Home Blog Page 1425

ઉમર અબદુલ્લા બનશે જમ્મુ-કાશ્મીરના CM: ફારુક અબદુલ્લા

શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ એલાન કર્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં તેમના પુત્ર ઉમર અબદુલ્લા CM બનશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં થયેલી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પરિણામોમાં ગઠબંધનમાં 90 વિધાનસભા સીટોમાં 51 સીટો પર આગળ ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો પ્રમાણે નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બનવા તરફ છે. જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન 51 સીટો પર આગળ છે. નેશનલ કોન્ફરન્સ 41 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ પાંચ સીટો પર આગળ છે. જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામોના વલણો બાદ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી CM હશે. લોકોએ જનાદેશ આપ્યો છે.

તેમણે સાબિત કર્યું છે. પાંચ ઓગસ્ટના નિર્ણયનો તેઓ સ્વીકાર નથી કરતા, એમ તેમણે કહ્યું હતું.  ચૂંટણી પંચના આંકડા અનુસરા જમ્મુ-કાશ્મીરમાં ભાજપ 26 સીટો પર અને પીડીપી પાંચ સીટો પર આગળ છે. અપક્ષો અને નાના પક્ષો સાત બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે.

 જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા બે બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બડગામમાં જીત્યા અને ગાંદરબલમાં આગળ ચાલી રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી શ્રીગુફવારા-બિજબેહરા સીટથી પાછળ છે. તેણે કહ્યું- હું લોકોનો નિર્ણય સ્વીકારું છું. બીજી તરફ ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈના નૌશેરા બેઠક પરથી હારી ગયા છે.

ફિલ્મમાં હિરોઈનના બદલે જીવના જોખમે એક્શન કરે છે આ ગુજરાતી ગર્લ

મુંબઈ: શિલ્પા કાતરિયા, મૂળ ભાવનગરના પણ જન્મ અને ઉછેર મુંબઈમાં. બાળપણથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો. તેથી ડાન્સના ક્ષેત્રમાં જ કરિયર બનાવવાનો વિચાર કર્યો. બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી. ઈવેન્ટ્સ, વેડિંગ અને ટીવીમાં ડાન્સર તરીકે કામ કર્યુ. આ દરમિયાન તેમને બાર ડાન્સર બનાવી દેવાની પણ ઘટના બની.અત્યાચાર પણ થયો પરંતુ હિંમત ન હારી. હાલમાં શિલ્પા કતારિયા ફિલ્મમાં બોડી ડબલ (જરૂરિયાત મુજબ અભિનેત્રીની જગ્યાએ જે-તે પાત્રમાં ઢળી તે પાત્ર ભજવવું) તરીકે કામ કરે છે. જેક્લિનથી લઈ દિશા પટનીના બોડી ડબલ તરીકે શિલ્પાએ કામ કર્યુ છે. સિરિયલ, વેબ સીરિઝ અને અનેક એક્શન ફિલ્મમાં અભિનેત્રીના બદલે શિલ્પાએ સ્ટંટ કર્યા છે.

ફિલ્મમાં ખતરનાક એક્શન સીન એક્ટર દ્વારા નહીં પણ તેમના ‘બોડી ડબલ’ અથવા ડુપ્લિકેટ દ્વારા કરવામાં આવે છે. શારીરિક બાંધો જે-તે એક્ટર જેવો દેખાતો હોય તેવા આર્ટિસ્ટને બોડી ડબલ માટે પસંદ કરવામાં આવે છે.

શિલ્પા કાતરિયા બૉલિવૂડમાં જેક્લિન ફર્નાન્ડિસ, દિશા પટની અને મૌની રોય સહિતની અભિનેત્રીના બોડી ડબલ તરીકે કામ કરે છે. તેણીએ દબંગ 3, રામ સેતુ, બચ્ચન પાંડે, ગણપત, બડે મિયાં છોટે મિયાં અને પઠાણ જેવી વિવિધ ફિલ્મમાં હિરોઈનના બદલે એક્શન સીન કર્યા છે. એક્શન કિંગ ગણાતાં અક્ષય કુમાર તથા ટાઈગર શ્રોફ સાથે શિલ્પાએ જોરદાર એક્શન શૉટ આપ્યા છે. આવા સીનમાં રિસ્ક ખુબ જ હોય છે. જીવના જોખમે આર્ટિસ્ટ એક્શન સીન ફિલ્માવતા હોય છે. જોકે સેટ પર આર્ટિસ્ટની સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે.

