Home Blog Page 1407

ચંદની પડવાના તહેવાર પૂર્વે સુરતમાં ઘારીના માવાની કડક ચકાસણી

સુરત: આગામી દિવસોમાં ચંદની પડવાના તહેવારમાં મોટા પ્રમાણમાં ધારી બનશે તેથી ઘારી બનાવવા ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ પાલિકાના ફૂડ વિભાગે લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ પહેલાં ફુડ વિભાગે સુરત શહેરમાં દશેરામાં વેચાણ થતી ફાફડા અને જલેબીના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ હજી આવ્યો નથી.

નોંધનીય છે કે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તહેવારોની સિઝનને ધ્યાને રાખી સુરત શહેરનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ મિઠાઇની દુકાનમાંથી ઘારી, કાજૂકતરી, પૈંડા સહિતના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે આજે ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે. તહેવારોની સિઝનમાં ઘારીનું ખુબ વેચાણ થતું હોય છે. આજે ચંદી પડવાના તહેવારોને ધ્યાને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને ઘારી વિક્રેતાઓને ત્યાં આજે તપાસ હાથ ધરી હતી અને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બાબા સિદ્દીકી હત્યા મામલે નવો ખુલાસો, શું છે દાઉદ કનેક્શન?

મુંબઈ: બાબા સિદ્દીકીની હત્યાનો કેસ હાલ ખુબ ચર્ચામાં છે. એવામાં ઈન્ડિયા ટીવી ડૉટ કૉમ અનુસાર બાબા સિદ્દીકી હત્યા કેસ સાથે જોડાયેલી સૌથી સચોટ અને નક્કર માહિતી મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સૂત્રો અને મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં મોટી વાત સામે આવી છે. સ્પેશિયલ સેલે મુંબઈ પોલીસ સાથે માહિતી શેર કરી છે. બાબા સિદ્દીકીની હત્યાનો એક જ હેતુ હતો અને તે હતો સલમાન ખાન અને સમગ્ર મુંબઈ અને માયાનગરીમાં આતંક મચાવવો. આ સાથે તેનો ઉદ્દેશ્ય અંડરવર્લ્ડ અને દાઉદ ઈબ્રાહિમને સંદેશ આપવાનો પણ હતો. હત્યાનું દાઉદ કનેક્શન પણ સામે આવ્યું છે અને દાઉદ કનેક્શનની તપાસ ચાલી રહી છે.

બાબા સિદ્દીકી (તસવીર: એક્સ)

ગોળીબાર કરનારાઓ 28 દિવસમાં 5 વખત બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસમાં રેકી કરવા ગયા હતા. શૂટર્સ કલાકો સુધી બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની બહાર રહેતા હતા અને તેની દરેક હિલચાલ પર નજર રાખતા હતા. ત્યારબાદ ગોળી મારવા માટે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો. ઘટના સમયે ઝીશાન અખ્તર મુંબઈની બહાર હતો. ઝીશાન મુંબઈ બહારથી સમગ્ર ઓપરેશનનું સંકલન કરી રહ્યો હતો. શુભમનો ભાઈ પ્રવીણ શૂટરોને ડ્રોપ કરવા પૂણેથી મુંબઈ આવ્યો હતો. શુભમે શૂટરોને પૈસા આપ્યા હતા.

2 શૂટરો પાસેથી 3 મોબાઈલ ફોન મળી આવ્યા

બાબા સિદ્દીકીને મારવા માટેના હથિયાર પંજાબથી આવ્યા હતા. ઝડપાયેલી 9MM પિસ્તોલ વિદેશી છે, એવી શંકા છે કે આ કન્સાઇનમેન્ટ પાકિસ્તાન અથવા નેપાળથી પહોંચી હોય. સ્થળ પરથી ઝડપાયેલા બે શૂટર્સ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે, જેમાંથી ઘણાન ડાયલ નબંર સેવ નથી. નંબરોની તપાસ ચાલુ છે. શિવને સિગ્નલ ટેલિગ્રામ અને સ્નેપચેટ પર લોરેન્સ ગેંગ તરફથી ઓર્ડર મળી રહ્યો હતો. શિવ તે માહિતી અન્ય શૂટર્સ સાથે શેર કરી રહ્યો હતો.

