Home Blog Page 1515

નોટ આઉટ @ 100 ધીરુભાઈ નાયક

100 વર્ષની વયે પોતાના ત્રણ પુસ્તકો (ઉદરિય શ્વસન, ચાલો વૃદ્ધાવસ્થાને આવકારીએ, સમી સાંજનો સ્મરણ ફેરો) વિશે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી વાતો કરતા હરતી-ફરતી પ્રેરણાની પાઠશાળા જેવા ધીરુભાઈ નાયકની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મોસાળમાં, ગડત(ગણદેવી)માં, નાનીમા વજીયાબા પાસે મોટા થયા અને તેમના સંસ્કારો મેળવ્યા. વજીયાબા સોશિયલ-વર્કર અને બહેનોની ડિલિવરી કરાવે. એકલી રહેતી અસહાય બહેનોને વારે-તહેવારે યથાશક્તિ મદદરૂપ પણ થાય.

પિતાજીને ખેતી હતી. ચાર ભાઈ-બહેનનું કુટુંબ. મેટ્રિક ગણદેવીમાં કર્યું. આગળ અભ્યાસ માટે વડોદરા આવ્યા. ભણવામાં હોશિયાર એટલે વડોદરાના રાજા સયાજીરાવ પાસેથી સ્કોલરશીપ મળી. યુનિવર્સિટીમાં પહેલા આવ્યા અને VJTI માંથી B.Text કર્યું. નોકરીની શોધમાં અમદાવાદ આવી કસ્તુરભાઈને મળ્યા અને છેક સુધી તેમની સાથે કામ કર્યું. તેમની કારકિર્દી દરમિયાન તેમણે વિક્રમ સારાભાઈ તથા લીલાવતીબેન સાથે પણ કામ કર્યું. ટેક્સટાઇલ એસોસિએશન ઓફ ઇન્ડીયાએ તેમને ભીષ્મપિતામહ એવોર્ડ (એટલે લાઈફ-ટાઈમ-એચિવમેન્ટ એવોર્ડ) આપ્યો છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

વહેલી સવારે ચાર વાગે ઊઠે. પ્રાર્થના અને પ્રાણાયામ લગભગ એક કલાક કરે. પછી ચા-પાણી પીએ. પાડોશીઓ, મિત્રો, અન્ય લોકો મળવા આવે તેમની સાથે પ્રેમથી વાતો કરે.

12:00 વાગે જમે પછી આરામ. ત્યારબાદ બપોરે ટપાલ જુએ, સમાચાર રેડિયો પર સાંભળે. મેડીટેશન કરે. મા-બાપ અને ગુરુજીને યાદ કરે. આધ્યાત્મમાં ઊંડા ઉતરેલા છે, અને ગીતા તેમનું પ્રિય પુસ્તક છે.  તેમની સાથે તેમના જૂના સાથી કીર્તિભાઈ રહે છે અને તેમને સાથ આપે છે.

શોખના વિષયો : 

આધ્યાત્મનું વાંચન, ચિંતન અને શ્રવણ. ‘પર્પઝ ઓફ લાઇફ’ શું છે તે વિચારે. પુસ્તકો વાંચે અને લેખક સાથે વાત પણ કરે! વાંચવાનું ગમે અને વંચાય નહીં તો કોઈને બોલાવી પુસ્તકો વંચાવે. ખાવા અને ખવડાવવાનો શોખ. પત્નીનું  દસ વર્ષ પહેલા અવસાન થયું. ક્રિકેટનો શોખ, કોમેન્ટ્રી સાંભળે મિત્રો સાથે મેચ જુએ પણ ખરા. મુસાફરીનો શોખ હતો. કામ માટે દેશ-પરદેશ ઘણું ફર્યા છે. સ્વીઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, હંગેરી અને યુરોપ આખું. સંગીત ગમે અને સાઇગલ તેમના પ્રિય ગાયક.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

પ્રાણાયામને લીધે તબિયત સારી છે. ભાગ્યે જ માંદા પડ્યા છે. કાયમ સ્વસ્થ રહે છે, સોશિયલી એક્ટિવ છે, ફોનથી કનેક્ટેડ રહે છે. યાદશક્તિ ઘણી સારી છે, ફોટોગ્રાફિક મેમરી! હમણાં જોવામાં ઘણી તકલીફ પડે છે અને વિઝન ઓછું થઈ ગયું છે. જોકે ત્રણ-ચાર મહિના પહેલા જ પુત્ર સાથે અંબાજી જઈ આવ્યા!

