Home Blog Page 1505

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

બનાસકાંઠા: જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પ્રતિવર્ષ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી 12 થી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં ગણેશ ઉત્સવની રોનક, 2500થી વધુ પંડાલ, સાદા કપડામાં પોલીસ તૈનાત

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શનિવારથી એટલે કે આજથી 2,500 થી વધુ ગણેશ મંડળો અને લાખો પરિવારો દસ દિવસીય ગણેશ ઉત્સવની ઉજવણી કરશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે સત્તાવાળાઓને ગણેશ મંડળો તરફથી 3,358 અરજીઓ મળી હતી અને શુક્રવાર સુધીમાં 2,635 મંડળોને પંડાલ સ્થાપવાની પરવાનગી આપવામાં આવી છે. તેમણે માહિતી આપી હતી કે 300 થી વધુ અરજીઓ હજુ મંજૂરી માટે પેન્ડિંગ છે. ગણેશ મંડળો, એવા જૂથો છે જે જાહેર સ્થળોએ ગણેશોત્સવ ઉજવે છે. શનિવારે ઘરો અને પંડાલોમાં વિધિ પ્રમાણે પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યુ.

સીએમ શિંદેએ લોકોને અપીલ કરી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે લોકોને ગણેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી અને તેમને ઈકો ફ્રેન્ડલી રીતે તહેવારની ઉજવણી કરવા વિનંતી કરી હતી. તે જ સમયે વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન મુંબઈમાં સુરક્ષા માટે લગભગ 15,000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. અહીંના એક અધિકારીએ જણાવ્યું કે 32 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, 45 આસિસ્ટન્ટ કમિશનર, 2,435 અધિકારીઓ, 12,420 કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ, રેપિડ એક્શન ફોર્સ અને રાયોટ કંટ્રોલ યુનિટના જવાનોને રસ્તાઓ પર તૈનાત કરવામાં આવશે.

પોલીસ અધિકારીઓ સાદા વસ્ત્રોમાં તૈનાત રહેશે

શહેરની ત્રણેય મેટ્રો લાઇન પર ગણેશ ઉત્સવ દરમિયાન છેલ્લી ટ્રેનનો ઓપરેટિંગ સમય લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપરેટરોએ જણાવ્યું હતું કે આનાથી 10 દિવસના ઉત્સવ દરમિયાન રાત્રે પંડાલમાં આવતા ભક્તોને મદદ મળશે. મુંબઈ પોલીસે ગણેશોત્સવ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક સુરક્ષા વ્યવસ્થા કરી છે. સરઘસ, ભક્તોની કતારો અને અન્ય ભીડવાળા વિસ્તારોમાં ગતિવિધિઓ પર નજર રાખવા સાદા વસ્ત્રોમાં પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. વધુમાં, પોલીસે વિસર્જન પછી ગણેશની મૂર્તિઓના ફોટા બતાવવા પરના પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે.

સારી આદતો તમારી ગુલામ છે કે તમે એમના ગુલામ છો?

રુસ્તમ શિસ્તબદ્ધ જીવન જીવવા માટે જાણીતો હતો. સવારે ઉઠવાથી માંડીને નાસ્તો કરવો, કામ માટે રવાના થવું, સાંજે ઘરે પાછા આવીને જમવા બેસવું અને રોજિંદો ક્રમ પતાવીને નિદ્રાદેવીને શરણે થવું એ બધા માટેનો એનો સમય નિશ્ચિત હતો. એના મિત્રો અને સંબંધીઓ તો મજાકમાં એમ જ કહેતા કે ઘડિયાળ પોતાનો સમય રુસ્તમનો ક્રમ જોઈને નક્કી કરે છે.

મણિકાંતભાઈને ક્યારે પણ પૂછો, તાજામાં તાજા સમાચારની ખબર હોય. તેઓ સમાચાર માટે અખબારો તો વાંચતા જ, સાથે સાથે ટીવી, ડિજિટલ મીડિયા અને સરકારી વેબસાઇટ્સ પણ જોઈ લેતા અને છેલ્લામાં છેલ્લી ઘટનાથી વાકેફ રહેતા.

માલિનીબેન કરુણાની મૂર્તિ હતાં. ‘જનસેવા એટલે જ પ્રભુસેવા’ એ એમનો જીવનમંત્ર હતો. ક્યારે પણ કોઈનેય જરૂર પડે ત્યારે તેઓ મદદરૂપ થતાં. ઘણી વાર તો કોઈ સહાય માગે એ પહેલાં જ તેઓ પહોંચી જતાં.