હત્યા બાદ શિવને ઓમકારેશ્વર જવું પડ્યું હતું

શૂટર્સને પ્લાનિંગ સમયે જણાવવામાં આવ્યું હતું કે ટાર્ગેટ કોણ છે અને તેમને શા માટે મારવા પડશે. હત્યા બાદ શિવને ઉજ્જૈન નજીક ઓમકારેશ્વર જવાનું થયું, જ્યાં તેને લોરેન્સ ગેંગના એક સાગરિતને મળવાનું થયું. ઝિશાન અખ્તર ગુરમેલને પંજાબની પટિયાલા જેલમાં મળ્યો હતો. ઝીશાને જ ગુરમેલને લોરેન્સ ગેંગમાં સામેલ કરાવ્યો હતો. પોલીસને આશ્ચર્ય છે કે દશેરાનો દિવસ પસંદ કરવામાં આવ્યો જ્યારે કે આ દિવસે મુંબઈના ખૂણે-ખૂણે પોલીસ બેરિકેડ અને સુરક્ષા વ્યવસ્થા હોય છે.

બાબા સિદ્દીકીની સુરક્ષા માટે બે ગાર્ડ હતા

બાબા સિદ્દીકીની સુરક્ષામાં બે સુરક્ષાકર્મીઓ છે. ઘટના પહેલા જ સુરક્ષાકર્મીઓની શિફ્ટ બદલાઈ રહી હતી. ફાયરિંગ સમયે બાબા સાથે તેમનો એક સુરક્ષાકર્મી હાજર હતો પરંતુ તેણે જવાબી કાર્યવાહી કેમ ન કરી તે તપાસનો વિષય છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રારે કહ્યું છે કે તેઓ દાઉદને તક મળતા જ મારી નાખશે.

વિરમગામમાં કોર્પોરેશને ગેરકાયદે મકાનો અને ધાર્મિક દબાણો દૂર કર્યાં

અમદાવાદઃ સોમનાથમાં ડિમોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરનાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. આ કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અહીં 200 રહેણાક મકાનો અને 10 મંદિરો અને દરગાહ સહિતનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ પાંચ જેસીબી મશીન અને 10  ટ્રેકટરની મદદથી આ કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

 

એસ. જયશંકર SCO સમિટ માટે ઇસ્લામાબાદ પહોંચ્યા

વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.

15 અને 16 ઓક્ટોબરે યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. જયશંકરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, ‘કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું ન થઈ શકે.

વિદેશ મંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. નવ વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાન અંગે સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની આવી હતી. જ્યારે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને કારણે બંને પાડોશીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

ભાજપ, JDUમાં બે-બે મુદ્દે વિવાદ વધ્યો

પટનાઃ ભાજપના મંત્રી ગિરિરાજ સિંહ બિહારમાં હિન્દુ સ્વાભિમાન યાત્રાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે JDUએ આ યાત્રા પર વિરોધ દર્શાવ્યો છે. JDUએ માગનો પણ વિરોધ કર્યો છે, જેમાં ભાજપના એક વિધાનસભ્યએ સીમાંચલના કેટલાક જિલ્લાઓને મળીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માગ કેન્દ્ર સરકારથી કરી છે. વિધાનસભા ચૂંટણી પહેલાં JDU અને ભાજપની વચ્ચે મતભેદો રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બીજી બાજુ, ઝારખંડમાં NDAની પાર્ટીઓ સાથે બેઠકોની વહેંચણીને લઈને ભાજપ નેતા અને આસામના CM હિમંતા બિશ્વા સરમાના નિવેદન પર JDUએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે હજુ ગઠબંધન માટે બેઠકો પર સંમતિ નથી બની. બિહારમાં મંત્રી અશોક ચૌધરીએ કહ્યું હતું કે વાતચીત હજું ફાઇનલ નથી થઈ. ભાજપના હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે. ચૌધરીને પૂછવામાં આવ્યું હતું કે ઝારખંડમાં ભાજપ બે બેઠક આપવાની વાત કરી રહી છે. તેના પર ચૌધરીએ કહ્યું હતું કે હજી વાતચીત થઈ રહી છે. વાતચીત બાદ જ કંઈક કહી શકાશે.

