Home Blog Page 1426

નવરાત્રિ: દોઢસો કિલો ઘીમાંથી તૈયાર થઈ મહાકાળી માતાજીની મૂર્તિ

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં આવેલી શેરી, મહોલ્લા અને પોળોની નવરાત્રિની જુદી-જુદી પરંપરાઓ છે. કેટલીક પોળોની નવરાત્રિ સાથે પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ જોડાયેલી છે. જ્યારે કેટલીક પોળના મંડળો દ્વારા દર વર્ષે કંઈક જુદી રીતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હોય છે.કાલુપુર દરવાજાની એકદમ નજીક આવેલી ભંડેરી પોળ વિશાળ છે. જેમાં એક વારાહી માતાના મંદિર સાથે લોકો વર્ષોથી આસ્થા સાથે જોડાયેલા છે. એ વારાહી માતાના મંદિરની બાજુમાં અંદાજે 150 કિલો ઘી સાથે મહાકાળી માતાજીની મૂર્તિ બનાવવામાં આવી છે.ભંડેરી પોળ નવરાત્રિ મહોત્સવ મંડળના આગેવાન દિલીપભાઈ શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “અમે સતત 31 વર્ષથી માતાજીના જુદા જુદા સ્વરૂપોની પ્રતિમાઓ ઘીમાંથી તૈયાર કરીએ છીએ. આ વર્ષે ઘીમાંથી મહાકાળી માતાની મૂર્તિ આણંદ પાસેના મોગરી ગામના કારીગર પાસે તૈયાર કરાવડાવી છે. ઘીની આ પ્રતિમા સાચવવા ચારેય તરફ થર્મોકોલની સીટ સાથે સ્ટેજ તૈયાર કરાવ્યું છે. આ સાથે ઘીની પ્રતિમા પંદર દિવસ સુધી સરસ રીતે રહે એ માટે 600 કિલોગ્રામ બરફની પાટો મુકીએ છીએ.”દિલીપભાઈ કહે છે અત્યાર સુધી અમારા મંડળે વારાહી, બહુચર, ખોડિયાર, અંબાજી, ઉમિયા, ગાયત્રી, ચામુંડા, મહાકાળી માતાજીની મૂર્તિઓ બનાવડાવી છે. આ વર્ષે વારાહી માતાના મંદિર પાસે સ્ટેજ પર બરફમાં મુકેલી મહાકાળી માતાજીની મૂર્તિના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

હરિયાણામાં કોણ બનશે CM?: કોંગ્રેસમાં CM પદને લઈને કશ્મકશ

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને આંચકો લાગવાની શક્યતા છે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની સંભાવના છે, ત્યારે કોંગ્રેસમાં CM પદ માટે કેટલાય નેતાઓએ દાવેદારી રજૂ કરી છે.

રાજ્યમાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસને 55થી વધુ બેઠકો મળવાનું અનુમાન છે. એ સાથે કોંગ્રેસમાં હવે CMપદ માટે અનેક નેતાઓએ દાવેદારી કરી કરી છે. આ યાદીમાં પહેલું નામ વિપક્ષના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાનું છે. તેઓ બે વાર CM રહી ચૂક્યા છે, તેમ છતાં તેમણે કહ્યું હતું કે હું હજી રિટાયર નથી થયો. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે.

