Home Blog Page 1512

અંબાજી મંદિરની દાનપેટીમાંથી મળ્યું એક કિલો સોનું!

કહેવાય છે કે શ્રદ્ધાના કદી પુરાવા નથી હોતા. પરંતુ ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં ભક્તની શ્રદ્ધાના પુરાવા મળ્યા છે. એટલે કે અંબાજી મંદિરની દાન પેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી છે.

ગુજરાતનું અંબાજી મંદિર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. બારે મહિના અહીં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ભક્તોના ઘોડાપૂર સાથે અહીં દાનની પણ સરવાણી થતી રહે છે. ભૂતકાળમાં પણ અંબાજી મંદિરમાં લાખો રુપિયાના સોનાનું દાન ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એછે કે પહેલી વારર અજાણ્યા દાતા દ્વારા લાખો રુપિયાનું સોનું દાન પેટીમાં મુકવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ધામમાં શ્રદ્ધાળુએ ‘સુવર્ણ’ ભેટ અર્પણ કરી છે. મંદિરનો ભંડાર ખુલતા અંદરથી સોનાની 10 લગડી મળી આવી છે. એક ભક્તે 100 ગ્રામ વજનની 10 લગડી મંદિરમાં ભેટ ચઢાવી છે. સોનાની 10 લગડી ચુંદડીમાં બાંધેલી હતી. કુલ એક કિલો વજનની લગડીની કિંમત રૂપિયા70 થી 75 લાખ હોવાનો અંદાજો છે.

નોંધનીય છે કે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી હાલમાં ચાલુ જ છે. મંદિરને સોને મઢવા શ્રદ્ધાળુઓ દ્વારા સતત સોનાનું દાન કરવામાં આવે છે, ત્યારે ફરી એકવાર અજાણ્યા ભક્ત દ્ધારા સોનાની લગડીઓ દાન કરવામાં આવી છે.

અભિનેત્રી સંયુક્તાએ ફિલ્મ સ્વયંભૂ માટે ઘોડેસવારી, તીરંદાજીની લીધી તાલીમ

મુંબઈ: અભિનેત્રી સંયુક્તા હવે નિખિલ સિદ્ધાર્થ સાથે તેના આગામી અખિલ ભારતીય પીરિયડ ડ્રામા ‘સ્વયંભૂ’ની તૈયારીમાં લાગી ગઈ છે. અભિનેત્રી આ ફિલ્મમાં તેના રોલની તૈયારી માટે સખત મહેનત કરી રહી છે. ફિલ્મમાં પોતાના પાત્રને લઈ તે ફિઝિકલ તાલીમ મેળવી રહી છે.

સંયુક્તાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું છે, “એક અભિનેતા તરીકે, હું ભાગ્યશાળી છું કે હું દરરોજ અલગ-અલગ વસ્તુઓનો અનુભવ કરી શકું છું. મારી આગામી ફિલ્મ સ્વયંભુ માટે હું ઘોડેસવારી શીખી રહી છું અને મારા પર વિશ્વાસ કરો, તે એક આધ્યાત્મિક અને સમૃદ્ધ પ્રવાસ હશે. ઘોડા સાથે સુમેળ અને સંકલનમાં રહેવું, ઘોડાના આત્મામાં ઊંડાણપૂર્વક જોવું અને ખાતરી કરવી કે અમે એક ટીમ તરીકે સાથે મળીને કામ કરી રહ્યા છીએ તે ખૂબ જ સુંદર અને મુક્ત છે! મેં દરેક પતનને એક સ્ટેપિંગ સ્ટોન તરીકે લીધું છે, અવરોધ તરીકે નહીં.”

