Home Blog Page 1523

હવે બંગાળના વીરભૂમમાં નર્સની છેડતી

કોલકાતાના આરજી કાર કાંડ બાદ બંગાળમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થવા લાગ્યા છે. દરમિયાન, બંગાળના બીરભૂમ જિલ્લાના ઇલામબજારમાં સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શનિવારે એક નર્સની છેડતીનો મામલો સામે આવ્યો છે.

સ્ટ્રેચર પર સૂતી વખતે નર્સ સાથે છેડતી

વાસ્તવમાં, અહીં સારવાર માટે લાવવામાં આવેલા એક દર્દીએ સ્ટ્રેચર પર સૂતી વખતે નર્સની છેડતી કરી હતી. પોલીસે નર્સની ફરિયાદના આધારે તેની ધરપકડ કરી છે. નર્સે જણાવ્યું કે દર્દીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. જ્યારે તેણે આનો વિરોધ કર્યો તો તેણે અપશબ્દોનો ઉપયોગ કર્યો.

મોકૂફ રખાયેલી DySOની પરીક્ષાની નવી તારીખ જાહેર

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. જેના પગલે ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSOની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષાની નવી તારીખ GPSC દ્વારા જાહેર કરવામાં આવી છે.

વરસાદના કારણે મોકૂફ રાખેલી DYSOની પરીક્ષા હવે 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. GPSC દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના લેવાશે.

કંગનાની ‘ઇમરજન્સી’ પર પૂર્વ CM ચન્નીની ચેતવણી

હિમાચલ પ્રદેશના મંડીમાંથી બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે SGPCની પરવાનગી વિના આ ફિલ્મ ન તો ચાલશે અને ન તો ચાલવા દેવામાં આવશે. તેણે કહ્યું, ‘કંગનાને બહુ ગંભીરતાથી ન લેવી જોઈએ.’


ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, ‘પંજાબ, હરિયાણા, હિમાચલ જૂના પંજાબનો ભાગ છે અને દરેકની વચ્ચે ભાઈચારો છે. પરસ્પર બંધન ક્યારેય તૂટ્યું નથી અને ક્યારેય તૂટવા દેવામાં આવશે નહીં. આને જાળવી રાખવું પડશે અને જો કોઈ બળ તેને તોડવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

કંગનાને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી

તેમણે કહ્યું કે, દેશની આઝાદી પછી પંજાબનો ઈતિહાસ એવો છે કે હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈઓ પ્રેમથી સાથે રહ્યા છે અને આજ સુધી અહીં રમખાણોની કોઈ ઘટના બની નથી. તેણે કહ્યું કે કંગના રનૌતને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી અને સિમરનજીત સિંહ માનની જેમ ગુસ્સો ન કરવો જોઈએ.

કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને લઈને ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે જ્યાં પણ શીખ ઈતિહાસ બતાવવાનો હોય ત્યાં ફિલ્મ બતાવ્યા બાદ પહેલા SGPC પાસેથી પરવાનગી લેવી જોઈએ. SGPC એ શીખ સમુદાયની અગ્રણી સંસ્થા છે અને તેની પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.

છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડવા સામે MVAનો વિરોધ

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાના મુદ્દે રાજકારણ ખૂબ જ ગરમાયું છે. મહાવિકાસ આઘાડીના નેતાઓ મુંબઈમાં એક થયા અને સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેને જૂતા મારો આંદોલન નામ આપવામાં આવ્યું છે. મહાવિકાસ આઘાડીના નેતાઓએ દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઈન્ડિયા સુધી પદયાત્રા કાઢી હતી. જેમાં શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, સુપ્રિયા સુલે, કોંગ્રેસ નેતા નાના પટોલે સહિત ઘટક પક્ષોના ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો.

આ દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા MVA નેતાઓએ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના પોસ્ટર પર ચપ્પલ અને જૂતા માર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની માફી અંગે નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમની માફી અહંકારથી ભરેલી છે. આ દરમિયાન શરદ પવારે કહ્યું કે, પ્રતિમાનું પડવું એ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે.

એક અહેવાલ મુજબ, NCP (SP)ના વડા શરદ પવારે પણ NDAના વિરોધમાં મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા સુધી પગપાળા કૂચ કરી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની તબિયત સારી નથી, છતાં તેઓ પદયાત્રામાં જોડાયા છે. તે જ સમયે, હુતાત્મા ચોક પાસે, મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રાજ્યની મહાયુતિ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો…

આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે. ચોમાસા દરમિયાન ગરમ ગરમ ચા સાથે ભજિયાં ઉપરાંત કોઈ એક ચીજની બહુ ડિમાન્ડ રહેતી હોય તો એ છે મકાઈનું ડૂંડું કે ભૂટ્ટા. રિમઝિમ વરસાદ પડતો હોય ત્યારે બાફેલી કે સગડી પર શેકેલી મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર છે. એમાંય દરિયાકિનારે કે ગાર્ડન બહાર ઊભા રહીને, મીઠું-મરચું અને લીંબુ ચોપડીને એ ખાવાનો જલસો જીભથી લઈને પેટ સુધી પહોંચી જાય છે. બાળકો તો ઠીક, વૃદ્ધો પણ આખી સીઝનમાં ચાર-પાંચ વાર તો મકાઈ ખાઈ જ લે છે. આમ તો હવે અમુક પ્રકારની મકાઈ લગભગ આખું વરસ મળી રહે છે, પણ ચોમાસા સાથે મકાઈનો સંબંધ અલગ જ છે.

