નવી દિલ્હીઃ બેન્કોમાં ડિપોઝિટની વૃદ્ધિની ઝડપ ઘટવાથી દેશના બેન્ક અને મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઘમસાણ મચ્યું છે. બેન્કોમાં સતત ડિપોઝિટનું લેવલ ઘટતું જઈ રહ્યું છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારો દ્વારા કરવામાં આવતા મૂડીરોકાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે હાલમાં બેન્કોની ડિપોઝિટની વૃદ્ધિમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. RBIના તાજા ડેટા મુજબ જૂન, 2024માં પૂરા થયેલા ત્રિમાસિકમાં ડિપોઝિટ 11.7 ટકાના દરે વધી હતી, જ્યારે બેન્કની ક્રેડિટમાં 15 ટકાનો વધારો થયો હતો. ડિપોઝિટ અને ક્રેડિટમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેપ આવ્યો છે. આ વધતા ગેપને કારણે સરકાર અને RBIની ચિંતા વધી છે.
બેન્કોમાં ડિપોઝિટ ગ્રોથ ઓછો થવાનું એક સૌથી કારણ મોટું કારણ લોકો દ્વારા બચતોનું બેન્કોની જગ્યાએ કેપિટલ માર્કેટમાં મૂડીરોકાણ કરવાનું છે. કોવિડ રોગચાળા પછી કેપિટલ માર્કેટમાં સીધી કે પરોક્ષ રીતે રિટેલ કામકાજમાં નોંધપાત્ર વધારો થયો છે.
વર્ષ 2024માં NSDL અને CDSLમાં ડીમેટ એકાઉન્ટની સંખ્યા વધીને 17 કરોડે પહોંચી છે, જે 2023માં 11.45 કરોડ હતો. બીજી બાજુ, મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) જુલાઈ, 2024 સુધીમાં 6.23 ટકા વધીને 64.97 લાખ કરોડની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. વળી, MF સેગમેન્ટમાં હાલ 9.33 કરોડ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અકાઉન્ટ્સ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિત રીતે યોજનાઓમાં રોકાણ કરે છે.
જોકે બીજી બાજુ, 99 ટકા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો કોઈ રિસર્ચ કર્યા વગર આડેધડ SIPમાં મૂડીરોકાણ કરે છે. જેનાં જોખમ ભર્યાં પરિણામો આવી શકે છે.
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર જોરદાર હુમલો કર્યો છે. ગિરિરાજ સિંહે તો ત્યાં સુધી કહ્યું કે 1947માં મોહમ્મદ અલી ઝીણાની જેમ ઓવૈસી પણ ભારતના બીજા ભાગલા કરાવશે. ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે અસદુદ્દીન ઓવૈસી કાયદા વિરુદ્ધ બોલે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો આપે છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સમયાંતરે AIMIM સાંસદ ઓવૈસી પર પ્રહાર કરતા રહે છે. શુક્રવારે ગિરિરાજ સિંહે કહ્યું કે ઓવૈસી કાયદાની વિરુદ્ધ બોલે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે. ઝીણા પછી ઓવૈસી ભારતના બીજા ભાગલાનું નેતૃત્વ કરશે. ગિરિરાજ સિંહે કહ્યું કે ભારતના ભાગલા પછી ઘણા લોકો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહી ગયા. બંને દેશોમાં તેમની સાથે ઘણી ઘટનાઓ બની પરંતુ ઓવૈસીએ ક્યારેય આ વાતની નિંદા કરી નથી. ગિરિરાજે કહ્યું કે જો તે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ હોત તો ઓવૈસીનો અવાજ અત્યાર સુધીમાં દબાઈ ગયો હોત.
જો NRC નહીં આવે તો ભારતીયો નાશ પામશે – ગિરિરાજ
ગિરિરાજ સિંહે કહ્યું કે જ્યારે આપણે એનઆરસીની વાત કરીએ છીએ ત્યારે રાહુલ ગાંધી તેનો વિરોધ કરે છે પરંતુ હિમાચલમાં કોંગ્રેસ સરકાર, મુખ્યમંત્રીની હાજરીમાં કોંગ્રેસના મંત્રીઓ કહી રહ્યા છે કે તેની તપાસ થવી જોઈએ અને લોકોને તેનું પ્રમાણપત્ર આપવામાં આવે NRC હોવું જોઈએ. NRC માત્ર બિહારના 4 જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર બિહાર અને દેશમાં જરૂરી છે. જો NRC લાગુ નહીં કરવામાં આવે તો ભારતવંશી બરબાદ થઈ જશે.
