Home Blog Page 1510

વર્લ્ડ રેકોર્ડઃ 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ટીમ

નવી દિલ્હીઃ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો સ્કોર તો સામાન્ય વાત છે, પરંતુ એક ટીમે સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. મંગોલિયાની ટીમે સિંગાપુરની વિરુદ્ધ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. મંગોલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 10 ઓવરમાં માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમને નામે T20I ક્રિકેટનો સૌથી નીચો સ્કોર બનવાનો શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

મંગોલિયાની ટીમના પાંચ બેટ્સમેનો ખાતું પણ નહોતું ખોલાવી શક્યા. બાકીના છ બેટ્સમેનોએ કુલ મળીને માત્ર આઠ રન બનાવ્યા હતા. બે રન સિંગાપુરના બોલરોએ એક્સ્ટ્રા આપ્યા હતા. મંગોલિયાનો કોઈ બેટર બે રનથી વધુ નહોતો બનાવી શક્યો. મંગોલિયાના 10 રનના જવાબમાં સિંગાપુર માત્ર પાંચ બોલમાં એક વિકેટ ગુમાવીને 11 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ પહેલાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ 10 રનનો હતો. એ રેકોર્ડ આઇલ ઓફ દેશની ટીમે સ્પેનની વિરુદ્ધ બનાવ્યો હતો. હવે આ રેકોર્ડની બરાબરી થઈ છે.

ICC મેન્સ T20 વર્લ્ડ કપ એશિયા ક્વોલિફાયર એ 2024ની આ મેચમાં હર્ષા ભારદ્વાજે સિંગાપુર તરફથી ત્રણ રન આપીને છ વિકેટ લીધી હતી. આ રીતે 17 વર્ષીય લેગ સ્પિનરે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજો બોલિંગનો શ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ કર્યો છે. બીજી બાજુ, મંગોલિયાએ સતત ચોથી મેચમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચારે મેચમાં મંગોલિયાનો સ્કોર બહુ ઓછો રહ્યો હતો.

 

ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં તેમના સમકક્ષ લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાને સિંગાપોરની પ્રશંસા કરી હતી અને આ દેશને વિકાસશીલ દેશો માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો. વડાપ્રધાને એમ પણ કહ્યું કે તેઓ ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગે છે.

સિંગાપોર તમામ વિકાસશીલ દેશો માટે પ્રેરણારૂપ

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, તમારા ભવ્ય સ્વાગત માટે હું તમારો આભાર માનું છું. તમે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ અમારી પ્રથમ મુલાકાત છે. આ માટે તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમારા નેતૃત્વમાં સિંગાપોર વધુ ઝડપથી વિકાસ કરશે. વડાપ્રધાને કહ્યું કે સિંગાપોર માત્ર મિત્ર દેશ નથી પરંતુ તે દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી છે કે અમે પણ આ દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશોના મંત્રીઓ વચ્ચે શરૂ થયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ખૂબ જ ખાસ છે અને તે પોતાનામાં એક અગ્રણી પહેલ છે.

 

ગુરુઓનો ગુસ્સો ચરમસીમા પર, શિક્ષકો અને સરકાર ફરી સામ-સામે

આજે રાજ્ય સહિત દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજું ફરી એક વખત સરકાર સામે શિક્ષક બનવાની માગ સાથે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવા માટે માંગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા પછી પણ કાયમી ભરતી કરાતી નથી હોવાની રજૂઆત કરવા આવેલા ટેટ-ટાટ પાસ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે.

આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં TAT HSની 4 હજાર જગ્યાઓની ભરતી માટે 1 સપ્ટેમ્બરનાં રોજ નોટિફિકેશન જાહેર થવાનું આશવાસન આપવામાં આવ્યું હતું. જો કે, નોટિફિકેશન જાહેર ન થતા ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. આજે TAT પાસ ઉમેદવારો ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરવા પહોંચ્યા છે.

રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર ભરતી અંગે આજે ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આજે ગુજરાત સહિત દેશભરમાં ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં એક વાર ફરી શિક્ષકો દ્વારા ભરતી, પગાર સહિતના વિવિદ મુદ્દાઓ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ઑગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કારવાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અમુક વિષયના શિક્ષકોની જાહેરાત ન થતાં અલગ અલગ વિષયના શિક્ષક સંગઠનો અને સંઘો સરકાર સામે લેખિત અને રૂબરૂ રજૂઆત કરવા આવી રહ્યા છે.

92 કરોડનો ટેક્સ ભર્યો શાહરુખ ખાને, લિસ્ટમાં સલમાન સહિત આ સ્ટાર્સ સામેલ

મુંબઈ: ફિલ્મ સ્ટાર્સ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે. અભિનેતા શાહરૂખ ખાને 2024માં તમામ ભારતીય સેલિબ્રિટીઓમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. ફોર્ચ્યુન ઈન્ડિયા અનુસાર, શાહરૂખે 92 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. કિંગ ખાન પછી વિજય થલાપથીએ 80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને સલમાન ખાને ₹75 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. બોલિવૂડ એક્ટર શાહરૂખે અમિતાભ બચ્ચન અને સલમાન ખાનને પણ ટેક્સ ભરવામાં પાછળ છોડી દીધા છે. આ યાદીમાં ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. સંપૂર્ણ યાદી અહીં જુઓ.

ફોર્ચ્યુન ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલેબ્સની યાદી જાહેર કરી છે.

શાહરૂખ ખાન

ત્રણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપનાર શાહરૂખ ખાન ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલેબ બની ગયા છે. અભિનેતાએ 2024માં 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.

વિજય થલાપથી
શાહરૂખ ખાન પછી સાઉથ સ્ટાર થલપતિ વિજય બીજા નંબર પર છે. તેમણે આ વર્ષે 80 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

સલમાન ખાન
‘દબંગ’ અભિનેતા સલમાન ખાન ત્રીજા સ્થાને છે. તેમણે 75 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

અમિતાભ બચ્ચન
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને 71 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે અને તે યાદીમાં ચોથા નંબરે છે. તેમણે ‘કલ્કિ 2898 એડી’ કરી હતી. જે 2024ની મોટી હિટ ફિલ્મ રહી.

વિરાટ કોહલી
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પાંચમા સ્થાને છે. તેમણે 66 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. આ સાથે તે 2024માં ભારતમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર એથ્લેટ પણ બની ગયા છે.

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટોપ 10 સેલેબ્સ કોણ છે?

અજય દેવગણે 42 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે, જ્યારે રણબીર કપૂરે 36 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. ફિલ્મ ‘શૈતાન’ અને ‘મેદાન’માં જોવા મળેલા અજય દેવગણે આ વર્ષે 42 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. જોકે, એમએસ ધોની 38 કરોડનો ટેક્સ ચૂકવણી સાથે સાતમા સ્થાને છે. નવમા અને દસમા સ્થાને ‘ફાઇટર’ અભિનેતા રિતિક રોશન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે, જેમણે 28 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

Monsoon Update: રાજ્યમાં અવિરત મેઘ મહેર, 133 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 2.71ઈંચ, બેચરાજીમાં 2.40 ઈંચ, રાધનપુરમાં 2.28 ઈંચ, શંખેશ્વરમાં 1.7 ઈંચ, લાખાણીમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.4 ઈંચ, નડિયાદમાં 1.4 ઈંચ, કડીમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે પાંચમી સપ્ટેમ્બરથી નવીમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમા પડેલા ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. વરસાદ માનો મહેરની જગ્યા પર કહેર બની વરસ્યો હોય. ભારે વરસાદના કારણે 49 વ્યક્તિઓના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

USમાં વિદ્યાર્થીનો ગોળીબારઃ શિક્ષક સહિત ચારનાં મોત, નવ ઘાયલ

જ્યોર્જિયાઃ USના જ્યોર્જિયામાં એક મોટી ઘટના બની છે, જેમાં એક હાઇસ્કૂલમાં 14 વર્ષના કિશોરે ક્લાસમાં ઘૂસીને બંદૂકથી અંધાધૂધ ગોળીઓ મારી હતી, જેમાં બે શિક્ષક અને બે વિદ્યાર્થી સહિત ચાર લોકોનાં મોત થયાં હતા, જ્યારે અન્ય નવ જણ ઘાયલ થયા હતા.

