અમદાવાદ:ગુજરાત હાઈકોર્ટમાં વધુ ત્રણ જર્જની નિમણૂક માટે સુપ્રીમ કોર્ટેની કોલેજીયમે થોડા સમય પહેલા ભલામણ કરી હતી. આ ભલામણને અનુસંધાનમાં કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં નવા ત્રણ જર્જનો ઉમેરો કરવાની સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. જેને પગલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી. એન. રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક કરાઈ છે. આ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક સાથે ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વિશે જાહેરનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સાથે સલાહ બાદ ત્રણ વકીલોને હાઇકોર્ટ જજ તરીકે નિયુકત કરવા બાબતની ભલામણ 22 ડિસેમ્બર, 2023ના દિવસે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવી હતી. જે બાદ ઑગસ્ટ 2024માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી. આર. ગવઈની કોલેજીયમે આ નામોને લઈને જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા મટીરીયલ્સ, દસ્તાવેજો સહિતની બાબતોની ચકાસણી કરાઈ હતી અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની ફાઇલમાં કરાયેલા તારણોને ધ્યાને લેવાયા હતાં. સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા કરાયેલી આ ભલામણનો કેન્દ્ર સરકાર દ્વારા આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે, અને રાષ્ટ્રપતિ દ્વારા સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી. એન. રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. જે અંગે કેન્દ્રએ સત્તાવાર જાહેરનામું પણ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)એ ઓક્ટોબરની બેઠકમાં રેપો રેટમાં કોઈ કાપ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. બેન્કે વ્યાજદર 6.5 ટકા પર યથાવત્ જાળવી રાખ્યા છે. જેથી હોમ લોનના દરોમાં કોઈ ફેરફાર નહીં થાય. આ સાથેમ RBIએ વલણ બદલીને ન્યુટ્રલ કરી દીધું છે.
RBIએ FY25 માટે રિટેલ મોંઘવારી દરનો અંદાજ 4.5 ટકા રાખ્યો છે. આ સાથે 2025ના બીજા ત્રિમાસિક માટે 4.1 ટકા, ત્રીજા ત્રિમાસિક માટે 4.8 ટકા, ચોથા ત્રિમાસિક માટે 4.2 ટકા અને 2026ના પહેલા ત્રિમાસિક માટે 4.3 ટકા રાખ્યો છે.ગવર્નર શક્તિકાંત દાસે વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે GDPનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને સાત ટકા કર્યો છે, જ્યારે Q3 માટે 7.3 ટકાથી વધારીને 7.4 ટકા અને Q4 માટે 7.2 ટકાથી વધારીને 7.4 ટકા અને 2026ના પહેલા ત્રિમાસિક માટે GDPનો અંદાજ 7.3 ટકા રાખ્યો છે.
Monetary Policy Statement by Shri Shaktikanta Das, RBI Governor – October 09, 2024, at 10 am https://t.co/qH6y2PRPrS
RBI ગવર્નરે 7મી ઓક્ટોબરથી શરૂ થયેલી MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું કે આ વખતે MPCમાં ત્રણ નવા સભ્યો જોડાયા છે. વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં રાખતાં બેઠકમાં છમાંથી પાંચ સભ્યોએ વ્યાજના દરો યથાવત રાખવા સહમતી આપી હતી. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હોવા છતાં દેશમાં ફુગાવાને કાબૂમાં કરવામાં સફળ રહ્યા છે. આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતા વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
RBI દ્વારા રેપો રેટ 6.5 ટકાના સ્તરે જાળવી રાખતાં લોન EMIમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. એમસીએલઆર પર આપવામાં આવતી લોનના વ્યાજદરોમાં હાલ કોઈ વધ-ઘટ નહીં થાય.
વિશ્વ પોસ્ટ દિવસ (World Post Day) દર વર્ષે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે, જે યુનાઇટેડ નેશન્સનું એક વિશિષ્ટ સંગઠન છે, જેની સ્થાપના 1874 માં કરવામાં આવી હતી.
