Home Blog Page 1438

AMA ખાતે ‘નિપ્પોન ઓદોરી’ ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝન ડાન્સ પર્ફોર્મન્સ

અમદાવાદ: A.M.A.(અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) ખાતે 12મા જાપાન ફેસ્ટિવલ “નિપ્પોન ઓદોરી”નું આયોજન આગામી 4થી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ જાપાનના ફોલ્ક ડાન્સની થીમ પર કેન્દ્રિત છે. જેનું ઉદ્ઘાટન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ કોજી યાગી દ્રારા કરવામાં આવશે.

ભારત-જાપાનીઝ સંબંધોનું વાઇબ્રન્ટ બોન્ડિંગ

જાન્યુઆરી 2009થી જાપાન, વાઇબ્રન્ટ ગુજરાત સેલિબ્રેશનમાં ગુજરાતનું પ્રથમ કન્ટ્રી પાર્ટનર બન્યું હતું. ત્યારથી ગુજરાત અને જાપાન વચ્ચે શૈક્ષણિક, વ્યાપાર અને સાંસ્કૃતિક ક્ષેત્રે મિત્રતા, સદ્ભાવના અને સહકારના બંધન વધુ ગાઢ અને મજબૂત બન્યા છે.AMAના જાપાન ફેસ્ટિવલો

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના જાપાન માહિતી અને અભ્યાસ કેન્દ્ર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ઓફ ગુજરાત (IJFA)એ 2009થી 2024 સુધીના છેલ્લા પંદર વર્ષોમાં સફળતાપૂર્વક અગિયાર જાપાન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ઉત્સવોને અમદાવાદ અને ગુજરાતમાં હજારો જાપાન પ્રેમીઓ તરફથી બહોળી પ્રશંસા, અભૂતપૂર્વ પ્રતિસાદ અને વિશાળ હૃદયથી પ્રશંસા મળી છે. AMAના પાંચ જાપાન કેન્દ્રોએ જાપાનીઝ કલા, સંસ્કૃતિ, મૂલ્યો અને જીવનશૈલીની અર્થપૂર્ણ અને આકર્ષક સમજ પ્રદાન કરી છે. ‘નિપ્પોન ઓદોરી’ અને તેના મુખ્ય આકર્ષણો

નવી દિલ્હી સ્થિત જાપાનની એમ્બેસી દ્રારા ‘જાપાન મંથ’ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જે ભારતમાં જાપાનના પ્રથમ માનદ કોન્સલની ઓફિસની નિમણૂક અને ઉદઘાટનનાં ભાગરૂપે છે. અમદાવાદ સ્થિત AMA ખાતે આગામી 4 થી 6 ઓક્ટોબર દરમિયાન 12મા જાપાન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાપાન ફેસ્ટિવલ લોકપ્રિય ગુજરાતી નવરાત્રિના ફેસ્ટિવલની ઉજવણી દરમિયાન આવે છે. તેથી, આ ફેસ્ટિવલને “નિપ્પોન ઓદોરી” (જાપાનીઝ ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલ) તરીકે નામ આપવામાં આવ્યું છે.ફોટો-ફિલ્મ પ્રદર્શન

આ ફેસ્ટિવલમાં જાપાનીઝ ડાન્સની ફોટો-ફિલ્મ એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તેની સમૃધ્ધ પરંપરાઓ, વાઇબ્રન્ટ રજૂઆતો અને આકર્ષક પ્રદર્શન જોવા મળશે. ટોકુશિમાનાં ‘આવા ઓદોરી’ના આનંદદાયક લયથી લઈને ક્યોટોના ‘નિહોન બુયો’ પરંપરાગત નૃત્યોની મંત્રમુગ્ધ લાવણ્ય સુધી, દરેક તહેવાર અનન્ય પ્રાદેશિક લાક્ષણિકતાઓ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને તમે આ પ્રદર્શનમાં જોઈ શકશો.જાપાનના ડાન્સ ફેસ્ટિવલ્સ પરના ફોટો-ફિલ્મ એક્ઝિબિશનનું લોકાર્પણ દ્વારા 12મા જાપાન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ, કોજી યાગી દ્રારા 4 ઓક્ટોબરના રોજ સાંજે 4:00 કલાકે કરવામાં આવશે. આ ઉદઘાટન પ્રસંગે મહેમાન તરીકે નવી દિલ્હી ખાતેના જાપાન એમ્બેસીના શ્રીમતી ક્યોકો હોકુગો અને ભારતમાં ગુજરાત ખાતેના જાપાનના માનદ કોન્સલ મુકેશ પટેલ પણ જોડાશે.સૌપ્રથમ ઈન્ડો-જાપાનીઝ ફ્યુઝન ડાન્સ પર્ફોર્મન્સ

