અમદાવાદ: ગુજરાત અને રાજસ્થાન ATSએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડીકેટનો પર્દાફાશ કર્યો. પાકિસ્તાનથી આવેલા 5 કિલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સની 6 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદ પરથી આ નશીલા પદાર્થનો જથ્થો પાકિસ્તાની સ્મલગર મારફતે મેળવી આગળ પેડલરને ડિલીવરી થાય તે પહેલાં જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.બાતમીના આધારે નાકાબંધી
ATSના પોલીસ ઈન્સ્પેક્ટર જે. એમ. પટેલને ખાનગી બાતમી મળી હતી. જેના આધારે બંન્ને રાજ્યની સંયુક્ત ATSની ટીમે રાજસ્થાનના જેસલમેરને ગુજરાતના બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર પેટ્રોલિંગ સાથે નાકાબંધી કરી હતી. ત્યારે 6 એપ્રિલે સાંજે 6 વાગ્યાની આસપાસ એક શંકાસ્પદ ઈકોને અટકાવવામાં આવી હતી. જેમાં ચેકિંગ કરતા બે શખસ પાસેથી પીળા રંગની થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યા હતા.
પૂછપરછમાં મોટો ખુલાસો
આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ મેથામ્ફેટામાઈન પાકિસ્તાનના થારપારકર વિસ્તારના મસાત મુબારક નામના એજન્ટે બાડમેર જિલ્લામાં ડ્રોપ કરાવ્યો હતો. જેની સાથે ભારતના ડ્રગ્સ ડિલર વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં હતા. એટલું જ નહીં આરોપીના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વિડીયો જેવા પુરાવા પણ મળી આવ્યા છે. જે સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. આગળ આ કેસમાં વધુ લોકોની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
નવી દિલ્હીઃ આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના નેતા પવન ખેડા હૈદરાબાદ ભાગી ગયા છે. આસામ પોલીસની એક ટીમ મંગળવારે દિલ્હીમાં પવન ખેડાના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. આ કાર્યવાહી આસામના મુખ્ય મંત્રી અને તેમના પરિવાર સામે લગાવવામાં આવેલા આરોપોથી જોડાયેલા કેસના સંદર્ભમાં કરવામાં આવી રહી છે. પોલીસ ટીમે તેમના ઘરે પહોંચ્યા પછી સત્તાવાર રીતે દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ સ્થાનિક પોલીસની એક ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ. જોકે પવન ખેડા ઘરે હાજર મળ્યા નહોતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઘટના રાજકીય વિવાદ વચ્ચે સામે આવી છે. મુખ્ય મંત્રી સરમાએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે એક પાકિસ્તાની સોશિયલ મિડિયા ગ્રુપમાંથી લેવામાં આવેલી ખોટી માહિતીને આધારે તેમની પત્ની પાસે અનેક પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ હોવાના આરોપ લગાવ્યા હતા. તેમણે આ આરોપોને આસામની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ અને દંડનીય ગુનો ગણાવ્યો હતો. દરોડા અંગે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સરમાએ કહ્યું હતું કે મારી પત્ની પર આરોપ લગાવ્યા પછી કોંગ્રેસના નેતા પવન ખેડાએ આસામ પોલીસને પોતાની ધરપકડ કરવાનો પડકાર આપ્યો હતો, પરંતુ પછી હૈદરાબાદ ભાગી ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાલ તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે. સરમાએ ઉમેર્યું હતું કે આરોપ લગાવતાં પહેલાં તેમને વિદેશ મંત્રીને પૂછવું જોઈએ હતું. ખડગે જીની ઉંમર થઈ ગઈ છે, છતાં તેઓ આવી વાતો કરે છે. આસામ પોલીસ ‘પાતાળ’માંથી પણ લોકોને શોધીને લાવી શકે છે. મને શંકા છે કે રાહુલ ગાંધી એ તેમને આ દસ્તાવેજો આપ્યા હશે. એટલે આ કેસ રાહુલ ગાંધી સુધી જશે. અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ આસામ છે અને અમે 17 વખત ઇસ્લામિક હુમલાઓ સામે લડ્યા છીએ.
નિર્દેશક પ્રિયદર્શનને તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘મુસ્કુરાહટ’ (૧૯૯૨) મળી તેની પાછળનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. જોકે, તેમને અસલી ઓળખ અને સફળતા ‘ગર્દિશ’ (૧૯૯૩) થી મળી હતી.