એટલું જ નહીં અભિનેત્રી તીરંદાજી અને પાર્કૌરનો પાઠ પણ લઈ રહી છે અને ફિલ્મમાં તેના એક્શન સીન્સ માટે સઘન શારીરિક તાલીમ લઈ રહી છે. સ્વયંભુ એ એક સમ્રાટની વાર્તા છે જેણે ઇતિહાસમાં સુવર્ણ યુગની સ્થાપના કરી અને એક મહાકાવ્ય કાળની ગાથા બનવાનું વચન આપ્યું. તે ભરત કૃષ્ણમાચારી અને આદિત્ય બહુધનમ દ્વારા નિર્દેશિત છે. ફિલ્મના પોસ્ટરો પહેલાથી જ તેને ભારતની સૌથી અપેક્ષિત આગામી રીલીઝમાંની એક બનાવી ચુક્યા છે.

ભાવનગરમાં અનોખો વિરોધ, બિસ્માર રોડને લઈ લોકોમાં રોષ

રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ખાડા અને ભૂવાઓનું રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં રોડ રસ્તા બિસ્માર હાલતને લઈ સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો છે. જેમાં રસ્તાઓ ઉપર માટલા મુકી વિરોધ કરાયો છે. તેમાં માટલામા ભાજપના ઝંડા મૂકી વિરોધ કરવામાં આવ્યો છે.

શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખરાબ રોડ રસ્તાના પગલે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખરબ રસ્તાથી વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરની સિવિલ હોસ્પિટલ પાસેનો રસ્તો બિસ્માર બનતા દર્દીઓને પણ હડદોલા સહન કરવા પડી રહ્યા છે. ત્યારે આ રોડ ને લઈ તંત્રની કામગીરી ન દેખાતા ભાવનગરના લોકો વિરોધ પ્રદર્શન કરવા પર મજબૂર બન્યા હતા. રસ્તાઓ ઉપર માટલા મૂકી તેમાં ભાજપનો જંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે. જેમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે છતાં તંત્ર નિષ્ક્રીય છે અને કડક પગલા લેવામાં આવતા નથી. વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે. ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે.

ઇઝરાયેલને હથિયારો નહીં નિકાસ કરવા કોર્ટમાં ‘સુપ્રીમ’ અરજી

નવી દિલ્હીઃ દેશમાંથી ઇઝરાયેલને હથિયારોનો સપ્લાય અટકાવવા માટે 11 સામાજિક કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આ કાર્યકર્તાઓએ અરજી દાખલ કરી છે. ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં નરસંહાર કરી રહ્યો છે, પરંતુ ભારત સરકાર ખાનગી કંપનીઓને ઇઝરાયેલને હથિયાર કરવાથી નથી અટકાવી રહી, કોર્ટ સરકારને ઇઝરાયેલને સૈન્ય સામાનને મોકલતા અટકાવે એમ અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો.

કોર્ટમાં દાખલ અરજીમાં કેન્દ્ર સરકારને એ નિર્દેશ આપવામાં વિનંતી કરવામાં આવી છે કે કોર્ટ ઇઝરાયેલને હથિયાર અને અન્ય સૈન્ય ઉપકરણોની નિકાસ કરતી ભારતીય કંપનીઓનાં લાઇસન્સ રદ કરે અને નવાં લાઇસન્સ ના આપે.

આ અરજીકર્તાઓમાં હર્ષ માંદર, જ્યાં ટ્રેઝ, નિખિલ ડે અને અશોક શર્મા સહિત 11 લોકો છે. સામાન્ય રીતે કોર્ટ વિદેશ નીતિથી જોડાયેલા કેસોમાં દખલ નથી દેતી. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે કોર્ટ કયા આધારે અરજીકર્તાની અરજીની કેન્દ્ર સરકારના નરસંહારવિરોધી આંતરરાષ્ટ્રીય સમજૂતીથી બંધાયેલા હોવાનો હવાલો આપે છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સંરક્ષણ મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિવિધ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓથી બંધાયેલો છે, જે ભારતને યુદ્ધ અપરાધોને દોષી દેશોને સૈન્ય હથિયાર નહીં આપવા માટે અટકાવે છે. આવું એટલા માટે, કેમ કે કોઈ પણ નિકાસનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાનૂનના ઉલ્લંઘન માટે કરી શકાય છે.