‘નિપ્પોન ઓદોરી’માં એક નવીન ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સની પ્રસ્તુતિ તરીકે, જાપાન અને ગુજરાતના લોકપ્રિય લોક-નૃત્યો રજૂ કરવામાં આવશે. AMA ખાતેના જાપાન કલ્ચરલ સેન્ટરે ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન ગુજરાત, ગુજરાતમાં જાપાનના ઓનરરી કોન્સલ, અમદાવાદમાં જાપાનીઝ એસોસિએશન, સ્પંદન ફોલ્ક ડાન્સ એકેડમી અને લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન (સંસ્કારધામ કેમ્પસ)ના સહયોગથી “નિપ્પોન ઓદોરી” ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સનું આયોજન કર્યું છે. આ પર્ફોમન્સ 4 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી થી 7:30 વાગ્યા સુધી રજૂ કરવામાં આવશે.

ગાંધી જયંતિ પર વિજય સેતુપતિની સાયલન્ટ ફિલ્મ ‘ગાંધી ટોક્સ’નો BTS વીડિયો જાહેર

મુંબઈ: વિજય સેતુપતિ તેની આગામી મૂંગી ફિલ્મ (સાયલન્ટ ફિલ્મ) ‘ગાંધી ટોક્સ’ માટે લાઈમલાઈટમાં છે. તે ભારતના 54મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી, અરવિંદ સ્વામી અને સિદ્ધાર્થ જાધવ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આજે ગાંધી જયંતિના અવસરે નિર્માતાઓએ ફિલ્મને લઈને એક ખાસ અપડેટ જાહેર કરી છે.

‘ગાંધી ટોક્સ’ એ આગામી તામિલ ફિલ્મ છે જેમાં વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. ગાંધી જયંતિ પર ફિલ્મના નિર્માતાઓએ એક ખાસ BTS વિડિયો શેર કર્યો, જેમાં ફિલ્મનું નિર્માણ, ફિલ્મના વિવિધ ભાગોનું શૂટિંગ કરતા કલાકારો અને પોસ્ટ-પ્રોડક્શનના અન્ય પાસાઓ દર્શાવવામાં આવ્યા છે. છેલ્લે એ.આર.રહેમાનને ગીત માટે સંગીત કંપોઝ કરતા જોઈ શકાય છે.

સાયલન્ટ ડાર્ક કોમેડી ફિલ્મ તરીકે પ્રસ્તુત ‘ગાંધી ટોક્સ’ તમિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થશે. ‘ગાંધી ટોક્સ’ની રિલીઝ ડેટ હજુ નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવી નથી. જો કે, ટીઝર મુજબ એવું લાગે છે કે ટીમ ટૂંક સમયમાં તારીખની જાહેરાત કરશે.

