Home Blog Page 150

ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો

અમદાવાદ: 2 એપ્રિલ એટલે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે… જેની પૂર્વસંધ્યાએ ઇન્સ્ટિટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના પ્રો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે પત્રકારો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છે. 20 ટકા બાળકોમાં મેટાબોલિક અને જીનેટિક કારણોસર તેમના માટે ડાયટની સાથે દવાઓ પણ જરૂરી બને છે. આવા જીનેટિક ઓટિઝમની સારવાર માટે હોમિયોપથી ઘણી કારગત પુરવાર થઇ છે. હોમિયોપથીની દવાઓ દ્વારા જીનેટિક અસરોને ઘણે અંશે નાબૂદ કરી શકાય છે અથવા તો નિયંત્રણમાં લાવી શકાય છે.

ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે, સોડિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, એકવા ચેનલ એપિલેપ્ટિક, એન્સેફેલો, ઇન્ટેલેક્ટને અસર કરનાર જનીનની અસરો હોમિયોપથીની દવાઓથી 90 ટકા સુધી નાબુદ કરી શકાય છે. ફક્ત 10 ટકા જનીનમાં સુધારો થઇ શક્તો નથી.

ડો. કેતન પટેલે વધુમાં જણાવ્યું હતું કે “ઓટિઝમની સારવાર માટે આપણે નવી માર્ગદર્શિકાઓને ઘડીને અમલમાં મૂકવાનો યોગ્ય સમય પાકી ગયો છે. પશ્ચિમનાં દેશોની ઓટિઝમ સારવાર અંગેની માર્ગદર્શિકાઓથી નિશ્ચિત સમયમાં સારવારની અસર જણાતી નથી. ભારતમાં ઓટિઝમની સારવાર માટે તાલિમબધ્ધ ડોકટરોની અછત વર્તાય છે. આથી આપણે પશ્ચિમનાં દેશોની માર્ગદર્શિકાઓને ભૂલીને આપણી પોતાની માર્ગદર્શિકા ઘડીએ તે જરૂરી છે. ભારતનાં ડોકટરો ઓટિઝમની સારવારમાં પશ્ચિમી દેશોની સરખામણીમાં ઘણાં આગળ છે. આથી આપણે ત્યાં ઓટિઝમની સારવારમાં ડાયટ, કસરત અને વ્યક્તિગત સારવાર પ્લાન સાથેનો નવો પ્રોટોકોલ અમલી બને તે જરૂરી છે.”

પ્રો. જયેશ શેઠે જણાવ્યું કે, ઓટિઝમ એ એવાં પ્રકારનું દર્દ છે જેમાં બાળકો મંદબુદ્ધિના નથી હોતા પણ તેમના મગજના ન્યૂરોન્સના વાયરિંગમાં કોઇ અવરોધ સર્જાવાથી કે કોઇ ગરબડ થવાથી તેની બોલવાની અને વિચારવાની ક્ષમતાને અસર પહોંચે છે. ઓટિઝમના 50 ટકા કિસ્સામાં આવાં જનીનની સમસ્યા ખાસ જોવા મળે છે. આવા બાળકોનું નિદાન જેટલું વહેલું થઇ જાય તેટલી સારવાર અને માર્ગદર્શન વધુ અસરકારક નીવડે છે.ડો પટેલ અને પ્રો. શેઠે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ઓટીઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટીક ટેસ્ટ અને તેની સાથે સંકળાયેલ થેરાપીથી કરાઈ રહી છે. જેની પાછળ વાર્ષિક રૂ. 5,૦૦,૦૦૦ સુધીની મદદ ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં ઓટીઝમનાં ક્ષેત્રમાં સારવાર અને રિસર્ચ કરનારા એલોપેથીક, હોમિયોપેથીક, આર્યુવેદિક જેવી તમામ શાખાના ડોકટરો સંયુક્તપણે થેરાપી કરનાર સાથે રહી, ઝડપી સારવાર અને સુધારો લાવવા કટિબધ્ધ છે.

