Home Blog Page 1439

ગરબોઃ ઘૂમતો ઘૂમતો ક્યારે-ક્યાંથી આવ્યો?

આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ. નવ નવ રાત્રિ દરમ્યાન રમાતા ગરબા એ ગુજરાતનું સાંસ્કૃતિક ગૌરવ અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે ગરબો એટલે ગુજરાતીઓની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ગુજરાતના આ સૌથી લોકપ્રિય લોકનૃત્યનો યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે.

માતાજીની આરાધના માટે ગવાતા અને રમાતા આ ગરબા કેટલાં પ્રાચીન છે, તેનું મહત્વ શું એ વિશે દૂરદર્શનના અમદાવાદ કેન્દ્રના પૂર્વ ડીરેક્ટર ડૉ. રૂપા મહેતા કેટલીક રસપ્રદ વાતો વાગોળે છે. દૂરદર્શન પર નવરાત્રિ-ગરબાનો લગતા અનેક કાર્યક્રમોના પ્રસારણ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ રૂપાબહેન ગુજરાતના કળા-સાંસ્કૃતિક જગત સાથે જોડાયેલા છે અને એના પર ગાઢ અધ્યયન કર્યું છે. આજે ‘છોટી સી મુલાકાત’ માં એમની સાથે થયેલી વાતચીતના અંશો…

ચિત્રલેખા.કોમ: ગરબાનો ઈતિહાસ કેટલો જૂનો હશે?

ડૉ. રૂપા મહેતા: નૃત્યશૈલી બે પ્રકારની હોય. એક લાસ્ય અને બીજી તાંડવ. ગરબા લાસ્ય શૈલીનો પ્રકાર છે. રાસમાં લાસ્ય અને તાંડવ બન્ને શૈલી જોવા મળે. સૌરાષ્ટ્રના મેર લોકોના ડાન્સમાં કે કણબીઓ, રજપૂતો જે ગરબા રમે છે તેમાં તાંડવ સ્વરૂપ જોવા મળશે. આ લાસ્ય શૈલી પાર્વતી માતાએ બાણાસુરના પુત્રી ઉષાને શીખવી હતી. ઉષા શ્રીકૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે પરણીને ગુજરાતમાં દ્વારકા નગરી આવ્યા એ પછી અહીંની ગોપ કન્યાઓને લાસ્ય શૈલી શીખવી હતી. આ વાતનો ઉલ્લેખ ‘સંગીત રત્નાકર’ નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે.

એક લોકવાયકા એવી છે કે અર્જુને ગુપ્તવાસ દરમ્યાન વિરાટ રાજાના દીકરી ઉત્તરાને લાસ્ય શૈલી શીખવેલી. ઉત્તરા અભિમન્યુ સાથે પરણીને દ્વારકા આવ્યા અને એ રીતે ગુજરાતમાં ગરબાનું આગમન થયું. આજે પણ આહિર સ્ત્રીઓને ગરબા ગાતા જુઓ તો તેમની જે શૈલી છે, તેમના જે પોસ્ચર છે તેમાં તમને લાસ્ય શૈલી જોવા મળશે. આખી દુનિયામાં ગોળ ડાન્સ ફોર્મ એટલે કે ગોળ ફરીને ગરબા ગાવા તે ફોર્મ ખુબ જ યુનિક છે.

નવમી-દસમી સદીમાં જામનગરના એક કવિ શ્રીકંઠે લખ્યું હતું કે, ‘લાસ્યોત્તમા ગુર્જરી’ એટલે કે લાસ્યમાં કોઈ ઉત્તમ હોય તો તે છે ગુર્જરી(ગુજરાત).

રાસની વાત કરીએ તો શારદાતનયના ‘ભાવપ્રકાશ’ પુસ્તકમાં રાસક નૃત્યના ત્રણ પ્રકાર કહ્યાં છે. દંડ રાસક, તાલ રાસક અને લત્તા રાસક. જેમાં તાલ રાસકમાં બે પ્રકાર છે. એક તાલી કરીને અને બીજું ગરબા રમતા-રમતા મંજીરા કે બીજા કોઈ વાદ્યનો ઉપયોગ કરવો તે. લત્તા રાસક એટલે એકબીજાના હાથમાં હાથ મેળવીને જે નૃત્ય કરીએ તે. ગરબા આ બન્ને પ્રકારના રાસકમાં આવે છે. નળકાંઠામાં રહેતી પંડાર કોમ્યુનિટીના ગરબા એ તાલ અને લત્તા રાસકના ઉત્તમ ઉદાહરણ છે. તેઓ સુંદર રીતે મંજીરા સાથે રાસ ગાતા હોય છે. એમના રાસમાં તમને નળકાંઠાની પાણીની મુવમેન્ટ જોવા મળે. સત્તરમી સદીમાં લખાયેલાં ‘ગીત ગોવિંદ’ નામના ગ્રંથમાં તાલ રાસક અને લત્તા રાસકના અદ્દભૂત ચિત્રો છે.