‘ગાંધી ટોક્સ’નું દિગ્દર્શન કિશોર પી બ્લીકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેને ઝી સ્ટુડિયો, ક્યુરિયસ અને મૂવીમિલ દ્વારા સંયુક્ત રીતે સમર્થન આપવામાં આવ્યું છે. એઆર રહેમાને ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જેનું સંપાદન આશિષ મ્હાત્રે કર્યું છે. મણિરત્નમની ‘ચેક્કા ચિવંથા વનમ’ પછી આ બીજી વખત અરવિંદ સ્વામી, અદિતિ રાવ હૈદરી અને વિજય સેતુપતિ સાથે આવ્યા છે. ‘ગાંધી ટોક્સ’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

ગાંધી જયંતી : ‘પીસ વિધાઉટ લિમિટ્સ’ ચિત્ર સ્પર્ધા

જગત આખાયના કેટલાય દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યુધ્ધ ચાલી રહ્યા છે. જાતિ, ઘર્મ, પ્રાંત, સીમાઓ માટે સતત લડતી દુનિયામાં કેટલાક લોકો અહિંસાના સમર્થક થઈને ઉભરી આવે છે.

ભારત માટે અહિંસક ચળવળ કરી આઝાદી અપાવવા માટે ગાંધીજીનું નામ મોખરે છે. બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વ શાંતિ માટે અનેક કાર્યક્રમો થાય છે. અમદાવાદ શહેરના શિવાનંદ આશ્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા શાંતિ માટે એક પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાના નિર્ણાયક હિરલ શાહ ચિત્રલેખા.કોમને કહે છે ‘પીસ વિધાઉટ લિમિટ્સ’ પોસ્ટર કોમ્પિટિશનમાં શહેરના 125 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં આશ્રમ રોડ પર આવેલી મુક બધિર શાળાના બાળકો પણ હતા. આ સાથે શહેરની જુદા જુદા વિસ્તારની શાળાના બાળકોએ ભાગ લઈ શાંતિના વિષય પર સુંદર ચિત્રો પોસ્ટર સ્વરૂપે તૈયાર કર્યા હતા.વિશ્વ શાંતિના દૂત કબુતર, ગાંધીજી અને તમામ દેશો હિંસાથી બચે એવા સંદેશા સાથેના ચિત્રો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા.

‘પીસ વિધાઉટ લિમિટ્સ’ કાર્યક્રમનું આયોજન શીલાબહેન દરબાર, દક્ષેશ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિવાનંદ આશ્રમના અરુણ ઓઝા, દિપક ત્રિવેદી, અનિતા વિજય બાલિયા/તેજસ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ઈરાને ઈઝરાયેલના નેતાઓનું બનાવ્યું હિટ લિસ્ટ

ઈરાને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને આર્મી ચીફ હરજી હલેવી સહિત 11 લોકોની મોસ્ટ વોન્ટેડ યાદી જાહેર કરી છે. આ યાદી હિબ્રુ અને અંગ્રેજી ભાષામાં બહાર પાડવામાં આવી છે, જેમાં ફોટોગ્રાફ્સ સાથે 11 લોકોના નામ છે. આ યાદી “ઇઝરાયલી આતંકવાદીઓની નાબૂદીની યાદી” તરીકે બહાર પાડવામાં આવી છે. આ પગલાંથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવમાં વધુ વધારો થઈ શકે છે.


તાજેતરમાં, ઈરાને ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી, જેમાંથી ઘણી ઈરાનના પ્રદેશોમાં પડી હતી અને ઈઝરાયેલના કેટલાક શહેરો પર પડી હતી. ઈરાનના વિપક્ષી દળોના જણાવ્યા અનુસાર ઈરાનના ઈસ્ફહાન અને ઝાંજાન જેવા વિસ્તારોમાં કેટલીક મિસાઈલો પડી હતી. આ હુમલા બાદ ઈઝરાયેલે ઉત્તર અને દક્ષિણ ભાગોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

Iran’s Largest Attack on Israel

ઈરાનના ઈન્ટેલિજન્સ મિનિસ્ટ્રીએ હિબ્રુ ભાષામાં ધમકી જારી કરીને કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ઈઝરાયેલની સુરક્ષા સંસ્થાઓના વડાઓ અને વડાપ્રધાનને ખતમ કરી દેશે. ઈરાન ત્યારે લડાઈના મૂડમાં આવી ગયું જ્યારે ઈઝરાયેલી સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલામાં સંગઠનના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો. હાલમાં જ ઈરાને પણ મિસાઈલ હુમલાને તેના અને હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો ગણાવ્યો હતો.