યાદગાર પ્રસંગ: 

વિજય મર્ચન્ટ તેમના મિત્ર બની ગયા હતા. ટેક્સટાઇલ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા તે વખતે તેમણે ‘વેન ટુ રીટાયર’ વિશે ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે મારે ‘રનિંગ બિટવિન ધ વિકેટ્સ’ મરવું છે! હંગેરી જઈને ઘણી બધી શોધખોળ પછી તેમણે બનાવેલું લોકભોગ્ય રૂબિયા-વાયલ આજે પણ વપરાશમાં છે. ધીરુભાઈને મિલમાં નોકરી. કોઈ કારણોસર એક ભૈયાને તેમણે ડિસમિસ કર્યો. બીજે દિવસે લોકો ભેગા થઈ તેમને મારવા આવ્યા, પણ ખિસ્સામાંથી તેમણે હીંમતભેર રિવોલ્વર કાઢી તો બધા ભાગેડું માણસો ભાગી ગયા!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે ટેકનોલોજીના જ માણસ છે એટલે તેમના મતે ટેકનોલોજી તો સારી જ છે. તેઓ પોતે પણ ડેટા પ્રોસેસિંગ વિશે જાણતા અને વાપરતા. અત્યારે મોબાઇલનો થોડો ઘણો ઉપયોગ કરે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અત્યારે એજ્યુકેશન ઘણું વધી ગયું છે, નોકરી માટે તકો ઘણી સારી છે. બધાને વ્હાઈટ કોલર જોબ અથવા સરકારી નોકરી જોઈએ છે, કામ ઓછું કરવું છે અને પગાર સારો જોઈએ છે! પહેલા આટલું બધું ભણતર હતું નહીં અને આટલી તકો હતી નહીં.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને બે પુત્રો છે, બંને ડોક્ટર છે, અમેરિકામાં રહે છે. બે પૌત્ર-પૌત્રી અને પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે. તેઓ દાદા-દાદી સાથે વેકેશનમાં ભારત રહેવા અને ફરવા આવે, રેગ્યુલર ફોન પર વાત કરે. ધીરુભાઈ USA જાય તો કાયમ યુવાનો ભાષણ આપવા તેમને આમંત્રણ આપે. તેઓ  યુવાનોને મળે, પડોશના યુવાનોને પણ મળવાનું થાય, યુવાનો  ખાસ તેમને મળવા પણ આવે. આજના યુવાનો હોશિયાર છે પણ તેમને માર્ગદર્શનની ઘણી જરૂર છે.

સંદેશો :  

યુવાનો માટે: અભ્યાસ ઉપર ધ્યાન આપો, નવું નવું જાણવા માટે અભ્યાસ કરો, નોકરી મેળવવા માટે નહીં. જે શરૂ કરો તે વસ્તુ ચાલુ રાખો, અધવચ્ચેથી તેને છોડો નહીં.

પૌઆના ઢોકળા

ઈન્સ્ટન્ટ ગરમાગરમ નાસ્તો તે પણ સ્વાદસભર જોઈતો હોય તો તે છે પૌઆના ઢોકળા! જે કોઈપણ કળાકૂટ વિના બની જાય છે!

સામગ્રીઃ

  • પૌઆ 1 કપ
  • ખાટું દહીં 1 કપ
  • સિમલા મરચું સમારેલું ½ કપ
  • આદુ મરચાં ઝીણાં સમારેલાં 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે,
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • શેકેલા શીંગદાણાનો ભૂકો ½ કપ
  • હળદર ½ ટી.સ્પૂન
  • ખાંડ 1 ટી.સ્પૂન
  • બાફેલું બટેટું 1

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 8-10
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન

રીતઃ પૌઆને ધોઈને ચાળણીમાંથી પાણી નિતારીને 5 મિનિટ માટે રહેવા દો. પૌઆને એક મોટા વાસણમાં લઈ તેમાં દહીં ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલાં સિમલા મરચાં, આદુ મરચાં, કોથમીર, શીંગદાણાનો ભૂકો, મીઠું સ્વાદ મુજબ મેળવો. બાફેલા બટેટાને ખમણીને ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર પાઉડર તેમજ ખાંડ પણ મેળવી દો. આ મિશ્રણને મિક્સ કરશો એટલે તે લોટની જેમ બંધાશે.