વક્ફ બોર્ડની ગુંડાગીરી બંધ થવી જોઈએ – ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસ સરકારે પોતાના શાસન દરમિયાન વકફ બોર્ડને કોઈપણ જમીન હડપ કરવાનો અધિકાર આપ્યો હતો. હિમાચલ પ્રદેશના મંત્રીઓ વિધાનસભામાં આનો પુરાવો આપી રહ્યા છે. વક્ફ બોર્ડની સંપત્તિ કેવી રીતે વધી રહી છે? રેલવે વિભાગના ઘણા પ્રોજેક્ટ રોકી દેવામાં આવ્યા હતા કારણ કે વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે તે તેમની મિલકત છે. ગિરિરાજે કહ્યું કે વક્ફ બોર્ડની ગુંડાગીરી બંધ થવી જોઈએ.
વર્ષ 1984માં બાળકો માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય ધ્યેય બાળકોમાં ઘટતા પોષણ સાથે શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. આ યોજના એટલે PM પોષણ યોજના, જે મધ્યાહન ભોજન યોજના તરીકે જાણીતી છે. આ યોજના અંતર્ગત બાળકોને શાળામાં જ સારા નાસ્તા સાથે સારુ જમવાનું પુરુ પાડવામાં આવે છે, પરંતુ હમણાં ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો, જે પ્રમાણે હવેથી મધ્યાહન ભોજનમાં માત્ર બપોરનું જમવાનું જ આપવામાં આવશે. એટલે કે બાળકોને બે ટંકનું પોષણયુક્ત જમવાનું એક વખત સાથે આપી દેવામાં આવશે. પરંતુ શું આ એક વખતનું ભોજન બાળકો માટે પરીપૂર્ણ છે?
મધ્યાહન ભોજનમાં આવેલા ઓચિંતા બદલાવને બાળકો કેમ પચાવશે? શું બાળકોના બ્રેકફાસ્ટમાં લાગેલી બ્રેક કેટલી યોગ્ય છે? આવો, જોઇએ શું કહે છે સમાજના વિવિધ ક્ષેત્રના લોકો…
સામાન્ય રીતે સવારનો નાસ્તો બાળકો માટે જ નહી, પરંતુ બધા માટે જ મહત્વનો હોય છે. સવારનો નાસ્તો બંધ કરવો એ યોગ્ય વાત નથી. આપણે સવારના નાસ્તાને તેના નામ પરથી ઓળખી શકીએ છીએ. બ્રેક ફાસ્ટ એટલે રાત્રી દરમિયાન સાત કે આઠ કલાકના ફાસ્ટને તોડવો. આ સાતથી આઠ કલાકના ફાસ્ટને તોડવા માટે સવારનો નાસ્તો ખુબ જ જરૂરી હોય છે. કોઈપણ કારણથી જો બાળકો આ નાસ્તો નથી કરતા તો લાંબા ગાળે તેમને નુકસાન થવાની શક્યતા પણ રહે છે. જો બાળકનો સવારનો નાસ્તો બંધ થઈ જશે તો બાળક પોતાના શિક્ષણ કાર્યમાં ધ્યાન કેન્દ્રિત જ નહિં કરી શકે. જેમ દિવસમાં એક સાથે ત્રણ લીટર પાણી પીવાથી કામ નથી ચાલી શકતું, એજ રીતે બાળકોને સવારનું પોષણ બપોરના ભોજનમાં આપવાથી ના ચાલે. સવાર અને બપોરનું પોષણ એક સાથે પચાવવું બાળકોને હેવી પડી શકે.
