Home Blog Page 1511

મન સાથે વૉર જીતવી હોય તો…

તમે સ્કૂલમાં આ પાઠ ભણ્યા જ હશો. ધાર્યા નિશાન પર તીર તાકીને ઊભેલા અર્જુનને ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે “તને તારી આસપાસ શું દેખાય છે”?

અર્જુન કહે છેઃ “હે ગુરુવર્ય, મને તો પક્ષીની એક આંખ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી”.

શ્રી અર્જુનનો જ એક બીજો પ્રસંગઃ દ્રૌપદી-સ્વયંવરમાં ત્રાજવાંનાં બે પલ્લાંમાં પગ સ્થિર કરી એમણે મત્સ્યવેધ કર્યો.

આવી ચપળ એકાગ્રતા ધરાવતા અર્જુને પણ શ્રી કૃષ્ણને કહ્યું હતું: “પ્રભુ, ચંચળ મનને હું સ્થિર કરી શકતો નથી”.

આ વ્યગ્રતા પાંચ હજાર વર્ષ પૂર્વેના માત્ર અર્જુનની જ નહીં, પણ પૃથ્વી પર વસતા કાળા માથાના દરેક માનવીની છે. માણસનાં શક્તિ-સામર્થ્યની વંદના કરતાં કહેવાયું છે કે એ ધારે તે કરી શકે. એણે વિરાટ કદનાં ઈલેક્ટ્રોનિક પંખી બનાવ્યાં. ટનબંધ એલ્યુમિનિયમના બનેલા પંખીની પાંખમાં સમાઈને હજારો કિલોમીટરનાં અંતર એ ગણતરીના સમયમાં કાપતો થયો. હજારો ટનની સામગ્રી સાથે સમુદ્ર પર સરકવા લાગ્યો, પવનવેગ દોડતી બૂલેટ ટ્રેનમાં ફરતો થયો. મોબાઈલ નામની અજાયબીથી એ આખી દુનિયા સાથે કનેક્ટેડ રહે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તો દુનિયા જ જુદી.

 

આવી અપાર સિદ્ધિ મેળવનારો માણસ પોતાના મન સામે કેમ હારી જતો હશે? જંગલી પશુને આંગળીના ઈશારે નચાવનારો માણવ મન આગળ કેમ નાચવા લાગે છે? ભૂકંપમાં પણ અડીખમ રહે તેવા નિવાસ રચનારો માણસ મનના એક ઝપાટે કેમ ભોંયભેંગો થઈ જાય છે?

વરસ પૂરું થતાં માણસ જાતજાતના સંકલ્પ લે છેઃ સવારે વહેલો ઊઠીશ, દોડવા જોઈશ, ચાલવા જઈશ, યોગાસન કરીશ… પણ મન એમને એવા રમાડે કે અબી બોલા અબી ફોક.

કુવિચાર હોય, વ્યસન હોય, કુટેવ હોય કે ક્રોધી સ્વભાવ- મન સામે માણસ કાયમ હારી જાય છે. અભ્યાસ કે ખેલકૂદમાં મળેલી નિષ્ફળતાને અને પ્રેમ કે પરિવારમાં થયેલા કડવા અનુભવને મન ભૂલી જ શકતું નથી. કોઈનું મન સાવ ભાંગી જાય તો કોઈકનું થાકી જાય. એટલે જ, આજે મનોચિકિત્સકોના બારણે ભીડ લાગે છે.

તબિયત ફાઈન રાખવા આપણે ઘણું બધું કરીએ છીએ, પણ વધારે અગત્યનું એ છે કે મન પણ દુરસ્ત રહે. કહે છેને કે, મન જ મનુષ્યનાં બંધન અને મુક્તિનું કારણ છે.

સર્વે સુખ-દુઃખનું કારણ એવા અશાંત અને અસ્થિર મનને વશ કરવાનો ઉપાય બતાવતાં શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે: “મન ચંચળ છે, એને વશ કરવું મુશ્કેલ છે, પણ જ્ઞાનની પ્રાપ્તિ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે”.