એક થાળીમાં તેલ લગાડીને આ લોટને હાથેથી થાપીને ફેલાવી દો.

ઢોકળા બાફવાના વાસણમાં કાંઠો મૂકી તેમાં પાણી નાખીને પાણી ઉકળવા દો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળાવાળી થાળી બાફવા મૂકી ઢાંકીને 10 મિનિટ થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને થાળી બહાર કાઢી લો.

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી દો.ગેસની આંચ ધીમી કરીને તેમાં સફેદ તલ હળવેથી ઉમેરીને ગેસ બંધ કરીને કળી પત્તાના પાન ઉમેરી દો. હવે તેમાં લાલ મરચાંનો પાઉડર ઉમેરીને ચમચી વડે મિક્સ કરીને આ વઘાર તરત જ ઢોકળાની થાળીમાં રેડીને તવેથા વડે ફેલાવી દો.

ઢોકળાને ચોરસ અથવા લંબચોરસ કટ કરીને ખાવાના ઉપયોગમાં લો. પૌઆ ઢોકળા સાથે ચટણી અથવા ટોમેટો કેચ-અપ સારું લાગશે. ચટણી વગર પણ આ ઢોકળા સારાં લાગશે.

૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪

પ્રતિબધ્ધતા થી તમારા જીવનની ઊર્જાને આકાર આપો

નદીને વહેવા માટે બે કાંઠાની જરૂર હોય છે. પૂર અને નદીના વહેણ વચ્ચે એ તફાવત છે કે વહેણ એક ચોક્કસ દિશામાં વહે છે, જ્યારે પૂરમાં પાણી ડહોળું અને દિશાવિહીન હોય છે. એ જ રીતે આપણા જીવનમાં જો ઊર્જાને યોગ્ય દિશામાં વાળવામાં ના આવે તો અસ્વસ્થ સ્થિતિનું નિર્માણ થાય છે. જીવન ઊર્જાને વહેવા માટે કોઈ દિશા જોઈતી હોય છે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તમારામાં પુષ્કળ જીવન ઊર્જા હોય છે. પરંતુ જ્યારે આ જીવન ઊર્જાને ક્યાં જવું, કેવી રીતે જવું એની ખબર નથી હોતી ત્યારે તે કુંઠિત થઈ જાય છે અને સડવા માંડે છે! જેવી રીતે પાણીએ વહેતા રહેવું જોઈએ તેવી રીતે જીવન આગળ ધપતું રહેવું જોઈએ.

જીવન ઊર્જા યોગ્ય દિશામાં વળે તે માટે પ્રતિબધ્ધતા જરૂરી છે. જીવન પ્રતિબધ્ધતા પર ચાલે છે. વિદ્યાર્થી શાળા કે કોલેજમાં એક પ્રતિબધ્ધતા સાથે પ્રવેશ લે છે. તમે કોઈ ડોક્ટર પાસે એક પ્રતિબધ્ધતાથી જાવ છો કે તમે દવા લેવાના છો અને ડોક્ટર જે કાંઈ કહે તેને અનુસરવાના છો. બેંકો પ્રતિબધ્ધતાથી કામ કરે છે. સરકાર પ્રતિબધ્ધતાથી કામ કરે છે. કહેવાની જરૂર નથી કે પરિવાર પ્રતિબધ્ધતાથી ચાલે છે: મા બાળક પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે, બાળક માતા-પિતા પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે,પતિ પત્ની પ્રત્યે પ્રતિબધ્ધ હોય છે અને પત્ની પતિ પ્રત્યે. પ્રેમ હોય કે વેપાર કે મિત્રતા કે જીવનનું કોઈ પણ પાસું હોય દરેકમાં પ્રતિબધ્ધતા હોય છે.

તમને ખરેખર જો કંઈ સંતાપ કરતું હોય તો તે છે પ્રતિબધ્ધતાનો અભાવ. તમે જ્યારે કોઈની પાસેથી કંઈક પ્રતિબધ્ધતાની અપેક્ષા રાખો છો ત્યારે જો તેઓ તે પ્રમાણે કરતા નથી તો તમે દુખી થાવ છો. અથવા જ્યારે કોઈ વ્યક્તિ પ્રતિબધ્ધ રહી શકતી નથી ત્યારે તમે દુખી થાવ છો. પરંતુ તમે જુઓ કે તમારા જીવનમાં તમે કેટલા પ્રતિબધ્ધ રહ્યા છો?

