નવી દિલ્હીઃ ભૂતપૂર્વ સાંસદ અશોક તંવર હરિયાણાના વિશ્લેષકોને હેરાન કરતાં ગુરુવારે અચાનક કોંગ્રેસમાં પરત ફર્યા હતા. તેમના આ પગલાનો કોઈને પણ અંદાજ નહોતો, પરંતુ હવે જ્યારે તેઓ આવી ચૂક્યા છે, ત્યારે પક્ષમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ભૂતૂપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા શું તેમનાથી નારાજ છે?
નિશ્ચિત રૂપે અશોક તંવરના અચાનક પાલા બદલવાથી હરિયાણા રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ છે. કોંગ્રેસમાં પરત સામેલ થવાના એક કલાક પહેલાં અશોક તંવર હરિયાણામાં ભાજપ માટે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા.એક મંચ પર રાહુલ ગાંધીની હાજરીમાં ભૂપેન્દર સિંહ હુડ્ડાએ તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ, ત્યારે તેમણે તંવર સાથે નજર સુધ્ધાં નહોતી મેળવી અને બંને વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ, જેથી સંકેત શુભ નથી. હુડ્ડા તંવરના કોંગ્રેસમાં આવવાથી કંઈ બહુ ખુશ નહોતા જણાતા.
આમે હુડ્ડા હરિયાણા કોંગ્રેસમાં સૌથી મોટા નેતા છે અને તંવર સાથે તેમનો 36નો આંકડો હતો. હુડ્ડા અને તંવરના સમર્થકો વચ્ચે અનેક વાર મારપીટ થઈ ચૂકી છે. હુડ્ડા અને તંવર વચ્ચની જબરદસ્ત લડાઈ કોંગ્રેસમાં ચર્ચાનો વિષય રહી હતી.ભાજપમાંથી જીત્યા છતાં તંવરે પલટી મારી છે તો કોંગ્રેસે તેમને કોઈ મોટું વચન જરૂર આપ્યું હશે, પણ હુડ્ડા અને તંવરના જૂના સંબંધોને જોતાં કહી ના શકાય કે તંવરને હરિયાણા કોંગ્રેસમાં કામ કરવાની સ્વતંત્રતા મળશે, કેમ કે હુડ્ડાને કારણે તંવરને કોંગ્રેસ છોડવી પડી હતી. બીજી બાજુ, હુડ્ડાની મરજી અને તેમને વિશ્વાસમાં લીધા વગર કોઈ બીજા નેતાને ખુરશી પર બેસાડવા એ કોંગ્રેસ માટે સરળ નહીં હોય.
નવરાત્રિમાં આપણે માઁના નવ સ્વરૂપની પૂજા-આરાધના કરીને સુખ-શાંતિની કામના કરીએ છીએ, પણ કોઈ વખત તમે એમના આ નવ સ્વરૂપને ધ્યાનથી નિહાળ્યા છે ખરા?
જો તમે ધ્યાનથી જોશો તો તમને એમાં એક નારીની, એક દીકરીની છબી દેખાશે, જે અનેક સંઘર્ષમાંથી પસાર થઇને અંતે નારાયણીના રૂપને સાર્થક કરે છે.
પહેલા નોરતે શૈલીપુત્રી માઁનુ સ્વરૂપ જોજો. એ સફેદ કે પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ હોય છે. પર્વતની પુત્રી, જે માઁ સતીનુ જ એક સ્વરૂપ છે એ દીકરી સ્વરૂપે છે- નિર્દોષ અને નાજુક…
બીજા નોરતે માઁની બ્રહ્મચારીણીરૂપે આરાધના થાય છે, જે જ્ઞાનપ્રાપ્તિ અને વિકાસના અંશને પ્રભાવિત કરે છે. શીખવાની ઉંમરમાં કોઈ શસ્ત્રોની જરૂર રહેતી નથી એટલે માઁના આ સ્વરૂપે કોઈ શસ્ત્રો ધારણ કર્યા નથી. એટલું જ નહી, એ કોઈ વાહન પર પણ બિરાજમાન નથી.