પલ્લવી પટેલ, ડિરેક્ટર, ચેતના ફાઉન્ડેશન
મધ્યાહન ભોજન શરૂ થયા બાદ એક પદ્ધતિ શરૂ થઈ ગઈ કે, બાળક ઘરેથી કંઈ પણ ખાધા વગર જ આવે છે. આ પણ એક મોટો પ્રશ્ન છે કે શું બાળકને શાળાએ ભોજન મળે છે, એ માટે તમે બાળકના ભોજનની જવાબદારી નથી લેતા? દરેક બાળકને કેટલું ભોજન આપી શકાય એ ચર્ચાનો વિષય છે, એટલે આ નિર્ણય કેટલો સાચો કે ખોટો તે કહેવું થોડું જટિલ બની જાય છે. પરંતુ જો બાળક સવાર નાસ્તો ઘરેથી કરી આવી શકતું હોય, તો શાળાએ નાસ્તો આપવો એ કેટલો યોગ્ય એ પણ એક ચર્ચાનો વિષય છે. કેટલીક વિસ્તારમાં બાળકોને પૂરતું ખાવાનું મળી શકતું નથી, એવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા જરૂરથી કરવી જોઈએ. એ વાત એવો અર્થ પણ નથી કે, દરેક જગ્યા પર બાળકને ખોરાક આપતા જ રહો. સામાન્ય રીતે કોઈપણ બે વસ્તુ ખાવાથી બાળક પોષણક્ષમ નથી બની જતું. તેમને લીલા શાકભાજી અને કઠોળની પણ જરૂરત હોય છે. જો બપોરના ભોજનમાં લીલા શાકભાજી અને કઠોળ મળતા હોય તો બાળકો માટે આ નિર્ણય સારો ગણાય. કેમ કે ફક્ત ને ફક્ત પેટ ભરવું જરૂરી નથી ભોજનથી પોષણ પણ મળવું જરૂરી હોય છે.
હિરેન મકવાન, હેડ ટીચર, પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા, હડગુડ
બાળકોના સવારનો નાસ્તો જરૂરી હોય છે, અને આ નાસ્તો આપવો જ જોઈએ. આ પરિપત્ર પ્રમાણે સવારના નાસ્તાનું પોષણ બપોરના ભોજનમાં લઈ લીધું છે. પરંતુ મારા મત અનુસાર એક સાથે આપવું એના કરતાં થોડું થોડું આપવું વધુ સારું રહે છે. સરકારે નાસ્તો શરૂ રાખવો જ જોઈએ. બંધ કરવાની જરૂર નથી. સામાન્ય રીતે સવારે 10:30 ના શરૂ થયેલી શાળામાં સવારે 11 થી 12 વાગ્યા આસપાસ નાસ્તો આપવામાં આવતો હતો અને બપોરે 2 વાગ્યા આસપાસ જમવાનું આપવામાં આવતું હતું. જ્યારે હવે બાળકોને સીધું 2 વાગ્યે જમવાનું મળે છે. બાળકને સવારથી બપોર સુધી ભુખ્યા રહેવુ પડે છે. કેટલીક વખત એવું બને છે કે બાળકોને ઘરે જમવાની તકલીફ પડતી હોય છે. જે અહીં આવીને જમતા હોય છે, તેમનું ભૂખના કારણે ભણવામાં પણ મન નથી લાગતુ. સરકાર દ્વારા જાહેર કરાયેલ નવું મેનુ હાલ સુધીમાં સૌથી સારુ મેનું છે. મારા મત અનુસાર આ મેનુ સાથે નાસ્તો પણ આપવો જોઈએ.
યોગેશ પટેલ, આસિસ્ટન્ટ ટીચર, SIMEJ પ્રાથમિક શાળા, ધોળકા
મધ્યાહન ભોજનમાં નાસ્તો હટાવી બપોરનું ભોજન આપવાનો નિર્ણય આવકારદાયક છે. બાળકોને એક સમયમાં સારું પોષણયુક્ત જમવાનું મળી રહે, એ માટે આ નિર્ણય બરાબર છે. જ્યારે બાળકોને નાસ્તો આપવામાં આવતો હતો, ત્યારે જમવામાં માત્ર દાળભાત કે દાળ ઢોકલી જેવી વસ્તુ આપવામાં આવતી હતી. પરંતુ હવે દાળભાત સાથે લીલા શાકભાજી અથવા તો કઠોળ પણ આપવામાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે બાળકો જે વિસ્તારમાંથી આવતા હોય ત્યાં તેને શાકભાજી મળી શકતા નથી અથવા તો ઓછું મળતું હોય. એ બાળકો માટે શાળાથી તમને શાકભાજી મળતું હોય તો તેમના માટે જ સારુ છે.