વિશ્વભરમાં જન્મ લેતા દર 36 બાળકોમાંથી 1 બાળક ઓટીઝમથી પીડિત હોય છે. આ આંકડો અત્યંત ભયજનક ગણવામાં આવ્યો છે, કારણકે વિશ્વભરમાં કેન્સરગ્રસ્ત, ડાયાબીટીસ અને HIV જેવા જીવલેણ રોગોથી પીડાતા બાળકોની ટકાવારી કરતાં ઓટીઝમથી પીડિત બાળકોની સંખ્યા વધારે છે.

ONGC, OILએ ગેસની કિંમત વધારતાં CNG, PNGના ભાવ વધવાની શક્યતા

નવી દિલ્હીઃ સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઉત્પાદિત કુદરતી ગેસની APM (એડમિનિસ્ટર્ડ પ્રાઇસ મિકેનિઝમ) કિંમતમાં વધારો કર્યો છે. હવે આ કિંમત 6.75 ડોલરથી વધારીને 7 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યુનિટ (MMBTU) કરવામાં આવી છે. આ અંગે સરકારે સત્તાવાર સૂચના જાહેર કરી છે. નવી કિંમત જૂના અને હેરિટેજ ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસ પર લાગુ પડશે, જે APM વ્યવસ્થા હેઠળ આવે છે.

 કયાં ક્ષેત્રો પર પડશે અસર

આ ભાવવધારાની સીધી અસર સામાન્ય લોકો સાથે જોડાયેલાં અનેક મહત્વનાં ક્ષેત્રો પર પડી શકે છે. ખાસ કરીને ખાતર ઉત્પાદન, CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પાઇપ દ્વારા ઘર સુધી પહોંચાડાતી રસોઈ ગેસ PNG મોંઘો થવાની શક્યતા છે, કારણ કે આ તમામ ક્ષેત્રોમાં APM ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દેશમાં કુલ ઘરેલુ ગેસ ઉત્પાદનમાંથી આશરે 60 ટકા હિસ્સો APM ગેસનો છે, જેનું ઉત્પાદન લગભગ 9.2 કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ છે.

 ગેસની કિંમત કેવી રીતે નક્કી થાય છે

સરકારે 2023માં નવી પ્રાઇસિંગ સિસ્ટમ અમલમાં મૂકી હતી. તેના મુજબ જૂના ગેસ ક્ષેત્રોમાંથી મળતી ગેસની કિંમત ભારતીય કાચા તેલની સરેરાશ કિંમતના 10 ટકા જેટલી નક્કી થાય છે. આ કિંમત દર મહિને અપડેટ કરવામાં આવે છે. અગાઉ ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયાના જૂના બ્લોકમાંથી મળતી ગેસની કિંમત 4થી 6.5 ડોલર પ્રતિ MMBTU વચ્ચે નક્કી હતી. આ મર્યાદા બે વર્ષ સુધી સ્થિર રાખવામાં આવી અને ત્યાર બાદ દર વર્ષે 0.25 ડોલર વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

કિંમત વધારવાનો નવો નિર્ણય

સરકારે 2025-26 માટે મહત્તમ કિંમત 6.75 ડોલર નક્કી કરી હતી, જેને હવે વધારીને 7 ડોલર પ્રતિ MMBTU કરવામાં આવી છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) મુજબ એપ્રિલ મહિના માટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત 10.76 ડોલર પ્રતિ MMBTU નક્કી કરવામાં આવી છે, પરંતુ APM ગેસની કિંમત આ નક્કી કરેલી ઉપરની મર્યાદામાં જ રહેશે.

વૈશ્વિક પરિસ્થિતિની અસર

આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર દબાણ વધ્યું છે. કાચા તેલના ભાવોમાં પણ તેજી આવી છે અને છેલ્લા એક મહિનામાં તે લગભગ 50 ટકા વધીને 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયા છે. તેની સીધી અસર ગેસના ભાવ પર પણ જોવા મળી રહી છે.