દુનિયા માટે આ ત્રણે વ્યક્તિઓ અસાધારણ કહેવાય. જો કે, મનથી તેઓ પોતાની જીવનશૈલીથી ખુશ હતાં કે પછી એ જીવનશૈલીનાં ગુલામ બની ગયાં હતાં એ કહેવું એમના પોતાના માટે પણ મુશ્કેલ હતું.

ધારો કે રુસ્તમના રોજિંદા ક્રમમાં નોકર ચા બનાવવામાં મોડું કરે, પોતાની તબિયત બરોબર ન હોય, કામ પર જતી વખતે રસ્તામાં ટ્રાફિક જામ હોય, ઘરે મહેમાનો હોવાથી સાંજનું જમવાનું મોડું બન્યું હોય, વગેરે જેવી હાથ બહારની કોઈ વાતે ભંગાણ પડે તો શું થાય? આ બધું થવા છતાં જો એનું મન અશાંત ન થાય તો એની જીવનશૈલીમાં કંઈ ખોટું નથી, પણ જો એ ખિન્ન થઈ જાય તો તેનો અર્થ એવો થયો કે એ પોતાની જીવનશૈલીનો ગુલામ બની ગયો છે.

મણિકાંતભાઈની બાબતે પણ આમ જ કહી શકાય. ધારો કે કોઈ કારણસર તેઓ તાજા સમાચાર મેળવી શકે નહીં તો શું?

ધારો કે માલિનીબેને કોઈને મદદ કરી હોય અને એ માણસ એમનો આભાર માનવાનું ચૂકી જાય તો શું માલિનીબેન એ બાબતને ચલાવી લેશે?

મારા કઝિન અંશને વાંચનનો જબરો શોખ. એનું વાંચન વિશાળ હતું. એની બીજી સારી આદત એ હતી કે પોતે કંઈ સારું વાંચ્યું હોય તો બીજાને પણ એ મોકલે. જોનારને તો આ ઘણી સારી આદત લાગે, પરંતુ અંશને હંમેશાં એવી ઈચ્છા રહેતી કે એણે જેને સારી વાંચનસામગ્રી મોકલી હોય એ માણસ એનો આભાર માને અથવા તો એનાં વખાણ કરે. જો એ માણસનો કોઈ પ્રતિભાવ આવે નહીં તો એ સામેથી ફોન કરીને પૂછે, ”મેં મોકલાવેલું લખાણ વાંચ્યું કે નહીં, ગમ્યું કે નહીં?”

ઉપરોક્ત બધાં ઉદાહરણમાં બધી વ્યક્તિઓ દુનિયામાં પોતાની એક વિશિષ્ટ જીવનશૈલીને કારણે ઓળખાય છે. જો કે, એમના માટે એ એક પ્રકારની ગુલામી બની ગઈ છે. તેઓ પોતાની રીતભાતથી કંઈ પણ અલગ કરી શકતાં નથી. જો એ જીવનશૈલીને લીધે એમનાં વખાણ થવા લાગે તો તેઓ વધુ ગુલામ બનતા જાય.

સોશિયલ મીડિયા પર આપણી પોસ્ટને મળતી ‘લાઇક’ જેવી આ વાત છે. જો કોઈ પણ માણસ પોસ્ટને ‘લાઇક’ કરે નહીં તો શું થાય?

ગુલામ ક્યારેય પોતાની રીતે જિંદગી જીવી શકતો નથી. આપણે પોતાની અમુક પ્રકારની જીવનશૈલીના એવા ગુલામ બની ગયા હોઈએ છીએ જાણે કે વેઠિયા મજૂર. ક્યારેક પોતાનો નિત્યક્રમ ખોરવાઈ જાય તોપણ રુસ્તમની માનસિક શાંતિ જળવાઈ રહેવી જોઈએ. એણે ખિન્ન કે ઉદાસ થવું જોઈએ નહીં. મણિકાંતભાઈને ચાર-પાંચ દિવસ તાજામાં તાજા સમાચાર મળે નહીં એવી સ્થિતિ હોય તોપણ એમના મનમાં કોઈ ઊથલપાથલ મચવી જોઈએ નહીં. કોઈ માણસ માલિનીબેનના ઉપકારનો આભાર માનવાનું ચૂકી જાય અને અંશને કોઈ પ્રતિભાવ આપે નહીં તો એમને માઠું લાગવું જોઈએ નહીં.