આ અરજીમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે સંરક્ષણ મંત્રાલય હેઠળ કંપનીઓ તરફથી ઇઝરાયેલને સૈન્ય ઉપકરણો અને હથિયારોનો સપ્લાય કરવો એ બંધારણના આર્ટિકલ 14 અને 21ની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારતની જવાબદારીનું ઉલ્લંઘન કરે છે.

 

તરણેતરના મેળાની જાણી-અજાણી વાતો..

સમગ્ર વિશ્વમાં ગુજરાતના લોકમેળાનું અનેરું મહત્વ છે. ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા લોકમેળા રાજ્યના જુદા-જુદા પ્રાંતમાં ભરાય છે. આજે વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા તરણેતરના મેળાની.

દેશનું પ્રત્યેક રાજ્ય જુદા-જુદા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો આનંદ છતો થાય છે. સામાન્ય રીતે મેળો નામ સાંભળીએ એટલે નાના-મોટા ચકડોળ, રમકડાંના સ્ટોલ, ભાત-ભાતના વસ્ત્રો પહેરીને ફરતા લોકો, ઉત્સવમાં ઉમળકાભેર ભાગ લેવા દૂર-દૂરથી આવતું માનવ મહેરામણ નજર સમક્ષ તળવળે. આમ તો દરેક મેળાની પાછળ એનું ધાર્મિક અને પ્રાચીન ઈતિહાસ જોડાયેલો હોય છે. ત્યારે તરળેતળના મેળાનો પણ રસપ્રદ ઈતિહાસ છે.

 ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે,  રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. આ વર્ષે તરણેતર મેળો ૦૬ સપ્ટેમ્બરથી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન યોજાશે. તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ.

આ રીતે નામ પડ્યું ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ

પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્ત્વ છે. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. વિષ્ણુ ભગવાને શિવજી ઉપર ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ  ખૂટ્યું ત્યારે એમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ કહેવાયા. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે.

આ ભૂમિ પાંચાલભૂમિ તરીકે પણ ઓળખાય છે

પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. એની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડનાં પાણીમાં પ્રતિબિંબ જોઈ અર્જુને માછલીની આંખ વીંધી હતી. અને દ્રોપદી સાથે એમના વિવાહ થયા. માટે લોકવાયકા પ્રમાણે આ ભૂમિને દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે “પાંચાલભૂમિ” તરીકે પણ ઓળખાય છે.

આ રીતે શરૂ થયો તરણેતરનો મેળો

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ૠષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું. જેથી પાંચાળ વિસ્તારના લોકોને ગંગા સ્નાન માટે હરિદ્ધાર કે ઋષિકેશ સુધી ન જવું પડે. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, માટે કહેવાય છે કે ત્યારથી આ ભાતીગળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઝાંખી કરાવતા તરણેતરના લોકમેળાની  ઐતિહાસિક રીતે શરૂઆત થઈ.

આકર્ષણનું કેન્દ્ર હોય છે બળદગાડા

તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે. સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી એ સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. એનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે.