આ સફર કેવી રીતે શરૂ થઈ તેની વાત કરીએ તો ૮૦ના દાયકામાં પ્રિયદર્શન મલયાલમ સિનેમાના સુપરસ્ટાર નિર્દેશક બની ચૂક્યા હતા. તેમણે મોહનલાલ સાથે મળીને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની ફિલ્મોની વાર્તા કહેવાની શૈલી અને તકનીકી ગુણવત્તા એટલી ઊંચી હતી કે બોલીવુડના નિર્માતાઓની નજર તેમના પર પડી હતી.
તે સમયે જાણીતા નિર્માતા નિતિન મનમોહન અને ગુલશન કુમાર દક્ષિણની સફળ ફિલ્મોની હિન્દી પુનર્નિર્માણ બનાવવા માં રસ ધરાવતા હતા. તેમણે ‘કિલુક્કમ’ જોઈ ત્યારે લાગ્યું કે આ વાર્તા હિન્દી દર્શકોને પણ ખૂબ ગમશે. તેઓ ફિલ્મના અધિકાર ખરીદવા માંગતા હતા, પણ તેમની શરત એ હતી કે આ ફિલ્મનો નિર્દેશક એ જ હોવો જોઈએ જેણે મૂળ ફિલ્મ બનાવી છે.
પ્રિયદર્શન તે સમયે દક્ષિણમાં ખૂબ જ વ્યસ્ત હતા, પરંતુ હિન્દી સિનેમામાં કામ કરવાની તેમની ઈચ્છા હતી. તેથી તેમણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. જોકે, તેમણે હિન્દી ફિલ્મ માટે કલાકારોમાં થોડા ફેરફાર કર્યા. રેવતીને જ રાખવામાં આવી અને નવા અભિનેતા જય મહેતાને મુખ્ય પાત્ર માટે લેવામાં આવ્યા.
સૌથી મહત્વનું નિવૃત્ત ન્યાયાધીશનું પાત્ર થિલાકને ભજવ્યું હતું, તેના માટે અમરીશ પુરીની પસંદગી કરવામાં આવી. ‘મુસ્કુરાહટ’ બોક્સ ઓફિસ પર ‘કિલુક્કમ’ જેવી મોટી સફળતા મેળવી શકી નહીં, પરંતુ આ ફિલ્મે પ્રિયદર્શન માટે બોલીવુડના દરવાજા ખોલી નાખ્યા.
હિન્દી ફિલ્મ ઉદ્યોગને સમજાઈ ગયું કે પ્રિયદર્શન પાસે દ્રશ્યોને સુંદર રીતે રજૂ કરવાની અને કલાકારો પાસેથી શ્રેષ્ઠ કામ લેવડાવવાની અદભૂત કળા છે. તે પોતાની મલયાલમ સુપરહિટ ફિલ્મ ‘કિરીદમ’ ની વાર્તા લઈને જેકી શ્રોફ પાસે ગયા હતા.
‘કિરીદમ’ માં મોહનલાલે જે રીતે અભિનય કર્યો હતો તેનાથી પ્રિયદર્શન ખૂબ પ્રભાવિત હતા. તેઓ ઈચ્છતા હતા કે હિન્દીમાં પણ એ જ સ્તરનો અભિનય મળે. જેકી શ્રોફે આ પડકાર સ્વીકાર્યો અને ફિલ્મમાં ‘શિવા’ના પાત્રમાં જીવ રેડી દીધો હતો.
જેકીએ વાર્તા સાંભળ્યા પછી તરત જ કહ્યું હતું કે આ મારો રોલ છે અને આ ફિલ્મ હું જ કરીશ. જેકીને વાર્તામાં રહેલા પિતા-પુત્રના લાગણીસભર સંબંધો અને એક સામાન્ય યુવાનની મજબૂરી ખૂબ જ સ્પર્શી ગઈ હતી. ‘ગર્દિશ’ જેકીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાય છે.
જેકીએ કહ્યું હતું કે પ્રિયદર્શનની વાર્તા કહેવાની રીત એટલી સ્પષ્ટ હતી કે મને એક ક્ષણ માટે પણ શંકા નહોતી થઈ. જેકીને ‘ગર્દિશ’ માટે ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામાંકન મળ્યું હતું. ફિલ્મમાં પ્રિયદર્શને દક્ષિણની શૈલીનું એક્શન અને લાગણી બોલીવુડમાં સુંદર રીતે રજૂ કર્યું હતું.