એમાં પણ હવે ઘણા લોકો બાફેલી મકાઈમાં લીંબુ-મસાલા સાથે બટર અથવા ચીઝ પણ ઉમેરે છે. બાળકોને એવા અખતરા કરવા ગમે છે. આ ઉપરાંત, મકાઈમાંથી બનતી વાનગી (લીલી મકાઈનો હાંડવો, મકાઈનાં વડાં, મકાઈના રોટલા, વગેરે) ગરમ ગરમ ખાવાનો આનંદ અનેરો હોય છે. આ તો થઈ પરંપરાગત વાનગી, પરંતુ મકાઈ તો મેક્સિકન, ઈટાલિયન જેવી વિદેશી વાનગીમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે હવે આપણા દેશમાં પણ લોકપ્રિય થઈ રહી છે.

આ જ મકાઈને સૂકવીને, એના દાણાને ફોડીને એમાંથી પોપકૉર્ન બનાવવામાં આવે છે, જેની સુગંધ તો ઘણે દૂર સુધી ફેલાઈ જાય છે. સિનેમાઘર કહો કે પછી કોઈ મનોરંજન પાર્ક, પોપકૉર્ન વગર આ બધી જગ્યા અધૂરી ગણાય. એવી જ રીતે નદીકિનારે અથવા કોઈ હિલસ્ટેશને ફરવા જાવ ત્યાં પણ કોઈ ને કોઈ તો મકાઈ કે પોપકૉર્નની લહેજત માણતું જોવા મળે જ.

આવી સહજ રીતે મેળવી શકાય એવી મકાઈના પોષણકીય ફાયદા વિશે તમને ક્યારેય વિચાર આવ્યો છે?

આજે આપણે એના થોડા ફાયદા વિશે જાણીએ, જેથી સમજી શકાય કે મકાઈની આ સીઝનમાં આપણે એ ખાવાનો અવસર શા માટે ચૂકવો ના જોઈએ.

મકાઈ વિટામિન-એ  તેમ જ વિટામિન-સીનો સમૃદ્ધ સ્રોત છે. એ રીતે મકાઈ એક પ્રકારના ઍન્ટિ-ઑક્સિડન્ટની ગરજ સારે છે, જેના દ્વારા શરીરના કોષોને નુકસાન થતું અટકે છે તેમ જ મકાઈ તમારી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિટામિન-સી  અને વિટામિન-એ  ત્વચા તથા આંખ સારાં રાખવાનું કાર્ય કરશે.

આ ઉપરાંત, મકાઈ ઍન્ટિ-કાર્સિનોજેનિક એજન્ટ તરીકે કાર્ય કરી શકે છે એટલે કે કૅન્સર જેવા રોગો સામે રક્ષણ મળી શકે છે. મકાઈમાં રહેલ રેસાયુક્ત ભાગ (ફાઈબર)ને કારણે એનો ઉપયોગ પાચન સુધારે છે અને કબજિયાત ઘટાડે છે. હૃદયને લગતા રોગોમાં પણ મકાઈ ફાયદાકારક છે, કારણ કે મકાઈ એ કુદરતી રીતે ઓછી ચરબીયુક્ત વનસ્પતિ છે. મકાઈમાં રહેલું મોટા ભાગનું તેલ એ મોનોસૅચ્યુરેટેડ અથવા પોલિઅનસૅચ્યુરેટેડ છે, જે હૃદય માટે હેલ્ધી છે. મકાઈમાંથી બનતા કૉર્નફ્લેક્સનો દૂધની સાથેનો ઉપયોગ આદર્શ રીતે સવારના નાસ્તામાં કરી શકાય છે, જે પ્રોટીન તેમ જ વિટામિનથી ભરપૂર હોવાની સાથે ફાઈબરયુક્ત છે. એ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

મકાઈ વિટામિન-બી-૬થી પણ સમૃદ્ધ છે, જેનાથી શરીરમાં રહેલા પિરિડોક્સિનનું લેવલ જાળવવામાં મદદ મળે છે, જેનાથી એનિમિયા (લોહતત્ત્વની ખામી) દૂર થાય છે. પિરિડોક્સિન એ ડિપ્રેશન તેમ જ પ્રિ-મેન્સ્ટ્રુએશન જેવી તકલીફોથી થતાં નુકસાનમાં રાહત અપાવે છે.