આ રેસમાં બીજુ નામ કોંગ્રેસના મહા સચિવ અને સિરસાથી સાંસદ કુમારી શૈલજાનું છે. તેમણે દાવેદારી પેશ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ મારો અનુભવ ને પાર્ટી પ્રત્યેની મારી નિષ્ઠાને નજરઅંદાજ ના કરી શકે. હું કોંગ્રેસની વફાદાર સિપાહી છું અને હંમેશાં રહીશ. દરેક જણ જાણે છે કે કોંગ્રેસમાં CMનો નિર્ણય હાઇ કમાન્ડ કરે છે.આ ઉપરાંત ભૂપિન્દર હુડ્ડા CM પદની રેસમાંથી બહાર થશે તો તેઓ તેમના પુત્ર દીપેન્દ્ર હુડ્ડાનું નામ આગળ કરે એવી શક્યતા છે. આ ઉપરાંત રણદીપ સૂરજેવાલાનું નામ પણ ઘણું ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે CM બનવાની મહત્ત્વાકાંક્ષા રાખવી એ કંઈ ખોટું નથી. અમે CM પદ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્ણયનો સ્વીકાર કરીશું. આ સાથે હરિયામા કોંગ્રેસ અને દલિત નેતા ઉદય ભાન પણ CM પદની રેસમાં છે. તેઓ ભૂપિન્દર હુડ્ડાની નજીકની વ્યક્તિ છે. દિલ્હી AICC નેતાઓની સાથે એક બેઠકમાં તેમણે રાજ્યમાં એક દલિત ચહેરાને આગળ કરવાની વાત કરી હતી.

સિંઘમ અગેઈન ટ્રેલર ઈવેન્ટમાં જુઓ સ્ટાર્સનો અંદાજ

મુંબઈ: અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ રીલિઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે.આજે આ મલ્ટી સ્ટારર ફિલ્મનું ટ્રેલર રિલીજ કરવામાં આવ્યું છે. સિંઘમ અગેઇનમાં અજય દેવગનની સાથે કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, જેકી શ્રોફ અને અર્જુન કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે . આ વખતે ફિલ્મમાં વિલન બીજું કોઈ નહીં પણ અર્જુન કપૂર છે.

ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં દીપિકા સિવાયના બધા સ્ટાર્સ હાજર હતાં. રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈન ફિલ્મ 1 નવેમ્બરના રોજ સિનેમામાં રિલીઝ થશે.

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

રાજ્યમાં વરસાદની શક્યતા નહિંવત, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે તમામ ખેલૈયાઓને મુજવતો પ્રશ્ન એ હોય છે કે ક્યાંક વરસાદ ન આવી જાય. તો આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાએ તો નવરાત્રિના પહેલા દિવસેથી પૂર્ણ વિરામ મુક્યું હોય, તેવુ લાગી રહ્યુ છે. તો બીજી બાજું ગરમી જોર વધ્યું છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ ડબ્બલ ઋતુના અનુભવ થવાની આગાહી વ્યક્ત કરી છે. રાજયમાં 7 દિવસ ડ્રાય વાતાવરણ રહેશે, સાથે સાથે અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આજથી એટલે કે, 7થી 13 ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે. જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે.

જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂપાતર થઈ શકે છે. આ સાથે ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે. 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

‘અંતરયાત્રા’ નામે ઈ-મેગેઝીન લૉન્ચ

મુંબઈ: ‘Soil2Soul’ expeditions એ ‘અંતરયાત્રા’ નામે ભારતનું આધ્યાત્મિક ઈ-મેગેઝીન લૉન્ચ કર્યું છે, જે ભારતની આધ્યાત્મિક પરંપરાને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે નિશુલ્કઃ ઉપલબ્ધ હશે. વર્ષ 2024ના અંત સુધીમાં આ ઇ-મેગેઝીન દુનિયાભરમાં એક મિલિયન સબસ્ક્રાઈબર્સ સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે.આ ઈ-મેગેઝીનનું ઉદ્ઘાટન પ્રખ્યાત વૈદિક ફિલોસોફી અને ભારતીય સંસ્કૃતિના ગુરૂ ‘સ્વામી ગોવિંદ દેવ ગિરીજી’ (ખજાનચી, શ્રી રામજન્મભૂમી, અયોધ્યા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય મહાનુભવોમાં ભજનસમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટા, ‘ચિત્રલેખા’ ના ચેરમેન મૌલિક કૌટક, વાઇસ-ચેરમેન મનન કોટક, કવિતા મૂર્તિ, પ્રકાશ દુબે, શૈલેન્દ્ર ભારતી તથા લેખક અમી ગણાત્રા હાજર રહ્યા હતા.

