Home Blog Page 1491

૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪

જીવન ખરેખર સુંદર છે…

છેક 1937માં સ્થપાયેલી સાઉથ કોરિયાની ઑટોકંપની ‘દેવૂ મોટર્સ’ હવે તો જો કે અમેરિકાની ‘જનરલ મોટર્સ’ પાસે છે, પણ એક સમયે વર્ષે વીસ હજાર કરોડ રૂપિયાનું કામકાજ કરતી વિરાટ કંપનીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કાહેર કાઝેમનો એક જૂનો ઈન્ટરવ્યુ વાંચવામાં આવ્યો. ઈન્ટરવ્યૂમાં પત્રકારે એમને સવાલ કર્યો કે “તમે દિવસના કેટલા કલાક કામ કરો છો?”

પ્રેસિડેન્ટ સાહેબે જવાબ આપ્યો કે, “હું દિવસના ચારેક કલાક કામ કરું છું, સવારે અગિયારથી બપોરે ત્રણ.”

ઈન્ટરવ્યૂકારને નવાઈ લાગીઃ “ચાર જ કલાક? તમને નથી લાગતું કે તમે ઑફિસમાં વધારે સમય બેસો તો નિર્ણયો ઝડપથી લેવાઈ જાય, કામ આગળ વધે, બિઝનેસ વધે. આ તો તમે ત્રણ વાગ્યે જતા રહો તો સ્ટાફે તમારી મંજૂરી માટે બીજા દિવસ સુધી રાહ જોવી પડે.”

વાઈસ પ્રેસિડેન્ટે કહ્યું કે, “વાત સાચી, પણ મિસ્ટર, આ કંપની ચલાવવા સિવાય મને વાંચન, સંગીતનો શોખ છે. મારા કેટલાક મિત્રો છે, જેમને મળવું મને ગમે છે. મારો પરિવાર છે, હું પરિવારપ્રેમી છું. એ પછી, કાહેર કાઝેમ જે બોલ્યા એનો ગુજરાતી ભાવાર્થ કંઈ આવો થાય. એ કહેઃ “મારે કંઈ રાત્રિભોજનમાં સોનાની કઢી પીવી નથી.”

અતિધનાઢ્ય હોય કે મધ્યમવર્ગી, દરરોજ સાંજે ખીચડી સાથે કઢી તો દહીં-છાશની જ પીએ છે. બાત જમતા હોય તો એની સાથે તુવરદાળની દાળ આરોગે.  માલેતુજારો હોય તેથી કંઈ લિક્વિડ ગોલ્ડની કઢી ન પીએ. કહેવાનો અર્થ એ કે પૈસા, ભૌતિક ચીજવસ્તુઓ પામવાની આંધળી દોટ જીવનમાંથી સુખ-શાંતિ-સંતોષની બાદબાકી કરી નાખે છે.

કૉર્પોરેટ સેમિનારમાં મારા વક્તવ્યમાં પ્રોફેશનલ્સને એક વાત હું હંમેશાં કહું છું કે, તમે આ જગતમાંથી વિદાય લો ત્યારે તમારા બૅન્ક ખાતામાં જેટલા વધારાના પૈસા પડ્યા હોય એ માટે તમે જીવનભર ખોટ્ટી, કાળી ગદ્ધામજૂરી કરી, જે તમારે કરવાની જરૂર નહોતી. કેમ કે એ પૈસા તમારી સાથે આવવાના નથી, તમને ખબર પણ નથી એ કેવી રીતે ખર્ચાશે. એના કરતાં જીવતેજીવ તમે એ પૈસા કોઈ સારી પ્રવૃત્તિમાં ખર્ચ્યા હોત તો?

ઘણા એવું વિચારીને સતત કામ કર્યા કરે છે કે મારાં સંતાનોને પગભર કરું, એમને માટે બિઝનેસના પથારા કરું, વારસામાં એમને બધું આપતો જાઉં… અરે ભાઈ, તમે પોતે જાતમહેનતે આ સ્થાને પહોંચ્યા છો તો તમારા પછીની પેઢી પણ સ્વબળે કમાઈ લેશે. એમને માટે તમારે જીવતર ખર્ચી નાખવાની જરૂર ખરી?

અમેરિકામાં ધનાઢ્યોનું એક મંડળ છે. એની મેમ્બરશિપ મેળવવાનો પહેલો નિયમ એ છે કે સભ્ય બનવા ઈચ્છુકે પોતાની “સંપત્તિમાંથી ઓછામાં ઓછી અડધી સમાજસેવા વાપરીશ” એવું લખી આપવાનું. હા, એ મેમ્બર પોતાને મનગમતી સેવાપ્રવૃત્તિ પસંદ કરી શકેઃ આરોગ્ય, શિક્ષણ, અનાથ બાળકોનો ઉદ્ધાર, વગેરે. મેમ્બરશિપનું ફૉર્મ ભરતી વખતે મિલકતના તથા આટલી રકમ હું અમુકતમુક પ્રવૃત્તિમાં આપીશ એના પુરાવા, દસ્તાવેજ, વગેરે જોડવાના. આ મંડળના પાંચસોથી વધુ મેમ્બર જીવનને સુંદર કેમ બનાવવું એની રીત સમજી ગયા છે.

