Home Blog Page 1424

TRB જવાનોની હડતાળનો બીજો દિવસ, પોલીસ પર વધ્યું ભારણ

અમદાવાદ: ગઈકાલે ટ્રાફિક જવાનોની પોતાની પડતર માગોને લઈ હડતાલ પર ઉતાર્યા છે. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદમાં ફિક્સ નોકરી અને પગાવ વધારની માગને લઈને TRB જવાનો હડતાળ પર ઉતર્યા છે. નવરાત્રિના સમયે જ TRB જવાનો આંદોલન કરતા રાત્રિના સમયે ગરબે રમવા જતાં લોકોને ટ્રાફિકમાં અટવાવાનો વખત આવી શકે છે. ટીઆરબી જવાન હોય ત્યારે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ થતી હોય છે. પરંતુ અત્યારે ટીઆરબી જવાનો હડતાલ પર હોવાથી પોલીસ પર કામનું ભારણ વધ્યું છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 8 સ્પોટ વાહનચાલકો માટે મહાભારતના ચક્રવ્યુ સમાન થશે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ટીઆરબી જવાનો ભેગા થઇને હડતાળ પર બેઠા છે. અગાઉ પણ TRB જવાનોએ પગાર વધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી. જો કે, ચૂંટણી સમયે TRB જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાળ યોજવાનું આયોજન કર્યું છે. TRB જવાનોને રોજના રૂપિયા 300 લેખે મળતા પગારની સામે રૂપિયા 500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ મેડિકલ અને સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવાની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં અમદાવાદના 1600 TRB જવાનો સહિત રાજ્યભરના 10 હજાર જેટલા TRB જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે, જેથી ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે.

અમદાવાદ શહેરમાં સાંજથી જ નવરાત્રિના કારણે પશ્ચિમ વિસ્તારમાં ખૂબ જ લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. પોલીસની હાજરી હોવા છતાં ખૂબ જ લાંબો ટ્રાફિક થાય છે. એક તરફ ટીઆરબી જવાનો પોતાની ફિક્સ નોકરી અને પગાર વધારાની લઈને હડતાળ પણ ઉતરે છે. બીજી તરફ ટ્રાફિક જામના કારણે માત્ર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ ટ્રાફિકનું નિરાકરણ કરાવવું પડી રહ્યું છે, જેને લઈને પોલીસ માટે પણ એક સમસ્યા ઊભી થઈ છે. ટીઆરબી જવાન હોય તો અલગ-અલગ પોઇન્ટ પર પોલીસને પણ ટ્રાફિકની કામગીરી હળવી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ ટીઆરબી જવાનોની હડતાલને લઈને પોલીસ ઉપર પણ કામનું ભારણ વધ્યું છે.

આ બહેનોએ ઉજવી દિવાળી પહેલાં જ દિવાળી

સુરત: હજીરાના કાંઠા વિસ્તાર અને ઉમરપાડાના કોટવાળિયા સમાજની બહેનોએ અમદાવાદ અને સુરતમાં પોતાની હસ્તકળાનું પ્રદર્શન કર્યું. તેમણે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ બે મેળામાં બહેનોએ પોતાની હસ્તકળાના નમૂના વેચીને બહેનોએ સારી આવક મેળવી છે.

અદાણી ફાઉન્ડેશનના ઉપક્રમે ભારતની વિવિધ કલા અને સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યના વારસાને ઉજાગર કરતો ’સથવારો’ મેળો અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી બેલ્વેડેરે ગોલ્ફ એન્ડ કાઉન્ટી ક્લબમાં યોજાયો હતો. એ પછી સુરતમાં સ્નેહ સંકુલ વાડી ખાતે સર્વોદય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બંને મેળામાં અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી વાંસવા, દામકા, બરબોધન, અંભેટા અને ઉમરપાડાના સાદરાપાણીના પાંચ મહિલા સ્વસહાય જૂથોએ પોતાની હસ્તકળાના નમૂના વેચાણ કરીને બહુ સારી આવક મેળવી હતી. અમદાવાદ ખાતે બહેનોના સ્ટોલ ઉપરથી અદાણી પરિવાર અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબેન અદાણીએ પણ મુલાકાત લઈને ખરીદી કરી હતી.ચણિયાચોળી, ફેબ્રિક જ્વેલરી, ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, મીણબત્તીઓ, કોસ્ચ્યુમ જ્વેલરી અને વાંસની બનાવટના કલાત્મક નમૂના પ્રદર્શિત કર્યા હતા. આ સ્વસહાય જૂથોને ગ્રાહકો સાથે સીધો સંપર્ક અને વેપાર વધારવાનો અનોખો અવસર મળ્યો, તેમની કલા રજૂ કરવાની અને વેચાણ કરવાની તક મળી હતી. અદાણી ફાઉન્ડેશનના સહયોગથી, આ મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો અને તેમણે પેકેજિંગ, માર્કેટિંગ, કિંમતો અને પ્રોડક્ટની પ્રેઝન્ટેશન અંગેની નવી શીખ મેળવી.પ્રદર્શનમાં ભાગ લેનારી બહેનોના આ સ્વસહાય જૂથોએ બે લાખથી વધુનું વેચાણ કરીને દિવાળી પહેલા જ સારી આવક મેળવી છે. આ કાર્યક્રમ સ્થાનિક હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની દિશામાં મક્કમ પગલું છે, જેનાથી સ્વસહાય જૂથોને વધુ તક મળતી રહેશે અને તેઓની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ

અમદાવાદ: ગુજરાત આખામાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં પાર્ટી પ્લોટનો રંગ જામ્યો છે. ગરબાના સમય દરમિયાન શહેરમાં લાંબો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે. જોકે, ખેલૈયાઓની આ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મોટો નિર્ણય લીધો છે. જેમાં નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોન શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આ વિશે જાહેરાત કરી છે.

નવરાત્રિના પાંચ નોરતા પૂરા થઈ ચુક્યા છે. જોકે, આ દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પોલીસની પણ કડક વ્યવસ્થા છતાં જોઈએ તેવો પ્રતિસાદ ન મળતાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવસ-રાત ધમધમતા એસજી હાઇવે પર પણ જાહેરનામાં મુજબ રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વાહનોને પ્રવેશ મળી શકશે નહીં. ઉલ્લેખનીય છ કે, 33 પેસેન્જરથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો જ શહેરમાં અવરજવર કરી શકશે. પરંતુ ભારે વાહન જેવા કે ટ્રેક્ટર, ટોલી અને 33થી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો પર નવરાત્રિ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને એન્ટ્રી આપવામાં આવતી હતી. જેમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવાયો છે. જે વાહનચાલક કે માલિકો નિયમનો ભંગ કરશે તેમની સામે પોલીસ ગુનો નોંધી વાહન જમા લઇને વધુ કાર્યવાહી કરશે.

શક્તિની આરાધના અને યુવતીઓનાં પરિધાન…

નવલી નોરતાની રાત છે અને ચાંદલીયો આકાશમાં ચમકી રહ્યો છે નિશા પણ રોજની જેમ લાંબા લચક કેડીયા વાળી પ્યોર ગામઠી ચણિયાચોળી પહેરીને ગરબે રમવા તૈયાર થઈ રહી છે. ત્યાં જ એની પાડોશમાં રહેતી સખી સવી પણ આવી પહોંચે છે. નીશાને જોઈને કહે છે કે યાર આ શું આજે પણ તે તો બંધ ગળાનું કેડિયું પહેર્યુ છે? તને ગરબા રમતા ગભરામણ નથી થતી? ત્યારે નિશા હસીને કહે છે કે જો દોસ્ત દરેક વ્યક્તિની પોતાની પસંદ છે. સાચું કહું તો હું તો આ બંધ ગળાના કેડિયા અને પરફેક્ટ ઓઢણી ન નાંખુ ત્યાં સુધી ગરબા રમવામાં અનકમ્ફર્ટેબલ ફિલ કરું છુ. ત્યાં સવીએ એના વિચારોને ગામડિયા કહી ટકોર કરી કે શું યાર હવે તો બેકલેસનો યુગ છે, એમાં વળી તું ક્યાં આવી વાતો લઈને બેસી ગઈ.

ફરી નિશા બોલી યુગ ગમે એ હોય, વાત માતાની ભક્તિની અને સાથે જ ગરબા રમવાની છે. મને નથી સારું લાગતું કે હું ગમે એવા શરીર દેખાતા વસ્ત્રો પહેરીને ગરબા રમવા નીકળું, મે કહ્યુંને પોત પોતાના વિચારો છે. કોઈના વિચારોને હું કંટ્રોલ ન કરી શકું પણ હા, મને એટલું જરૂર થાય કે ગરબા રમવા વગર કામની ફેશન કરવાની કોઈ જરૂર નથી. તમે કેવા લાગો છો એના કરતા તમે કેટલા કમ્ફર્ટેબલ છો એ મારા માટે વધારે મહત્વનું છે.

