Home Blog Page 1430

વાહ ભાઈ વાહ! – ૦૬ ઓક્ટોબર ૨૦૨૪

૦૬ ઓક્ટોબર ૨૦૨૪

આજના સ્પર્ધાના યુગમાં જડતા અને પૂર્વગ્રહોને કોઈ સ્થાન નથી

આપણે હજુ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વ્યવસ્થાપનના અનુસંધાન વિશે જ ચર્ચા કરી રહ્યા છે. બે મુદ્દા આ ચર્ચામાં સ્પષ્ટ ઉપસે છે. પહેલો, કોઈ પણ પરિસ્થિતિને અનુકૂળ થવું, (Adaptability) અને સ્થિતિ સ્થાપકતા (Flexibility).

ગીતા જ્ઞાનમાંથી ઉપજતા બે મહત્ત્વના મુદ્દાઓ છે. ભગવદ્ ગીતા કશું જ કાયમી નથી, બધું જ કાળને આધિન છે તેમ કહે છે અને એ થકી મેનેજર્સને એવું શીખવવાનો પ્રયત્ન છે કે એણે પોતાના પૂર્વગ્રહો અને વિચારસરણીની જડતાઓને બદલે સ્થિતિસ્થાપકતા અને કોઈ પણ મુદ્દે ખુલ્લા દિલે (ખુલ્લા મગજથી) નવા વિચારોને અથવા પદ્ધતિઓને આવકારવા જોઈએ, જેને કારણે એની કંપની અથવા સંસ્થા પોતાના સ્પર્ધકો ઉપર સરસાઈ જાળવી રાખે.

મેનેજમેન્ટની નિર્ણય પ્રક્રિયામાં પોતાના પૂર્વગ્રહો અથવા માન્યતાઓને જડતાથી વળગી ન રહેતા એમાં જે ક્ષતિ જણાય તે સુધારવાની એટલે કે હંમેશના ધોરણે વિદ્યાર્થી બની રહેવાની વાત છે. આ જ વાત એલ્વીન ટૉફલરના શબ્દોમાં કહીએ તો હવેના સમયમાં ‘નોલેજ વીલ બી ધ પાવર એન્ડ હુ હેઝ અર્લીઍઝ એક્સેસ ટુ ધી નૉલેજ, સેલ બી ધ મોસ્ટ પાવરફૂલ’

ઝડપથી બદલાતા જતા જ્ઞાનના આ વિશ્વમાં નવા આવિષ્કારો સ્વીકારવાની અને જ્યાં જરૂર જણાય ત્યાં પોતાના પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને નિર્ણય લેવાની પ્રક્રિયા એનું બીજું નામ કર્મયોગ કહી શકાય?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 06/10/2024

નવરાત્રિ નહીં, લવરાત્રિ છે: અનુપમ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ

ગુજરાતમાં એક બાજું નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. અને બીજી બાજું બે ધર્મો સામે સામે આવ્યા જેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. સ્વામિનારાયણ ગુરૂકુળના અનુપમ સ્વરૂપ સ્વામીનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, તેમાં તે કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. શરમ સાવ ગઈ, જેવા નિવેદન આપતા જોવા મળી રહ્યા છે. તો સંત સમાજના જ્યોતિર્નાથ મહારાજે આ નિવેદનને વખોડ્યું હતું.

અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગરમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ પર બફાટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ નવરાત્રિ નહીં, પણ લવરાત્રિ છે. માતાજીની પૂજા નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. તેમણે જણાવ્યું હતું કે અરે ઓ ગુજરાતીઓ… તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે એ ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં, પણ લવરાત્રિ છે. કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે. આનાથી વિશેષ બીજું કશું નથી. કોઈ એમ કહે છે કે માતાજીની પૂજા નહીં, પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. કોઈ એમ કહે છે કે ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને એ પણ લીગલ નોટિસ સાથે. અરે હદ તો ત્યારે થઈ કે મેં જ્યારે વાંચ્યું… પોસ્ટ એ હતી કે સમાજનું મોટું દૂષણ એટલે છૂટાછેડા. આ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે. તો જવાબમાં કોઈએ લખ્યું કે, ડિસરિસ્પેક્ટ. કોઈએ લખ્યું કે બેડ બિહેવિયર. કોઈકે એવું લખ્યું કે ઓછી વાતચીત થતી હશે. કોઈકે વળી એવું લખ્યું કે પૈસાનો અભાવ. કોઈએ એવું લખ્યું વધતી જતી જવાબદારીઓ, પરંતુ કોઈકે એવું લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે. ઓહ માય ગોડ…