વિશ્વ પોસ્ટ દિવસનો હેતુ ટપાલ સેવાઓના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરના લોકોને જોડવામાં ટપાલ સેવાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને ઓળખવાનો છે. આ દિવસ પોસ્ટલ સેવાઓના ઇતિહાસ, તેમની પ્રગતિ અને સમાજમાં તેમના યોગદાનની ઉજવણી કરવાની તક પણ પ્રદાન કરે છે, આ દિવસે વિવિધ દેશોમાં પોસ્ટલ સ્ટેમ્પનું પ્રદર્શન, ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવામાં આવે છે. અને ટપાલ સેવાઓ વિશે જાગૃતિ અભિયાન.
9 થી 15 ઓક્ટોબર સુધી રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ
ભારતમાં દર વર્ષે 9 થી 15 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણીનો હેતુ ભારતીય ટપાલ વિભાગના યોગદાનથી સામાન્ય લોકોને વાકેફ કરવાનો છે. અઠવાડિયાના દરેક દિવસે જુદા જુદા દિવસો ઉજવવામાં આવે છે. 10મી ઓક્ટોબરે સેવિંગ્સ બેન્ક ડે, 11મી ઓક્ટોબરે PLI ડે, 12મી ઑક્ટોબરે ફિલાટેલિક ડે, 13મી ઑક્ટોબરે ટ્રેડ ડે, 14મી ઑક્ટોબરે ઈન્સ્યોરન્સ ડે અને 15મી ઑક્ટોબરે મેલ ડે ઉજવવામાં આવે છે. સેવિંગ્સ ડે પર, ગ્રાહકોને પોસ્ટલ સેવિંગ્સ સ્કીમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે.
પોસ્ટલ ડે પર શ્રેષ્ઠ કર્મચારીને એવોર્ડ આપવામાં આવે છે
ગ્રાહકોને જણાવવામાં આવે છે કે કઈ બચત યોજના નફાકારક છે. પોસ્ટલ વીક ડેનો ઉદ્દેશ્ય ગ્રાહકોમાં ટપાલ વિભાગના ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરવાનો, તેમને જાગૃત કરવાનો અને પોસ્ટ ઓફિસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે. પોસ્ટલ ડે પર વધુ સારું કામ કરનારા કર્મચારીઓને ઈનામ પણ આપવામાં આવે છે.
મનની ઉપર જે પાંચ પરિબળોનો પ્રભાવ પડે છે તેમના વિશે જોઈએ: સ્થળ, સમય, આહાર, ભૂતકાળની મન પર પડેલી છાપો, સંગતિ તથા કર્મો.
સ્થળ: તમે જ્યાં છો તે જગ્યા. તમે જ્યાં હોવ તે દરેક સ્થળની મન ઉપર અલગ અલગ અસર પડે છે. તમારા ઘરમાં પણ તમે જોશો તો અલગ અલગ ઓરડાઓમાં તમને અલગ અલગ ભાવ ઉપજે છે. જે સ્થળે ગાયન, મંત્રજાપ અને ધ્યાન થતા હોય છે તેની મન પર એક અલગ જ અસર પડે છે.
સમય: સમય પણ એક પરિબળ છે. દિવસ અને વર્ષ દરમિયાન અલગ અલગ સમયનો મન પર અલગ અલગ પ્રભાવ પડે છે.
આહાર: તમે જે વિવિધ આહાર લો છો તેની તમારા પર થોડા દિવસો સુધી અસર રહે છે.
ભૂતકાળની મન પર પડેલી છાપો: કર્મોનો મન પર અલગ અલગ પ્રભાવ હોય છે. સજગતા, સાવધાની, જ્ઞાન અને ધ્યાન આ બધા ભૂતકાળની અસરોને નષ્ટ કરવામાં સહાય કરે છે.
સંગતિ અને કર્મો: તમે જે લોકો અને ઘટનાઓ સાથે સંકળાયેલા હોવ છો તેનો તમારા મન પર પ્રભાવ પડે છે. કેટલાક લોકોની સંગતિમાં તમારું મન અમુક પ્રકારે વર્તે છે જ્યારે બીજાઓ સાથે અલગ રીતે.
આ પાંચ પરિબળોનો જીવન તથા મન પર પ્રભાવ હોવા છતાં એ સમજી લો કે તમારી ચેતના ઘણી વધારે પ્રબળ છે. તમે જ્ઞાનના માર્ગે વિકાસ કરો છો તેમ તેમ તમે તે બધા પર પ્રભાવ પાડતા થશો.
