે ક્યારે લાગુ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

ધામીએ 2022ની વિધાનસભા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલાં ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું, જેને પૂરું કરવા તેમણે પ્રથમ કેબિનેટ બેઠકમાં એક સમિતિની રચના કરી હતી. ઉત્તરાખંડ સરકાર હવે ડ્રાફ્ટનો અભ્યાસ કરશે અને તેને રાજ્ય કેબિનેટ સમક્ષ મૂકશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.

UCCના અમલીકરણ પછી, ઉત્તરાખંડ UCC લાગુ કરનારું સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ઉત્તર પ્રદેશથી અલગ થયા પછી 9 નવેમ્બર, 2000એ ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું. CM ધામીના જણાવ્યા અનુસાર, UCCને દેવભૂમિ ઉત્તરાખંડમાં 9મી નવેમ્બર એટલે કે રાજ્ય સ્થાપના દિવસથી લાગુ કરી શકાય છે.

રાજ્ય સરકારે પોલીસ ભરતીનું હાઇકોર્ટ સમક્ષ કર્યું એલાન

હાઈકોર્ટની સુનવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક મહત્વના સૂચન કર્યા હતા. આ ઉપરાંત કેટલીક ટકોર પણ કરવામાં આવી હતી. જ્યારે સુનવણી દરમિયાન ગુજરાત પોલીસ વિભાગને લઈ રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ એક મોટી જાહેરાત કરી છે. સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં ખાતરી આપી કે ડિસેમ્બર 2024 સુધીમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરાશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે હાઈકોર્ટમાં કેસની સુનવણી દરમિયાન રાજ્ય સરકારને કેટલાક સૂચનો પણ કર્યા. કોર્ટે ટકોર કરી કે, ‘પોલીસની ભરતી ઘણી મહત્વની બાબત છે. રાજ્ય સરકારે પોલીસ ભરતી માટેની એકેડેમીની સંખ્યા વધારવી જોઈએ. સરકારે 3 નવી એકેડેમી શરુ કરવી જોઈએ’. ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા પણ કોર્ટે સરકારને સૂચન કર્યું છે. કેસની વધુ સુનાવણી હવે આગામી સપ્તાહે હાથ ધરાશે. આ ઉપરાંત ડિસેમ્બર 2024 સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ખાલી જગ્યા ભરવામાં આવશે. જ્યારે માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારબાદ ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવા પ્રયાસ કરીશું.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં NDAમાં સીટોની વહેંચણી નક્કી

રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના એલાન સાથે સ્થાનિક રાજકારણમાં ગરમાટો આવ્યો છે. રાજ્યમાં NDAમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને મત ગણતરી 23 નવેમ્બરે થશે.

 રાજ્યની 81 વિધાનસભાની સીટામાંથી ભાજપે 68 સીટો પર, AJS 10, LJP, એક અને JDU બે સીટો પર ચૂંટણી લડશે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે વિરોધી પક્ષ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. પાર્ટીએ મધ્ય પ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણ, આસામના CM અને હિન્દુત્વના પોસ્ટર બોય હિમંત બિશ્વ સરમા જેવા રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ટાસ્ક આપ્યો. ઝારખંડના NDAમાં ભાજપ સિવાય ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJS), બિહારની સરકારમાં ભાગીદાર JDU અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાની આગેવાનીવાળી LJP સામેલ છે.

ઝારખંડ ચૂંટણી 2024 ઇન્ડિયા ગઠબંધન અને NDA વચ્ચે સીધી ટક્કર છે. CM હેમંત સોરેનના નતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધન NDA સામે ટકરાશે. ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ, RJD અને વામ પંથી પક્ષો ઇન્ડિયા ગઠબંધન સાથે છે. જ્યારે NDA ગઠબંધનમાં ભાજપ, AJS પાર્ટી,  JDU, LJP આર અને હમ પાર્ટી છે.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી 2019 પરિણામ જોઈએ તો કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો. 81 બેઠકો પૈકી 30 બેઠકો જીતી JMM મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. 25 બેઠક સાથે ભાજપ બીજા સ્થાને હતું. જ્યારે કોંગ્રેસ 16 અને RJDને એક બેઠક પર જીત મળી હતી. સ્પષ્ટ બહુમત ન હોવાથી JMM, કોંગ્રેસ, RJD ગઠબંધનની સરકાર બની હતી.

ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે વિદાય થઈ ચૂકી છે. તેમ છતા પણ ગુજરાત પરથી વરસાદનું સંકટ યથાવત્ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 18મી અને 19મી ઓક્ટોબર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર,  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, પંચમહાલ, દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગ પ્રમાણે 20 ઓક્ટોબરે ડાંગ, તાપીમાં ભારે તો દક્ષિણ  ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યાતા છે. 21મી0 ઓક્ટોબર ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, અમરેલીમાં ભારેથી હળવા વરસાદ પડી શકે છે. જ્યારે 22મી ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની માનીએ તો, રાજ્યના હવામાનમાં પલટો આવશે. ગરમી વચ્ચે તારીખ 17મીથી 24મી ઓક્ટોબર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના પણ જણાવી છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાંક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે. આમ, ગરમી બાદ તુરંત માવઠું થવાની સંભાવના છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 141 ટકા વરસાદ પડી ચૂક્યો છે, ત્યારે વરસાદની વધુ આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ છે. રાજ્યના કેટલાક સ્થળોએ આગામી 3-4 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે.

ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની ઉજવણી કરાઈ

બી.એ.પી.એસ.ના વડા મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં અહીના શ્રી અક્ષર મંદિર ખાતે શરદ પૂનમે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પવિત્ર દિને મંદિરમાં સુંદર સુશોભન કરવામાં આવ્યું હતું તેમજ મંદિર અને અક્ષરદેરીમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય કેકનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ અક્ષર મંદિર તરફ આવતો હતો. પૂ. મહંત સ્વામીએ શરદ પૂનમની સવારે ઉપસ્થિત સૌ ભક્તોને પ્રાતઃ પૂજા દર્શન તેમજ આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા. આજે અક્ષર મંદિરે ઠાકોરજી તેમજ મહંત સ્વામીના દર્શન કરવાં માટે દેશ-વિદેશથી હજારો હરિભક્તો પધાર્યા હતા.

ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવે તેઓને વધાવવા સંતો, ભક્તોમાં અનેરો ઉત્સાહ જાણતો હતો. સાંજે ૫ થી ૭ દરમ્યાન દરેક ભક્તો ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન અક્ષર મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું.  મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગુણાતીતાનંદ સ્વામીના ૨૪૦માં જન્મોત્સવની મુખ્ય સભાનો પ્રારંભ રાત્રે ૭ થી ૧૦ દરમ્યાન કરવામાં આવ્યો હતો. ઉત્સવ સભાનાં પ્રારંભમાં સંતોએ ધૂન-ભજનની રમજટ બોલાવી હતી. સમગ્ર વાતાવરણમાં ભક્તિનાં સ્પંદનો ગુંજી રહ્યા હતા.

ગુણાતીતાનંદ સ્વામીના જીવન અને કાર્યને વિદ્વાન સંતોના વક્તવ્ય દ્વારા સાંભજનોએ માણ્યું. બાળકો અને યુવાનોએ ચોટદાર સંવાદ અને પ્રેરણાદાયી નૃત્ય દ્વારા ગુણાતીતાનંદ સ્વામીના અદ્વિતીય, આત્મીય, અમર, આનંદકારી તેમજ અક્ષરબ્રહ્મના ગુણોને આત્મસાત કરાવ્યાં હતા.

શરદોત્સવની સભાનો લાભ લેવા માટે ગોંડલના  મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલ, કુમાર સાહેબ જ્યોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ તેમજ ગોંડલનાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા, રમેશભાઈ ધડુક સહિત અનેક અગ્રગણ્ય મહાનુભાવો તેમજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

શરદોત્સવે પાંચ આરતીના અર્ઘ્ય વડે ગુણાતીતાનંદ સ્વામીને દેશ વિદેશથી પધારેલ સેંકડો સંતો તેમજ હજારો હરિભક્તોએ વધાવ્યા. આ તકે વરિષ્ઠ સંતોએ મહંતસ્વામી મહારાજને સુંદર કલાત્મક હાર દ્વારા સન્માન્યા. સભાના અંતે મહંતસ્વામી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું ગાન કરી આશીર્વચન પાઠવ્યા હતાં. સભા બાદ ઉપસ્થિત સૌને દૂધ પૌવાનો પ્રસાદ વહેંચાયો હતો.