‘Soil2Soul’ એ મંગલ ફાઉન્ડેશન તથા સંગીત અને સાહિત્યના ઉપાસક એવા લાલુભાઈ તથા કવયિત્રી, ગાયિકા તથા ચિત્રકાર રૂપા ‘બાવરી’નું પણ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ‘ચિત્રલેખા’ ના ચેરમેન મૌલિકભાઈ તથા રાજુલબેન તથા મનન કોટકનું પણ ખાસ સન્માન કરીને એમનો આભાર માનવામાં આવ્યો હતો.

અમેરિકન વૈજ્ઞાનિકોને માઇક્રો RNAની શોધ માટે મેડિસિનના નોબેલની જાહેરાત

નોબેલ પુરસ્કાર 2024 માટેના વિજેતાઓની જાહેરાત 7 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. સોમવારે મેડિસિન અને ફિઝિયોલોજી ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ છે. 2024નું મેડિસિનનું નોબેલ પુરસ્કાર વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકોનને એનાયત કર્યું છે. તેમને માઇક્રો RNAની શોધ માટે આ પુરસ્કાર આપ્યો છે.

માઇક્રો RNA દર્શાવે છે કે શરીરમાં કોષો કેવી રીતે રચાય છે અને કાર્ય કરે છે. બંને જિનેટિસ્ટોએ 1993માં માઇક્રો RNAની શોધ કરી હતી. માનવ જીન DNA અને RNAથી બનેલા છે. માઇક્રો RNA મૂળભૂત RNAનો ભાગ છે. તે છેલ્લા 500 મિલિયન વર્ષોમાં બહુકોષીય સજીવોના જીનોમમાં વિકસ્યું છે. અત્યાર સુધી, મનુષ્યોમાં વિવિધ પ્રકારના માઇક્રો RNAના એક હજારથી વધુ જીન શોધાયા છે.

શું છે માઇક્રો RNA?

આ બંને સંશોધકોને જે માઇક્રો RNA (miRNA)ની શોધ માટે વિશ્વનો સર્વોચ્ચ પુરસ્કાર એવું મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું, તે બહુ રસપ્રદ છે. આપણા શરીરના કોઇપણ નાનકડા ભાગને, ધારો કે લોહીનું કે લાળનું ટીપું લઇને તેને શક્તિશાળી માઇક્રોસ્કોપ નીચે મૂકીએ તો અસંખ્ય કોષો દેખાય. તેવા એકાદ કોષની અંદર વચ્ચોવચ કેન્દ્રમાં બેઠેલાં હોય DNA. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તેને ‘ડિઓક્સિરિબો ન્યુક્લિઇક એસિડ’ કહેવાય. આ DNAમાં આપણા શરીરની સંપૂર્ણ માહિતી હોય છે, બ્લૂ પ્રિન્ટ પણ કહી શકાય. આપણે કેવા દેખાઇશું, આપણું બ્લડગ્રૂપ શું હશે, આપણી આંખો કેવી હશે, વાળ વાંકડિયા હશે કે ચમકતી ટાલ પડી જશે, ભવિષ્યમાં કયા રોગો થવાની શક્યતા છે… વગેરે તમામ માહિતી આ વળ ચડાવેલી સીડી (ડબલ હેલિક્સ) આકારના DNAની અંદર સંઘરેલી હોય છે. એટલે જ માણસની ઓળખ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટો DNA ટેસ્ટ કરતા હોય છે. આ DNA શરીરના એકેએક કોષમાં મોજુદ હોય છે.