આપણે ત્યાં દસમી સદીના શિલ્પોમાં રાસના અદ્દભુત દ્રશ્યો જોવા મળે છે. ભૂજમાં આવેલ કોટાય મંદિરમાં રાસના અદ્દભૂત સ્કલ્પચર્સ છે એ લત્તા રાસકના પ્રતીક છે. મોઢેરા, રાણકી વાવ, સુણોક મંદિર, સંડેર મંદિર ઉપરાંત નાના ગામોમાં બંધાયેલાં અનેક મંદિરોમાં નૃત્ય શૈલીના શિલ્પો અચૂક જોવા મળે છે.  આ રીતે રાસ-ગરબાના ઉલ્લેખો તો ખુબ જૂનાં છે.

આમ અત્યારે ગરબાની જે શૈલી છે તે અગિયારમી કે બારમી સદી આસપાસ અસ્તિત્વમાં આવી હોવી જોઈએ. બાર ગામે જેમ બોલી બદલાય તેમ બાર ગામે નૃત્યની શૈલી પણ બદલાય છે. ગરબાના પણ સમયાંત્તરે સ્વરૂપો બદલાયા છે.

ઘટ સ્થાપનનું મહત્વ શું નવરાત્રિમાં?

ગરબો એ ફર્ટિલિટીનું પ્રતીક છે. આપણા તહેવારો કૃષિ સાથે જોડાયેલા છે. શારદીય નવરાત્રિ પણ એમાંથી એક છે. ચોમાસામાં જે અનાજ વાવ્યું હોય એ ઓક્ટોબરમાં ઉગે. એની ઉજવણી નવરાત્રિમાં કરવામાં આવે. જૂનાં સમયમાં ગરબીનું સ્થાપન કરે એટલે એનાં નીચે ઘંઉના જવારા ઉગાડવામાં આવતા. એ સમયે એવું કહેવાતું કે જેનાં જવારા સારાં તેને ત્યાં આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહેશે. ગરબીને બ્રહ્માંડ સાથે જોડીને બ્રહ્માંડના સ્વરૂપમાં પૂજવામાં આવતી. ગરબામાં પડાયેલા 27 છિદ્રને 27 નક્ષત્રના પ્રતીક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય એટલે 27 X 4= 108ની સંખ્યા થાય. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નવરાત્રિના તહેવાર પાછળનું ધાર્મિક, સાંસ્કૃતિક કે સામાજિક મહત્વ શું?

ગરબા દરેક વર્ગના, દરેક ઉંમરના અને દરેક સમાજના લોકો ગાતા હોય છે. દરેક ધર્મ-સમાજના લોકોની ભાગીદારી છે એમાં. આપણા ત્યાં લખાયેલાં ગરબામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, કુંભારને માતાજીનો ગરબો બનાવવાનું કહેવામાં આવે છે. સુથારને કહો છો કે માતાજીની માંડવડી, બાજોટ બનાવી લાવ, મણિયારાને માતાજીનો ચુંડો બનાવી લાવવાનું કહેવામાં આવે છે. સોનીને માતાજી માટેનાં ઘરેણાં લાવવાનું કહેવામાં આવે છે. માળીને ગજરા, મોચીને મોજડી અને દોશીડાને ચુંદડી લાવવાનું કહેવામાં આવતું. આ રીતે ગરબા દરેક સમાજને એકસાથે જોડવાનો, સમન્વયવાળો તહેવાર છે.

આ ઉપરાંત ગરબા એ સ્ત્રીઓની સ્વતંત્રતાના પણ પ્રતિક છે. પહેલાંના સમયાં સ્ત્રીઓને છૂટથી હરવા-ફરવા કે ઘરની બહાર નીકળવા ન મળતું. ત્યારે નવરાત્રિ એક એવો તહેવાર હતો કે જ્યારે દરેક સ્ત્રીને રાતના સમયમાં ઘરની બહાર નીકળી પોતાનું મનગમતું નૃત્ય એટલે કે ગરબા રમવા મળતા હતા. આમ સામાજિક રીતે પણ ગરબા આપણી માટે અને તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ માટે ખુબ જ મહત્વના હતા.