પીએમ નેતન્યાહુ સહિત આ નામો ઈરાનના હિટ લિસ્ટમાં સામેલ

  • બેન્જામિન નેતન્યાહુ – વડા પ્રધાન
  • Yoav Galant – સંરક્ષણ પ્રધાન
  • હરઝી હલેવી – જનરલ સ્ટાફના ચીફ
  • ટોમર બાર – ઇઝરાયેલી એરફોર્સના કમાન્ડર
  • સર સલામા – ઇઝરાયેલી નૌકાદળના કમાન્ડર
  • તામીર યાદાઈ – ગ્રાઉન્ડ ફોર્સના ચીફ
  • અમીર બરામ – જનરલ સ્ટાફના ડેપ્યુટી ચીફ
  • હારોન હલીવા – લશ્કરી ગુપ્તચરના વડા
  • ઓરી ગોર્ડિન – ઉત્તરી કમાન્ડના વડા
  • યહુદા ફોક્સ – સેન્ટ્રલ કમાન્ડના વડા
  • એલિઝર ટોલેડાનો – સધર્ન કમાન્ડના ચીફ

રજનીકાંતની ફિલ્મ વેટ્ટિયનનું શાનદાર ટ્રેલર રિલીઝ

સિનેમાના બે મહાન હીરો રજનીકાંત અને અમિતાભ બચ્ચનને એકસાથે જોવા માટે ચાહકો આતુર છે. આ બંને સુપરસ્ટાર ફિલ્મ વેટ્ટિયનમાં સાથે જોવા મળવાના છે. બુધવારે ફિલ્મના નિર્માતાઓ દ્વારા વેટ્ટિયનનું લેટેસ્ટ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે તે ગંભીર મુદ્દાને દર્શાવે છે. વેટ્ટિયનનું નામ લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. ખાસ કરીને રજનીકાંત અને અમિતાભ બચ્ચનની વાપસીને કારણે ડિરેક્ટર ટી.જી. જ્ઞાનવેલની આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી છે. Vettaiyan નું ટ્રેલર તમામ ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે એક રાજ્યમાં છોકરીઓ પર બળાત્કાર અને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી છે. જેના કારણે વહીવટીતંત્ર પરેશાન છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આરોપીને પકડવા માટે પોલીસ ઓફિસર રજનીકાંત ફિલ્મમાં પોતાની તાકાત બતાવતા જોવા મળશે. વેટ્ટિયનના આ 2 મિનિટ 44 સેકન્ડના ટ્રેલરમાં તમને ડ્રામા, એક્શન અને ઈમોશનની વિશાળ માત્રા જોવા મળશે, જે આ ફિલ્મ માટે દર્શકોની ઉત્તેજના વધારી રહી છે. તમને જણાવી દઈએ કે હમ ફિલ્મની રિલીઝના 33 વર્ષ બાદ અમિતાભ બચ્ચન અને રજનીકાંત મોટા પડદા પર સાથે જોવા મળશે.

દશેરાના અવસરને ધ્યાનમાં રાખીને રજનીકાંતની ફિલ્મ વેટ્ટિયન 10 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષાઓમાં બનાવવામાં આવી છે. વેટ્ટિયનમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચન ઉપરાંત રાણા દગ્ગુબાતી, રિતિકા સિંહ અને ફહદ ફાસિલ જેવા ઘણા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ઇઝરાયેલે UNના મહાસચિવને દેશમાં પ્રવેશવા પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઇઝરાયેલના વિદેશપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર (UN) પર ઇઝરાયેલની વિરુદ્ધ પૂર્વાગ્રહ રાખવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને દેશમાં ઘૂસવા નહીં દેવામાં આવે. તેમણે કહ્યું હતું કે UN ચીફને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે તેમના પર દેશ પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે તેઓ એન્ટોનિયો ગુટેરેસને “પર્સોના નોન ગ્રેટા (અવાંછિત વ્યક્તિ) તરીકે જાહેર કરી રહ્યા છે અને કહ્યું હતું કે તેમને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવવામાં આવશે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ઇઝરાયેલ પર ઇરાનના જઘન્ય હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી શકે નહીં, જેમ કે વિશ્વના લગભગ દરેક દેશે કર્યું છે, તે ઇઝરાઇલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી.