હવે શરીરને કોઇ કામગીરી માટે કોઇ ચોક્કસ પ્રોટીન બનાવવાની જરૂર ઊભી થાય, ત્યારે આ DNAમાંથી કેટલીક ઇન્ફર્મેશન લેવી પડે છે. જેમ કે, શરીરમાં શુગરનું નિયમન કરવા માટે વપરાતા ઇન્સ્યુલિન પ્રોટીનનું ઉત્પાદન કરવાનું થાય ત્યારે RNA નામના તત્ત્વને બોલાવવામાં આવે છે. કોષની અંદર રહેલા આ RNAનું પૂરું નામ છે રિબોન્યુક્લિઇક એસિડ. આ RNA કોષના કેન્દ્રમાં રહેલા DNAમાંથી ચોક્કસ ઇન્ફર્મેશન ઊંચકીને રિબોઝોમ તરીકે ઓળખાતા રસોઇયા પાસે લઈ જાય છે. જે શરીરની જરૂર પ્રમાણેનાં પ્રોટીન બનાવે છે. અલગ-અલગ કાર્યો માટે mRNA (મેસેન્જર RNA), tRNA (ટ્રાન્સફર RNA), rRNA (રિબોસોમલ RNA) જેવા પ્રકારો હોય છે. એટલે કે DNA આખા શરીરની તમામ ઇન્ફર્મેશન ધરાવતો માસ્ટર પ્લાન છે, જ્યારે mRNA તેમાંથી જોઇતી ચોક્કસ ઇન્ફર્મેશન ફોરવર્ડ કરતો ‘કુરિયરવાળો’ છે!નોબેલ પ્રાઇઝની જાહેરાત થઇ છે તે miRNA એટલે કે માઇક્રો RNA એ કોષની અંદર રહેલો મેનેજર છે, જે mRNAના કામકાજ પર દેખરેખ રાખે છે. mRNA કેટલું પ્રોટીન બનાવવાની ઇન્ફર્મેશન લઇને જાય છે, તેના પર miRNAની ચાંપતી નજર રહે છે. એટલું જ નહીં, તે mRNAની સાથે પણ રિબોઝોમ નામના રસોઇયા સુધી ટ્રાવેલ કરે છે, અને જુએ છે કે શરીરને જેટલી જરૂર છે તેટલું જ પ્રોટીન ‘રંધાઈ’ રહ્યું છે કે કેમ. જો miRNAને લાગે કે પ્રોટીનનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થઇ રહ્યું છે, તો તે mRNAની સ્વિચ ઑફ કરીને તેને સાઇલન્ટ કરી શકે છે અથવા તો ઉત્પાદનની ગતિ અત્યંત ધીમી પણ પાડી શકે છે. યાને કે miRNA શરીરની પ્રોડક્શન સિસ્ટમની પળેપળનું ધ્યાન રાખતી કંટ્રોલ સિસ્ટમ તરીકે કામ કરે છે.

આ બંને સંશોધકો વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રુવકુનને ‘પોસ્ટ ટ્રાન્સક્રિપ્શનલ જીન રેગ્યુલેશન’ તરીકે ઓળખાતી જનીનની આ ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમમાં માઇક્રો RNAની ભૂમિકા વિશે સંશોધન કરવા બદલ મેડિસિનનો નોબેલ પારિતોષિક જાહેર કરવામાં આવ્યો છે.

જ્યારે ગેરી રુવકોનને નોબેલ પુરસ્કાર વિશે માહિતી આપવા માટે ફોન આવ્યો ત્યારે તેઓ ગાઢ નિંદ્રામાં હતા. નોબેલ કમિટીએ તેમને ઊંઘમાંથી જગાડ્યા અને પુરસ્કાર મેળવવાની જાણકારી આપી. 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સાહિત્ય અને શાંતિ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.આ ઈનામો સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવી રહ્યા છે. નોબેલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વીડિશ ક્રોનર એટલે કે અંદાજે 8.90 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે

નોબેલ પુરસ્કાર 1901માં શરૂ થયો ત્યારથી, 2024 સુધી, મેડિસિનના ક્ષેત્રમાં 229 લોકોને તેનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત મેડિસિન માટે નોબેલ પુરસ્કાર કેટલિન કેરીકો અને ડ્રુ વેઈસમેનને મળ્યો હતો. નોબેલ પુરસ્કાર આપનારી સમિતિએ કહ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલી mRNA ટેક્નોલોજીથી બનેલી કોરોના રસી દ્વારા વિશ્વ કોરોના રોગચાળામાંથી બહાર આવી શકે છે.

પશ્ચિમ એશિયાના ટેન્શનને કારણે શેરબજારમાં છઠ્ઠા સેશનમાં ઘટાડો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સતત છઠ્ઠા સેશનનાં ઘરેલુ શેરબજારોમાં વેચવાલી થઈ હતી. સૌથી વધુ વેચવાલી મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં થઈ હતી. BSE પર લિસ્ટેડ બધી કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. નવ લાખ કરોડનો ઘટાડો થયો હતો. છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રૂ. 22 લાખ કરોડનો ઘટાડો થયો છે. એ સાથે BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ બે મહિનાના નીચલા સ્તરે સરક્યું છે. નિફ્ટી બે મહિનાનાની નીચલા સ્તરે 25,000ની નીચે સરક્યો છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ ઘેરાતાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. તેઓ ચીનના શેરબજાર તરફ વળ્યા છે. ઇન્ડિયા VIX ઇન્ડેક્સ 15.08એ પહોંચ્યો હતો, જે એક મહિનાના મહત્ત્મ સ્તરે પહોંચ્યો છે. જેથી BSE સેન્સેક્સ 638.45 પોઇન્ટ તૂટીને 81,050ના સ્તરે બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 218.85 પોઇન્ટ તૂટીને 24,795.80ના મથાળે બંધ થયો હતો.

ઘરેલુ બજારોમાં IT સેક્ટરને છોડીને બાકી બધાં સેક્ટર નરમ બંધ આવ્યા હતા. Psu શેરોમાં ભારે ઘટાડો થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1174 પોઇન્ટ તૂટીને 57,300ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેન્ક 983 પોઇન્ટ તૂટીને 50,479ના સ્તરે બંધ થયો હતો.

BSE એક્સચેન્જ પર કુલ 4178 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 642 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 3416 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 120 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 232 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 683 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

વાત એક સાહસિક કપલના અનોખા સાહસની…

અમદાવાદનું એક ડોક્ટર કપલ. પતિને સાયકલિંગનો ખૂબ જ શોખ પછીથી એમની પત્નીને ય રંગ લાગ્યો. બન્નેની દોઢ મહિનાની દીકરી પણ જોડાઈ. હમણાં આ કપલે 19 મહિનાની દીકરીને લઈને સ્વિત્ઝર્લેન્ડમાં નોન સપોર્ટેડ સાયકલ ટૂર કરી એક અનોખું સાહસ કરી બતાવ્યું છે. ફક્ત બાર જ દિવસની અંદર 7200 ફૂટની ઊંચાઈએ 300 કિ.મી. અંતર કાપીને આ તબીબ દંપતિએ નવી જ સિધ્ધિ હાંસલ કરી છે.

 

વાત છે ડૉ. જીનલ વોરા અને ડૉ. વિશ્વા વોરાની. જીનલભાઈ આર્યુવેદિક ડોક્ટર અને વિશ્વાબહેન એલોપેથી ડોક્ટર. બન્ને અમદાવાદની જાણીતી સી. એન. વિદ્યાલયમાં સાથે ભણતા ત્યારથી મિત્રો સાથે ગ્રુપમાં સાયકલિંગ કરતા. પછી કોલેજ લાઇફમાં થોડા છૂટા પડ્યા એટલે સાયકલિંગ પણ ઓછું થઇ ગયું.

અલબત્ત, એ સમયે પણ જીનલભાઈ સાયકલ લઈને વિશ્વાને કોલેજ પર મળવા જતા. એમના મતે સાયકલ શારીરિક કસરત માટે તો ઉત્તમ હોવાની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે શ્રેષ્ઠ સાધન હતું. વર્ષ 2018માં બન્નેના લગ્ન થયા.