કેમ્પ હનુમાનની ભવ્ય શોભાયાત્રા: CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે કેમ્પ હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.શાહીબાગ વિસ્તાર સ્થિત કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી હતી અને ત્યાર બાદ શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિવિધ ટ્રક, ‘ઓપરેશન સિંદૂર’ના ટેબ્લો, વિશાળ ગદા, ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. યાત્રાના રૂટ પર ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાહીબાગ કેમ્પ હનુમાનથી નીકળેલી આ શોભાયાત્રા બપોરે વાસણા બેરેજ સ્થિત વાયુદેવતા મંદિરે પહોંચશે અને ત્યાંથી સાંજે નિજ મંદિરે પરત ફરશે. લોકવાયકા મુજબ, હનુમાનજી પોતાના જન્મદિવસે ઉત્સવ ઉજવતા પહેલા પિતા વાયુદેવની મંજૂરી લેવા માટે જાય છે. આ મંજૂરી લેવાની પ્રક્રિયાના ભાગરૂપે જ દર વર્ષે હનુમાન જયંતિના આગળના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભક્તો માને છે કે પિતાની પરવાનગી બાદ જ હનુમાન જયંતિનો મહોત્સવ સાચી રીતે સફળ બને છે.

આ પ્રસંગે કેમ્પ હનુમાન મંદિરના પ્રમુખ સુધીરભાઈ નાણાવટી, એડીસી બૅન્કના ચેરમેન અજયભાઈ પટેલ, મંદિરના અન્ય ટ્રસ્ટીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

હેમંત સોરેનના ‘શીશ મહેલ’ પર રાજકીય ઘમસાણ

રાંચીઃ ઝારખંડમાં મુખ્ય મંત્રીના નિવાસને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. પ્રસ્તાવિત નિર્માણની અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ રાખવામાં આવી છે, જેને લઈને રાજકીય પક્ષોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ આ ખર્ચને ફાલતુ ખર્ચ ગણાવી રહ્યો છે, જ્યારે સત્તારૂઢ ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ) તેને જરૂરી પ્રોજેક્ટ કહીને તેનો બચાવ કરી રહી છે.

ભાજપનો દાવો છે કે મુખ્ય મંત્રી હેમંત સોરેનનું પ્રસ્તાવિત નિવાસ દેશના સૌથી મોંઘા મુખ્ય મંત્રી આવાસોમાંથી એક બની શકે છે. તે તેલંગાણાના સીએમ આવાસ પછી બીજા ક્રમે હોઈ શકે છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ આદિત્ય સાહુએ આરોપ લગાવ્યો કે સોરેન “શીશ મહેલ” જેવી ઇમારત બનાવડાવી રહ્યા છે, જેની કુલ કિંમત રૂ. 100 કરોડથી વધુ પહોંચી શકે છે.

રાજ્ય સરકારે 25 માર્ચે રાંચીના કાંકે રોડ વિસ્તારમાં મુખ્ય મંત્રી આવાસના નિર્માણ માટે ઈ-ટેન્ડર જાહેર કર્યું હતું. ટેન્ડર જમા કરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ટેન્ડર મુજબ નિર્માણની અંદાજિત કિંમત રૂ. 69 કરોડથી ઓછી છે, પરંતુ ભાજપ નેતા સાહુએ કહ્યું હતું કે આ આંકડામાં આંતરિક સજાવટ અને ફર્નિચરનો ખર્ચ સામેલ નથી, જેને કારણે અંતિમ ખર્ચ ઘણો વધી શકે છે.

 ટેન્ડરમાં શું જણાવાયું છે?

