Home Blog Page 1480

ગુજરાત મુલાકાત : PM મોદી અમદાવાદ પહોંચ્યા

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. જ્યાં તેઓ ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ તેઓ વડસર એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે તેઓ ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. સેન્ટરની મુલાકાત બાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જશે.

આજથી ગુજરાતમાં 17 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર-અમદાવાદ મેટ્રો, વન્દે ભારત મેન્ટ્રો ઉપરાંત મહાત્મા મંદિર ખાતે રિન્યુએબલ એનર્જી એક્સપોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ તેઓ વિવિધ લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.

વિવિધ બેઠકો યોજાશે

PM મોદી આજે ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.

 

શું સુનિતા કેજરીવાલ બની શકે છે દિલ્હીના CM ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે દિવસ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને ભારે હલચલ મચાવી દીધી છે. કેજરીવાલની આ જાહેરાત સાથે જ નવા મુખ્યમંત્રીને લઈને અટકળોએ જોર પકડ્યું છે. કેજરીવાલે કહ્યું કે આગામી 2-3 દિવસમાં ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. તેમણે કોઈનું નામ ન લીધું, પરંતુ તે ‘આમ આદમી પાર્ટી’માંથી હશે તેમ કહીને બધા માટે દરવાજા ખોલી દીધા. રાજકીય નિષ્ણાતો નોંધી રહ્યા છે કે કેજરીવાલે એવું નથી કહ્યું કે નવા સીએમ ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી હશે. આવી સ્થિતિમાં કેજરીવાલની પત્ની સુનીતાનું પણ રેસમાંથી બહાર થવાનું માનવામાં આવી રહ્યું નથી.

આતિશી અને સુનિતાના નામ સૌથી વધુ ચર્ચામાં

નવા સંભવિત મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને દિલ્હી સરકારના મંત્રી આતિશીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જોકે, કેટલાક અન્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત અને ગોપાલ રાયના નામ પણ રેસમાં છે. પરંતુ પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે હવે સીએમની ખુરશી પર મહિલા બિરાજમાન થાય તેવી પ્રબળ સંભાવના છે.

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતાએ જે રીતે કાર્યભાર સંભાળ્યો છે તેના કારણે તેમના મુખ્યમંત્રી બનવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. કેજરીવાલની ગેરહાજરીમાં તે પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવી. તેમણે માત્ર ચૂંટણી પ્રચારમાં જ આગેવાની લીધી ન હતી પરંતુ ધારાસભ્યોની બેઠકો પણ કરી હતી અને તેમના કામ માટે નિર્દેશન પણ કર્યા હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ બાદ સુનીતા સીએમ બનવાની ઘણી વાતો ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે બિહારમાં જીતનરામ માંઝી અને ઝારખંડમાં ચંપાઈ સોરેનના ઉદાહરણમાંથી શીખ્યા બાદ કેજરીવાલ એવા વ્યક્તિને ખુરશી સોંપવા ઈચ્છશે કે જેના પર તેઓ આંધળો વિશ્વાસ કરી શકે. એક દલીલ એવી પણ કરવામાં આવી રહી છે કે કેજરીવાલ અને સિસોદિયા પછી પાર્ટીની બીજી હરોળમાં એવા ઘણા નેતાઓ છે જેમની મહત્વાકાંક્ષા સીએમ પદની હશે. એકને સીએમ બનાવ્યા બાદ અન્ય નેતાઓમાં અસંતોષ જોવા મળી શકે છે, પરંતુ સુનિતા કેજરીવાલને સત્તામાં બેસાડવાથી આ જોખમ ઊભું નહીં થાય. પાર્ટીએ તેની ટ્રાયલ પહેલેથી જ લીધી છે. કેજરીવાલ જેલમાં ગયા બાદ આખો પક્ષ સુનીતા સાથે ઉભો જોવા મળ્યો હતો.

રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી દીધી છે. ત્યારે ફરી એકવખત ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની શકયતા છે. 15 સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી વરસાદની સિસ્ટમોના કારણે વરસાદ આવવાની સંભાવના છે. આ સાથે જ 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેમજ હવામાન વિભાગે વરસાદને આગાહી કરી છે કે રાજયમાં અગામી સમયમાં અને આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ગરમીનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. અમદાવાદમાં તાપમાન 33.4 ડિગ્રી નોંધાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ અગામી સમયમાં આ સિસ્ટમ સક્રિય પણ થઈ શકે છે.

કેજરીવાલ પછી દિલ્હીના CM કોણ ? આ નામો પર થઈ શકે છે ચર્ચા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેમની જાહેરાતના કારણે રાજધાનીના રાજકીય તાપમાનમાં ઘણો વધારો થયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ બે દિવસ પછી તેમના પદ પરથી રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે.

સીએમ કેજરીવાલે કહ્યું, હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. હું મુખ્યમંત્રી બનીશ અને સિસોદિયા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી બનશે જ્યારે લોકો કહેશે કે અમે પ્રમાણિક છીએ. સીએમ કેજરીવાલના નિવેદનથી સ્પષ્ટ છે કે મનીષ સિસોદિયા સીએમ પદની રેસમાં નથી. કેજરીવાલના નિવેદન પર સિસોદિયાએ X પર લખ્યું, મેં ઈમાનદારીથી કામ કર્યું પરંતુ મામૂલી રાજકારણના ભાગરૂપે મારા પર ખોટા આરોપો લગાવીને મને બેઈમાન સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો – ખોટા આરોપમાં મને 17 મહિના જેલમાં રાખવામાં આવ્યો. બે વર્ષની કાનૂની પ્રક્રિયા બાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે જાઓ અને તમારું કામ કરો. પરંતુ હું અત્યારે નાયબ મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું અહીં ખુરશી અને હોદ્દાના લોભ માટે રાજકારણમાં આવ્યો નથી.

સૂત્રોએ જણાવ્યું કે હવે સીએમની રેસમાં આતિષીનું નામ સૌથી આગળ છે. ધારાસભ્ય દળની બેઠકમાં સૌરભ ભારદ્વાજના નામ પર પણ ચર્ચા થઈ શકે છે. સમગ્ર ઘટના પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે એક્સાઇઝ પોલિસી મામલે નિર્ણય 20 વર્ષમાં પણ નહીં આવે. એક પણ પૈસો જપ્ત કરાયો નથી. અસત્યનો પહાડ ઉભો કરવામાં આવ્યો. તેથી જ અમે જનતાની અદાલતમાં જઈ રહ્યા છીએ. અમે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં ચૂંટણી કરાવવાનું કહ્યું છે. ચૂંટણી વહેલા થાય તો શું વાંધો છે? તેમણે કહ્યું કે સીએમ પદ અંગેનો નિર્ણય વિધાનમંડળની બેઠકમાં જ લેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે પોતે સ્પષ્ટ કર્યું છે. આતિશીના ચહેરા પર સંજય સિંહે કહ્યું કે ધારાસભ્ય દળની બેઠક થવા દો, કેજરીવાલ અમારા નેતા છે અને તેઓ નિર્ણય કરશે.

આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્ય મુખ્યમંત્રી પદ પર કેમ બેસશે? તેઓ બેસી જશે કારણ કે દિલ્હીમાં વહેલી તકે ચૂંટણી કરાવીને તેમને મુખ્યમંત્રી કેવી રીતે બનાવી શકાય અને તે અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ શકે. આજે, 10 દિવસ, 15 દિવસ, 2 મહિના તે ખુરશી પર કોણ બેસે છે તેનાથી કોઈ ફરક પડતો નથી, તેની કોઈ કિંમત નથી. જનતા ફરી એ ખુરશી કેજરીવાલને આપવા જઈ રહી છે.