ધક્કો લાગે એવો અનુભવ થયો

ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં શિલ્પા જણાવે છે કે ” ઉતરન સીરિયલમાં મેં પ્રથમ વખત બોડી ડબલ તરીકે કામની શરૂઆત કરી હતી. પરંતુ એ પહેલા હું થિયેટર શૉ, ઈવેન્ટ્સ, વેડિંગ અને વિવિધ શૉમાં ડાન્સર તરીકે કામ કરતી હતી. સીરિયલ અને ફિલ્મ્સમાં પણ પ્રોફેશનલ ડાન્સ કર્યો છે. આ દરમિયાન એક વાર એવી ઘટના બની કે મેં ડાન્સ કરવાનું છોડી દીધું. વાસ્તવમાં, મને શૂટના બહાને સિંગાપુર લઈ જવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે સિંગાપુરમાં એક શૂટ છે. મેં વિશ્વાસ કરી લીધો અને હું એ લોકો સાથે સિંગાપુર ગઈ. ત્યાં ગઈ તો ખબર પડી કે અહીં કોઈ જ પ્રકારનું શૂટ નથી. અમને બાર ડાન્સર તરીકે લઈ જવામાં આવ્યાં છે. મેં તેમને બાર ડાન્સર તરીકે કામ કરવાની ના પાડી દીધી. એટલે તેમણે મારી પાસેથી ફોન છીનવી લીધો. મારો પાસપોર્ટ પણ લઈ લીધો. મને ખાવાનું પણ આપવાનું બંધ કરી દીધું. મારી સાથે ગેરવર્તણુક કરી. બાદમાં મેં લડી-ઝઘડીને મારો પાસપોર્ટ મેળવ્યો અને હેમખેમ હું ઈન્ડિયા પરત ફરી. આ ઘટના બાદ મેં ડાન્સ છોડી દીધો અને બોડી ડબલ તરીકે સ્ટંટ કરવાનું શરૂ કર્યુ. આ જ સમયે વૈવાહિક જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવી. અમુક વસ્તુઓ સાથે એટલું લડવું પડ્યું કે મને એમ થયું હવે તો લડવું જ છે. મેં સ્ટંટ કરવાનું મન બનાવી લીધું.”

જોખમ ખરું પણ સ્ટંટ કરવા જ ગમે છે 

પોતાની વાતમાં આગળ શિલ્પા કહે છે કે જીવનના અનુભવે મને એટલી મજબુત બનાવી કે મને સ્ટંટ ખુબ જ ગમવા લાગ્યાં. મેં રામ સેતુમાં જેક્લિનની બોડી ડબલ બની એક્શન સીન કર્યા. સેટ પર મને ખુબ જ આદર અને પ્રોત્સાહન મળ્યુ. હા, આ કામમાં જીવનું જોખમ છે, પણ હવે મને રિસ્ક લેવું ગમે છે. જોકે સેટ પર પણ અમારી સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. ફાઈટિંગ સિક્વન્સ, ફૉલ, હાઈ જમ્પ વગેરેની એક્શન માટે પહેલા અમે રિહર્સલ કરીએ છીએ. સેટ પર નિષ્ણાતો દ્વારા અમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જો કોઈ સ્ટંટ ખુબ જ વધારે જોખમી હોય તો આસિસ્ટન્ટ પહેલા કરીને બતાવે છે. ડૉક્ટર સહિતની તમામ સુવિધા સેટ પર ઉપલબ્ધ હોય છે. તેમજ એક્ટર્સનો પણ સારો સપોર્ટ મળે છે.

ફિલ્મ દરમિયાન હાથમાં થયું ફ્રેક્ચર 

રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘આઈ લવ યુ’ના એક્શન સીન દરમિયાન શિલ્પાને ઈજા પહોંચી હતી. ફિલ્મમાં તે રકુલનું બોડી ડબલ કરી રહ્યાં હતાં.એવામાં સ્ટંટ કરતી વખતે તેણીને હાથમાં ફ્રેક્ચર થયું હતું. સાતથી આઠ મહિના સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો હતો. શિલ્પાનું કહેવું છે કે આ કામમાં જોખમ તો છે જ. બધી જ તકેદારી હોવા છતાં ઘણી વાર ઈજાની ઘટના બને છે. છેલ્લે તો બધું ભગવાન પર જ છોડતા હોઈએ છીએ.

