Home Blog Page 1514

જળતાંડવ બાદ વડોદરામાં મગરનો આતંક, સાત દિવસમાં 42 મગરનું કરાયું રેસ્ક્યુ

વડોદરા સહિત ગુજરાતમાં થોડા દિવસો પહેલા મેધ તાંડવ જોવા મળ્યું હતું. જ્યાં શહેરની વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરાનું જન જીવન અસ્થવ્યસ્થ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નદીના પાણીમાં વહીને કેટલીક મગરો શહેરના વિસ્તારમાં ઘૂસી આવી હતી.

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં 42 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. નોંધનીય છે કે હાલ સુધી પણ શહેર કેટલાક વિસ્તારમાં મગરો દેખાવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, એટલે કે રેસ્ક્યુ કરેલા મગરનો આંક વધશે. એક ગણતરી અનુસાર વિશ્વામિત્રીમાં આશરે 300 મગર છે. જેમાંથી કેટલાક નદીના પૂરની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. પરંતુ જેમ પાણી નીચે ઉતરતા ગયા તેમ મગરો દેખાતા ગયા. લોકો પણ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ અને વન વિભાગનો સંપર્ક કરી મગરોનું રેસ્ક્યુ કરાવે છે. આ વખતે મગરો 15 ફૂટ સુધી લંબાઈ ધરાવતા જોવા મળ્યા છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મગર પ્રવેશ્યા હોય અને ફરતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે મગરની સાથે-સાથે સાપ સહિતના સરીસૃપો પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

સોનાક્ષી સિન્હાએ ભાઈને કારણે ન કર્યા ભવ્ય લગ્ન, પોતે જ કર્યો ખુલાસો

મુંબઈ: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને બે મહિના થઈ ગયા છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં આ કપલે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા, પરંતુ તે પછી પણ આ લગ્નની ઘણી ચર્ચાઓ થઈ હતી. સોનાક્ષી-ઝહીરના લગ્નને લઈને સિન્હા પરિવારને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ અભિનેત્રીએ ટ્રોલિંગની પરવા કર્યા વિના તેના સાત વર્ષના લાંબા સંબંધોને લગ્નમાં બદલ્યો. સોનાક્ષી સિંહાએ તેના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જ લગ્ન કર્યા હતા અને તેમના બંને રિસેપ્શનમાં માત્ર મર્યાદિત મહેમાનો જ હાજર રહ્યા હતા. આવી સ્થિતિમાં હવે અભિનેત્રીએ તેના સાદગીભર્યા લગ્ન પાછળનું કારણ જણાવ્યું છે.

 (Photo: IANS)

સોનાક્ષીએ પોતાની માતાને પોતાની લાગણી જણાવી

ગલાટા ઈન્ડિયા સાથે વાત કરતા સોનાક્ષીએ જણાવ્યું કે તેના ભાઈ કુશના કારણે તેણે નક્કી કર્યું હતું કે તે બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ નહીં કરે. અભિનેત્રીએ જણાવ્યું કે ભાઈ કુશના લગ્ન પછી તેણે નક્કી કર્યું હતું કે તે ખૂબ જ સાદાઈથી લગ્ન કરશે. તેના ભાઈના લગ્ન પછી જ સોનાક્ષીએ પોતાની લાગણી માતા પૂનમ સમક્ષ સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તે કેવા લગ્ન ઈચ્છે છે.

સોનાક્ષીએ ભવ્ય રીતે લગ્ન કેમ ન કર્યા?

જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે શું સેલિબ્રિટી હોવાના કારણે તેના પર ભવ્ય લગ્ન કરવાનું દબાણ નહોતુ? તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું,’દબાણ હતું, પરંતુ અમે કેવા લગ્ન ઈચ્છીએ છીએ તે અંગે અમે એકદમ સ્પષ્ટ હતા. થોડા વર્ષો પહેલા મારા ભાઈ (કુશ) ના લગ્ન થયા, જે ભવ્ય ઈન્ડિયન લગ્ન હતા. મારા ભાઈના દરેક લગ્ન સમારોહમાં લગભગ 5,000 થી 8,000 લોકો હાજર હતા. આ લગ્ન પછી મેં મારી માતાને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે મારા લગ્ન આ રીતે નહીં થાય. નોંધનીય છે કે સોનાક્ષી સિન્હાના ભાઈ કુશે 2015માં તરુણા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા.