ટેન્ડર દસ્તાવેજોમાં GST, કન્સલ્ટન્સી અને અન્ય ચાર્જ સહિત પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ દર્શાવવામાં આવી છે. તેમાં મુખ્ય ઇમારતના નિર્માણ પર રૂ. 47.80 કરોડ ખર્ચાશે. મુખ્ય માળખા સિવાય ફુવારા સહિત પાણીના તળાવ માટે રૂ. 1.99 કરોડ, લેન્ડસ્કેપિંગ અને બાગાયત માટે રૂ. 2.63 કરોડ, ચારેકોર દીવાલ અને ગેટ કોમ્પ્લેક્સ, પાર્કિંગ સુવિધા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણી નિકાસ અને બાહ્ય વીજ વ્યવસ્થા સહિત મૂળ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 56.81 કરોડ થાય છે. GST બાદ આ ખર્ચ રૂ. 67 કરોડથી વધુ થાય છે અને વધારાના ખર્ચ સાથે કુલ અંદાજિત કિંમત રૂ. 68.91 કરોડ સુધી પહોંચી જાય છે.

 ભાજપનો વાંધો

ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહ દેવે જણાવ્યું હતું કે પાર્ટી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ મુદ્દો ઉઠાવી રહી છે. તેમણે કહ્યું હતું કે અમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી માર્ચમાં કેબિનેટે રૂ. 2 કરોડના ફુવારા અને રૂ. 2.5 કરોડના બગીચાને મંજૂરી આપ્યા બાદ ફરી આ મુદ્દો ઉઠાવ્યો. હવે ટેન્ડર બહાર પડતાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ મોટો મુદ્દો છે.

બેથી ત્રણ સપ્તાહમાં ઈરાન યુદ્ધ ખતમ કરીશું: ટ્રમ્પ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવાના સંકેત આપ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા બે કે ત્રણ સપ્તાહમાં ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરે એવી શક્યતા છે, પરંતુ તે પહેલાં અમેરિકા ખાતરી કરશે કે ઈરાનની સરકાર પરમાણુ હથિયારો બનાવવાની સ્થિતિમાં ન રહે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે શાંતિ કરાર માટે ઈરાન વિનંતી કરી રહ્યું છે. આ પહેલાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું હતું કે ઈરાન યુદ્ધ સમાપ્ત કરવા માગે છે, પરંતુ તેને આ બાબતની ખાતરી મળવી જોઈએ કે તેના પર ફરીથી હુમલો નહીં કરવામાં આવે.

હોર્મુઝ ફરી ખૂલશે, પરંતુ તમારા માટે નહીં — ઈરાની સાંસદનો ટ્રમ્પને સંદેશ

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ અઝીઝીએ પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશ આપતા કહ્યું: હતું કે હોર્મુઝ જળસંધિ ચોક્કસપણે ફરી ખૂલશે, પરંતુ તમારા માટે નહીં, તે માત્ર તેમના માટે ખુલ્લી રહેશે જે ઈરાનના નવા કાયદાઓનું પાલન કરશે.

મુખ્ય મુદ્દાઓ:

* હોર્મુઝ ફરી ખૂલશે, પરંતુ ટ્રમ્પ માટે નહીં — ઈરાન

* કતારના કિનારા પાસે ટેન્કર પર હુમલો

* ઇઝરાઇલનો ઈરાનમાં ફેક્ટરી પર હુમલો

* UAEએ ઈરાનીઓના પ્રવેશ અને ટ્રાન્ઝિટ પર પ્રતિબંધ મૂક્યો

* ઈરાન વિરુદ્ધ અભિયાન હજી પૂરું થયું નથી: નેતન્યાહુ

અહેવાલ છે કે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિએ હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતાં જહાજો પર ટોલ (શુલ્ક) લગાવવાની યોજનાને મંજૂરી આપી છે.