તેમણે જણાવ્યું હતું કે શું નવરાત્રિને કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે. લખનારે કંઈક જોયું હશે, કઈ વિચાર્યું હશે તો જ લખ્યું હશેને. જો ભાઈ… બહુ નેગેટિવમાં ઘૂસવું એ મારું કામ નથી. હાલના સમયમાં આ સમજવું ખૂબ જ જરૂરી છે. જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ હવે લવરાત્રિ તરીકે ઓળખાય છે. આ તે વળી કેવી લાચારી. નવરાત્રિમાં માઁ આદ્યાશક્તિ અંબાની નવ નવ દિવસ સુધી પૂજા અને ઉપાસના થતી હોય, હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા, બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય છે. આ તે વળી કેવી લાચારી. પહેલા નવરાત્રિમાં સ્ત્રી માત્ર ને દેવી સ્વરૂપે જોવામાં આવતી. નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી. શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી. એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન ગણીને એક ભૂખ્યા ભેડિયા વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 61 ટકા મતદાનઃ મેવાતમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની બધી 90 સીટો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે. CM નાયબ સિંહ સૈની, ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કોંગ્રેસનાં ઉમેદવાર વિનેસ ફોગાટ, JJPના દુષ્યંત ચૌટાલા સહિત 1031ના નસીબનો નિર્ણય થશે. ભાજપ ત્રીજી વાર રાજ્યની સત્તા હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ એક દાયકા પછી સરકારમાં વાપસી કરવાની અપેક્ષા કરી રહી છે. રાજ્યમાં 61 ટકા મતદાન થયું હતું. મેવાતમાં સૌથી વધુ મતદાન થયું હતું.

રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા સુધી કુલ મતદાન 61 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં અંબાલામાં 62.26 ટકા, ભિવાનીમાં 63.06 ટકા, ચરખી દાદદરીમાં 58.10 ટકા, ફરીદાબાદમાં 51.28 ટકા, ફતેહાબાદમાં 67.05 ટકા, ગુરુગ્રામમાં 49.07 ટકા, હિસારમાં 64.16 ટકા, ઝઝરમાં 60.52 ટકા, જીંદમાં 66.02 ટકા, મૈથલમાં 62.53 ટકા, કરનાલમાં 60.42 ટકા, કુરુક્ષેત્રમાં 65.55 ટકા, મહેન્દ્રગઢમાં 65.76 ટકા, મેવાતમાં 68.28 ટકા, પલવલમાં 67.69 ટકા મતદાન થયું હતું.

રાજસ્થાનના સટ્ટાબજાર અનુસાર હરિયાણામાં કોંગ્રેસને 57થી 59 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપેને 22થી 24 સીટો મળવાનો અંદાજ છે. જો સટ્ટાબજારના અનુમાનો સાચા સાબિત થયા તો 10 વર્ષ પછી રાજ્યમાં કોંગ્રેસની વાપસીની સંભાવના છે.

હરિયાણામાં 20,354350 મતદાતાઓ આ ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે, જેમાં 10,775,957 પુરુષ મતદાતાઓ અને 9,577,926 મહિલા મતદાતાઓ છે. અને મતદાતાઓની સંખ્યા 467 છે. ચૂંટણી પંતે મતદાન માટે રાજ્યમાં 20,632 પોલિંગ બૂથ બનાવ્યા હતા. મતદાન સમયે મતદાતા મોબાઇલ નહીં લઈ શકે.

