Home Blog Page 1431

વડોદરામાં મિત્રને મળવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ

વડોદરા: ગુજરાતમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિનો મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં મા દુર્ગાના તહેવાર પર સગીરા દીકરીને નરાધર્મ પોતાની હવસનો સીકાર બનાવ્યાના સમાચાર મળી રહ્યા છે. બીજા નોરતાની મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતાં સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળ્યાં છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે એની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં પાંચેય શખસે પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતા નરાધર્મ સૃષ્ટી વિરુધ્ધનું કાર્યુ હતું. ઉલ્લેખનીય છે કે પીડિતા અને તેના મિત્રને આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી, પણ તેની વાતની શૈલી કેવી હતી, શરીરનો બાંધો કેવો હતો એ અમને જણાવ્યું છે. આ ઉપરાંત ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી.

પીડિતાના પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિતાનો મિત્ર ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી તેમજ શહેર પોલીસતંત્રની ટીમ મળી 5 ટીમ કામે લગાડી દેવામાં આવી છે.

જાણો આ વર્ષે અમદાવાદના કેમ્પસ ગરબામાં શું ખાસ આયોજન છે?

નવરાત્રિ પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં માતાજીની ભક્તિ અને આરાધના થઇ રહી છે. ગરબાના મોટા આયોજકો ઉપરાંત અમુક શૈક્ષણિક સંકુલો પણ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરતા હોય છે.

અમદાવાદ શહેરમાં પણ કેટલાક એજ્યુકેશનલ કેમ્પસ ગરબાનું આયોજન કરવા માટે જાણીતા છે અને એમના ગરબા લોકપ્રિય બન્યા છે. આવો જાણીએ, આ વર્ષે શું આ ખાસ છે, આ જાણીતા કેમ્પસ ગરબામાં….

IIT(ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી)ગાંધીનગર

નવરાત્રિના નવ દિવસ પરંપરાગત વિધિને અનુસરીને સંધ્યા આરતી સાથે બે દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 અને 12 ઓગસ્ટના રોજ ગરબાનું આયોજન થશે.

 IIT ગાંધીનગર પ્રોગ્રામ મેનેજર, મીડિયા અને જનસંપર્ક વનજાકહી.બી.એચ કહે છે, પરંપરાગત રીતે હાઉસીંગ કલ્ચર કમિટી અને સ્ટુડન્ટ કલ્ચર કમિટી દ્વારા અલગ અલગ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે અમે લગભગ પાછલા 15 વર્ષથી ગરબાનું આયોજન કરતા આવીએ છીએ. આ ગરબામાં અમે IITના વિદ્યાર્થીના એન્ટ્રી આપીએ છીએ.

અષ્ટમીની પૂર્વસંધ્યાએ IITGN સમુદાય દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન સાથે દુર્ગાઅષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. કાર્યક્રમ સમયે IIT ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો હાજરી આપશે. જ્યારે, બીજા દિવસે સવારે ન્યાસા પ્રોગ્રામ સાથે જોડાયેલી બાળકીઓનું પૂજન કરવામાં આવશે. કેમ્પસમાં શરદ પૂર્ણિમા નિમિત્તે 16 ઓક્ટોબરે પણ ગરબા રાત્રિનું આયોજન થશે.

LJ(લોક જાગૃતિ કલ્યાણ) યુનિવર્સિટીઅમદાવાદ

LJ યુનિવર્સિટીના ડીન અને ડાયરેક્ટર ડો.શ્રીરાજ શાહે માહિતી આપી હતી કે આ વર્ષે ત્રણ દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3,4 અને 5 ઓક્ટોબર એમ પહેલા ત્રણ નોરતા દરમિયાન LJના કેમ્પસમાં ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં 3 અને 4 ઓક્ટોબર વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજીત કરાયા હતા. જ્યારે  5 ઓક્ટોબરના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ગરબાનું ગોઢવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે ગરબાના આયોજનમાં પહેલા દિવસે દેવાંગ પટેલના સૂરથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઝુમ્યા હતા. LJ દ્વારા પાછલા 10 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય રીતે LJ કોલેજના ગરબા આઉટસાટના લોકો માટે ખુલ્લા નથી હોતા, પરંતુ વિદ્યાર્થીઓને ગેસ્ટ લાવવા માટે કેમ્પસ દ્વારા પરવાનગી આપવામાં આવે છે.