ગરબા અને ગરબી વચ્ચે શું તફાવત?

જે સ્ત્રીઓ ગાય એ ગરબો અને જે પુરૂષો ગાય તે ગરબી કહેવાય. સૌરાષ્ટ્રમાં એવી પરંપરા હતી કે સ્ત્રી-પુરૂષ એકસાથે ગરબા ન ગાય. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં આજની તારીખમાં પણ માતાજીની માંડવડીની સ્થાપના થાય ત્યારે પહેલાં પાંચ ગરબા પુરૂષો ગાય, જેને ગરબી કહેવામાં આવે. એ પછી સ્ત્રીઓ ગરબા ગાય. આજે પણ વલ્લભ મેવાડાના ગરબા સુપ્રસિદ્ધ છે. દયારામની ગરબીઓ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે.

પ્રાચીન અને અર્વાચીન ગરબા વિશે શું કહેશો?

પ્રાચીન અને અર્વાચીન ગરબા અલગ-અલગ ફોર્મમાં લખાતા આવ્યા છે. કહેવાય છે કે પ્રથમ ગરબો વલ્લભ સદને લખ્યો હતો, જ્યારે અર્વાચીન ગરબામાં નારીવાદી ગરબો કવિયત્રી સ્વરૂપ ધ્રુવે લખ્યો છે.

ગરબા રમવાની વાત કરીએ તો તાલી અને ઠેસ એ ગરબાની નૃત્યશૈલીના બે મુખ્ય અંગ છે. પરંપરાગત ગરબામાં સ્ત્રીઓ કાં તો એક તાલી, બે તાલી કે પછી ત્રણ તાલી રમતી હોય. આધુનિક ગરબામાં તાલી કે ઠેસનું કોઈ મહત્વ રહ્યું નથી. પહેલાં શેરી ગરબા હતા, પછી સ્ટેજ ગરબા આવ્યા અને હવે આવ્યાં છે પાર્ટી પ્લોટ ગરબા. સ્ટેજના ગરબામાં નવી-નવી કોરિયોગ્રાફી અને કોસ્ચ્યુમ આવ્યા. નવા વાંજિત્રો આવ્યા. શેરી ગરબામાં તો માત્ર ઢોલના તાલે જ ગરબા રમાતા હતા. પાર્ટી પ્લોટ ગરબામાં તો ગોળ ગરબે ઘૂમતી ગુજરાતણનો કોન્સેપ્ટ જ બદલાઇ ગયો. એમાં બજાર પણ આવ્યું અને માર્કેટિંગ પણ આવ્યું.

હું એવું નથી કહેતી કે આધુનિક ગરબા ખરાબ છે, પરંતુ તે તદ્દન જુદાં જ પ્રકારના ગરબા છે. હા, હજુ પણ અનેક ગામડાઓમાં ગરબાના મૂળ સ્વરૂપો, પરંપરાગત ગરબા, લાસ્ય શૈલીમાં રમાતા ગરબા જોઈ શકાય છે. ગરબાનું બજારીકરણ થઇ ગયું હોવાથી ગરબા એટલે શક્તિની આરાધના એ પ્રકારની જે ભાવના હતી તે હવે જોવા મળતી નથી. કોઈપણ વસ્તુમાં પરિવર્તન તો આવે જ, પરંતુ એ પરિવર્તન કેવાં પ્રકારનું છે તે મહત્વનું હોય છે.

પરંતુ હવે તો કોમર્શિયલ ઓર્ગેનાઈઝર્સ પણ શેરી ગરબા, મંડલી ગરબા કે ઢોલ અને શરણાઈના તાલે ગરબા એવી જાહેરાતો કરતા હોય છે…