પોતાની કોઈ વિશિષ્ટ જીવનશૈલી ન હોવી જોઈએ એવું કહેવાનું મારું તાત્પર્ય નથી. મારે તો ફક્ત એટલું જ કહેવું છે કે પોતે કોઈ સારી આદતના ગુલામ છે કે પછી સારી આદતો પોતાની ગુલામ છે એ બાબતે દરેક વ્યક્તિએ આત્મચિંતન કરવું જોઈએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

લોરેન્સની ‘સાજન’ માં આમિરનું સ્થાન સંજય દત્તે લીધું હતું

લોરેન્સ ડિસોઝાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘સાજન’ (1991) માં કલાકાર જ નહીં સંગીતકાર પણ બદલાયા હતા. ગોવિંદા- નીલમની ફિલ્મ ‘હત્યા’(1988) માં સિનેમેટોગ્રાફર તરીકે લોરેન્સનું કામ જોઈ નિર્માતા ભાર્ગવે ગોવિંદા અને ફરાહ સાથે ‘ઘાવ’ ના નિર્દેશક તરીકે સાઇન કર્યા હતા. હેમામાલિની લોરેન્સને શ્રેષ્ઠ કેમેરામેન માનતા હતા એટલે એમાં ગોવિંદાની માતાની ભૂમિકા માટે લોરેન્સ એમની પાસે ગયા હતા. ત્યારે હેમાજી હીરોઈન તરીકે કામ કરતાં હોવાથી માતાની ભૂમિકાની વાત જાણી ભડકી ગયા હતા. પણ લોરેન્સની પહેલી ફિલ્મ હોવાને કારણે હા પાડી હતી.

કમનસીબે એક ભાગ બન્યા પછી ફિલ્મ બંધ પડી ગઈ. દરમ્યાનમાં લોરેન્સને સુમિત સાયગલ સાથે મિત્રતા હતી એટલે એણે કહ્યું કે એક મોટા નિર્માતા સુધાકર બોકાડે છે. અત્યારે ‘ઇજ્જતદાર’ બનાવી રહ્યા છે. લોરેન્સ બોકાડેને મળ્યા અને એક કોલેજની મર્ડર મિસ્ટ્રીવાળી વાર્તા પર ફિલ્મ બનાવવાની વાત કરી. બોકાડે તૈયાર થઈ ગયા અને લોરેન્સે એક જ મહિનામાં જીતેન્દ્ર- જયાપ્રદા અને સુમિત- શિલ્પા સાથેની ‘ન્યાય અન્યાય’ (1990) ફિલ્મ બનાવી. એ ખાસ ચાલી નહીં. પણ એમાં કામ કરતી શિલ્પા શિરોડકરે લોરેન્સની ઝડપથી કામ કરવાની ખાસિયતના એના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ સમક્ષ વખાણ કર્યા. ત્યારે રિક્કુ માધુરીના પણ સેક્રેટરી હતા. રિક્કુએ રીમાને વાત કરી.

એની પાસે એક વાર્તા હતી. બધાંએ ભેગા મળી નક્કી કર્યું કે લોરેન્સના નિર્દેશનમાં એક ફિલ્મ ‘સાજન’ બનાવીએ. મુખ્ય કલાકારોમાં સલમાન, આમિર અને માધુરી દીક્ષિતના નામ નક્કી કર્યા. સલમાન અને માધુરી તૈયાર થયા પછી આમિરને ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે એણે નિર્દેશકનું નામ જાણી પૂછ્યું કે એણે શું કામ કર્યું છે? એને કહેવામાં આવ્યું કે છેલ્લે કેમેરામેન તરીકે ફિલ્મ ‘હત્યા’ કરી છે. તે 25 થી વધુ ફિલ્મોમાં કેમેરામેન તરીકે કામ કરી ચૂક્યા છે. આમિરે રસ ના બતાવ્યો એટલે આમિરની વાતથી નારાજ થઈ બોકાડેએ એમ કહી દીધું કે હું તમારા માટે નહીં લોરેન્સ ડિસોઝા માટે ફિલ્મ બનાવી રહ્યો છું. અને આમિરને ત્યાંથી પાછા આવી ગયા. એમણે આમિરના સ્થાને સંજય દત્તનો વિચાર કર્યો. એક જગ્યાએ એ શુટિંગ કરતો હતો ત્યાં જઈને વાત કરી.