HL(હરગોવનદાસ લખમીચંદ) કોમર્સ કોલેજઅમદાવાદ

HL કોલેજના એલ્યુમની એસો. સેક્રેટરી જૈનિલ શાહે જાણકારી આપતા કહ્યું કે HL કોલેજમાં આ વર્ષે બે દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં 5 અને 6 ઓક્ટોબર બે દિવસ ગરબા યોજાશે. જેમાં તમામ સ્ટાફ સહિત તમામ વિદ્યાર્થીઓ ભાગ લેશે. HL કોલેજ એલ્યુમ્ની એસોસિયેશન દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 5ના શનિવારના રોજ રવિ શાહ અને શેફાલી શાહના સૂર પર વિદ્યાર્થી ગરબાની રમઝટ બોલાવશે. તારીખ 6ના વ્યાસ બ્રધર્સના સૂરો લહેરાશે. HLએલ્યુમ્નીની એસોસિયેશન દ્વારા પાછલા 25 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને આનો ક્રેઝ આખા અમદાવાદમાં જોવા મળે છે.

નવરાત્રિમાં રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સવાર સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી છે. મોડી રાત્રે મહિલાઓ અને પરિવારને લઈને ગરબા રમવા નીકળેલા લોકોને ઘણીવાર ઘરે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સિવાય 11 વાગ્યા પછી દરેક ખાનગી વાહનો દોઢું ભાડું લેતા હોય છે. જેથી ઘરે પહોંચવું ખૂબ મોંઘુ પડી જાય છે. એવામાં આવી મુશ્કેલીનો સામનો કરનાર લોકો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રોની સુવિધા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રિને ધ્યાનમાં લઈને લોકોની સુવિધા માટે મેટ્રો ઑથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રે 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવા અધિકારીઓને જણાવ્યું હતું. નવરાત્રિ દરમિયાન શહેરીજનોને સસ્તી અને આરામદાયક મુસાફરી માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફેઝ-1 કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે. જેને લંબાવીને રાતના 2 વાગ્યા સુધી કરવામાં આવી છે. GMRCએ ગઈકાલે 4 ઓક્ટોબરના રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું કે, નવરાત્રિની ઉજવણીને ધ્યાનમાં લઈને, મેટ્રો ટ્રેન માત્ર ફેઝ-1 (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) કોરિડોરમાં એટલે કે થલતેજથી વસ્ત્રાલ ગામ સુધી અને મોટેરા સ્ટેડિયમથી APMC સુધી 5 ઑક્ટોબરથી સવારે 6.20 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. રાત્રે 10 વાગ્યા પછી મેટ્રો ટ્રેન સેવાઓ માત્ર ફેઝ-1 (પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) કોરિડોરમાં મળશે. દરેક સ્ટેશનથી 20 મિનિટના અંતરે મળી રહેશે.

સેનાએ ઘૂસણખોરીના પ્રયાસ કરતા બે આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં સેનાએ બે આતંકવાદીઓને થયેલી અથડામણમાં ઠાર કર્યા હતા.   સેનાએ જણાવ્યું હતું કે ઓપરેશન ગૂગલધરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી યુદ્ધસામગ્રી મળી આવી છે. હાલ આ વિસ્તારમાં શોધખોળ ચાલી રહી છે અને ઓપરેશન ચાલુ છે.

સેનાએ કહ્યું હતું કે સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને આતંકવાદીઓને પડકાર્યા હતા. ત્યાર બાદ ગોળીબાર થયો હતો. ચોથી ઓક્ટોબરે ઘૂસણખોરીની ગુપ્ત બાતમીને આધારે સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાએ આતંકવાદીઓને પડકાર ફેંકતાં જ ગોળીબાર શરૂ થયો હતો અને સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. હાલ પણ અભિયાન ચાલી રહ્યું છે.

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને તેનું નેતૃત્વ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ કરી રહી છે. શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક થયેલા વિસ્ફોટમાં સેનાના બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉત્તર કાશ્મીર જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં એલઓસી પર ગુગલધરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે વહેલી સવારે થયેલા વિસ્ફોટમાં સેનાના બે સૈનિકો ઘાયલ થયા હતા. બંને સૈનિકોને ડ્રગમુલ્લા સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે.