ફિલ્મના સેટ અને ચિત્રાંકન જોઈને તે સમયે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ‘ગર્દિશ’ ની સફળતા પછી પ્રિયદર્શન બોલીવુડમાં એવા નિર્દેશક તરીકે જાણીતા થયા કે જે માત્ર હાસ્ય ફિલ્મો જ નહીં, પણ ગંભીર નાટક અને એક્શન ફિલ્મો પણ શાનદાર બનાવી શકે છે.
પ્રિયદર્શન હંમેશા કહે છે કે તેમને હિન્દી ફિલ્મોમાં આવવા માટે કોઈ ખાસ મહેનત નહોતી કરવી પડી. તેમની દક્ષિણની ફિલ્મોના હિન્દી અધિકાર વેચાતા હોવાથી નિર્માતાઓ પોતે જ તેમને પૂછવા આવતા હતા કે શું તમે આ ફિલ્મ હિન્દીમાં નિર્દેશન કરશો?
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. મંગળવારે બપોર બાદ અમદાવાદ, નડીયાદ, ખેડા, પંચમહાલ, ગોધરા સાબરકાંઠા, મહેસાણા અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ક્યા જિલ્લામાં વરસાદ ખાબક્યો?
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના આજુબાજુના શહેરોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા વરસાદે જનજીવનને વધારે અસર કરી. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. જ્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે થયેલા માવઠાથી જનજીવન પ્રભાવિત થયું. આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.
નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં કરંટ જોવા મળી શકે છે. આથી માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.
સ્વસ્થ શરીર એ જ સાચી સંપત્તિ છે, એ ઉક્તિ આજના ભાગદોડભર્યા યુગમાં વધુ પ્રસ્તુત બની છે. માનવ સંસ્કૃતિના વિકાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો જેટલો ફાળો છે, એટલો જ ફાળો તબીબી ક્ષેત્રે થયેલા અદભૂત સંશોધનોનો પણ રહ્યો છે. આજે જ્યારે વિશ્વ એક તરફ આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ અવનવા રોગો અને સ્વાસ્થ્યલક્ષી પડકારો માનવજાતની કસોટી કરી રહ્યા છે.
અલબત્ત દુનિયામાં એવા અનેક રાષ્ટ્રો છે, જેમણે પોતાની સ્વાસ્થ્ય પ્રણાલીને એટલી મજબૂત બનાવી છે કે ત્યાં બીમારી સામેનો જંગ માત્ર હોસ્પિટલ પૂરતો સીમિત નથી રહ્યો, પણ નાગરિકોના જીવનનો એક હિસ્સો બની ગયો છે. 7 એપ્રિલ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ આવી રહ્યો છે ત્યારે વાત કરીએ વિશ્વની શ્રેષ્ઠ પાંચ હેલ્થકેર સિસ્ટમ અને ભારતની વર્તમાન સ્થિતિ વિશે…
વિશ્વ આરોગ્ય દિવસ: ઈતિહાસ અને અનિવાર્યતા
દર વર્ષે 7 એપ્રિલે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ ઘણો જૂનો છે. વર્ષ 1948માં જીનીવા ખાતે પ્રથમ ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’ યોજાઈ હતી, જેમાં વિશ્વના તમામ લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે એક સંગઠનની જરૂરિયાત વર્તાઈ. પરિણામે,7 એપ્રિલ 1948ના રોજ ‘વિશ્વ આરોગ્ય સંસ્થા’ (WHO) ની સ્થાપના કરવામાં આવી. આ ઐતિહાસિક દિવસની યાદમાં વર્ષ 1950થી દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થાય છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે.
વિશ્વની ટોપ-5 હેલ્થકેર સિસ્ટમ
સિંગાપોર: કાર્યક્ષમતા અને ટેકનોલોજીનો સંગમ
દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલું સિંગાપોર ભલે કદમાં નાનું હોય, પણ એની હેલ્થકેર સિસ્ટમ વિશ્વનું નેતૃત્વ કરે છે. અંદાજે 60 લાખની વસ્તી ધરાવતા આ ટાપુ રાષ્ટ્રની સફળતાનું રહસ્ય એનું ‘3-M’ મોડેલ છે. આ પ્રણાલી વ્યક્તિગત બચત અને સરકારી સબસીડીનું એવું સચોટ મિશ્રણ છે કે અહીં કોઈ પણ નાગરિક શ્રેષ્ઠ સારવારથી વંચિત રહેતો નથી. અહીંની હોસ્પિટલો અત્યાધુનિક રોબોટિક ટેકનોલોજીથી સજ્જ છે અને વેઇટિંગ પિરિયડ નહિવત હોવાને કારણે અહીં સરેરાશ આયુષ્ય 85 વર્ષ સુધી પહોંચ્યું છે.