સીએમ કેજરીવાલના રાજીનામાના આશ્ચર્ય પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે સીએમ કેજરીવાલ પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે તેઓ ફાઇલ પર સહી કરી શકતા નથી. તેમણે બે દિવસનો સમય લીધો છે કારણ કે તેઓ ધારાસભ્યોને કહેવા માંગે છે કે તેઓ તેમની પત્નીને મુખ્યમંત્રી બનાવે. તેઓ દિલ્હીના લોકો પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું કે તેઓ કેજરીવાલના રાજીનામાનું સ્વાગત કરશે, પરંતુ મને સમજાતું નથી કે તેઓ બે દિવસની રાહ કેમ જોઈ રહ્યા છે. દિલ્હીના લોકો જ્યારે ચિંતિત હતા અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા ત્યારે બે, ચાર કે પાંચ મહિના પહેલા આ જ નિર્ણય લેવામાં આવ્યો હોત તો મને આનંદ થયો હોત.

અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. CBI કેસમાં સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. ઈડીએ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી તેમને લોકસભા ચૂંટણી સમયે 21 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા. ત્યારથી મુખ્યમંત્રી જેલમાં છે. CM કેજરીવાલની મુક્તિથી આમ આદમી પાર્ટી (AAP)ને નવી ઉર્જા મળી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સીએમ કેજરીવાલ પ્રચાર કરી શકે છે. જો કે રાજીનામા અંગે કોંગ્રેસનું કહેવું છે કે તેની અસર હરિયાણાની ચૂંટણી પર નહીં પડે.

સીએમ કેજરીવાલના રાજીનામાની જાહેરાતથી સ્પષ્ટ છે કે AAP ચૂંટણી મોડમાં આવી ગઈ છે અને દિલ્હી ચૂંટણીની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આતિશીએ કહ્યું કે ભાજપ ચૂંટણી ઇચ્છતી નથી કારણ કે તેઓ જાણે છે કે દિલ્હીના લોકો આ ગુસ્સો તેમના મતમાં વ્યક્ત કરશે. જો આજે ચૂંટણી થશે તો દિલ્હીની જનતા ભાજપને એક પણ બેઠક નહીં આપે. આમ આદમી પાર્ટીને 70માંથી 70 સીટો મળશે.

કેજરીવાલે CM પદ પરથી રાજીનામું આપવાની કરી જાહેરાત

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. AAP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે હું આજથી બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. કેજરીવાલ પ્રામાણિક છે એવો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું દિલ્હીની જનતાના આદેશ પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.

મારા સ્થાને અન્ય કોઈ સીએમ હશેઃ અરવિંદ કેજરીવાલ

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. તેમણે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા જનતાની વચ્ચે જઈશું. દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. મારી જગ્યાએ બીજા કોઈ સીએમ હશે. આગામી સીએમની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.


અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘તેઓએ (ભાજપ) બીજી એક નવી ફોર્મ્યુલા બનાવી છે જ્યાં તેઓ ચૂંટણી હારે, ત્યાંના મુખ્ય પ્રધાનને ખોટો કેસ દાખલ કરીને ધરપકડ કરો અને તેમની સરકારને ગબડી નાખો. તેઓએ સિદ્ધારમૈયા, પિનરાઈ વિજયન, મમતા દીદી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. તેઓ એક વિપક્ષી મુખ્યમંત્રીને પણ છોડતા નથી, તેઓ દરેક સામે ખોટા કેસ કરે છે, જેલમાં નાખે છે અને સરકારને ઉથલાવી નાખે છે.

રાહુલ ગાંધી દેશના નંબર-1 આતંકવાદી, કેન્દ્રીય મંત્રીનું વિવાદિત નિવેદન

કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. બિટ્ટુએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી ગણાવ્યા છે. કેન્દ્રીય મંત્રી બિટ્ટુએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ શીખોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે, શીખો કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી અને આ એક ચિનગારી ઉભી કરવાનો પ્રયાસ છે, રાહુલ ગાંધી દેશના નંબર વન આતંકવાદી છે.’

