Home Blog Page 1521

સાર્વત્રિક વરસાદથી ગુજરાત જળાશયો છલકાયા

ગુજરાતમાં સાર્વત્રિક મેઘરાજાની ધમાકેદાર બેટિંક રાજ્યમાં લગભગ જળાશયો નવા નીરથી છલકાયા છે. રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 43 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 23 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ગત સપ્તાહે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યના તમામ જળાશયમાં પાણીની ધરખમ આવક નોંધાય છે. જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,87,701 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 78.45 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આજની મળતી માહિતી અનુસાર રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક સામે 79 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 82 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 79 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

દેશમાં વીજ પડવાની ઘટનાઓમાં ‘અસામાન્ય’ વૃદ્ધિ

નવી દિલ્હીઃ દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસામાં વીજ પડવી સામાન્ય બાબત છે, પણ જળવાયુ પરિવર્તનને કારણે દેશમાં વીજ પડવાની ઘટનાઓ ચિંતાજનક દરથી વધી રહી છે, એમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. દેશમાં વીજ પડવાથી પ્રતિ વર્ષ 1900 લોકોનાં મોત થાય છે. દેશમાં 1967થી 2020 સુધી વીજ પડવાથી 1,01,309થી વધુ લોકો માર્યા ગયાં છે, જ્યારે 2010થી 2020 સુધી આવી ઘટનાઓ ઝડપથી વધી છે, એમ ઓડિશાની ફકીર મોહન યુનિવર્સિટીના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ કહ્યું હતું.

તેમણે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વીજ પડવાની ઘટનાઓમાં સતત વૃદ્ધિના સંકેત મળે છે, જેને એને જળવાયુ પરિવર્તનથી ઊભી થયેલી કુદરતી આફતોમાં એક મુખ્ય જીવલેણ આફત બને છે. વાર્ષિક આધારે આવી મોતોની સંખ્યા આ આકડાથી ક્યાય વધુ હોઈ શકે છે, કેમ કે બહુબધા લોકો ગામોમાં રહે છે, જ્યાં આવી ઘટનાઓની સૂચના પોલીસને નથી આપવામાં આવતી.

દેશમાં વર્ષ 1967થી 2002ના સમયગાળામાં રાજ્યનો સરેરાશ વાર્ષિક મૃત્યુદર 38થી વધીને 2003થી 2020 દરમ્યાન 61 થયો હતો. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ વૈશ્વિક તાપમાનમાં વધારો એ પણ વીજ પડવાની ઘટનાઓમાં વધારાનું એક કારણ છે.ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ નવી અને આધુનિક પ્રણાલીની મદદથી હવામાન વિભાગ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને પહેલેથી જ ચેતવણી આપી દે છે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે આ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, જેથી ખેતરોમાં કામ કરતા લોકોને અને ઘેટાં-બકરાં ચરાવતા લોકોને એની સટિક માહિતી મળી રહે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બટરફ્લાય ગાર્ડનમાં 70 પ્રજાતિના પતંગિયા

ગાંધીનગર: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે.મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે.10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે.ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.અહીં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓનું આખું જીવનચક્ર નિહાળી શકે છે. પતંગિયાઓનું જીવન ઇંડાથી શરૂ થાય છે, જેમાંથી થોડાક જ સમય પછી નાનકડી ઇયળ બહાર આવે છે. ઇયળ બહાર આવ્યા પછી ખાઉધરાની જેમ ખોરાક લે છે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પતંગિયામાં પરાવર્તિત થવા માટે તૈયાર થાય છે. તે ‘પ્યૂપા’ (ક્રિસાલિસ) તબક્કામાંથી પસાર થાય છે.લગભગ 25 દિવસ પછી તેમાંથી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે. પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.બટરફ્લાય ગાર્ડનમાં ‘ઘૂઘરા’ અને ‘હાથી સૂંઢી’ નામના બે વિશિષ્ટ પ્રકારના છોડ છે, જે ફક્ત નર પતંગિયાઓને જ આકર્ષે છે.બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે, 1) સેલ્ફી પોઇન્ટ, 2) બટરફ્લાય લાઇફ સાયકલ અને 3) બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર. પ્રવાસીઓ આ પોઇન્ટ્સ પર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવો તસવીરમાં કેદ કરી શકે છે.