જીવનના એ પછીના તબક્કામાં દીકરી માટે ખાસ અવસર આવે છે વિવાહનો. ત્રીજા નોરતે ચંદ્રઘંટારૂપે માઁની આરાધના થાય છે. એમના માથા પર અર્ધ ચંદ્ર ધારણ કરેલો હોય છે, જે એમને ભગવાન શિવ પાસેથી મળે છે. એવી માન્યતા છે કે, જયારે ભગવાન શિવ અતિ બિહમણાં સ્વરૂપમાં સતી સાથે લગ્ન માટે આવે છે અને બધા એમને જોઇને ગભરાઈ જાય છે ત્યારે માઁ સતી ચંદ્રઘંટાનુ રૂપ લે છે અને ભગવાન શિવજીને બિહામણું રૂપ દૂર કરવા પ્રાર્થના કરે છે. આમ, પત્ની તરીકે એ પતિની નકારાત્મકતા દૂર કરવા સક્ષમ છે. માઁનુ આ સ્વરૂપ દરેક પત્ની માટે આદર્શ છે.
ચોથા નોરતે માઁ કુષમંડા તરીકે પૂજાય છે. કુષ એટલે બ્રહ્માંડ અને અંડા એટલે બીજ. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડ નિર્માણ માઁ કુષમંડા દ્વારા થયું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ જયારે નિર્માણની જરૂર પડી છે ત્યારે એમણે દેવીનો આધાર લીધો છે. ગર્ભ ધારણ કરવાની ક્ષમતા જ એમને ‘માઁ’ ની પદવી આપે છે.
પાંચમા નોરતામાં દેવી સ્કંદમાતા એ માતૃશકિત સિદ્ધ કરે છે. સ્કંદનો અર્થ થાય છે કાર્તિકેય. અને એમની માતા એટલે પાર્વતી. જયારે કાર્તિકેયનો જન્મ થયો ત્યારે એમણે બ્રહ્માજીને ‘ૐ’ નો અર્થ પૂછેલો, પણ બ્રહ્માએ હજારો શ્લોક સમજાવ્યા પછી પણ એ સંતુષ્ટ ના થયા. એટલું જ નહી, ભગવાન શિવજી પણ એમને સમજાવી ના શક્યા. એ પછી આ સિદ્ધિ એમણે સ્વયં હાંસલ કરેલી એટલે એવું માનવામાં આવે છે કે જો તમે સ્કંદમાતાની પ્રાર્થના કરો છો તો તમે આપમેળે કાર્તિકેયની પ્રાર્થના કરો છો.
છઠ્ઠા નોરતે જેમની પૂજા થાય છે એ માઁ કાત્યાયની મહિલાઓના સંઘર્ષના પ્રતીક સમાન છે. અહીં સંઘર્ષ એટલે આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રકારના સંઘર્ષ. જયારે સ્ત્રી માતા બનીને બાળકોને ઉછેરે છે ત્યારે સાથે સાથે એના શરીરના તત્વો સાથે પણ એક પ્રકારનું આંતરિક યુદ્ધ શરૂ થાય છે. ચાલીસ વર્ષની ઉંમર પછી હોર્મોનલ ચેન્જ થવા એ સ્ત્રીઓની પોતાના શરીરની સૌથી મોટી આંતરિક લડાઈ છે, જેમાં તે એકલી લડતી હોય છે. આ લડાઈ અત્યાર સુધીની સૌથી અવર્ણીત લડાઈઓમાંની એક છે.
નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રીનું પૂજન કરવામાં આવે છે. કાલરાત્રી એ માઁનુ ઉગ્ર સ્વરૂપ છે. ચંડ, મૂંડ અને રક્તબીજ જેવા રાક્ષસોને મારવા દેવીએ આ રૂપ ધારણ કર્યું હતું. એ સ્વરૂપ એ નારીની આંતરિક અને બાહ્ય લડાઈનું પ્રતીક છે. જો તમે આ રૂપને ધ્યાનથી નિહાળશો તો ખ્યાલ આવશે કે એમના ચાર હાથમાંથી બે હાથમાં શસ્ત્રો છે અને બે હાથમાં મુદ્રા ધારણ કરેલ છે. એક અભય મુદ્રા અને બીજી વરદા. આ મુદ્રાઓ રક્ષા કરવાની અને આશિષ આપવાની ખાતરી સમાન છે.