PM મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 તારીખ બપોર બાદ ગુજરાત આવશે. જેમાં અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે સીધા વડસર એરફોર્સ સ્ટેશન જશે.

વડસર સ્ટેશન ખાતે તૈયાર થયેલ નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. પીએમ મોદી સાંજે 6 વાગે રાજ ભવન આવશે. જેમાં વડાપ્રધાનનો રાત્રિ રોકાણ રાજ ભવન ખાતે રહેશે. રાત્રે રાજ ભવન ખાતે અલગ-અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસમાં 16 સપ્ટેમ્બરના રોજ વધુ એક કાર્યક્રમ નિશ્ચિત થયો છે. જેમાં પીએમ મોદી સુર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થિઓ સાથે ચર્ચા કરશે.

ગાંધીનગરના લાભાર્થિઓ સાથે પીએમ ચર્ચા કરશે. લાભાર્થિઓ સાથે ચર્ચા બાદ સવારે 10.30 કલાકે રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. બપોરે 1.45 કલાકે અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાઓની શરૂઆત કરાવશે. તેમજ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી પીએમ મોદી મેટ્રોમાં મુસાફરી કરશે. તથા સાંજે ૩.૩૦ વાગે અમદાવાદમાં રૂપિયા 8 હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. તથા પીએમ મોદી 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ઓડીશા પ્રવાસે જશે.

મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણની નિર્દોષ જીવ પ્રત્યે કરુણા શું સુચવે છે?

ટીટોડી ચકલી જેવું એક નાનકડું નિર્દોષ પક્ષી. એણે કુરુક્ષેત્રના રણમેદાન નજીક માળો બાંધ્યો. માનવો વચ્ચે ચાલતા ભીષણ યુદ્ધથી આ નિર્દોષ પક્ષી બિચારું અજાણ હતું. બીજા દિવસે સૂર્યોદય થયો. યુદ્ધનો આરંભ થયો. ભગવાન શ્રીકૃષ્ણની નજર આ માળા તરફ ગઈ. એમનું દિલ કરુણાથી છલકાઈ ઉઠ્યું. (છે ને વિરોધાભાસ?) તેઓ ઝડપથી છલાંગ મારી રથમાંથી નીચે ઉતર્યા. એક હાથીના ગળામાં બાંધેલો મોટો ઘંટ છોડીને એના થકી એમણે પેલા ઈંડાં ઢાંકી દઈ સુરક્ષિત કરી દીધા. વળી પાછો એ દિવસનો સૂર્યાસ્ત થયો. શ્રીકૃષ્ણે પેલા ટીટોડીના બચ્ચાં જ્યાં હતાં તે તરફ જોયું. બહાર પેલું નિર્દોષ પક્ષી, એમની મા હશે કદાચ, કલ્પાંત કરી રહી હતી. એનાં કલ્પાંતના સૂર આકાશ વીંધીને ઉપર ઉઠી ગયા હતા. શ્રીકૃષ્ણને ખ્યાલ હતો કે ઘંટ નીચે મૂકેલાં ઈંડાં સલામત હતાં. એમણે હળવા પગલે જઈ પેલો ઘંટ ઉપાડી લીધો અને ટીટોડીને એનો માળો સલામત મળી ગયો.

આવા ભીષણ યુદ્ધ વચ્ચે પણ એક નાનકડા નિર્દોષ જીવની કાળજી કરવાનો ઉપદેશ ગીતાજ્ઞાન આપે છે. ગાઝાપટ્ટીમાં અત્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એક લાખ કરતાં વધુ નિર્દોષ લોકો જેમાં ૭૦ ટકા કરતાં વધુ સ્ત્રીઓ અને બાળકો છે, હોમાઈ ગયા છે. એમનો કોઈ વાંક ખરો?