કેવું જ્ઞાન? મનને વશ કરવાનું જ્ઞાન. કૌશલ. આ કૌશલ પમાડે આપણાં મંદિરો, શાસ્ત્રો અને પવિત્ર સંતો. સનાતન સમસ્યાના ઉકેલ હંમેશાં આધ્યાત્મિક જગતમાંથી જ મળશે, બાકી તો માનવીના અસ્તિત્વનો હેતુ સમજવો જ અશક્ય છે.

માનવમનની શુદ્ધિ, સંવૃદ્ધિ, સ્થિરતા અને સલામતી માટે આધ્યાત્મિકતા જરૂરી છે અને આધ્યાત્મિકતાની સર્વાંગ સંપૂર્ણ સિદ્ધિ થાય તે માટે મંદિરો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા: “મનને સ્થિર કરે તે મંદિર. ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર.”

પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનું માત્ર મહિમામંડન નથી કર્યું, પરંતુ પોતાના સંતો દ્વારા શાસ્ત્રજ્ઞાનની સરવાણી વહાવી શાસ્ત્રોને અનુમોદન આપ્યું. આમાં કોઈ હરીફાઈ કે કોઈને બતાવી આપવાનો આશય નહોતો. હેતુ એમનો એક જ હતોઃ લોકો જ્ઞાન પામી મનને સ્થિર રાખી શકે.

તો ચાલો, મનને અસ્થિર કરનારાં અનિષ્ટોથી દૂર રહીને મનને મજબૂત કરે તેવાં મંદિરો અને એ રીતે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને સ્થિર રાખે તેવા ગુણિયલ સંતો તથા શાસ્ત્રોના સંગે રહી મનનું ઘડતર કરીએ, મનને મજબૂત બનાવવા કમર કસીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 05/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 05/09/2024

૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪

હરવિંદર સિંહે તીરંદાજીમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યા હવે 22 પર પહોંચી ગઈ છે. હરવિંદર સિંહે પુરુષોની રિકર્વ તીરંદાજીમાં ગેમ્સનો 22મો મેડલ જીત્યો છે. આ વખતે હરવિંદર સિંહે ગોલ્ડ મેડલ પર નિશાન સાધ્યું છે. પેરાલિમ્પિક્સમાં આ તેનો બીજો મેડલ છે. આ પહેલા તેણે 2020 પેરાલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેની સફર ઘણી યાદગાર રહી. તેણે એવું પરાક્રમ કર્યું કે આ પહેલા કોઈ ભારતીય તીરંદાજ કરી શક્યો ન હતો.

હરવિંદર સિંહનું ઐતિહાસિક પ્રદર્શન

હરવિન્દર સિંહ ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સની ફાઇનલમાં પહોંચનાર ભારતીય ઇતિહાસમાં પ્રથમ તીરંદાજી ખેલાડી બન્યો. આ વખતે તેનું પ્રદર્શન ઘણું જોરદાર હતું. તેણે ફાઈનલ મેચમાં પોલેન્ડના લુકાઝ સિઝેકને 6-0થી હરાવ્યો હતો. આ સાથે તે તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ પહેલા ફાઈનલમાં પહોંચવા માટે હરવિન્દર સિંહે સેમિફાઈનલમાં ઈરાનના મોહમ્મદરેઝા આરબ અમેરીને 6-4ના માર્જીનથી હરાવ્યો હતો. તે જ સમયે, રાઉન્ડ ઓફ 8 માં, હરવિંદર સિંહે ઇન્ડોનેશિયાના સેટિયાવાનને 6-2થી હરાવ્યો.

PM મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ મેડલ વિજેતા હરવિંદર સિંહને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, પેરા તીરંદાજીમાં ખૂબ જ ખાસ ગોલ્ડ મેડલ. પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરવિન્દર સિંહને અભિનંદન. તેની સિદ્ધિથી ભારત ખૂબ જ ખુશ છે.

ડોક્ટર મર્ડર કેસ: બંગાળમાં લોકો ફરી રસ્તા પર ઉતર્યા

14 ઓગસ્ટની જેમ બુધવારે રાત્રે રાજધાની કોલકાતા સહિત બંગાળના તમામ જિલ્લાઓમાં મહિલાઓ, છોકરીઓ અને સામાન્ય લોકો ફરીથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કોલકાતાની સરકારી આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટના સામે ન્યાયની માંગણી કરી હતી. આ વિરોધમાં તમામ વયજૂથના લોકોએ ભાગ લીધો હતો.