સાજીદ મહમ્મદ ઈદ્રીશુસેન સૈયદ, બાળકના વાલી
પહેલાના સમયમાં બાળક સવારે ચા નાસ્તો કરી શાળાએ જતા અને 12 વાગ્યા આસપાસ નાસ્તો આપવામાં આવતો, પણ હવે એ નાસ્તો બંધ કર્યો છે જેના કારણે બાળકો સવારથી બપોર સુધી ભૂખ્યા રહેવું પડે છે. આમ જમવાને લઈ નવું મેનુ આપવામાં આવ્યું તે સારુ જ છે. હાલ જમવાની સુવિધા વધુ સારી થઈ ચૂકી છે. તેમ છતાં અમે શાળાના સરને નાસ્તાને લઈ રજૂઆત પણ કરી હતી. મારી બેબી સવારે 10:30 આસપાસ શાળાએ જાય છે અને સાંજે 5 વાગ્યા આસપાસ શાળાએ છૂટે છે. જ્યારે આ નિર્ણય બાદ હવે અમારે બાળકોને ઘરેથી કંઈકને કંઈક ખવડાવી મોકલવા પડે છે. હાલમાં મેનુ સારુ છે, પણ બાળકોને જે સમય પર જમવાનું મળવું જોઈએ, તે સમય પર તો મળતું નથી. આ નિર્ણયનો કોઈ વિરોધ નથી પરંતુ સવારથી ભૂખ્યા બાળકનું મન શિક્ષણ કાર્યમાં ન લાગી શકે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં થયેલા રેપ-હત્યા કેસમં RG કર કોલેજ એન્ડ હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ત્યાં અલગ-અલગ સ્થાનોએ EDએ દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર EDની ટીમ હાવડા, સોનારપુર, અને હુગલી પહોંચી છે. હુગલીમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની નજીકના સગાંસંબંધીના ઘર પણ દરોડામાં સામેલ છે. EDના આશરે 100ની ટીમ દરોડામાં સામેલ છે.
બીજી બાજુ, સુપ્રીમ કોર્ટે સંદીપ ઘોષની અરજી ફગાવી દીધી છે, જેમાં ઘોષે હાર્કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. એ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હાઇકોર્ટે ભ્રષ્ટાચારની તપાસ CBIને સોંપતાં પહેલાં તેમનો પક્ષ નહોતો સાંભળવામાં આવ્યો. હાઇકોર્ટે મેડિકલ કોલેજમાં નાણાકીય અનિયમિતતાઓનો કેસ CBIને સોંપી દીધો હતો. એ આદેશની વિરુદ્ધ ઘોષે ચોથી સપ્ટેમ્બરે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરની સાથે નવ ઓગસ્ટે બળાત્કાર પછી નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી આરોપી સંજય રોયની પોલીસે ધરપકડ કરી હતી. જોકે એ પછી CBIએ RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષ અને અન્ય ત્રણ જણની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા ત્રણ અન્ય લોકોમાં સુરક્ષા કર્મચારી અધિકારી અલી (44) અને હોસ્પિટલના વિક્રેતા બિપ્લવ સિંઘા (52) અને સુમન હજારા (46) હતા. આ લોકો હોસ્પિટલમને માલસામાન સપ્લાય કરતા હતા.
દેશભરમાં ખળભળાટ મચાવનારા આ કેસમાં પોલીસે સંજય રાયે સાત લોકોનો પોલિગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે. આ ટેસ્ટમાં અનેક સવાલોના જવાબ મળ્યા છે, પણ તેમ છતાં અનેક રહસ્યો ઉકેલવાના CBIને બાકી છે. CBI તમામ પુરાવાને એકત્ર કરીને તપાસ કરવામાં લાગી છે.
મુંબઈ: પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ તાજેતરમાં કોલકાતા રેપ મર્ડર કેસ વિશે ખુલીને વાત કરી હતી અને એટલું જ નહીં, તેણે કેટલાક લોકોની નિંદા પણ કરી હતી. તેમણે કોલકાતા બળાત્કાર-હત્યા કેસ પર મૌન જાળવવા બદલ સેલિબ્રિટીઓની પણ ટીકા કરી છે. આ ઘટનાને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ દરમિયાન હવે કુમાર સાનુનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે આ વિશે વાત કરતી વખતે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા છે.
સેલિબ્રિટીઓમાં હિંમત નથી
X પર એક વિડિયો સામે આવ્યો છે, જેમાં કુમાર સમજાવે છે કે કેવી રીતે બોલિવૂડ સેલેબ્સ હજુ સુધી કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ વિશે બોલ્યા નથી. તેમણે કહ્યું,’ કોલકાતામાં બનેલી ઘટના વિશે આપણું બોલિવૂડ નહીં, પરંતુ ટોલીવુડમાંથી કોઈ બોલે છે, ટોલીવૂડના કયા લોકો બહાર આવ્યા? મને ફક્ત એક નામ જણાવો, આ લોકો જવાબ નથી આપતા. એક ડર છે… જો આપણે બોલીએ તો શું થશે? તેમનામાં જરાય હિંમત નથી, હિંમત જ નથી.’