પણ નેત્યાનાહુને શ્રીકૃષ્ણ જેવો સારથી નથી મળ્યો, નહીં તો આ નિર્દોષોનો સંહાર થયો ન હોત. ગીતા આ શીખવાડે છે. લડો, યુદ્ધો અનિવાર્ય છે, આદિ-અનાદિ કાળથી થતા રહ્યા છે પણ એ યુદ્ધો એ રીતે લડાવા જોઈએ કે જેમાં એક પણ નિર્દોષ વ્યક્તિને કોઈ પણ નુકસાન વેઠવું ના પડે.

નાનામાં નાના જીવ ટીટોડીની ભગવાન ચિંતા કરે છે, જ્યારે અહીંયા સ્ત્રીઓ અને બાળકોની કત્લેઆમ થાય છે, એટલું જ નહીં પણ એમને ખોરાક-પાણી વગર, મેડિકલ સહાય વગર, તડપાવી તડપાવીને ઘાતકી રીતે મારી નખાય છે.

આવું જ કાંઈક રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે. આવું જ કાંઈક સુદાન અને મ્યાનમારમાં ચાલી રહ્યું છે. મહાભારત યુદ્ધ હતું, મહાભયાનક યુદ્ધ હતું પણ એમાં કરુણા સાવ મરી નહોતી પરવારી. આજના યુદ્ધ શત્રુની બરબાદીના એકમાત્ર લક્ષ્ય સાથે લડાય છે. એમાં પેલા ટીટોડીના બચ્ચાંની ચિંતા કોણ કરે ભલા?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

BJP નેતા અનિલ વિજે કર્યો CM પદનો દાવો

ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અનિલ વિજે રવિવારે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કર્યો છે. પોતાની વરિષ્ઠતા દર્શાવતા અનિલ વિજે પાર્ટી પાસેથી સીએમ પદની માંગ કરી હતી. અનિલ વિજે કહ્યું કે હું હરિયાણામાં ભાજપનો સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છું. હું છ વખત ચૂંટણી લડ્યો છું. મેં પાર્ટી પાસેથી ક્યારેય કંઈ માંગ્યું નથી. પરંતુ લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે સીએમ પદ માટે દાવો કરીશ.

અનિલ બિજે કહ્યું કે હું જ્યાં પણ ગયો છું ત્યાં બધા મને કહે છે કે તમે સિનિયર મોસ્ટ છો તો તમે સીએમ કેમ ન બન્યા? આવી સ્થિતિમાં લોકોની માંગ પર આ વખતે હું મારી સિનિયોરિટીના આધારે મુખ્યમંત્રી બનવાનો દાવો કરીશ. જો સરકાર બનશે અને પાર્ટી મને સીએમ પદ આપશે તો હું હરિયાણાનું ભાગ્ય અને ચિત્ર બંને બદલી નાખીશ.

જો કે, વિજે કહ્યું કે આ નિર્ણય ‘હાઈ કમાન્ડ’ના હાથમાં છે. તેમણે કહ્યું કે તેઓ મને સીએમ બનાવવા માંગે છે કે નહીં, તે હાઈકમાન્ડના હાથમાં છે. તમને જણાવી દઈએ કે અનિલ વિજ અંબાલા કેન્ટ વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર છે. તેઓ મનોહર લાલ ખટ્ટર સરકાર દરમિયાન હરિયાણાના ગૃહ પ્રધાન હતા અને તાજેતરના ફેરબદલ જેમાં નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમને કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

કૅન્સર એટલે કેન્સલ એવું હવે માનશો નહીં

કૅન્સર વિષે જે કાંઈ તમે જાણો છો તેમાં રોજેરોજ નવી નવી માહિતી ઉમેરાતી જાય છે. Medical science અને ચિકિત્સાના અને નિદાનના ઉપકરણોમાં નવા નવા સંશોધનોને કારણે થયેલો અદ્ભુત વિકાસ આને માટે જવાબદાર છે. એટલા માટે જ કૅન્સર એટલે કેન્સલ એવી માન્યતા આજથી 20 વર્ષ પહેલાં હતી તેમાં અપવાદ બાદ કરતાં એ માન્યતા હવે ખોટી સાબિત થઈ છે અને અસાધ્ય અને કષ્ટસાધ્ય મનાતા માનવશરીરનો નાશ કરનારા કૅન્સર હવે થતાં અટકાવી શકાય છે, થયેલા હોય તો એને વધી ગયેલા કેન્સરને ૯૮ ટકા કિસ્સામાં કાબૂમાં લઈ શકાય છે. થોડી વધારે વિગતો આના સંદર્ભમાં જોઈએ.