સંજયને કહેવામાં આવ્યું કે એક લંગડા માણસનું પાત્ર છે. એ વાર્તા સાંભળી કામ કરવા તૈયાર થઈ ગયો. સંગીત માટે લક્ષ્મીકાન્ત- પ્યારેલાલનો સંપર્ક કરવામાં આવ્યો. લોરેન્સ કેમેરામેન હતા ત્યારે એમની સાથે મિત્રતા હતી. નિર્દેશક તરીકેની ફિલ્મની વાત કરી ત્યારે એમણે હા પાડી પણ એ સમય પર એ સુભાષ ઘઈ વગેરે મોટા નિર્દેશકોની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી સંગીતની ચર્ચા કરવા સમય ફાળવતા ન હતા. લોરેન્સ ઘણી વખત એમની પાસે ગયા પણ સમય આપતા ન હતા.

એક દિવસ થોડો સમય આપ્યો પછી વળી મળતા ન હતા. બોકાડે પણ એક વખત એમને ત્યાં ગયા. એમને પણ મળ્યા નહીં એટલે એમના સ્થાને નદીમ- શ્રવણને લેવાનો વિચાર કરી એમની પાસે ગયા. લોરેન્સે વાર્તા સંભળાવી એટલે નદીમે પોતાની પાસેના એક-બે ગીત સંભળાવ્યા. લોરેન્સને એ પસંદ ના આવ્યા. નદીમે પોતાની પાસેની એક ગ્રીન ફાઇલ કાઢી અને ‘બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ’ સંભળાવ્યું એ પસંદ આવ્યું. એટલે નદીમ-શ્રવણે એક પછી એક સાત ગીત રજૂ કર્યા અને એક જ કલાકમાં લોરેન્સે બધાં પસંદ કરી લીધા. એનું રેકોર્ડિંગ કર્યું અને શુટિંગ પણ ઝડપથી પૂરું કરી લીધું. ત્યારે કોઈને કલ્પના ન હતી કે સંગીત જ નહીં પણ ફિલ્મ આટલી મોટી હિટ રહેશે.