આઠમાં નોરતામાં મહા ગૌરી એ પાર્વતીનુ સાક્ષાત સ્વરૂપ છે. કહેવાય છે કે રાક્ષસો સાથેના યુદ્ધ પછી પોતાના વિખરાયેલા સ્વરૂપને પાછું મેળવવા તેમજ ભગવાન શિવજીને રીઝવવા માઁ એ આ રૂપ લીધું હતું. માનસરોવરમાં સ્નાન કર્યા બાદ કૌશિકી સ્વરૂપે પણ એમની પૂજા થાય છે, જે મહિલાઓના શૃંગાર રસને દર્શાવે છે. શૃંગાર રસનુ મહત્વ સમજાવતું આ રૂપ દરેક સ્ત્રી અને પુરુષના સુખીજીવન માટે મહત્વનું છે.
હવે વાત નવમા નોરતાની. સિદ્ધિદાત્રી એ માઁનુ સંપૂર્ણ સ્વરૂપ છે. બ્રહ્માંડના નિર્માણ પછી માઁ એ શિવજીને 18 સિદ્ધિઓ અર્પણ કરી હતી, જેનાથી શિવજીનુ અડધું શરીર સિદ્ધિદાત્રી સાથે એકાકાર થયું. એ અર્ધનારેશ્વર કહેવાયા. આમ, સ્ત્રીત્વ અને પુરૂષત્વનો સંગમ જ સૃષ્ટિનું નિર્માણ કરી શકે છે.
વળી, સિદ્ધિદાત્રી એ પૂર્ણશક્તિનુ સ્વરૂપ છે અને એટલે જ એ પૂજનીય છે. એ પૂર્ણ છે. એ અન્નપૂર્ણાના રૂપે કુટુંબનું પોષણ કરે છે. ગર્ભ દીપને અજવાળીને વંશવેલો વધારે છે. અવરોધો સામે અડગ રહીને શક્તિ સ્વરૂપે ક્ષણે ક્ષણે સાક્ષાત્કાર કરે છે.
લખી રાખો, સામ્રાજ્યથી, સંપત્તિથી, શક્તિથી સમૃદ્ધ મહાસત્તાને પણ જયારે જ્યારે સર્જનની જરૂર પડશે ત્યારે તેમણે નારીત્વ, દેવીત્વ અને માતૃત્વ તરફ વળવું પડશે. શક્તિ હંમેશા સર્જનમાં છે, વિનાશમાં નહીં. મહાવિનાશથી તો ફક્ત ઇતિહાસ લખી શકાય છે. સર્જન એ શક્તિ માગી લે છે.
જય દુર્ગાષ્ટમી.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
મુંબઈ: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સતત દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ મલયાલમ અભિનેતા મોહન રાજે સિનેમા જગતને અલવિદા કહી દીધું છે. તેમણે તમિલ, તેલુગુ અને મલયાલમના ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. મોહનલાલની ફિલ્મ ‘કિરીડમ’ માં વિલન કીરીકડન જોસની ભૂમિકા ભજવવા માટે મોહન રાજ જાણીતા છે. તેમણે 70 વર્ષની વયે દેહ છોડી દીધો છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા. પીઢ અભિનેતા મોહન રાજનું 3 ઓક્ટોબર, ગુરુવારે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. અભિનેતાની કેરળના કાંજીરામકુલમ સ્થિત તેમના ઘરે સારવાર ચાલી રહી હતી.
આ બીમારીએ સાઉથના અભિનેતાનો જીવ લીધો
મલયાલમ અભિનેતા મોહન રાજનું પાર્કિન્સન્સ નામની બીમારીના કારણે નિધન થયું છે. આ રોગ માનવ શરીરના કામકાજને નુકસાન પહોંચાડે છે અને તેને અંદરથી નબળા બનાવે છે. આ રોગ દરમિયાન દર્દીઓ ધ્રુજારીથી પીડાય છે. લક્ષણો સામાન્ય રીતે દરેક માટે અલગ હોય છે. તે ઘણીવાર શરીરની એક બાજુથી શરૂ થાય છે અને પછી બીજી બાજુ જાય છે. મોહન રાજની હાલત ગંભીર હોવાથી તેનો પરિવાર ઘરે જ તેની સારવાર કરી રહ્યો હતો.