વર્ષ 2020માં ડૉ. જીનલે તેમની લગ્નની વર્ષગાંઠ પર વિશ્વાબહેનને ટેન્ડમ બાયસિકલ ભેટ આપી. પછી તો આખા દિવસની દોડભાગના અંતે એકબીજા સાથે ટાઈમ વીતાવવા માટેનો એક સરસ ઉપાય એમને મળી ગયો. સાથે સમય પણ પસાર થાય અને ફિટનેસ પણ જળવાય.

હવે એમની સવાર જ ટેન્ડમ પર 20 થી 25 કિ.મી. સાયકલિંગથી શરૂ થતી. એમાંથી હિમાચલ પ્રદેશમાં સ્પીતી વેલી પર સાયક્લિંગ કરવાનો વિચાર આવ્યો એટલે એની તાલીમ શરૂ કરી. ઓગષ્ટ, 2021માં 11 દિવસની અંદર 510 કિ.મી. અંતર કાપીને સ્પીતી વેલી સર્કિટ પૂર્ણ કરી. આ એક અનસપોર્ટેડ રાઈડ હતી, જેમાં કોઈપણ પ્રકારની મદદ વગર પોતાનો સામાન સાયકલ પર જ લઈને જ જવાનું હતું. ઉંચાઈ પર ઓક્સિજન લેવલ અને હાર્ટબીટ મેઈન્ટેઈન રાખવા એ અઘરા ટાસ્ક હતા, પણ એમણે એ કરી બતાવ્યું.

વર્ષ 2024માં ડૉ. જીનલને વિચાર આવ્યો કે હવે દીકરી સાથે સાયકલ લઈને એક ખાસ ટૂર કરવી. દીકરી હસ્તી માટે પણ ટેન્ડમ સાયકલ પર ખાસ સીટ લગાવવામાં આવી. તેને લાંબો સમય સુધી સાયકલ પર બેસવાની ટેવ પડે તે માટે કપલે સાથે ટ્રેનિંગ શરૂ કરી. અમદાવાદમાં જ દીકરીને રોજની બેથી ત્રણ કલાક માટે સાયકલિંગ કરાવતા હતા.

આ રીતે છેવટે જુલાઈ, 2024માં 19 મહિનાની દીકરી સાથે ટેન્ડ઼મ સાયકલ પર શરૂ થઇ સ્વિત્ઝર્લેન્ડની ટૂર. દીકરી નાની હતી એટલે મમ્મી વિશ્વાને થોડી ચિંતા ય હતી, પણ પતિનો આત્મવિશ્વાસ જોઇને એમનામાં પણ હિંમત આવી.

ડો. વિશ્વા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, “15માંથી 12 દિવસ સાયક્લિંગ કરીને અમે આખું સ્વિટ્ઝલેન્ડ હોરિઝોન્ટલી ક્રોસ કર્યું હતું. જિનીવાથી લઈને ઝ્યુરિચ સુધી  અમે 12 દિવસમાં 7200 ફૂટ ઊંચાઈએ 300 કિ.મી.નું અંતર કાપ્યું હતું, જેમાં કોઈપણ પ્રકારનો સપોર્ટ લીધો ન હતો. બધું જ જાતે પ્લાન કર્યું હતું. જાતે જ અમારો સામાન ઊંચકીને અમે આ અંતર કાપ્યું હતું. સાઈકલની ફ્રન્ટમાં બે બેગ લગાવી હતી. બીજા વ્હિલ પર બીજી બે બેગ લગાવી શકાય તેવાં હેન્ડલ તૈયાર કરાવ્યા હતા. ટેન્ટ, સ્લિપિંગ બેગ સાયકલ પર જ સાથે રહી શકે એ માટેની બધી જ તૈયારી કરી હતી.”

