Home Blog Page 1483

એલર્ટ : સરદાર સરોવર ડેમની જળ સપાટી 136 મીટરને વટાવી

મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારોમાં સારા વરસાદને કારણે શનિવારે ગુજરાતના સરદાર સરોવર ડેમની જળ સપાટી 136.43 મીટરે પહોંચી હતી. આ રીતે તે તેના જળાશયના સ્તરથી માત્ર બે મીટર નીચે છે. અધિકારીઓએ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના તળિયે આવેલા ગામોને ડેમમાંથી આશરે 3.5 લાખ ક્યુસેક પાણીના પ્રવાહને કારણે એલર્ટ રહેવા જણાવ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્થિત સરદાર સરોવર ડેમનું જળસ્તર વધીને 136.43 મીટર થયું છે, જે આ સિઝનમાં સૌથી વધુ છે. ડેમનું જળાશય સ્તર 138.68 મીટર છે.

 

3.45 લાખ ક્યુસેક પાણી છોડાયું

SSNNL મુજબ, તાજેતરના સમયમાં ડેમમાં સરેરાશ 4.37 લાખ ક્યુસેકથી વધુ પાણી આવ્યું છે, જેના કારણે અધિકારીઓને લગભગ 3.45 લાખ ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં, ભરૂચ કલેકટરે શુક્રવારે રાત્રે નર્મદા નદીની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીનાં પગલાં લેવા વિનંતી કરી હતી કારણ કે ડેમમાંથી પાણી છોડવાને કારણે નર્મદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે ચેતવણી

કલેક્ટર તુષાર સુમેરાએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હાલમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા 20.20 ફૂટના સ્તરે વહી રહી છે. આ ચેતવણી સ્તર (22 ફૂટ)ની નજીક છે. તેથી, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે.”

રણદીપ હુડ્ડાએ VIP રીત છોડી સામાન્ય લાઈનમાં કર્યા લાલાબાગચા રાજાના દર્શન

મુંબઈ: રણદીપ હુડ્ડાએ પોતાના અભિનયથી બોલિવૂડમાં અલગ જ ઓળખ બનાવી છે. અત્યાર સુધી 48 થી વધુ ફિલ્મોમાં પોતાની અભિનય કૌશલ્ય બતાવનાર રણદીપ હુડ્ડા આ દિવસોમાં તેની પત્ની લીન લેશરામ સાથે જોવા મળ્યા હતાં. તાજેતરમાં, ચાહકોને રણદીપની સાદગી ખૂબ જ પસંદ આવી છે. રણદીપ તેની પત્ની લીન સાથે લાલબાગચા રાજાના પંડાલમાં પહોંચ્યા હતા. અહીં રણદીપ હુડાએ તેની પત્ની સાથે કોઈ ખાસ કે VIP રીતે નહીં પરંતુ સામાન્ય લાઈનમાં એન્ટ્રી લીધી હતી અને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. રણદીપ હુડ્ડાએ પોતાની પત્ની લીન લેશરામ સાથે અહીં ભગવાનના દર્શન કર્યા છે. રણદીપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકોએ રણદીપની સાદગીના વખાણ કર્યા છે.

રણદીપ હુડ્ડાએ પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી 46 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આમાંના ઘણા સુપરહિટ ફિલ્મોના મહાન પાત્રોનો સમાવેશ થાય છે. વર્ષ 2001માં ફિલ્મ મોનસૂન વેડિંગ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રણદીપ હુડ્ડાએ અગાઉ ટીવીમાં કામ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફેમસ થયો. રણદીપ હુડ્ડાએ હાઈવે, કિક, મોનસૂન વેડિંગ અને સુલતાન જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ઊંચાઈ, ફિટ બોડી અને દેશી સ્ટાઈલ સાથે તે બોલિવૂડના દેશી બોય તરીકે જાણીતા છે.

રણદીપ હુડ્ડાએ ગત વર્ષે તેની પત્ની લીન લેશરામ સાથે લગ્ન કર્યાં હતા. રણદીપે ગયા વર્ષે નવેમ્બરમાં તેના સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. આ પછી નવેમ્બરમાં રણદીપ હુડ્ડાએ ઇમ્ફાલમાં લગ્ન કર્યા. લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. રણદીપ હુડ્ડા ઘણીવાર પોતાની પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. બંને વચ્ચે સારી કેમેસ્ટ્રી છે. હાલમાં જ રણદીપ હુડ્ડા તેની પત્ની સાથે ગણપતિ બાપ્પાના પંડાલમાં પહોંચ્યા હતાં. અહીં ચાહકોએ તેમનું અભિવાદન પણ કર્યું હતું.