આણંદના શિક્ષક વિનય પટેલની ‘નેશનલ ટીચર્સ એવોર્ડ’ માટે પસંદગી

ગાંધીનગર: રાષ્ટ્રીય શિક્ષક દિવસ પર કેન્દ્ર સરકાર દેશભરમાંથી શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું સન્માન કરે છે. નેશનલ ટીચર્સ એવોર્ડ એનાયત કરીને શિક્ષકોને વધુ પ્રોત્સાહન પૂરું પાડે છે. ત્યારે આ વર્ષે શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં 16 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા વિનય શશિકાન્ત પટેલની પસંદગી પણ નેશનલ ટીચર્સ એવોર્ડ 2024 માટે થઇ છે.આ પ્રસંગે વિનયભાઈએ કહ્યું, “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળે તેથી આ જવાબદારી મેં સ્વીકારી. આજે મારી હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ પણ છે. હાઇસ્કૂલમાં થતા કોઈપણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.”હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્પર વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાયબ્રેરી છે, જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તો લાઇબ્રેરીમાં જવાનું જ.”બાળકોમાં શિક્ષણની સાથો-સાથ પ્રકૃતિ પ્રત્યે સમન્વય અને સેવા ભાવનાનું ઘડતર થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આયુર્વેદની ઔષધિઓમાં ઉપયોગી બને તેવા વૃક્ષોનું શાળામાં વાવેતર કરવામાં આવ્યું છે. આ કામમાં બાળકો પણ હોંશેહોંશે જોડાય છે. સાથોસાથ વિનયભાઇ કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના સમયે ગામડાની શેરીઓમાં બાળકોને સાથે લઇ જઇને પતંગના દોરા એકત્ર કરાવી લે છે, જેથી પક્ષીઓને નુકસાન ન થાય. પર્યાવરણની કામગીરી સાથે 1996થી સંકળાયેલા વિનયભાઇ જણાવે છે, “જે વૃક્ષો ઉગાડ્યા છે, ત્યાં તેની માહિતીના ચાર્ટ પણ રાખ્યા છે, જેથી બાળકોને તેના વિશે માહિતી મળે. મારો જન્મદિવસ હોય ત્યારે તમામ બાળકોને ઔષધીય ગુણોવાળા અલગ-અલગ વૃક્ષ ભેટમાં આપું છું. આ રીતે બાળકોનો પ્રકૃતિ સાથે સંવાદ ગહન બને છે.”ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”વડદલા ગામની પરિસ્થિતિ અંગે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં અહીં 8થી 10 ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. દસમા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને અનુકૂળતા નહોતી રહેતી. આ પરિસ્થિતિ જોઇને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમને અહીં ખાસ મંજૂરી આપ્યા બાદ વર્ષ 2013થી 11 અને 12 ધોરણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચી છે. એક દિવ્યાંગ બાળકીને અહીં રમત-ગમતમાં પૂરતી તાલીમ મળવાથી ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમાંક લાવી છે. આવનારા દિવસોમાં તે રાજ્યકક્ષાએ પણ મોખરે રહેશે તેવો અમને વિશ્વાસ છે.”આ વર્ષે દેશભરમાંથી કુલ 50 શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી ચંદ્રેશકુમાર બોરીસાગર અને વિનય શશીકાન્ત પટેલની પસંદગી કરવામાં આવી છે.

ગણેશ મહોત્સવની તૈયારી વચ્ચે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત

વડોદરા: એક બાજુ રાજ્યમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજું ગણતરીના દિવસોમાં જ ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગણેશ ચતુર્થીને લઈ રાજ્ય સહિત દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઢેર ઢેર ગણપતિ બાપાના પંડાલ સજાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે પાદરાના ડબકા ગામે એક આધાતજનક ઘટના સર્જાઇ છે. જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા 15 યુવકોને એક સાથે કરંટ લાગ્યો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા ગામમાં ગણપતિના તહેવારને લઈ પંડાલ સજાવવાની કામગીરી ચાલી રહી હતી. પંડાલ સજાવતી વખતે એક સાથે લગભગ 15 યુવાકોને કરંટ લાગતા ભક્તિમય વાતવરણ શોકમય બની ગયું. ડબકા ગામે આવેલા વેરાઇ માતાના મંદિર પાસે ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા, તે દરમિયાન લોખંડની એંગલ હાઇટેન્શન લાઇનને અડી જતાં 15 યુવકોને અચાનક કરંટ લાગ્યો હતો. જેમાં 1 યુવકનું મોત નિપજ્યું છે, જ્યારે 14 યુવાનોને શરીરના અલગ અલગ ભાગો પર ઇજા પહોંચી હતી.  ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે.