અલબત્ત, આ પ્રવાસમાં સૌથી મોટો પડકાર હતો ટેન્ડમ સાયકલને સ્વિત્ઝર્લેન્ડ લઈ જવી એ.  ડૉ. વિશ્વાબહેન કહે છે, “અમારે અમારી જ ટેન્ડમ બાયસિકલ પર સ્વિટ્ઝલેન્ડમાં ફરવું હતું. જેનું કારણ અમારી દીકરી હતી. અમારી સાયકલમાં અમે તેના માટે ખાસ સીટ લગાવડાવી છે. ત્યાં પહોંચ્યા પછી આ પ્રકારની બીજી સાયકલ મળે કે નહીં અને મળે તો હસ્તીને ફાવે કે નહીં એ પણ સવાલ હતો.

આ માટે એમણે આખી સાયકલ ડિસમેન્ટલ કરીને કાર્ગોમાં સ્વિટ્ઝલેન્ડ મોકલી અને ત્યાં જઇને ફરી રિએસેમ્બલ કરી. એ દરમ્યાન ગિયર ચેન્જ કરવા માટેનો એક પાર્ટ તૂટી ગયેલો એટલે થોડુંક ટેન્શન વધી ગયું, સદનસીબે એ પાર્ટ જિનીવામાં મળી ગયો એટલે વાંધો ન આવ્યો.

વિશ્વાબહેન કહે છે, “સ્વિત્ઝર્લેન્ડમાં સાયક્લિંગ માટેના વિશેષ રૂટ છે. આ રૂટ તમે સ્વિસ મોબિલીટી વેબસાઈટ પર જોઈ શકો છો. એમાંથી 9 નંબરના રૂટમાં અત્યંત સુંદર તળાવો જોવા મળે છે. અહીં કાર માટેનો રૂટ અલગ હોય, એની બાજુમાં સાયકલ માટેનો રૂટ હોય. એની બાજુમાં ચાલીને જતાં લોકો માટે ફૂટપાથ હોય અને એની બાજુમાં ટ્રેન જતી હોય. અહીંના લોકો સાયક્લિંગને લઈને ખૂબ જ જાગૃત પણ છે. અમને આ રીતે બાળક સાથે સાયક્લિંગ કરતાં જોઈને ત્યાંના લોકો ખુશ થયા. અહીં લોકો સાયકલ ચલાવે છે, પરંતુ ટેન્ડમ સાયકલ ચલાવવી એ એમના માટે ય નવી વાત હતી. અમને 15 દિવસમાં ફક્ત બે જ ટેન્ડમ બાયસિકલ જોવા મળી. એમાં પણ નાના બાળક સાથે તો એકપણ ન હતી. લોકો અમને જોઇને કહેતા કે Ohh! This is not battery power, this is muscle power!”

ડૉ. જીનલ અને ડૉ. વિશ્વા જિનિવાથી લૌઝેન, જિસ્તાડ, ગ્રુયેર્સ, સિમેનટલ, ઈન્ટરલેકન, મેરેન્જિયન, સારનેનો થઈને છેલ્લે સ્ટાન્ટસમાં રોકાયા હતા. પંદર દિવસની એમની આ સફર એમના માટે યાદગાર તો છે જ, સાથે સાથે સાહસિક પ્રવાસના શોખીનો માટે દ્રષ્ટાંતરૂપ પણ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

દિવ્યાંગજનો માટે અમદાવાદમાં યોજાયા અનોખા રાસ ગરબા

અમદાવાદ: શેરી મહોલ્લા સોસાયટીઓ અને સંસ્થાઓ દ્વારા યોજાતા રાસ ગરબાની રમઝટના કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ વર્ષના ગરબાના ઉત્સાહભેર યોજાતા આયોજનોમાં અમદાવાદની ભવન્સ કોલેજના પ્રાંગણમાં એક અનોખા ગરબાનું આયોજન થયું હતું. જેમાં દિવ્યાંગ લોકો અને એમના પરિવારજનોએ રાસ ગરબાની મોજ માણી હતી.અમદાવાદ શહેરની દિવ્યાંગજનો માટે કામ કરતી ‘પી.એચ.એ. ઈન્ટરનેશનલ સંસ્થા’એ ભવન્સ કોલેજના કેમ્પસમાં નવરાત્રિ મહોત્સવ 2024નું આયોજન કર્યુ હતું. આ વખતે કોરિયોગ્રાફર કુશ બેંકર અને ટીમે આપેલા પરફોર્મન્સ સાથે દિવ્યાંગ સભ્યો અને પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પી.એચ.એ. ઈન્ટરનેશનલ દ્વારા વર્ષ 2011થી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અંદાજે 700 જેટલાx ગુજરાત અને મહારાષ્ટ્રના દિવ્યાંગ લોકો ભાગ લેતા હોય છે.