દક્ષિણ કોરિયા: ડિજિટલ હેલ્થકેરની ક્રાંતિ
પૂર્વ એશિયાનું દક્ષિણ કોરિયા અંદાજે 5.17 કરોડની વસ્તી સાથે ‘સ્માર્ટ હેલ્થકેર’નું વૈશ્વિક હબ બની ગયું છે. અહીંની નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે દરેક નાગરિકને અત્યાધુનિક નિદાન સુવિધાઓ ખૂબ જ ઓછા દરે ઉપલબ્ધ થાય છે. વિશ્વમાં સૌથી વધુ MRI અને CT સ્કેન મશીનોની ઉપલબ્ધતાને કારણે અહીં બીમારીનું નિદાન સેકન્ડોમાં થાય છે. ખાસ કરીને કેન્સરની સારવાર અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સના સંચાલનમાં આ સિસ્ટમ વિશ્વમાં અગ્રેસર ગણાય છે.
નોર્વે: માનવીય અભિગમ અને જાહેર સુરક્ષા
ઉત્તર યુરોપમાં આવેલું નોર્વે અંદાજે 55 લાખની વસ્તી ધરાવે છે. એની હેલ્થકેર સિસ્ટમ સંપૂર્ણપણે ‘પબ્લિક ફંડેડ’ છે. અહીં સ્વાસ્થ્ય સેવાઓ એ નાગરિકોનો પાયાનો અધિકાર છે. 16 વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓ માટે તમામ સારવાર અને દવાઓનો ખર્ચ સરકાર ઉઠાવે છે. અહીંની સરકારી હોસ્પિટલો વિશ્વની શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે એવી હોય છે. અલબત્ત, સરકાર જીડીપીનો મોટો હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચીને પોતાના દરેક નાગરિકના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
સ્વિટ્ઝર્લેન્ડ: શિસ્તબદ્ધ અને ગુણવત્તાસભર મોડેલ
મધ્ય યુરોપનું સ્વિટ્ઝર્લેન્ડ અંદાજે 88 લાખની વસ્તી ધરાવે છે. અહીંની હેલ્થકેર સિસ્ટમ એની અદ્ભુત શિસ્ત અને ગુણવત્તા માટે જાણીતી છે. અહીં દરેક નાગરિક માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ફરજિયાત છે, જેના કારણે સિસ્ટમમાં નાણાકીય પ્રવાહ જળવાઈ રહે છે. હોસ્પિટલોમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ એ જ દિવસે મળી રહે છે, જે આ પ્રણાલીની સૌથી મોટી તાકાત છે.
નેધરલેન્ડ: પ્રાથમિક સારવારનો આદર્શ નમૂનો
પશ્ચિમ યુરોપનું નેધરલેન્ડ અંદાજે 1.78 કરોડની વસ્તી સાથે સતત યુરોપિયન હેલ્થ કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં ટોચ પર રહે છે. અહીંની હેલ્થકેર સિસ્ટમમાં ‘ફેમિલી ડોક્ટર’ (GP) ની ભૂમિકા સૌથી મહત્વની છે. 24 કલાક ઉપલબ્ધ રહેતા આ ડોક્ટરોને કારણે મોટી હોસ્પિટલો પરનું ભારણ ઘટે છે અને દર્દીને વ્યક્તિગત સંભાળ મળે છે. માનસિક સ્વાસ્થ્ય અને વૃદ્ધોની માવજત માટેની સુવિધાઓમાં આ સિસ્ટમ વિશ્વભરમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ભારત મેડિકલ ટુરિઝમમાં ‘કિંગ’ પણ ઇન્ડેક્સમાં પાછળ
ભારતની સ્વાસ્થ્ય સેવાઓની વાત કરીએ, ત્યારે ચિત્ર અત્યંત જટિલ અને વિરોધાભાસી જણાય છે. વૈશ્વિક હેલ્થકેર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન સામાન્ય રીતે 110થી 120ની વચ્ચે રહે છે, જે દર્શાવે છે કે વિકસિત રાષ્ટ્રોની તુલનામાં આપણે હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે. ભારત માટે સૌથી મોટો પડકાર એની વિશાળ વસ્તી અને મર્યાદિત બજેટનો રહ્યો છે. આંકડાકીય વિશ્લેષણ મુજબ, ભારત પોતાની જીડીપી (GDP) ના અંદાજે માત્ર 2.1 ટકા જેટલો જ હિસ્સો સ્વાસ્થ્ય પાછળ ખર્ચે છે, જે વિકસિત દેશોના 10 ટકાથી 12 ટકા ખર્ચની સરખામણીએ ઘણો ઓછો છે. આ મર્યાદિત બજેટની સીધી અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પડે છે, જેના કારણે ભારતમાં હજુ પણ દર 1 હજાર વ્યક્તિએ હોસ્પિટલ બેડની સંખ્યા 0.5થી 1ની વચ્ચે જ જોવા મળે છે, જે WHOના નિર્ધારિત નિયમો અને આધુનિક જરૂરિયાતો મુજબ અત્યંત ઓછી છે.
ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે સૌથી મોટી ચિંતાનો વિષય ‘ખિસ્સા પરનો ભાર’ પણ છે. આજે પણ ભારતના સામાન્ય માણસના કુલ મેડિકલ ખર્ચના 48 ટકાથી 50 ટકા જેટલા રૂપિયા એના પોતાના ખિસ્સા કે જીવનભરની બચતમાંથી ખર્ચાય છે, જ્યારે વિકસિત દેશોમાં આ આંકડો 10 ટકાથી પણ ઓછો હોય છે. પરિણામે, મધ્યમ કે ગરીબ વર્ગના પરિવારમાં કોઈ એક ગંભીર બીમારીનું આગમન એને આર્થિક રીતે ગરીબી રેખા નીચે ધકેલવા માટે પૂરતું હોય છે, જે આપણી હેલ્થકેર સિસ્ટમ માટે લાલબત્તી સમાન છે. અલબત્ત, આ સિક્કાની બીજી નકારાત્મક બાજુ વચ્ચે એક ઉજળું પાસું એ છે કે ભારતની ખાનગી હોસ્પિટલોની કાર્યક્ષમતા અને નિષ્ણાત ડોક્ટરોની આવડતને કારણે ભારત આજે ‘મેડિકલ ટુરિઝમ’નું વૈશ્વિક હબ બન્યું છે. વિદેશી દર્દીઓ માટે ભારત સસ્તી અને શ્રેષ્ઠ સારવાર માટેનું પ્રથમ પસંદગીનું સ્થળ છે, પરંતુ દેશના દરેક સામાન્ય નાગરિક સુધી આ સ્તરની સુલભ અને સસ્તી સેવાઓ પહોંચાડવી એ ભવિષ્યનો સૌથી મોટો પડકાર છે.
નવી દિલ્હીઃ આસામમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવતાં જ રાજકીય નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને કડવી ભાષાનો ઉપયોગ વધ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ‘પાગલ’ કહીને નિશાન બનાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના સીએમને ‘કન્ટ્રોલ’ કરે છે એવા રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સરમાએ કહ્યું હતું કે સરકાર તો દિલ્હીમાથી જ ચાલશે. દિસપુર અને દિલ્હી સાથે જોડાશે ત્યારે જ ડબલ એન્જિનની સરકાર બનશે. તે પાગલ છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે આસામમાં જનજાતિઓને સમાન નાગરિક સંહિતા (UCC)ના દાયરાથી બહાર રાખવામાં આવશે.
‘ટ્રમ્પ મોદીને કન્ટ્રોલ કરે છે’ -રાહુલનો આરોપ
જોરહાટમાં ચૂંટણીસભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ મોદીને આદેશ આપે છે અને મોદી કંઈ બોલતા નથી. મોદીને ખબર છે કે તેમનું રાજકીય ભવિષ્ય ટ્રમ્પના હાથમાં છે. ટ્રમ્પ મોદીને નિયંત્રિત કરે છે. જો ટ્રમ્પ મોદીને કૂદવા કહે તો મોદી પૂછશે કે કેટલું અંતર કૂદવું અને પછી કૂદવા લાગી જશે, કારણ કે મોદી પર ટ્રમ્પનું નિયંત્રણ છે.