Kumar Sanu slams Bollywood Celebrities for not speaking on RG Kar Rape and Murder case.
Says Bollywood celebs don’t have guts and humanity. They fear about what will happen if they speak against Mamata.
કુમાર સાનુએ વધુમાં કહ્યું કે,’સેલેબ્સ આ વિશે વાત કરવામાં શરમ અનુભવે છે. જ્યારે મને આ ઘટનાની જાણ થઈ, ત્યારે મેં પહેલા જ દિવસે મારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ મુદ્દાને પ્રકાશિત કર્યો. જુઓ, તમારે સાચું બોલવું પડશે, નહીં તો જૂઠ તમારા ઘરમાં પ્રવેશ કરશે.’ તેમણે વધુમાં કહ્યું, ‘હું કલકત્તાના લોકોને કહેવા માંગુ છું કે આવી પરિસ્થિતિઓને સ્વીકારવાનો આ સમય નથી. તેથી જો તમે હવે તેના વિશે વિચારશો નહીં, તો તે તમારા ઘરે પહોંચી જશે.’
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ
9 ઓગસ્ટના રોજ કોલકાતાની સરકારી હોસ્પિટલના લેક્ચર હોલમાં ફરજ પરની એક મહિલા ડૉક્ટર (PGT)નું અર્ધ-નગ્ન શરીર મળી આવ્યું હતું. કોલકાતા બળાત્કાર-હત્યાના કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
મુંબઈ: અંગૂરી ભાભીના પાત્રથી દરેક ઘરમાં પોતાનું નામ બનાવનારી અભિનેત્રી શિલ્પા શિંદે હાલમાં સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’માં જોવા મળી રહી છે. શિલ્પા તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ દરમિયાન અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. શિલ્પા શિંદેએ હિન્દી ફિલ્મ નિર્માતા પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે.
શિલ્પા શિંદેએ ન્યૂઝ 18 શોષા સાથેની એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેને ઓડિશનની આડમાં ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા માટે કહેવામાં આવ્યું હતું. જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ જાહેર થયા બાદ ઘણા કલાકારોએ જાતીય સતામણી અને હુમલાના તેમના અનુભવો શેર કર્યા પછી આ ઘટસ્ફોટ થયો છે.
શિલ્પા શિંદેએ 1998-99ની આસપાસ તેના સંઘર્ષના દિવસો દરમિયાન બનેલી ઘટના વિશે વિગતવાર વાત કરી. તેણીને ચોક્કસ કપડાં પહેરવા અને એક દ્રશ્ય કરવા માટે સૂચના આપવામાં આવી હતી જેમાં તેણીએ ફિલ્મ નિર્માતાને લલચાવવાના હતા. શિંદેએ કહ્યું, તે વ્યક્તિએ મારા પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો અને હું ખૂબ ડરી ગઈ. હું તેને ધક્કો મારીને બહાર ભાગી ગઈ.
અભિનેત્રીએ ઉમેર્યું, સિક્યોરિટી સ્ટાફને સમજાયું કે શું થયું છે અને મને તરત જ ત્યાંથી જવાનું કહ્યું. તેમના આરોપોની ગંભીરતા હોવા છતાં શિંદેએ ફિલ્મ નિર્માતાની ઓળખ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો. પોતાના નિર્ણય વિશે જણાવતા તેણે કહ્યું, તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હતો. હું આ સીન કરવા માટે સંમત થઈ કારણ કે તે એક અભિનેતા પણ હતો.