રાંચીમાં ભાજપના ઝારખંડ પ્રભારી હિમંતા બિશ્વા સરમાએ કહ્યું હતું કે 9 થી 11 બેઠકો પર વાતચીત થઈ રહી છે. વળી, JDU સાથે બે બેઠકો પર ચર્ચા ચાલી રહી છે. આ બંને પાર્ટીઓ સિવાય ચિરાગ પાસવાન સાથે પણ આસામના CMએ વાત કરી હતી. ચૂંટણીની જાહેરાત થયાના 48 કલાક બાદ ઉમેદવારોની પણ જાહેરાત કરી દેવામાં આવશે. જોકે હાલ પાર્ટીએ તમામ ગઠબંધનની બેઠક ફાઇનલ નથી કરી અને પાર્ટીના નેતૃત્વ સાથે વાતચીત બાદ જ જાહેરાત કરવામાં આવશે.

‘આયુર્વેદ ક્ષેત્રમાં કારર્કીર્દિના ભાવી માર્ગો’ વિષય પર પરિસંવાદ

ગાંધીનગર: જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (ઇટ્રા)નો 15મી ઓક્ટોબરના રોજ ચોથો સ્થાપના દિવસ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત 15મી ઓક્ટોબર, 2020ના રોજ સંસદમાં એકટ પસાર કરી દેશનું સૌપ્રથમ અને એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું આ સંસ્થાન અસ્તિત્વમાં લાવવામાં આવ્યું હતું. ઇટ્રા ખાતે આયુર્વેદ ક્ષેત્રમાં ભાવી માર્ગોને ઉજાગર કરવાના હેતુથી એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલાર લોકસભાના સાંસદ પૂનમ માડમના મુખ્ય અતિથી સ્થાને હાજર રહ્યા હતા. આ પરિસંવાદમાં એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય મુકુલ પટેલ પણ વિશેષ મહેમાન તરીકે જોડાયા હતા. આઇ.ટી.આર.એ.ના પ્રભારી નિયામક બી.જે. પાટગીરી દ્વારા આ સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના તૈયાર કરવામાં આવી હતી.આ પરિસંવાદમાં આયુર્વેદ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દિવસભરમાં પાંચ તબક્કામાં વિવિધ સેમિનાર યોજાયા હતા. યોજાયેલા વિવિધ વક્તવ્યોમાં વક્તા તરીકે એન.સી.આઇ.એસ.એમ.ના ચેરમેન વૈદ્ય જયંત દેવપૂજારી દ્વારા રાષ્ટ્રીય પરિસ્થિતિમાં આયુર્વેદ સ્નાતકો માટે શૈક્ષણિક અને અન્ય વ્યાવસાયિક તકો બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં મુંબઇ સ્થિત એમોર હેલ્થ એસેન્સિયલ્સના નિયમક ડૉ. વિજયસિંઘ ચૌહાણ દ્વારા આયુર્વેદ ક્ષેત્રમાં આન્ત્રપ્રેનિયોરશીપ વિષે માહિતી આપવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં અમેરિકાની આંતરરાષ્ટ્રીય વેદિક વેલનેસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અભિમન્યુ કુમાર દ્વારા આયુર્વેદ નિષ્ણાતો માટે વૈશ્વિક પરિપેક્ષ્યમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અવકાશ- વિષય પર ચર્ચા કરવામાં આવી. ચોથા તબક્કામાં સી.સી.આર.એ.એસ.ના ડાયરેક્ટર જનરલ પ્રો. આર. એન. આચાર્ય દ્વારા સંશોધન ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી. જ્યારે પાંચમા તબક્કામાં સી.સી.આર.એ.એસ.એન.આઇ.એમ.એચ.ના સંશોધન અધિકારી ડો. સાકેત રામ થ્રિગુલ્લા દ્વારા આરોગ્ય સંભાળ સેવાઓમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સિ: અવકાશ અને પડકારો વિષય પર માહિતી આપવામાં આવી હતી.સ્થાપના દિવસના આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ તબીબો જોડાયા હતા. છેલ્લાં દાયકામાં આર્યુવેદ દેશની સીમાઓ વટાવી વિશ્વભરના દેશો સુધી પહોંચ્યું છે. ત્યારે આ પ્રકારના કાર્યક્રમો એ આયુર્વેદ ક્ષેત્રના સૌ કોઇ માટે નવી માહિતી પહોંચાડે છે.