અસ્વસ્થતા: હવે આપણે અસ્વસ્થતાના પ્રકારો અને તેના ઉપાયો વિશે જોઈએ.અસ્વસ્થતા પાંચ પ્રકારની હોય છે.
પહેલી છે તમે જે સ્થળ પર છો તેના લીધે. તમે જ્યારે તે સ્થળ, ગલી કે ઘરથી દૂર જતા રહો છો તો તમને તરત સારું લાગવા માંડે છે. મંત્રજાપ, ગાયન, બાળકોનું રમવું અને હસવું આ વાતાવરણીય અસ્વસ્થતાને બદલી શકે છે. જો તમે તે સ્થળે મંત્રજાપ કરો છો અને ગાવ છો તો તે સ્થળના સ્પંદનોમાં પરિવર્તન આવે છે.
બીજા પ્રકારની અસ્વસ્થતા શરીરમાં હોય છે. અયોગ્ય પ્રકારનું ભોજન અથવા અયોગ્ય સમયે કરવામાં આવેલું ભોજન, વ્યાયામનો અભાવ અને અતિશય કામ- આ તમામ શારીરિક અસ્વસ્થતા કરી શકે છે. આનો ઉપાય છે વ્યાયામ કરવો, કામ કરવામાં મધ્યમ માર્ગ અપનાવવો. એક કે બે દિવસ માટે ફળ-શાકભાજી અથવા તેમના રસનું ભોજન કરવું.
ત્રીજા પ્રકારની અસ્વસ્થતા એ માનસિક અસ્વસ્થતા છે. તે મહત્વકાંક્ષા, પ્રબળ વિચારો તથા ગમા-અણગમાને લીધે થાય છે. આ પ્રકારની અસ્વસ્થતાનો એક માત્ર ઉપાય છે જ્ઞાન: જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણથી જોવું. આત્મા વિશે સમજણ અને બધું અનિત્ય છે તે સભાનતા. તમારા મૃત્યુ કે જીવન વિશેનું જ્ઞાન. આત્મવિશ્વાસ તથા ઈશ્વરમાં શ્રદ્ધા માનસિક અસ્વસ્થતાને શાંત પાડી શકે છે.
ચોથા પ્રકારની અસ્વસ્થતા ભાવનાત્મક હોય છે. આ પ્રકારમાં કોઈ પણ જ્ઞાન સહાયરૂપ નીવડતું નથી. સુદર્શન ક્રિયા મદદ કરે છે! તમામ ભાવનાત્મક અસ્વસ્થતા અદ્રશ્ય થઈ જાય છે. ઉપરાંત, ગુરુ, જ્ઞાની અથવા સંતની ઉપસ્થિતિ તમારી ભાવનાત્મક અસ્વસ્થતાને શાંત પાડવામાં મદદ કરે છે.
પાંચમા પ્રકારની અસ્વસ્થતા જવલ્લે જોવા મળે છે. તે છે ચેતનાની અસ્વસ્થતા. જ્યારે બધું પોકળ અને અર્થહીન જણાય છે ત્યારે જાણો કે તમે બહુ સદ્ભાગી છો. તેમાંથી બહાર આવવા પ્રયત્ન ના કરો. તેને વળગીને રહો! માત્ર ચેતનાની આ અસ્વસ્થતા જ તમારામાં યથાર્થ પ્રાર્થના જન્માવી શકે છે. તે જીવનમાં સંપૂર્ણતા અને ચમત્કાર લાવે છે. ઈશ્વર માટેની એ તીવ્ર તડપ આવવી બહુ મહામૂલી છે. સત્સંગ, આત્મસાક્ષાત્કાર પામેલી વ્યક્તિની ઉપસ્થિતિ ચેતનાની અસ્વસ્થતાનું શમન કરે છે. ઈશ્વરને આકાશમાં ક્યાંક ના શોધો, પરંતુ નયનોની દરેક જોડીમાં, કુદરતમાં અને પ્રાણીઓમાં તેને જુઓ. તમારા પોતાનામાં ઈશ્વરને જુઓ. માત્ર ઈશ્વર જ ઈશ્વરની આરાધના કરી શકે છે.