ધારો કે એક કાગળ પર તમે પૈસાથી ખરીદી શકાતી ચીજોનું લિસ્ટ બનાવો અને બીજા કાગળ પર પૈસાથી ખરીદી ન શકાય એવી ચીજોનું… જેમ કે, ગાડી-બંગલો-ફૉરેનટ્રિપ, વગેરે પૈસાથી ખરીદી શકશો, પણ ખરેખર જીવનમાં જેની વધારે જરૂર છે એ ટ્રસ્ટ-ફ્રેન્ડશિપ-ક્રેડિટ-રિલેશનશિપ-લવ-ગુડવિલ, વગેરે પૈસાથી ખરીદી શકશો?

અલબત્ત, પૈસા કમાવા ખરાબ નથી. પરિવારની સુખાકારી માટે, સંસારચક્ર ચલાવવા માટે, સામાજિક વ્યવહાર માટે નોકરીધંધો કરવાં જ જોઈએ, જીવનમાં આર્થિક સ્થિરતા જરૂરી છે, પણ એક તબક્કે તમારે અંતરદષ્ટિ કરવી જોઈએ કે, સ્થિરતા આવી ગઈ છતાં આટલી દોડાદોડી હું શું કામ કરું છું? એના કરતાં સમાજોપયોગી પ્રવૃત્તિ કરો, પરિવાર-મિત્રો સાથે વધુ સમય ગાળો, આરોગ્ય સાચવો, મનગમતા શોખ પૂરા કરો.

આ છે રહસ્ય સંતોષી નર-નારી સદા સુખી હોવાનું.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

હરિયાણા ચૂંટણી : કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર

કોંગ્રેસે બુધવારે હરિયાણામાં ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. 12 સપ્ટેમ્બરે, નામાંકનની છેલ્લી તારીખના એક દિવસ પહેલા, કોંગ્રેસે હરિયાણાની બાકીની 49 બેઠકોમાંથી 40 માટે ઉમેદવારોની જાહેરાત કરી. રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને કૈથલથી ટિકિટ આપવામાં આવી છે. ભજન લાલના પુત્ર પૂર્વ ડેપ્યુટી સીએમ ચંદ્ર મોહનને પંચકુલાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. નિર્મલ સિંહને અંબાલા સિટીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મુલાના સાંસદ વરુણ ચૌધરીની પત્ની પૂજા ચૌધરીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

 

તમને જણાવી દઈએ કે રણદીપ સુરજેવાલા હરિયાણાની કૈથલ સીટ પર સતત જનસંપર્ક કરી રહ્યા હતા. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કૈથલમાં ચૂંટણી પ્રચારની તસવીરોથી ભરેલું છે. સુરજેવાલા રાજ્યસભાના સાંસદ છે અને તેમણે વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પાર્ટીએ તેમના પુત્રને ટિકિટ આપી. એવું માનવામાં આવતું હતું કે જો સુરજેવાલાને ટિકિટ નહીં મળે તો પાર્ટી તેમના પુત્રને મેદાનમાં ઉતારી શકે છે અને એવું જ થયું.

દાદા-દાદીને સરકારની મોટી ભેટ, રૂ. 5 લાખ સુધીની મફત સારવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષ્માન ભારત’નો લાભ મળશે. અમીર-ગરીબનો ભેદ નહીં રહે, બલ્કે દરેકને તેના દાયરામાં લાવવામાં આવશે.

 

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ આ એક નવી શ્રેણી હશે. આ અંતર્ગત સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા સાથે સ્વાસ્થ્ય વીમો આપશે.

વૃદ્ધો માટે આ રીતે યોજના કામ કરશે

મંત્રી અશ્વિની વૈષ્ણવે આ યોજનાના લાભોની વિગતવાર માહિતી આપતા કહ્યું કે આ 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે સાર્વત્રિક આરોગ્ય કવરેજ હશે. હાલમાં લગભગ 12.3 કરોડ પરિવાર આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી રહ્યા છે. લગભગ 4.5 કરોડ પરિવારો અથવા 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને વૃદ્ધો માટે શરૂ કરવામાં આવેલી સુવિધાનો લાભ મળશે.

જે પરિવારો પહેલાથી જ આયુષ્માન ભારત યોજનાનો ભાગ છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિની ઉંમર 70 વર્ષથી વધુ હોય, તો તેમને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું ટોપ-અપ મળશે. આ શેર હેલ્થ કવર હશે.