બનાસકાંઠાના વાવની પેટાચૂંટણી જાહેર, 13 નવેમ્બરે યોજાશે ચૂંટણી

અમદાવાદ: ચૂંટણી પંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણીની તારીખોની સાથે મત ગણતરીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આગામી 13 નવેમ્બરે મતદાન યોજાશે જ્યારે 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

 

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામાના છ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી ગઢવીનું પણ નામ ચર્ચાઇ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લા 40-45 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. 2005 માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-વાવ તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને ત્રીજું નામ ઠાકરશી રબારીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.

મહારાષ્ટ્ર સરકારે મહિલાઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે લાડકી બહેન યોજના હેઠળ દિવાળી બોનસ 2024ની જાહેરાત કરી છે. નોટિફિકેશન મુજબ, પાત્રતા ધરાવતી મહિલાઓને ચોથો અને પાંચમો હપ્તો લાડકી બહેન યોજના દિવાળી બોનસ 2024 દ્વારા ચૂકવવામાં આવશે. આ અંતર્ગત મહિલા લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા 3,000 રૂપિયા મળશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાડકી બહેન યોજનાના ઓક્ટોબર અને નવેમ્બરના હપ્તાઓ અગાઉથી દિવાળી બોનસ તરીકે જાહેર કરવામાં આવશે.

બેંક ખાતામાં પૈસા આવશે

મહારાષ્ટ્રમાં 94,000 થી વધુ મહિલા લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં આ એડવાન્સ પેમેન્ટ મળી ચૂક્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર દિવાળી બોનસ દ્વારા મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવામાં આવનાર છે. આ સાથે તે કોઈપણ આર્થિક ચિંતા વગર દિવાળીનો તહેવાર ઉજવી શકશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્ય સરકાર પણ સમય પહેલા મારી લાડકી બહેન યોજનાનો ચોથો અને પાંચમો હપ્તો બહાર પાડવાની તૈયારી કરી રહી છે. આ સાથે ઓક્ટોબરમાં મહિલાઓને સામાન્ય 1500 રૂપિયાના બદલે 3000 રૂપિયા મળશે. દિવાળી બોનસ સીધી તે મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે જેમણે લાડકી બહેન યોજના માટે નોંધણી કરાવી છે અને અગાઉના હપ્તા મેળવ્યા છે.

શું છે યોજના?

મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ ગઠબંધન સરકાર દ્વારા મુખ્યમંત્રી લાડકી બહેન યોજના શરૂ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના શાસનમાં પહેલાથી જ લાગુ ‘લાડકી બહેન યોજના’ની તર્જ પર સરકારે આ યોજના શરૂ કરી હતી. રક્ષાબંધનના અવસર પર શરૂ કરવામાં આવેલી આ યોજનાને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવાર દ્વારા મહારાષ્ટ્રના પૂરક બજેટમાં સામેલ કરવામાં આવી છે.

46000 કરોડનો વાર્ષિક ખર્ચ

આ યોજના માટે રાજ્યની તિજોરીમાંથી વાર્ષિક રૂ. 46,000 કરોડની ફાળવણીની જરૂર છે. તેનો ઉદ્દેશ્ય 21 થી 65 વર્ષની વચ્ચેની આર્થિક રીતે નબળા મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ અંતર્ગત જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તેમને સરકાર દ્વારા દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો ઉદ્દેશ્ય ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતી અથવા મર્યાદિત આવક ધરાવતી મહિલાઓના વિવિધ જૂથને પૂરી પાડવાનો છે.