બૈરો કાઉન્ટીના વિન્ડરમાં અપાલાચી હાઇસ્કૂલમાં થયેલા હુમલાના આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ જ્યોર્જિયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમ કરી રહી છે. બ્યુરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિદ્યાર્થીનું નામ કોલ્ટ ગ્રે છે અને સ્કૂલ કેમ્પસમાંથી તેની સ્કૂલ કેમ્પમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે પહેલાં પણ હથિયારો લઈને તપાસના દાયરામાં રહી ચૂક્યો છે.

રિપોર્ટમાં હુમલાના સમયે હાજર વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં એ વિદ્યાર્થિની સયારાધે જણાવ્યું હતું કે એલ્જેબ્રાના ક્લાસ દરમ્યાન હુમલો કરનારા વિદ્યાર્થીએ ક્લાસનો દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ અન્ય એક વિદ્યાર્થીએ તેના હાથમાં બંદૂક જોઈને દરવાજો ખોલવાની ના પાડી હતી. ત્યાર બાદ તેણે આગલા રૂમમાં જઈને ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગ બચેલી એક વિદ્યાર્થિની એલેકઝેન્ડ રોમેરોએ કહ્યું હતું કે ક્લાસમાં ઘૂસતાં એ વિદ્યાર્થીએ ક્લાસના વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી. ત્યાર બાદ તેણે ફાયરિંગ કર્યું હતું. જોકે આ ગોળીબાર એ વિદ્યાર્થીએ કેમ કર્યો હતો એ હજી સુધી જાણવા નથી મળ્યું.

તપાસ અધિકારીઓએ કહ્યું હતું કે આ ઘટનાની ગંભીરતા જોતાં સગીર કિશોર પર એક વયસ્ક અપરાધીની જેમ કેસ ચલાવવામાં આવશે. ગવર્નર બ્રાયન કેમ્પે આ કેસની ઊંડી તપાસના આદેશ આપ્યા છે.

 

Teacher’s Day : આ ફિલ્મોમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધ જોઈ થઈ જશો ભાવુક

મુંબઈ: સમાજમાં શિક્ષકોના યોગદાનને સન્માનિત કરવા દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે જેઓ ફિલસૂફ, લેખક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને જીવનમાં સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને બોલીવુડે તેની ઘણી ફિલ્મોમાં આ સંબંધને ખૂબ સારી રીતે દર્શાવ્યો છે. ગુરુ અને શિષ્યના સંબંધો પર ઘણી હિટ ફિલ્મો બની છે.

સુપર 30 (2019)

આ ફિલ્મ આનંદ કુમારના જીવન પર આધારિત છે જે ગણિતશાસ્ત્રી છે અને ગરીબ વિદ્યાર્થીઓ માટે મફત કોચિંગ સંસ્થા ચલાવે છે. આ ફિલ્મમાં હૃતિક રોશન આનંદ કુમારની ભૂમિકામાં છે અને ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી પણ છે.

તારે જમીન પર (2007)

આ ફિલ્મ એક ડિસ્લેક્સિક બાળકની વાર્તા કહે છે જેને તેના આર્ટ ટીચર તેની શીખવાની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આમિર ખાને આ ફિલ્મનું દિગ્દર્શન અને અભિનય કર્યો છે, જેમાં દર્શિલ સફારી અને ટિસ્કા ચોપરા પણ છે.