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મહાપર્વ પર્યુષણનો આનંદોત્સવ

મુંબઈ: આજના આ અત્યંત વ્યસ્ત જીવનમાં સ્વયંને મળવાનો વિશ્રાંતિરૂપ સમય એટલે પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રશાંત નિશ્રામાં ગાળેલા પર્યુષણ પર્વના આઠ દિવસ! શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા મુંબઈના વર્લીના વિશાળ એન.એસ.સી.આઈ. ડોમમાં આયોજિત પર્યુષણ પર્વની આ અષ્ટદિવસીય ઉજવણીઓમાં દેશ વિદેશથી હજારો લોકો પ્રત્યક્ષ તેમજ ઓન લાઈન લાખો લોકો જોડાયા હતા. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન નિશ્રામાં ઉજવાયેલ આ પર્વ એક ઝળહળતું ઉદાહરણ છે, ઉત્સવ અને ઉંડાણના અદ્ભૂત સમન્વયનું! સવારની સ્નાત્રપૂજા અને સાંજની વિવિધ ભક્તિમય પ્રસ્તુતિઓ જેમ કે ‘જૈનધર્મ કા યશોગાન’ નાટ્યપ્રયોગ, સહુને ગહન શાંતિમા લઇ જનાર સાઉન્ડબાથ અને કેન્ડલલાઈટ મેડિટેશન અને શ્રી મહાવીરજન્મની ભવ્ય ઉજવણીઓએ ઉત્સવનું ભવ્ય વાતાવરણ સર્જી રહ્યું છે. આ સમગ્ર આરાધનાનું મુખ્ય આકર્ષણ એવા પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના સવાર-સાંજના પ્રવચનો આત્માને ઢંઢોળનારા તથા સ્વયંના ઊંડાણમાં પ્રેમભીનો સ્પર્શ કરાવતાં બની રહ્યા છે! આ વર્ષે, પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી સવારે ‘નાટક સમયસાર’ પર અને સાંજના જાગૃતિ પ્રેરક પ્રવચનોમાં ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત’ પર આધારિત ‘ધર્મનું યથાર્થ સ્વરૂપ’ ઉદ્દઘાટિત કરી રહ્યા છે. તેઓ શ્રી ભગવાન મહાવીરના સિદ્ધાંતોને એટલી સચોટ અને સરળ શૈલીમાં સમજાવે છે કે શ્રોતાઓને તેમની વર્તમાન સમસ્યાઓના સમાધાન તેમાંથી જ મળી જાય છે. ધર્મને તેઓ જીવનની ગુણવત્તા સુધારવાના એક માર્ગ અને આંતરિક રૂપાંતરણનું કારણ બનાવે છે. ધર્મ પ્રત્યેની સમજને વધુ ગહન બનાવતા આ સરળ અને સચોટ પ્રવચનોથી પ્રેરિત થઇ શ્રોતાજનોની વધુ અર્થપૂર્ણ જીવન જીવવાની પ્રતિબદ્વતા મજબૂત થઇ રહી છે. અધ્યાત્મ ઉપરાંત પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીએ સમાજસેવા પર પણ ખુબ ભાર મુક્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષોથી વૈશ્વિક સ્તરે અનેક સેવા પ્રોજેક્ટસ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. આ અષ્ટદિવસીય ઉજવણીઓની અનેક સંધ્યાઓએ થયેલ વિમોચનોએ પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની કરુણાનો સ્પર્શ કરાવ્યો, જે વ્યક્તિગત અને સામાજિક ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર બની રહેશે. ‘SRMD કોર્સીસ’નું વિમોચન પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા, UBS બેંકના વડા અને મેરેથોન રનર મિકી દોશી, NVIDIA કોર્પોરેશનના બોર્ડ સભ્ય ડૉ. આરતીબેન શાહ અને નવનીત એજ્યુકેશન લી.ના મેનેજીંગ ડાયરેકટર સુનિલ ગાલા અને સુપ્રસિદ્ધ લેખક અમીશ ત્રિપાઠીના શુભ હસ્તે કરવામાં આવ્યું. જીવનને વધુ શ્રેષ્ઠ બનાવતાં શારીરિક, માનસિક, પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક એમ પાંચ આયામોનો સુમેળ ધરાવતાં આ કોર્સીસ પ્રાચીન આધ્યાત્મિક બોધ પર આધારિત છે, જે ભાગ લેનારને પૂર્ણ સુખાકારી અને પરિપૂર્ણતા પામવાના સાધન રૂપ બની રહેશે. ‘મિશન આફ્રિકા’ પ્રોજેક્ટ અંતર્ગત આફ્રિકા ખંડના 16 દેશોમાં ભોજન, પાણી, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, વ્યવસાયિક તાલીમ, કૃષિ વિકાસ અને આરોગ્યના મુદ્દાઓ પર કાર્ય કરવામાં આવશે. આ 16 દેશોનું પ્રતિનિધિત્વ કરતાં તાન્ઝાનિયા, કેન્યા, ધ ગેમ્બિયા, રવાન્ડા, બુરુન્ડી, ચાડ, ઇથોપિયા અને ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ ધ કોંગોના એમ્બેસડર અને હાઈ કમિશનરો દ્વારા ‘મિશન આફ્રિકા’નો શુભારંભ કરવામાં આવ્યો. આ રીતે, પૂજ્ય ગુરૂદેવ શ્રી રાકેશજીએ પર્યુષણ પર્વને સ્વયંની નજીક સરકવાનો અને અન્યની નિઃસ્વાર્થ સેવાનો ઉત્સવ બનાવ્યો છે.

રાશિ ભવિષ્ય 07/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

મહિલાઓ જાતીય સતામણીની ફરિયાદ કરી શકે એવું માળખું જરૂરી

જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ સિનેમા અત્યારે સવાલોના ઘેરામાં છે. આ કમિશન સામે મલયાલમ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી અન્ય મહિલાઓ તેમની સાથે થયેલા જાતીય સતામણી અને હુમલાઓની ભયાનક ઘટનાઓ શેર કરી છે. રિપોર્ટમાં મલયાલમ સિનેમા સાથે જોડાયેલા મોટા માથાંઓ પર પણ જાતીય સતામણીના આરોપ લાગ્યા છે. ત્યારે ચિત્રલેખા.કોમના છોટી સી મુલાકાત વિભાગમાં અમે આજે આ રિપોર્ટ અને વર્ક પ્લેસ પર મહિલાઓ સાથે થતી જાતિય સતામણીની ઘટના અંગે અવાજ સંસ્થાના ડિરેક્ટર ડૉ. ઝરણા પાઠક સાથે વાત કરી. 