હવે ચાલ મોડું થશે..એમ કહેતા બંને સખી ગરબે રમવા નીકળી..

જો કે સવાલ હજુ પણ એ જ છે કે ખરેખર બેકલેસ ચોલી, જીન્સની સાથે જુદી-જુદી રીતે શોર્ટ ટોપ, કે પછી શરીર દેખાતા વસ્ત્રો પહેરીને ગરબે રમવા જવું એ જરૂરી છે? કે પછી ફેશનના નામે કંઈ પણ પહેરવાની આ ખોટી રીત છે? હકીકતમાં નવરાત્રિ શક્તિની આરાધનાનું પર્વ છે. એમાં ગમે એવા વસ્ત્રો પહેરવા કેટલા યોગ્ય?

જો કે આ દરેક વ્યક્તિની અંગત પસંદ છે, કે એમને શું પહેરવું અને શુ ન પહેરવું.

 નવલી નવરાત્રિ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ

‘Reth the real ethnic ‘ (રીથ ધ રીયલ એથનિક) બુટીક ઓનર રેનાબહેન સુથાર ચિત્રલેખા.કોમને કહે છે, અમારા ત્યાં દરેક પ્રકારના ટ્રેડિશનલ ચણિયાચોળી મળે છે. જુદી-જુદી ફેશના બ્લાઉઝ, કેડિયા પણ રાખીએ છીએ. કારણ કે આજના યુથને કઇંક અલગ પહેરવું છે. એ એમના વિચારો છે. પણ મારા મંતવ્યની વાત કરું તો આજકાલ સ્વતંત્રતાના ઓઠા હેઠળ અંગ પ્રદર્શનને ખૂબ  હળવાશ થી લેવામાં આવે છે.  ઠીક છે એ બાબતે દરેક વ્યક્તિ પોતાના વિચારો સાથે સ્વતંત્ર છે. ફેશન આવે છે જાય છે. પણ એમાંથી કેટલું  અપનાવવું અને કેટલું ત્યજવું તે આપણા સંસ્કાર પર આધારિત છે. તમે ક્લબમાં જાઓ છો, પાર્ટીમાં જાઓ છો ત્યારે વેસ્ટર્ન કલ્ચરને અનુસરીને પોશાક  પહેરો છો. તો આ ભારતીય સંસ્કૃતિની છબી રજૂ  કરતાં  નવરાત્રિના  પર્વમાં બેકલેસ ચોલી જીન્સમાં અંગ પ્રદર્શન શું કામ?  આ નવલી નવરાત્રિ જે  આદ્ય શક્તિની આરાધનાનું પર્વ છે. જ્યાં સૌની આસ્થા જોડાયેલી છે. મા અંબા, જગદંબાને રીઝવવા તન મનથી  માતાના ચોકમાં ગરબા રમતા રમતા તે શક્તિ  સાથે એક્ય સાધવાનું પર્વ  છે.  ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક આવા પરિધાનથી કોઈની આસ્થાને ઠેસ તો નથી પહોંચાડતા ને ? કારણ કે આ આપણી સંસ્કૃતિ તો નથી જ.

નવરાત્રિ માત્ર ફેશન અને મજા કરવાનો ઉત્સવ નથી

યો વુમનિયા ગ્રુપના ચેર પર્સન અને ટ્રેડિશનલ પરિધાનનો બિઝનેસ કરતા સોનલબહેન સોની ચિત્રલેખા.કોમને  કહે છે કે, “નવરાત્રિ માત્ર ફેશન અને મજા કરવાનો ઉત્સવ નથી, પરંતુ શક્તિની આરાધના અને સંસ્કારને જીવંત રાખવાનું પર્વ છે. નવરાત્રિમાં આપણે માતાજીની પૂજા કરી એમને પ્રકૃતિ અને શક્તિના રૂપમાં બિરદાવીએ છીએ. ફેશનથી કશો જ વાંધો નથી, પરંતુ શારીરિક દેખાવ કરતાં સંસ્કૃતિનું જતન વધુ મહત્વનું છે. બેકલેસ ચોલી અથવા જીન્સ-કુર્તા જેવા વસ્ત્રો છે, જેમાં વ્યક્તિગત આરામ અને ફેશનનો પ્રભાવ હોઈ શકે છે, પરંતુ આવા વસ્ત્રો ગરબા અને માતાજીની આરાધનામાં યોગ્ય નથી. નવરાત્રિમાં જે પોશાક પહેરાય છે એ માત્ર ફેશન માટે જ નહીં, પણ સાંસ્કૃતિક મૂલ્યનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પરંપરાગત ચણિયાચોળી કે સાડી એ માત્ર વસ્ત્રો નથી, એ શ્રદ્ધા અને ધાર્મિક ભાવના સાથે જોડાયેલાં છે. મારી દ્રષ્ટિએ ગરબામાં શિસ્ત અને શાલિનતા એ ખૂબ જ મહત્વનું છે. ફેશન અને આધુનિકતા ધાર્મિક પ્રસંગોમાં પરંપરા સામે ન આવવી જોઈએ.”