પાઠશાલા (2010)

શાહિદ કપૂર, નાના પાટેકર અને આયેશા ટાકિયાની શાનદાર ફિલ્મ ‘પાઠશાલા’ શિક્ષક અને વિદ્યાર્થીના ખાસ બંધન પર આધારિત છે. ફિલ્મમાં જ્યારે શાહિદ સ્કૂલ મેનેજમેન્ટની વિરુદ્ધ જાય છે અને બાળકોને મદદ કરે છે તે જોવા જેવું છે.

હિચકી (2018)

આ ફિલ્મમાં રાની મુખર્જીએ ટોરેટ સિન્ડ્રોમથી પીડિત શિક્ષકની ભૂમિકા ભજવી હતી જે ગરીબ બાળકોને ભણાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

બ્લેક (2005)

આ ફિલ્મ એક અંધ અને બહેરી છોકરી અને તેના શિક્ષક વચ્ચેના સંબંધ પર આધારિત છે જે તેને તેની વિકલાંગતાના અવરોધોને તોડવામાં મદદ કરે છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચન છે.

ઇકબાલ (2001)

આ ફિલ્મ એક બહેરા અને મૂંગા છોકરા ક્રિકેટર અને તેના ગુરુ પર આધારિત છે જે તેને જીવનમાં સફળ થવામાં મદદ કરે છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ એક ગુરુની ભૂમિકા ભજવે છે જે ઇકબાલને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું સપનું પૂરું કરવામાં માર્ગદર્શન આપે છે.

ધોરણ 9-11માં પરીક્ષા પદ્ધતિ શું ફેરફાર કરવામાં આવ્યા?

ગાંધીનગર: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યો છે. જેમાં હવે ધોરણ 10 અને 12ની જેમ 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. ઉપરાંત તમામ પ્રશ્નોમાં આંતરિકને બદલે જનરલ વિકલ્પ આપવામાં આવશે. ધોરણ 9 અને 11માં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે, ત્યારે આ નવી પરીક્ષા પદ્ધતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ નવી પદ્ધતિ ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ પડશે.શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે ત્યારે બોર્ડ દ્વારા મોડે મોડે પણ અંતે ધોરણ9-11ની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં પ્રશ્નપત્ર-પરીક્ષા પદ્ધતિના ફેરફારને લઈને તમામ ડી.ઈ.ઓ.ને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. સરકારે ગત વર્ષે ધોરણ 10 અને 12માં નવી પરીક્ષા પદ્ધતિ દાખલ કરીને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નોની પેટર્ન દાખલ કરી હતી. આમ ધોરણ 9થી 12માં પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા એટલે કે કોમન પેટર્ન રહે તે માટે ધોરણ 9 અને 11 ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામા આવ્યો છે. ધોરણ 11ના તમામ પ્રવાહોમાં આ નવી પેટર્ન લાગૂ પડશે તેમજ સંસ્કૃત પ્રથમ અને મધ્યમમાં પણ આ નવી પેટર્ન રહેશે.

મહાવીર જન્મ વાંચન: આંગી શણગારમાં વિદેશી ફૂલોથી સજાવટ

અમદાવાદ: જૈન ધર્મનો મહાપર્વ પર્યુષણ ચાલી રહ્યો છે. જેને જૈનોના જુદા-જુદા સંધ, ઉપાશ્રય, દેરાસર પરંપરા મુજબ ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે. 4 સપ્ટેમ્બરને બુધવારે મહાવીર જન્મ વાંચનના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે દેરાસરોમાં આંગી શણગારનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના શ્રીઋષભદેવ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મીરામ્બિકા, નારણપુરામાં ઉપર તથા નીચેના જીનાલયમાં સાચા દેવ શ્રીસુમતિનાથ ભગવાન બિરાજમાન છે. આ જીનાલયમાં છેલ્લા ૨૦ વર્ષથી સંઘના ૪૦ થી ૫૦ યુવાન યુવક યુવતીઓ, સોનાના વરખ, જડતરના ટીકા, રેશમની દોરી તથા સોનેરી – રૂપેરી બાદલાથી પ્રભુજીને ભવ્યાતિભવ્ય અંગ રચનાઓથી સજાવટ કરે છે. આ સાથે પ્રભુજીના જીવન પ્રસંગને લગતી – આબેહૂબ લાગતી ફિગર રંગોળીઓ પણ સંઘની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવે છે.