દીયા મિર્ઝા પહેલી ફિલ્મમાં રહી નહીં

દીયા મિર્ઝાની પહેલી રજૂ થયેલી ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ (2001) છે. એણે શરૂઆત બીજી કોઈ ફિલ્મથી કરી હતી. જે પછી છોડી દીધી હતી. દીયાએ મોડેલ તરીકે શરૂઆત કરી હતી. દસમા ધોરણની પરીક્ષા આપી એ પછીના વેકેશનમાં મોડેલ તરીકે ઓફર મળી હતી. એક ફેશન શૉમાં બે-ત્રણ કલાક મોડેલ તરીકે કામ કરવાના દીયાને ઘણા રૂપિયા મળ્યા ત્યારે એને એમ થયું કે આ ઘણું સરળ છે. અને અભ્યાસ સાથે દીયાને કામ મળતું હતું ત્યારે કોલેજમાં આવી ગઈ હતી. પરંતુ એને થયું કે મોડેલિંગ સાથે કોઈ બીજું કામ કરવું જોઈએ. એને કોલેજ કરવા સાથે એક મલ્ટીમીડિયા કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી મળી ગઈ હતી.

એ મોડેલ તરીકે કામ કરતી હોવાથી ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ માંથી આમંત્રણ આવ્યું કે ‘મિસ ઈન્ડિયા મિલેનિયમ પેજન્ટ 2000’ થનાર છે. એમાં હૈદરાબાદ તરફથી દીયાને ભાગ લેવા જણાવ્યું હતું. સામેથી આમંત્રણ મળી રહ્યું હોવાથી દીયાએ ઘરે જઈને ભાગ લેવાની વાત કરી ત્યારે માતાએ ગુસ્સામાં ના પાડી દીધી. પરંતુ પિતાએ એને આ નવો અનુભવ કરવા માટે જવાની હા પાડી હતી. દીયાએ પોતાની કમાણીના રૂપિયાથી જ મુંબઇમાં નિવાસ કર્યો અને તાલીમ લીધી. અને એ ‘ફેમિના મિસ ઈન્ડિયા’ માં વિજેતા બની હતી. ત્યાર બાદ ‘મિસ એશિયા પેસીફીક ઇન્ટરનેશનલ’ તરીકે વિજેતા બની હતી. હૈદરાબાદની એક હોટેલમાં એની આ સફળતાની ઉજવણી ચાલી રહી હતી. એ રાત્રે હોટેલમાં અનિલ કપૂર અને અનુપમ ખેર આવ્યા હતા.

દીયા જ્યારે હોટેલમાંથી નીકળી પોતાની કારમાં જતી હતી ત્યારે અનુપમે એની પાસે જઈને અભિનંદન આપી પોતાનો એક અભિનેતા તરીકે પરિચય આપ્યો. ત્યારે દીયાએ કહ્યું કે હું આપને ઓળખું છું! અનુપમે ફિલ્મમાં કામ કરવાનું પૂછ્યું ત્યારે દીયાએ કહ્યું કે ઓફર ઘણી આવી રહી છે પણ હજુ વિચાર્યું નથી. ત્યારે અનુપમે એમની ફિલ્મમાં દીયાને લેવાની વાત કરી માતા- પિતા સાથે મુલાકાત કરવાની પરવાનગી માગી. દીયાએ હા પાડી અને અનુપમ ઘરે પહોંચી ગયા. અનુપમે દીયા ફિલ્મોમાં કામ કરે એ માટે માતા-પિતાને માટે રાજી કર્યા હતા. એમણે એમને સમજાવ્યા કે ફિલ્મી માહોલ વિષે તમે ખરાબ વાતો સાંભળી હશે પણ એ ખોટી છે. આ એક સારી જગ્યા છે.