 

NCP અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મીની ઘાતકી હત્યા

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર શુક્રવારે રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં હુમલાખોરો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ઘટના અંગે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે NCP (અજિત પવાર જૂથ)ના નેતા સચિન કુર્મી પર શુક્રવારે મોડી રાત્રે મુંબઈના ભાયખલા વિસ્તારમાં અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે નેતા પર હુમલો મુંબઈના ભાયખલા વિસ્તારમાં મ્હાડા કોલોની પાછળ કરવામાં આવ્યો હતો.

OLYMPUS DIGITAL CAMERA

સચિન કુર્મી પર કોણે કર્યો હુમલો?

મુંબઈ પોલીસે કહ્યું,“આ ઘટના શુક્રવારે મધરાતે બની હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ સચિન કુર્મીને નજીકની જેજે હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ કુર્મીને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.”

પોલીસે જણાવ્યું કે સચિન કુર્મી પર કોણે હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી. પોલીસના જણાવ્યા અનુસાર સચિન કુર્મી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા. ઘટનાને અંજામ આપીને હુમલાખોરો નાસી ગયા હતા. આ ઘટનાથી વિસ્તારના લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર હુમલામાં 2 થી 3 લોકો સામેલ હતા, પરંતુ હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી. હજુ તપાસ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે સચિન કુર્મી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCP અજિત પવાર જૂથના નેતા હતા, તેઓ લાંબા સમયથી મુંબઈમાં રાજકારણમાં સક્રિય હતા. સચિન કુર્મીની હત્યાથી રાજકીય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

પશ્ચિમ બંગાળમાં નવ વર્ષની તરુણીનો રેપ, હત્યાઃ એકની ધરપકડ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના એક ગામમાં નવ વર્ષની તરુણીની સાથે રેપ અને હત્યાના થોડાક કલાકો પછી હિંસા ભડકી હતી. ગુસ્સામાં આવેલા લોકોએ પોલીસ ચોકીને આગના હવાલે કરી દીધી હતી. યુવતીના પરિવાર અને પડોસીઓના જણાવ્યાનુસાર તરુણી બપોરે કોચિંગ સેન્ટરમાં ગઈ હતી. એ પછી ગઈ કાલે રાત્રે યુવતીનો મૃતદેહ પાસેના તળાવમાં મળ્યો હતો. આખા વિસ્તારમાં તણાવ વધી ગયો હતો.

પશ્ચિમ બંગાળ પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં કોચિંગ ક્લાસ માટે ઘરેથી નીકળતી વખતે એક છોકરીનું કથિત રીતે અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ગુસ્સો અને વિરોધની લાગણી ફેલાઈ છે. હાલમાં પોસ્ટમોર્ટમની રાહ જોવાઈ રહી છે. ભાજપે દાવો કર્યો છે કે આ બળાત્કાર અને હત્યાનો મામલો છે.

આ પહેલાં ઓગસ્ટમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટરની બળાત્કાર અને પછી હત્યાને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પશ્ચિમ બંગાળ સરકાર પહેલેથી જ ટીકાઓનો સામનો કરી રહી છે. ત્યારે હવે ભાજપે ફરી એકવાર મમતા સરકાર પર પ્રહારો કર્યા છે.

શું છે બનાવ?

સગીર છોકરી શુક્રવારે દક્ષિણ 24 પરગણાના મહિષામરીમાં કોચિંગ ક્લાસ માટે બહાર ગઈ હતી અને જ્યારે તે ઘરે પરત ન આવી ત્યારે પરિવારે રાત્રે ગુમ થયાની ફરિયાદ નોંધાવી, પોલીસે જણાવ્યું હતું. બીજા દિવસે, શનિવારે સવારે, તેનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો જેમાં ઈજાનાં અનેક નિશાન હતા.