આવા પરિવારો જે હાલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમાં સામેલ કરવામાં આવશે અને તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનું શેર કવર મળશે.

જો આયુષ્માન ભારતની આ શ્રેણીમાં 70 વર્ષથી વધુ ઉંમરના દંપતી હોય, તો બંને માટે 5 લાખ રૂપિયાનું વીમા કવચ સમાન હશે. મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ વર્ગ દરેકને આનો ફાયદો થશે.

ભાગેડુ નીરવ મોદીની 29 કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ નીરવ મોદીની 29 કરોડ 75 લાખ રૂપિયાની સ્થાવર મિલકત અને બેંક બેલેન્સ જપ્ત કરી હતી. PNB બેંક કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદી વિરુદ્ધ EDએ આ કાર્યવાહી કરી છે. 6498 કરોડના આ બેંક ફ્રોડ કેસમાં EDએ CBI FIR પર ECIR નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન EDને નીરવ મોદી અને તેના ગ્રૂપ ઓફ કંપનીઓની કરોડોની કિંમતની જમીન અને બેંક ખાતાની જાણકારી મળી હતી.

આ પહેલા પણ ED નીરવ મોદી અને તેની 2596 કરોડ રૂપિયાની જંગમ અને જંગમ મિલકતો જપ્ત કરી ચૂકી છે. EDએ CBI, BS અને FC બ્રાન્ચ, મુંબઈ દ્વારા નોંધાયેલી FIRના આધારે ભારતીય દંડ સંહિતા 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમો હેઠળ PNB બેંક છેતરપિંડીના કેસમાં તપાસ શરૂ કરી છે.

ભારતમાં નીરવ મોદી અને તેની કંપનીઓની માલિકીના રૂ. 29.75 કરોડની ઓળખ જમીન અને ઇમારતો અને બેંક ખાતાઓમાં પડેલા નાણાં તરીકે કરવામાં આવી હતી, જે મની લોન્ડરિંગ કેસમાં જપ્ત કરવામાં આવી છે.

15 વર્ષ જૂના વાહનોને લઈને સ્ક્રેપિંગ નીતિમાં થઈ શકે છે ફેરફાર!

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર વાહન સ્ક્રેપિંગ નીતિમાં ફેરફાર કરી શકે છે. ટૂંક સમયમાં ત્રણ વર્ષ જૂની નીતિમાં મોટાં ફેરફાર થઈ શકે છે. જે અનુસાર 15 વર્ષથી વધુ જૂના વાહનોને રાહત આપવામાં આવી શકે છે. સરકારી અધિકારીઓ અનુસાર ફિટનેસ ટેસ્ટ કેન્દ્રો દ્વારા અયોગ્ય જાહેર થવા પર આવા વાહનોને સ્ક્રેપ કરવાના જરૂરી નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારે હવે વાહનને સ્ક્રેપ કર્યા પહેલાં તેની ઉંમરના બદલે પ્રદૂષણ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયએ  વાહન સ્ક્રેપિંગ નિયમમાં આ પ્રકારના ફેરફારો કરવા વાહનોની પ્રદૂષણ તપાસને વિશ્વસનીય બનાવવાની યોજના ઘડી છે. આ મંત્રાલયના સચિવ અનુરાગ જૈને મંગળવારે સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ દ્વારા આયોજિત વાર્ષિક સંમેલન દરમિયાન ઓટો ઉદ્યોગ પાસે આ દિશામાં મદદની અપીલ કરી હતી. ભારતમાં 2021માં વાહન સ્ક્રેપિંગ નીતિ શરુ કરવામાં આવી હતી. જેથી પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે જૂના અને પ્રદૂષણ ફેલાવનારા વાહનોને રસ્તા પરથી હટાવી શકાય. આ નીતિના નિર્દેશો અનુસાર 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષથી વધુ જૂના વ્યાપારી વાહનોને ફિટનેસ કેન્દ્રો પર જરૂરી ફિટનેસ તપાસથી પસાર થવું પડશે. જો એ તપાસના પરિણામ નકારાત્મક હોય, તો વાહનોને સ્ક્રેપયાર્ડમાં મોકલવા પડે.