સોનાક્ષીએ આગળ કહ્યું,’તો અમે ખૂબ જ સ્પષ્ટ હતા કે અમે આટલા ધામધૂમથી લગ્ન નહીં કરીએ. તેણે કહ્યું, આ દિવસ આપણા જીવનમાં માત્ર એક જ વાર આવે છે અને તે ખૂબ જ ખાસ છે. તેથી અમે તેને એ રીતે કરવા માગતા હતા જે રીતે અમે ઈચ્છતા હતા. જો કે, અમારા કેટલાક મિત્રો હતા જે અમારા નિર્ણયથી ખુશ ન હતા, કારણ કે તેઓ બધા વધારે ફંક્શન ઇચ્છતા હતા. જેમ કે, હુમા, મારો મિત્ર અને સ્ટાઈલિશ મોહિત. મોહિતે કહ્યું હતું કે, ‘હું ઈચ્છું છું કે તું તારા લગ્નમાં પાંચ વખત તારો ડ્રેસ બદલે’, પરંતુ મેં મારો આઉટફિટ માત્ર એક જ વાર બદલ્યો. આવી સ્થિતિમાં તે ગુસ્સે થઈ ગયો હતો.’

ભાઈ લવ લગ્નમાં હાજર ન હતા

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે જૂનના છેલ્લા સપ્તાહમાં તેમના ઘરે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. જે બાદ તેણે તે જ સાંજે રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. સોનાક્ષી-ઝહીરે સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા. સોનાક્ષીનો ભાઈ કુશ રિસેપ્શનમાં હાજર રહ્યો હતો, પરંતુ લવ બહેનના લગ્નના કોઈ પણ ફંક્શનમાં ગયો નહોતો.

પાકિસ્તાન કંગાળીને આરેઃ ચીન, SAના મૂડીરોકાણમાંથી પારોઠનાં પગલાં

ઇસ્લામાબાદઃ દેવાંની જાળમાં ફસાયેલું પાકિસ્તાન ફરી હવે કંગાળીનો માર ખમી રહ્યું છે. હવે પાકિસ્તાનના મિત્ર ચીન અને સાઉદી આરબે પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. બંને દેશોએ પાકિસ્તાનમાંથી મૂડીરોકાણમાંથી પાછળ હટવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં હાલ આર્થિક મંદીનો દોર છે, એને કારણે અહીં એક મહિનાથી વિદ્રોહ પણ ચાલી રહ્યો છે. પાકની સ્થિતિ જોઈને રોકાણકારોએ દરવાજા બંધ કરી દીધા છે. ચીન અને સાઉદી આરબે પાકિસ્તાનમાં રૂ. 1.82 લાખ કરોડનું મૂડીરોકાણ અટકાવી દીધું છે. ગયા વર્ષે ચીને પાકિસ્તાનમાં રૂ. 1.42 લાખ કરોડના વધારાના મૂડીરોકાણની વાત કરી હતી, પરંતુ ચીને હવે એ મૂડીરોકાણમાંથી પારોઠનાં પગલાં ભર્યાં છે.

ચીનના પાકિસ્તાનમાં કેટલાય પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ત્યાં ચીની એન્જિનિયર્સ પર આતંકવાદી હુમલા થઈ રહ્યા હતા. પાકિસ્તાન તેમને પૂરતી સુરક્ષા નહીં પાડી શકવાને કારણે ચીને મૂડીરોકાણ કરવામાંથી હાથ પરત ખેંચ્યા છે. બીજી બાજુ, સાઉદી આરબના પણ પાકિસ્તાન સાથે સંબંધો ખરાબ થયા છે. સાઉદીએ પણ પાકિસ્તાનમાં રૂ. બે લાખ કરોડના મૂડીરોકાણનું વચન આપ્યું હતું, પણ હવે એ ઘટીને રૂ. 40,000 કરોડ પર આવી ગયું છે અને હવે મૂડીરોકાણ પણ અટકી ગયું છે.

ચીન પાકિસ્તાનથી ખાસ્સું નારાજ છે, જેનું કારણ પાકિસ્તાનની અમેરિકાની સાથે વધતી મિત્રતા છે. બીજી બાજુ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂખ્વામાં સતત હુમલાથી પણ ચીનની ચિંતા વધી ગઈ છે. અહીં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેથી પણ ચીન પાકિસ્તાનમાં મૂડીરોકાણ કરવામાંથી પાછળ હટી રહ્યું છે.

ચીન અને સાઉદી આરબ પછી UAEએ પણ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. UAEએ પણ પાકિસ્તાનમાં રૂ. 83,000 કરોડ મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી હતી, પણ એમાં કોઈ પ્રગતિ થઈ નથી.