હા, લોકોને હવે એવું લાગે છે કે ગરબા રમવા પાછળની આપણી જ ધાર્મિક માન્યતા કે સામાજિક પરિવેશ હતો એ ભૂલાતો જાય છે એટલે બધાં ફરી શેરી ગરબા, મંડલી ગરબા, ઢોલના તાલે ગરબા તરફ વળતા થયા છે. પરંતુ ખરેખર ટ્રેડિશનલ ગરબાની વાત કરીએ અમુક જ્ઞાતિ-સમાજોમાં એની પરંપરા જળવાઇ છે. લતીપુરના ગરબામાં પુરૂષો માથે અગ્નિ લઈને ગરબા કરે છે. મોરબી પાસેના એક ગામમાં મુસ્લિમોની મુતવા નામની કમ્યુનિટી નવરાત્રિમાં ગરબા ગાય છે. કચ્છના આહિરો, મેર કમ્યુનિટી અને ભરવાડ કમ્યુનિટીના ગરબા પણ ખુબ જ સુંદર હોય છે. નાયક કમ્યુનિટીના ભવાઈ કલાકારોને ગરબા રમતા જોવાની મજા આવે. અમદાવાદની સદુ માતાની પોળમાં આઠમના દિવસે પુરૂષો જ સાડી પહેરીને ગરબા ગાય છે. નાગરોમાં સ્ત્રીઓ બેસીને ગરબા કરે છે. આમ હજુ પણ ક્યાંક-ક્યાંક ગરબાને તેના ઓરિજનલ ફોર્મમાં જાળવી રાખવામાં આવ્યા છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

તહેવારોની સીઝન અર્થતંત્ર માટે બુસ્ટર બને એવી શક્યતા

નવી દિલ્હીઃ હાલના ડેટા મુજબ ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષના મધ્યમાં ધીમું પડ્યું છે, પણ નિષ્ણાતોનું માનવું છે કે આ એક હંગામી સ્થિતિ છે. તહેવારોની સીઝન સાથે અર્થતંત્ર વેગ પકડશે.

સપ્ટેમ્બરમાં GST વસૂલાત 6.5 ટકા વધીને રૂ. 1.72 લાખ કરોડે પહોંચી છે, જે એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં દ્વિઅંકી વૃદ્ધિથી ઓછી છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ PMI પણ સપ્ટેમ્બરમાં આઠ મહિનાના નીચલા સ્તરે 56.5એ પહોંચ્યો છે.

ઘરેલુ કાર વેચાણમાં પણ સપ્ટેમ્બર સતત ત્રીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. જોકે દેશમાં જૂનથી સપ્ટેમ્બરમાં પડેલા વરસાદમાં સરેરાશ 7.6 ટકાનો વધુ વરસાદ નોંધાયો છે, જે આર્થિક કામગીરી પર સકારાત્મક અસર કરશે.

આમે તહેવારોની સીઝનની સાથે-સાથે હવે લગ્નગાળાની સીઝન પણ થઈ થઈ રહી છે. આ વર્ષે દેશમાં આશરે 48 લાખ લગ્નો થવાનો અંદાજ છે અને આ લગ્ન સીઝનમાં રૂ. 5.9 લાખ કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. એકલા દિલ્હીમાં 4.5 લાખ લગ્નો થવાનાં છે, જેમાં રૂ. 1.5 લાખ કરોડનો વેપાર થવાનો અંદાજ છે.વળી, વર્લ્ડ ઈકોનોમિક ફોરમના મુખ્ય અર્થશાસ્ત્રીઓએ ભારતીય અર્થતંત્રને મજબૂત બતાવ્યું છે. એના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યા વિશ્વનાં અર્થતંત્રો પર વધતાં દેવાં અને રાજકીય પડકારોને કારણે થયેલા દબાણને કારણે ચિંતા દર્શાવવામાં આવી છે, ત્યારે સાઉથ એશિયાની સારી સ્થિતિ માટે ભારતના મજબૂત દેખાવ અને પ્રાથમિક ચાલક બળ દર્શાવવામાં આવ્યું છે.

વળી, ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડાને પગલે રિઝર્વ બેન્ક પણ વ્યાજદરમાં કાપ મૂકે એવી શક્યતા છે, જેથી ઘરેલુ બજારોમાં સ્થિતિ સાનુકૂળ રહેવાની વકી છે.

 

બરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 ના મોત

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં દરરોજ વિસ્ફોટ થાય છે. આ વખતે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. બુધવારે મોડી સાંજે થયેલા વિસ્ફોટને કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈને પાંચ લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફટાકડાના કારખાનાની આસપાસ રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. ગામના રહેવાસી રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલી માર્કેટમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પણ પોતાના ઘરે ચોરીછૂપીથી ફટાકડા બનાવીને આપતો હતો.