સજગતામાં વૃધ્ધિ તમને વાસ્તવિકતાની નજીક લાવે છે. એ વૃધ્ધિ માટે તમારે પ્રાણશક્તિ વધારવી પડે. (1) ઉપવાસ, તાજો ખોરાક (2) પ્રાણાયામ, સુદર્શન ક્રિયા, ધ્યાન (3) મૌન (4) ઠંડા પાણીથી સ્નાન (5) નિંદ્રાધીન ના થવું (6) ભાવનાત્મક પરાકાષ્ઠા (7) ગુરુની ઉપસ્થિતિ (8) ગાયન અને મંત્રજાપ (9) દાનકર્તાની ભાવના વગર આપવું અને કર્તાપણા વગર સેવા કરવાથી વધે છે. આ તમામ સમગ્રપણે હોય ત્યારે યજ્ઞ કહેવાય.
જ્યારે તમને સમસ્ત વિશ્વ માટે આદર હોય છે ત્યારે તમે તેની સાથે સંવાદિત હોવ છો. એ પછી તમે આ વિશ્વની કોઈ ચીજનો અસ્વીકાર નથી કરતા અથવા ત્યજી નથી દેતા. જ્યારે તમને તમારા બધા સંબંધો માટે સન્માન હોય છે ત્યારે તમારી પોતાની ચેતના વિસ્તૃત થાય છે. એ પછી એક નાની વસ્તુ પણ અગત્યની અને મોટી જણાય છે. દરેક નાનુ પ્રાણી પણ ગૌરવવંતુ દેખાય છે. તમારા જીવનની દરેક ક્ષણ સન્માનસહ હોય તેવું કૌશલ્ય કેળવો.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવલા નોરતામાં મા શક્તિની આરાધના ફરાળી સુખડીના પ્રસાદ સાથે કરી લો!
સામગ્રીઃ
રાજગરાનો લોટ 1 કપ
ઘી 1 કપ
ગોળ ½ કપ
સૂકા મેવાની કાતરી 2 ટે.સ્પૂન
મલાઈ 2 ટે.સ્પૂન અથવા મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન
રીતઃ ગોળને ઝીણો સમારી લો.
એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ ગુલાબી રંગનો શેકી લો. ગેસની આંચ મધ્યમ રાખો. લોટ શેકાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી લો. હવે તેમાં મલાઈ અથવા મિલ્ક પાઉડર મેળવીને 2 મિનિટ તવેથા વડે હલાવો.
2-3 મિનિટ બાદ લોટ થોડો ઠંડો થાય, તેમાંથી વરાળ નીકળતી બંધ થાય એટલે સમારેલો ગોળ મેળવો. થોડીવારમાં તેમાં ગોળ ઓગળી જાય એટલે એક થાળીમાં ઘી ચોપળીને મિશ્રણ પાથરીને તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી ઉપરનું આવરણ એકસરખું પ્લેન કરી લો. ઉપરથી સૂકા મેવાની કાતરી ભભરાવી દો. 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે ચોસલા પાડીને 15-20 મિનિટ માટે સુખડી ઠરવા દો.
જન્મ કામલીમાં (સિધ્ધપુર પાસે), વતન ઉત્તર ગુજરાતના કડી તાલુકાનું આનંદપુરા ગામ. હોળીના દિવસે તેમનો જન્મ થયો હોવાથી તેમનું નામ પ્રહલાદ રાખ્યું હતું. પાંચ ભાઈ અને એક બહેનનો સામાન્ય પરિવાર. પિતા સુથાર હતા પણ તેમને ગણિતનો બહુ શોખ હતો, ગણિતમાં 100માંથી 100 માર્ક આવતા! પ્રહલાદભાઈ ચાર ધોરણ સુધી ગામમાં જ ભણ્યા. પાંચથી આઠ ધોરણ અને આગળ ભણવા રેલ્વે સ્ટેશન ડાંગરવા ઓળંગી બે કિલોમીટર ધૂળિયા રસ્તે પગે ચાલી જતા. અભ્યાસ બાદ તેમને શિક્ષક થવાનું મન હતું, પણ વડીલોની સલાહ માની પ્રહલાદભાઈએ સરકારી નોકરી સ્વીકારી, છ બદલી થઈ! ₹90ના પગારથી નોકરીની શરૂઆત કરી. સમયનો સદુપયોગ અને થોડી કમાણી કરવા માટે ફોટો-સ્ટુડીઓનું કામ, કલર-કામ, સુથારી-કામ, મોડેલિંગનું કામ શીખ્યા અને ઘણું કામ કર્યું. નોકરી માટે આવવા-જવામાં સમય ઘણો લાગતો હતો ત્યારે નાના ગામની મોટી લાઇબ્રેરીનો ઉપયોગ કરી ઘણું વાંચન કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્ત થયાને 24 વર્ષ થઈ ગયા છે. બે કમાઉ દીકરા છે, તેઓ નાના દીકરા-વહુ સાથે રહે છે. જીવન મોજમાં જીવી રહ્યા છે! ઘરનાં લોકો તેમનું બહુ ધ્યાન રાખે છે. ચાર વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થયું. તેમણે છેલ્લાં આઠ વર્ષમાં આઠ બાળ ઉપયોગી પુસ્તકો લખ્યાં છે.