ભારતના અર્જુન એરિગેસીએ જીત્યો WR Chess Masters Cup 2024

ભારતના અર્જુન એરિગેસીએ WR ચેસ માસ્ટર્સ કપ 2024 જીત્યો છે. WR ચેસ માસ્ટર્સ કપની ફાઈનલ લંડના ખાતે યોજાઈ હતી. તેણે ફ્રાન્સના મેક્સિમ વાચિયર-લાગ્રેવને હરાવીને જીત હાંસિલ કરી છે. આ સાથે જ અર્જુનને યુરો 20,000 પુરસ્કાર અને 27.84 FIDE સર્કિટ પોઈન્ટ્સ મળ્યા છે.

અર્જુને WR ચેસ માસ્ટર્સ કપ તો જીત્યો પરંતુ તે 2800નો આંકડો પાર કરી શક્યો ન હતો કારણ કે તેના ફ્રેન્ચ હરીફએ ક્લાસિકલ ગેમ્સમાં સતત બે ડ્રો કર્યા હતા. એરિગાસી જાણતે હતે કે તેની કારકિર્દીમાં પ્રથમ વખત 2800 પોઈન્ટ પાર કરવા માટે તેને અંતિમ દિવસે ક્લાસિકલ ચેસમાં જીતવું પડશે.

વાચિયર-લાગ્રેવે તેની તમામ ક્લાસિકલ રમતો ડ્રો કરી હતી, પરંતુ તેણે ત્રણમાંથી ત્રણ આર્માગેડન જીત્યા હતા. અર્જુને પોતાની વ્યૂહરચના વિશે કહ્યું કે,”મૂળભૂત રીતે મને લાગ્યું કે મારે તેને ક્લાસિકલમાં જ સમાપ્ત કરવી જોઈએ!”

2796.1ના લાઈવ રેટિંગ સાથે વિશ્વમાં ચોથા ક્રમે અર્જુન એરિગેસી છે. તેણે પ્રજ્ઞાનંદને પણ પાછળ છોડી દીધો.

હમાસ ઇઝરાયેલી બંધકોને છોડી મૂકે તો યુદ્ધ પૂરું: PM નેતાન્યાહુ

નવી દિલ્હીઃ ઇઝરાયેલી સેના દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારને મારી કાઢ્યા પછી PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું હતું કે તે હમાસની સાથે જારી યુદ્ધને આવતી કાલે ખતમ કરી દેશે, પરંતુ એના માટે હમાસે એ બંધકોને છોડવા પડશે, જે તેમની કેદમાં છે.

હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું હમાસ ઇઝરાયેલની શરતોને માનશે? કે નહીં, કેમ કે ઇઝરાયેલી સેના એના અનેક મોટા નેતાઓને યુદ્ધમાં મારી નાખ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર હમાસના કબજામાં હજી પણ કમસે કમ 102 લોકો છે. તેમને છોડાવવા માટે ઇઝરાયેલ દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.

નેતાન્યાહુએ ગાઝાના લોકો માટે એક ખાસ સંદેશ આપ્યો હતો કે જે સિનવારને તમે લોકો સિંહ સમજતા હતા, એ ખુદ છુપાઈને બેઠો હતો. તે તમારું ભલુ નહોતો કરી રહ્યો.

બીજી બાજુ, અમેરિકા પણ સિનવારની હત્યાથી ઘણું ખુશ છે. રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયેલી PMને ફોન પર આ શુભેચ્છા આપતાં યુદ્ધને લઈને આગળની યોજના પર વિચાર શેર કર્યા હતા. બાઇડને બંધકોને છોડાવવા પર વધુ ભાર મૂક્યો હતો.

ગયા વર્ષે સાત ઓક્ટોબરે ઇઝરાયેલમાં થયેલા હુમલા પાછળ યાહ્યા સિનવાર જ માસ્ટરમાઇન્ડ હતો. જેને મારવા માટે IDF વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. જે લાંબા સમય પછી માર્યો ગયો હતો. આ પહેલાં ઇઝરાયેલી સેનાએ હમાસના ચીફ ઇસ્માઇલને 31 જુલાઈએ મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યાર બાદ તેના સહયોગી સમૂહ હિજબુલ્લા ચીફ હસન નસરલ્લા પણ માર્યો ગયો હતો.