ચિત્રલેખા:ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ સાથેના શોષણ વિશે તમારું શું કહેવું છે? ખાસ કરીને જસ્ટિસ હિમા કમિટીના રિપોર્ટ બાદ.

ડૉ. ઝરણા પાઠક: રિપોર્ટ આવ્યો પણ ખુબ મોડો આવ્યો, ખુબ જ પ્રેશર કરવામાં આવ્યું ત્યાર બાદ લોકો સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે. સરકાર પર પ્રેશર કરનાર મલયાલમ ઈન્ડસ્ટ્રીઝની મહિલાઓના ગ્રુપે પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આથી એ પ્રેશર ગ્રુપના કારણે આ બિરદાવવા જેવું પગલું તો ખરું જ. એક  ઈન્ડસ્ટ્રીઝની નહીં આપણે બધા જ પ્રકારના કામના સ્થળની વાત કરીએ. આ તો એક રિપોર્ટ છે જે બહાર આવ્યો એટલે આપણે એના વિશે આટલી ચર્ચા કરી રહ્યા છીએ.

આ ફક્ત મલાયલમ ઈન્ડસ્ટ્રીઝની જ વાત છે, બીજી ઈન્ડસ્ટ્રીઝમાં આવું નહીં હોય?

બીજી જે ઈન્ડસ્ટ્રીઝ છે, જ્યાંથી રિપોર્ટ કે બીજી કોઈ માહિતી બહાર નથી આવી. ત્યાં શું પરિસ્થિતિ હશે તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. ‘Me Too’ મુવમેન્ટ વખતે તનુશ્રી દત્તા અને બીજી મહિલા કલાકારોએ પણ અનેક પ્રકારની ફરિયાદો કરી હતી. તેમ છતાં આજે પણ જે લોકો સામે ફરિયાદો છે તે લોકો બોલીવુડમાં આજે પણ કામ કરી જ રહ્યા છે. ઊંચા હોદ્દાઓ પર બેઠા છે. આથી જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટને આપણે બહુ જ પોઝિટિવલી જોવો જોઈએ. કારણ કે તે બહાર આવ્યો, અને ત્યારબાદ જવાબદારો સામે આંગળીઓ પણ ઉઠી રહી છે. બાકી બોલિવૂડમાં તો કોઈપણ વ્યક્તિ સામે આવીને કંઈ બોલવા જ તૈયાર નથી. બીજી તરફ જે મહિલાઓ અવાજ ઉઠાવે છે તેમને કામ મળતું બંધ થઈ જાય છે. જે જોઈને અન્ય મહિલાઓ પણ અવાજ ઉઠાવતી નથી.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર મલાયલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મહિલાઓનું જાતિય શોષણ, ઓછું મહેનતાણું અને કામના સ્થળ પર શૌચાલય કે ચેન્જિંગ રૂમ પણ ન હોવા. આ અંગે તમારું શું કહેવું છે?

બહેનો માટે જો વૉશરૂમ ફેસિલિટી ના હોય, ચેન્જિંગ રૂમ ના હોય, ઈન્ટિમેટ સીન કરતા સમયે મહિલાઓ માટે મોડરેટર ના હોય ત્યારે પ્રશ્ન એ થાય કે મહિલાઓને આ બધી વસ્તુઓની ડિમાન્ડ કેમ કરવી પડે છે? આ તો દરેક વ્યક્તિના ફન્ડામેન્ટલ રાઇટ્સ છે, તો પછી એ તો માગ્યા વગર જ આપવા જોઈએ. કોલકતા રેપ એન્ડ મર્ડર કેસના રેફરન્સથી વાત કરીએ તો મહિલાઓ માટે આરામ કરવા માટે પણ એક સલામત સ્થળ હોવું જોઈએ. પરંતુ આ બધું આજે પણ મહિલાઓને માગવું પડે છે. કારણ કે મહિલાઓ ઘરની બહાર નીકળીને કામ કરવા જાય, એ પણ પોતાના જોખમે જાય છે આ બધી વસ્તુઓ આજે પણ સામાન્ય ગણવામાં આવતી નથી. મહિલાઓને પોતાના કામના સ્થળે પાયાની જરૂરિયાતો માંગવી પડે તે પુરૂષ પ્રધાન સમાજમાં આજે પણ મહિલાઓનું કામ કરવું કેટલું અસ્વીકાર્ય છે તે વાતને પ્રતિબિંબિત કરે છે.2017માં બનેલી કમિટીએ તેનો રિપોર્ટ 31 ડિસેમ્બર, 2019માં કેરળ સરકારને સુપ્રત કર્યો હતો. રિપોર્ટ બહાર આવવામાં લગભગ 5 વર્ષનો વિલંબ થયો એ વિશે તમારું શું કહેવું છે?

