Home Blog Page 14

વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ કોકરોચ જનતા પાર્ટીની માગ

નવી દિલ્હીઃ ડિજિટલ સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP) શનિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે ધરણાં-પ્રદર્શન કરી રહી છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. વિવિધ પરીક્ષા પેપર લીકની ઘટનાઓને કારણે યુવાનોમાં ફેલાયેલા અસંતોષને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે અભિજિત દીપકે બોસ્ટનથી ભારત આવ્યા છે અને તેઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે. દિલ્હી પોલીસે પ્રદર્શન માટે મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ એરપોર્ટ પર પહોંચેલા દિલ્હી પોલીસના અધિકારીઓએ ત્યાં જ અભિજિત સાથે મુલાકાત કરીને તેમને પ્રદર્શનની પરવાનગી આપી હતી. ત્યાર બાદ તેઓ સીધા જંતર-મંતર પહોંચ્યા, જ્યાં પહેલેથી જ CJPના સમર્થકો એકત્ર થવા લાગ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X  પર પોસ્ટ કરીને કહ્યું હતું કે બધા કોકરોચ સીધા જંતર-મંતર પહોંચે, સંસદ માર્ગ પોલીસ સ્ટેશન નહીં. અમે સવારે 10 વાગ્યાથી શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરીશું. તેમણે સમર્થકોને સમયસર પહોંચીને આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. હાલ CJPના સમર્થકો જંતર-મંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ ઉઠાવવામાં આવી રહી છે.

વડા પ્રધાને રાજીનામું આપવું જોઈએઃ  CJP

કોકરોચ જનતા પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરીને વડા પ્રધાનના રાજીનામાની માગ કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે  વડા પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. પ્રદર્શનકારીઓએ નારા લગાવતા કહ્યું હતું કે કોકરોચ આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે.જંતર-મંતર પર એકત્ર થયેલા સમર્થકો પરીક્ષા અનિયમિતતાઓ સામે કાર્યવાહી અને શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારીની માગ કરી રહ્યા છે.

૦૬ જૂન ૨૦૨૬

આનંદોઃ આંદામાન સમુદ્રમાંથી ઓઇલ ઇન્ડિયાને મળ્યો ગેસનો ભંડાર

નવી દિલ્હીઃ આંદામાન સમુદ્રમાં શોધખોળ ચલાવી રહેલી સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL)ને કુદરતી ગેસનો વધુ એક મોટો ભંડાર શોધવામાં સફળતા મળી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મહત્વપૂર્ણ શોધની સત્તાવાર જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ ‘X’ પર આ સિદ્ધિ અંગે માહિતી આપતાં આંદામાન સમુદ્રને “ઊર્જા તકોનો મહાસાગર” ગણાવ્યો અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ શોધ ભારતની ઊર્જા આત્મનિર્ભરતા વધારવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

કિનારાથી 15 કિમી દૂર અને 355 મીટર ઊંડા પાણીમાં ડ્રિલિંગ

આ મહત્વપૂર્ણ ગેસ ભંડારની શોધ આંદામાન બેઝિનમાં ચાલી રહેલા વર્તમાન અન્વેષણ અભિયાન હેઠળ કરવામાં આવી છે. ગેસની હાજરી ‘શ્રી વિજયપુરમ-3’ (Sri Vijayapuram-3) નામના એક્સપ્લોરેટરી કૂવામાં મળી છે. આ કૂવો આંદામાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી લગભગ 15 કિલોમીટર દૂર સમુદ્રમાં ખોદવામાં આવ્યો છે. તેની ડ્રિલિંગ 355 મીટર ઊંડા પાણીમાં કરવામાં આવી હતી.

ઇઓસિન (Eocene) ફોર્મેશનમાં 1900 મીટરથી વધુ ઊંડાઈએ કરાયેલા પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ દરમિયાન સતત ફ્લેરિંગ જોવા મળ્યું, જેને કારણે કુદરતી ગેસની હાજરીની પુષ્ટિ થઈ છે.