મહારાષ્ટ્ર: સીટ મુદ્દે કોંગ્રેસ અને શિવસેના વચ્ચે તણાવ, રાહુલ ગાંધીનો કરશે સંપર્ક

મુંબઈ: મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીના મુદ્દે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના (UBT) વિદર્ભમાં વધુ સીટોની માંગ કરી રહી છે પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસ તેને આપવા તૈયાર નથી. કોંગ્રેસ વિદર્ભ સિવાય મુંબઈ અને મરાઠવાડામાં શિવસેના (UBT)ને વધુ બેઠકો આપવા તૈયાર નથી.

શિવસેના (UBT) આ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે

શિવસેના (UBT) દલીલ કરે છે કે લોકસભાની ચૂંટણીમાં અમે રામટેક, અમરાવતી જેવી પરંપરાગત બેઠકોનો કોટા કોંગ્રેસને આપ્યો અને કોંગ્રેસ જીતી ગઈ. હવે જો આપણે આ જિલ્લાઓની કેટલીક બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડવા માંગીએ તો તેમાં કંઈ ખોટું નથી. અમારે પણ અમારી પાર્ટીને જીવંત રાખવાની છે.

શિવસેના (UBT) નાના પટોલેના વલણથી નારાજ છે

શિસેના (UBT) સીટ વહેંચણીમાં નાના પટોલેના વલણથી નારાજ છે. શિવસેનાના સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને વર્તમાન પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. સીટ વહેંચણીના મુદ્દે કેવી રીતે આગળ વધવું? ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતને આ સંબંધમાં કેટલીક માહિતી આપી છે.

સંજય રાઉત રાહુલ ગાંધી સાથે વાત કરશે

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી, તેથી જ હવે ઠાકરે સેનાએ નિર્ણય લીધો છે કે તે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે સીધી વાત કરશે. આ કડીમાં સંજય રાઉતે કેસી વેણુગોપાલ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલા સાથે વાત કરી છે. સંજય રાઉત શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરશે.

સુપ્રીમ કોર્ટે બાળ વિવાહ અટકાવવા માટે ગાઇડલાઇન જારી કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાળ વિવાહ પર ગાઇડલાઇન જારી કરીને કહ્યું હતું કે બાળ વિવાહના કાયદાને કોઈ પણ વ્યક્તિગત કાનૂન હેઠળ પરંપરાઓથી બાધિત ના કરી શકાય. એક NGO તરફથી દાખલ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ્યોના સ્તરે બાળ વિવાહ નિષેધનો યોગ્ય રીતે અમલ નથી થઈ રહ્યો, જેને પગલે બાળ વિવાહના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે બાળ વિવાહને અટકાવવા માટે બધા વિભાગોના લોકો માટે વિશેષ તાલીમની જરૂર છે.  દરેક સમાજ માટે અલગ-અલગ રીતો અપનાવવામાં આવે. આ સાથે દંડાત્મક પદ્ધતિથી સફળતા નથી મળતી.સમાજની સ્થિતિ સમજીને વ્યૂહરચના બનાવવામાં આવે.

કોર્ટે બાળ વિવાહ પર ગાઇડલાઇન જારી કરતાં કહ્યું હતું કે માતા-પિતા દ્વારા સગીર પુત્રીઓને કે પુત્રોને વયસ્ક થયા પછી લગ્ન કરાવવા માટે સગાઈ કરવી એ સગીરોને જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતાની ઇચ્છાનું ઉલ્લંઘન છે. કોર્ટે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યોથી વાત કરીને એ જણાવે કે બાળ વિવાહ અટકાવવા માટે કાનૂનના અસરકારક અમલ માટે સરકારે શાં પગલાં ભર્યાં છે?, એ જણાવે.

CJI DY ચંદ્રચૂડએ ચુકાદો આપતાં કહ્યું હતું કે દંડ અને કાનૂની પ્રક્રિયાને બદલે પ્રતિબંધ કે અટકાવવા પર ભાર મૂકવો જોઈએ. અમે બાળ વિવાહ અટકાવવા માટે ઉચિત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.