આ એક એવા સેક્રેટરી-જનરલ છે જેમણે હજી સુધી સાત ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારોની નિંદા કરી નથી. ના તો તેમણે તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયત્નોની આગેવાની લીધી છે. હમાસ, હિઝબુલ્લા, હુતીઓ અને હવે ઇરાન – વૈશ્વિક આતંકના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને ટેકો આપનારા સેક્રેટરી જનરલને સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસ પર એક કાળા ધબ્બા તરીકે યાદ કરવામાં આવશે.

એન્ટોનિયો ગુટેરેસની સાથે કે તેમના વગર ઇઝરાયેલ પોતાના નાગરિકોનું રક્ષણ કરવાનું અને પોતાના રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખશે, એમ તેમણે કહ્યું હતું.

 

પ્રશાંત કિશોરે લોન્ચ કરી જન સુરાજ પાર્ટી

પટનાઃ રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે આજે સત્તાવાર રીતે રાજકય પાર્ટી લોન્ચ કરી છે. તેમની પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી છે. આ પહેલાં તેઓ બે વર્ષ સુધી જન સુરાજ યાત્રા દ્વારા બિહારના ગામોમાં, શહેરોમાં પદયાત્રા કરી ચૂક્યા છે.

રાજ્યના રાજકારણમાં એક નવી પાર્ટીનો પ્રવેશ થયો છે. પ્રશાંત કિશોર ઉર્ફે PKએ પોતાના સંગઠનને રાજકીય પક્ષમાં ફેરવી દીધું છે. પીકેની નવી પાર્ટીનું નામ જન સુરાજ પાર્ટી રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તમારે બધાને જય બિહાર એટલી જોરથી બોલવાનું છે કે કોઈ તમને કે તમારા બાળકને બિહારી ના કહે અને એ એક ગાળ જેવું ના લાગે.તમારો અવાજ દિલ્હી સુધી પહોંચવો જોઈએ.પટનામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં જન સુરાજ પાર્ટીની રચના માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જન સુરાજ સાથે જોડાયેલા રાજ્યભરમાંથી લોકો પટનામાં એકઠા થયા છે. સભા સ્થળે એક અનોખો સ્ટેજ બનાવવામાં આવ્યો છે, જેના પર 5000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સ્ટેજ પર જામર લગાવવામાં આવ્યા છે, જેને કારણે મોબાઈલ ફોન કામ કરી રહ્યા નથી. PKની નવી પાર્ટીની રચના પહેલાં સીતામઢીના પૂર્વ સાંસદ સીતારામ યાદવ અને પૂર્વ મંત્રી રઘુનાથ પાંડેની પુત્રવધૂ વિનીતા વિજય જન સૂરજમાં જોડાયા હતા.

જન સુરાજ અભિયાન રાજકીય પક્ષ બનવાની સાથે તેના નેતા, નેતૃત્વ પરિષદ, બંધારણ અને અન્ય બાબતોની પણ થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે.પ્રશાંત કિશોર પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા લોકોમાં રહેશે નહીં. પ્રશાંત કિશોર જન સુરાજ અભિયાન હેઠળ રાજ્યમાં પદયાત્રા પર છે. તેમની પદયાત્રા અત્યાર સુધીમાં 17 જિલ્લામાં નીકળી છે. બે વર્ષમાં તેમણે લગભગ પાંચ હજાર કિલોમીટર ચાલીને 5500થી વધુ ગામડાંઓની મુલાકાત લીધી હતી.