ગેસની ગુણવત્તા અને ઉત્પત્તિ અંગે તપાસ શરૂ

ઓઇલ ઇન્ડિયા લિમિટેડ હાલમાં આ ભંડારમાંથી મળનારી ગેસની ગુણવત્તા અંગે વધુ વૈજ્ઞાનિક તપાસ કરી રહી છે. કંપની ગેસના નમૂનાઓ એકત્રિત કરીને તેની રચના (Composition) અને કેલોરિફિક વેલ્યુનું મૂલ્યાંકન કરી રહી છે. એ સાથે જ ગેસની ઉત્પત્તિ અને તેના નિર્માણના ઇતિહાસને સમજવા માટે આઇસોટોપ અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો છે. આ શોધ ખાસ મહત્વની છે, કારણ કે આંદામાન બેસિનમાં ઓઇલ ઇન્ડિયાના વર્તમાન અભિયાન હેઠળ ખોદાયેલા ત્રણ શોધકૂવાઓમાંથી આ બીજો કૂવો છે જ્યાં હાઇડ્રોકાર્બનની હાજરી નોંધવામાં આવી છે.

વડા પ્રધાન મોદીના ‘સમુદ્ર મંથન મિશન’ને મોટો વેગ

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આ શોધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2025ના રોજ જાહેર કરેલા રાષ્ટ્રીય ડીપ-વોટર એક્સપ્લોરેશન મિશન એટલે કે ‘સમુદ્ર મંથન મિશન’નાં લક્ષ્યોને આગળ વધારવામાં મદદરૂપ થશે. આ મહત્ત્વાકાંક્ષી મિશન હેઠળ દેશના ઓફશોર બેસિન્સમાં મોટા પ્રમાણમાં ડીપ-વોટર અને અલ્ટ્રા-ડીપ-વોટર એક્સપ્લોરેશન કૂવાઓ ખોદવાની યોજના છે.

આપણા વડીલો પણ આપણી યોગિક વેલ્થનો હિસ્સો

થોડા દિવસ પહેલાં મને અચાનક મારા પરિવારના વડીલો યાદ આવવા લાગ્યા. મેં એમને એક પછી એક ફોન કરવાનું શરૂ કર્યું અને વાતચીત કરવા લાગ્યો. સામાન્ય સંજોગોમાં હું ફોન પર લાંબું બોલવાનું ટાળું છું, પરંતુ વડીલો સાથે વાત કરવાનું ગમ્યું.

ફોન પત્યા પછી મને વિચાર આવ્યો કે મોટા શહેરની નજીક હરિયાળીની વચ્ચે સ્વચ્છ-સુંદર જગ્યાએ એકાદો બંગલો હોય, બાજુમાંથી કોઈ નદી વહેતી હોય કે પછી કોઈ નાનું સરોવર હોય અને એ જગ્યાએ વડીલોની સાથે ઉનાળા દિવસોમાં નિરાંતે રહેવા જઈએ અને ગોઠડી માંડીએ તો કેવું સારું!

આપણા વડીલોએ આપણા માટે ઘણું કર્યું હોય છે. ખરું પૂછો તો, આપણું અસ્તિત્વ એમને આભારી હોય છે. તેઓ હવે વૃદ્ધ થયા છે ત્યારે આપણા પરનું એમનું ઋણ ઉતારવા માટેનો યોગ્ય સમય છે. આ મહાન આત્માઓને કારણે આજે મારું જીવન ધન્ય છે. તેમણે મારા જીવનનું ઘડતર કર્યું છે. તેઓ હવે વૃદ્ધ થયા તેથી એમને અનેક સમસ્યાઓ કનડે છે. હું જ્યારે એમની સાથે હોઉં ત્યારે મને એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે.

હું જન્મ્યો ત્યારથી આજ સુધી એમણે મને સતત આપ્યા કર્યું છે. એમાંથી જેમને પણ મળવાનું થાય ત્યારે એવો સવાલ થાય કે ફરીથી મળવાનું થશે ત્યારે એમની સ્થિતિ કેવી હશે.