બુધવારે કલ્યાણપુર ગામમાં રહેમાન શાહના ઘરમાં રાખેલા ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો રહેમાનનું ઘર સંપૂર્ણપણે કાટમાળ થઈ ગયું હતું. આ વિસ્ફોટની અસરમાં નજીકના આઠ અન્ય મકાનો પણ આવી ગયા હતા.

‘તેનો ચહેરો કાળો કરો’, એનિમલ અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર ગંભીર આરોપ

મુંબઈ: અભિનેત્રી તૃપ્તિ ડિમરી પર મંગળવારે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જયપુરના સાહસિકોએ કહ્યું કે તૃપ્તિ ડિમરી પૈસા લઈ ગઈ અને તે પછી પણ ઈવેન્ટમાં પહોંચી ન હતી. અભિનેત્રીએ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. FICCI FLOના જયપુર ચેપ્ટરના નારી શક્તિ કાર્યક્રમના આયોજકોએ કહ્યું હતું કે તૃપ્તિએ મંગળવારે તેમના કાર્યક્રમમાં આવવાનું વચન આપ્યું હતું, પરંતુ આવી ન હતી. અભિનેત્રીએ હવે આ વાતને નકારી કાઢી છે.

તૃપ્તિએ સ્પષ્ટતા કરી

‘એનિમલ’ અને ‘કલા’થી પ્રસિદ્ધિ મેળવનારી અભિનેત્રી તૃપ્તિએ એક નિવેદન જારી કર્યું જેમાં તેણે કહ્યું કે જયપુરમાં જે પણ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું તેનો તે ભાગ રહી છે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચાલી રહેલા પ્રમોશનલ અભિયાન દરમિયાન તૃપ્તિ ડિમરીએ તેની વ્યાવસાયિક જવાબદારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું અને ફિલ્મ સંબંધિત તમામ નિર્ધારિત કાર્યક્રમો અને સત્રોમાં હાજરી આપી હતી.’

તેણીએ ઇવેન્ટમાં ભાગ લેવા માટે કોઈ વચન આપ્યું હતું અથવા કોઈ પૈસા લીધા હતા આયોજકોના આ દાવાને પણ ફગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને અભિનેત્રીએ તેણીની પ્રમોશનલ ફરજો સિવાયના કોઈપણ વ્યક્તિગત દેખાવ અથવા ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રતિબદ્ધ નથી તેવું પણ નિવેદનમાં જણાવાયું છે. તે સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે આ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી માટે કોઈ વધારાની ફી અથવા ચૂકવણી સ્વીકારવામાં આવી નથી.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, મંગળવારે સમાચાર આવ્યા હતા કે તૃપ્તિ જયપુરના JLN માર્ગ પર સ્થિત એક હોટલમાં FICCI FLO દ્વારા મહિલા શક્તિ પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાની હતી, પરંતુ તે પહોંચી શકી નહોતી. આ ઈવેન્ટનું આયોજન કરનાર એક મહિલા ઉદ્યોગસાહસિકે દાવો કર્યો હતો કે આ ખાસ ઈવેન્ટ માટે અભિનેત્રી સાથે 5.5 લાખ રૂપિયામાં ડીલ કરવામાં આવી હતી. હવે આરોપ લગાવનાર મહિલાનું કહેવું છે કે તે અભિનેત્રી સામે કેસ કરશે. તેણે એમ પણ કહ્યું કે જયપુરે તેનો અને તેની ફિલ્મનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે તેણે આ રીતે તેમની સાથે દગો કર્યો છે. આટલું જ નહીં મહિલાઓએ અભિનેત્રીનો ચહેરો કાળો કરવાની વાત પણ કરી હતી.

વીડિયો વાયરલ થયો હતો

કાર્યક્રમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં ઘણા લોકો કાર્યક્રમમાં તૃપ્તિના પોસ્ટરની તોડફોડ કરતા અને તેના બહિષ્કારની હાકલ કરતા જોવા મળ્યા હતા. ફિલ્મનું પોસ્ટર પણ હટાવી દેવામાં આવ્યું હતું. તૃપ્તિ તેની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ના પ્રમોશન માટે જયપુરમાં હતી, જેમાં રાજકુમાર રાવ પણ છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

પાંચ કિલોની પાઘલડી પહેરીને ઝૂમતો પાઘડીમેન…

નવરાત્રિમાં લોકો મન મૂકીને ગરબા પર ઝૂમતા હોય છે ત્યારે લોકોનું ધ્યાન ખેચવા યુવાનો કપડા અને પાઘડી સાથે અવનવા પ્રયોગ કરતા હોય છે. કોઇ ખેલૈયા નવી થીમ પર ગરબાના સ્ટેપ ઈનોવેટ કરી લાવે તો કોઈ કપડાં પર નવી ડિઝાઈન ચીતરાવીને આવે.

