Home Blog Page 1462

ઇઝરાયેલનો હિજબુલ્લા પર પલટવારઃ લેબેનોનમાં 100નાં મોત

યેરુસલેમઃ ઈઝરાયેલ અને હિજબુલ્લા વચ્ચેના ” પ્રલયકારી યુદ્ધ”થી મધ્ય-પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિજબુલ્લા પર ભીષણ હુમલો કર્યો છે. એમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં છે. જ્યારે 400 થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં હિજબુલ્લાના 300થી વધુ સ્થાનો નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.

લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી ઉત્સાહિત હિજબુલ્લાએ રવિવાર અને સોમવારે યેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો હતો.. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિજબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઊઠ્યું હતું. આ વિસ્ફોટો પછી લાગેલી આગમાં પત્તાંના મહેલની જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિજબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય-પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.

હિજબુલ્લા હુમલાના જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવાં ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિજબુલ્લા આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું હતું કે તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. હજી ઇઝરાયેલ હિજબુલ્લા પર ઘણા વધુ મોટા હુમલાઓ કરે એવી શક્યતા છે. હિજબુલ્લાએ તાજેતરના ઈઝરાયેલ હુમલામાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓના મોત બાદ બદલો લેવા માટે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 100 થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.

નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણો કયા નિયમોમા થયા છે ફેરફાર

સુરત: માં અંબાની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રિનો પાવન તહેવાર. નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યભરમાં આયોજકો અને ગરબા રસિકો તૈયારીઓમાં લાગી ગયા છે. આ સાથે પોલીસ તંત્ર પણ રાજ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને લોકોની સુરક્ષાની તૈયારીઓમાં લાગેલુ છે.

સુરત શહેરમાં નવરાત્રિના આયોજનને લઈ સુરત પોલીસે જાહેરનામું પાડ્યું છે. જેને લઈને સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલ પટેલે પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સોસાયટી અને પાર્ટી પ્લોટોમાં લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જો કે ઢોલ નગારા સાથે વાગતા ગરબા પર કોઈ ટાઈમ લિમિટ નથી. આ સાથે મહિલાઓની સુરક્ષા માટે શી-ટીમ ખાનગી પહેરવેશમાં અલગ અલગ જગ્યાઓએ તૈનાત રહેશે. વધુમાં તેમણે કહ્યું કે સુરક્ષા માટે ઘોડે સવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે. રાજકોટની ઘટના બાદ ડોમમાં નવરાત્રિના આયોજકોને તમામ સ્ટ્રક્ચર બાબતે તપાસ પછી મંજૂરી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 નવરાત્રિ આયોજકો એ મંજૂરી લીધી હતી. આ સાથે આ વર્ષે પણ 13 આયોજકોની આરજી મળ્યાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

આ ઉપરાંત બાઈક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે અને મોટી નવરાત્રિના આયોજનોમાં શી ટીમ ખાસ ફરજ બજાવશે. જો મોડી રાત્રે કોઈ મહિલા મુશ્કેલીમાં હોય તો તે ખાસ હેલ્પલાઈન નંબર પર ફોન કરીને મદદ માગી શક્શે અને પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવશે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ નવરાત્રિના નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.  નવરાત્રિના આયોજન માટે એક સ્પેશયલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત આયોજકોએ વીમો લેવો ફરજિયાત રહેશે. જ્યારે CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે અને ડોક્ટર, ઈમરજન્સીની સેવાઓની વ્યવસ્થા પણ કરવી પડશે તો ખાનગી જગ્યા, ભાડા કરાર સહિતની વિગતો પણ જરૂરી બનશે. ફૂડ સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી લેવી પણ ફરજિયાત કરવામાં આવી છે.

નાગા ચૈતન્ય તેના દાદા ANRની 100મી વર્ષગાંઠની અનોખી રીતે કરશે ઉજવણી

મુંબઈ: અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ (ANR) ની 100મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અન્નપૂર્ણા સ્ટુડિયોએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 31 શહેરોમાં દસ પ્રતિષ્ઠિત ફિલ્મો દર્શાવતા એક અવિસ્મરણીય શ્રદ્ધાંજલિ અર્પણ તૈયાર કરી છે. આ સ્ક્રિનિંગ્સમાં, ANRના સૌથી પ્રિય ક્લાસિકમાંથી એક પ્રેમ નગર (1971), 20મી સપ્ટેમ્બરના રોજ શાંતિ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં નાગા ચૈતન્ય વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે.