જો હું એમના માટે સમય કાઢી ન શકું તો મારી સંપત્તિનો શું અર્થ? જીવનના આ તબક્કે જ્યારે મારી પાસે પૂરતી સંપત્તિ છે, સુવ્યવસ્થિત ચાલતી પ્રોફેશનલ પ્રૅક્ટિસ છે, ઑફિસની કુશળ અને સહકારી ટીમ છે, જે ઑફિસનું રોજિંદું કામ ઘણી સારી રીતે સંભાળે છે અને મારી તબિયત પણ એકંદરે સારી રહે છે ત્યારે મને આ મુકામ પર લાવવામાં સિંહફાળો આપનારા લોકોનું ઋણ અદા કરવાનો સમય કહેવાય. એ બધાના આશીર્વાદ વગર ઉપર જણાવ્યું એ કંઈ જ શક્ય બન્યું ન હોત. અને એમને આપવાનું પણ શું છે? ફક્ત સમય! આજે એમની ઉંમર થઈ ગઈ છે, આરોગ્યની અનેક તકલીફો સતાવે છે, એકલતા સાલે છે અને રોગચાળાએ તો એ બધી સમસ્યાઓમાં ઉમેરો કરી દીધો છે. હવે શું કરવું એ એમને સૂઝતું નથી.

આપણી સંપત્તિ એટલે ફક્ત આપણી બૅન્ક બૅલેન્સ, રોકાણો, ઘર, ઝવેરાતો, વગેરે નથી. એ બધી વસ્તુઓ તો આવતી-જતી રહેશે. આપણા વડીલો તો ફક્ત અત્યારે જ આપણી સાથે રહેશે. તેઓ વૃદ્ધ થયા છે અને વધારે થઈ રહ્યા છે. એમની બીમારીઓ, તકલીફો, બેચેની એ બધું વધતું જ જવાનું છે.

આ વડીલો નામક સંપત્તિ ક્યારેય પાછી આવવાની નથી. આ કટારમાં આપણે યોગિક વેલ્થ વિશે વાત કરી છે. યોગિક વેલ્થ પવિત્ર છે, સર્વાંગી છે. તેની અંદર અનેક પ્રકારની સંપત્તિઓ રહેલી છે. આપણા વડીલો પણ આપણી સંપત્તિ છે. આપણે એમના આશીર્વાદને લીધે ટકેલા છીએ. એમના જન્મદિવસ અને લગ્નતિથિ ઊજવી દેવાથી એમનો આદર પૂરો થઈ જતો નથી. ખરું પૂછો તો આ બધી ધમાલ એમને ગમતી પણ નથી. જોકે, અમુક વડીલો એમાં ખુશીખુશી સહભાગી થતા હોય છે. આમ છતાં આપણે એમની સાથે રહેવું જોઈએ, એમને સમય આપવો જોઈએ. એમના આશીર્વાદ થકી આપણને વધુ યોગિક વેલ્થની પ્રાપ્તિ થશે. આ વર્ષો એમના માટે અને આપણા માટે સુવર્ણ વર્ષો છે.

હવે યોગિક વેલ્થના આ પાસાને ઓળખીને એનો આનંદ માણવાનો સમય આવ્યો છે. યોગિક વેલ્થનું આ પાસું ઘણું જલદી વિરમાઈ જશે. પછી એમને યાદ કરવાનો કોઈ અર્થ નહીં રહે. અત્યારે જ એમના પ્રત્યેનું ઋણ દા કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે આપણને આ યોગિક વેલ્થ બક્ષે.

છેલ્લે, સૌ વાંચકોને કહેવાનું કે મને તમારા ઈમેલ અને પત્રો ગમે છે. એ મોકલતાં રહેજો. હું દરેક સંદેશનો જાતે જવાબ આપું છું. પ્રણામ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

‘રંગ જમાકે જાયેંગે…’ ગીતમાં શત્રુઘ્ને રંગ જમાવ્યો નહોતો!

ફિલ્મ ‘નસીબ’ (Naseeb, 1981) નું ‘રંગ જમાકે જાયેંગે…’ (Rang Jamake Jayenge) ગીત ખૂબ લોકપ્રિય રહ્યું છે. તેમાં અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને શત્રુઘ્ન સિન્હા દેખાય છે. પરંતુ હકીકતમાં આખા ગીતમાં શત્રુઘ્ને જાતે ડાન્સ કર્યો જ નહોતો!