મોહન રાજના અકાળે અવસાન બાદ તેમના મિત્રો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. મોહનલાલે પોતાના ફેસબુક હેન્ડલ પર મલયાલમમાં લખ્યું,’પાત્રના નામથી ઓળખાવું એ એક એવો આશીર્વાદ છે જે દરેકને નથી મળતો… આ આશીર્વાદ માત્ર એવા કલાકારને જ મળે છે જે લોકોના દિલ પર રાજ કરે છે. કિરીડમમાં કીરીકડન જોસનું અમર પાત્ર ભજવનાર પ્રિય મોહન રાજ, મારા પ્રિય મિત્ર, અમને છોડીને ચાલ્યા ગયા.’ 1989માં રીલિઝ થયેલી ‘કિરીડમ’માં મોહન રાજ સાથે કામ કર્યું તે સમયને યાદ કરતાં મોહનલાલે આગળ લખ્યું,’આજે પણ મને એવું લાગે છે કે જાણે ગઈકાલે અમે મળ્યા હતા. મારા પ્રિય મિત્રને અશ્રુભીની વિદાય, જે ખૂબ જ સારા અભિનેતા અને માનવી હતા.’
મામૂટીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શોક વ્યક્ત કર્યો અને મોહન રાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોહન રાજ મલયાલમ, તમિલ અને તેલુગુ સિનેમામાં વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા. અભિનેતાએ ‘કિરીડમ’માં કીરીકાદન જોસની ભૂમિકા ભજવીને નામના મેળવી હતી, ત્યારબાદ તેના ચાહકો તેને તેના પાત્રના નામથી બોલાવવા લાગ્યા હતા. તેણે તેની કારકિર્દીના અંતના થોડા સમય પહેલા ટેલિવિઝન ઉદ્યોગમાં પણ કામ કર્યું હતું. આ પીઢ સ્ટારે 1988માં મોહનલાલ સાથે કરિયરની શરૂઆત કરી હતી. બંને કલાકારોએ ‘મૂનમ મુરા’ નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. મોહન રાજ છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ‘રોશર્ચ’માં મામૂટી સાથે ઓન-સ્ક્રીન જોવા મળ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જ્યારથી ગરબા મોડે સુધી ચાલુ રાખવાની છૂટ આપી છે. ત્યારથી મોડે સુધી ગરબા રમવાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે. ત્યારે બનસાકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ગુરૂવારે અંબાજી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા, ત્યારે મોડે સુધી ગરબા મુદ્દે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે નવરાત્રિના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેની જવાબદારી ગૃહ વિભાગની છે. માત્ર યુવાનોને ખુશ કરવા માટે મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હવે મોડે સુધી ગરબા મુદ્દે રાજકારણ શરૂ થઇ ગયું છે.
વાસ્તવમાં વાત એમ છે કે, નવરાત્રિના પહેલા દિવસે ગુજરાતના કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠકોર અંબાજી મંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં નવરાત્રિમાં મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કાયદો અને સુરક્ષા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રિ સુરક્ષા અને સલામતી જાળવવી રાખવી એ પોલીસ વિભાગની ફરજ બને છે. યુવાનોને ખુશ કરવા માટે સવારે 5 વાગ્યા સુધી ગરબા ઘૂમવાની છૂટ આપી છે. હું મા અંબાને પ્રાર્થના કરું છું કે નવરાત્રિના પર્વ દરમિયાન કોઇપણ અઇચ્છનિય બનાવ ન બને, સુખ-શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રિનો પર્વ ઉજવાય.
મોડે સુધી ગરબાની છૂટ આપ્યાની જાહેરાત હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં આડકતરી રીતે વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોડે સુધી ગરબા રમવાની છૂટ આપતાં કેટલાક લોકોના પેટમાં દુખવો થવા લાગ્યો છે. ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહી રમે તો શું પાકિસ્તાનમાં જઇને રમશે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે, સૌ ખેલૈયા અને આયોજકોને વિનંતી છે કે, આપણા ડીજે, સાઉન્ડ, બેન્ડ આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, હૉસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છે. રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે સવારે 11 કલાકે તેમણે ADC બેંકના કાર્યક્રમમાં તેમજ સંસદીય વિસ્તારના અન્ય વિકાસ કાર્યોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયુ. આજે સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી. ત્યાર બાદ બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ કર્યું.