શોખના વિષયો :
લખવાનું અને વાંચવાનું (ધાર્મિક વાંચન) ગમે. ચિત્ર કરવાનો અને બિલ્ડીંગના મોડેલિંગ કરવાનો શોખ. વડીલોની ટોળકીમાં મિત્રોની વર્ષગાંઠ પર કવિતા લખી આપવાનો નવો શોખ છે! બાકી તો “ચાલશે, ભાવશે અને ફાવશે”નો મંત્ર અપનાવ્યો છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે! કોઈ જાતનો રોગ નથી. શરીરનું દેહ-દાન કરેલું છે. સવાર-સાંજ કલાક પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની સાથે-સાથે કસરત પણ કરે છે. વડીલોની ટોળકી સાથે નાસ્તા-પાણી કરી પ્રસંગોની ઉજવણી કરે છે. સિનીયર સિટિઝન્સ ગ્રુપમાં તેમના કવિતા-સર્જનના શોખે તેમને નવી ઓળખ આપી છે!
યાદગાર પ્રસંગ:
મામાની મીઠી નજરે તેમની સાથે કારમાં બેસીને તેઓ કામે જતા. મામાના અને તેમના બાળકો કાર ચલાવતા શીખી ગયા પણ તેઓ ગાડી ચલાવતા શીખ્યા નહીં. ઘરની ગાડી હોવા છતાં કોઈના ભરોસે રહેવું પડે છે તેનું દુઃખ છે. ગાંધી-આશ્રમમાં તેમના પિતાએ અને તેમણે મોડલિંગનું ઘણું કામ કર્યું છે. આખા કેમ્પસનું મોડલ તેમણે બનાવ્યું હતું. હૃદયકુંજની સામે લાઈટ-એન્ડ-સાઉન્ડ શો બનાવતી વખતે તેમનું મોડલ ઘણું કામ આવ્યું. AUDAનો અત્યારનો લોગો મશીનરીના ઉપયોગ વગર હાથ કારીગરીથી તેમણે બનાવ્યો છે! પત્નીને નાકમાં છીંકણી ભરવાની ટેવ. પત્ની છીંકણી સુંઘવા ઘરની બહાર જાય એટલી વારમાં પ્રહલાદભાઈ તેમનું લેખન કાર્ય કરી લે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજી માટે તેઓ એકદમ પોઝીટીવ છે. પોતે તો શીખ્યા નથી પણ તેના ઉપયોગથી સુધારા-વધારા કરવાનું બહુ સહેલું પડે છે, જેનો સતત લાભ તેમને મળે છે. પરદેશ રહેતા સ્વજનો સાથે સતત સહેવાસમાં રહી શકાય છે. ગજબની ટેકનોલોજી છે એવું તેમને લાગે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાના સમયમાં લોકો પ્રસંગો ઉપર જરૂર ભેગાં થતાં, હવે રોજ ભેગાં તો થાય છે પણ મોબાઈલ પર! આમને-સામને મળવાનું ઓછું થઇ ગયું છે. યુવાનોનો મોટાભાગનો સમય મોબાઈલમાં જાય છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
આજની પેઢી સાથે તો સંકળાયેલા રહેવું જ પડેને? તેમને બે દીકરા, બે પૌત્ર, બે પૌત્રી અને એક પ્રપૌત્ર છે. તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે એટલે યુવાનોને મળવાનું થાય. બાળવાર્તાઓ લખે છે એટલે બાળકોને પણ મળવાનું થાય. મોટાભાગે મા-બાપ મોબાઇલમાંથી ઊંચા નથી આવતાં એટલે બાળકો તેમની વાર્તાઓ વાંચી સમય પસાર કરે છે!