ઋષિ કપૂરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “મનમોહન દેસાઈની ફિલ્મોના ગીતોમાં ભારે મહેનત કરવી પડતી હતી. ‘નસીબ’ના પ્રખ્યાત ક્લાઈમેક્સ ગીત ‘રંગ જમાકે જાયેંગે…’માં હું ચાર્લી ચેપ્લિન બન્યો હતો, અમિતાભ બચ્ચન મેટાડોર બન્યા હતા અને શત્રુઘ્ન સિન્હાને રશિયન કોસેક ડાન્સરનો રોલ અપાયો હતો.

અમે બધા અને ડાન્સ માસ્ટર કમલજી ડાન્સના સ્ટેપ્સ બરાબર કરવા માટે પરસેવો પાડી રહ્યા હતા, પરંતુ શત્રુઘ્ન સિન્હાને કોઈ ચિંતા જ નહોતી. તેઓ પાછળ ખુરશી પર આરામથી બેસી રહેતા હતા. તેના કારણે ઘણા રીટેક પણ થયા હતા.

આખરે કંટાળીને મનમોહન દેસાઈએ એક ટૂંકા કદના અને સારા ડાન્સરને શત્રુઘ્ન સિન્હાના બોડી ડબલ તરીકે વાપર્યો અને ગીતનું શૂટિંગ પૂરું કર્યું. શત્રુઘ્ન કેમેરા પાછળ બેસીને માત્ર ‘શાબાશ, કરો ડાન્સ!’ની બૂમો પાડતા હતા.

મોટી ટ્રેજેડી તો એ થઈ કે જ્યારે ગીત રજૂ થયું ત્યારે લોકોએ અમારા કરતાં શત્રુઘ્નના ડાન્સના વધારે વખાણ કર્યા હતા. હકીકતમાં તેમણે આખા ગીતમાં ડાન્સ કર્યો જ નહોતો!”

શત્રુઘ્ન સિન્હાએ પણ એક મુલાકાતમાં ઋષિ કપૂરની આ વાતનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “ઋષિએ જે કહ્યું હતું તે એકદમ સાચું છે. ઋષિ તો સારો ડાન્સ કરતાં જ હતા. ‘ઓમ શાંતિ ઓમ’ (Om Shanti Om) ગીત તેમના ડાન્સનું મોટું ઉદાહરણ છે અને અમિતાભ પણ થોડો-ઘણો ડાન્સ કરી જાણતા હતા.

મને ડાન્સ કરવાનું જરાય ફાવતું નહોતું. મને ભાંગડા પણ આવડતા નહોતા અને એફટીઆઈઆઈ (FTII)માં મારી કથકની તાલીમ પણ અધવચ્ચે જ છૂટી ગઈ હતી.

જ્યારે ડાન્સ માસ્ટરે મને રશિયન કોસેક ડાન્સ કરવા કહ્યું ત્યારે મેં મનમોહન દેસાઈને સ્પષ્ટ કહી દીધું હતું કે આ મારાથી નહીં થાય. શરૂઆતમાં મેં થોડા શોટ્સ આપ્યા, પરંતુ જ્યારે ઝડપી મૂવમેન્ટ્સ આવી ત્યારે મનજી સમજી ગયા કે મારાથી આ શક્ય નથી. એટલે તેમણે બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો.

મનજીને મારા જેવો જ દેખાતો એક માણસ મળી ગયો હતો અને તેણે ખૂબ સરસ ડાન્સ કર્યો હતો.”

શત્રુઘ્ન સિન્હાએ પોતાની મર્યાદા સ્વીકારતાં એ પણ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય રીતે ‘વન-ટેક આર્ટિસ્ટ’ હતા, પરંતુ ડાન્સમાં કાચા હતા. અગાઉ રેખા સાથેની ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’ (Rampur Ka Lakshman, 1972) માં પણ એક ડાન્સ સિક્વન્સ માટે 13 રીટેક લેવા પડ્યા હતા.