આપણી ક્ષમતા કે સામર્થ્ય આપણી પ્રતિબધ્ધતાને અનુરૂપ હોય છે. જો તમે તમારા પરિવારની કાળજી લેવાની પ્રતિબધ્ધતા રાખો છો તો તમને તેટલા પ્રમાણમાં ક્ષમતા કે શક્તિ ઉપલબ્ધ થાય છે. જો તમારી પ્રતિબધ્ધતા સમાજ પ્રત્યે છે તો તમને તેટલા પ્રમાણમાં ઊર્જા, આનંદ અને શક્તિ ઉપલબ્ધ થશે.

તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને સાકાર કરવા માટે તેને અનુરૂપ શક્તિ ઉપલબ્ધ કરશો. નાના સંકલ્પોથી તમને ગુંગળામણ થશે કારણ કે તમારામાં ઘણી ક્ષમતા હોય છે પણ તમે નાના છીદ્રમાં અટવાઈ ગયેલા છો! જ્યારે તમારે દસ કામ કરવાના હોય અને જો એક પણ કામ બગડે તો તમે બાકીના કામ કરવાના ચાલુ રાખી શકો છો. પરંતુ જો તમારે એક જ કામ કરવાનું હોય અને તે જો બગડે તો તમે તેનામાં અટવાઈ જાવ છો.

સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે આપણી પાસે સંસાધનો આવશે પછી આપણે સંકલ્પબદ્ધ થઈશું. ખરેખર તો એનાથી વિપરીત હોવું જોઈએ. તમે જેટલો મોટો સંકલ્પ લેશો તો તેને અનુરૂપ વધુ સંસાધનો આપોઆપ તમને ઉપલબ્ધ થશે. જ્યારે તમે કંઈક કરવાનો ઈરાદો રાખો છો ત્યારે જરૂર પડે તેમ સંસાધનો આવ્યા જ કરે છે.

તમે જે કરી શકો છો તે કર્યા કરવામાં કોઈ વિકાસ થતો નથી. તમારી ક્ષમતાથી થોડું અધિક કરવાથી તમારો વિકાસ થાય છે. જો તમે તમારી કંપનીની એટલા માટે સંભાળ રાખી શકો છો કે તે તમારી ક્ષમતાના પ્રમાણમાં છે તો તેમાં કોઈ નવાઈ નથી. જો તમે તમારી ક્ષમતાને થોડી વિસ્તૃત કરો છો અને આખા નગરની સંભાળ લેવાનો સંકલ્પ કરો છો તો તમને તેટલી વધારે શક્તિ પ્રાપ્ત થાય છે. જો તમે મોટી જવાબદારી લો છો તો તમારા સામર્થ્યમાં વૃધ્ધિ થાય છે,તમારી કુશળતાઓ વિકસે છે, તમને વધારે આનંદ મળે છે અને તમે દિવ્ય શક્તિ સાથે એકરૂપ થાવ છો. તમે સમાજ માટે, પર્યાવરણ માટે, સર્જન માટે કોઈ પણ રીતે કંઈક કરો છો તેટલો તમારો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ (મુલ્યોની દ્રષ્ટિએ) થાય છે. તમે દરેક વ્યક્તિના એક હિસ્સા છો તેવી ભાવના સાથે હ્રદય ખીલે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

પેરિસ પેરાલિમ્પિક્સ : દીપ્તિ જીવનજીએ 400 મીટર T20માં બ્રોન્ઝ જીત્યો

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને તેનો 16મો મેડલ મળ્યો છે. ભારતીય પેરા એથ્લેટ દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ તેનો પહેલો પેરાલિમ્પિક મેડલ છે. તે જ વર્ષે તેણે જાપાનના કોબેમાં યોજાયેલી વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપ્તિ જીવનજીએ તેના પેરાલિમ્પિક ડેબ્યૂમાં મહિલાઓની 400 મીટર T20 ફાઇનલમાં 55.82 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહીને મેડલ જીત્યો હતો.