અભિનેત્રી બનવું છે?

અભિનેત્રી તરીકે કામ કરવાનો ક્યારેય વિચાર ન આવ્યો? આના જવાબમાં શિલ્પાએ કહ્યું કે “હું મારા સ્ટંટના કામને ખુબ માણું છું. મને એમાં એટલો આનંદ મળે છે કે બીજુ કામ કરવાનો વિચાર નથી આવતો. પ્લસ, મારી એક નાની દીકરી છે. તેના માટે પણ સમય ફાળવી શકું છું. પણ જો હું એક્ટિંગમાં વધારે ધ્યાન આપું તો બીજી વસ્તુઓ માટે વધારે સમય ન મળે. પરંતુ જો ક્યારેક કંઈક નાનું મોટું કામ મળે તો હું કરી લંઉ છું.”

શિલ્પા બૉલિવૂડની સ્ટંટ ક્વીન બની ગયા છે. આગામી સમયમાં તેણી કેટલીક ફિલ્મો આવી રહી છે. જેમાં તેણીએ જાણીતા સુપરસ્ટાર સાથે ભારે સ્ટંટ કર્યા છે.

 

(નિરાલી કાલાણી, મુંબઈ)

ગુજરાતમાં બે મહિનામાં 600થી વધુ અનધિકૃત ધાર્મિક માળખાં દૂર કરાયા

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે તેના 1 ઑક્ટોબરના આદેશમાં સરકારને જાહેર સ્થળો, જાહેર શેરીઓ, જાહેર ભાગો અને અન્ય જગ્યાઓમાંથી “અનધિકૃત ધાર્મિક માળખાં”ની ઓળખ અને દૂર કરવા અંગેનો “પ્રગતિ અહેવાલ” રેકોર્ડ પર મૂકવા જણાવ્યું હતું. હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં અનધિકૃત બાંધકામો અને અતિક્રમણને લગતી 2006ની અરજીની સુનાવણી ચાલી રહી છે.

01.07.2024 થી 10.09.2024 ના સમયગાળા દરમિયાન આવા અનધિકૃત ધાર્મિક માળખા દ્વારા આવરી લેવામાં આવેલ વિસ્તાર, લગભગ બે મહિનામાં, તમામ 604 ધાર્મિક બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જેમાંથી 318 જિલ્લા વિસ્તારોમાં અને 286 મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હતા” વધુમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, 87 ધાર્મિક સંરચનાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જાહેર શેરીઓ, સાર્વજનિક ઉદ્યાનો અને અન્ય સાર્વજનિક સ્થળો પરથી 6 માળખાને નિયમિત કરવામાં આવી છે. આ અંગે ગૃહવિભાગના સચિવને વ્યકિતગત ધોરણે વિગતો સાથેનું સોગંદનામું રજૂ કરવા પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તારીખ 3 ડિસેમ્બરે રાખી હતી.

ભાજપની હેટ્રિકઃ પક્ષનો CM બદલવાનો નિર્ણય સફળ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ હેટ્રિક લગાવશે, જે એક રેકોર્ડ છે, કેમ કે હરિયાણામાં ક્યારેય કોઈ પાર્ટી સતત ત્રીજી વાર ચૂંટણી નથી જીતી. રાજ્યના ઇતિહાસમાં ભાજપનો આ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. ભાજપે આ પહેલાં ક્યારેય 50નો આંકડો ટચ નથી કર્યો.