IND vs PAK: ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું

ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને 2-1 થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને બંને ગોલ કર્યા. હીરો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાઈ હતી. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સતત પાંચમી જીત હતી. હવે ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.


ભારતે તેની પ્રથમ મેચમાં દક્ષિણ કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ મલેશિયાને 8-1થી હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતીય ટીમે જાપાનને 5-1થી હરાવ્યું હતું. આ સાથે જ ચોથી મેચમાં હરમનપ્રીતની ટીમે ચીનને 3-0થી હરાવ્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 21 ગોલ કર્યા છે, જ્યારે ચાર ગોલ ગુમાવ્યા છે. ભારતના ડિફેન્સે શાનદાર કામ કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં હરમનપ્રીતે પાંચ અને અરિજીત સિંહે ત્રણ ગોલ કર્યા હતા.

ભાવનગરમાં રોગચાળો વકર્યો, 2450 પાણીજન્ય રોગના કેસ નોંધાયા

ભાવનગર: ભારે વરસાદ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. એ વચ્ચે શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને છેલ્લા દોઢ માસમાં 2450 પાણીજન્ય રોગ નોંધાતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોએ દર્દીઓની ભીડ જામી રહી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો અટકાવવા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી અને આરસી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતાં.

સરકારી આંકડા પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરમાં છેલ્લા દોઢ માસમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાણીજન્ય રોગના 2450 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા, શરદી-ઉધરસ, શંકાસ્પદ ટાઈફોઈડ વગેરેના કેસનો સમાવેશ થાય છે. જયારે વાહક જન્ય રોગના 10 કેસ નોંધાયા છે. જેમાં મેલેરીયાના 3 અને ડેન્ગ્યુના 7 કેસનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે તેથી આરોગ્ય વિભાગ દ્વારા મોન્સુન એકટીવી અંતર્ગત ફીલ્ડમાં ઘરે ઘરે જઈને પાણીજન્ય અને વાહક જન્ય રોગોના નિયંત્રણની કામગીરી કરવામાં આવતી હોય છે. હાલ રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત અન્ય દવાખાના અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની કતાર જોવા મળતી હોય છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પરિવારો અને યુવકોની વચ્ચે ચૂંટણીઃ PM મોદી

ડોડાઃ જમ્મુ-કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બધા પક્ષોના નેતાઓ ચૂંટણીપ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન મોદી પણ ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે ડોડા પહોંચ્યા છે. વડા પ્રધાને ચૂંટણી સભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કાશ્મીરમાં એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી તરફ કાશ્મીરી યુવા છે.

તેમણે ચૂંટણી સભાને સંબોધતા ક્હ્યું હતું કે તમે બધા અહીં ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોથી પહોંચ્યા છે. તમારા ચહેરા પર થાકનું નામોનિશાન નથી દેખાતું. તમારા પ્રેમની બે ગણી- ત્રણ ગણી મહેનત કરીને ચૂકવીશ. અમે અને તમે મળીને એક સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીશું અને આ મોદીની ગેરંટી છે.

આજ સુધીમાં ત્રણ પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમને કારણે હજારો બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલાં કાશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય નકી કરશે.

વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે  તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારાં બાળકોની ચિંતા કરી નથી. તેમણે માત્ર પોતાનાં બાળકોને જ આગળ વધાર્યાં છે, પરિવારવાદને પ્રોત્સાહન આપતા પક્ષોએ જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને આતંકવાદમાં ફસાવી તેમને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. આ લોકોએ રાજ્યમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી.

‘ આ લોકો (વિપક્ષ) બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાનાં કાળાં કૃત્યો છુપાવવા માટે આ પ્રકારનો દેખાડો કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી.