રાજ્યમાં UCC લાગુ થશે — PM મોદી
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો કે આસામના સીએમ પર પણ મોદીની અસર છે, કારણ કે સરમાના “ભ્રષ્ટાચાર અને ગુનાઓ” વિશે મોદીને જાણ છે. રાજ્યમાં UCC લાગુ કરવાની બાબતે સરમાએ કહ્યું હતું કે જનજાતિઓને તેમાંથી બહાર રાખવામાં આવશે. ગોગામુખમાં યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજ્યમાં UCC લાગુ કરવામાં આવશે અને આસામની ઓળખ જાળવનારી છઠ્ઠી અનુસૂચિ તથા જનજાતીય પરંપરાઓનું સંરક્ષણ કરવામાં આવશે.
તાજેતરમાં કાર્બી આંગલોંગ જિલ્લાના બોકાજાનમાં યોજાયેલી ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તાના વિકેન્દ્રીકરણમાં વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું હતું કે આ વિસ્તારનું શાસન સ્થાનિક નેતાઓ દ્વારા થવું જોઈએ, દિલ્હી અથવા ગૌહાટીના અધિકારીઓ દ્વારા નહીં. તેમણે ભાર મૂક્યો હતો કે સાચો બદલાવ તળિયાના સ્તરથી જ આવે છે. એ સાથે જ ભાજપ પર દિલ્હીમાથી રાજ્ય ચલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
કેરળના વાંડૂરમાં શશી થરૂરના કાફલા પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના ગનમેન અને ડ્રાઇવર સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે, જ્યારે અન્યની ઓળખ થઈ ગઈ છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેમના ગનમેન અને ડ્રાઇવર પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.
આ ઘટના ક્યારે બની?
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ વાંડૂરના તિરુવલ્લી નજીક ચેલીથોડ વિસ્તારમાં બની હતી. થરૂર કોંગ્રેસના નેતા એપી અનિલકુમાર માટે ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
FIR માં શું છે?
વાંદૂર પોલીસે જણાવ્યું હતું કે સાંસદના ગનમેન રતીશ કેપીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, આરોપીઓનું પાંચ સભ્યોનું જૂથ બે વાહનોમાં આવ્યું હતું અને સાંસદના કાફલાને રોકી દીધો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યાં ઘટના બની તે રસ્તો ખૂબ જ સાંકડો છે. બંદૂકધારીએ કાફલાને રસ્તો આપવા માટે આગળના વાહનને ગતિ વધારવા કહ્યું હતું. આના કારણે વિવાદ થયો હતો, અને જ્યારે બંદૂકધારીએ રસ્તો ખાલી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેના અને ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. ઘટના બાદ, પોલીસ અને સ્થાનિક અધિકારીઓ કાર્યવાહીમાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે એક આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જ્યારે બાકીના આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે, અને ઘટના પાછળના કારણો શોધવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ વૈશ્વિક સમુદ્રી વેપાર માટે રાહતભર્યા સમાચાર છે. હોર્મુઝ જળમાર્ગમાં એક નવો સમુદ્રી માર્ગ ખૂલ્યો છે, જેના દ્વારા વેપારી જહાજો પસાર થઈ રહ્યા છે. આ માર્ગ પરંપરાગત રૂટ અને ઈરાન દ્વારા તાજેતરમાં બનાવાયેલા માર્ગથી અલગ છે.
AIS (ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ) અને રિમોટ સેન્સિંગ ડેટાના વિશ્લેષણ મુજબ ઓછામાં ઓછા ચાર મોટા જહાજ તેલ, એલએનજી અને સામાન્ય માલ લઈને આ નવા માર્ગથી પસાર થઈ ચૂક્યાં છે. આ નવો માર્ગ આંતરરાષ્ટ્રીય જળસીમાને ટાળીને ઓમાનની સમુદ્રી સીમામાં રહે છે, જેને કારણે જહાજો તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત રીતે પસાર થઈ શકે છે.
ઓમાનની સીમામાં રહીને મુસાફરી
માર્શલ આઇલેન્ડ્સના ધ્વજ ધરાવતાં બે મોટા ક્રૂડ ઓઇલ ટેન્કર “હાબ્રુત” અને “ધલકુત” તેમ જ પનામાના ધ્વજવાળું “સોહાર” એલએનજી કેરિયર સંયુક્ત આરબ અમીરાતના રસ અલ ખૈમાહ નજીક ઓમાનની સમુદ્રી સીમામાં પ્રવેશ્યા હતા. આ જહાજોએ મુસંદમ પ્રાયદ્વીપ નજીક પોતાના ટ્રાન્સપોન્ડર (લોકેશન સિગ્નલ) બંધ કરી દીધાં હતાં. 3 એપ્રિલે તેમને મસ્કતથી લગભગ 350 કિલોમીટર દૂર સમુદ્રમાં જોવામાં આવ્યાં હતાં.