યોજનાની શરતો

આ યોજના માત્ર મહારાષ્ટ્ર રાજ્યની મહિલા રહેવાસીઓ માટે જ લાગુ કરવામાં આવી છે. અરજદારો મહારાષ્ટ્રના કાયમી રહેવાસી હોવા જોઈએ. આ સિવાય અરજી કરનાર મહિલાની ઉંમર 21 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરિણીત, અપરિણીત, છૂટાછેડા લીધેલ અને અન્ય અસહાય મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. અરજદાર મહિલાનું પોતાના નામે કોઈપણ બેંકમાં બેંક ખાતું હોવું જોઈએ. આ સાથે એ મહત્વનું છે કે અરજદાર મહિલાની કૌટુંબિક આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

કેવી રીતે અરજી કરવી

મહારાષ્ટ્રમાં લાડકી બહેન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 15મી ઓક્ટોબર કરવામાં આવી હતી. જે મહિલાઓએ હજુ સુધી આ યોજના માટે અરજી કરી નથી તેમને નવી સમયમર્યાદા પહેલા અરજી સબમિટ કરવાની તક છે.

મહારાષ્ટ્રમાં 20, ઝારખંડમાં 13-20 નવેમ્બરે મતદાનઃ23 નવેમ્બરે પરિણામો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે, ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંહ સંધુએ વિધાનસસભાની ચૂંટણીના કાર્ક્રમોની ઘોષણા કરવા માટે પત્રકાર પરિષદને સંબોધી હતી. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં મતદાન કરાવવામાં આવશે, જ્યારે 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થશે. આ સાથે ઉત્તર પ્રદેશની 10 સીટો પર પેટા ચૂંટણી થશે.

તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. રાજ્યમાં કુલ 2.6 કરોડ મતદાતાઓ છે. રાજ્યમાં કુલ 1,00,186 પોલિંગ બૂથ બનાવવામાં આવશે, જ્યારે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામો આવશે. રાજ્યની બધી 288 સીટો પર મતદાન એક તબક્કામાં થશે નામાંકન માટે છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. એ સાથે નામાંકન પરત ખેંચવાની તારીખ ચોતી નવેમ્બર છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો હાલનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ CM એકનાથ શિંદેની સરકાર છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા સીટો છે,  જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચ જાન્યુઆરી, 2025એ પૂરો થશે. રાજ્યમાં હાલ CM હેમંત સોરેનની સરકાર છે. રાજ્યમાં કુલ 81 સીટો છે.

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે રસાકસી છે. મહા વિકાસ અઘાડી પાસે કોંગ્રેસ, NCP શરદ પવાર જૂથ, શિવસેના UBT છે. બીજી તરફ, મહાગઠબંધનમાં ભાજપ, શિવસેનાનો શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથનો સમાવેશ થાય છે. બંને ગઠબંધન સીટોની વહેંચણીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનના ભાગ ઝારખંડ મુક્તિ મોરચા (JMM) મુકાબલો NDA ગઠબંધન વિરુદ્ધ હશે, જેમાં ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU), જનતા દળ (યુનાઈટેડ) અને ભાજપનો સમાવેશ થાય છે.

 

 

 

 

આલિયા ભટ્ટને જે બિમારી છે તે ADHD શું છે? તેની અસર કેવી હોય છે?

આલિયા ભટ્ટે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બાળપણથી એક બિમારીથી પીડાઈ રહી છે. આ બિમારી છે ADHD (એટેન્શન-ડેફિસિટ/હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર).આ એક એવી બિમારી છે જેને કારણે લોકોને ફોકસ કરવામાં સમસ્યા થાય છે. ઘણી વાર વર્તમાન સમયમાં રહેવામાં પણ પ્રોબલમ થતી હોય છે. જાણીએ કે આ ADHD શું છે અને તેના લક્ષણો શું છે.