IPL 2025: રાહુલ દ્રવિડ બન્યા રાજસ્થાન રૉયલ્સના હેડ કોચ

નવી દિલ્હી: રાહુલ દ્રવિડનો ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ ગત જૂન મહિનામાં T-20 વર્લ્ડ કપ જીતવાની સાથે સમાપ્ત થયો. હવે દ્રવિડે IPLમાં એન્ટ્રી કરી છે. રાજસ્થાન રોયલ્સે તેમને નવા મુખ્ય કોચ બનાવ્યા છે. રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે દ્રવિડનું જૂનું કનેક્શન છે. તેઓ IPL કારકિર્દી દરમિયાન રાજસ્થાનના કેપ્ટન રહી ચૂક્યા છે. આ પછી તેઓ ટીમના મેન્ટર પણ બન્યા હતા. દ્રવિડ રાજસ્થાન બાદ દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયા હતા.રાહુલ દ્રવિડે તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝી સાથે કોચ તરીકેની ડીલ સાઈન કરી છે. ઈ.એસ.પી.એન. ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, તેમણે ફ્રેન્ચાઈઝી સાથે જોડાતાની સાથે જ પોતાનું કામ શરૂ કરી દીધું છે. મેગા ઓક્શન પહેલા ટીમના નવા કોચે ખેલાડીઓને જાળવી રાખવા અંગે ચર્ચા કરી હતી.

USમાં એકઝટકામાં એનવિડિયાના શેરમાં રૂ. 23 લાખ કરોડ સ્વાહા

ન્યુ યોર્કઃ અમેરિકાના શેરબજારમાં ગઈ કાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં મેન્યુફેક્ચરિંગના ડેટા અપેક્ષાથી નીચા આવતાં દેશમાં ફરી મંદીની આશંકા ઊભી થઈ હતી. અમેરિકી ન્યાય વિભાગે એનવિડિયાને સમન્સ મોકલ્યું છે. કંપનીની વિરુદ્ધ એન્ટિટ્રસ્ટ પ્રેક્ટિસીઝની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

જેના લીધે અમેરિકી ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની એનવિડિયાના શેરોમાં મંગળવારે 10 ટકાનો ઘટાડો આવ્યો હતો. જેથી  અમેરિકી કંપનીની માર્કેટ વેલ્યુમાં અત્યાર સુધીનો એક દિવસમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. એનાથી કંપનીના માર્કેટ કેપમાં 279 અબજ ડોલર (આશરે રૂ. 23 લાખ કરોડ)નું નુકસાન થયું છે. સ્ટોક માર્કેટ વેલ્યુમાં એનવિડિયાનું એક ટર્મનું નુકસાન ફેસબુકમા માલિક મેટા પ્લેટફોર્મ્સ (મેટા)ના 232 અબજ ડોલરના ઘટાડાથી વધુ હતું. એને લીધે રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીને લઈને વધુ સાવચેતી વર્તી રહ્યા છે. આ સાથે શેરબજારમાં આવેલા ઘટાડાને કારણે રોકાણકારોના એક લાખ કરોડ ડોલર સ્વાહા થયા હતા.

AIએ આ વર્ષે શેરબજારમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો હતો, પણ હવે AIને કારણે સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. PHLX ચિપ ઇન્ડેક્સમાં 7.75 ટકાનો ઘટાડો આવ્યો છે, જે 2020 પછી એનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.

એનવિડિયાએ ગયા બુધવારે AI વિશે ત્રિમાસિક અંદાજિત પરિણામો જારી કર્યા હતાં, જેનાથી રોકાણકારોની વચ્ચે નવી આશા જાગી હતી, પણ હવે AIને કારણે ઘટતા બજારે રોકાણકારોમાં ખળભળાટ મચાવી દીધો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે 12 મહિનામાં ટેક્નોલોજી અને સેમીકંડક્ટર્સમાં એટલું મૂડીરોકણ કરવામાં આવ્યું હતું કે બજારમાં ઊથલપાથલ મચી ગઈ છે.

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને 21મો મેડલ મળ્યો

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં તેનો 21મો મેડલ જીત્યો છે. સચિન ખિલારીએ પુરુષોની શોટ પુટ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. સચિન ખિલારીએ સાતમા દિવસે ભારતનું ખાતું ખોલાવ્યું અને પુરુષોની શોટ પુટ F46 ઈવેન્ટમાં મેડલ જીત્યો. વિશ્વ ચેમ્પિયન સચિનનો 16.32 મીટરનો થ્રો F46 કેટેગરીમાં એશિયન દ્વારા અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. 2023 અને 2024ના વર્લ્ડ ચેમ્પિયન સચિન ખિલારી કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટને પાછળ છોડી દીધા છે. ગ્રેગ સ્ટુઅર્ટે 16.38ના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો.