અનુપમે એ વાતનો અહેસાસ આપ્યો કે તે અંગત રીતે દીયાની સંભાળ રાખશે અને એનું સન્માન જળવાય એ જોશે. દીયાને સારા માહોલમાં કામ કરવાની તક મળશે એવો વિશ્વાસ અપાવ્યો. અનુપમની ગેરંટીને કારણે માતા-પિતાએ દીયાને ફિલ્મ કરવાની પરવાનગી આપી દીધી. દીયાની એ પહેલી ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીની ‘ઓમ જય જગદીશ’ (૨૦૦૨) હતી. જેમાં અભિષેક બચ્ચન સાથે કામ કરી રહી હતી. અનુપમે દીયાને ફિલ્મ માટે તૈયાર કરી હોવા છતાં એમની ફિલ્મ છોડી દીધી હતી. વાત એમ હતી કે વાસુ ભગનાની ત્યારે જ ગૌતમ મેનન નિર્દેશિત ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ બનાવવા જઈ રહ્યા હતા. એમણે કહ્યું કે એમાં દક્ષિણનો સ્ટાર આર. માધવન કામ કરવાનો છે. અને વાસુએ દીયાને ‘ઓમ જય જગદીશ’ છોડાવી દીધી હતી. ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ ફ્લોપ રહી હતી અને એ કારણે દીયાએ બીજી ઘણી ફિલ્મો ગુમાવી હતી. ધીમે ધીમે તુમસા નહીં દેખા, પરિણીતા, લગે રહો મુન્નાભાઈ વગેરે ફિલ્મોથી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી.

ગાંધીનગરના સરગાસણ ગરબામાં થઈ બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ

ગાંધીનગર: ગુજરાતમાં ચારે બાજું નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરમાં સૌથી પ્રીમિયમ ગરબાના નામે રૂ.15,000થી લઈ 25,000 રૂપિયાના ભાવે વેચાયેલા ‘The Sheriaffair’ના ગરબામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)-બજરંગદળ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બજરંગદળના કાર્યકર્તાઓ ગરબામાં તિલક કરવા પહોંચ્યા હતા, ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મળતી માહિતી અનુસાર નવરાત્રિના બીજા દિવસે ગાંધનગરના એક પાર્ટી પ્લોટમાં 50થી 60 લોકોનું ટોળું આવ્યું હતું. ટોળા દ્વારા ગરબામાં જબરદસ્તી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગરબા આયોજકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેને લઈ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ને સામાન્ય લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલ આ બાબતે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી.

સૂત્રો મુજબ, બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદને આ ગરબાના આયોજકમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાનું જાણવા મળ્યું હતું. બજરંગદળના કાર્યકર્તાઓ જ્યારે આ ગરબામાં તિલક વિધિ માટે ગયા ત્યારે હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉગ્ર બોલાચાલી અને મામલો બિચકતાં પોલીસે લાઠી ચાર્જ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ સમગ્ર મામલાને દબાવી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્ર મુલાકાત: એક બાજુ વડ પ્રધાન મોદી તો બીજી બાજુ રાહુલ ગાંધી

મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાશિમમાં પોહરાદેવીના જગદંબા માતા મંદિરની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત સેવાલાલ જી મહારાજની સમાધિ પર પરંપરાગત ઢોલ પણ વગાડ્યો હતો. આ પછી પીએમ મોદીએ બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી બાજુ રાહુલ ગાંધી કોલ્હાપુરના પ્રવાસે છે. તેમણે કોલ્હાપુરના સેફ્રોન ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. આ સિવાય બંને નેતાઓના અનેક કાર્યક્રમો પ્રસ્તાવિત છે.

કોલ્હાપુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ આજે એ જ વિચારધારા સામે લડી રહી છે જેની સામે શિવાજી મહારાજ લડ્યા હતા. રાહુલે કહ્યું કે ઈરાદો દેખાઈ રહ્યો છે. ઈરાદો છુપાવી શકાતો નથી. ભાજપ સરકારે શિવાજી મહારાજની પ્રતિમા બનાવી અને થોડા દિવસો પછી પ્રતિમા નીચે પડી. તેમનો ઇરાદો ખોટો હતો. મૂર્તિએ તેમને મેસેજ કર્યો. સંદેશ હતો કે જો આપણે શિવાજી મહારાજની પ્રતિમા બનાવીશું તો તેમની વિચારધારાનું પણ રક્ષણ કરવું પડશે. કારણ કે ભાજપના લોકો શિવાજી મહારાજની પ્રતિમા સામે હાથ જોડીને 24 કલાક તેમની વિચારસરણી વિરુદ્ધ કામ કરે છે.