પેરાલિમ્પિક્સમાં પદાર્પણ પર શરત જીતી

દીપ્તિ જીવનજીનો જન્મ 27 સપ્ટેમ્બર 2003ના રોજ તેલંગાણાના વારંગલ જિલ્લાના કાલેડા ગામમાં થયો હતો. દીપ્તિની સફર સંઘર્ષોથી ભરેલી છે. દીપ્તિનો જન્મ એવા પરિવારમાં થયો હતો જ્યાં આર્થિક સંકડામણ સામાન્ય હતી. તેમના માતા-પિતા, જીવનજી યાદગીરી અને જીવનજી ધનલક્ષ્મી પાસે અડધો એકર ખેતીની જમીન હતી, અને તેઓ અન્યના ખેતરોમાં રોજીરોટી મજૂર તરીકે પણ કામ કરતા હતા. ભારતીય જુનિયર ટીમના મુખ્ય કોચ નાગપુરી રમેશે વારંગલમાં એક સ્કૂલ મીટ દરમિયાન દીપ્તિની નોંધ લીધી હતી. અહીંથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. હવે તે પેરાલિમ્પિક્સમાં ડેબ્યૂ કરીને મેડલ જીતવામાં સફળ રહી છે.

તાજેતરમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

20 મે, 2024 ના રોજ, કોબે, જાપાનમાં પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં, તેણે 400 મીટર T20 રેસમાં 55.06 સેકન્ડના સમય સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ સાથે તેણે પેરિસ પેરાલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા તેણે 2023માં એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો હતો. તેણે અમેરિકન બ્રેના ક્લાર્કનો 55.12 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો.

તમને જણાવી દઈએ કે, દીપ્તિ જીવનજીના બ્રોન્ઝ મેડલ સાથે, ભારત પાસે હવે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં કુલ 16 મેડલ છે. જેવલિન થ્રોઅર સુમિત અંતિલ, શૂટર અવની લેખારા અને પેરા-બેડમિન્ટન ખેલાડી નિતેશ કુમારે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ સિવાય ભારતે અત્યાર સુધીમાં 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. હાલમાં ભારત મેડલ ટેલીમાં 18માં સ્થાન પર છે.

હરિયાણા ચૂંટણી: AAP સાથે ગઠબંધન માટે કોંગ્રેસે મિની કમિટી બનાવી

કોંગ્રેસે હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની શક્યતાઓ જોવા માટે એક સમિતિની રચના કરી છે. આ કમિટી રાજ્યમાં ગઠબંધન સંબંધિત તમામ પાસાઓની તપાસ કરશે અને પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં AAPને કેટલી સીટો આપવામાં આવે તે સંભવિત રીતે નક્કી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 20 સીટોની માંગણી કરી છે.

દીપક બાબરિયા, દીપેન્દ્ર હુડ્ડા અને અજય માકન સમિતિનો ભાગ હશે અને તેઓ AAP નેતાઓ સાથે બેઠક વહેંચણીના મુદ્દે વાતચીત કરશે. તેઓ તે 12 બેઠકો પર પણ નજર રાખશે અને ચર્ચા કરશે જ્યાં કોંગ્રેસમાં તે બેઠકો પર કોને ઉમેદવાર બનાવવો જોઈએ તે અંગે ઝઘડો ચાલી રહ્યો છે.

ગઠબંધનને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં 

વર્કિંગ કમિટીની પ્રથમ બેઠક હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લેવાના કોંગ્રેસના પ્રયાસોમાં માત્ર પ્રારંભિક વોર્મ-અપ સાબિત થઈ. આ બેઠક બાદ એવા સંકેતો મળ્યા હતા કે ગઠબંધનની મૂંઝવણનો સામનો કરવામાં પાર્ટીને ઘણા મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

બિહારમાં ફરી રાજકારણ ગરમાયું

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની આ મુલાકાત પટનાના સીએમ સચિવાલયમાં થઈ હતી. આ લગભગ 8 મહિના પછી જોવા મળ્યું છે જ્યારે તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર વચ્ચે મુલાકાત થઈ હતી. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લી મુલાકાત લોકસભા ચૂંટણી પહેલા થઈ હતી. આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ બિહારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.

સચિવાલયમાં બંને નેતાઓ વચ્ચેની ટૂંકી મુલાકાત બાદ બિહારના રાજકારણમાં ફરી એકવાર અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં નવા ઇન્ફોર્મેશન કમિશનરની નિમણૂક થવાની છે અને તેમાં વિપક્ષના નેતાની પણ સલાહ લેવામાં આવી રહી છે. આ સાથે માનવ અધિકાર આયોગમાં પણ કેટલીક જગ્યાઓ ખાલી છે. બેઠક બાદ જ્યારે તેજસ્વી યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સરકાર પોતે જ આ અંગે માહિતી આપશે.