લાખો બેરલ તેલથી ભરેલાં હતાં ટેન્કર
સમુદ્રી વિશ્લેષણ મુજબ “હાબ્રુત” અને “ધલકુત” ટેન્કર સાઉદી અરેબિયા અને યુએઈનું મળીને અંદાજે 20 લાખ બેરલ કાચું તેલ લઈને જઈ રહ્યા હતા. જ્યારે “સોહાર” એલએનજી કેરિયર 21 માર્ચે યુએઈના અલ હમરિયા પોર્ટ પરથી નીકળ્યું હતું, જોકે તે સંપૂર્ણ રીતે ભરાયેલું હતું કે નહીં તે સ્પષ્ટ નથી.
ભારતીય જહાજ પણ આ જ માર્ગેથી પસાર થયું
આ જહાજોના પાછળ એક ભારતીય ધ્વજવાળું કાર્ગો જહાજ “એમએસવી ક્યુબા એમએનવી 2183” પણ આ જ માર્ગથી પસાર થતું જોવા મળ્યું. આ જહાજ 31 માર્ચે દુબઈમાંથી નીકળ્યું હતું અને ઓમાનના ડિબ્બા પોર્ટથી લગભગ 40 કિલોમીટર દૂર ખુલ્લા સમુદ્રમાં તેનું છેલ્લું લોકેશન નોંધાયું હતું.
ઈરાને બનાવ્યો હતો નિયંત્રણવાળો નવો માર્ગ
તણાવ વધ્યા બાદ ઈરાને જહાજોની અવરજવર નિયંત્રિત કરવા માટે એક નવો અને લાંબો સમુદ્રી માર્ગ બનાવ્યો હતો. આ માર્ગ ઈરાનની સમુદ્રી સીમામાંથી પસાર થાય છે અને કેશ્મ તથા લારક દ્વીપો વચ્ચેના સંકુચિત માર્ગમાંથી બહાર આવે છે.
ઇસાલામાબાદઃ ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઊર્જા ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે પાકિસ્તાનની સ્થિતિ ગંભીર બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવારે અધિકારીઓએ જાહેરાત કરી કે ઇસ્લામાબાદ અને દેશના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકારી જાહેર પરિવહન આગામી એક મહિના સુધી મફત રહેશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા ભાવોને કારણે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન થયા અને પેટ્રોલ પંપ પર મોટરસાઇકલની લાંબી લાઇનો જોવા મળી. ભારે વિરોધ બાદ પાકિસ્તાન સરકારે તાત્કાલિક યુ-ટર્ન લઈને પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 80 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી. હાલમાં પેટ્રોલના ભાવમાં ઘટાડાથી સામાન્ય જનતાને થોડી રાહત મળવાની શક્યતા છે.
ભાવમાં ઉછાળો અને સપ્લાયમાં ઘટાડો
યુદ્ધને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ 109 ડોલરથી ઉપર પહોંચી ગયા, જ્યારે યુરોપમાં ગેસના ભાવ પણ ઝડપથી વધ્યા. પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગંભીર બની કારણ કે તે પોતાની મોટા ભાગની LNG જરૂરિયાત કતાર અને યુએઈ પાસેથી પૂરી કરે છે.
માર્ચમાં પાકિસ્તાનને માત્ર બે LNG શિપમેન્ટ મળ્યા, જ્યારે સામાન્ય રીતે દર મહિને 8થી 12 શિપમેન્ટ આવે છે. પરિણામે ગેસનો ભાવ ફેબ્રુઆરીમાં $ 10.47 પ્રતિ MMBtuથી વધીને માર્ચમાં $ 12.49 થઈ ગયો છે.
આયાત પર આધારિત વ્યવસ્થા
પાકિસ્તાન પોતાની ગેસ જરૂરિયાત માટે ત્રણ સ્ત્રોત પર આધારિત છે — સ્થાનિક ઉત્પાદન, આયાતીત LNG અને LPG. સ્થાનિક ગેસ ઉત્પાદન ધીમે-ધીમે ઘટી રહ્યું છે, જ્યારે LNGથી દેશની લગભગ 25 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વપરાતી LPGનું 60 ટકાથી વધુ આયાત ઈરાનથી થાય છે, જે હવે અસરગ્રસ્ત છે.