કતારના કિનારા પાસે ટેન્કર પર હુમલો

દોહા કિનારા નજીક એક ટેન્કર પર “અજ્ઞાત પ્રોજેક્ટાઇલ” દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે જહાજના ડાબા ભાગ (પોર્ટ સાઈડ) પર હુમલો થયો, જેને કારણે પાણીની સપાટી ઉપરના ભાગ (હુલ)ને નુકસાન પહોંચ્યું, પરંતુ તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

April Fool: 62 વર્ષ પહેલાં રફી સાહેબે ‘એપ્રિલ ફૂલ બનાયા’ગાયું ને પછી…

એપ્રિલ ફૂલ (April Fool)ના દિવસે અમે તમને ક્લાસિક હિન્દી ફિલ્મ “એપ્રિલ ફૂલ” વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 62 વર્ષ પહેલાં રફી સાહેબે આ ફિલ્મ માટે “એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા” ગીત ગાયું હતું. આ ગીતે પણ આ દિવસને લોકપ્રિય બનાવવામાં મદદ કરી હતી.

1 એપ્રિલ એ એવો દિવસ છે જ્યારે કોઈને મૂર્ખ બનાવવાનો વિચાર ખરાબ માનવામાં આવતો નથી. જો કોઈને ખોટુ લાગે તો “એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા” ગાઓ. આ ગીત 1964 માં આવેલી બિશ્વજીત ચેટર્જી અને સાયરા બાનુ અભિનીત ફિલ્મ “એપ્રિલ ફૂલ” નું છે. ચાલો એપ્રિલ ફૂલના દિવસે આ ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

‘શાગિર્દ’, ‘જંગલી’, અને ‘તીસરી આંખ’ જેવી ફિલ્મો માટે જાણીતા સુબોધ મુખર્જીએ ‘એપ્રિલ ફૂલ’ ની વાર્તા લખી હતી. બંગાળી સુપરસ્ટાર બિશ્વજીત ચેટર્જી મુખ્ય ભૂમિકા ભજવે છે, અભિનેત્રી સાયરા બાનુ દ્વારા સપોર્ટેડ છે. આ ઉપરાંત, આઈ.એસ. જોહર, સજ્જન, રાજન હસકર અને જયંત જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.

‘એપ્રિલ ફૂલ’ની વાર્તા

આ ફિલ્મ એક સામાન્ય છોકરા અને એક શ્રીમંત છોકરીની વાર્તા કહે છે. છોકરો તેના પ્રેમમાં પડે છે. તે માને છે કે તે ગરીબ હોવાથી તે તેને પ્રેમ નહીં કરે. તે શ્રીમંત હોવાનો ડોળ કરે છે, પરંતુ છોકરીને તેની સાચી ઓળખ મળી જાય છે. તે ગુસ્સે થઈ જાય છે. પછી છોકરો “એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા…” ગીત ગાય છે. આ ગીત મોહમ્મદ રફીએ ગાયું હતું.

એપ્રિલ ફૂલના દિવસની કમાણી

આ ફિલ્મ તેના સમયની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ માનવામાં આવતી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ₹40 લાખના બજેટમાં બની હતી. તેણે બોક્સ ઓફિસ પર આશરે ₹95 લાખની કમાણી કરી હતી. આ કલેક્શન સાથે, તે 1964ની પસંદગીની હિટ ફિલ્મોની યાદીમાં જોડાઈ ગઈ. મલયાલમ સિનેમાએ 2010 માં આ જ નામની એક ફિલ્મનું નિર્માણ પણ કર્યું

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત, 15 એપ્રિલથી ઓનલાઈન અરજી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે લાંબા સમય બાદ મોટાં સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન છે.

મહત્વની તારીખો અને સમયમર્યાદા

જાહેરાત ક્રમાંક 01/2026 મુજબ સમગ્ર ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. પારદર્શક પદ્ધતિથી પ્રક્રિયા હાથ ધરાશે. અરજી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026ના રોજ સવારે 12:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યા સુધી રહેશે. ઉમેદવારો http://dpegujarat.in વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં જ અરજી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા વધારવા અને શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર સમયસર નોંધણી કરીને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે.