આ સાથે આંદોલનકારી જુનિયર ડોકટરોના કોલ પર, કોલકાતા અને જિલ્લાઓમાં પણ લોકોએ બુધવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી એક કલાક માટે તેમના ઘરોમાં લાઇટ (વીજળી) બંધ કરીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. જેના કારણે કોલકાતા અને અન્ય શહેરોના મોટાભાગના વિસ્તારો અંધારામાં ડૂબેલા જોવા મળ્યા હતા. લોકોએ લાઇટ બંધ કરીને અને મીણબત્તીઓ પ્રગટાવીને વિરોધ કર્યો હતો.

કોલકાતાના ઐતિહાસિક વિક્ટોરિયા મેમોરિયલની લાઇટ પણ આ સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવી હતી. રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ રાજભવનની લાઇટો બંધ કરીને વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. મોટી સંખ્યામાં લોકો વિક્ટોરિયાની સામે એકઠા થયા હતા, મીણબત્તીઓ પ્રગટાવી હતી અને ઘટના સંદર્ભે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોલકાતા અને જિલ્લાઓમાં સાંજથી મોડી રાત સુધી મોટી સંખ્યામાં મીણબત્તી અને મશાલ રેલીઓ પણ કાઢવામાં આવી હતી. લોકો વિવિધ આંતરછેદો અને રસ્તાઓ પર એકઠા થતા જોવા મળ્યા હતા અને તેમના પર લખેલા ન્યાય માટે જસ્ટિસ ફોર આરજી કાર, જસ્ટિસ ફોર અભયા જેવા સૂત્રોચ્ચાર સાથે પ્લેકાર્ડ ઉભા કરતા જોવા મળ્યા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ છે. સીએમ નાયબ સિંહ સૈનીની સીટ બદલવામાં આવી છે. તેઓ લાડવા બેઠક પરથી ચુનાલ ચૂંટણી લડશે. હાલમાં તેઓ કરનાલ સીટથી ધારાસભ્ય છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી ચૂંટણી લડશે. રતિયાથી પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને પલવલથી દીપક મંગલાની ટિકિટ કાપ્યા બાદ ગૌરવ ગૌતમને ટિકિટ આપવામાં આવી છે. બે દિવસ પહેલા ભાજપમાં જોડાયેલા દેવેન્દ્ર સિંહ બબલીને ટોહાનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2024નું આયોજન

મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લા સાત વર્ષથી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની શાળાઓમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓનું, ગુજરાતી અંગ્રેજી ભાષામાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું તેમજ 100 ટકા પરિણામ લાવનાર શાળાઓનું સન્માન કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરે છે. આ વર્ષે ‘માતૃભાષામાં શિક્ષણનું મહત્વ’ સમજાવતી થીમ પર સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સ્ટેજ તેમ જ પરિસરની સજાવટ માતૃભાષામાં ભણતરનું મહત્વ તેમજ ફાયદા સમજાવતા વિવિધ બેનર્સથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ ઘાટકોપરની એસ.પી.આર.જૈન કન્યાશાળા ટ્રસ્ટનાં સૌજન્યથી ભૂરીબેન ગોળવાળા ઓડિટોરિયમમાં યોજાયો હતો. કાર્યક્રમમાં નાસિક,પુના,સાંગલી,દહાણુ તેમ જ મુંબઈની અલગ-અલગ શાળા-સંસ્થાનાં પદાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાએ આવીને સમારોહની શોભા વધારી હતી. આ કાર્યક્રમની મંગળ શરૂઆત દિપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. પછી અંગ્રેજી વિષયમાં, ગુજરાતી વિષયમાં તેમજ બંને વિષયમાં 85 અથવા 85 કરતાં વધુ ગુણ મેળવનાર કુલ 14 વિદ્યાર્થીઓને 500 રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર પાઠવી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ હુસૈનીભાઈ દવાવાલા નિર્દેશિત થીએટ્રિક્સ ગ્રુપ દ્વારા ‘આપણી માતૃભાષા, આપણી જવાબદારી’ નાં વિષયને ધ્યાનમાં રાખી નાટકની શુભ શરૂઆત રંગલા અને રંગલીનાં ભવાઈના વેશથી થઈ કે જેમાં આજની પેઢી ટોમ એન્ડ જેરી, સીનચેન, ડોરેમોન જેવા કાર્ટૂન પાછળ ગાંડીતૂર બની છે ત્યારે આપણો સાંસ્કૃતિક બાળ સાહિત્યના વારસાને સ્ટેજ સમક્ષ રજુ કર્યુ હતું. એસ.પી.આર. જૈન કન્યાશાળાની બાળાઓ દ્વારા અદ્ભૂત પિરામિડ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓએ સાહસિક રીતે શૌર્યતા દાખવી અલગ-અલગ કુલ 13દૃશ્યો બતાવી વિદ્યાર્થીના જીવનમાં માતૃભાષામાં ભણતરનું મહત્વ દર્શાવતો સંદેશ પાઠવ્યો હતો.નાટક અને પિરામિડથી પ્રભાવિત થઈ પ્રેક્ષકોમાંથી રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી જે ખૂબ જ પ્રોત્સાહક હતું.