અમદાવાદની નવરાત્રિને નડ્યું ઈરાન-ઈઝાયલ યુધ્ધ

અમદાવાદ: આવતી કાલથી ગુજરાત ભરમાં નવરાત્રિની ધૂમ શરૂ થશે. ત્યારે નવરાત્રિને લઈ મોટા ગાયક કલાકરો પણ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે.

અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ ઈરાન- ઈઝરાયલ યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત ફરી ના ફરી શકતા આજનું આયોજન રદ કરવામાં આવ્યું છે. જે આગામી 14 ઓક્ટોમ્બરના રોજ યોજાશે તેવી ફાલ્ગુની પાઠકે સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.

સોશિયલ મીડિયા પર આ અંગે  ફાલ્ગુની પાઠકે કહ્યું કે, “હું આજે એટલા માટે લાઈવ આવી છું. કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે, તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે. તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા, જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા. પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ, પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે. એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “એમ તો આજે હું એકલા આવી શકત, પરંતુ ટીમ વગર તમને પણ મજા નહીં આવે અને મને ગાવાની પણ મજા નહીં આવે. એટલે પ્લીઝ તમારા લોકોના સપોર્ટની જરુર છે. તો આપણે આજના બદલે 14 ઓક્ટોમ્બરે કાર્યક્રમ મળીએ, અને ગરબા અને રાસની રમઝટ બોલાવીએ. પ્લીઝ અમને સપોર્ટ કરજો. અને પ્રાર્થના કરજો કે, આવતી કાલથી શરુ થતી નવરાત્રીમાં અમારી ટીમ કોઈ વિઘ્ન વિના પરત આવી જાય. અને હા ગરબાનું સ્થળ જે આજે હતું એજ રહેશે.”

ઈરાન અને ઈઝરાયેલમાં કોની સેના વધુ મજબૂત ?

ઈરાને મંગળવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. ઈરાન દ્વારા તેલ અવીવ પર 200 થી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની હત્યાનો બદલો લીધો છે અને ભવિષ્યમાં પણ યુદ્ધ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બંને દેશોમાં કોણ વધુ શક્તિશાળી છે? કોની સેના વધુ મજબૂત છે અને કોની પાસે કેટલા હથિયાર છે?

ઈરાનમાં જ વસ્તી ઈઝરાયેલ કરતા દસ ગણી વધારે છે. વર્ષ 2024 માટે ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ મુજબ ઈરાનની વસ્તી 8,75,90,873 છે. તે જ સમયે, ઇઝરાયેલની વસ્તી 90,43,387 જણાવવામાં આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની સશસ્ત્ર દળો પશ્ચિમ એશિયાની સૌથી મોટી સેના છે. આ સેનાઓમાં ઓછામાં ઓછા 5,80,000 સૈનિકો છે. આ સિવાય લગભગ 200,000 પ્રશિક્ષિત અનામત સૈન્ય કર્મચારીઓ છે.

મિસાઇલોનો વિશાળ કાફલો

ઈરાન પાસે મિસાઈલોનો વિશાળ કાફલો છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇરાન પાસે પશ્ચિમ એશિયામાં બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો સૌથી મોટો ભંડાર છે. આમાં ક્રુઝ મિસાઈલ અને એન્ટીશિપ મિસાઈલનો પણ સમાવેશ થાય છે. તેમાં 2,000 કિલોમીટરની રેન્જમાં મારવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઇલોનો પણ સમાવેશ થાય છે.

આસામનો ‘ગાંધી મંડપ’ જ્યાં બાપુની યાદો આજે પણ જીવંત છે !

આજે ગાંધી જયંતી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવનાર અને વિશ્વભરને સત્ય-અહિંસાનો સંદેશ આપનારા બાપુ જ્યાં જતા ત્યાંના લોકોને જીવન જીવવાનો મંત્ર આપતા.
આજે એવા જ એક સ્થળ વિશે વાત કરીશું, જ્યાં ગાંધીબાપુએ સ્થાનિક મહિલાઓને કપડામાં સપના વણવાની રાહ ચીંધી હતી. વાત છે આસામના સુઆલકુચી ગામમાં આવેલા ગાંધી મંડપની.

