સુરેન્દ્રનગર: શહેરમાં પીવાના પાણીને લઈ ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. બીજી બાજુ શહેરમાં સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો સ્થાનિકો દ્વારા આ કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો હતો. શહેરના ટાઉનહોલ ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન લોકોએ ભારે હોબાળો મચાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને 14મી ઓક્ટોબરે શહેરના ટાઉનહોલ ખાતે રાજ્ય સરકારના વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો યોગ્ય રીતે નીકાલ ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિકાસ સપ્તાહના કાર્યકમમાં આશાવર્કર બહેનો, ITI અને ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યા હતા. આ પ્રવાસન મંત્રી મૂળુ બેરાના સંબોધન દરમિયાન હોબાળો મચતા સ્થાનિક આગેવાન અમૃત મકવાણાને પોલીસે કાર્યકમમાંથી બહાર કાઢ્યા હતા.
એકબાજુ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર રિજનના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આજે શહેરનું તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું છે. જે નોર્મલથી નીચું છે. જો કે આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. શક્યતા છે કે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું સત્તવાર વિદાય લઈ શકે છે.
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી છે. પ્રી-પ્લાન વિગતવાર તપાસ માટે તે આજે એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં ડોક્ટરોની સલાહ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેમના પુત્ર અને પૂર્વ રાજ્ય મંત્રી આદિત્ય ઠાકરેએ તેમના સમર્થકો સાથે નવીનતમ અપડેટ શેર કરી છે.
This morning, Uddhav Thackeray ji did a pre planned detailed check up at the Sir HN Reliance Hospital.
With your best wishes, All is well, and he is fully ready to get to work and serve the people.
મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેએ શનિવારે દશેરાના અવસર પર મુંબઈના પ્રખ્યાત શિવાજી પાર્કમાં એક સભાને સંબોધિત કરી હતી. થોડા કલાકો પછી તેને થોડી બેચેની થવા લાગી. આજે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને નર્વસ પણ લાગવા માંડ્યું હતું. આ પછી તેને HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ત્યાં ડોક્ટરોની સલાહ પર તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ એક વખત હાર્ટ સર્જરી કરાવી છે. આજે પણ તેમને હ્રદય સંબંધિત તકલીફ હતી, ત્યારબાદ ડોક્ટરોએ એન્જિયોગ્રાફી કરી અને તેમની સર્જરી કરી. હાલ તેમની હાલત સારી છે પરંતુ તેમને સારી સંભાળ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે.
બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમ્યાન શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. આ હિંસાને કારણે જિલ્લામાં હજુ પણ ભારે તનાવનું વાતાવરણ છે. ફાયરિંગમાં માર્યા ગયેલા રામ ગોપાલ મિશ્રાના મૃતદેહને લઈને અનેક લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. પોલીસ, વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
શહેરમાં હિંસા પછી રાજ્યના ADG અમિતાભ યશ એક્શન મોડમાં આવી ગયા છે. લખનૌથી STFના વડા શહેરમાં પહોંચ્યા છે. અત્યાર સુધી 30 તોફાની તત્ત્વોની અટકાયત કરવામાં આવી છે.
હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારે ફોર્સ તૈનાત છે. DM, SPથી લઈને ડઝનબંધ અધિકારીઓ નારાજ લોકોને શાંત કરવા રસ્તા પર ઊતરી આવ્યા છે. CM યોગીએ બહરાઈચ હિંસા અંગે લખનૌમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
શહેરના મહસી તહસીલના હરડી વિસ્તારના મહારાજગંજ શહેરમાં એક ચોક્કસ સમુદાયના વિસ્તારમાંથી દુર્ગા માતાની મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા નીકળી રહી હતી. આરોપ છે કે આ દરમિયાન DJ વગાડવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ધાબા પરથી પથ્થરમારો શરૂ કરીને દેખાવકારો પર ગોળીબાર કર્યો. આ બબાલમાં રામ ગોપાલ મિશ્રા નામના યુવકને ગોળી વાગતાં મોત થયું હતું.
દુર્ગા માતાના મૂર્તિ વિસર્જનની શોભાયાત્રામાં ગોળીબારી અને પથ્થરમારાની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રામ ગોપાલના મોતના સમાચાર ફેલાતાં જ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. લોકો રસ્તા પર આવી ગયા. તોડફોડ અને આગચંપી શરૂ થઈ. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.