અક્કીનેની નાગેશ્વર રાવ, જેને પ્રેમપૂર્વક ANR તરીકે યાદ કરવામાં આવે છે, તે તેલુગુ સિનેમાની દુનિયામાં એક ટાઇટન છે, જે ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે પ્રખ્યાત છે. હૈદરાબાદમાં અન્નપૂર્ણા સ્ટુડિયોની સ્થાપનામાં તેમની અગ્રણી ભૂમિકાથી લઈને તેમના કાલાતીત પર્ફોર્મન્સ સુધી,જેણે કાયમી વારસો છોડ્યો છે, ANR એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પાયાને આકાર આપ્યો છે. ચેન્નાઈ (તે સમયનું મદ્રાસ) થી હૈદરાબાદમાં તેમનું સ્થળાંતર ટોલીવૂડ માટે એક નવા યુગને ચિહ્નિત કરે છે.

નાગા ચૈતન્યએ કહ્યુ કે, “હું આ ક્લાસિકને મોટા પડદા પર જોવા માટે ખરેખર ઉત્સાહિત છું. મોટા થયા પછી મને થિયેટરોમાં પ્રેક્ષકો સાથે મારા દાદાની ફિલ્મોનો અનુભવ કરવાનો મોકો ક્યારેય મળ્યો નથી, તેથી આ ખરેખર એક યાદગાર ક્ષણ છે. વાસ્તવમાં, આજની તારીખે પણ ઘણા ફિલ્મ નિર્માતાઓ ચર્ચા કરે છે કે આ ક્લાસિક્સમાં કેવી કથાઓ હતી. મોટા પડદા પર આ ફિલ્મોનો અનુભવ કરવો એ મારા માટે માત્ર મનોરંજન જ નથી, પણ એક પ્રકારનું શીખવાનું પણ છે. મારા દાદાની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આનાથી વધુ સારું શું હોય શકે.”

આ ભાવનાત્મક સફર માત્ર સિનેમેટિક માસ્ટરપીસની પુનઃપ્રાપ્તિ વિશે જ નથી પરંતુ એક એવા વ્યક્તિના વારસાને સન્માનિત કરવા વિશે પણ છે, જેમની દ્રષ્ટિએ ભારતીય સિનેમાના માર્ગને બદલી નાખ્યો. અન્નપૂર્ણા સ્ટુડિયો એ વિઝનના દીવાદાંડી તરીકે ઊભો રહ્યો છે, નવી પ્રતિભાને પોષી રહ્યો છે અને પેઢીઓથી પ્રેક્ષકો સાથે પડઘો પાડતી ફિલ્મો બનાવી રહી છે.

ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણ કરાવતા ત્રણ લોકો ઝડપાયા

અમદાવાદ: શહેરમાં ગેરકાયદે શંકાસ્પદ ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમર્શીયલ બિલ્ડીંગમાં ખ્રિસ્તી સમાજના પ્રાર્થના સભાના હોલમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૂળ હિન્દુ ધર્મના લોકોનું ગેરકાયદે ધર્માંતરણ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ મામલે અમદાવાદ પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી છે.

સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એલિસબ્રીજ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ધર્માંતરણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. ધર્માંતરણ થતા હોવાની આશંકાએ પોલીસે ઘટના સ્થળે રેડ કરી હતી. આ મામલે 26 લોકો ધર્માંતરણ માટે ભેગા થયાની માહિતી મળી હતી. આ ઉપરાંત પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, દર રવિવારે 26 લોકો પ્રાર્થના સભામાં આવતા હતા. જોકે, પોલીસે ગેરકાયદે ધર્માંતરણની શંકાના આધારે ત્રણ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ પોલીસે ખતરી પણ આપી છે કે આ ઘટના અંગે પુરતી તપાસ કરી ધર્માંતરણ કરેલા લોકોના ડોક્યુમેન્ટી પણ તપાસ કરવામાં આવશે.

સેન્સેક્સ, નિફ્ટી નવી ઊંચી ઓલટાઇમ ઊંચી સપાટીએ

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજીની આગેકૂચ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ હવે 85,000ની  અને નિફ્ટી 26,000ની સપાટી કુદાવવાની નજીક છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયો હતો. એ ઇન્ડેક્સ 60,700ના રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 4.29 લાખ કરોડનો વધારો થયો હતો.