કૅન્સર કેવી રીતે થાય છે?:

અગમ્ય કારણોસર વ્યક્તિને વારસામાં મળેલા જીન્સમાં કોઈ ક્ષતિવાળું Gene આવી જાય ત્યારે અથવા કૅન્સર ઉત્પન્ન કરનાર તત્ત્વો (Carcinogen) તમારા શરીરમાં દાખલ થઈ ગયા હોય ત્યારે ક્રમશઃ જે કોષના ભાગ થઈને શરીરની વૃદ્ધિ થતી હોય તેમાં ઘણી તકલીફ પડે. આપણે શ્વાસોચ્છ્વાસમાં જે હવા લઈએ છીએ, જે પાણી અને પ્રવાહી પણ આપણે પીએ છીએ અને જે ખોરાક આપણે ખાઈએ છીએ, તેમાં અને આપણી શરીરની ચામડીના સંપર્કમાં આવનારા વાતાવરણમાંથી જે કોઈ કેન્સર ઉત્પન્ન કરનાર તત્ત્વો (Carcinogen) શરીરમાં દાખલ થાય તેની સામે રક્ષણ કરવાની શક્તિ કુદરતી રીતે આપણા શરીરમાં હોય છે. આને રોગપ્રતીકારક શક્તિ (ઇમ્યુનીટી) કહેવાય.

કોઈ પણ કારણસર આ શક્તિ ઓછી થઈ જાય ત્યારે આ Carcinogen કોષમાં દાખલ થઈને મોટી ગરબડ ઊભી કરી દે. આ રીતે Carcinogenથી દૂષિત થયેલ કોષ પોતાની સ્વાભાવિક રીતે વધવાને બદલે અસ્વાભાવિક રીતે ખૂબ જલદીથી Genetic માહિતીથી વિરુદ્ધ વધવા માંડે (Dysplasia/ Hyperplasia). આ દૂષિત થયેલો કોષ ખૂબ ઝડપથી કે ધીમેથી વધે અને આજુબાજુના તંદુરસ્ત કોષને પણ નુકસાન કરે અને જ્યારે વધેલા દૂષિત કોષ ગાંઠ ઉત્પન્ન કરે ત્યારે કૅન્સર થયું કહેવાય. દૂષિત કોષની વૃદ્ધિ વખતે આ પ્રોસેસને તમારા શરીરને રોગપ્રતીકારક શક્તિ વડે બંધ કરી શકાય અને ધીમો પણ પાડી શકાય.

કેટલાંક એવા તત્ત્વો છે જેને ‘INHIBITORS’ એટલે કે કેન્સરના રોગની વધવાની શક્તિને ધીમી પાડી દે છે. જ્યારે કેટલાક બીજા એવા તત્ત્વો છે જેને “PROMOTORS’ એટલે કે કેન્સરના રોગની વધવાની શક્તિને ઝડપી બનાવે છે. આખી દુનિયામાં કૅન્સરના સંશોધનમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને કારણે આપણને આટલી વાતોની ખબર પડી છે:

(૧) વધારે ચરબીવાળો ખોરાક ‘પ્રોમોટર્સ’ વિભાગમાં આવે છે એટલે કે તેનાથી કેન્સર વધવાની કે થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

(૨) વિટામિન અને મિનરલ્સ વધારે મળે તેવા તાજા ફળો અને કાચા શાકભાજી તેમજ ઉગાડેલા કઠોળ અને દૂધનો ખોરાક ‘ઈનહીબીટર્સ’ના વિભાગમાં આવે છે જેનાથી કેન્સર થવાની શક્યતા બિલકુલ રહેતી નથી.