ત્રણ ભારતીયોએ ભાગ લીધો હતો

આ ઈવેન્ટમાં કુલ ત્રણ ભારતીયોએ ભાગ લીધો હતો. મોહમ્મદ યાસર અને રોહિત કુમાર પોડિયમ પૂરો કરી શક્યા ન હતા. તેઓ અનુક્રમે 14.21 મીટર અને 14.10 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે 8મું અને 9મું સ્થાન મેળવ્યું હતું. વર્લ્ડ ચેમ્પિયન અને એશિયન ગેમ્સ જીતીને પેરિસ પેરાલિમ્પિકમાં પહોંચેલા સચિન. તેણે તમામ 6 માન્ય થ્રો કર્યા અને બીજા પ્રયાસમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે શાનદાર રમત રમી. શરૂઆતથી જ સચિન કેનેડાના સ્ટુઅર્ટની સાથે ટોપ-2 દાવેદારોમાં રહ્યો હતો.

એથ્લેટિક્સમાં 11મો મેડલ

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતની એથ્લેટિક્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. સચિનના સિલ્વરની સાથે પેરા-એથ્લેટિક્સમાં આ ભારતનો 11મો મેડલ છે. પેરાલિમ્પિક્સ 2024માં ભારત માટે મેડલ જીતવામાં ટ્રેક એન્ડ ફિલ્ડ ટીમ મોટી ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. ભારતને ભવિષ્યમાં વધુ મેડલની આશા છે. છઠ્ઠા દિવસે જ, ભારતે 20મો મેડલ જીતીને ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સુધાર્યું હતું. ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા, જે અત્યાર સુધીની કોઈપણ પેરાલિમ્પિક સિઝનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

9 વર્ષની ઉંમરે અકસ્માત થયો હતો

સચિન ખિલારીની પેરાલિમ્પિક મેડલ જીતવા સુધીની કહાણી કોઈના માટે પ્રેરણાથી ઓછી નથી. તેણે શોટ પુટમાં મોટી સફળતા હાંસલ કરવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કરગની, આટપાડી તાલુકામાં જન્મેલા સચિન ખિલારીને 9 વર્ષની ઉંમરે સાયકલ અકસ્માત થયો હતો, જેના પરિણામે તેના ડાબા હાથમાં ફ્રેક્ચર અને ગેંગરીન થયું હતું. આ હોવા છતાં, તેણે એન્જિનિયર બનવા માટે અભ્યાસ દરમિયાન રમતગમત પ્રત્યેનો પોતાનો જુસ્સો જાળવી રાખ્યો. શરૂઆતમાં, તેણે બરછી ફેંકવાનું શરૂ કર્યું, પરંતુ ખભાની ઈજા પછી તેણે શોટ પુટ તરફ સ્વિચ કરવું પડ્યું. આ બદલાવ તેની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

2017માં પ્રથમ ગોલ્ડ જીત્યો હતો

કોચ અરવિંદ ચવ્હાણના માર્ગદર્શન હેઠળ, ખેલાડીએ શોટ પુટમાં તેની પ્રતિભા સુધારી. તેણે 2017માં જયપુર નેશનલ્સમાં 58.47 મીટરના થ્રો સાથે તેનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા વર્ષે પેરિસમાં 16.21 મીટરના નવા એશિયન રેકોર્ડ સાથે તેમનું પ્રથમ વર્લ્ડ પેરા ટાઇટલ જીત્યું ત્યારે રમત પ્રત્યેનું તેમનું સમર્પણ અને જુસ્સો ફળ આપે છે. આ પછી તેણે હેંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં 16.03 મીટરના થ્રો સાથે ખિતાબ જીત્યો.