અમેરિકી વ્યાજદરમાં કાપ, એશિયન બજારોમાં તેજી અને વિદેશ ફંડોની લેવાલીએ શેરોમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધી હતી. સેક્ટોરિયલ આધારે જોઈએ તો ઓટો, રિયલ્ટી અને PSU સેક્ટરોમાં તેજી થઈ હતી. PSU બેન્કોમાં ચાર ટકાની તેજી થઈ હતી.

BSE સેન્સેક્સ 384 પોઇન્ટ ઊછળી 84,928.6ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 148.10 પોઇન્ટ ઊછળી 25,939.05ની રેકોર્ડ ઊંચાઈ બંધ આવ્યો હતો. નિફ્ટી બેન્ક 54,106ના સ્તરે પહોંચ્યો હતો. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર FIIએ શુક્રવારે ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 14,065.05 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે DIIએ ચોખ્ખા વેચવાલ રહ્યા હતા. તેમણે રૂ. 4427.08 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. BSE એક્સચેન્જ પર કુલ 4233 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2387 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1725 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 121 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 345 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 275 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

KBCમાં બિગીએ જૂના દિવસો યાદ કર્યા,કહ્યું- “કભી કભી જોશ મેં હમ…”

મુંબઈ: સોની ટીવીનો આઇકોનિક ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સિઝન ધૂમ મચાવી રહી છે. બૉલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતા આ શોમાં સંગીતના મહારથીઓ શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ એક ખાસ એપિસોડમાં મહેમાન બન્યાં. ભારતીય સંગીતમાં જેમનું અસાધારણ યોગદાન છે એવી સંગીતની આ જોડીએ અમિતાભ બચ્ચન સાથે ભાવનાત્મક વાર્તાલાપમાં કર્યો. આ સાથે જ બિગ બીએ પણ તેમના શૂટિંગના જૂના દિવસોની યાદ તાજી કરી.

અમિતાભ બચ્ચને ફિલ્મ કભી કભી (1976) ના ગીત “પલ દો પલ કા શાયર હૂં” વિશે વાત કરી અને કહ્યું,”ફિલ્મમાં તમે ગીતમાં જે અવાજ સાંભળ્યો છે, તે મારો અવાજ છે. તેમણે એ પણ કહ્યું કે પહેલા દિવસનું શૂટિંગ કાશ્મીરની એક હોટલના હોલમાં થયું હતું. આ દરમિયાન સોનુ નિગમે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે દીવારના ચોક્કસ દ્રશ્યો ક્યાં ફિલ્માવવામાં આવ્યા હતા? જેના જવાબમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે મોટાભાગની ફિલ્મ મુંબઈમાં શૂટ કરવામાં આવી હતી. તેમજ તેમણે દીવારના એક્શન-પેક્ડ સિક્વન્સ અને કભી કભીના રોમેન્ટિક સીનના શિડ્યુલને સ્વિચ કરવાના પડકાર વિશે વાત કરી. બિગ બિ એ દરમિયાન એકસાથે એક કરતાં વધુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. સ્વર્ગસ્થ યશ ચોપરાએ તેમના વ્યસ્ત શેડ્યૂલ અને એક સેટથી બીજા સેટ પર પહોંચી જે-તે પાત્રને તરત અપનાવી લેવાને પ્રોત્સાહિત કર્યા હતાં. જ્યારે સોનુએ તેની મલ્ટીટાસ્કીંગ કુશળતા પર હોસ્ટની પ્રશંસા કરી ત્યારે બિગ બીએ સ્મિત કર્યું અને કહ્યું, “કભી કભી જોશ મેં હમ લોગ બહોત કુછ કર દેતે હૈં.”

અમિતાભ બચ્ચને દીવારના તેમના એક મનપસંદ દ્રશ્યો પણ શેર કર્યા, તે ભાવનાત્મક ક્ષણ જ્યાં આઇકોનિક સંવાદ “આજ ખુશ તો બહોત હોગે તુમ” બોલવામાં આવ્યો હતો અને સ્વીકાર્યું કે તેને પરફેક્ટ બનાવવા માટે આખો દિવસ લાગ્યો હતો. આ જ ફિલ્મ વિશે તેમણે ફિલ્મમાં મૃત્યુના દ્રશ્ય સાથે સંબંધિત એક વિચિત્ર સ્મૃતિને યાદ કરી હતી, જ્યાં શૂટિંગ દરમિયાન તેમના પાત્ર વિજય વર્માના જીવનનો અંત આવ્યો ત્યારે સેટ પરની ઘડિયાળમાં રહસ્યમય રીતે બેલ વાગી, જોકે આવું થવું એ સીનનો ભાગ નહોતું.