 

Monsoon Update: 24 કલાકમાં 198 તાલુકામાં નોંધાયો વરસાદ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા અને જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ હવે ભરૂચના વાલિયામાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે સૌથી વધુ 6 ઇંચ વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો હતો, છેલ્લા 18 કલાકમાં વાલિયામાં 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.

આ ઉપરાંત ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નેત્રંગમાં 5 ઇંચ, વલસાડ અને ઉમરપાડામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત 3 તાલુકામાં 100 મીમી કરતાં વધુ, 15 તાલુકામાં 50 મીમી કરતાં વધુ જ્યારે 179 તાલુકામાં 50 મીમી કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી 

ભારતીય હવામાન વિભાગે આજે ​​ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું, તો બીજી તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બીજી બાજું ગુજરાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

ત્રિશલાનંદન ભગવાન મહાવીર સ્વામીનો આજે જન્મ કલ્યાણક મહોત્સવ

અમદાવાદ: પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે એટલે કે 4 સપ્ટેમ્બર, બુધવારના રોજ મહાવીર સ્વામી જન્મ વાંચનની ઉજવણી થઈ રહી છે. જન્મ કલ્યાણક બાદ ભગવાનને પારણું ઝુલાવવામાં આવે છે. આજે દેરાસરોમાં ભગવાનને ખાસ આંગી પણ કરવામાં આવી છે. આજે પર્યુષણના પાંચમાં દિવસે ભગવાનન મહાવીરના જન્મકલ્યાણનું વાંચન ઉપાશ્રયોમાં પણ થઈ રહ્યું છે. જેમાં મહારાજસાહેબ દ્રારા આ વાંચન કરવામાં આવે છે. ઘણા સંઘોમાં સવારે તો ઘણા સંઘોમાં બપોરના સમયે ભગવાન મહાવીરના જન્મકલ્યાણનું વાંચન કરવામાં આવે છે. પહેલા મહારાજ સાહેબ દ્રારા મહાવીર ભગવાનના જન્મ સમયે કેવો માહોલ હતો અને કેવી સ્થિતિ હતી તે સમયની વાતનું વાંચન કરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાનનો જન્મ થાય અને પુરુષો દ્રારા શ્રીફળ ફોડવામા આવે છે. પછી ભગવાન મહાવીરનું પારણું ઝુલાવવામાં આવે છે.જૈન ધર્મની સાધનામાં ચાતુર્માસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ ચાર મહિનામાં મુનિજન એક જ જગ્યાએ રહીને ધર્મરાધના અને તપ કરે છે. આ દરમિયાન સંકલ્પનો અવસર પર્યુષણ પર્વ પણ ઊજવવામાં આવે છે. તેને પર્વરાજ કહેવામાં આવે છે. આ પર્વથી નવી ચેતના અને સ્ફૂર્તિનો સંચાર થાય છે.પર્યુષણના આઠ દિવસ દરમિયાન જૈન સમાજના લોકો દ્રારા અલગ-અલગ આરાધના કરવામાં આવે છે. કોઈક 30 ઉપવાસ, 16 ઉપવાસ, 8 ઉપવાસ તેમજ અલગ-અલગ તપ કરીને આરાધના કરતા હોય છે.

વરસાદે તોડ્યા વર્ષોના રેકોર્ડ, IITના રિપોર્ટમાં થયો ખુલાસો

ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિનાના અંતમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી, આ ઉપરાંત જનજીવન પણ અસ્થવ્યસ્ત થયું હતું. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.

થોડા દિવસો પહેલા રાજ્યમાં આકાશી આફત વરસી હતી. જેના પર આઈ આઈ ટી ગાંધીનગર ખાતે મશીન ઈન્ટેલિજન્સ એન્ડ રીસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો. જેના અનુસાર 17 જિલ્લામાં બે દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા 10 વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેવો વરસાદ બે દિવસના સમયગાળામાં પડ્યો હતો. આ જ રીતે 15 જિલ્લામાં 3 દિવસમાં પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં 3 દિવસના આ સમયગાળામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરામાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં 3 દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો 10 વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડતો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલા લેવા પડશે.