સંદેશો :
વડીલો પોતાની તંદુરસ્તી સાચવે તે જરૂરી છે. સ્વાર્થ છોડી પરિવારનાં સૌ સાથે હળીમળીને રહેવું. દીવા અને અગરબત્તી સમા રહી સમાજ-સંસારે સોહામણા બનાય એ અગત્યનું છે. વ્યસનો છોડો. વાવેલું ઊગ્યે દુઃખી થઈ દુઃખી કરે તે કોઈને ના ગમે. આ વાત સલાહ ગણાવી કે સંદેશો તે વાચકો પર છોડીએ!
હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોચ્યો છે. હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કરાઇ છે. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે. જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી. પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેકટરી નાંખવાની જાહેરાત કરી હતી, ત્યારે હરિયાણાના પરિણામો બાદ સી.આર પાટીલે ઉજવણી કરી છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી છે.
હરિયાણા જીતને લઈ કેન્દ્રીય મંત્રી સી.આપ.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, આજે ફરીથી એક વખત જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપમાં અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ છે. હરિયાણાના મતદારોએ તે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે, અને સતત ત્રીજી વખત હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ ડબલ એન્જિન સરકારનો મજાક ઉડાવતા હતા, પરંતુ હરિયાણાના લોકોએ ત્રીજી વખત ભાજપને સત્તા સોંપી છે. વધુમાં સી.આર.પાટીલે હરિયાણાની જીત પર કહ્યું કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે. બંધારણમાં વિશ્વાસ મૂકીને વડાપ્રધાન મોદીએ સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે, તેની જીત છે. કોંગ્રેસના જૂઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો છે.
ભાજપ હેડ ક્વાર્ટર ખાતે તમામ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ જલેબી બનાવી હતી અને તમામ લોકોએ એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી હતી તો સુરતમાં પણ હરિયાણામાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપની જીત પર કાપડના વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કાપડ વેપારીઓએ ભાજપ જીત તરફ વળતા સેલિબ્રેશન કર્યું છે. કાપડના વેપારીઓએ પણ મીઠાઈ અને જલેબી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી છે.
કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આશરે 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં છે. આ બધા ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોએ આમરણ ઉપવાસ પ્રત્યે ટેકો અને એકજુટતા બતાવતાં પદ પરથી રાજીનામાં આપી દીધાં છે. સામૂહિક રીતે રાજીનામાં આપવાનો નિર્ણય મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના પ્રમુખોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલના બધા 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં પર હસ્તાક્ષર કર્યાં છે. એ જુનિયર ડોક્ટરો પ્રત્યે અમારી એકજુટતા વ્યક્ત કરવા માટે છે. જે પીડિતાના ઇન્સાફની લડાઈ લડી રહ્યા છે. NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે.રાજ્યના ડોક્ટરોના સંયુક્ત મંચે મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા મામલે ન્યાયની માગ કરી હતી. એ સાથે ભ્રષ્ટ આરોગ્ય સેવા પ્રણાલીને ખતમ કરવાની માગ કરી હતી. જુનિયર ડોક્ટરો તેમની માગને લઈને ચાર દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે.
Faculty of RG Kar Medical College mass resigns to ensure the safety of protesting doctors on indefinite hunger strike.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બે દિવસ પહેલાં થ્રેટ કલ્ચર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કમિટીએ મોટું પગલું ભર્યું હતું. આ કમિટીએ 10 ડોક્ટરો સહિત 59 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. એમાં ડોક્ટર, ઇટર્ન્સ, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફ સામેલ છે. આ ડોક્ટરો પર આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં રેગિંગનો મામલો પણ સામેલ છે.
વરિષ્ઠ ડોક્ટરોનાં સામૂહિક રાજીનામાં સરકાર માટે મોટો આંચકો સમાન છે. તેમણે તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે અમે અમારા સહયોગીઓ સાથે ઊભા છીએ અને તેમને સહયોગ આપવા આ પગલું ભર્યું છે.