રાજ્યમાં ભાજપની હેટ્રિકનું એક કારણ CM બદલવાની ફોર્મ્યુલા માનવામાં આવે છે. આ વર્ષના માર્ચમાં ભાજપે મનોહરલાલ ખટ્ટરને હટાવીને નાયબ સિંહ સૈનીને CM બનાવ્યા હતા. મનોહરલાલ ખટ્ઠર પંજાબી હતા, જ્યારે નાયબ સિંહ સૈની  OBC સમાજમાંથી આવે છે. ખટ્ટરને દૂર કરીને સૈનીને CM બનાવવામાં આવ્યા એ નિર્ણય ભાજપ માટે લાભદાયક રહ્યું છે, કેમ કે મોટા ભાગના એક્ઝિટ પોલ ભાજપની વિદાય અને કોંગ્રેસની વાપસીનો અંદાજ લગાડી રહ્યા હતા, પરંતુ હવે જે વલણો અને પરિણામો આવી રહ્યાં છે, એમાં લગભગ સાફ છે કે ભાજપ 2014 અને 2019થી પણ મોટી જીત હાંસલ કરશે.

હરિયાણાના રાજકારણમાં જાટ મહત્ત્વનું પાસું માનવામાં આવે છે. ખેડૂત આંદોલન અને પહેલવાનોના આંદોલનને કારણે જાત મતદારો ભાજપથી નારાજ છે, એમ માનવામાં આવતું હતું. આ સિવાય ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના દમ પર કોંગ્રેસને વધુ જાટ મતો મળવાની વકી હતી. આવામાં ભાજપે OBC મતોને સાધવાના પ્રયાસ કર્યા હતા.

અંદાજ છે કે હરિયાણામાં 40 ટકા OBC, 25 ટકા જાટ, 20 ટકા દલિત, પાંચ ટકા શીખ અને સાત ટકા મુસ્લિમ છે. હાલમાં થયેલી લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને જાટોની નારાજગી વહોરવી પડી હતી.

વર્ષ 2021 પછી ભાજપે અનેક રાજ્યોમાં ચૂંટણીથી પહેલાં CM બદલ્યા છે. એવું કરીને ભાજપે એન્ટિ-ઇન્કમબન્સીને દૂર કરી છે. હરિયાણા પાંચમું રાજ્ય છે. ભાજપની આ ફોર્મ્યુલા કર્ણાટક છોડીને બાકી બધી જગ્યાએ હિટ રહી છે.

2019ની જેમ હરિયાણામાં એક્ઝિટ પોલ ફરી ખોટા સાબિત થયા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં છે. હરિયાણામાં અત્યાર સુધીના ચૂંટણીના પરિણામોના વલણો જોતાં બધા એક્ઝિટ પોલ ખોટા પુરવાર થાય એમ લાગી રહ્યું છે. અત્યાર સુધીનાં વલણોમાં ભાજપે બહુમત હાંસલ કર્યો છે.

આ પહેલાં વર્ષ 2019માં પણ હરિયામા વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ભાજપને 61 સીટો મળશે, જ્યારે કેટલાક અન્ય એક્ઝિટ પોલમાં 75-80 સીટો જીતવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે એક્ઝિટ પોલથી બિલકુલ અલગ પરિણામો આવ્યાં હતાં. ત્યારે ભાજપને 40 સીટો પર જીત મળી હતી અને કોંગ્રેસને 31 સીટો જીતવામાં સફળ રહી હતી. જે એક્ઝિટ પોલના ભાજપના સ્પષ્ટ બહુમતના અંદાજથી વિરુદ્ધ હતાં.

હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે એ સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થશે. જોકે એક્ઝિટ પોલના અનુમાનથી ઉત્સાહિત વિરોધ પક્ષ કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં વાપસીની અપેક્ષા કરી રહી હતી. જોકે હરિયાણામાં ભાજપ 49 સીટો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 46 સીટો છે, જ્યારે કોંગ્રેસ 34 સીટો પર આગળ ચાલી રહી છે.

આ વર્ષની લોકસભા ચૂંટણીમાં મોટા ભાગના એક્ઝિટ પોલે ભાજપના નેતૃત્વવાળી સત્તારૂઢ NDAની બમ્પર જીતની ભવિષ્યવાણી કરી હતી.એ સાથે અંદાજ લગાવ્યો હતો કે ભાજપ એકલા દમ પર બહુમત આંકડાથી ક્યાંય વધુ સીટો જીતશે, જેમાં NDAને 361થી 401 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જોકે એક્ઝિટ પોલનાં પરિણામો ખોટાં સાબિત થયાં હતાં.NDAએને 293 સીટો મળી હતી ને ભાજપના ખાતામાં 240 સીટો આવી હતી.