શ્રાવણ માસ : હેરિટેજ સિટીના શિવાલયો માટે જળાભિષેક યાત્રા યોજાઈ

અમદાવાદ: હેરિટેજ સિટીના કોટ વિસ્તારની પોળોમાં અસંખ્ય પૌરાણિક મંદિરો અને દેરાસર આવેલા છે. જેમાંના કેટલાક ખૂબજ પ્રાચીન છે. પવિત્ર શ્રાવણ માસમાં ખાડિયાના પ્રાચીન શિવાલયોને પરંપરાગત રીતે જળાભિષેક યાત્રા કાઢી પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢાળની પોળમાં રહેતા શ્રેષ્ઠ ખાડિયા અભિયાન સાથે સંકળાયેલા નિશીથ સિંગાપુરવાલા ચિત્રલેખા.કોમને કહે છે ખાડિયા રાયપુરના મહાદેવ, માતાજી, ગણેશ, હનુમાનજી સહિતના અનેક મંદિરો દેરાસરની ભવ્યતા છે. અનેક મંદિરો એકદમ પ્રાચીન અને સુંદર છે. શહેરના નાગરિક તરીકે એને જાળવવાની આપણી ફરજ છે. એ બાબતને ધ્યાનમાં રાખી અમારા ખાડિયા રાયપુરના સંગઠનોએ પ્રાચીન બાર મહાદેવને પસંદ કરી એમાં ભવ્ય રીતે પૂજા અર્ચના અભિષેક દર્શન થાય એ માટે પરંપરાગત જળાભિષેક યાત્રાનું આયોજન કર્યુ હતું.


નિશીથભાઈ કહે છે શહેરમાં સતત કોમર્શિયલાઈઝેશન થઈ રહ્યું છે. રહેણાંકના જગ્યાઓ પર વેપાર ધંધા ટેમ્પા રિક્ષાઓનો સતત ધમધમાટ ચાલુ જ હોય છે. આ રહેણાંક વિસ્તારો ધાર્મિક સ્થાનોને બચાવવા અમે સતત પ્રયત્નો કરી રહ્યા છીએ. જેથી સનાતન હિંદુ ધર્મના લોકો પ્રાચીન મંદિરોના દર્શન માટે આવી શકે. શ્રાવણ માસમાં ખાસ ઢાળની પોળ થી પખાલીની પોળ સુધી બાર શિવાલયો માટે જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માણકેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ (દેવની શેરી) , પીપળેશ્વર મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ (હવેલીની પોળ), ચકલેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ(ખાડિયા ગેટ), એકલિંગજી મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, જબરેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ ( પખાલીની પોળ) નો જળાભિષેક યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સ્ટાઈપેન્ડ વધારાને લઈ ઈન્ટર્ન્સ્‌ અને રેસિડેન્ટ ડોક્ટરો ફરી હડતાલ પર

અમદાવાદ: ગત શનિવારે સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્‌ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય સરકારે કર્યો હતો. પરંતુ સરકારે  આ વર્ષે 40 ટકાને બદલે 20 ટકા વધારો કરતા અને દર ત્રણ વર્ષને બદલે પાંત વર્ષે સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની જોગવાઈ કરતા જુનિયર ડોક્ટરો-રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યો છે અને આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.

સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના એમબીબીએસના ઈન્ટર્ન સ્ટુડન્ટ તેમજ પીજી મેડિકલના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ-રેસિડેન્ટ ડોક્ટરોને અપાતા સ્ટાઈપેન્ડમાં એપ્રિલથી વધારો પેન્ડિંગ હતો જેથી વધારાની માંગણી સાથે થોડા સમય પહેલા જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરાયા હતો અને હડતાળ પર જવાની ચીમકી આપી હતી. પરંતુ થોડા દિવસનો સમય માંગીને  સ્ટાઈપેન્ડ વધારાની ખાત્રી આપી હતી. જેથી અગાઉ જુનિયર-રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી ન હતી.  જે બાદ શનિવાર 31 ઓગસ્ટના રોજ સરકારે સ્ટાઈપેન્ડ વધારાના ઠરાવને મંજુરી આપી હતી. આ નિર્ણય પ્રમાણે સરકારે સરકારી અને GMERS મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્‌ અને રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. જેથી ફરી એક વખત વિરોધ સાથે જુનિયર ડોક્ટર એસોસિએશનની ફરિયાદ છે કે અગાઉ સરકાર સાથે-અધિકારીઓ સાથે થયેલી મીટિંગમાં 40 ટકા વધારા માટે ખાત્રી અપાઈ હતી. પરંતુ સ્ટાઈપેન્ડ સરકારે 20 ટકા જ વધારો કર્યો છે. ઉપરાંત  સરકારના ઠરાવ મુજબ દર 3 વર્ષે સ્ટાઈપેન્ડ વધારો થાય છે પરંતુ સરકારે હવે પાંચ વર્ષ સુધી કોઈ વધારો ન કરવાની જોગવાઈ કરી દીધી છે, જે ગેરવ્યાજબી છે. આમ વિરોધ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોએ આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.

આ હડતાળમાં 4 હજારથી વઘુ ઈન્ટર્ન્સ અને 3 હજારથી વઘુ રેસિડેન્ટ ડોક્ટરો જોડાશે. જો કે બીજી બાજુ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હોવાનું હોસ્પિટલ સત્તાવાળાનું કહેવું છે. મેડિકલના જુનિયર ડોક્ટરોની હડતાળને ડેન્ટલના જુનિયર ડોક્ટરોએ પણ સમર્થન આપ્યુ છે. જેથી આજે બી.જે.મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો સાથે સિવિલ કેમ્પસમાં જ આવેલી સરકારી ડેન્ટલ કોલેજના ઈન્ટર્ન-રેસિડેન્ટ પણ હડતાળમાં જોડાશે

મણિપુરમાં ફરી ભડકી હિંસાઃ બે લોકોનાં મોત

નવી દિલ્હીઃ મણિપુરમાં કેટલાય દિવસો પછી હિંસાનો દોર ફરી જોવા મળ્યો છે. સંદિગ્ધ ઉગ્રવાદીઓ તરફથી ડ્રોનથી બોમ્બ વરસાવામાં આવ્યા હતા, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં અને નવથી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. કોત્રુક અને કડાંગબાંડ ખીણને આ વખતે કુકી ઉગ્રવાદીઓએ નિશાના પર લીધી છે. તેમની તરફથી ઊંચા પહાડીઓથી બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોનાં મોત  છે અને બે પોલીસ કર્મચારીઓ અને TV રિપોર્ટર ઇજાગ્ર્રસ્ત થયા હતા.

આ હિંસા અંગે કોત્રુક ગામના પંચાયત અધ્યક્ષે વિગતવાર ખુલાસો કરતાં કહ્યું હતું કે રવિવારે બપોરે બે વાગ્યાથી બોમ્બમારો અને ગોળીબાર શરૂ થયો હતો. આ હુમલામાં ઘણાં ઘરોને નુકસાન થયું છે.

હાલ  આ નવા હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. તેઓ બેફામપણે કહે છે કે રાજ્ય સરકારની તમામ ખાતરીઓ છતાં તેમને કોઈ સુરક્ષા મળી નથી, તેઓ ભયના વાતાવરણમાં જીવવા મજબૂર છે. મણિપુર સરકારે પણ આ બાબતની નોંધ લીધી છે અને તેની સખત નિંદા કરી છે. ખુદ સરકારે માહિતી આપી છે કે હુમલામાં અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે આ આતંકવાદીઓ પછી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પણ હાજર હતા.

હવે આ હિંસા બાદ પશ્ચિમી જ઼િલ્લા ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ પણ તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સ્થાનિક વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે આતંકવાદીઓ પાસે આધુનિક હથિયારો છે અને તેઓ મોટા પાયે હુમલાઓ કરી રહ્યા છે. જોકે મણિપુરમાં જે હિંસા જોવા મળી રહી છે તેના મૂળમાં વર્ષો જૂની માગ છે.

 

 

હર્ષ સંઘવીએ વડોદરામાં વિવિધ વિભાગો સાથે રિવ્યુ બેઠક યોજી

વડોદરા: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજી છે. આ રિવ્યુ બેઠકમાં IMA, પોલીસ સહિત અન્ય વિભાગો પણ જોડાયા છે. 

વડોદરા IMA(ઈન્ડિયન મેડિકલ એસોસિએશન) ના પ્રમુખ ડો.મિતેષ શાહે બેઠકમાં નિવેદન આપ્યું છે કે આગામી 10 દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શકયતા છે. વડોદરામાં ભારે વરસાદને પગલે શહેરની 980 હોસ્પિટલ પૈકી 160 હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલા આઈ.સી.યુમાં પાણી ભરાયા હતા અને 37 હોસ્પિટલમાં આઈ.સી.યુમાં વધુ પાણી ભરાતા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. 980 હોસ્પિટલના 14000 તબીબો સરકારી હોસ્પિટલને મદદ કરશે. આ સાથે જ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારૂલ સેવાશ્રમ સાથે ચર્ચા કરી છે. ખાનગી હોસ્પિટલના તબીબો પણ પૂર આવ્યુ ત્યારથી તમામ વિસ્તારમાં સેવા આપી રહ્યા છે.શહેરમાં પૂરના પાણીની સાથે મગરો પણ અનેક જગ્યાએ બહાર આવી ગયા હતા. તો વન વિભાગ અને ખાનગી માણસો તેમજ એન.જી.ઓ.ની મદદથી આ મગરોના રેસ્કયૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા નદીમાં છોડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. શહેરના મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, MS યુનિવર્સિટી, અકોટા પોલીસલાઈન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આજે શ્રાવણના છેલ્લા સોમવારે સોમવતી અમાસનો સંયોગ

અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહૂતિ તરફ છે. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે તેમજ સોમવતી અમાસ પણ છે. સોમવતી અમાસના સ્નાન અને દાનની સાથે પિતૃપૂજનનો પણ અનેરું મહત્વ રહેલુંં છે. 

શ્રાવણ મહિનામાં દરેક શિવમંદિર હર હર ભોલેના નાદથી ગૂંજી રહ્યા છે. પરંતુ સોમવતી અમાસના વિશેષ માહાત્મ્યને કારણે ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક કરી, બીલીપત્ર ચઢાવીને ભોળેનાથને રીઝવવા માટે વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના, દર્શનાર્થે લાઇનો લગાવી રહ્યા છે. આ વર્ષે વર્ષો બાદ શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત બંન્ને સોમવારથી થઈ રહ્યા છે. પાંચમાં સોમવારે સોમવતી અમાસ સાથે જ શ્રાવણ માસનું સમાપન થયું હોય તેવું છેલ્લે વર્ષ 2021માં બન્યું હતું. સોમવતી અમાસ નિમિત્તે સોમનાથમાં પણ વિશિષ્ટ આયોજન કરાયા છે. હજુ મંગળવારે પણ અમાસ છે. આ પછી હવે 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થશે જ્યારે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ છે. આમ, તહેવારોની હેલી જારી રહેશે.

Monsoon Update: ગુજરાતમાં ફરી જામ્યું ચોમાસુ, 36 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ વરસાદે વિરામ લીધો હતો. જે બાદ આજે ફરી રાજ્યમાં વરસાદી કાળા ડિબાંગ વાદળા બંધાયા હતા. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 3.62 ઈંચ, મોરવા હડફ, આહવા સુબિર, ઉચ્છલ, લુણાવાડા અને લીમખેડામાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે બીજી સપ્ટેમ્બરના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે આવતી કાલ એટલે કે ત્રીજી સપ્ટેમ્બરના અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઈ ચૂક્યો છે. ઓગસ્ટ સુધી રાજ્યમાં 26.62 ઈંચ સાથે સિઝનનો 76.57 ટકા વરસાદ હતો. જ્યારે 27 ઓગસ્ટ સવાર સુધીમાં 34.76 ઈંચ સાથે 100 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 16 જિલ્લામાં 100 ટકાથી વધુ જ્યારે 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 116.79 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.20 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 101.52 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ હવે માત્ર 1.25 ટકા દૂર છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ વરસ્યો છે.

અમિતાભ બચ્ચનની પૌત્રી ભણશે ગુજરાતમાં, જાણો કયો અભ્યાસ કરશે?

મુંબઈ: અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ભલે ફિલ્મી દુનિયામાં સક્રિય ન હોય, પરંતુ તે અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હવે સ્ટારકિડ ફરી એકવાર સમાચારમાં છે. નવ્યા હવે તેની તાજેતરની સિદ્ધિઓમાંથી એક માટે હેડલાઇન્સમાં છે. મોટા ભાગના સ્ટાર કિડ્સ ફિલ્મી દુનિયામાં પગ મૂકવા માટે ઉત્સુક હોય છે, ત્યારે નવ્યા નંદાએ કંઈક એવું કર્યું છે જેના માટે તેને ચારે બાજુથી અભિનંદન અને પ્રશંસા મળી રહી છે. વાસ્તવમાં, અમિતાભ બચ્ચનની પૌત્રી ભારતની ટોચની સંસ્થામાં એડમિશન લઈ રહી છે, જ્યાંથી તે મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરશે.

નવ્યાને દેશની ટોચની સંસ્થામાં પ્રવેશ મળ્યો

નવ્યા નવેલી નંદાએ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો કે તેણે IIM પ્રવેશ પરીક્ષા પાસ કરી છે અને હવે તે દેશની ટોચની સંસ્થામાં પ્રવેશ લઈ રહી છે, જ્યાંથી તે એક બિઝનેસવુમન બનવા તરફ વધુ એક પગલું ભરશે. IIM ક્લિયર કર્યા બાદ નવ્યાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદમાં એડમિશન મળ્યું છે, જે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. નવ્યાને તેની સિદ્ધિ માટે ઘણી પ્રશંસા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

નવ્યા નવેલી નંદાએ IIM પ્રવેશ પરીક્ષા પાસ કરી

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનની પૌત્રીના વખાણ કરી રહ્યા છે કારણ કે અન્ય સ્ટાર કિડ્સની જેમ તે વિદેશમાં નહીં પરંતુ દેશમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરશે. વાસ્તવમાં, મોટાભાગના સ્ટાર કિડ્સ સ્કૂલિંગ પછી આગળના અભ્યાસ માટે વિદેશ જાય છે, જ્યારે આ માટે નવ્યાએ તેના દેશમાં જ રહેવાનું નક્કી કર્યું છે. IIM અમદાવાદ દેશની ટોચની MBA સંસ્થાઓમાંની એક છે, તેથી નવ્યા અહીં પ્રવેશ મેળવીને ખૂબ જ ખુશ છે.

નવ્યા આ કોર્સ IIM અમદાવાદમાંથી કરશે

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં તે IIM અમદાવાદના કેમ્પસની બહાર પોઝ આપતી જોવા મળે છે. સ્ટારકિડના ચહેરા પર તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. કારણ કે, IIM અમદાવાદમાં પ્રવેશ મેળવવો સરળ નથી. નવ્યા હવે IIM અમદાવાદ ખાતે 2 વર્ષનો બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ (BPGP) કરશે. નવ્યાએ પોતાનો અગાઉનો અભ્યાસ વિદેશથી કર્યો છે. તેણે સેવેનોક્સ સ્કૂલ, લંડનમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી ફોર્ડહામ યુનિવર્સિટી, ન્યૂયોર્કમાં પ્રવેશ લીધો હતો. અહીંથી તેણે ડિજિટલ ટેકનોલોજી અને યુએક્સ ડિઝાઇનમાં ગ્રેજ્યુએશન કર્યું.

નવ્યા 2 વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરશે

હવે નવ્યાએ આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન લીધું છે અને અહીં 2 વર્ષનો ફુલ ટાઈમ કોર્સ કરશે. મતલબ કે હવે સ્ટારકિડે 2 વર્ષ અમદાવાદમાં રહીને અભ્યાસ કરવો પડશે. આ માટે નવ્યાને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. ભારતમાં રહેવા અને અભ્યાસ કરવાના નવ્યાના નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ખુશ છે. ઘણા લોકોએ તેમના નિર્ણયની પ્રશંસા કરી છે.