ભાજપના  IT સેલના વડા અમિત માલવિયાએ આ ઘટનાને લઈને CM મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. “રાજ્યમાં અન્ય એક આઘાતજનક ઘટનામાં એક 11 વર્ષની સગીર હિંદુ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.

 

ગુજરાતના CMએ રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવી

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આવતી કાલે રવિવારે 4:30 વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે મળે છે. ત્યારે કેબિનેટ બેઠકનું આયોજન રવિવારે રજા દિવસે હોવાથી અધિકારીઓ અને મંત્રીને નવાઈ લાગી રહી છે.

રવિવારે કેબિનેટની બેઠકના કારણે અધિકારીઓ અને મંત્રીઓ ચકરાવે ચઢ્યા છે. રજાના દિવસે બેઠકના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકાર કંઈક નવી-જૂની કરે તેવી પણ સંભાવના સેવાઈ રહી છે. સામાન્ય રીતે કોઈ મહત્વના નિર્ણય લેવાના હોય ત્યારે જ આ પ્રકારે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે છે. ત્યારે જોવાનું રહ્યું કે, આ બેઠકમાં રાજ્ય સરકાર કયાં મહત્વના નિર્ણય લે છે કે કેમ? ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 ઓક્ટોબર મોદી સરકારના 23 વર્ષ પૂરા થવાના છે. ત્યારે એવી પણ સંભાવના સેવાઈ રહી છે કે, આ મુદ્દે પણ કોઈ મહત્વના નિર્ણય લેવામાં આવી શકે. આજથી 23 વર્ષ પહેલાં 7 ઓક્ટોબરના દિવસે જ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. જોકે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક તરીકે તેમની કામગીરીની શરુઆત કરી હતી.

ઇન્ડિગોનું નેટવર્ક ડાઉન થવાથી પેસેન્જરો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઘરેલુ એરલાઇન ઇન્ડિગોની નેટવર્ક-વાઇડ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેને કારણે મુસાફરોને ચેક-ઇન અને બેગેજ ડ્રોપ માટે એરપોર્ટ પર લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડ્યું હતું. કંપનીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. કંપનીના જણાવ્યા મુજબ બપોરે સિસ્ટમમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી, જે કારણસર દેશમાં ફ્લાઇટ ઓપરેશન અને એરપોર્ટ સેવાઓ પર પ્રતિકૂળ અસર પડી છે.

કંપનીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે હાલ અમે આમારા નેટવર્કમાં એક અસ્થાયી સિસ્ટમ સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે. જેનાથી અમારી વેબસાઇટ અને બુકિંગ સિસ્ટમ પર અસર પડી છે. આ કારણસર ગ્રાહકોનો પ્રતીક્ષા સમય પણ વધી ગયો છે. ચેક-ઇનની પ્રોસેસ ધીમી થી ગી છે અને એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇનો લાગી છે.’

અમારી એરપોર્ટ ટીમ તમામ મુસાફરોની મદદ કરવા અને તેમના માટે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. અમે શક્ય તેટલી ઝડપે સ્થિતિ સામાન્ય કરવા અને ટેક્નિકલ ખામી દૂર કરવા પ્રયાસો કરી રહ્યા છે. અમને આ અસુવિધા બદલ ખેદ છે.’ કંપનીની આ ટ્વિટ પર મુસાફરોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

એક મુસાફરે લખ્યું કે લખનઉ-દિલ્હી ફ્લાઇટ નંબર 6E2380 એક કલાકથી વધુ મોડી થઈ છે. લોકો વિમાનની અંદર બેસેલા છે અને વિમાન ટેકઓફ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

આ, અગાઉ બે અઠવાડિયાં પહેલા પણ મુંબઇથી દોહા (કતાર) જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મુસાફરોને વિમાનની અંદર 18 કલાકથી પણ વધુ સમય રાહ જોવી પડી હતી. એ સમયે પણ ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. આવી અન્ય એક ઘટનામાં થોડાક દિવસો પહેલાં દિલ્હી-વારાણસી ફ્લાઇટમાં પણ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.