મુંબઈ ગુજરાતી સંગઠનની યુવાટીમનાં સભ્યો દ્વારા લગાતાર ત્રણ વર્ષથી માતૃભાષાના ભણતર માટેની જાગૃતિ લાવવા માટે શેરીનાટક કરવામાં આવે છે. જેના માટે સમારોહમાં આવેલા અતિથીઓ તરફતી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં 15વર્ષથી માતૃભાષાની શાળાઓ માટે અવિરતપણે કાર્યરત છે આ વાતથી અવગત કરાવવા માટે મીરા ચાવડા, પાર્થ લખાણી તેમજ ભાવેશભાઈ મહેતા દ્વારા મુંબઈ ગુજરાતી સંગઠનના ધ્યેય અને કાર્યો સમજાવવામાં આવ્યા હતા.તેમ જ દરેક ને પોતાની શાળાને ફરીથી ધમધમતી કરવા પોતાની જવાબદારી નિભાવવા મુંબઈ ગુજરાતી સંગઠન પૂરો સહયોગ આપશે એવી મક્કમ બાહેધરી પણ આપવામાં આવી.

તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતીની ઉત્તમ પ્રાથમિક અને માધ્યમિક શાળાની જેમ આ વર્ષથી ‘માતૃભાષાનું ઉત્તમ બાળમંદિર’ નાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી. તેમજ પોતાના વિસ્તારમાં અંગ્રેજીમાં વટલાવવની પ્રવૃત્તિ અટકાવવા માતૃભાષાના બાલમંદિર શરૂ કરવામાં પૂરો સહયોગ આપવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી. હવેથી દરેક ઉત્તમ શાળા અને બાળમંદિરને 11,000 રોકડ પુરસ્કાર તેમજ સ્મૃતિચિહ્ન આપવામાં આવશે.

મહારાષ્ટ્ર બોર્ડની ગુજરાતી માધ્યમની શાળાના પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ચાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી, સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનાં વર્ષ 1984-85 નાં બેચ તરફથી ચાંદીની લગડી, ઘડિયાળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમ જ પ્રાઇવેટ એસ એસ સી, બારમાં ધોરણના અને અનુસ્નાતક માટેના ચાર વિશેષ ઈનામ આપવામાં આવ્યા.અને પછી મહારાષ્ટ્રની ગુજરાતી માધ્યમની દરેક શાળામાં પ્રથમ આવનાર કુલ 64વિદ્યાર્થીઓને 1000 રૂપિયા રોકડ પુરસ્કાર, ટ્રોફી તેમજ સો ટકા પરિણામ લાવનાર કુલ 28 શાળાઓને ટ્રોફી અને પાયથન પુસ્તક પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું.આમ કુલ 1, 40, 000 રૂપિયાના રોકડ ઈનામો આપવામાં આવ્યાં હતાં.