સીડીસી (સંદર્ભ) મુજબ, એડીએચડી એ બાળપણમાં સૌથી સામાન્ય ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. ન્યુરોડેવલપમેન્ટલ એ મગજની વૃદ્ધિ અને વિકાસની રીતમાં કંઈક ખોટું થવાનો ઉલ્લેખ કરે છે. ADHD સામાન્ય રીતે બાળપણમાં નિદાન થાય છે અને મોટાભાગે પુખ્તાવસ્થામાં રહે છે. ADHD ધરાવતા બાળકોને ધ્યાન આપવામાં મુશ્કેલી પડી શકે છે. તેમના વર્તનને નિયંત્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેઓ કંઈપણ વિચાર્યા વિના કરી શકે છે અથવા અત્યંત સક્રિય હોઈ શકે છે.

બાળકોને અમુક સમયે ધ્યાન કેન્દ્રિત કરવામાં અને વર્તન કરવામાં તકલીફ પડવી એ સામાન્ય બાબત છે. જો કે, ADHD ધરાવતા બાળકોમાં આ લક્ષણો ચાલુ રહી શકે છે, શાળામાં, ઘરે અથવા મિત્રો સાથે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેના લક્ષણો સમય જતાં બદલાઈ શકે છે અને વધી પણ શકે છે. તેના લક્ષણો સમય સાથે બદલાવવાની પણ શક્યતા છે.

ADHDના લક્ષણો

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
સરળતાથી વિચલિત
વાતચીત સાંભળવામાં મુશ્કેલી
ભૂલી જવાની વૃત્તિ
કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી
બૂમો પાડવી અથવા અવાજ કરવો
વારંવાર વાત કરો
ઝડપથી વાત કરો
અન્યને અવરોધવું

કેવી રીતે રાખવું ધ્યાન?

ADHD ધરાવતા લોકો માટે બિહેવિયર થેરેપી અને દવાઓ ઉપરાંત તંદુરસ્ત જીવનશૈલી રાખવાથી લક્ષણોનું સંચાલન કરવામાં મદદ મળી શકે છે.
આવા બાળકોમાં સ્વસ્થ આહારની આદતો વિકસાવવી જોઈએ, જેમ કે પુષ્કળ ફળો, શાકભાજી અને આખા અનાજ ખાવા અને તેમના આહારમાં પ્રોટીનનો સમાવેશ કરવો.
આવા બાળકોને તેમની ઉંમરના આધારે દૈનિક શારીરિક પ્રવૃત્તિમાં સામેલ કરવું જોઈએ.
ટીવી, કોમ્પ્યુટર, ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવું જોઈએ
ઉંમરના આધારે દરરોજ રાત્રે પૂરતી ઊંઘ લેવી

ADHD માટે જોખમી પરિબળો

આ સમસ્યા તે બાળકોને થઈ શકે છે જેમના માતાપિતાને આ સમસ્યા થઈ હોય
ગર્ભાવસ્થા દરમિયાન અથવા નાના બાળકોમાં પર્યાવરણીય જોખમો (જેમ કે લીડ) નો સંપર્ક
ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને તમાકુનું સેવન
ગર્ભાવસ્થા સંબંધિત અન્ય પરિબળો
બાળકની સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે માથામાં ઇજાઓ
માતાપિતાનું માનસિક સ્વાસ્થ્ય
કૌટુંબિક વાતાવરણ

ચારમાંથી એક બાળક એડીએચડીથી પીડાય છે

ADHD એ બાળપણની વિકૃતિ છે પરંતુ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુ.એસ.માં ચારમાંથી એક પુખ્ત વયના (25 ટકા)ને શંકા છે કે તેમને ADHD હોઈ શકે છે પરંતુ તેનું નિદાન થયું નથી. 1,000 અમેરિકન પુખ્તોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા વિડિયોએ પુખ્ત વયના લોકોની ધ્યાન અને ચિંતાની સમસ્યાઓમાં વધારો કર્યો છે, જે ADHDના લક્ષણો હોઈ શકે છે. ચિંતા એ છે કે માત્ર 13% લોકોએ તેમના ડૉક્ટર સાથે તેના વિશે વાત કરી છે, જે ખોટી સારવારનું જોખમ વધારી શકે છે.

(આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લેવી)