રાહુલે ભાજપ પર લોકોને ધમકાવવાનો આરોપ લગાવ્યો

રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓએ આદિવાસી રાષ્ટ્રપતિને રામ મંદિર અને સંસદના ઉદ્ઘાટનમાં હાજરી આપવાની મંજૂરી આપી ન હતી. આ કોઈ રાજકીય લડાઈ નથી, વિચારધારાની લડાઈ છે. એક વિચારધારા – બંધારણનું રક્ષણ કરે છે, સમાનતા અને એકતાની વાત કરે છે. આ શિવાજી મહારાજની વિચારધારા છે. બીજી વિચારધારા – શિવાજી મહારાજની વિચારધારા બંધારણનો નાશ કરવામાં લાગેલી છે. લોકોને ડરાવે છે અને ધમકાવે છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે બંધારણ બચાવવાની લડાઈ નવી નથી. કોંગ્રેસ પાર્ટી એ જ વિચારધારા સાથે લડી રહી છે જેની સાથે શિવાજી મહારાજ લડ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજે સંદેશ આપ્યો હતો કે દેશ દરેકનો છે, બધાને સાથે લઈને ચાલવું પડશે અને અન્યાય ન થવો જોઈએ. આજે ‘સંવિધાન’ શિવાજી મહારાજની વિચારસરણીનું પ્રતિક છે. બંધારણ શિવાજી મહારાજની વિચારસરણીના આધારે બનાવવામાં આવ્યું હતું, કારણ કે તેમાં તે બધું છે જેના માટે તે જીવનભર લડ્યા હતા.

ઇરાને ભારતને યુદ્ધ અટકાવવા મધ્યસ્થી કરવાની કરી અપીલ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાનની વચ્ચે જારી સંઘર્ષની વચ્ચે હવે તહેરાનને ભારતની યાદ આવી છે. હજી એક દિવસ પહેલાં જુમ્માની નમાજ પછી ઇરાનના સુપ્રીમ નેતાએ ઇઝરાયેલને ધમકી આપી હતી. તેમણે વિશ્વના મુસ્લિમ દેશોથી એકજુટ રહેવાની અપીલ કરી હતી.

વૈશ્વિક આર્થિક પ્રતિબંધ સહન કરી રહેલા ઇરાન હવે સંઘર્ષ ટાળવાના પ્રયાસ કરી રહ્યું છે. એ માટે એણે ખૂલીને ભારતને મદદ કરવાની અપીલ કરી છે. ઇરાનના એમ્બેસેડર ઇરાજ ઇલાહીએ ભારતને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

ભારતમાં ઇરાનના એમ્બેસેડર ઇરાજ ઇલાહીએ ઇઝરાયેલની સાથે જારી ટેન્શનને ઓછું કરવા માટે ભારતથી મદદ માગી છે. ભારતે આ તકનો ઉપયોગ ઇઝરાયેલને સમજાવવા માટે કરવો જોઈએ. હાલના સમયે એ જરૂરી છે કે ઇઝરાયેલ એની આક્રમકતા પર લગામ લગાવે, જેથી મધ્ય-પૂર્વમાં ટેન્શન ઓછું થાય. આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાની દ્રષ્ટિએ એ જરૂરી છે.

ઇઝરાયેલ અને ભારત વચ્ચેના સંબંધોમાં છેલ્લા એક દાયકામાં ઘણો ગરમાટો આવ્યો છે. PM મોદીએ ઇઝરાયેલની મુલાકાત લીધી હતી, જ્યારે ઇજરાયેલી PM બેન્જામિન નેતાન્યાહુ પણ ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સિવાય ઇરાનની સાથે ભારતના કૂટનીતિના સંબંધ રહ્યા છે. બંને દેશોની વચ્ચે વાર્તા માટે હાલના સમયે ભારત માટે સારો વિકલ્પ છે. ઇરાનના એમ્બેસેડરે કહ્યું હતું કેજો ઇઝરાયેલ એની આક્રમકતા પર વિરામ લગાવશે તો અમે પણ રોકાઇ જઈશું અને અમે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છીએ છીએ.

ભારત-પાકિસ્તાનના ભાગલાની ઘટના બતાવશે આ સીરિઝ, ટીઝર રિલીઝ

મુંબઈ: ‘કલ હો ના હો’, ‘સલામ-એ-ઈશ્ક’, ‘ડીડે’, ‘બાટલા હાઉસ’ અને ‘વેદા’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર નિર્દેશક નિખિલ અડવાણી ટૂંક સમયમાં OTT પર પોતાની વાર્તા લઈને આવી રહ્યા છે. નિખિલ અડવાણીની ઓટીટી સીરિઝ ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ સોની લિવ પર રિલીઝ માટે તૈયાર છે. હાલમાં જ આ સિરીઝનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં મહાત્મા ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને સરોજિની નાયડુ જેવા ઘણા મહાન નેતાઓ જોવા મળશે. આ સિરીઝ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે.