આસામના ગુવાહાટીથી લગભગ 40 કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠે આવેલું છે એક નાનકડું ગામ સુઆલકુચી. જો કે હવે આ ગામને સિલ્ક ગામ તરીકે નવી ઓળખ પણ મળી છે. આ ગામ કાપડ વણાટ અને રેશમ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ઓળખ માટે ગામવાસીઓ મહાત્મા ગાંધીને શ્રેય આપે છે. બાપુ બ્રહ્મપુત્ર નદીના કાંઠેથી એકવાર સુઆલકુચી પહોંચ્યા હતા. અહીં એમણે આ ગામને સપનાનું શહેર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘અહીં મહિલાઓ હાથથી સપના વણી લે છે’.

બ્રહ્મપુત્રાના કિનારે સુંદર રીતે બનેલો ગાંધી મંડપ આજે પણ આનો સાક્ષી છે. અહીંના લોકો ગાંધીજીની એ મુલાકાતને જીવંત રાખી છે. બાપુએ જે જગ્યાએ બેસીને લોકોને સંબોધ્યા હતા ત્યાં ચરખા કાંતતા બાપુની પ્રતિમા આજે પણ વણકરોનું મનોબળ વધારી રહી છે. અહીંના લોકો ગાંધીજીની યાત્રાનું ખૂબ જ ગર્વથી વર્ણન કરે છે.

અહીં બને છે ‘અહિંસા સિલ્ક’

ગાંધીબાપુના ‘અહિંસા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરવા માટે અહીં અહિંસા સિલ્ક પણ બનાવવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારના કિટાણુંની હત્યા કરવામાં નથી આવતી. ઓરી નામે ઓળખાતા આ સિલ્કની ખરી ઓળખ તો અહિંસા સિલ્ક છે. જે આસામી લોકો ગર્વથી બાપુને સમર્પિત કરે છે. કહેવાય છે કે ગાંધીબાપુ સુવાલકુંચીમાં વર્ષ 1946માં આવ્યા હતા. એ જગ્યા આજે ગાંધી મંડપ તરીકે વિશ્વખ્યાતી મેળવી રહી છે. ત્યાં બાપુ આવ્યા, જનસભા કરી, લોકોને સંબોધિત કર્યા, ચરખો કાંત્યો, બાળકો સાથે વાર્તાલાપ કર્યો, આ દરેક ક્ષણની પ્રતિમાં બનાવવામાં આવી છે અને ત્યાં બાપુની યાદગીરી રૂપે સાચવવામાં આવી છે.

આ વારસો ગાંધીજીના ઇતિહાસથી બાળકોને માહિતગાર કરશે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આસામના ગાંધી મંડપના પ્રોજેક્ટના કન્સલન્ટ મયંકભાઈ કહે છે, “આ આશ્રમ બનાવવાનો ઉદ્દેશ્ય સ્થળ સાથે સંકળાયેલ વારસા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો છે. ઉપરાંત, આ સ્થળને સંભવિત પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો પણ છે. જે બાળકો અને યુવાનોને ગાંધીજીના ઇતિહાસથી માહિતગાર કરી શકે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે આ ગાંધી મંડપને વધુ વિકસિત કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.”

 

બાપુની હયાતીના છે સ્મરણો

 

ગાંધી મંડપ એ “રાષ્ટ્રપિતા” મોહનદાસ કરમચંદ ગાંધીની સ્મૃતિ છે. સરનિયા હિલની ટેકરી પર બનેલું આ સંગ્રહાલય ગુવાહાટીના પ્રવાસન સ્થળોમાંથી એક છે. ગાંધીજીએ સરનિયા પહાડની પ્રથમ મુલાકાત 1921માં અને છેલ્લી મુલાકાત 1946માં લીધી હતી. બાપુના વિચારો આજે પણ અહીં જીવંત છે.

હેતલ રાવ