આવા જ એક ખેલૈયા એટલે અમદાવાદના પાઘડીમેન. આ પાઘડીમેન છેલ્લાં કેટલાક વર્ષોથી નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યા છે. એમનું નામ છે અનુજ મુદલિયાર.

આ વર્ષે અનુજે પાંચ કિલો વજન ધરાવતી પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. નોંધનીય છે કે અનુજ મુદલિયાર દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમ પર પાઘડી તૈયાર કરતા હોય છે.

આત્મનિર્ભરથીમની પાઘડી વિશે વાત કરતાં અનુજ મુદલિયાર ચિત્રલેખા.કોમને કહે છે, ‘હું છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરુ છું. આ વર્ષે પાઘડીમાં મેં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા સાથે આગામી 2029ની ચૂંટણી માટે શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ડાયમંડ સિટી સુરતના ડાયમંડ બુર્સને પાઘડીમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.’

ઉલ્લેખનીય છે કે, આ પાઘડી પાછળ અનુજે 35000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. એનું કુલ વજન 5 કિલોગ્રામ છે. પાંચ કિલોની પાઘડી સાથે અનુજ પાંચ કિલો વજનનું કેડીયું પહેરીને મેદાનમાં ઉતરશે.

અગાઉ અનુજ વર્ષ 2017માં GSTની થીમ, 2018 હેરિટેજ થીમ, 2019માં મોદી પાઘડી, 2020માં કોરોના વોરિયર્સ થીમ પર અને 2021માં રિયલ હીરો સોનુ સુદ થીમ પર પાઘડી બનાવડાવીને ગરબા રમી ચૂક્યા છે. 2022માં આઝાદીના 75 વર્ષની ઉજવણીની થીમ પર પાઘડી તૈયાર કરી હતી.

(તેજસ રાજપરા)

PM મોદીએ ઈઝરાયેલને ‘રોશ હશના’ નિમિત્તે શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને યહૂદીઓના નવા વર્ષ રોશ હશના નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ અવસર પર પીએમ મોદીએ નેતન્યાહુ અને ઈઝરાયેલના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાના અભિનંદન સંદેશમાં પીએમ મોદીએ યહુદી ધર્મની પ્રાચીન ભાષા હિબ્રુ અને અંગ્રેજીમાં સંદેશ લખ્યો હતો. મોદીએ લખ્યું, મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલના લોકોને યહૂદી નવા વર્ષ રોશ હશનાહના અવસરે મારી હાર્દિક શુભેચ્છા. હું ઇઝરાયેલના તમામ લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

યહૂદી નવું વર્ષ: રોશ હશના શું છે?

રોશ હશનાહ એ યહૂદી નવું વર્ષ છે અને યહૂદી કેલેન્ડરમાં તિશ્રી મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવે છે. આ તહેવાર યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ, પ્રાર્થના અને વધુ સારા ભવિષ્યની શરૂઆત દર્શાવે છે. તે “સૃષ્ટિ દિવસ” તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાને આ દિવસે વિશ્વની રચના કરી હતી.

રોશ હશનાહ બે દિવસ માટે ઉજવવામાં આવે છે અને ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓથી ભરપૂર છે. આ સમય દરમિયાન, વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને શોફર (એક પ્રકારનું શિંગડું) વગાડવામાં આવે છે, જે સ્વ-જાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધિકરણનું પ્રતીક છે. આ દિવસ યહૂદીઓ માટે આત્મનિરીક્ષણ કરવાની, પાછલા વર્ષની ભૂલો પર ચિંતન કરવાની અને આવતા વર્ષ માટે નવા સંકલ્પો કરવાની તક છે.