વડોદરા રોગચાળાના ભરડામાં, એક દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા

વડોદરા: ગુજરાતમાં ચોમાસાએ લગભગ વિદાય લય લીધી છે. પરંતુ ભારે વરસાદના કારણે રાજ્યમાં પાછલા કેટલાક સમયથી રોગચાળાએ માથુ ઉચક્યું છે. ત્યારે વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાયેલા ખાબોચીયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરી રહ્યો છે અને વડોદરા રોગચાળાના ભરડામાં આવી રહ્યું છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટીના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો હોય તેમ દૈનિક 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચિકનગુનિયા, કમળા અને ટાઈફોઈડ તેમજ મેલેરિયાના કેસ વધ્યા છે. આ સમયે હાલ વાતાવરણમાં બેવડી ઋતુઓની અનુભૂતી થઇ રહી છે. સાથે ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડીની શરૂઆત થઇ જવી જોઇએ તેના બદલે હાલ ગરમી પડી રહી છે. ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યુ છે આથી બિમારીએ માથુ ઉચક્યુ છે. શહેરમાં પાણી જન્ય રોગચાળાએ માથું ઉચક્યા બાદ હવે મચ્છરજન્ય રોગચાળા અને વાઇરલ ઈન્ફેક્શનનાં કેસમાં વધારો થયો છે. શહેરમાં શરદી-ખાંસી, તાવ અને વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ સાથે મલેરિયા અને ડેંગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના શંકાસ્પદ 1605 દર્દી છે જ્યારે 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. વાયરલ ફીવરના 453 દર્દીઓ નોંધાયા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 33 દર્દી, 1 પોઝિટિવ દર્દી છે. કમળાના 2 દર્દી અને ટાઈફોઈડનો 1 દર્દી નોંધાયો છે. આ સિવાય નાની મોટી બિમારીની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

સુરતમાં લેબગ્રોન ડાયમંડનો ચળકાટ, સેબોર્ગાની પ્રિન્સેસએ 55 કાંકરી જ્વેલરી લોન્ચ કરી

સુરત: એક તરફ શહેર હીરાની મંદીનો માર સહન કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ લેબગ્રોન ડાયમંડના કારણે ઇન્ડસ્ટ્રી ટકી રહી હોવાનો એક સુર સર્વવ્યાપ્ત બન્યો છે. હીરાની મંદી ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી. દિવાળી માથે છે, પણ હીરાબજારમાં દિવાળીની રોનક નથી. જો નેચરલના વિકલ્પ તરીકે લેબગ્રોન ના હોત તો શું સ્થિત હોત એ કલ્પવી અઘરી છે. સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ ચિત્રલેખા.કોમને કહ્યું, “નેચરલની મંદીમાં લેબગ્રોન સંકટમોચન તરીકે ઉભરી રહ્યા છે.”સુરતમાં લેબગ્રોન ડાયમંડનું એક મોટું માર્કેટ ઉભુ થઈ રહ્યું છે. નવરાત્રિમાં આ માર્કેટમાં વધુ એક જ્વેલરીની ભાત ઉમેરાઈ છે. ડાયમંડ સિટી તરીકે વિશ્વ પ્રસિદ્ધ સુરતમાં સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્રિન્સેસ નીનાએ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ ઉજ્જવળ ભવિષ્ય હોવાનું કહ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. કંપનીના ડિરેક્ટર અભિષેક દાલમિયાએ જણાવ્યું હતું, “એ છેલ્લા પાંચ વર્ષથી CVD હીરાનું ઉત્પાદન કરે છે. હવે કંપની તેની 55 સ્ટોન લેબગ્રોન ડાયમંડ જ્વેલરી લોન્ચ કરી રહી છે.”સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનિએલા મેનેગાટ્ટોને આ બ્રાન્ડને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા માટે લોન્ચિંગ ઈવેન્ટ માટે સુરતમાં આમંત્રણ આપવામાં આવ્યું. હોટેલ મેરિયટ પાસેની સરિતા દર્શન સોસાયટીમાં આ જ્વેલરીના લોન્ચિંગ સાથે કંપનીના શોરૂમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કંપની પોતે ઉત્પાદક છે, તેથી ગ્રાહકોને જ્વેલરી ખરીદવામાં સીધો લાભ મળશે. આ જ્વેલરી તેમની પત્ની સ્નેહ દાલમિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ જાણીતા ડિઝાઇનર છે અને છેલ્લા વીસ વર્ષથી સુરતમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરે છે.સુરતમાં નેચરલ ડાયમંડના અનેક વેપારીઓ કારખાનેદારો હવે લેબગ્રોન તરફ વળી રહ્યા છે. આવનાર સમયમાં લેંબગ્રોન ડાયમંડનું સામ્રાજ્ય હશે એવો માહોલ ઉભો થઇ રહ્યો છે.