બેકલેસ ચોલી, ટુંકા બ્લાઉઝ, કમર દેખાતા કેડિયા કે પછી પરંપરાગત ટ્રેડિશનલના નામે જીન્સ પર પહેરવામાં આવતી ટૂંકી કુર્તી પહેરવી એમાં જરાય વાંધો નથી. પરંતુ ચણિયાચોળી એક ઉચ્ચ પસંદગી છે, જેમાં આધુનિક ડિઝાઇન ઉમેરવા કોઈ વાંધો નથી, પણ શાલીનતા જાળવી રાખવી જોઈએ. ફેશનમાં ગમે એ કરાય પણ ધાર્મિક પ્રસંગ અને માતાજીની આરાધના હોય, ત્યારે સંસ્કૃતિનું માન રાખવું આવશ્યક છે.

વ્યક્તિગત પસંદગી દરેકનો અધિકાર છે. પરંતુ આદર અને સંસ્કારનો સમાવેશ કરતા વસ્ત્રોની પસંદગી કરવી વધુ યોગ્ય છે.

હેતલ રાવ

ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર: જ્હોન હોપફિલ્ડ, જ્યોફ્રી હિન્ટનના નામની જાહેરાત

ફિઝિક્સ 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આ પુરસ્કાર AIના ગોડફાધર તરીકે જાણીતા જેફરી ઈ. હિન્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન જે. હોપફિલ્ડને એનાયત કરવામાં આવ્યું છે. કૃત્રિમ ન્યુરોન્સ પર આધારિત મશીન લર્નિંગ સંબંધિત નવી તકનીકોના વિકાસ માટે તેમને આ સન્માન મળ્યું છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. બંને વિજેતાઓને 8.90 કરોડ રૂપિયાની રકમ મળશે, જે તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે.નોબેલ કમિટીએ પોતાના નિવેદનમાં કહ્યું, “આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર મેળવનારા વૈજ્ઞાનિકોએ મશીન લર્નિંગનો પાયો ગણાતી પદ્ધતિઓ શોધવા માટે ભૌતિકશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કર્યો છે. હોપફિલ્ડે પ્રિન્સટન યુનિવર્સિટીમાં તેમનું સંશોધન કર્યું હતું અને હિન્ટને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં સંશોધન કર્યું હતું. હોપફિલ્ડ પ્રિન્સટન યુનિવર્સિટીમાં મોલેક્યુલર બાયોલોજીના ભૂતપૂર્વ પ્રોફેસર એમેરેટસ હોવર્ડ સાથે જોડાયા છે, અને હિન્ટન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં એમેરિટસ પ્રોફેસર છે.”

હરિયાણામાં ભાજપને મળેલી જીતથી સેન્સેક્સ 585 પોઇન્ટ ઊંચકાયો

અમદાવાદઃ સતત છ દિવસના ઘટાડા પછી ઘરેલુ શેરબજારમાં તેજી થઈ હતી. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપને બહુમત મળતાં બજારમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 585 પોઇન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી 24,800ને પાર પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. આઠ લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં પણ સેન્ટિમેન્ટ સુધર્યું હતું.