દિલ્હી પોલીસે જપ્ત કર્યું રૂ. 2000 કરોડનું 500 કિલો કોકેન

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ડ્રગ્સની એક બહુ મોટી ખેપ જપ્ત કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લગભગ રૂ. 2000 કરોડનું કોકેન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે લગભગ 565 કિલોથી વધુ કોકેન ઝડપ્યું છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે દક્ષિણ દિલ્હીમાં એક દરોડા પાડ્યા હતા, જેમાં જપ્ત કરવામાં આવેલા આ ડ્રગ્સની કિંમત રૂ. 2000 કરોડ આંકવામાં આવી રહી છે. પોલીસે ધરપકડ કરાયેલા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી છે કે આ ડ્રગ્સ રાજધાનીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલિવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ-કોણ લોકો જોડાયેલા છે. પોલીસ આ પ્રશ્નોના ઉત્તર શોધી રહી છે. પોલીસના અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેક્શન હોઇ શકે છે. પોલીસ આ માહિતી હાંસલ કરી રહી છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સાઉથ દિલ્હીમાં આ રેડને અંજામ આપ્યો હતો. દિલ્હી પોલીસની આ મોટી સફળતા માનવામાં આવે છે. આ દિલ્હીમાં કોકેનનું અત્યાર સુધી સૌથી મોટું સીઝર છે. કોકેન હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં ઉપયોગમાં લેવાનારું ડ્રગ્સ છે.

દિલ્હી પોલીસે આ અગાઉ ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ઈન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 20 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કાર્યવાહી કરતા રૂ. 1.14 કરોડના મૂલ્યનો 228 કિલો ગાંજો જપ્ત કરયો હતો. પોલીસે આ કાર્યવાહીમાં બે જણની ધરપકડ પણ કરી હતી. આરોપી આંધ્ર પ્રદેશ અને ઓડિશા બોર્ડર પરથી ગાંજો લાવીને દિલ્હી અને NCRમાં સપ્લાય કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન કવચ શરુ કર્યું છે, જેનો ઉદ્દેશ દિલ્હી-NCRમાં ડ્રગ્સ સપ્લાયને રોકવાનો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહની બુમ બુમ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બુધવારે વિશ્વનો ટોપ ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો. અનુભવી બોલરે તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં તેના પ્રદર્શનના આધારે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીને પણ ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. આ ફાસ્ટ બોલરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 11 વિકેટ ઝડપી હતી. હવે તેમને આનો લાભ મળ્યો છે. તે એક જગ્યાએ કૂદીને ટોચ પર પહોંચ્યો. હવે તેના 870 પોઈન્ટ છે. આ સાથે જ અશ્વિન બીજા સ્થાને સરકી ગયો છે. તેના ખાતામાં 869 પોઈન્ટ છે.

 

બુમરાહ પહેલાથી જ ટોપ પર છે

આ બીજી વખત છે જ્યારે બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો છે. આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેને ત્રણ સ્થાનનો ફાયદો થયો હતો. તે ટોચનો ટેસ્ટ બોલર બનનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો હતો. તેમના પહેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ ટેસ્ટ બોલરોમાં સર્વોચ્ચ રેન્કિંગ મેળવનાર એકમાત્ર ભારતીય બોલર હતા. તેઓ ડિસેમ્બર 1979 થી ફેબ્રુઆરી 1980 વચ્ચે બીજા ક્રમે રહ્યા હતા.

જયસ્વાલ ત્રીજા સ્થાને

બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બે સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હવે તેના 792 પોઈન્ટ છે. ચાર ઇનિંગ્સમાં તેણે 47.25ની એવરેજથી 189 રન બનાવ્યા. આ દરમિયાન 22 વર્ષીય બેટ્સમેને ત્રણ અડધી સદી ફટકારી હતી. બેટ્સમેનોની ટેસ્ટ રેન્કિંગમાં જો રૂટ ટોચ પર છે જ્યારે કેન વિલિયમસન બીજા સ્થાને યથાવત છે.

કોહલીએ લાંબી છલાંગ લગાવી

ચેન્નાઈ ટેસ્ટમાં છ અને 17 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા બાદ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 10માંથી બહાર થઈ ગયો હતો. જો કે, કાનપુર ટેસ્ટમાં વાપસી કરીને, તેણે 47 અને 29* રનની ઇનિંગ્સ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે તે તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં છ સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. હવે તેને 724 પોઈન્ટ મળ્યા છે. તે જ સમયે પંતને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે નવમા સ્થાને પહોંચી ગયો.