ICICI બેંકમાં ગોલ્ડ લોન કૌભાંડઃ નકલી સોનું ગિરવે રાખીને રૂ. 23 કરોડની લોન

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાં લગભગ રૂ. 23 કરોડનું ગોલ્ડ લોન કૌભાંડ બહાર આવ્યું છે. આશ્ચર્યજનક રીતે, ICICI બેંકની વિવિધ શાખાઓમાં નકલી સોનાનાં આભૂષણોને અસલી બતાવી ગિરવે રાખવામાં આવ્યાં અને બેંકમાંથી અંદાજે રૂ. 23 કરોડની લોન મેળવવામાં આવી હતી. આ મામલે બેંકની ફરિયાદને આધારે ધંતોલી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે અને વિગતવાર તપાસ શરૂ કરી છે.

બેંકની નવ અલગ-અલગ શાખાઓમાં નકલી દાગીના

આ કૌભાંડ જાન્યુઆરી 2023થી ઓક્ટોબર 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. બેંકે પોતાના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની આંતરિક ઓડિટ કરાવતા આ છેતરપિંડીનો ખુલાસો થયો. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે બેંકની નવ અલગ-અલગ શાખાઓમાં ગિરવે રાખેલાં આભૂષણો વાસ્તવમાં સોનાનાં નહોતાં, પરંતુ નકલી હતાં. માહિતી મુજબ કુલ 195 ખાતાધારકોએ ગેરકાયદે લોન લીધી હતી.

સોનાની શુદ્ધતા તપાસ્યા વગર લોન કેવી રીતે મળી?

બેંકની સત્તાવાર ફરિયાદ બાદ ધંતોલી પોલીસે આરોપીઓ સામે છેતરપિંડીની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે શું બેંકના અંદરના કેટલાક કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ આ ગઠબંધનનો ભાગ હતા કે નહીં, કારણ કે સોનાની શુદ્ધતા ચકાસનાર વેલ્યુઅર્સની મંજૂરી વગર એટલું મોટું લોન મળવી શક્ય નથી. હાલ પોલીસ 195 શંકાસ્પદ ખાતાધારકો અને સંબંધિત વેલ્યુઅર્સની યાદી તૈયાર કરી રહી છે.

નકલી સોનું રાખીને બેંકે ગોલ્ડ લોન કેવી રીતે આપી?

નાગપુર પોલીસના જણાવ્યાનુસાર ICICI બેંકના ઝોનલ ઓફિસમાં કાર્યરત ધનંજય રમેશ થિટેની ફરિયાદને આધારે ધંતોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. બેંક દ્વારા કરાયેલા ગોલ્ડ લોન ઓડિટમાં જાણવા મળ્યું હતું કે મનીભવન શાખા સહિત કુલ નવ શાખાઓમાં જમા કરાયેલું સોનું નકલી હતું.

આરોપ છે કે જાન્યુઆરી 2023થી ઓક્ટોબર 2025 વચ્ચે 159 ખાતાધારકોએ બેંકના વેલ્યુઅર અને ઓડિટર્સ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. નકલી આભૂષણોને અસલી બતાવી બેંકમાંથી અંદાજે રૂ. 23,19,64,751ની લોન લેવામાં આવી. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420, 468, 120(બ) અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

કોમર્શિયલ LPGના ભાવમાં રૂ. 195નો વધારો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાનો અસર કોમર્શિયલ LPGના ભાવ પર જોવા મળ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 195.50નો વધારો કર્યો છે. નવી કિંમતો બાદ રેસ્ટોરાં સંચાલકો માટે પડકારો વધુ વધી શકે છે. દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે રૂ. 2018.50 થઈ ગઈ છે. જ્યારે 1 માર્ચે 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં રૂ. 114.50નો વધારો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ કુકિંગ ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં

રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગ માટેની LPGની કિંમતોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ઘરેલુ કુકિંગ ગેસના ભાવમાં છેલ્લો વધારો 7 માર્ચે થયો હતો. 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં લગભગ રૂ. 60 સુધીનો વધારો થયો હતો. ત્યારથી અત્યાર સુધી ભાવ સ્થિર છે. દિલ્હીમાં હાલમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરની કિંમત રૂ. 913 છે.