અલબત્ત, આની સાથે Life Style (જીવનશૈલી) કેવી છે તે પણ જાણવાની જરૂર છે. આપણા રોજિંદા ખોરાકમાં રહેલા અનેક પ્રકારના પ્રોમોટર્સ અને ઈનહીબીટર્સની હાજરીને લીધે હવે સંશોધન કરનારા એવા નિર્ણય ઉપર આવ્યા છે કે જો તમે ફક્ત ખોરાકનું જ આયોજન બરોબર કરી તો કૅન્સર ના થાય અને ગમે તેવો ખોરાક ખાઓ તો ગમે ત્યારે કેન્સર થઈ શકે.

ખોરાક સિવાય તમાકુ ખાવાની કે સિગારેટ પીવાની ટેવ અને દારૂ પીવાની ટેવ, હવાનું પ્રદૂષણ અને તમારી નોકરી કે ધંધાનું ટેન્શન પણ કૅન્સર થવામાં અગત્યનો ભાગ ભજવે છે.

તમને પોતાને કૅન્સર ના થાય માટે તમે શું કરશો ?

(૧) પૌષ્ટિક ખોરાક જેમાં ફળો, કાચા શાકભાજી, દૂધ અને ઉગાડેલા કઠોળ લેવાનું રાખો.

(૨) સિગારેટ પીવાનું, તમાકુ ખાવાનું અને દારૂ પીવાનું તદ્દન બંધ કરો.

(૩) તડકાથી તમારી ચામડીનું રક્ષણ કરો.

(૪) તમારા સંપર્ક અને સંસર્ગમાં (ચામડીના) જેનાથી કેન્સર થાય તેવા પદાર્થના આવે તેનું ધ્યાન રાખો.

(૫) તમે સ્ત્રી હો અને 45 વર્ષની ઉપરના હો તો Mamography કરાવીને સ્તનના કેન્સરની તપાસ અને pap smear કરીને ગર્ભાશયના મૂખનું અને ગર્ભાશયનું કૅન્સર છે કે નહીં તે નિદાન કરાવો.

કેન્સરના ભયસૂચક (વૉર્નિંગ) ચિહ્નો કર્યા?

કૅન્સરનું નિદાન જેટલું જલદી થાય તેટલું જ જલદીથી તમે સફળ રીતે સારવાર કરી શકો એટલા માટે નીચે બતાવેલ વોર્નિંગ ચિહ્નોનું ચોક્કસ ધ્યાન રાખો.

(૧) ટૉઇલેટ અને બાથરૂમ જવાની ક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો હોય, જેમકે ઝાડા સતત થાય અથવા કબજિયાત થાય, ઝાડામાં/ પેશાબમાં લોહી પડે, પેશાબ કરવામાં તકલીફ પડે વગેરે ચિહ્નો થાય.

(૨) શરીરની ચામડી પર થયેલું ચાઠું, ચકામું કે તલ, લાખુ અને રસોળીનો રંગ/ Consistency બદલાય, સાઇઝમાં વધે અને ફેલાય ત્યારે ધ્યાન રાખો.

૩) આખા શરીરમાં નાક, કાન, મોં, ગુદા અને મૂત્રમાર્ગે અસ્વાભાવિક લોહી નીકળે. શરીરની ચામડી પર થયેલા ઘામાંથી લોહી નીકળે.

(૪) આખા શરીરમાં સ્ત્રીઓમાં સ્તનમાં, પુરુષોમાં શુક્રાણુની કોથળી(ટેસ્ટીસ)માં કે શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય.

(૫) ખોરાક ગળવાની મુશ્કેલી અને સતત ખોરાકના પાચનની તકલીફ થઈ હોય.

(૬) સતત ઉધરસ મોટે ભાગે સૂકી ઉધરસ અને અવાજ બેસી જાય.