શેરબજારમાં હરિયાણાનાં ચૂંટણી પરિણામોની પ્રોત્સાહક અસર પડી હતી. જેથી હવે બજાર પર ચીનની અસર નહીં થાય, કેમ કે FPIના પૈસા ચીન જવાની શક્યતા ઓછી છે, એમ નિષ્ણાતોએ કહ્યું હતું. આમે FII ભારતમાં માત્ર 2-4 ટકા ઓવરવેટ હતા, પણ હવે તેમનો દ્રષ્ટિકોણ બદલાયો છે અને તેમને હવે ચીનથી પણ ગભરાવાની જરૂર નથી. આ ઉપરાંત રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમીક્ષા કરી રહી છે. બેન્ક વ્યાજદર પર શું સ્ટેન્ડ લે છે, એની પર બજારની નજર છે. આમે હવે બજારની નજર સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પર રહેશે. બજારમાં કંપની પરિણામો જાહેર થતાં રોકાણકારોની નજર સ્ટોક સ્પેસિફિક પર રહેશે. જેથી BSE સેન્સેક્સ 585 પોઇન્ટ ઊછળીને 81,625ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 217 પોઇન્ટ વધીને 25,013ના મથાળે બંધ આવ્યો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1236 પોઇન્ટ વધીને 58,536ના સ્તરે બંધ આવ્યો હતો. નનિફ્ટી બેન્ક 542 પોઇન્ટ વદીને 51,021ની સપાટીએ બંધ આવ્યો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4045 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 3019 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 925 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 101 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 332 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 253 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

વડોદરા સગીરા ગેંગરેપ કેસ:આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રજૂ કરાયા

વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને આજે (8 ઓક્ટોબર) ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા. જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માગવા માટે રજૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કોર્ટમાં વકીલો અને લોકોના ટોળા ઉમટ્યા હતા. આ દરમિયાન આરોપીઓને ટપલીદાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે હાલમાં કોઈપણ વકીલ આરોપીઓ તરફથી કેસ નહીં લડે અને આરોપીઓને ફાંસીની સજા મળે તેવી માગ કરવામાં આવી રહી છે.

તારીખ 4 ઓક્ટોબર, 2024ના રોજ બીજા નોરતે ભાયલી બિલ રોડ ઉપર સગીરા અને તેનો મિત્ર બેઠા હતાં. તે દરમિયાન ત્રણ હવસખોરોએ સગીરાના મિત્રને પકડી રાખી એકબાદ એકે સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા શહેર અને ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ અને 48 જ કલાકમાં ત્રણેય આરોપીઓ સહિત સ્થળ પર ગયેલા અન્ય 2 લોકો સહિત પાંચેય ઝડપાઈ ગયા. આ ત્રણેય નરાધમો મુમતાજ ઉર્ફ આફતાબ સુબેદાર બનજારા, મુન્ના અબ્બાસ બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારાની શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જે બાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.

આરોપીઓ સામે પોક્સો સહિતની કલમો દાખલ કરવામાં આવી છે. સ્થળ પર આવેલ પાંચ પૈકી જે બે યુવકો અપશબ્દો બોલી જતા રહ્યા હતા, તેઓની અટકાયત થઈ છે અને તેઓના નામ સૈફ અલી વણઝારા અને અફઝલ વણઝારા હોવાનું સામે આવ્યું છે અને તેમનો આ ગુનામાં રોલ નક્કી કરી તેમની સામે કાર્યવાહી થશે. રેન્જ આઈ જી સંદીપ સિંહનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ તાલુકા પોલીસની હદનો હોવાથી ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે અને સમગ્ર કેસમાં તપાસ માટે ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીની આગેવાનીમાં એસ.આઈ.ટી ની રચના કરાઈ છે અને ઝડપી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાશે.

નવરાત્રિમાં થીમ સાથે વેશભૂષા કપડા મેચિંગનો અનોખો ટ્રેન્ડ

અમદાવાદ: નવરાત્રિ મહોત્સવનો માહોલ જામ્યો છે. આ વર્ષે શેરીઓ અને સોસાયટીઓમાં ગરબે રમવાની સમય મર્યાદા નથી એટલે લોકો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે સોસાયટીઓમાં આનંદ ઐક્ય ઉત્સાહ માટે રાસ ગરબામાં સ્પર્ધા, ઈનામ વિતરણ, વેશભૂષાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે પરંપરાગત જાજરમાન કપડાં ઘરેણાંનો ‘ ટ્રેન્ડ ‘ચાલે છે. એમાંય કપડાં ‘મેચિંગ’ કરી ગરબે ઘૂમતા કપલ અને સહેલીઓએ ધૂમ મચાવી છે. અમદાવાદના નવા નરોડા પાસેની સોસાયટીના અગ્રણી દેવશીભાઈ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારી સોસાયટીમાં આ વર્ષે એકદમ અનોખી રીતે સરપ્રાઈઝ વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની બાળાઓને માતાજીના જુદા જુદા સ્વરૂપ સાથે તૈયાર કરવામાં આવી. નવદુર્ગાના સ્વરૂપો સાથે તૈયાર થયેલી બાળાઓને એક બ્લોકમાંથી બીજા બ્લોક બેસમેન્ટમાંથી પસાર કરી ગરબાના સ્થળ પર લાવવામાં આવી. બાળાઓના નવદુર્ગાના સ્વરૂપને જોઈ ઉપસ્થિત સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.”