સુરત: એક તરફ મેઘરાજા ગમે ત્યારે પ્રગટ થઈને ગુજરાતને ધમરોળી રહ્યા છે. દશેરાની રાત્રિએ ભારે કડાકા-ભડાકા સાથે સુરતમાં વરસાદે એન્ટ્રી મારી હતી. ચારેબાજુ પાણી-પાણી થઇ ગયા હતાં. હવે સુરતથી વરસાદી પાણીને રોકવા માટેનું જન આંદોલન દશેરાના બીજા દિવસથી શરૂ થયું છે. દશેરાએ નહીં પણ દશેરાના બીજા દિવસથી ‘કેચ ધ રેઇન’નો ઘોડો સુરતના ઘોડ દોડ રોડ પર આવેલા ઇન્ડોર સ્ટેડિયમથી દોડયો હતો. જેના આરંભ અર્થે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલનાં નેતૃત્વમાં ઈન્ડોર સ્ટેડિયમમાં રવિવારની ઢળતી સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજલલાલ શર્મા તેમજ બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેડિયમમાં હજારોની જનમેદની વચ્ચે સ્ટેજ પર રાખવામાં આવેલા ત્રણ પાત્રમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કળશથી જળ અર્પણ કર્યું હતું. દીપ પ્રાગટ્યની જગ્યાએ જળ અર્પણનો પ્રયોગ લોકોએ વધાવી લીધો હતો. જળ સંચયનો આરંભ તો આવો જ પાણીદાર હોય ને ! જળઅર્પણ વિધિ બાદ તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ‘કેચ ધ રેઈન’ પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનએ કરી હતી. આ ઝુંબેશ હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી ઝુંબેશની શરૂઆત ડાયમંડ નગરી સુરતથી કરવામાં આવી હતી. રાજયભરમાં ૮૦,૦૦૦થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝ, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવશે. સુરત સહિત ગુજરાતમાં એપાર્ટમેન્ટ, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા કામે લાગી ગયા છે.” કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, “કર્મભૂમિથી જન્મભૂમિ સ્લોગન સાથે ગુજરાતની જળસંચય જન ભાગીદારી ઝુંબેશ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને એ માટે સુરતમાં વસતા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ બીડું ઝડપ્યું છે. રાજસ્થાનનાં સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે. જયારે મધ્ય પ્રદેશના વેપારીઓએ પોતાના રાજ્યમાં ૩૫૦૦ ગામોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો કરશે. તો બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રિચાર્જીંગ માટેના કાર્યો બિહારના વતની અને સુરતમાં વસતા વેપારીઓ-ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવશે.”કાર્યક્રમમાં સી. આર પાટિલે વડાપ્રધાનની નળથી જળ, નદી જોડો, વગેરે કાર્યોને યાદ કરીને વડાપ્રધાનની દેશ પ્રત્યેની લાગણીને શબ્દોથી સન્માનિત કરી હતી. કાર્યક્રમમાં હાજર બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, “હું એ રાજ્યમાંથી આવુ છું જ્યાં નદીમાં પૂર આવે છે. ૨૦૦૮ સુધી નેપાળથી આવતું બે લાખ ક્યુસેક પાણી પણ મેનેજ થતું ન હતું. પણ હવે સાડા છ લાખ ક્યુસેક સુધી યોગ્ય મેનેજમેન્ટ થઇ રહ્યું છે. આ ઝુંબેશથી દેશની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. દેશનો સુવર્ણકાળનો આ મનોરથ છે. જેમાં બિહાર તમારી પડખે છે.” રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું કે, “જે કામ ગુજરાતથી શરૂ થાય છે, એ આખા દેશમાં પહોંચે છે. રાજસ્થાનમાં પાણીની ખુબ આવશ્યકતા રહે છે. પાણીનો સંગ્રહ એ રાજસ્થાનની પરંપરા રહી છે. આ આંદોલનનો રાજસ્થાનને સૌથી મોટો ફાયદો થશે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે 2003માં નર્મદા જળ રાજસ્થાન સુધી પહોંચાડીને તેમણે પાડોશી ધર્મ નિભાવ્યો હતો. ભજનલાલે યમુના નદીને લઇને કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું હતું.” મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, જે રીતે પુરાણકાળમાં ભગીરથે ગંગા અવતરણનું કાર્ય કર્યું હતું. સી. આર. પાટીલ એ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે. ભગવાન શંકરે માથે જળ ચડાવ્યું, કૃષ્ણે ગોવર્ધન ઊંચક્યો વગેરે ધાર્મિક વાતો સાથે પાણીની મહત્તા સમજાવતા એમણે ગુજરાતની અસ્મિતાના પણ ખુબ વખાણ કર્યા. નદી જોડો ઝુંબેશમાં મધ્ય પ્રદેશ અવ્વલ હોવાનું કહીને મોહન યાદવે મધ્ય પ્રદેશને નદીઓનું પિયર ગણાવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, “એક ભારત શ્રેષ્ઠ ભારત માટે આપણે સૌ ભેગા થયા છીએ. અત્યારે અહીં ચાર રાજ્યના મુખ્યમંત્રી છે પણ હવે તમામ રાજ્યના મુખ્યમંત્રી એકત્ર થાય એવું કામ કરવાનું છે. આખા દેશને પ્રેરણા આપતા આ કાર્યક્રમથી વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે મોટું કામ થશે. વહી જતાં પાણીનું મેનેજમેન્ટ ખુબ જરૂરી છે. ભગવાન મહાવીર પણ કહેતા કે, પાણીને ઘીની જેમ વાપરવું જોઈએ.”
અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપની માથી મોટી માત્રા કોકેઈનવ ઝડપાવવાનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ મળતાની સાથે તંત્ર એક્શનમાં આવ્યુ હતું. પોલીસે કંપનીના 3 ડિરેક્ટરો સહિત 5 લોકોની અટકાયત કરી છે. આ પાંચેય આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ દિલ્હી લઈ જવામાં આવશે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5 હજાર કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠીયા, વિજય ભેસાણિયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય 2 કેમિસ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી મટીરિયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. અંકલેશ્વર કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીઓને દિલ્હી લઈ જવામાં આવશે.
આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું. દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલો પદાર્થ ગુજરાતના અંકલેશ્વર GIDC વિસ્તારની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13,000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
મુંબઈ: અજિત પવારના NCP જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાથી બૉલિવૂડમાં પણ બધાને આઘાત લાગ્યો છે. મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં બાબા સિદ્દીકીની નિર્મલ નગર ઓફિસની સામે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ ઘાયલ બાબા સિદ્દીકીને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. બાબા સિદ્દીકીના માત્ર રાજકારણીઓ સાથે જ નહીં પરંતુ બોલિવૂડ સાથે પણ સારા સંબંધો હતા. ચાલો જાણીએ કે બાબા સિદ્દીકી બોલિવૂડમાં પણ કેમ બધાના પ્રિય હતાં.
સંજય દત્ત અને બાબા સિદ્દીકી વચ્ચેની મિત્રતા બધાએ જોઈ છે, પરંતુ તેમની મિત્રતા પહેલા પણ બાબા સિદ્દીકી બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતાની ખૂબ નજીક હતા અને તે અભિનેતા બીજું કોઈ નહીં પણ સંજય દત્તના પિતા સુનીલ દત્ત હતા. બાબા સિદ્દીકી સુનીલ દત્તને પોતાના ગુરુ માનતા હતા. સુનીલ દત્ત સાથે કાર્યકર્તા તરીકે કામ કરનાર આ પ્રખ્યાત રાજકારણી અવારનવાર ચૂંટણી રેલીઓમાં હાજરી આપતી સેલિબ્રિટીઓને મળતા હતાં. જો કે તે સમયે તેની કોઈ સેલિબ્રિટી સાથે મિત્રતા નહોતી. પરંતુ તેને બોલિવૂડની આ દુનિયા ગમવા લાગી.
બાબા સિદ્દીકી સલમાન ખાનના પાડોશી હતા
બાબા સિદ્દીકીની રાજકીય કારકિર્દી સુનીલ દત્તના કારણે શરૂ થઈ હતી. આ દરમિયાન તેની સંજય દત્ત સાથે મિત્રતા પણ થઈ ગઈ. સંજય દત્ત સાથેની મિત્રતા બાદ બાંદ્રાના ‘બાબા’ના મિત્ર અને તેના પાડોશી સલમાન પણ બાબા સિદ્દીકીના ફિલ્મી મિત્રોની યાદીમાં જોડાયા અને ધીમે ધીમે ઘણા સ્ટાર્સ આ મિત્રોની યાદીમાં જોડાવા લાગ્યા. બાબા સિદ્દીકીના ‘ફિલ્મી’ મિત્રો, જેમણે રાજનીતિમાં મોટી સફળતા બતાવી છે, તેઓ અવારનવાર તેમની ઇફ્તાર પાર્ટીઓમાં હાજરી આપે છે. આ ઈફ્તાર પાર્ટી પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે.