હિંસા હંમેશા પાવરફુલ લોકોથી જ કરતા હોય છે. એટલે જ ઊંચા સ્થાનો પર બેઠેલા પાવરફૂલ લોકો આ પ્રકારના રિપોર્ટ બહાર ન આવવા દે. કારણ કે જો રિપોર્ટ બહાર આવે તો તેમના પર અનેક પ્રશ્નો ઉભા થઈ શકે છે. જો કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી બહેનોને સલામ છે કે તેમના અથાગ પ્રયત્નો પછી આ રિપોર્ટ બહાર તો આવ્યો. પરંતુ એવાં ઘણા બધાં રિપોર્ટ છે જે સરકારમાં સબમિટ થયા બાદ બહાર આવતા જ નથી. જેમ કે ગુજરાતમાં નલિયા દુષ્કર્મ કાંડનો જસ્ટિસ દવે કમિશનનો રિપોર્ટ બહાર લાવવા માટે અમારે ખુબ જ લડત કરવી પડી હતી. જસ્ટિસ માટેના પગલાં લેવા તે બહુ મોટી વાત છે, તો જ મહિલાઓ પોતાના સાથે થતાં અત્યાચારો વિશે બોલવા માટે આગળ આવશે. જો ન્યાય આપવામાં મોડું થાય તો પણ મહિલાઓ સાથે અન્યાય થવા બરાબર જ છે. બીજું કે આપણે રાજકોટના આટકોટ બળાત્કાર કેસમાં જોયું તેમ પીડિતાની ફરિયાદ બાદ પણ આરોપીઓને પકડવાના બદલે મહિલાના ચારિત્ર્ય ઉપર પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. આથી જ મહિલાઓ પોતાની સાથે થતાં અત્યાચારો વિશે બોલવા માટે આગળ આવતી નથી. મહિલાઓ સાથે થતાં અત્યાચારોના કેસોને હંમેશા દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

કોઈપણ પ્રોફેશનમાં મહિલાઓને એડજેસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઈઝ કરવાનું કહેવામાં આવે છે?

એડજસ્ટમેન્ટની વાત તો આપણને ઘરમાંથી જ શીખવવામાં આવે છે. દીકરીઓને તો ગળથૂથીમાં જ આ વસ્તુ આપવામાં આવે છે. આથી જ્યારે વર્કપ્લેસમાં પણ મહિલાઓ સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવે છે ત્યારે તેઓ ચૂપ રહેવાનું વધારે પસંદ કરે છે. પરંતુ આમ કરવાથી મહિલાઓ પોતાના જીવનને વધારે અઘરૂં બનાવે છે. બીજી વાત એ કે ક્યારેક એક મહિલા સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર થાય ત્યારે બીજી મહિલાઓ પણ તેને સાથ આપતી નથી. આથી મહિલાઓ એવું વિચારે છે કે જો મારે કામ કરવું છે તો મારે દરેક પરિસ્થિતિને એડજસ્ટ થઈને જ રહેવું પડશે. નહીં તો મારું કામ છૂટી જશે. બીજી વાત કે મહિલાઓ સાથે 90 % કેસોમાં જાતિય સતામણી ઘરના વ્યક્તિ, સગા-સંબંધીઓ અથવા તો ઓળખીતા લોકો દ્વારા જ થાય છે. આ 90 % કેસોમાંથી પણ 96% કેસો તો સામે જ આવતા નથી. માત્ર 4%  મહિલાઓ પોતાની સાથે થયેલી જાતિય સતામણી વિશે ફરિયાદ કરે છે. આમ જે સ્ત્રી ઘરમાં જાતિય સતામણી સહન કરે છે, એ જ સ્ત્રી વર્ક પ્લેસ પર આવીને પણ બોલતી નથી.

આ અંગે તમારો કોઈ કેસ સ્ટડી હોય અથવા તો તમારા મંતવ્યો શું છે?