ગુરૂવારે કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમદાવાદ ખાતે નિર્માણ પામેલા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના નવા બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાત પોલીસનું ‘તેરા તુજકો અર્પણ’ સિટિઝન સેન્ટ્રિક પોર્ટલ પણ આ પ્રંસગે લોન્ચ કરવામાં આવ્યું હતું. એ.ડી.સી. બેંક અને સાઇબર ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલી સાયબર સાથી પુસ્તિકાનું વિમોચન કર્યું. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.
અમદાવાદઃ સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ઘરેલુ શેરબજારોમાં ભારે વેચવાલી થઈ હતી. નિફ્ટી ને સેન્સેક્સ સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયા હતા. IT સિવાય BSEના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી થઈ હતી. બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 15 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
વિશ્વના શેરબજાર હાલ ઇરાન અને ઇઝરાયેલની વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભયભીત છે. આ યુદ્ધ જો લાંબું ખેંચાશે તો વૈશ્વિક બજારોને ફરી એક વાર સપ્લાય ચેઇન ખોરવાવાને કારમે મોંઘવારીના દરમાં વધારો થવાની ભીતિ છે. જેને પગલે વ્યાજદરમાં થયેલો ઘટાડો કાં અટકી જશે કે વધવાતરફી થશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ક્રૂડ આઠ ટકા વધી ચૂક્યું છે અને હજી વધવાતરફી રહેવાની ધારણા છે.
ઘરેલુ બજારોમાં માર્કેટ વોચડોગ સેબીએ રિટેલ ટ્રેડર્સને ભારે નુકસાનથી બચાવવા માટે ફ્યુચર્ય એન્ડ ઓપ્શનના નિયમ સખત કર્યા છે. આ નિયમોમાં વીકલી એક્સપાયરી પરની સંખ્યામાં ઘટાડો અને માર્જિન વધારવા જેવા નિર્ણય સામેલ છે. સેન્સેક્સ એક સમયે 871 પોઇન્ટ સુધર્યું હતું, પણ નબળા સેન્ટિમેન્ટને કારણે સુધારો જળવાયો નહોતો અને ઇન્ટ્રાડડે ઊંચાઈથી 1500 પોઇન્ટ તૂટ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 809 પોઇન્ટ તૂટીને 81,688.45ના સ્તરે બંધ થયું હતું, જ્યારે નિફ્ટી 200.25 પોઇન્ટ તૂટીને 25,049.85ના મથાળે બંધ આવ્યું હતું.BSE એક્સચેન્જ પર કુલ 4054 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1579 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2370 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 105 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 190 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 66 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.
હમાસના ચીફ હાનિયાને ખતમ કર્યા બાદ ઈઝરાયલે તાજેતરમાં જ રિવોલ્યુશનરી ગાર્ડ્સના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલફોરોશનની સાથે હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહનો પણ વીંટો વાળી દીધો છે. લેબેનોન સહિત પડોશી દેશો સાથે ઇઝરાયેલ બાથે ભરાયું છે અને યુધ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.
મિડલ ઈસ્ટમાં વધતો તણાવ શું ત્રીજી વિશ્વ યુદ્ધનો આરંભ છેે? આ સંભવિત યુદ્ધથી ભારત પર કેવી અસર થશે? આજના ‘ઓપિનિયન’ વિભાગમાં જાણીએ કે, આ વિશે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ શું કહે છે…
રૂઝાન ખંભાતા, સામાજિક અગ્રણી, અમદાવાદ
કોઈપણ દેશે બીજા દેશ સાથે યુદ્ધ ના કરવું જોઈએ. યુદ્ધથી ફક્ત અને ફક્ત ડિફેન્સ કંપનીઓને જ લાભ થાય છે. આ બધો ખેલ ઈગોનો છે. મેં તમારા પર આમ કર્યુ અને તમે મારા પર આમ કર્યું. જીવનની તમામ સમસ્યાનું સમાધાન વાતચીતથી થઈ શકે છે. યુદ્ધથી સામાન્ય માણસની પેઢીઓ વર્ષો સુધી પરેશાન થાય છે, જ્યારે સમાજ પાછળ ધકેલાઈ જાય છે. કોઈપણ દેશે આ યુદ્ધમાં જોડાવું કે નહીં એ દરેક દેશની રાજદ્વારી નીતિ પર નિર્ભર છે. ઘણા દેશો માટે રાજકીય રીતે કોઈ વલણ લેવું પડે છે, કારણ કે એમાં એના હિતો સમાયેલા હોય છે. આદર્શ સ્થિતિ એ કે યુદ્ધમાં રાજનીતિ ન હોવી જોઈએ, પરંતુ વર્તમાન યુગમાં વૈશ્વિક સ્તરે ગંદી રાજનીતિ ચાલી રહી છે એ હકીકત છે.