જાણો શા માટે શરૂ થઈ ઈફ્તાર પાર્ટી
હકીકતમાં, મોટાભાગે મુસ્લિમ લોકો તે વિસ્તારમાં રહેતા હતા જ્યાંથી બાબા સિદ્દીકીએ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં આ કામ લોકોને ઈફ્તાર ખાવાનું વિતરણ કરીને શરૂ કર્યું અને પછી બાબા સિદ્દીકીએ લોકોને ઈફ્તાર ખાવાનું વિતરણ કરવાની સાથે પોતાના નજીકના લોકો માટે ‘ઈફ્તાર પાર્ટીઓ’નું આયોજન કરવાનું શરૂ કર્યું. સંજય દત્ત અને સલમાન ખાન જેવા મોટા ચહેરાઓને ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપતા જોઈને અન્ય સ્ટાર્સે પણ શોમાં ભાગ લેવા માટે રસ દાખવવાનું શરૂ કર્યું હતું.
બાબા સિદ્દીકીએ શાહરૂખ અને સલમાન વચ્ચેના સમાધાનમાં પણ મદદ કરી હતી, જેમણે પાંચ વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. શરૂઆતમાં મિત્રો સાથે એન્જોય કરવાના ઈરાદાથી શરૂ થયેલી ઈફ્તાર પાર્ટી ધીમે ધીમે એક બ્રાન્ડ બની ગઈ. પરંતુ આજે પણ બાબા સિદ્દીકી અને તેમના પુત્ર જીશાન સિદ્દીકી આ પાર્ટીમાં હાજરી આપનાર દરેકને ખૂબ જ પ્રેમથી મળે છે. બાંદ્રામાં રહેતી સેલિબ્રિટી ઘણીવાર તેમની સમસ્યાઓ માટે બાબા સિદ્દીકીને મળતી હતી અને આ જ કારણ છે કે બાબા સિદ્દીકીએ દરેકને મદદ કરવાના તેમના સ્વભાવને કારણે બોલિવૂડમાં દરેક તેને પસંદ કરતા.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના સાકર મિલ ખાતાના મંત્રી સંજય સિંહ ગંગવારે એક અજીબોગરીબ દાવો કર્યો છે. તેમનો દાવો છે કે ગૌશાળાની સાફસફાઈ કરવાથી અને ત્યાં ઊઠવા, બેસવા અને સૂવાથી કેન્સરના દર્દી ઠીક થઈ જશે. આ સિવાય ગાયને હાથ ફેરવવાથી બ્લડ પ્રશરની દવા પણ અડધી થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.
પીલીભીતના નૌગવા પકડિયામાં રૂ. 55 લાખના ખર્ચે એક ગૌશાળા બનાવવામાં આવી છે. એનું નામ કાન્હા ગૌશાળા રાખવામાં આવ્યું છે. ગૌશાળાના ઉદઘાટન પછી સંજય સિંહ ગંગવાલે સામાન્ય જનતાને સંબોધિત કરી હતી. એ દરમ્યાન તેમણે કેન્સર અને BPથી સંબંધિત રોગોને ઠીક કરવા સહિતના અનેક દાવા કર્યા હતા.
#पीलीभीत में राज्य मंत्री संजय सिंह गंगवार ने 55 लाख रुपये की लागत से बनी गौशाला का उद्घाटन किया। इस कार्यक्रम में नगर पंचायत नौगवा पकड़िया की अध्यक्ष भी मौजूद रहीं। उद्घाटन के दौरान मंत्री संजय सिंह गंगवार ने न केवल गौशाला की महत्ता पर जोर दिया, बल्कि कैंसर से बचने के उपायों पर… pic.twitter.com/ez4oDhvmeP
જો કોઈ બ્લડ પ્રેશરનો દર્દી છે તો એ અહીં આવે. તેણે સવાર-સાંજ ગાયની પીઠ પર હાથ ફેરવવો જોઈએ. તેની સેવા કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર માટે દવાની 20 મિલિગ્રામનો ડોઝ લઈ રહ્યો છે. તો એ 10 દિવસોમાં બ્લડ પ્રેશરની દવા અડધી થઈ જશે. જો કેન્સરનો દર્દી ગૌશાળામાં સાફસફાઈ શરૂ કરી દે અને ત્યાં સૂવાનું શરૂ કરે તો કેન્સરની બીમારી ઠીક થશે. ગાયના છાણના છાણાં સળગાવવાથી મચ્છરોથી રાહત મળે છે. ગાય જે કંઈ પેદા કરે છે, એનાથી કોઈ ને કોઈ પ્રકારે ઉપયોગી હોય છે.