કીમ-કોસંબા રેલવે ટ્રેક ઉથલાવવા મામલે થયો મોટો ઘટસ્ફોટ

સુરત: થોડા સમય પહેલા કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઈ સુરત પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસમાં આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરત કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરમાં રેલવે કર્મચારી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રેલકર્મીએ જ પેડલોક ઉંચકાવ્યા હોવાની માહિતી મળી રહી છે. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે, વરોલી વાંકથી કીમ જતા ટ્રેકના ફિશ પ્લેટ ખોલીને પાટા પર મુકવામાં આવી હતી. સાથે જ બોલ્ટ પણ મુકવામાં આવ્યા હતા. જો કે, રેલવે કર્મચારીની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ ઘટનાની તપાસમાં પોલીસની સાથે NIA પણ જોડાઈ હતી.

તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 5 વાગ્યે આસપાસ સુરતના કીમ કોસંબા રેલવેના પાટા પર જોગલ ફિશ પ્લેટ અને એસારસી પેડ લોક ખાલી અપલાઈન પર મૂકી દેવાની ઘટના સામે આવી હતી. આ ઘટના અનુસંધાને કીમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ સુરત ગ્રામ્ય SOGને સોંપાઈ હતી. LCB, SOG, પેરોલ તથા લોકલ પોલીસ સ્ટેશન અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનની અલગ અલગ મુખ્ય 5 ટીમો અને બીજી 16 ટીમ કામે લાગી હતી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસ ગ્રીડ સર્ચ કરાવતા કોઈ ગુનાને લગત ચીજવસ્તુ મળી ન હતી. કંઈ શંકાસ્પદ ન મળતા ટીમને રેલવે ટ્રેકમેન પર શંકા ગઈ હતી. સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને જયસ્વાલની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનો પોપટની જેમ કબૂલ્યો હતો. જેમાં સુભાષે બંને સાથીદારોને નાઈટ રાઉન્ડ લંબાઈ જાય અને એવોર્ડ મળે એવી વાત કરીને જાતે જ જોગલ ફિશ પ્લેટ અને એઆરસી પેડ લોક ખોલી અપ ટ્રેક પર મૂકી દીધા હતા. સુભાષે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી અને ફોટો પાડી તમામને ગુમરાહ કરવાના ગુનાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રમોશન મેળવવા માટે તેણે આ યોજના બનાવી હતી. રેલવે કર્મચારી સુભાષે આખું ષડયંત્ર રચ્યું હતું.

આમ, 48 કલાકની અંદર સતત ફિલ્ડ અને ટેક્નિકલ આધારે ગુનો ડિટેક્ટ કરાયો હતો. ત્રણેય આરોપી રેલવે કર્મચારીઓ છે. અટકાયત 3 પૈકી એક કોન્ટ્રાક્ટ કર્મચારી છે. સુભાષ પોદ્દાર પોતે જ ઘટનાનો ફરિયાદી હતો. આરોપી સુભાષને પ્રમોશન જોઈતું હતું તેવો ખુલાસો સુભાષના સહકર્મચારીઓ દ્વારા કરાયો. રેલવેમાંથી ઈનામ મેળવવા, પ્રમોશન મેળવવા અને રજા માટે, સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુઅંસ માટે ષડ્યંત્ર રચ્યું હતું. રેલવેમાં આવા ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું.

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો યુઝર્સનો થશે મોહભંગ

નવી દિલ્હીઃ દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નું ચલણ ઝડપથી વધ્યું છે. નાના-નાના પેમેન્ટ કરવા માટે લોકો UPI એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટા ટ્રાન્ઝેક્શન હોય કે મની ટ્રાન્સફર કરવા માટે જનતાની પહેલી પસંદ UPI છે દેશમાં UPI ટ્રાન્ઝેક્શન મૂલ્ય છેલ્લા પાંચ મહિનામાં FY24-25માં 1669 લાખ કરોડે પહોંચ્યું છે.   એને કારણે પેમેન્ટ એના દ્વારા પેમેન્ટ કરવાનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, પણ હવે UPI દ્વારા પેમેન્ટ કરવા પર ચાર્જ લાગે એવી શક્યતા છે, એમ સૂત્રો કહે છે.