 

TIMEની દુનિયાની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં અદાણીનો સમાવેશ

અમદાવાદ: વૈશ્વિક ઉદ્યોગ રેન્કિંગ અને આંકડાકીય પોર્ટલ સાથેના સહયોગથી તૈયાર કરવામાં આવેલી દુનિયાની પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ કંપનીઓની 2024ની TIME મેગેઝિનની યાદીમાં અદાણી ગ્રૂપને સ્થાન મળ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું કે, “આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવકમાં વૃદ્ધિ અને ટકાઉપણા માટે અદાણી સમૂહની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે. ​અદાણી ગ્રુપના કઠોર પરિશ્રમ અને તેના હસ્તકના તમામ વ્યવસાયોમાં સીમાઓને ઓળંગીને તે વ્યવસાયને આગળ વધારવા તેમજ શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાના સતત પ્રયાસોનું આ પરિણામ છે.”2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની આ યાદી ત્રણ મુખ્ય પરિમાણોમાં વિશ્લેષણને આધારે તૈયાર કરવામાં આવી છે.​

  1. કર્મચારીનો સંતોષ: આશરે 1,70,000 સહભાગીઓ સાથે 50થી વધુ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામકાજની સ્થિતિ, પગાર, સમાનતા અને કંપનીની સમગ્ર છાપના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
  2. આવક વૃધ્ધિ: આ પરિમાણ અંતર્ગત 2023માં US$100 મિલિયનથી વધુ આવક અને 2021 થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
  3. ટકાઉપણા(ESG): આ માપદંડ અંતર્ગત સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી પ્રમાણિત ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ મૂલ્યાંકનમાં અદાણી પોર્ટફોલિયોની અગિયારમાંથી આઠ લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. જે સમગ્ર અદાણી સમૂહના વ્યાપક સર્વાંગી પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ આ આઠ કંપનીઓની પેટાકંપની છે.માન્યતા પ્રાપ્ત કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ., અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી ટોટલ ગેસ લિ., અંબુજા સિમેન્ટ્સ લિ., અદાણી પાવર લિ. અને અદાણી વિલ્માર લિ.નો સમાવેશ થાય છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપનાર જજ કોણ છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયાની બેંચે CM કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. જામીન આપવાની સાથે કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન પર કેટલીક શરતો પણ લગાવી છે, જે અંતર્ગત કેજરીવાલ ન તો તેમની ઓફિસમાં જઈ શકશે અને ન તો કોઈ સરકારી ફાઇલ પર સહી કરી શકશે. પરંતુ શું તમે જાણો છો કે અરવિંદ કેજરીવાલને જામીન આપનાર જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ભુઈંયા કોણ છે?

કોણ છે જસ્ટિસ સૂર્યકાન્ત
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ હિસારથી જ થયું હતું. હિસારની સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. આ પછી વર્ષ 1984માં તેમણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી. બાદમાં તેમણે કુરુક્ષેત્ર ઓપન યુનિવર્સિટીમાંથી વકીલાતમાં માસ્ટર ડિગ્રી લીધી. આ પછી વર્ષ 1984માં કાયદાનો અભ્યાસ કર્યા બાદ જસ્ટિસ સૂર્યકાન્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1985માં તેઓ ચંદીગઢ આવ્યા અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ચંદીગઢમાં પ્રેક્ટિસ શરૂ કરી.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈંયા

કોણ છે જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયા?
જસ્ટિસ ભુઈંયાનો જન્મ 2 ઓગસ્ટ 1964ના રોજ આસામના ગુવાહાટીમાં થયો હતો. તમને જણાવી દઈએ કે અહીંથી જ ઉજ્જવલ ભુઈંયાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાં એડમિશન લીધું. અહીંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, જસ્ટિસ ભૂંયા વાપલ ગુવાહાટી પાછા ફર્યા અને સરકારી લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. તમને જણાવી દઈએ કે જસ્ટિસ ભુઈનિયાએ વર્ષ 1991માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેણે ગુવાહાટીમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ ચાલુ રાખી. વર્ષ 2010માં તેમને ગૌહાટી હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, જુલાઈ 2011 માં, તેઓ આસામના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત થયા.

સૌથી યુવા એજી અને આવતા વર્ષે મુખ્ય ન્યાયાધીશ બનશે
જસ્ટિસ સૂર્યકાંતને 7 જુલાઈ 2000ના રોજ હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત એડવોકેટ જનરલ બનનાર સૌથી યુવા વ્યક્તિ છે. વર્ષ 2004માં તેમને પંજાબ અને હરિયાણા કોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સૂર્યકાંતની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી. ડાયનેમિક જસ્ટિસ સૂર્યકાંત ભારતના આગામી ચીફ જસ્ટિસ બનવાની લાઇનમાં છે. જો વરિષ્ઠતાના નિયમનું પાલન કરવામાં આવે તો જસ્ટિસ સૂર્યકાંત 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 1.2 વર્ષનો રહેશે અને તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થશે.