વી. ઝેડ. શર્મા, નિવૃત કર્નલ, વડોદરા
જ્યારે બે કે તેથી વધુ દેશ યુદ્ધમાં જોડાય તેને આપણે વર્લ્ડ વોર કહી શકીએ. આનો પ્રભાવ તમામ દેશો પર પડે છે. કોઈપણ દેશ એમાંથી બાકાત રહી શકતો નથી. નાનામાં નાના યુદ્ધની અસર પણ મોટાપાયે થાય છે. એરસ્પેસ, સમુદ્ર, તેલ જેવી અનેક મહત્વની બાબતોને વિશ્વના કોઈ પણ ખૂણામાં થયેલા યુદ્ધની અસર થાય છે. મારા વિચારમાં અત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, પણ તે કેટલું આગળ વધશે એ તો ખબર નથી. ઈઝરાયલે જે કર્યું તે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કર્યું છે. દરેક દેશ પોતાના હિસાબે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. અમેરિકા એક એવો દેશ છે, જે વિશ્વના કોઈપણ ખૂણે થયેલા યુદ્ધમાં પોતાની હાજરી પૂરાવે છે. અમેરિકા ડિફેન્સ કંપનીઓ ધરાવતો દેશ હોવાથી જે દેશો એમની પાસેથી હથિયાર ખરીદે છે અમેરીકા તેની તરફણમાં રહેશે.
રવિ દિયોરા, માર્કેટ એક્સપર્ટ
ગ્લોબલ માર્કેટ અને આપણા માર્કેટના સંકેતો અલગ હતા. આજે ચાર ઓક્ટોબરના રોજ સેબીએ નવા નિયમોનો પરિપત્ર જાહેર કર્યો છે એટલે આપણા માર્કેટમાં વધુ કરેક્શન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં થોડી અનિશ્ચિતા જોવા મળી રહી છે. ક્રૂડની કિંમતો છેલ્લા કેટલાક સમયથી 71 ડોલરની આસપાસ હતી એ 74 ડોલર આસપાસ ખુલતી જોવા મળે છે. યુદ્ધ વધુ લંબાશે તો કૉમોડિટી માર્કેટમાં વધુ અસર જોવા મળશે.
પૂર્વિન મરિયાંકરી, ડાયરેક્ટર, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)
આમ જોવા જઈએ તો આપણે તટસ્થ છીએ. આપણે બંને દેશ વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન ઇચ્છીએ છીએ. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અને વેપારની દ્રષ્ટીએ જોઈએ તો આ યુદ્ધ ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જશે તો વધુ અસર વર્તાશે નહીં. જો યુદ્ધ લંબાય તો લોજીસ્ટીકની ક્રાઈસીસ વધી જશે. આપણી નિકાસ પશ્ચિમના દેશોમાં રેડ-સી મારફત થાય છે. યુદ્ધની અસર આ સપ્લાય ચેઈનને નુકસાન પહોંચાડી શકે છે.
પ્રિ-નવરાત્રી ને પહેલા નોરતા બાદ સર્વત્ર “ગોરી રાધા ને કાળો કાન” અને “બોલ મારી અંબે જય જય અંબે”ના નાદ ગુંજી રહ્યા છે. એક બાજુ જ્યાં ગરબાના તાલે ને ઢોલના નાદે ખેલૈયા ઝૂમી રહ્યા છે ત્યારે હિંદી સિનેમાવાળા શાંત થઈને બેઠા છે.