આ વર્ષે રાસ ગરબાના ભવ્ય આયોજનમાં યુવાન આઈ.પી.એસ. સફિન હસન જે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ખુબ જાણીતા છે એમની વિશેષ ઉપસ્થિતિ હતી. યુવાન પોલીસ ઓફિસરે સૌની પાસે જઈ રાસ ગરબા માટે દાંડિયા આપ્યા. પરંપરાગત વેશભુષા, આભલા ભરતકામ સાથેની છત્રીઓ લઈ ગરબે ઝુમતા લોકો સાથે પોલીસ અધિકારી સફિન હસને સેલ્ફી પણ લીધી હતી.સામાજિક આગેવાનો, પોલીસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિથી દિવ્યાંગ લોકો માટે યોજાયેલા ગરબા મહોત્સવમાં ભાવ સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

હાર્દિક પંડ્યાએ તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ, બન્યો નંબર 1

બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. હાર્દિક પંડ્યા પણ આ મોટી જીતનો હીરો હતો જેણે બોલ અને બેટથી અદભૂત પ્રદર્શન કર્યું હતું. આ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં શાનદાર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને આ સાથે તે T20માં સૌથી વધુ વખત સિક્સર ફટકારીને મેચ જીતનાર ખેલાડી પણ બન્યો હતો. ચાલો તમને જણાવીએ કે પંડ્યાનો તે રેકોર્ડ શું છે અને તેણે વિરાટને કેવી રીતે હરાવ્યો.

વિરાટને હરાવીને હાર્દિક નંબર 1 બન્યો

જેવો જ હાર્દિક પંડ્યાએ તસ્કીન અહેમદના બોલ પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી લીધી અને તે વિરાટને હરાવીને નંબર 1 બની ગયો. હાર્દિક પંડ્યાએ પાંચમી વખત સિક્સર ફટકારીને ભારત માટે મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ ચાર વખત આ કારનામું કર્યું હતું. હવે હાર્દિક તેના કરતા પણ આગળ નીકળી ગયો છે. આ રેકોર્ડ સિવાય પંડ્યાએ અદ્દભૂત બેટિંગ કરી હતી.

આ જમણા હાથના બેટ્સમેને 16 બોલમાં 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. પંડ્યાની બંને સિક્સર શાનદાર હતી. આ સાથે તેણે તસ્કીન અહેમદના બોલ પર નો લૂકમાં ચોગ્ગો પણ માર્યો, જેને જોઈને માત્ર ચાહકો જ નહીં ક્રિકેટ એક્સપર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

પંડ્યાની બોલિંગ પણ અદભૂત હતી

ગ્વાલિયર T20માં હાર્દિક પંડ્યાએ માત્ર બેટિંગ જ નહીં પરંતુ બોલિંગ પણ કરી હતી. ઓપનિંગ બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં માત્ર 26 રન આપ્યા હતા. તેના ખાતામાં એક વિકેટ આવી. આ સિવાય હાર્દિક પંડ્યાએ બે કેચ અને એક રન આઉટ પણ કર્યો હતો. એકંદરે પંડ્યાનું પ્રદર્શન પરફેક્ટ હતું. ટીમ ઈન્ડિયાએ ગ્વાલિયર T20 આસાનીથી જીતી લીધું, હવે તેનો ઉદ્દેશ્ય બુધવારે દિલ્હીમાં રમાનાર મેચ જીતવાનો રહેશે. ભારતીય ટીમ દિલ્હીમાં જ શ્રેણી જીતવા માંગશે.