બિહારમાં ફરી કોઈ મોટી રાજકીય રમત રમાશે?

પટનાઃ બિહારમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. બિહારના CM નીતીશકુમાર અને RJD નેતા તેજસ્વી યાદવે સચિવાલયમાં આશરે અડધો કલાક મુલાકાત કરી હતી. જેથી બિહાર સહિત દેશના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થયો છે. આવામાં સવાલ થઈ રહ્યો છે કે બિહારમાં ફરી કોઈ મોટો ખેલ થવાનો છે?

શું બિહારમાં ફરીથી કોઈ મોટા નેતાનો અંતરાત્મા જાગી રહ્યો છે. શું બિહાર ફરીથી દેશના રાજકારણનું કેન્દ્ર બનશે? બિહારમાં પ્રશાંત કિશોરની સક્રિયતા અને નીતીશકુમારના મૌને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આ મુલાકાતમાં થયેલી વાતચીતને નજરઅંદાજ ના કરી શકાય. આ ઉપરાંત હાલના ઘટનાક્રમમાં જોઈએ તો JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીને રાષ્ટ્રીય પ્રવક્તાપદથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ અનેક વાર પાર્ટી લાઇનથી બહાર જઈને નિવેદનો કરતા તેમને પ્રવક્તાપદેથી દૂર કરવામાં આવ્યા છે, કેમ કે JDU હાલ ભાજપ સાથે સંબંધ ખરાબ કરવા નથી ઇચ્છતી, એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

જો સત્તાવાર નિવેદન સાચું માનીએ તો આ મુલાકાત માત્ર માહિતી કમિશનરની નિયુક્તિ કરવા માટે હતી, પણ સવાલ એ વાતનો છે કે માહિતી કમિશનરની નિમણૂક સિવાયની ઇતર વાતનો છે, જેનો ઉલ્લેખ તેજસ્વી યાદવે પત્રકારોને પણ કર્યો છે. વળી, આ બંને ધુરંધરો આશરે આઠ મહિના પછી એકમેકને મળ્યા હતા.કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં JDU ફરીથી RJD સાથે ગઠબંધન કરી શકે. જોકે આ કહેવું હાલ ઘણું જલદી ગણાશે, પણ રાજકારણમાં કોઈ સ્થાયી મિત્ર કે દુશ્મન નથી હોતા, જેથી થોભો અને રાહ જુઓ.

 

સાબરકાંઠાના ખેડૂતોના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું

આમ તો ખેડૂતો અને વરસાદ પરસ્પર મિત્ર ગણાય છે. પરંતુ આ વર્ષે મેઘ મહેર માનો મેઘ કહેર બની ખેડૂતો પર વરસી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે વધુ વરસાદને પગલે શાકભાજી સહિતનો મોટાભાગનો પાક નિષ્ફળ રહ્યો છે. આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાલી ખમ થયેલી નદીઓ, નાળા અને તળાવ પાણીથી ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક પાણીમાં ગરકાવ થતાં કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પંજર પડી ગયો છે અને વિકાસ વગરનો થઈ ગયો છે.

ભારે વરસાદને પગલે પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેર સહિત તાલુકામાં મોટાભાગે શાકભાજીમાં ફ્લાવર-કોબીજનો પાક થતો હોય છે. જેમાં મોટાભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમાં કોહવાઈ ગયો છે. તો તૈયાર થયેલા પાકના ખેતરોમાં પાણી ભરાયેલુ રહેતા પાક કોહવાઈ ગયો છે. આ વર્ષે વધુ વરસાદને લઈને ધરતી પુત્રોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી બાજું કપાસ, મગફળી, ડાંગર, દિવેલા, ગવાર સહિતના પાકો પણ કોહવાઈ જતાં ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ધરતી પુત્રો દ્વારા સરકાર ખેતીનો સર્વે કરીને સહાય ચુકવે તેવી માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તૈયાર થયેલો પાક કોહવાઈ જતા ખેડ, ધરૂ, ખાતર, મજુરી સહિતનો ખર્ચ માથે પડયો છે.

બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટી નુકસાની ગયા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે આ વર્ષે લીલા દુકાળના કારણે અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ જતા ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.