આ રીતે, બોલીવૂડના સૌથી લોકપ્રિય ગીતોમાંના એક ‘રંગ જમાકે જાયેંગે…’ પાછળનું આ રસપ્રદ રહસ્ય વર્ષો પછી ખુદ શત્રુઘ્ન સિન્હા અને ઋષિ કપૂરે જાહેર કર્યું હતું.

આતંકવાદ, કાશ્મીર મુદ્દે UNમાં ભારતે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પરથી ભારતે ફરી એક વાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓ સામે ભારતે કડક વાંધો ઉઠાવતાં તેને ‘ખોટો નેરેટિવ’ ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરિશે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી કે તે ભારત વિરુદ્ધ ખોટા અને પક્ષપાતપૂર્ણ એજન્ડા ચલાવવાનું બંધ કરે. આ ચર્ચાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સુરક્ષા પરિષદની વાર્ષિક અહેવાલ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહમદે ફરી જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનને આકરા શબ્દોમાં ફટાકાર લગાવતાં તેના બિનઆધારભૂત દાવાઓની પોલ ખોલી હતી.

‘ઠાલાં નિવેદનોથી હકીકત બદલાશે નહીં

ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર સંબંધિત તમામ મુદ્દાઓ સંપૂર્ણપણે ભારતના આંતરિક વિષયો છે. તેમણે વૈશ્વિક મંચ પર કહ્યું હતું કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. તેના વિરુદ્ધ કરવામાં આવતા તમામ દાવાઓ નિરાધાર છે અને ઐતિહાસિક તથ્યોથી પર છે.

UNના મંચનો રાજકીય ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન

ભારતે આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી કે પાકિસ્તાન વૈશ્વિક શાંતિ માટે રચાયેલા આ પ્રતિષ્ઠિત મંચનો સતત દુરુપયોગ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાનાં સંકુચિત અને વિભાજનકારી રાજકીય હિતોને આગળ ધપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આ ગૌરવપૂર્ણ મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. નોંધનીય છે કે સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનનો બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે પૂર્ણ થઈ રહ્યો છે.

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી મુદ્દે ભારતનો કડક વિરોધ

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આઈનો બતાવવાની સાથે ભારતે અન્ય એક મુદ્દે પણ ઇસ્લામાબાદને ઘેર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સાત જૂને યોજાનારી કહેવાતી વિધાનસભા ચૂંટણીની યોજનાને લઈને પાકિસ્તાન સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર વિસ્તાર ભારતનો ભાગ છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે તથા બળજબરીપૂર્વક કબજો જમાવ્યો છે.

Paresh Ganatra: A Journey of Dreams vs Duties

પંચાંગ 60/06/2026

રવા કસ્ટર્ડ કેક

ગરમીવાળા વેકેશનના દિવસોમાં રવા કસ્ટર્ડ કેક ખાઈને બાળકોને મોજ થઈ જશે!

સામગ્રીઃ રવો 1 કપ, કસ્ટર્ડ પાઉડર 3 ટે.સ્પૂન, દહીં 1 કપ, સાકર ½ તેમજ 1 કપ, તેલ અથવા ઘી ¼ કપ, દૂધ 1½ લિટર, બેકીંગ પાઉડર 1 ટી.સ્પૂન, બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન, એલચી પાઉડર 1 ટે.સ્પૂન

રીતઃ રવો અને કસ્ટર્ડ પાઉડરને મિક્સીમાં એકવાર ફેરવીને કરકરો પાઉડર બનાવી લો.

એક બાઉલમાં સાકર તેમજ દહીંને સરખું મેળવી લો. તેમાં તેલ અથવા ઘી મેળવીને ફેંટી લો. ત્યારબાદ તેમાં દળેલો રવો મેળવી લો. આ મિશ્રણને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.

એક પેનમાં ½ કપ સાકર ગરમ કરવા મૂકો. સાકર ઓગળીને ચોકલેટી રંગનું કેરેમલ તૈયાર થાય એટલે તેમાં 1 ચમચી પાણી રેડીને તરત તેમાં 1 લિટર દૂધ ઉમેરી દો. દૂધમાં ઉભરો આવે એટલે બાકી રાખેલી અડધો કપ સાકર મેળવીને ગેસની ધીમી આંચે દૂધને ગરમ થવા દો. થોડી થોડીવારે ચમચા વડે ચારવતા રહેવું. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં એલચી પાઉડર મેળવીને ગેસ બંધ કરી દો.