વધતું દેવું અને ખોટી યોજના
ગેસનો વધુ સપ્લાય અને ઓછી માગને કારણે પાકિસ્તાન પર ભારે આર્થિક બોજ પડ્યો. ગેસ ક્ષેત્રનું દેવું વધીને 3.3 ટ્રિલિયન રૂપિયા (લગભગ 11 અબજ ડોલર) થઈ ગયું. સરકારે 2031 સુધી નક્કી કરાયેલા 177 ગેસ શિપમેન્ટ ઘટાડવાના પ્રયાસો કર્યા.
ઉનાળામાં મુશ્કેલી વધશે
હાલમાં હળવી ઠંડી અને સોલર ઊર્જાના કારણે થોડી રાહત છે, પરંતુ ઉનાળામાં સ્થિતિ ગંભીર બની શકે છે. ગયા વર્ષે વીજળીની માંગ 33,000 મેગાવોટ સુધી પહોંચી હતી. આવનારા સમયમાં રોજ 2-3 કલાક લોડશેડિંગ કરવાની શક્યતા છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાટો આવતાં ઉર્દૂ ભાષાને લઈને રાજકીય તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઉર્દૂમાં જાહેર કરાયેલા ચૂંટણી ઘોષણાપત્રને ભાજપે એક ખાસ સમુદાયને ખુશ કરવા માટેનું રાજકારણ ગણાવ્યું છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આક્ષેપોને સાંસ્કૃતિક ઓળખને કમજોર કરવાની કોશિશ તરીકે ગણાવ્યા છે.
સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ ભારતનાં એવાં રાજ્યોમાંનું એક છે જ્યાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે. રાજકીય પક્ષોના અંદાજ મુજબ રાજ્યમાં લગભગ 27 ટકા વસ્તી મુસ્લિમ સમુદાયની છે. જેમાં મુર્શિદાબાદ રાજ્યનો સૌથી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો માનવામાં આવે છે.
એ ઉપરાંત માલદા, ઉત્તર દિનાજપુર, દક્ષિણ 24 પરગણા, બિરભૂમ તેમ જ શહેરી વિસ્તારોમાં કોલકાતાના પાર્ક સર્કસ, મેટિયાબ્રુઝ, ગાર્ડન રીચ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી મોટા પ્રમાણમાં રહે છે. અહીં રોજિંદી બોલચાલ, શિક્ષણ અને દૈનિક કાર્યોમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થાય છે. આ કારણે આ સમુદાય સુધી પહોંચવા માટે ઉર્દૂ લાંબા સમયથી રાજકારણનું કેન્દ્ર રહી છે.
મુઘલ કાળથી ઉર્દૂનો પ્રભાવ
બંગાળમાં મુઘલ કાળ દરમિયાન પ્રશાસન અને સેનામાં ફારસી અને ઉર્દૂ ભાષાનો પ્રભાવ રહ્યો હતો. ભારતના વિભાજન બાદ પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને અન્ય વિસ્તારોમાંથી આવેલા મુસ્લિમ સમુદાયને કારણે વિસ્તારમાં ઉર્દૂનો ઉપયોગ ચાલુ રહ્યો છે.
હાલમાં પશ્ચિમ બંગાળ સરકારે ઉર્દૂને રાજ્યની માન્ય ભાષાઓમાં સામેલ કરી છે. કેટલાક જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણ તથા મર્યાદિત પ્રશાસનિક કાર્યોમાં ઉર્દૂનો ઉપયોગ થાય છે. જોકે રાજકીય પક્ષો પોતાના રાજકીય હિત મુજબ આ મુદ્દાનો ઉપયોગ કરતા આવ્યા છે.
BJPનો ‘ઉર્દૂસ્તાન’ બનાવવાનો આક્ષેપ
આ મુદ્દે પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ જગન્નાથ સરકારે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી ચૂંટણીલાભ માટે એક ખાસ સમુદાયને ટાર્ગેટ કરી રહી છે. તેમના મુજબ તેઓ લાંબા સમયથી વોટબેંકનું રાજકારણ કરે છે અને દેશના આ ભાગને ‘ઉર્દૂસ્તાન’ બનાવવાની કોશિશ કરી રહી છે.