એન્જિનિયર થઈને કોલેજમાંથી નીકળેલ દીકરી મોટી કોર્પોરટ ઓફિસમાં ઈન્ટર્ન તરીકે જોડાય છે. તો ત્યાં તેના સાથી કર્મચારી તેને ફૉલો કરે છે, સ્ટૉક કરે છે, સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનવા અને ફૉલો બેક કરવા માટે પ્રેશર કરે છે. આ પ્રકારની સતામણીના કિસ્સા મળે છે. કોર્પોરેટ ઓફિસમાં ઈન્ટરનલ કમિટીમાં આ દીકરીઓ વાત કરી શકે નહીં. અમારી પાસે ઓફિસમાં વાત લઈને આવી, તો અમે તો કેસ દાખલ કરવા માટે જ કહીએ. તો એ દીકરીઓનું કહેવું હતું કે જો અમે લેખિતમાં ફરિયાદ કરીશું તો અમને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે અને પછી બીજી કોઈ કંપની અમને કામ પણ નહીં આપે. કારણ કે એ લોકોને અમે ટ્રબલ મેકર જેવા લાગીએ.

બીજી વાત કે વર્ક પ્લેસ પર જ્યારે મહિલા સાથે જાતિય સતામણી થાય તો બે પ્રકારના વર્ગ હોય છે. જેમાં પહેલાં વર્ગમાં ત્રીજા કે ચોથા વર્ગના કર્મચારી આવે. જો તેઓ સામેલ હોય તો તેમને તાત્કાલિક ધોરણે કામમાંથી છૂટા કરી દેવામાં આવે છે. પરંતુ જો જાતિય સતામણીના કેસમાં પહેલાં કે બીજા વર્ગના કર્મચારી સામેલ હોય તો તેમને સંસ્થા માટે ખુબ જ મહત્વના વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આથી પછી પીડિત મહિલાને કોઈપણ કારણ આપીને છૂટી કરવામાં આવે છે. પછી કહેવામાં આવે છે કે મહિલાએ ખોટી ફરિયાદ કરી હતી. આપણે ઘણી વખત સાંભળીએ છે કે મહિલાઓ ખોટી ફરિયાદો લખાવે છે. પરંતુ આવા કેસો ખુબ જ ઓછાં હોય છે. ખોટી ફરિયાદનું કારણ એ આપવામાં આ છે કે આરોપી વિરૂદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ પુરાવા તો શોધો તો મળે ને. જો વગદાર વ્યક્તિ પોતાની વગનો ઉપયોગ કરે તો એવા કેસોમાં પુરાવા ન પણ મળે. આથી મહિલાની ફરિયાદ કેવી રીતે ખોટી થઈ જાય?

ગુજરાતમાં કામના સ્થળો પર મહિલાઓની  સ્થિતિ કેવી?

ગુજરાતમાં વિમેન્સ એન્ડ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ બધી જ જગ્યાઓ પર સેન્સિટાઈઝેશન કાર્યક્રમો કરે છે. નેશનલ કમિશન ફોર વિમેન પણ કાર્યક્રમો કરે છે. જે ઓફિસોમાં 10 કે 10 કરતાં વધુ મહિલાઓ કામ કરતી હોય ત્યાં મહિલાઓ માટે સ્પેશિયલ સેલ પણ ઓફિસમાં જ હોય છે. પરંતુ મારે એ કહેવું છે કે રસ્તાઓ પર કામ કરતી મહિલા સફાઈ કર્મચારી કે પછી ખેત મજૂરી કરતી મહિલા છે, જો તેની સાથે કોઈપણ પ્રકારની જાતિય સતામણી થાય તો તે કોને ફરિયાદ કરવા માટે જાય. આ મહિલાઓને તો આવા વિષયોનું જ્ઞાન પણ હોતું નથી કે જો તેમની સાથે જાતિય સતામણી થાય તો તેમણે ક્યાં ફરિયાદ કરવી. જિલ્લા કક્ષાએ સરકાર દ્વારા જાતિય સતામણીના કેસો માટે લોકલ કમિટી બનાવેલી હોય છે. પરંતુ નાના કોઈ ગામમાં કામ કરતી કોઈ મહિલા સાથે જાતિય સતામણી થાય તો તે ફરિયાદ કરવા માટે જિલ્લા કક્ષાએ કેવી રીતે જાય? આથી દરેક મહિલા સુધી પહોંચી શકાય તે પ્રકારનું માળખું સરકાર દ્વારા તૈયાર કરવામાં આવવું જોઈએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

ગુલકંદ – ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૪

૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૪

પંચાંગ 07/09/2024