શિલ્પાએ કહ્યું,’હું ખોટું નથી બોલી રહી, પરંતુ હું તેનું નામ નથી લઈ શકતી. તેમના બાળકો કદાચ મારાથી થોડા નાના છે, અને જો હું તેમનું નામ લઉં તો તેઓને પણ દુઃખ થાય. થોડા વર્ષો પછી હું તેને ફરીથી મળી અને તેણે મારી સાથે પ્રેમથી વાત કરી. તેણે મને ઓળખી નહોતી અને મને ફિલ્મમાં રોલ ઓફર પણ કર્યો હતો. મેં તેમને ના પાડી. શિલ્પાએ કબૂલ્યું કે આ બધું દરેક સાથે થાય છે. અમે અભિનેતા તરીકે તેના વિશે વાત કરીએ છીએ,અન્ય લોકોએ મને કહ્યું છે કે આવું પ્રસિદ્ધ સેલિબ્રિટી સાથે પણ થાય છે, તે પણ સમાન પરિસ્થિતિઓનો સામનો કરે છે.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીજંગ રસપ્દ બન્યો છે. ચૂંટણીમાં મતદાન માટે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે અહેવાલ છે કે પહેલવાન બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટ આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસનો હાથ ઝાલશે. બપોરે એક વાગેયે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે.
આ પહેલાં રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાહુલ ગાંધીને મળતાં તેમના ચૂંટણી લડવાની અટકળો તેજ થઈ હતી.છેલ્લા ઘણા સમયથી ભાજપ પ્રત્યે કુસ્તીબાજોની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી ,કેમ કે ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહોતો, જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ હતા.
વધુમાં, કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં મોટી નિરાશા બાદ સ્વદેશ પરત આવી ત્યારે હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ દિલ્હી એરપોર્ટ પર તેનું સ્વાગત કર્યું. આ પછી તેણે પોતાના ગામ સુધી રોડ શોને પણ સમર્થન આપ્યું હતું. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા દિલ્હી એરપોર્ટથી બલાલી પહોંચ્યા ત્યાં સુધી દીપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે હતા.
વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ઘણા વખતથી લાગી રહી હતી, કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરી શકે છે.
ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. ત્યારે અનેરો સ્વાદ ધરાવતી બદામની ખીર બનાવીને બાપ્પાને પ્રસાદમાં ધરાવો અને બાપ્પાને પ્રસન્ન કરી લો!
સામગ્રીઃ
બદામ 1 કપ (આશરે 30 નંગ)
ફૂલ ક્રીમ દૂધ 1 લિટર
કેસરના તાંતણા 15-20
કાજુ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
એલચી પાઉડર 1 ટી.સ્પૂન
ઘી 1 ટે.સ્પૂન
કાજુના ટુકડા 8-10
કિસમિસ 8-10
સાકર ½ કપ
જાયફળનો પાઉડર 2-3 ચપટી
ગુલાબની પાંખડી 10-15
રીતઃ બદામને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ હાથેથી તેને છોલીને ફોતરા કાઢી લો. એક જાળા તળિયાવાળા વાસણ અથવા કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા તેમજ કિસમિસને તળીને બહાર એક બાઉલમાં કાઢી લો. હવે આ જ વાસણમાં એક લિટર દૂધ ગરમ કરવા મૂકો. તેમાંથી ¼ કપ દૂધ કાઢી લઈ તેને ઠંડુ કરીને મિક્સીમાં નાખો. તેમજ તેમાં છોલેલી બદામ પણ ઉમેરીને બારીક પીસી લો.
દૂધનો ઉભરો આવ્યા બાદ ઉકળેલા દૂધમાં કેસરના તાંતણા ઉમેરી દો. એક ઝારા વડે દૂધને 10 મિનિટ સુધી સતત હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. દૂધ પર જામેલી મલાઈ તેમજ કઢાઈની કિનારી પર જામેલી મલાઈને પણ ઝારા વડે હળવેથી કાઢીને દૂધમાં મેળવતા જાઓ. હવે તેમાં સાકર ઉમેરી દો.
દૂધ ઘટ્ટ થવા માંડે એટલે પીસેલી બદામમાં થોડું ગરમ દૂધ મેળવીને ચમચી વડે એકરસ કરી દો. જેથી તેમાં ગઠ્ઠા ના રહે. 10 મિનિટ બાદ ઉકળેલા દૂધમાં બદામની પેસ્ટ ઉમેરી દો. ફરીથી 10 મિનિટ સુધી ઝારા વડે બદામની ખીરને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં એલચી તેમજ જાયફળનો પાઉડર, તળેલાં કાજુ-કિસમિસ મેળવીને 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરીને કાજુ-પિસ્તાની કાતરી તેમજ ગુલાબની પાંખડી ભભરાવીને ખીરને સજાવટ કરી લો.
આ બદામની ખીર ઠંડી થાય એટલે રેફ્રીજરેટરમાં 4-5 કલાક માટે ઠંડી થવા દો. ત્યારબાદ ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ધરાવો.