એવું પણ માનવામાં આવે છે કે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ અને વર્તમાન સીએમ વચ્ચે બંધારણની નવમી અનુસૂચિમાં 65 ટકા અનામતના મુદ્દાને સામેલ કરવાને લઈને ચર્ચા થઈ હતી. બેઠકમાંથી બહાર નીકળ્યા બાદ તેજસ્વી યાદવે કહ્યું કે નવમી સૂચિના મુદ્દા પર ચર્ચા થઈ. સીએમએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને અમે પણ અમારા મંતવ્યો વ્યક્ત કર્યા છે.

રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બર સુધી ઉજવાશે 39મું ચક્ષુદાન પખવાડીયું

ગાંધીનગર: રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બર સુધી 39મું ચક્ષુદાન પખવાડીયું ઉજવાશે. ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપ્યો છે. જેના કારણે રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ 2022-23 થી જુલાઈ-2024 સુધીમાં 14 લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટ્રીખામી નિયંત્રણ અંતર્ગત આંખના વિવિધ રોગોને કારણે આવતા અંધત્વને રોકવા તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા આશયથી રાજ્યભરમાં 39મું ચક્ષુદાન પખવાડીયું તા. 8 સપ્ટેમ્બર સુધી ઉજવાશે.છેલ્લા દાયકામાં રાજ્યમાં દર વર્ષે સરેરાશ 7 લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે. સાથે જ, હાલ રાજ્યમાં પ્રતિ 10 લાખ વસ્તીએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજ્ય અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે ફેબ્રુઆરી 2022મા ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વધુ વેગ આપી મહાઅભિયાન બનાવ્યું છે અને આ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. “મોતિયા અંધત્વ બેકલોગ મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨ જાન્યુઆરીમાં રાજ્યમાં કાર્યરત 1476 પ્રાથમિક, 333 અર્બન, 347 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરને તેમજ 50 હજારથી જેટલી આશા બહેનોને ખાસ તાલીમ આપવામાં આવેલ છે.આ ઉપરાંત રાજ્યમાં સરકાર હસ્તકની હોસ્પિટલો તેમજ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ સાથે સંકળાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દરેક દર્દીને ફેકોઇમ્લસીફીકેશન પદ્ધતિથી અત્યંત આધુનીક હાઇડ્રોફોબીક નેત્રમણિ સાથેનુ ઓપરેશન વિના-મુલ્યે કરી આપવામાં આવે છે. જેનો ખાનગી હોસ્પિટલમાં ખર્ચ અંદાજીત રૂ. 60 થી 80 હજાર જેટલો થતો હોય છે.

સુરતના માટી મૂર્તિ મેળા મહિલાઓનો દબદબો

ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ સુરત પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતાં મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ એક ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ એક કરોડથી વધુની ભગવાન ગણેશજીની મૂર્તિનું વેચાણ કર્યું હતું.

આ પહેલા સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય એ માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રાજ્યના 65 નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા અને એના વેચાણ માટે પણ તાલીમ આપી હતી. જેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને એમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત “વોકલ ફોર લોકલ” પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનીંગ આપી હતી.

સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલા માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે. ગત વર્ષે  સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ એક કરોડ રૂપિયાથી વધારે ગણેશ મૂર્તિનું વેચાણ કર્યું હતું. આ વર્ષે પણ મહિલાઓને આશા છે કે દુંદાળા દેવની કૃપા થશે.

ગુજરાતના શિક્ષકો ફરી મેદાને આવશે, 17 તારીખ સુધીનો આપ્યો સમય

અમદાવાદ: ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરવામાં આવી છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય સરકારને આપ્યો છે. જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે.

ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગાંધીનગર ખાતે દેખાવ કર્યા હતા. તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી. જેને લઈને રાજ્યના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં હાલ 1/04/2005 પહેલાના આશરે 65,000 જેટલાં કર્મચારીઓ છે. જેમને સરકાર દ્વારા હજી ઠરાવ કરીને તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી.આપને જણાવી દઈએ કે, જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.