ભાજપના સદસ્યાતા અભિયાનને નબળો પ્રતિસાદ, મંત્રીઓને આવ્યું કમલમનું તેડું

ગુજરાત ભાજપનું ગઢ સમાન છે. પરંતુ હવે ધીમે ધીમે આ ગઢમાં ગાબડું પડતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં જનતા મોંઘવારીના માર અને બેરોજગારીના પ્રશ્નથી ભારો ભારો નરાજ જોવા મળી રહી છે. આ વચ્ચે ભાજપે સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ જનતાની નારાજગી ભાજપના અભિયાન પર ભારે પડતી જોવા મળી રહી છે. આ સદસ્યતા અભિયાનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

આ વખતે સત્તા પર હોવા છતાંય સભ્ય નોંધતા ભાજપને આંખે પાણી આવ્યું છે. સભ્ય નોંધણીને મોળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે આ અભિયાનને વેગવંતુ બનાવવા સ્નેહમિલનના નામે કમલમમાં બેઠકો બોલાવાઈ છે. આ ઉપરાંત ધારાસભ્યોને ઠપકો આપવા તેડું મોકલાયું છે. બે કરોડ સભ્ય બનાવવાનો ગુજરાત ભાજપનો લક્ષ્યાંક છે. પરંતુ આ ટાર્ગેટ માટે ‘દિલ્હી અભી દુર હૈ’ જેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. હવે આ સભ્ય નોંધણી અભિયાનને ગતિશીલ બનાવવું એ પડકારજનક છે કેમકે, મંત્રી, અત્યારે પ્રજા વચ્ચે જઈ શકે તેવી સ્થિતી નથી. આ જોતાં એકેય મંત્રી, ધારાસભ્ય કે સાંસદ સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર જેટલા મત ભાજપને ચૂંટણી મળ્યા હતા એટલા સભ્યો પણ અભિયાનમાં જોડાયા નથી. જ્યારે વાત પ્રજા લક્ષ્મી વિકાસ કાર્યની થાય તો, ભાજપના ધારાસભ્યો પણ બોલી રહ્યા છે કામ થતા નથી. આ અસંતોષની લાગણી ભાજપમાં આંતરીક વિખવાદ ઊભો કરી દીધો છે. આમ છતાંય ગુજરાત ભાજપ પ્રદેશ નેતાગીરીએ કમલમ તેડું મોકલી સભ્ય નોધણી ઝુંબેશને વેગવાન બનાવવા કવાયત હાથ ધરી છે.

હરિયાણામાં ભાજપ અને J&Kમાં કોંગ્રેસ ગઠબંધન આગળ

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની બધી 90 સીટોના રુઝાન આવી ચૂક્યા છે. હરિયાણામાં ઊલટફેરની વચ્ચે ફરી એક વાર ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન આગળ છે.  ભાજપ અને PDP પાછળ ચાલી રહી છે.

હરિયાણામાં સત્તારૂઢ ભાજપને વિશ્વાસ છે કે એ સતત ત્રીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવામાં સફળ થશે. જોકે એક્ઝિટ પોલના અનુમાનથી ઉત્સાહિત વિરોધ પક્ષ કોંગ્રેસ પણ 10 વર્ષ પછી સત્તામાં વાપસીની અપેક્ષા કરી રહી હતી. જોકે હરિયાણામાં ભાજપ 50 સીટો પર આગળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 46 સીટો છે, જ્યારે કોંગ્રેસ 34 સીટો પર આગળ ચાલી રહી છે.

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનાં ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. PDPને ભારે નુકસાન થઈ રહ્યું છે.જમ્મુ-કાશ્મીરમાં પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. PDP 5 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.

 

૦૮ ઓક્ટોબર ૨૦૨૪