વૈશ્વિક પરિસ્થિતિનો પ્રભાવ

પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી ઓઇલની કિંમતોમાં લગભગ 50 ટકા સુધી વધારો નોંધાયો છે. આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઊંચી ઓઇલ કિંમતોનો સામનો કરતા દેશોએ પોતાના ઓઇલની વ્યવસ્થા પોતે જ કરવી જોઈએ, કારણ કે ઈરાન હોર્મુઝ જલસંધિ પર પોતાનો નિયંત્રણ જાળવી રાખી રહ્યું છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં એવા સહયોગી દેશો પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી, જે મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ફરી ખોલવામાં અમેરિકાની મદદ કરવા તૈયાર નથી. તેમણે એમ પણ કહ્યું કે આવા દેશોએ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવું જોઈએ કારણ કે અમેરિકાની પાસે પૂરતું ક્રૂડ ઉપલબ્ધ છે.

એ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોએ અમેરિકા અને ઇઝરાયેલ પર નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું હતું કે ઈરાન અને વેનેઝુએલામાં સત્તા પરિવર્તનની અમેરિકી યોજના પાછળનો હેતુ ઓઇલ અને ગેસના સ્ત્રોતો પર નિયંત્રણ મેળવવાનો છે.

રવા-ચણાના લોટના દાણેદાર લાડુ

હનુમાન જન્મોત્સવમાં હનુમાનદાદાને ધરાવવા માટે સ્વાદિષ્ટ રવા-ચણાના લોટના દાણેદાર જ્યુસી લાડુનો પ્રસાદ બનાવી શકાય છે.

સામગ્રીઃ ચણાનો લોટ 1 કપ, રવો 1 કપ, સાકર ½ કપ, એલચી પાઉડર ½ ટી.સ્પૂન, ઘી 1½ કપ, કાજુ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ ચણાના લોટ તેમજ રવામાં 4 ટે.સ્પૂન ઘી ઓગાળેલું મેળવીને લોટને હાથની મુઠ્ઠીમાં વાળતા તે બંધાય તેવો થાય એટલે તેમાં થોડું થોડું કરીને હલકું ગરમ પાણી રેડીને લોટ બાંધી લો. આ લોટને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

ત્યારબાદ તેમાંથી નાના લૂવા વાળી લો. અથવા નાના ચપટા ગોળા વાળીને આ લૂવાને એક કઢાઈમાં 1 કપ ઘી ગરમ કરીને ગેસની આંચ ધીમી-મધ્યમ કરીને સોનેરી રંગના તળી લો.

આ લૂવા ઠંડા થાય એટલે તેના નાના ટુકડા કરીને મિક્સીમાં નાખીને પલ્સ મોડ પર તેના કરકરો ભૂકો કરી લો. તેમાં એલચી પાઉડર તેમજ કાજુ-બદામ-પિસ્તાની કાતરી મેળવી લો.

એક વાસણમાં સાકર લઈ તેનાથી અડધું પાણી રેડીને ગરમ કરવા મૂકો અને ચમચા વડે સતત હલાવતા રહો. સાકર ઓગળે અને પાણી ઉકળવા લાગે એટલે થોડીવાર બાદ ચમચા વડે તેમાંથી એક ટીપું કોઈ ડીશમાં નાખીને આંગળીમાં લઈ જુઓ. જો તે ચિપચિપું લાગે એનો તાર ન બનવો જોઈએ. તાર બનીને તૂટે એવું થાય એટલે ગેસ બંધ કરી દો.

આ સાકરનું પાણી ઠંડું થાય પણ સહેજ ગરમ હોય એટલે લાડવા માટેના મિશ્રણમાં થોડું થોડું મેળવતાં જઈને લાડુ વાળી જુઓ લાડુ વળે એટલે બધા લાડુ વાળીને તૈયાર કરી લો.