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અનેક ગરબા મહોત્સવમાં આ વર્ષે કપડાં મેચિંગની થીમ જોવા મળી હતી. પશ્ચિમ વિસ્તારના એક ગરબા આયોજનના મેકઓવર એક્ષપર્ટ પિનલ રાવલ કહે છે, “અમે બ્લેક થીમ રાખી હતી. એમાંય પરંપરાગત ભાત હોય એવા કપડાં પહેરી ગરબે રમવું. ઘણાં લોકો માન્યતા પ્રમાણે બ્લેક કપડાં નથી પહેરતા ત્યારે એમને મરૂન કપડાં સાથે ગરબે રમવાની થીમ આપી હતી. એક સાથે કપડાં મેચિંગ કરી કપલ અને સહેલીઓ સાથે ગરબે રમવાની મજા કંઈક અલગ જ છે.”નવરાત્રિ મહોત્સવ 2024માં ભવ્યતાની સાથે કપડાં મેચિંગ, વિવિધ થીમ, સ્પર્ધા અને વેશભૂષા જોવા મળી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

મુંબઈ: કાંદિવલીમાં ગૃહિણીઓએ ગુજરાતી અંદાજમાં ગરબા પર કર્યુ પર્ફોમ

મુંબઈ: ગુજરાતની સાથે જો બીજે ક્યાંય નવરાત્રીનો ખરો માહોલ જામતો હોય તો તે છે મુંબઈ. માયાનગરીમાં મોટે ભાગે લોકો મોર્ડન રીતે નવરાત્રીની ઉજવણી કરે છે. ત્યારે કાંદિવલીમાં બહેનાના ગ્રુપે એકદમ ગુજરાતી પહેરવેશ સાથે ગુજરાતી સ્ટાઈલમાં ગરબાના તાલે રમઝટ બોલાવી હતી.

‘રોયલ સમર્પણ’ કાંદિવલી વેસ્ટ ખાતે ગૃહિણીઓમા અંબાની આરાધના કરી ગરબાના તાલે ઝૂમી હતી. ‘આભને ઝરૂખે માડી ‘ ગરબા પર બહેનોએ પ્રોપર કોરિયોગ્રાફી કરી હતી અને પછી પર્ફોમ કર્યુ હતુ.તમામ બહેનોની વય 40 થી 50 વર્ષની છે. પરંતુ બહેનોમાં ઉત્સાહ અને એનર્જી જાણે યુવાન હોય તેવી હતી.

 

આજે જ્યારે બધા મોર્ડન રીતે ગરબા રમે છે ત્યારે બહેનોએ ગુજરાતી અંદાજમાં ગરબે ઝૂમી સંસ્કૃતિ જાળવણીનું ઉદાહરણ પણ પુરૂ પાડ્યું છે. બાંધણી સાડીમાં ગુજરાતી સાડીમાં બધી બહેનો ખુબ જ સુંદર દેખાતી હતી.

પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષથી મતદાન કરશે સુનીતા વિલિયમ્સ…

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોરે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ઘણા દિવસોથી અટવાયેલા છે. એવામાં હવે તે વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયાર છે. તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી વોટિંગ કરીને ઈતિહાસ રચશે. 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સુનિતા વિલિયમ્સ પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિલોમીટરના અંતરે પોતાનો મત આપીને ઈતિહાસ રચવાના છે.400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી સુનિતા અને બૂચે કહ્યું હતું કે તેમણે નાસાને વિનંતી કરી છે કે તેઓ યુએસ ચૂંટણીમાં તેમના મત માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે.સુનિતા અને બૂચ 5 જૂને સ્પેસ સ્ટેશન ગયાં હતાં. તેઓ 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યાં હતાં. તેઓ 13 જૂને પરત ફરવાના હતા, પરંતુ નાસાના બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં ટેક્નિકલ ખામીને કારણે તેમના પાછા આવવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. હવે બંને 2025માં જ પરત ફરે એવી શક્યતા છે.