‘કથાસેતુ’ પુસ્તક દ્વારા 21ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી

મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં ઘણું સાહિત્ય આવ્યું છે પણ ગુજરાતી ભાષામાંથી મરાઠીમાં અનુવાદ ઓછાં થયાં છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગમાં પદ્મગંધા પ્રકાશન પુણેએ કથાસેતુ પુસ્તક પ્રકાશિત કર્યુ છે જે ગુજરાતીમાંથી મરાઠીમાં અનુવાદિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ.

ગુલાબદાસ બ્રોકર, વિઠ્ઠલ પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરીશ નાગ્રેચાથી માંડીને ઘનશ્યામ દેસાઈ, ઉત્પલ ભાયાણી અને આજે ટૂંકી વાર્તા લખતાં કિશોર પટેલ, સંદીપ ભાટિયા, બાદલ પંચાલ અને સમીરા પત્રાવાલાની વાર્તાઓ અનુવાદિત થઈ મરાઠી વાચકો સુધી પહોંચી છે. આ સંપાદનમાં કુલ 21 વાર્તાઓનો સમાવેશ થયો છે. પુસ્તક લોકાર્પણ સમારંભમાં મહારાષ્ટ્ર ટાઈમ્સના કન્સલ્ટીંગ એડિટર શ્રીકાંત બોજેવારે કહ્યું હતું કે વાચકને સમજાય એવી કૃતિઓ હોવી જોઈએ. આ પ્રકારના આદાન પ્રદાન બંને ભાષા વચ્ચે વધુ થવા જોઈએ એ વાત પર એમણે ભાર મૂક્યો હતો.

‘વસંત’સામાયિકના સંપાદક દિલીપ દેશપાંડેએ સંપાદક સંજય પંડ્યાના પિતા નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા તથા પોતાના પિતા મરાઠી ‘વસંત’ના સંપાદક બાલકૃષ્ણ દેશપાંડે સાન્તાક્રુઝમાં બાજુબાજુમાં રહેતા એ સ્મૃતિ તાજી કરી હતી. 82 વર્ષથી પ્રકાશિત થતા ‘વસંત’માં એમણે ‘કથાસેતુ’નું અવલોકન પણ છાપ્યું છે.નવલકથાકાર કાનજી પટેલે ‘કથાસેતુ’ને આવકારતાં પોતાની ટૂંકી વાર્તાના સર્જનના વિષયવસ્તુની વાત કરી હતી.નાની ઉંમરથી ભીલ પ્રજાના જીવનને નજીકથી એમણે જોયું છે એ ઉપરાંત ભટકતી વિમુક્ત જનજાતિ પર આજે પણ જે અન્યાય થઈ રહ્યો છે એની આસપાસ જ એમની ટૂંકી વાર્તાઓ સર્જાય છે એ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું .

કવિ વાર્તાકાર સંદીપ ભાટિયાએ ‘કથાસેતુ’માં સમાવેશ થયેલા વાર્તાકારો વતી વક્તવ્ય આપ્યું હતું.અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું સ્વાગત વક્તવ્ય એમની મસ્ત મસ્ત શૈલીનું! તો એવી જ મઝા વાચિકમમાં કરાવી અભિજિત ચિત્રેએ.કવિ મુકેશ જોષી અને ડૉ.મોનિકા ઠક્કરે પ્રવાહી શૈલીમાં ગુજરાતી અને મરાઠીમાં સંચાલન કર્યું હતું.અનુવાદક સુષમા શાળિગ્રામ તથા પ્રકાશક અભિષેક જાખાડેએ પણ સંપાદન વિશે પોતાની વાત મૂકી હતી.

 

સંપાદન કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે સંપાદન ફક્ત એક વર્ષની પ્રક્રિયા નથી હોતી પણ એના માટે દાયકાઓ સુધી વાંચવું પડતું હોય છે. એક સારા અનુવાદનું પુસ્તક એક ભાષાની સંસ્કૃતિને, એના વાતાવરણને, એની પરંપરાને, એ સમયના વાર્તાકારના ઉન્મેષને અને વાર્તાકારના હૃદયના ધબકારાને બીજી ભાષાના વાચકો સુધી લઈ જાય છે. ઉત્તમ અનુવાદ માટે એમણે સુષમા શાળિગ્રામનો તથા પ્રકાશન માટે અકાદમી તથા અભિષેકજીનો આભાર માન્યો હતો.