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર નહીં રમાય ગરબા

નવરાત્રિને લઈ જાહેર જનતા સહિત તંત્ર પણ સજ્જ છે. તહેવારના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ કમિશનરનું જાહેરનામુ સામે આવ્યું છે. જેમાં રાત્રિના સમયે 12 પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ તારીખ 3થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોડી રાત સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ છે. જેમાં 12 વાગ્યા બાદ ક્યાંય પણ માઇક કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હશે તો પગલાં લેવામાં આવશે.

ગઇકાલે અમદાવાદમાં DCPએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. આ સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. DCP ના નિવેદન પ્રમાણે કોમર્શિયલ ધોરણે cctv રાખવા, લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વહિકલનીં વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સાથે વ્યવસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સૂચનાઓ અપાઈ છે.

બ્રાઝિલમાં 13 વર્ષથી ફૂટબોલ રમે છે ‘મહાત્મા ગાંધી’

ભારતમાં મહાત્મા ગાંધી અંગ્રેજો સામે આઝાદીની લડાઈ માટે જાણીતા છે. તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમણે દેશ માટે બલિદાન આપ્યાને 76 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે 2જી ઓક્ટોબરે તેમની જન્મજયંતિના દિવસે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ‘મહાત્મા ગાંધી’ છેલ્લા 13 વર્ષથી બ્રાઝિલમાં ફૂટબોલ રમી રહ્યા છે. નવાઈ પામશો નહીં, કારણ કે આ ભારતના ‘બાપુ’ નથી, પરંતુ આ જ નામનો બ્રાઝિલનો ખેલાડી છે. આ 32 વર્ષીય ખેલાડીનું પૂરું નામ મહાત્મા ગાંધી હેબરપિયો માટોસ પીરેસ છે, જેને ત્યાં ‘મહાત્મા ગાંધી’ અથવા મહાત્મા તરીકે ઓળખવામાં આવે છે.

ફૂટબોલર મહાત્મા ગાંધી કોણ છે?

હેબરપિયો માટોસનો જન્મ 1992માં થયો હતો. લીગ સિરીઝ Aમાં રમનાર હેબરપિયોની ઊંચાઈ 5 ફૂટ 10 ઈંચ છે. 32 વર્ષીય હેબરપિયો ડિફેન્સિવ મિડફિલ્ડર છે અને તેણે 2011માં પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. તેની પ્રથમ સિઝનમાં, તેને મોટાભાગે બેન્ચની બહાર બેસવું પડતું હતું. 2012થી તેને ધીરે ધીરે તક મળવા લાગી. તે હાલમાં આ લીગમાં ગોયાનિયા સ્પોર્ટ્સ ક્લબ તરફથી રમે છે.

લીગમાં ઘણા વિચિત્ર નામો

મહાત્મા ગાંધી હેબરપિયો માટોસ પાયર્સ એકમાત્ર એવા ખેલાડી નથી જેનું નામ આશ્ચર્યજનક છે. બ્રાઝિલની ક્લબમાં આવા ઘણા નામ છે, જેને જાણીને તમે ચોંકી જશો. લીગ સેરી Aમાં રમી રહેલા એક ખેલાડીનું નામ છે યોગો પિકાચુ, જે કાર્ટૂન શો પર આધારિત છે. એક ફૂટબોલર પણ આ લીગમાં ‘મોસ્કિટો’ એટલે કે મચ્છર નામથી રમે છે. અન્ય ફૂટબોલર, જ્હોન લેનન, સિલ્વ સાન્તોસનું નામ ગાયક ‘જ્હોન લેનન’ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સિવાય હોલિવૂડ એક્ટર માર્લોન બ્રાન્ડોના નામના ખેલાડીઓ પણ છે.

મહાત્મા ગાંધીએ 3 ફૂટબોલ ટીમ બનાવી હતી

વાસ્તવમાં મહાત્મા ગાંધીને રમતગમત સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ ઓલ ઈન્ડિયા ફૂટબોલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 1893 અને 1915 ની વચ્ચે દક્ષિણ આફ્રિકામાં તેમના રોકાણ દરમિયાન, તેમણે પેસિવ રજિસ્ટર ક્લબ માટે ત્રણ ટીમો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ તમામ ક્લબ જોહાનિસબર્ગ, પ્રિટોરિયા અને ડરબનમાં હાજર હતી. આ સિવાય મહાત્મા ગાંધીએ 1896માં ટ્રાન્સવાલ ઈન્ડિયન ફૂટબોલ એસોસિએશનની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.