આથી સોશિયલ મિડિયા પર અમુક બની બેઠેલા જાણકારો બળાપો કાઢ્યો કે નિર્માતાઓનું આવું તે કેવું રિલીઝનું પ્લાનિંગ? આટલી સરસ બે ઑક્ટોબર, ગાંધી જયંતીની રજા, નવરાત્રિનો મસ્તમજાનો માહોલ… આ દરમિયાન કે એની પહેલાં કેમ કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન કરી? 15 ઑગસ્ટે રિલીઝ કરવા ‘સ્ત્રી 2,’ ‘ખેલ ખેલ મેં’ અને ‘વેધા’એ (તથા બીજી નાની ફિલ્મોએ) પડાપડી કરીને ખેલ બગાડી મૂક્યો તો હવે જ્યારે બે-ત્રણ અઠવાડિયાંથી કોઈ બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ નથી રહી તો આનો ફાયદો કેમ ઉઠાવવામાં ન આવ્યો?
તો જત જણાવવાનું કે વર્ષોથી ટિન્સેલપુરની એક પ્રથા રહી છે કે મુંબઈના નિર્માતા શ્રાદ્ધ પક્ષ દરમિયાન ન તો નવી ફિલ્મની જાહેરાત કરતા હોય છે, કે ન મુહૂર્ત કરે કે ન નવી ફિલ્મ રિલીઝ કરે. આમાં રિલીઝ તો હજી કદાચ કોઈ કરે, પણ નવી ફિલ્મ લૉન્ચ તો ન જ થાય.
બાય કાસ્ટ કોઈ બી હોય, આજે પણ નિર્માતા શુભ ચોઘડિયામાં નારિયેળ વધેરી, હવન-પૂજાપાઠ બાદ એકાદ સીન શૂટ કરીને મુહૂર્ત સાચવી લે છે. પછી રાતે શેમ્પેનની બાટલીનાં બૂચ ખોલીને, દારૂના ફુવારા નીચે નહાઈને ઉજવણી કરે. મનમોહન દેસાઈ પણ ‘નસીબ’માં માનતા. એ નવી ફિલ્મની પ્રિન્ટના ટિનના ડબ્બા લઈને જમ્મુ જતા, માતા વૈષ્ણોદેવીના ચરણે ધરતા ને કહેતાઃ “મા, મેરી પિક્ચર હિટ બના દેના.” અમુક નિર્માતા-દિગ્દર્શકને તામિલનાડુના ગિરિમથક ઊટીના બોટાનિકલ ગાર્ડનનું બહુ. એમાં પાછું ગાર્ડનમાં એક પરટિક્યુલર ઝાડ પાસે ગીત ચિત્રિત કરવાનું એટલે કરવાનું. અમુકને એવું કે ફલાણા અભિનેતા-અભિનેત્રીને લેવાથી આપણી પિક્ચર હિટ જાય છે. જો વાર્તામાં ફિટ ન બેસતો (કે બેસતી) હોય તો પણ એને એકાદ સીન માટે લે. કોઈને અમુક આંકડા પર બેહદ વિશ્વાસ હોય- જેમ કે શાહરુખ ખાનનો લકી નંબર છેઃ 555. સલમાન ખાનનો લકી ચાર્મ છે એનું બ્રેસલેટ. અજય દેવગને પોતાની અટકની અંગ્રેજી જોડણીમાંથી એ કાઢી નાખ્યો છે. અમુકને મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક પર અસીમ શ્રદ્ધા, તો કોઈને અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર. આંગળીઓમાં નીલમ, પન્ના અને ઓપલ જેવાં રત્નોની વીંટી પહેરવાનું તો ઘણું કોમન છે.
એટલે, કહેવાનું તાત્પર્ય એ કે શ્રાદ્ધ પક્ષમાં નવાં કામ, નવી ખરીદી ટાળવામાં આવે છે તો ફિલમવાળા એમાંથી કેમ બાકાત રહે?