ખેડૂતોએ રખડતા પશુને અમારા ખેતરમાં છોડી દે, જેથી એ પશુ અમારા ત્યાં ચરે. તેમણે ગાયને માતા સંબોધતાં કહ્યું હતું કે આપણે આપણી માતાની જેમ ગાયની પણ સેવા કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ગુજરાતમાં વધતા ટ્રાફિક સાથે ગ્રીન કવર ઘટી રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વૃક્ષ વાવેતર વધારવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સરકાર એક તરફ વૃક્ષ વાવેતરની સુફિયાણી સલાહ આપે છે. પરંતુ તેની અમલવારીમાં પોતે જ નબળી પુરવાર થાય છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં ગેરકાયદે વૃક્ષ નિકંદન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ગુજરાતના પર્યાવારણ ખાતાને નોટિસ પાઠવી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં આવેલા 77 હેક્ટર જંગલને જોખમ હોવાને મામલે એનજીટીએ સુઓમોટો દાખલ કરી છે. એનજીટીની બેન્ચના ચેરપર્સન જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ‘અમારી પાસે જે અહેવાલની વિગત આવી છે તેના અનુસાર આ જંગલમાં 700 વિવિધ પ્રકારના વૃક્ષો છે. આ ઉપરાંત તે પ્રાણીઓની વસાહતથી પણ નજીક છે. વિકાસની આંધળી દોટમાં તેને પણ નુકસાન થઈ શકે છે. શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો છે. આ બાયોડાઇવર્સિટી પાર્ક રિવરફ્રન્ટ એક્સ્ટેન્શન પ્લાનનો જ એક ભાગ છે.’ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની લીગલ એક્સપર્ટ કમિટી દ્વારા પર્યાવરણના નિયમોના ઉલ્લંઘન થયાનું નોંધવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર પાસેથી ખુલાસો માગવામાં આવેલો છે. 18મી નવેમ્બર પહેલા જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. આ કેસમાં આગામી સુનાવણી 18મી નવેમ્બરે યોજાશે.
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક મહિનામાં બે લોકપ્રિય હોસ્પટલની સિસ્ટમની ખામીઓનો લાભ લેવામાં આવ્યો હતો અને કિડની પ્રત્યારોપણનાને નામે બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે એક સર્જન ડોક્ટર સહિત 10 આરોપીઓની સિન્ડિકેટની ધરપકડ કરી છે.
દિલ્હી-NCRમાં 50 વર્ષીય સર્જન ડો. વિજ્યા રાજકુમારીએ છેલ્લાં ત્રણ વર્ષોમાં નોએડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલમાં 20થી 25 બંગલાદેશી રોગીઓમાં કિડની પ્રત્યારોપણ કર્યાં હતાં.
પોલીસે પહેલી જુલાઈએ સર્જન ડોક્ટરની ધરપકડ કરી હતી. જોકે તેઓ જામીન પર બહાર છે. કોર્ટમાં તેમણે બધા આરોપોનો ઇનકાર કર્યો હતો. પોલીસે 2018થી 2024 સુધી નોએડાની એપોલો અને યથાર્થ હોસ્પિટલમાં બંગલાદેશી રોગો પર કરવામાં આવેલા 125થી 130 કિડની પ્રત્યારોપણની વિગતો માગી છે.
પોલીસે ધરપકડ કરેલા લોકોમાં બે બંગલાદેશના નાગરિક પણ સામેલ છે અને ભારતના મેડિકલ ટુરિઝમમાં કામ કરતા એક ટ્રાન્સલેટર પણ સામેલ છે. દિલ્હી પોલીસે રેકેટનો ભાંડો ફોડ્યો છે. આરોગ્ય મંત્રાલયે એપ્રિલમાં વિદેશીઓ માટે અંગ પ્રત્યારોપણથી સંબંધિત એક ચેતવણી પણ જારી કરી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસ સક્રિય થઈ હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં 17 જૂને આ કેસને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ દિલ્હી પોલીસે ચાર્જશીટ તૈયાર કરી હતી. દિલ્હી હાઇકોર્ટે 23 ઓગસ્ટે ડોક્ટર રાજકુમારીને જામીન આપ્યા હતા. નોએડામાં એપોલો હોસ્પિટલ અને દિલ્હી ઇન્દ્રપ્રસ્થ એપોલો હૈદરાબાદ સ્થિત એપોલો ગ્રુપની હોસ્પિટલ્સનો હિસ્સો છે. આ કેસમાં અન્ય આરોપી પણ જામીન પર બહાર છે.