કલાગુર્જરી અક્ષર અર્ચના સંસ્થા લોકાર્પણના કાર્યક્રમ માટે સહયોગી સંસ્થા હતી. કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા તથા પૂર્વ પ્રમુખ અમૃત માલદેના સહયોગની કાર્યક્રમ સફળ રહ્યો.સંસ્થાનાં ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા વિનય પાઠક, કવિ કમલ વોરા, વાર્તાકાર ત્રિપુટી કિશોર પટેલ, સતીષ વ્યાસ , હેમંત કારિયા તથા કવયિત્રી પ્રતિમા પંડ્યા, લેખિનીનાં નીતા કઢી તથા પંડ્યા પરિવાર વતી રાજેશ પંડ્યા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં.

વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડે એવી શક્યતા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણી પાંચ ઓક્ટોબરે યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ દિલ્હી સ્થિત રાહુલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાજ્યમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની રાહુલ ગાંધીને મળતાં તેમના ચૂંટણી લડવાની અટકળો તેજ થઈ હતી.

ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાન વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા અને સાક્ષી મલિકે યૌન શોષણનો આરોપ લગાવતાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પહેલવાનોને ભાજપનો વધુ સાથ મળ્યો નહોતો, જે બાદ સતત વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ભાજપથી નારાજ હતા.

પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં નિરાશા હાથ લાગ્યા બાદ જ્યારે પહેલવાન વિનેશ ફોગાટ દેશ પરત આવી તો હરિયાણા કોંગ્રેસના નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાએ ખુદ દિલ્હી એરપોર્ટ પર જઇને સ્વાગત કર્યું હતું. તે બાદ તેના ગામ સુધી રોડ-શોમાં પણ સાથ આપ્યો હતો. દિલ્હી એરપોર્ટથી લઇને બલાલી પહોંચવા સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સાથે દીપેન્દ્રસિંહ હુડ્ડા સહિત કેટલાક કોંગ્રેસી નેતા રહ્યા છે.

વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ઘણા વખતથી લાગી રહી હતી, કોંગ્રેસ હરિયાણામાં પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલાં પહેલવાનોની આ મુલાકાત આ વાતના સંકેત મજબૂત કરી રહી છે કે પહેલવાન ફોગાટ અને પૂનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊતરી શકે છે.

ચૂંટણી કમિટીની બેઠક બાદ કોંગ્રેસ નેતાઓને એવો સવાલ કરવામાં આવ્યો કે શું વિનેશ ફોગાટ પણ પાર્ટીમાં જોડાશે તો એ વાતનો જવાબ ના આપીને કોંગ્રેસે એમ કહ્યું હતું કે એક-બે દિવસમાં તમામ નિર્ણય થઇ જશે. પાર્ટી નેતા દીપક બાબરિયાએ પણ ફોગાટના સામેલ થવાની અટકળોનું ખંડન કર્યું નહોતું.

 

આજે કયા કયા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ થવાની શક્યતા?

ગાંધીનગર:રાજયમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં જળબંબકારની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં અનેક જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં હાલ 4-4 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બુધવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત અન્ય કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્ય માટે આગામી 48 કલાક ભારે હોવાનું કહેવાય છે. વેધર રિપોર્ટ અનુસાર આજે ભરુચમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય શકે છે. જ્યારે બનાસકાંઠા, વલસાડ, તાપી અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ડાંગ, સુરત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનું સુરત બન્યું સૌથી સૌથી સ્વચ્છ શહેર

સુરતને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં પ્રથમ ક્રમાંક મળ્યો છે. આ અગાઉ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે 13મું સ્થાન મળ્યું હતું. જ્યારે આ વર્ષે 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. સુરત ધી ડાયમન્ડ સિટીએ કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવ્યા છે.

સુરત 2023-24ના પીએમ10 ના રજકણોમાં 12.71 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને 13મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું. 2023માં સુરતે ખૂટતી સુવિધા, કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતાં આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે. આ સિદ્ધિ બદલ 7મી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રકમ, ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે.

ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન-એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણની પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ છે. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષના સમયમાં હવાની ગુણવત્તા સુધારવા માટે 5000 કરોડના અનેક પ્રોજેક્ટ્‌સ બનાવ્યા હતા, જેમાં મિકેનીકલ સ્વીપર મારફતે રસ્તા પરની વાર્ષિક ધોરણે 4200 મેટ્રિક ટન ધૂળને દૂર કરવાની કામગીરી, તમામ ઘરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે 35 ટકા ઈ-વ્હીકલનો ઉપયોગ કરી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં 7000 મેટ્રિક ટનનો વાર્ષિક ઘટાડો કરાયો છે.