હાલના સમયમાં ચાની ટપરીથી માંડીને શાકભાજીની દુકાન સુધી દરેક જગ્યાએ UPI સ્કેનર લાગેલું હોય છે. જો UPI દ્વારા પેમેન્ટ પર ચાર્જ લગાવવામાં આવશે તો 75 ટકા યુઝર્સ UPIનો ઉપયોગ બંધ કરી દેશે, એમ લોકલસર્કલ્સનો એક સર્વે કહે છે. 38 ટકા યુઝર્સ 50 ટકા પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે કોઈ અન્ય ડિજિટલ માધ્યમને બદલે UPI દ્વારા કરે છે. માત્ર 22 ટકા UPI યુઝર્સ ચુકવણી પર ચાર્જ ચૂકવવા તૈયાર છે, જ્યારે 75 ટકા લોકોએ કહ્યું હતું કે જો લેવડદેવડ ચાર્જ લગાવવામાં આવશે તો તેઓ UPIનો ઉપયોગ બંધ કરી દેશે. આ સર્વેમાં 325 જિલ્લાથી 44,000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વે જુલાઈથી સપ્ટેમ્બર, 2024ના મધ્ય સુધી કરવામાં આવ્યો હતો, જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.

આ સર્વેમાં સામે આવ્યું હતું કે UPIનો 10માંથી આઠ જણ ઉપયોગ કરે છે. હવે જો કોઈ પણ રીતે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવામાં આવશે તો એનો ઉગ્ર વિરોધ થશે.

 

PM મોદીમાં હવે પહેલા જેવી વાત નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પુંછમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આજે વિપક્ષ જે કરવા માંગે છે તે થાય છે. મોદી સરકાર કાયદો લાવે છે, અમે તેમની સામે ઊભા છીએ, પછી તેઓ યુ-ટર્ન લે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીનો આત્મવિશ્વાસ ખતમ થઈ ગયો છે. અમે તેમનું મનોવિજ્ઞાન તોડી નાખ્યું છે. પીએમ મોદી હવે પહેલા જેવા નથી રહ્યા. અમે પીએમ મોદીને માનસિક રીતે તોડી નાખ્યા છે.

ભાજપ-આરએસએસના લોકો દેશમાં હિંસા ફેલાવે છે

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપ-આરએસએસના લોકો દેશભરમાં નફરત અને હિંસા ફેલાવે છે. તેઓ દેશભરમાં ભાઈને ભાઈ સાથે લડાવે છે. તેમની રાજનીતિ પણ નફરતની છે. આપણે બધા જાણીએ છીએ કે નફરતથી નફરતને નાબૂદ કરી શકાતી નથી. પ્રેમથી જ નફરતનો અંત આવી શકે છે.

નફરતના બજારમાં પ્રેમની દુકાન

રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. એક તરફ નફરત ફેલાવનારા લોકો છે તો બીજી બાજુ પ્રેમની દુકાનો ખોલનારા લોકો છે. અમે કન્યાકુમારીથી કાશ્મીર અને પછી મણિપુરથી મહારાષ્ટ્ર ચાલ્યા. તેનો સંદેશ એક જ હતો – નફરતથી કોઈને ફાયદો થતો નથી. તેથી જ આપણે નફરતના દરેક બજારમાં પ્રેમની દુકાન ખોલી છે.

હમાસના નવા ચીફ સિનવારનો પણ ખાતમો !

ઇઝરાયેલ હમાસ યુદ્ધ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લેનાર ઇઝરાયેલ ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલે ગાઝાને ખંઢેરમાં ફેરવી દીધું છે. હમાસના સેંકડો લડવૈયાઓને મારનાર ઈઝરાયેલી સેનાએ ઈરાનમાં તેના ભૂતપૂર્વ ચીફ ઈસ્માઈલ હનીયેહને પણ મારી નાખ્યો છે.

શું હમાસના નવા વડા સિનવરની હત્યા કરવામાં આવી હતી?

હવે ઈઝરાયેલે ગઈ કાલે હમાસની એક સ્કૂલને નિશાન બનાવી હતી, જેમાં 20થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ હુમલામાં હમાસનો નવો ચીફ યાહ્યા સિનવાર પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. ઈઝરાયેલના મીડિયા અનુસાર ઈઝરાયેલના પીએમ નેતન્યાહુ પોતે પણ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી.