ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી માટેની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ વિભાગોને યાદીમાં સામેલ નામ અંગે તપાસ કરવા આદેશ કરતી નોટિસ છે. નવાઈની વાત તો એ છે કે, આ યાદીમાં નવ વર્ષ પહેલાં કોન્સ્ટેબલની નોકરી છોડી ચૂકેલા ઇટાલિયાનું નામ પણ સામેલ છે.
નોંધનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રમોશન આપવા માટેની યાદીમાં નવ વર્ષ પહેલાં સરકારી નોકરી છોડી ચૂકેલા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા ભલામણ કરવામાં આવી છે. જો કે, ગોપાલ ઇટાલિયાએ 2015માં જ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે એના નામ પર આટલા વર્ષો સુધી પગાર પણ થતા હતા. જો કે આ બાબતે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે.
અમદાવાદ પોલીસ વિભાગે આ સમાચારને પાયાવિહોણા ગણાવતા X પર પોસ્ટ કરતાં કહ્યું છે કે અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાને 2015માં પોલીસ નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે, પરંતુ આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
પ્રેસ નોટ
અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.
આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે: pic.twitter.com/9feP71ZhFE
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 3, 2024
વર્ષ 2012માં હાજર થયેલા પોલીસ કર્મચારીઓના નામ આ યાદીમાં આપવામાં આવ્યા છે. જેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ એની તપાસ અંગે આ નોટિસ જારી કરવામાં આવી છે. જેથી ગોપાલ ઇટાલિયાનું નામ આ યાદીમાં સામેલ છે, પંરતુ એમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે ગોપાલ ઈટાલીયાને કોઈ પ્રમોશન આપવામાં આવ્યું નથી.
પાલનપુર: અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું તીર્થધામ અંબાજી ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. તંત્ર- ચુડામણીમાં આ ૫૧ શક્તિપીઠોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સર્વે શક્તિપીઠોમાં આરાસુરના અંબાજી ખાતે આવેલ શક્તિપીઠ પ્રાચીન શક્તિપીઠોમાં શીરમોર સમાન છે કારણકે અહીં માનું હૃદય પડ્યું હતું.અંબાજી માતાનું મૂળ મંદિર બેઠા ઘાટનું છે. વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાજીનો ગવાક્ષ ગોખ છે. અહીં મૂર્તિના સ્થાને વિસા યંત્રની પૂજા થાય છે. આરસની તકતી ઉપર સુવર્ણ જડિત યંત્રને મુગટ તથા ચુંદડી સાથે સિંહ, વાઘ, હાથી, નંદી, ગરૂડ જેવા વિવિધ વાહનો સાથે શણગાર કરવામાં આવે છે. જેથી માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર કર્મ પૃષ્ઠવાળું સોનાનું છે અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. યંત્ર સ્થાન નજરથી જોવાનો નિષેધ હોય આંખે પાટા બાંધી યંત્ર પૂજા કરવામાં આવે છે. દર મહિનાની આઠમે યંત્રની પૂજા થાય છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે. મંદિરની સામેની બાજુમાં ચાચરચોક આવેલો છે. અંબાજી માતા ચાચરના ચોક વાળી માતા તરીકે પણ જાણીતા છે. અહીં ચોકમાં હોમ હવન કરાય છે.માતાજીનું સવારનું સ્વરૂપ બાળસ્વરૂપે દેખાય છે, મધ્યાહને યુવતી સ્વરૂપે અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખાય છે. માતાજીની સાતેય દિવસની સવારી અલગ-અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.પોષી પૂનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાય છે. આ દિવસે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓના મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પૂનમના દિવસે અહી મેળાનું આયોજન થાય છે. અંબાજી ગામ શણગાર સજે છે. આ દિવસે ‘શતચંડી યજ્ઞ’ કરવામાં આવે છે અને માતાજીને છપ્પન ભોગ ધરાવવામાં આવે છે.અંબાજી મંદિરનો વહીવટ આઝાદી પહેલાં દાંતા રાજ્ય તરફથી થતો હતો. આઝાદી બાદ દાંતા રાજ્ય ગુજરાતમાં ભળી જતા ૧૯૮૫થી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેના અધ્યક્ષ તરીકે બનાસકાંઠાના કલેક્ટરને નિયુક્ત કરાયા છે. જ્યારે વહીવટદાર તરીકે નાયબ કલેક્ટરની નિયુક્તિ કરાય છે.અંબાજી મંદિરમાં જગત જનની જગદંબાની આરતી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા થાય છે. સ્નાનાદિ વિધિ બાદ આરતી કરવા પહોંચતા ભટ્ટજી મહારાજને અડવા પર નિષેધ છે. સાંજે મશાલચી દ્વારા મશાલ જગદંબાને અર્પણ કર્યા બાદ જ આરતી શરૂ થાય છે. દાંતા સ્ટેટના સમયથી સિદ્ધપુરના ભૂદેવો ભટ્ટજી પરિવારને જ આરતી અને પૂજાવિધિના હક મળેલા છે. સવારે મંગળા આરતી, સાંજે સાયં આરતી, બપોરે મધ્યાહ્ન આરતી થાય છે. વર્ષ દરમિયાન અખાત્રીજથી અષાઢી બીજ સુધી ત્રણ ટાઇમ આરતી કરવામાં આવે છે.
નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના એલાન સાથે રાજકીય ગરમાવો આવી ગયો છે. ચોરે ને ચૌટે રાજ્યમાં કોની સરકાર બનશે એની ચર્ચા ચાલી રહી છે. રાજ્યમાં ત્રીજી વાર સત્તા મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનમાં રહેલા કોંગ્રેસે આપ સાથે સીટ વહેંચણી મુદ્દે સમજૂતી સાધી છે.
રાજ્યમાં વિધાનસભાની કુલ 90 સીટો છે. રાજ્યમાં એક બાજુ કોંગ્રેસે મતો વહેંચાઈ ના જાય એ માટે આપ પાર્ટી સાથે સીટ વહેંચણી કરી છે, જ્યારે ભાજપે રાજ્યમાં એન્ટિ ઇનકબન્સીને ખાળવા માટે મનોહરલાલ ખટ્ટરને સ્થાને નાયબ સિંહ સૈનીને CM બનાવ્યા છે. જેને જનતા પાર્ટીનું સારુ પગલું માની રહી છે. સૈનીનો પછાત વર્ગમાં દબદબો છે. તેમનામાં જીતવાની ક્ષમતા છે. જોકે હાલમાં લોકસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસે સાથે મળીને લડી હતી, જેનાથી ગઠબંધનને લાભ થયો હતો.હવે આ બંને પક્ષોનું ગઠબંધન વિધાનસભાની ચૂંટણીમાં પણ થયું છે, જેમાં કોંગ્રેસ આપને પાંચ સીટ આપવા સહમત થઈ છે. કોંગ્રેસે આપ માટે પાંચ સીટ અને સમાજવાદી પાર્ટી માટે એક અને ડાબેરી પક્ષ માટે એક સીટની ફાળવણી કરી છે. આપ સાંસદ સંજય સિંહે પણ કોંગ્રેસ સાથેના ગઠબંધને આવકાર્યું હતું.
બીજી બાજુ, એક તાજા સર્વેમાં જનતે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ સીટો આપી છે. કોંગ્રેસને પસંદ કરવાવાળા 44 ટકા લોકોની તુલનાએ 53 ટકા લોકોનું માનવું છે કે ભાજપ ફરી સત્તામાં આવશે.
રાજ્યમાં થયેલા સર્વે અનુસાર આ વખતે ચૂંટણીમાં મોદી ફેકટર પણ મહત્ત્વનું સાબિત થશે. સર્વેના હિસાબે 37 મતાદાતા, મોદી ફેકટરને મહત્ત્વનું માને છે, જ્યારે 31 ટકા લોકોનું માનવું છે કે એની બિલકુલ અસર નહીં થાય. જોકે ઘણા મતદાતાઓ રાજ્યમાં એન્ટિ ઇન્કમબન્સીને પણ નકારતા નથી.,
રાજ્યમાં બે દિવસના વરસાદી વિરામ બાદ હવામાન વિભાગે વરસાદના નવા રાઉન્ડની આગાહી વ્યક્ત કરી છે. નિષ્ણાંતો પ્રમાણે આગામી 6 દિવસ માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાછલા 35 દિવસમાં નવસારીમાં ત્રીજી વખત પૂરની પરિસ્થિતિ ઉદ્દભવિ છે.
ગુજરાતનામાં વરસાદની આગાહી પ્રમાણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલન આગાહી વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે ગુજરાતમાં બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંબાવના છે.
ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આજે એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ચોથી સપ્ટેમ્બરના ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ, તો પાંચમી સપ્ટેમ્બર બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રિચા, મારી ફાઈલ ક્યાં છે? ક્યારની શોધું છું મળતી જ નથી! મમ્મી, મારો સાયન્સ પ્રોજેક્ટ તૈયાર છે ને..? મોમ, મારો પ્રોટીન શેક કેમ હજુ બન્યો નથી..તને ખબર છે ને એક્સેસાઈઝ પછી તરત મારે જોઈએ છે? અરે રિચા, હું મંદિર જવા નીકળું છુ, જરા પૂજાની થાળી આપ તો..રિચા, હું વોકિંગ માટે જઈ રહ્યો છું અડધો કલાકમાં આવીશ નાસ્તો તૈયાર રાખજે…
હા, પપ્પાજી કહેતા રસોડામાંથી બહાર નીકળતા રિચાએ પતિદેવના હાથમાં ફાઈલ મૂકી, દીકરાને પ્રોટીન શેક આપ્યો. દીકરીને સાયન્સ પ્રોજેક્ટ આપ્યો અને સાસુમાને પૂજાની થાળી આપતાં કહ્યું મમ્મીજી તમે પપ્પાજી સાથે જ નાસ્તો કરશો?
સવારમાં બરાબર પાંચના ટકોરે ઉઠીને ઘરના કામમાં વ્યસ્ત રિચાએ જરા ઊંડો શ્વાસ લેતા ચાનો કપ હાથમાં લઈ સાસુ-સસરા માટે ગરમ નાસ્તો તૈયાર કરવા રસોડા તરફ ચાલતી વખતે રિચાને બે દિવસ પહેલાની વાત યાદ આવી ગઈ. શનિવારે રાત્રે ડિનર માટે સાથે બેઠા હતા. રોજની જેમ, એ ગરમ ગરમ રોટલી પીરસતી હતી. ત્યાં જ રિચાના પતિ અનિકેતે એની મમ્મીને કહ્યું કે મને તો ઘણીવાર એમ થાય છે કે તમારે લોકોને કેટલુ સારું! આ ઘરના બે-ચાર કામ કર્યા અને એ..ય લાંબા પગ પસારીને આરામથી ટીવી જોવાનું. અમારે તો આખો દિવસ કામ..કામને કામ, ઘરે આવ્યા એટલે જૂદી જ જવાબદારી. સાસુમાએ પુત્રના વાતને ટેકો આપતા કહ્યું, હા સમય બદલાયો છે. અમારા વખતે તો સતત કામ કરવું પડતું. વહુઆરુને વળી સુવાનું કેવું! અને ટીવી-બીવી તો અમારે હતા જ ક્યાં?! આજકાલની છોકરીઓને સારું. ન પૈસાની ચિંતા અને ન ઘરની ચિંતા!
રિચાના આ વિચારોએ એની ચા ઠંડી કરી નાખી. એ પોતાની જાતને જ જાણે પ્રશ્ન કરી રહી હતી કે એ છેલ્લા ક્યારે શાંતિથી સૂઈ રહી હતી કે ક્યારે શાંતિથી પગ પસારીને ટીવી જોવા બેઠી હતી. એને તો એ પણ યાદ ન આવ્યું કે છેલ્લે ગરમાગરમ રોટલી એણે ક્યારે ખાધી હતી! એટલામાં સાસુએ બૂમ મારી અને ઠંડી ચાને ત્યાં જ રસોડા પર રાખીને એમને નાસ્તો પીરસવા ગઇ.
તમને શુ લાગે છે આ કોઈ સરસ મજાની વાર્તા છે કે પછી કોઈ ટીવી સીરીયલની સ્ટોરી? ના, એવુ કશુ જ નથી. હકીકતમાં આ એક એવી સચ્ચાઈ છે જેનાથી લગભગ દરેક વ્યક્તિ પરિચિત છે પરંતુ અજાણ બનવાનો પ્રયાસ કરે છે. કારણ કે દરેક ઘરમાં એક ગૃહિણી તો છે જ, જે ઘરમાં કાયમ શાંતિ રહે માટે આવા કેટલાય કડવા ઘૂંટ મૂંગે મોઢે પીવે છે. પરિણામે એ એવા તણાવમાં આવી જાય છે જેની જાણ એને પોતાને પણ નથી થતી. કારણ કે ગૃહિણીએ વળી આખો દિવસ કરવાનું શું હોય..? બેચાર કામ કરે એટલે પત્યું!
પરંતુ એ સત્ય નથી, હકીકતમાં ગૃહિણી ઘર, બાળકો, પરિવારની જવાબદારી પોતાના શિરે લે છે ત્યારે જ એક સારા સમાજની રચના શક્ય બને છે. પણ એ ગૃહિણી પોતે અનેક સમસ્યાઓથી ઘેરાયેલી રહે છે જેની જાણ એ કોઈને નથી કરતી.
ગૃહિણીમાં જુદી રીતનો તણાવ હોય છે
અમદાવાદની NHLMMC (NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ)ના મનોચિકિત્સા વિભાગના વડા ડો. નિમેશ પરીખ ચિત્રલેખા.કોમને કહે છે કે, ગૃહિણીઓમાં માનસિક તણાવ વધારે જોવા મળે છે. ઘરમાં એમને અનેક કામ હોય છે એનું ખૂબ ભારણ રહેશે. જો કે ગૃહિણી જે કામ કરતી હોય છે એનું ભારણ પોતે પણ નથી અનુભવી શકતી અને બીજા પણ સમજી નથી શકતા. જેથી એનું બર્ડન એમના શરીર અને મન પર જોવા મળે છે. આ પણ એક કારણ છે કે એમનામાં એન્જાઈટી અને ડિપ્રેશન વધારે રહે છે. પરંતુ એ થોડું જુદું હોય છે જેમ કે એમને માથું દુખે, ચક્કર આવે, શરીરના પગના સ્નાયુઓ દુખે આ તણાવોનો એક ભાગ છે મહિનામાં એકાદ વખત દુખે તો થીક પણ સતત આવી સમસ્યાઓ એક પ્રકારનો તણાવ જ કહેવાય. ગૃહિણી હોય એમનામાં જલ્દી મન ઉદાસ રહે છે કે કશું ગમતું નથી એવી સમસ્યા જોવા નથી મળતી. એમને જુદી રીતે તણાવ રહે છે.
તણાવના અનેક કારણો છે..
ગૃહિણીઓને વિવિધ પ્રકારના તણાવનો સામનો કરવો પડે છે, જે તેમના દૈનિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.
ઘરેલુ કામકાજ અને જવાબદારીઓ: ગૃહિણીઓને ઘરનું કામકાજ, રસોઈ, સફાઈ, બાળકોની સંભાળ, અને અન્ય દૈનિક કામકાજના ભાર તળે રહેવું પડે છે. ક્યારેક આ જવાબદારી પૂરી કરવાની ચિંતામાં રહેવું પડતું હોય છે, એ સતત તણાવના રૂપમાં રહે છે.
આર્થિક દબાણ:જો પરિવારનો એકમાત્ર રોટી કમાવનાર વ્યક્તિ પતિ હોય તો ગૃહિણી પર આર્થિક સજાગતાનો બોજો હોય છે. ઘરનું બજેટ સંભાળવું, ખર્ચાને નિયંત્રણમાં રાખવું અને જરૂરિયાતોને પૂરી કરવા માટે દબાણ અનુભવવું પડતું હોય છે.
અપેક્ષા અને સમાજની માન્યતાઓ: ગૃહિણીઓને એમના પરિવાર, મિત્રો, અને સમાજની અપેક્ષાઓ પૂરી કરવા માટે સતત દબાણનો સામનો કરવો પડે છે. ગૃહિણી તરીકે, ઘણી વાર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દરેક વાતમાં પરિપક્વ અને નિષ્ણાત હોવા જોઈએ, જે એમને વધુ તણાવમાં મૂકી શકે છે.
સામાજિક એકલતા: ઘરમાં સતત રહેવાને કારણે, ઘણી ગૃહિણીઓ સામાજિક જીવનમાં વધુ જોડાઈ શકતી નથી, જેને કારણે તેઓને એકલતા અને અલગાવનો અનુભવ થાય છે. આ એકલતા અને બાહ્ય સંબંધોની અછતને કારણે માનસિક તણાવ વધી શકે છે.
ખોટી ઓળખ અને સ્વ-મૂલ્ય: ઘણી વખત, ગૃહિણીઓએ એમના કામના મહત્ત્વને માન્યતા નથી મળતી. આ ખોટી ઓળખ અને સ્વ-મૂલ્યના અભાવને કારણે તેઓને અયોગ્યતા, નિરાશા અને તણાવનો અનુભવ થાય છે.
શારીરિક તણાવ: સતત કામમાં વ્યસ્ત રહેતા ગૃહિણીઓને આરામનો સમય મળતો નથી, જે શારીરિક તણાવ અને આરોગ્ય સમસ્યાઓનું કારણ બને છે.
બાળકો અને કુટુંબની ચિંતા: બાળકોની સંભાળ, એમની ભવિષ્યની ચિંતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય વગેરેને લગતા મુદ્દાઓ ગૃહિણીઓને વધુ તણાવમાં મૂકે છે.
રવિવારની રજા પણ ગૃહિણીને નથી મળતી
અંકલેશ્વરના ગૃહિણી સોનલ પ્રકાશ માંજરીયા ચિત્રલેખા.કોમને કહે છે, સામાન્ય રીતે જે મહિલા કશુ જ ન હોય એને ગૃહિણી કહેવામાં આવે છે. તમે નોકરી ન કરતા હોય એટલે તમે નથીંગ. પણ જો એક ગૃહિણીનું મંતવ્ય જાણો તો ખબર પડે કે સવારથી સાંજ સુધીનું રુટીન સેટ કરવું કેટલું પડકારજનક છે. પરિવારની નાનામાં નાની જવાબદારીથી લઈને ઘરની દરેક સમસ્યાઓનું સમાધના શોધીને એનું નિરાકરણ લાવવાનો સૌથી મોટા પડકારનો સામનો રોજ એક ગૃહિણીએ કરવો પડે છે અને એમાં સૌ ટકા માર્કસ સાથે પાસ થવું ફરજીયાત છે. ગૃહિણી માટે રવિવારની રજા નથી હોતી. જો થોડા મોડા ઉઠો તો આખુ શેડ્યુલ વિખરાઇ જાય. માનસિક તાણ અનુભવે. ગુસ્સો આવે, સ્વભાવ ચિડીયો થઈ જાય, છતા રૂટીન બ્રેક ન થવું જોઈએ. ગૃહિણીને પણ મન થાય કે ક્યારેક લાંબા પગ કરી આખો દિવસ ઉંઘવા મળે અથવા ઘરે જમવાનું જ ન બનાવું પડે. ક્યારેક શાંતિની બે ક્ષણ એ પોતાના માટે કાઢે. મારા મતે ગૃહિણીને માનસિક તણાવ છે એમ કહેવાની પણ પરવાનગી નથી.
યસ, સૌથી મહત્વની વાત એ છે પોતે સતત આટલો માનસિક તણાવ અનુભવતી હોવા છતાં આપણા સમાજમાં મહિલાઓ ગૃહિણી તરીકે પરિવારના કાળજીમાં એટલી બધી ડૂબેલી હોય છે કે એમને ખુદ તણાવમાં છે એવી મોટાભાગે ખબર જ નથી હોતી! અને, કોઇ કિસ્સામાં કદાચ ખબર હોય તો પણ આપણો સમાજ એમને આ ફરિયાદ કરવાની તક નથી આપતો એ ય કડવી વાસ્તવિકતા છે.
સુરત શહેરની ACBને મોટી સફળતા મળી છે. શહેરના બે કોર્પોરેટર 10 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરને ધમકી આપી આ બે કોર્પોરેટરોએ દસ લાખની લાંચ માંગી હતી. કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવવાની ધમકી આપી તેમની પાસે 10 લાખની લાંચ માંગી હતી. આ ધમકી સાથે લાંચ માગ્યા હોવાની ફરિયાદ ACB રેકોર્ડિંગ સહિત કરવામાં આવી હતી. જેના આધારે કાર્યવાહી એસીબીએ બન્ને કોર્પોરેટરોને ઝડપી લીધા છે.
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા મહાનગર પાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.૫૩ ના ફાઇનલ પ્લોટ નં.88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરાઈ છે. આ અંગે ‘પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને મળ્યો છે. આ ‘પે એન્ડ પાર્ક’ની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવાઈ હતી. સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16 અને 17 ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઇ સુહાગીયાએ આ ‘પે એન્ડ પાર્ક’ ની સુવિધાવાળી જગ્યાએ પહોંચ્યા હતા આ દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે દબાણ કર્યાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સાથે બોલાચાલી કરી હતી. જે બાદ કોર્પોરેટરે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફી પત્ર તેઓએ લખાવી લીધું હતું. ત્યારબાદ બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવા કોન્ટ્રાક્ટર પાસે 11 લાખની લાંચ માગવાનો ખેલ શરૂ કર્યો. આ માટે કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં અને મોબાઇલ ફોન પર લાંચની માંગણી કરી હતી અને આખરે મામલો 10 લાખમાં પતાવવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટરએ ઓડિયો રેકોર્ડીંગ કરી લીધું હતું. કોન્ટ્રાકટરએ વાતચીતના રેકોર્ડીંગ CD સાથેની ACBમાં ફરિયાદ કરી હતી. એસીબીએ પ્રાથમિક તપાસ કરી રેકોર્ડિંગ સીડીનું એફએસએલ માંથી નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓનું એફએસએલમાં વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ પણ કરાયું હતું. જેના આધારે એસીબીએ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિપુલ સુહાગિયા ની ધરપકડ કરાઈ છે જ્યારે જીતુ કાછડીયા ફરાર છે તેની શોધખોળ ચાલુ છે.
PPF, SSY અને NSS જેવી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. સરકાર આ યોજનાઓ સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. જો તમે આ યોજનાઓમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નવા નિયમો માટે માર્ગદર્શિકા જારી કરી છે.
નાણાં મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી
નાણા મંત્રાલય દ્વારા નાની બચત ખાતાઓ અંગે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા જણાવે છે કે જો કોઈ ખાતું અનિયમિત જણાય તો તેને નાણા મંત્રાલય દ્વારા જરૂરી નિયમિત કરવા માટે મોકલવામાં આવશે. માર્ગદર્શિકા હેઠળ, વિભાગે નવા નિયમો જારી કર્યા છે, જે નેશનલ સેવિંગ્સ સ્કીમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માટે લાગુ થશે.
ડીજીના આદેશ પહેલા ખોલવામાં આવેલા બે NSS-87 ખાતાઓ માટે નવા નિયમો (2 એપ્રિલ, 1990): પ્રથમ ખાતા ખોલવા પર, પ્રવર્તમાન સ્કીમ રેટ લાગુ થશે, જ્યારે બીજા ખાતા પર, પ્રવર્તમાન POSA દર વત્તા 200 bps બાકી બેલેન્સ પર દર લાગુ થશે. આ બંને ખાતામાં જમા રકમ વાર્ષિક મર્યાદાથી વધુ ન હોવી જોઈએ. જો વધારે ડિપોઝીટ કરવામાં આવે તો તે વ્યાજ વગર પરત કરવામાં આવશે. 1 ઓક્ટોબર, 2024થી બંને ખાતાઓ પર શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.
સગીરના નામે ખોલવામાં આવેલા PPF ખાતાઓ માટે: આવા અનિયમિત ખાતાઓ માટે POSA વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી વ્યક્તિ (સગીર) ખાતું ખોલવા માટે લાયક ન બને. જ્યારે વ્યક્તિ 18 વર્ષની થાય ત્યારે લાગુ વ્યાજ દર ચૂકવવામાં આવશે. પરિપક્વતા અવધિની ગણતરી તે તારીખથી કરવામાં આવશે જે દિવસે સગીર બહુમતી પ્રાપ્ત કરે છે અને ખાતું ખોલવા માટે પાત્ર બને છે.
એક કરતાં વધુ PPF એકાઉન્ટ જાળવવા પર, પ્રાથમિક ખાતા પર સ્કીમ રેટ પર વ્યાજ આપવામાં આવશે, જો કે જમા રકમ દરેક વર્ષ માટે લાગુ મહત્તમ મર્યાદાની અંદર હોય. બીજા ખાતામાં બેલેન્સ પ્રથમ ખાતામાં મર્જ કરવામાં આવશે, જો પ્રાથમિક ખાતું દર વર્ષે અંદાજિત રોકાણ મર્યાદામાં રહે. મર્જર પછી, પ્રાથમિક ખાતું પ્રવર્તમાન સ્કીમ રેટ પર વ્યાજ મેળવવાનું ચાલુ રાખશે. પ્રાથમિક અને ગૌણ ખાતા સિવાયના કોઈપણ વધારાના ખાતા પર, ખાતું ખોલવાની તારીખથી શૂન્ય ટકા વ્યાજ દર લાગુ થશે.
બેંગલુરુઃ કર્ણાટકમાં સતત વધી રહેલા ડેન્ગ્યુના કેસોને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે એક નોટિફિકેશન જારી કર્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુ મહામારી ઘોષિત કરવામાં આવી છે. રાજ્ય સરકારે કર્ણાટક મહામારી રોગ વિનિયમ, 2020માં સંશોધન કરવા માટે નિયમ બનાવ્યા છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધી 7362 ડેન્ગ્યુના કેસો નોંધવામાં આવ્યા છે. આ સાથે આ રોગથી 12 લોકોનાં મોત થયાં છે.
બેંગલુરુ મહાનગરપાલિકા (BBMP) ક્ષેત્રમાં 11,219 કેસો સામે આવ્યા છે, જેમાં 32 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં હાલમાં ડેન્ગ્યુના 1358 સક્રિય કેસો છે. છેલ્લા 24 કલાકમાં 245 નવા કેસો નોંધાયા છે. નવા કેસોમાં પાંચ એક વર્ષની ઓછી વયનાં બાળકો છે અને 100 એકથી 18 વર્ષની વયનાં બાળકો છે. 140 કેસો 18થી વધુ વયના વ્યક્તિઓ સંબંધિત છે.
રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશનમાં દંડનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં ઘરની બહાર ડેન્ગ્યુ મચ્છર મળી આવતાં (શહેરી વિસ્તારમાં) રૂ. 400 અને ગ્રામીણ વિસ્તારમાં રૂ. 200નો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય કોમર્શિયલ જગ્યાએ –જેમ કે સ્કૂલ, કોલેજ, ઓફિસ હોટેલ, રિસોર્ટ, સિનેમા થિયેટર, મોલ કે સુપરમાર્કેટમાં ડેન્ગ્યુનાં મચ્છર મળી આવશે તો રૂ. 1000 (શહેરી વિસ્તારમાં) અને રૂ. 500 (ગ્રામીણ વિસ્તારમા) દંડ ફટકારવામાં આવશે.
આરોગ્યપ્રધાન દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને બધા વિભાગોના સજાગ રહેવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે લોકોની વચ્ચે જાગરુકતા ફેલાવવી જરૂરી છે કે તાવના કયા તબક્કામાં હોસ્પિટલ જવું જોઈએ.
બ્રુનેઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ દારુસલામની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા. ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. જેમાં બ્રુનેઈ દારુસલામમાં ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લા દ્વારા વિશેષ સન્માનના ભાગરૂપે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રુનેઈ પહોંચતા પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બ્રુનેઈમાં પીએમ મોદી દેશના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે.બ્રુનેઈમાં પીએમ મોદી રાજધાની બંદર શેરી બેગાવાનની હોટેલમાં રોકાયા છે. ત્યાં ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી આ યાત્રાને ખૂબ ખાસ માને છે. કારણ કે આ યાત્રા એવા સમય થઈ છે કે જયારે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ બ્રુનેઈ અને સિંગાપોરને ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ અને ઈન્ડો-પેસિફિક નીતિના તેમના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદારો ગણાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ‘અમે આ રાજદ્વારી સંબંધોના 40 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારના અન્ય સભ્યો સાથેની મારી મુલાકાતોની રાહ જોઈ રહ્યો છું, જેથી આ ઐતિહાસિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય.’વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનની આ મુલાકાત સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા, અવકાશ ટેક્નિક, આરોગ્ય સહયોગ, સંસ્કૃતિ તેમજ લોકો- સહિત તમામ વર્તમાન ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથેના ભારતના સહયોગને વધુ મજબૂત બનાવશે.
વડોદરા: રાજ્યમાં મેઘતાંડવ બાદ રોગાચાળાએ પગ પેસારો કર્યો છે. શહેર સહિત જિલ્લામાં પુર બાદ રોગચાળો વકર્યો છે. શહેરની એસ.એસ.જી હોસ્પિટલમાં વરસાદમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, શરદી, ઉધરસના કેસો સતત વધી રહ્યા છે અને દર્દીઓની લાંબી લાઈનો હોસ્પિટલમાં લાગી છે.
મળતી માહિતી અનુસાર હાલ વડોદરા શહેરમાં વાયરલ ફીવરના દૈનિક 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે હાલ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર આંકડાની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે જિલ્લામાં ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને મિક્સ પાણી આવવાના કારણે ચામડીના રોગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેની વચ્ચે આઈ.એમ.એ દ્વારા પણ રોગચાળો કહેર મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
ત્યારે બીજી બાજું અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. શહેરમાં મેલેરિયાના 212 કેસ, ઝાડા ઉલ્ટીના 751 કેસ નોંધાયા છે. જ્યારે કમળાના 538 કેસ, ટાઈફોઈડના 788 કેસ શહેરમાં નોંધાયા છે. ત્યારે કોલેરાના પણ 23 કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને વરસાદી માહોલમાં મચ્છરોની ઉત્પત્તિ વધવાના કારણે મચ્છરજન્ય રોગના કેસોમાં પણ વધારો થયો છે, જેને કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજની 1400થી વધુ ઓપીડી કેસ નોંધાયા હતા.