કેન્સર ના થાય અને હોય તો વધતું અટકે માટે લેવાનો ખોરાક

(૧) ચાળ્યા વગરના લોટની રોટલી, ભાખરી અને બ્રાઉન બ્રેડ ખાશો, થૂલી અથવા ફાડાનો લોટ (ઘંઉનો જાડો લોટ), તાજા ફળો અને લીલા શાકભાજી રોજ ભૂલ્યા વગર ખોરાકમાં લેશો.

(૨) તમારા શરીર માટે વધુમાં વધુ ૩૦થી ૪૦ ગ્રામ (ત્રણથી ચાર ચમચી) ઘી અથવા તેલનો ઉપયોગ કરો.

(૩) મીઠાવાળા પદાર્થો-ધાણાની દાળ, ચવાણું, ચેવડો, ફરસીપૂરી, ફાફડા, ગાંઠિયા, દાલવડા, સમોસા, પાપડ, અથાણાં, સોસ વગેરે ઓછાં ખાઓ.

(૪) એક વાર તળેલું હોય (પૂરી બનાવવા) તેવું તેલ ફરી વાપરશો નહીં કારણ તેમાં અસંખ્ય Carcinogen (કૅન્સર કરે તેવાં તત્ત્વો) હોય છે માટે તેનો ઉપયોગ ના કરશો.

(૫) ચા, કોકોકોલા, ચૉકલેટ, કૉફી અને દારૂ (પ્રમાણસર) અને તમાકુ (ગુટકા) ને સિગારેટ પીવાની બંધ કરવી ખૂબ જરૂરી છે.

કેન્સર અને એન્ટીઓક્સિડંટનો સંબંધ

એન્ટીઓક્સિડંટની નવી થિઅરી પ્રમાણે Pollution વાળી હવા, પાણી અને ખોરાકથી તમારા શરીરમાં ઘણા પ્રમાણમાં ‘ફ્રી રેડિકલ’ ઉત્પન્ન થાય છે. આ ફ્રી રેડિકલ આખા શરીરમાં છૂટા ફર્યા કરે તો શરીરના બધા જ અંગોનો કૅન્સર થવાની શક્યતા વધી જાય છે.

હોલીસ્ટીક મેડિસિનના પ્રચારક ડૉ. ડરહામના જણાવ્યા પ્રમાણે વિટામિન ‘A’, વિટામિન ‘C’, વિટામિન ‘E’, સેલેનિયમ અને આયર્ન આ બધા શ્રેષ્ઠ એન્ટીઑક્સિડંટ છે, જે તાજા ફળો અને લીલા શાકભાજી અનાજ, કઠોળ, દૂધ વગેરેમાંથી ખૂબ મળે છે. તેનો ઉપયોગ કરવાથી આ ફ્રી રેડિકલ તમારા શરીરમાંથી નાશ પામશે.

કસરત કરી તમારા શરીરમાં ખૂબ પ્રમાણમાં ઑક્સિજન લેવા માટે ચાલવું, દોડવું, સાઇકલ ચલાવવી, તરવું, દોરડા કૂદવા, ઍરોબિક ડાન્સીંગ, હલેસાં મારવા, દાદર ચડવા—ઊતરવા અને હાસ્યથેરેપીની કસરતો નિયમિત કરવી જોઈએ.

બસ આટલું જ કરશો તો તમે આખી જિંદગી માટે કૅન્સરના ભયથી મુક્ત થઈ જશો.

આટલું ખાસ યાદ રાખો

૧. નિયમિત મેડિકલ ચેકઅપ

૨. યોગ્ય પૌષ્ટિક ખોરાક

૩. નિયમિત કસરત અને

૪. મનની શાંતિ (ટેન્શન ફ્રી) વાળી જિંદગી.

આટલી વાતોને તમારા જીવનમાં ઉતારી દો અને કેન્સરને થવા જ ના દો. કૅન્સર એટલે કેન્સલ એવી માન્યતા હવે બહુ વખત રાખવાની જરૂર નથી.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)