જો કે આમાં એક અપવાદ હતો ને તે હતા યશ ચોપડા. એ શ્રદ્ધા, મુહૂર્ત, પૂજાપાઠ, વગેરેમાં માનતા, પણ અમુક ટાઈમ એ બાજુએ મૂકીને કરવાનાં કામ કરી લેતા. જેમ કે આજથી પચીસ વર્ષ પહેલાં, 27 સપ્ટેમ્બરે શ્રાદ્ધ પક્ષમાં એમણે ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં બેટા આદિત્ય ચોપરાની નવી ફિલ્મ ‘મોહબ્બતેં’નું મુહૂર્ત કરેલું. ઉલ્લેખનીય છે કે યશજી એમની ફિલ્મનાં મુહૂર્ત વી. શાંતારામે બાંધેલા ‘રાજકમલ સ્ટુડિયોઝ’માં જ કરતા.
દરમિયાન તે દિવસે પૂજાપાઠ બાદ કેસર પેંડો મેંમાં મૂકતાં કોઈએ પૂછ્યું કે “કેમ આજના દિવસે (શ્રાદ્ધ જેવા અપવિત્ર મનાતા દિવસોમાં) નવી ફિલ્મનું મુહૂર્ત કર્યું?”
તો મીઠું મલકતાં યશજીએ જવાબ આપેલોઃ “આજે, 27 સપ્ટેમ્બરે, મારો હેપી બર્થડે છે અને કહે છેને કે બર્થડે, ધ બેસ્ટ ડે.”
તહેરાનઃ ઇરાન અને ઇઝરાયેલના સંઘર્ષની વચ્ચે વિશ્વની નજર તહેરાન પર છે, કેમ કે આશરે પાંચ વર્ષ પછી દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખોમિની નમાજ અદા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો એક વાર ફરી ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવશે. આ વખતે પણ પેલેસ્ટાઇના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. અમે જલદી નહીં કરીએ અને અટકીશું પણ નહીં.
તેમણે કહ્યું હતું કે વિશ્વના બધા મુસ્લિમોએ એકજુટ રહેવું પડશે. જો મુસલમાનો એકજુટ રહેશે તો બધા દુશ્મન હારી જશે, કેમ કે ઉપરવાળાનો સાથ મળશે. ઇરાનથી માંડીને લેબનોન સુધી મુસ્લિમોને એકસાથે રહેવું પડશે. ઇઝરાયેલ પર ઇરાનનો મિસાઇલ એટેક અને ઇઝરાયેલના લેબનોનમાં હિજબુલ્લાના ગઢમાં સતત હુમલાની વચ્ચે આવું પહેલી વાર થયું હતું, જ્યારે ખોમિની શુક્રવારની નમાજ અદા કરવા સૌની સામે આવ્યા હતા.
Suite au martyre de Sayed Hassan Nasrallah, DG du Hezbollah, et à la veille du premier anniversaire de l’opération Déluge d’Al-Aqsa, la prière du vendredi du 4 octobre à Téhéran a été accomplie sous la direction du Guide suprême de la Révolution à la Mussallah Imam Khomeiny (RA). pic.twitter.com/YoiGwcU2QL
તેમણે મોટો દાવો કર્યો હતો કે ઇઝરાયેલ પર જે હુમલો કર્યો છે, એ સંપૂર્ણ રીતે કાયદા મુજબ છે. ઇરાનના ફૈજિયોં પર અમને ગર્વ છે. તેમણે જે કાર્યવાહી કરી, એ સંપૂર્ણ રીતે યોગ્ય હતી. પેલેસ્ટાઇનના હક માટે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો.
ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમિનીએ તહેરાનની મસ્જિદમાં લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે ઇઝરાયેલની સાથે યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખતાં ઇરાન એના બધા દુશ્મનોની દરેક ચાલને નિષ્ફળ બનાવશે.
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિના તહેવાપની ધૂમ ચાલી રહી છે. ત્યારે ખેલૈયાના મન એક પ્રશ્ન છે કે શું તહેવાર સમયે વરસાદ વિધ્ન બનશે? આ વચ્ચે હવામાન વિભાગે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે. કોઈ પણ જગ્યાએ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. પરંતુ આવનારા ત્રણ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજયમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની નથી જે રાહતના સમાચાર છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે. આ ઉપરાંત આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ વર્ષે ગુજરાતના અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.