અંબાજી પદયાત્રાએ નીકળેલા યાત્રાળુઓ માટે ફ્રી મેડિકલ સેવા કેમ્પ શરૂ

51 શક્તિપીઠમાનું સૌથી મોટુ ગણાતું અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. મેળાની શરૂઆતમાં જ લાખોની સંખ્યમાં માઈભક્તોએ મેળા મુલાકત લેવા સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે  પગપાળા અંબાજી આવતા ભક્તોની સેવા માટે વિવિધ સેવા કેમ્પો અહીં કાર્યરત છે. રતનપુર દાંતા ખાતે છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે. જેમાં 3 વર્ષથી બનાસ મેડિકલ દ્વારા મીની હોસ્પિટલ ઊભું કરાવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અંબાજીના માર્ગો પર અનેક કેમ્પો લગાવવામાં આવે છે. જેમાં અંબાજી ખાતે આવતા પદયાત્રીકોની અલગ અલગ રીતે સેવા કરવામાં આવે છે. ત્યારે દાંતા ખાતે આવેલી બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં મલ્ટી પેરા મોનિટર, ઈ.સી.જી. મશીન, ડિફિબ્રીલેટર, ઓક્સિજન, સકશન મશીન, મસાજ માટે વાઈબ્રેટર મશીન, પાટાપિંડીની, બાઈપેપ સહિતની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પ ખાતે ઊભી કરાયેલી હોસ્પિટલમાં જનરલ ઓપીડી, સર્જીકલ, ઓર્થોપેડિક, ગાયનેક, મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપી રહ્યા છે. જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે. આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બનાસ મેડિકલ દ્વારા 15000 કરતાં વધુ પદયાત્રીઓની સેવા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1000થી વધુ ભક્તો સેવાનો લાભ લઈ ચૂક્યા છે.

હરિયાણા ચૂંટણીમાં 1561 ઉમેદવારોએ ભર્યું નામાંકનઃ આઠએ મતગણતરી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 1561 ઉમેદવારો મેદાનમાં છે, એમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો સામેલ છે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકડ અગ્રવાલે કહ્યું હતું॥ રાજ્યની 90 વિધાનસભા સીટોમાંથી ભિવાનીમાં સૌથી વધુ 31 ઉમેદવારો છે, જ્યારે નાંગલ ચૌધરી ક્ષેત્રમાં સૌથી ઓછા નવ ઉમેદવારો છે.

રાજ્યમાં નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર હતી, જ્યારે 13 સપ્ટેમ્બરે નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે. CM નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રની જે લાડવા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં 24 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર દાખલ કર્યાં છે.

રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ, આપની કવિતા દલાલ અને ભાજપના યોગેશ બૈરાગીની વચ્ચે આકરો ચૂંટણીજંગ છે. ભૂતપૂર્વ CM દુષ્યંત ચૌટાલાની સીટ ઉચાના કલાં પર તેમનો મુકાબલો કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહથી છે, અહીંછી 30 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં છે.

કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતકના ગઢી સાંપલા-કિલોલીથી ચૂંટણી લડી રહ્યા છે. અહીંથી 12 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સિરસાના એલનાબાદથી ઇનેલો નેતા અભય સિંહ ચૌટાલા દાવ અજમાવી રહ્યા છે. અહીં 14 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યાં છે. રાજ્યની 90 વિધાનસભા સીટના ઉમેદવારોની અંતિમ યાદી 17 તારીખે કરવામાં આવશે.આ પહેલાં 2014માં 1351 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ સંખ્યા 1169ની હતી. ભાજપ હેટ્રિક બનાવવા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી આઠ ઓક્ટોબરે થશે.

વરસાદ અને ભુસ્ખલનના કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ, ગુજરાતી શ્રદ્ધાળુઓ અટવાયા

આ વર્ષે ગુજરાત સહિત દેશમાં લલનીનોના કારણે ભારે વરસાદ નોંધાય રહ્યો છે. તો ભારે વરસાદ સાથે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલની પણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઇ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નિકળેલા બનાસકાંઠાના પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઇ ગયો છે.

ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઇ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે. જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખૂલવાની રાહ જોઇ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.

મળતી માહિતી અનુસાર ભારે વરસાદના કારણે શનિવારે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઇ ગયા છે. ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. તો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના સ્થળોએ ભારે વરસાદના લીધે એસડીઆરએફની ટીમો અને જિલ્લાધિકારીઓને હાઇએલર્ટ પર રહેવાની સૂચના આપી છે.