વિરમગામના ગોડાઉનમાં સરકારી ડાંગરનો જથ્થો પલળી ગયો

અમદાવાદ: ગુજરાતમાં એક બાજું સાર્વત્રિક વરસાદના પગલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યાના કેટલાક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાય જવાના કારણે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળ્યું છે. તો ક્યાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. પરંતુ આ વચ્ચે અમદાવાદના  વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદના  વિરમગામમાં આવેલા એક ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો પાણી ભરાતા પલળીને સડી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ ડાંગરના જથ્થાની કિંમતો આસરે 2 કરોડ રૂપિયા હતી. આ અનાજનો જથ્થો પલડી સડી જવાથી સરકારની તીજોરીને લગભગ 2 કરોડનું નુકસાન થયા હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ જિલ્લા પુરવઠા અધિકારીના કહેવા પ્રમાણે 28000 કટ્ટા પલળી ગયા છે અને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વિરમગામમાં બાયપાસ રોડ પર આવેલ બીલ્ડવેલ કોર્પોરેશન નામના  ખાનગી ગોડાઉનમાં સરકારી ડાંગરનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ ડાંગર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવ્યાં હતા અને બાદમાં અહીં સ્ટોર કરવામાં આવ્યાં હતા. ભારે વરસાદને કારણે આ ગોડાઉનમાં રાખવામાં આવેલા સવા બે લાખ ડાંગરના કટ્ટાનામાંથી મોટો જથ્થો પાણીમાં પલળી ગયો અને ડાંગરમાં ફૂગ લાગી ગઈ છે. હાલ આ ગોડાઉનમાંથી સારા ડાંગરનો જથ્થો સાણંદ ખાતે આવેલા પેસિફિક પાઈપ્સ ઇન્ડ્રસ્ટ્રીસ લી. ખાતે ખસેડાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળોએ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓની શોધખોળ માટે સેનાના વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીરે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ ઓપરેશન જારી છે.

સુરક્ષા દળોને ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ચાર આતંકવાદી છુપાયો હોવાની માહિતી મળી હતી. જે પછી આ વિસ્તારને ઘેરને તપાસ કરવામાં આવી રહી છે. જૈશ-એ-મોહમ્મદ જૂથના ચાર આતંકવાદીઓ આ વિસ્તારમાં ફસાયેલા છે, આતંકવાદીઓ ભારે હથિયારોથી સજ્જ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં હિંસા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ચોક્કસ માહિતીના આધારે કઠુઆમાં જોઈન્ટ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કઠુઆ-બસંતગઢ સરહદ પર આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી. આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બંને તરફથી કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.

પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ 2019ના પુલવામા બોમ્બ વિસ્ફોટ સહિત ભારતમાં અનેક ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.સુરક્ષા દળોની સંયુક્ત ટીમ છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચી છે. તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો છે, જે પછી અથડામણ શરૂ થઈ છે. આ પહેલાં જમ્મુ જિલ્લાના અખનૂરમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં BSFનો એક જવાન ઘાયલ થયો હતો. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સેના ને BSF હાઇ એલર્ટ પર છે.

 

 

રાજ્યમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી, 96.60% વાવેતર થયું

ગુજરાતમાં આ વર્ષ લલનીનોને કારણે ભારે વરસાદ નોંધાય રહ્યો છે. આ ઉપરાંત આ ચોમાસામાં રાજ્યમાં લગભગ તમામ જગ્યા પર 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સૂત્રો અનુસાર રાજ્યમાં 96.60 ટકા વાવેતર થયું હોવાની માહિતી મળી રહી છે.

સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સિંચાઈ માટે પર્યાપ્ત પાણીની સુવિધા હોવાથી આ વર્ષે 8267967 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે 2023 કરતા પ્રમાણમાં ઓછું વાવેતર છે. 2023માં કુલ 84,86,020 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચાલુ વર્ષે 19,10,492 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે. તેમજ 2023માં 16,35,266 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે 8,85,000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયુ છે. 2023માં 8,71,280 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે  1.67 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેની સામે ગયા વર્ષે 1.97 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ હતુ. જ્યારે ચાલુ વર્ષે જુવારનું 19,015 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો બીજી બાજું મકાઇનું વાવેતર 2.82 લાખથી વધી 2.85 લાખ હેક્ટર થયુ છે. મગનું વાવેતર 64,000થી ઘટી 54,000 હેક્ટર થયુ છે. એરંડાનું વાવેતર 6.86 લાખથી ઘટી 5.47 લાખ હેક્ટર તથા કપાસનું વાવેતર 26.79 લાખથી ઘટી 23.62 લાખ હેક્ટર અને શાકભાજીનું વાવેતર 2.53 લાખ હેક્ટર વાવેતર થયુ છે.

આ તારીખથી શરૂ થશે શરૂ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો..

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળોનો સમાવેશ થશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે  મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.

21 કિલોમીટરનો રૂટ..

આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.

પ્રોજેક્ટની માહિતી

આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો વિશે જાણીએ તો સૌ પ્રથમ મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે. મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ ખર્ચની વાત કરીએ તો મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂપિયા 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ રૂટના કારણે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. એટલુ જ નહીં મેટ્રોના લીધે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં મદદ મળે છે. શહેરોમાં થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણ અને આર્થિક વિકાસ માટે એક દૂરંદેશી ઉપાય બની રહેશે.