સિરીઝની વાર્તા પોલિટિકલ થ્રિલર

ફ્રીડમ એટ મિડનાઈટ સિરીઝ એક મનોરંજક રાજકીય થ્રિલર છે જે આઝાદી સમયે ભારતે જે મહત્વપૂર્ણ ઘટનાઓ અને પડકારોનો સામનો કર્યો છે તે દર્શાવે છે. નિર્દેશક નિખિલ અડવાણીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘ફ્રીડમ એટ મિડનાઈટ’ ભારતના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોને જુએ છે. આ શો ઘણા સંશોધન પછી બનાવવામાં આવ્યો છે, જેને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ સ્ટોરીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિરીઝમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયની વાર્તાઓ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Nikkhil Advani (@nikkhiladvani)

રાજકીય ઉથલપાથલ અને ભાગલાની પીડા

1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલાની પીડા આ સીરિઝમાં જોવા મળશે. વિભાજન અને સ્વતંત્રતા સંગ્રામના દિવસોના લડવૈયાઓ પણ આ સીરિઝમાં જોવા મળશે. ભારત-પાકિસ્તાનના ભાગલાની પીડા સાથે સંઘર્ષ કરી રહેલા લોકોની વાર્તાઓ ફરી એકવાર યાદોને તાજી કરશે. આ સીરિઝ OTT પ્લેટફોર્મ Sony Liv પર રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે દિગ્દર્શક નિખિલ અડવાણી આ વાર્તાને કેટલો ન્યાય આપે છે. આ સિરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં આ અંગે વધુ માહિતી બહાર આવી શકે છે. સિરીઝમાં સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ બોહરા, રાજેન્દ્ર ચાવલા, આરિફ ઝકરિયા અને ઇરા દુબે જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

હરિયાણામાં 11 વાગ્યા સુધી 22.7 ટકા મતદાન

નવી દિલ્હીઃ હરિયાણાની તમામ 90 વિધાનસભા બેઠકો પર મતદાન જારી છે. મત ગણતરી આઠ ઓક્ટોબરે થશે.  રાજ્યમાં 1000થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. રાજ્યની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 22.7 ટકા મતદાન થયું હતું.

આ ચૂંટણી જંગમાં નેતાઓમાં રાજ્યના CM નાયબ સિંહ સૈની (લાડવા), ભૂતlપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા-કિલોઈ), પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા (ઉચાના કલાન)થી ચૂંટણી મેદાનમાં છે.

આ સિવાય INLDના અભય સિંહ ચૌટાલા (એલનાબાદ), ભાજપના અનિલ વિજ (અંબાલા કેન્ટ), ભાજપના ઓપી ધનખર (બદલી) અને કોંગ્રેસના વિનેશ ફોગાટ (જુલાના)થી ચૂંટણી લડી રહ્યાં છે.  જો અપક્ષ ઉમેદવારોમાં હિસારથી સાવિત્રી જિંદાલ, રાનિયાથી રણજિત ચૌટાલા અને અંબાલા કેન્ટથી ચિત્રા સરવરા પણ છે.હરિયાણામાં 20,354350 મતદાતાઓ આ ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે, જેમાં 10,775,957 પુરુષ મતદાતાઓ અને 9,577,926 મહિલા મતદાતાઓ છે. અને મતદાતાઓની સંખ્યા 467 છે. ચૂંટણી પંતે મતદાન માટે રાજ્યમાં 20,632 પોલિંગ બૂથ બનાવ્યા છે. મતદાન સમયે મતદાતા મોબાઇલ નહીં લઈ શકે.

રાનિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર રણજિત સિંહ ચૌટાલાએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું કે આ વ્યક્તિત્વની ચૂંટણી છે. એક તરફ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા છે અને બીજી બાજુ નાયબ સૈની અને મનોહર લાલ ખટ્ટર છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા એક મોટા વિકલ્પ તરીકે ઊભરી રહ્યા છે. હું વડા પ્રધાન મોદીના કારણે ભાજપમાં જોડાયો છું. INLD, ભાજપ અને HLP ગઠબંધનમાં છે અને જો INLDને કોઈ બેઠક મળશે તો તેઓ ભાજપને જ સમર્થન કરશે.