રવાના મિશ્રણમાં 15 મિનિટ બાદ બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર મેળવી લો.

સ્ટીલની નાની વાટકીઓ લઈ તેને ઘી લગાડીને ઉપરથી મેંદાની પરત આવી જાય એ રીતે થોડો થોડો ભભરાવી દો. રવાનું મિશ્રણ આ વાટકીમાં અડધે સુધી ભરી દો.

એક કઢાઈમાં 1 કપ જેટલું મીઠું પાથરીને ઉપર સ્ટીલનું સ્ટેન્ડ મૂકીને ઢાંકીને 10 મિનિટ માટે ગરમ કરવા મૂકો. ત્યારબાદ ઢાંકણ ખોલીને સ્ટેન્ડની ઉપર નાની ડીશ અથવા થાળી મૂકીને ઉપર આવે તેટલી વાટકીઓ ગોઠવી દો અને કઢાઈ ઢાંકીને 20 મિનિટ માટે ધીમા મધ્યમ તાપે થવા દો. ત્યારબાદ વાટકીઓ કાઢીને ઠંડી થવા દો.

વાટકીમાંની કેરેમલ કેક ઠંડી થાય એટલે ચમચી વડે કિનારેથી ફેરવીને કાઢી લો.

એક ઉંડા વાસણમાં આ રવા કસ્ટર્ડ કેક મૂકીને તેની ઉપર કેરેમલવાળું દૂધ રેડીને  થોડીવાર ફ્રીઝમાં મૂકીને ઠંડુ થયા બાદ ખાવાના ઉપયોગમાં લો.

PM મોદીએ સુરતમાં કર્યું 18,100 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

સુરત: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પ્રજાને સમર્પિત કર્યા. દિવસભરના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન તેમણે હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લઈને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હેઠળ નિર્માણાધીન અદ્યતન સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિત 7 જિલ્લા માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.વડાપ્રધાન સુરત એરપોર્ટથી સીધા હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેશની આત્મનિર્ભરતા અને આધુનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ત્યારબાદ તેઓ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં જોડાયા, જ્યાં ડિજિટલ માધ્યમથી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું તેમજ વિશાળ જનમેદનીને સંબોધિત કરી. સુરતમાં જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “વિકસિત ગુજરાત, વિકસિત ભારત”ના સંકલ્પને ફરી એકવાર લોકો સુધી પહોંચાડ્યો. તેમણે જણાવ્યું કે ગુજરાતની જનતાએ સતત સેવા અને વિકાસના મિશનને મજબૂત સમર્થન આપ્યું છે. હવે વધુ મહેનત કરીને વિકાસની ગતિને આગળ વધારવાની જરૂર છે. ગુજરાત અને ભારત બંનેને વિકસિત બનાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને જનસમર્થન આ મિશનનો આધાર છે.સુરતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન Narendra Modiએ શહેરમાં ચાલેલી વિશાળ સફાઈ ઝુંબેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે સુરત શહેર પ્લેગના રોગનો ભોગ બન્યું હતું. જ્યારે આજે સ્વચ્છતામાં તેનો ડંકો વાગે છે. શહેરમાં ચાલેલા સફાઈ અભિયાનમાં લગભગ એક લાખ લોકોએ પાંચ દિવસ સુધી ભાગ લીધો હતો.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને સરકાર પર વિશ્વાસ છે અને ભારત સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે ક્લાયમેન્ટ ચેન્જ જેવી પડકારજનક પરિસ્થિતિને સરકાર વિકાસના અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતે આ સદીની શરૂઆતમાં ક્લાયમેન્ટ ચેન્જમાં એક અલગ વિભાગ બનાવ્યો હતો. આવી વ્યવસ્થાવાળું તે દેશનું પ્રથમ રાજ્ય હતું. પાટણના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. ગુજરાતે દેશને પ્રેરણા આપી. આજે ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્ર સાથે વિકાસ કરી રહ્યું છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ મુલાકાત વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.