નારણપુરાના મિરામ્બકા જૈન દેરાસર સંઘના યુવાન વરૂણ શાહ ચિત્રલેખા.કોમને કહે છે અમારી આખી ટીમ છે. આંગી શણગારમાં થાઈલેન્ડ, કેન્યા, રોમાનિયાથી ફુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેરાસરને વિવિધ પ્રકારની રંગોળીથી સજાવવામાં આવ્યું હતું.ભગવાનની આંગીમાં મોતી, ડાયમંડ, વરખ, રેશમથી સજાવી દર્શન માટે મુકવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કેનેડામાં જગમિત સિંહે ટ્રુડો સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો

ટોરેન્ટોઃ કેનેડાની લેફ્ટ વિંગ ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ ટ્રુડો સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. જેથી ટ્રુડોની પાર્ટી અલ્પમતમાં આવી ગઈ છે અને સરકાર પડી જવાનું નક્કી માનવામાં આવે છે. જેથી કેનેડામાં સમય પહેલાં ચૂંટણી આવે એવી શક્યતા છે.

કેનેડામાં સામાન્ય ચૂંટણી આમ તો ઓક્ટોબર, 2025માં થવાની છે, પરંતુ હવે ટ્રડોએ સરકાર ચલાવવી હશે તો વિપક્ષનો ટેકો પ્રાપ્ત કરવો પડશે. NDP ના નેતા જગમિત સિંહે ટ્રુડોના સમર્થનને પાછું ખેંચવાની વાત કરતાં કહ્યું હતું કે મારી ધીરજ ખતમ થઈ ગઈ છે. જોકે, ટ્રુડોએ શરૂઆતની ચૂંટણીની વાતોને નકારતાં કહ્યું હતું કે મારી પ્રાથમિકતા કેનેડાની જનતા માટે સામાજિક કાર્યક્રમોને આગળ વધારવાની છે. અમે કેનેડાના લોકો માટે કામ કરીશું અને આશા કરીએ છીએ કે આવનારી ચૂંટણી સુધી અમે પોતાના કાર્યકાળ પૂરા કરીશું.

સમર્થન પાછું ખેંચાયા બાદ ટ્રુડો હવે વિપક્ષ પર નિર્ભર છે, ખાસ કરીને જ્યારે સંસદમાં વિશ્વાસ મતની જરૂર પડશે. જો ચૂંટણી થાય છે તો, હાલના સર્વે મુજબ, ટ્રુડોની લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે. ટ્રુડો વર્ષ 2015થી વડા પ્રધાન છે, પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી વિપક્ષ, ખાસ કરીને કન્ઝર્વેટિવ પાર્ટી મોંઘવારી અને આવાસના સંકટને લઈને ટ્રુ઼ડોની ટીકા કરી રહ્યો છે.

જગમીત સિંહે હાલ ટ્રુડોના નેતૃત્વ અને ખાદ્ય વસ્તુની વધતી કિંમતોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. સિંહે સોશિયલ મિડિયા પર એક વિડિયોમાં કહ્યું હતું કે ‘જસ્ટિસ ટ્રુડોએ વારંવાર કોર્પોરેટ લાલચની સામે નમતું મૂક્યું છે. લિબરલ્સે જનતાને દગો આપ્યો છે તેથી તેમને બીજો મોકો ન મળવો જોઈએ.

જોકે, NDP માટે પણ પરિસ્થિતિ કંઈ વધારે સારી નથી. હાલના સર્વે મુજબ, પાર્ટીનું પ્રદર્શન ત્રીજા નંબરે છે. જોકે જગમીત સિંહે વડા પ્રધાન માટે પોતાની દાવેદારી નોંધાવી છે.