મકાઈ એ આયર્નનો પણ સમૃદ્ધ સ્રોત છે. એનિમિયા સામે રક્ષણ અપાવે એવા લોહીના નવા કોષો માટે આયર્ન જરૂરી છે. મકાઈમાં આપણે લીંબુનો રસ ઉમેરીએ તો એ શરીરમાં આયર્નને ભળી જવામાં મદદ કરે છે. (મકાઈના ડૂંડા પર લીંબુ કેમ લગાડવામાં આવે છે, એ હવે સમજાયું ને?)

પીળા રંગની મકાઈ અને મીઠાશયુક્ત સફેદ મકાઈમાં કૅલરી વૅલ્યૂ ૧૦૦ ગ્રામ પર ૯૬ કિલો કૅલરી જેટલી હોય છે આથી એનો નિયમિત ઉપયોગ વજન વધારી શકે છે.

અલબત્ત, વધુપડતી સ્ટાર્ચયુક્ત હોવાને કારણે મકાઈ ડાયાબિટિક વ્યક્તિ માટે લેવાનું સલાહભર્યું નથી. તમે ડાયાબિટિક છો તો મકાઈનો ઉપયોગ તમારી બ્લડ સુગર વધારી શકે છે. આવા લોકોએ મકાઈ ખાવી જ હોય તો એકદમ નિયંત્રિત માત્રામાં.

મકાઈમાં ઍન્ટિ-ન્યુટ્રિયન્ટ્સ પણ આવેલાં હોય છે, જે તમારા શરીરમાં પોષક તત્ત્વોનો યોગ્ય રીતે ઉપયોગ થતો અટકાવી શકે છે. એવી શક્યતા નિવારવા માટે મકાઈ પરનાં છોતરાં કાઢીને થોડી વાર પાણીમાં પલાળ્યા પછી ઉપયોગમાં લેવી. ક્યારેક મકાઈમાં ફંગસ પણ જોવા મળે છે, જેને માઈકોટોક્સિન  તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારની ફંગસવાળી મકાઈના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આવી વધુપડતી ટોક્સિક મકાઈ કૅન્સર જેવા રોગોને પણ નોતરી શકે છે આથી મકાઈની ક્વૉલિટી સારી હોય એ બહુ જરૂરી છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

ભારતમાં અહીં વરસે છે સૌથી વધુ વરસાદ

ચોમાસાની શરૂઆત થતા જ વાતાવરણમ અદભુત અને સૌથી આહલાદક લાગે છે. પરંતુ જ્યારે વરસાદ હદથી વધારે પડે ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચોમાસુ સારુ રહે એ માટે સૌ કોઈ પ્રાર્થના કરતા હોય છે પરંતુ વધારે સારુ જાય એટલે કે વરસાદ વધુ પડે તો બધા ઋતુરાજને ખમૈયા કરવા વિનંતી પણ કરે છે. જો કે આપણે અહીં વર્ષારાણીને રિઝવવાની વાત નથી કરવાની, આજે તો આપણે ભારતના એ સ્થળો વિશે જાણીશું જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે. જેમાં ઘણા સ્થળે તો નિરંતર વરસાદ વરસ્યા જ કરે છે.

 

મૌસિનરામ(મેઘાલય)

આ લીસ્ટમાં સૌથી મોખરે છે મેઘાલયનું મૌસિનરામ. ભારતમાં સૌથી વધુ વરસાદ માટે મેઘાલય જાણીતું છે. મેઘાલયમાં પૂર્વના પર્વતીય વિસ્તારમાં મૌસિનરામ વિસ્તાર આવેલો છે. જ્યાં બસ એક ગામ જેટલી જ જગ્યા છે. મેઘાલયની રાજધાની શિલોંગથી 65 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં 11872 મીમી એટલે કે 467 ઇંચ વાર્ષિક વરસાદ પડે છે. આ દુનિયાની સૌથી વધારે ભેજવાળી જગ્યાને માટે જાણીતી છે. એનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. મૌસિનરામમાં ઈ.સ. 1985માં સૌથી વધુ 26000 મીમી એટલે કે 1000 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ દુનિયાના સૌથી વધુ વરસાદ તરીકે નોધાયો હતો.

ચેરાપુંજી (મેઘાલય)

માસિનરામ પછી ચેરાપુંજી મેઘાલયનો બીજો એવો વિસ્તાર છે જ્યાં દેશનો સૌથી વધુ વરસાદ નોંધાય છે. ચેરાપુંજીમાં દર વર્ષે 11619 મીમી જેટલો વાર્ષિક વરસાદ પડે છે. અહીં વધારે વરસાદ પડવાનું મુખ્ય કારણ ત્યાની હરિયાળી અને પહાડી વિસ્તાર છે. આ વિસ્તારમાં જુલાઈ 1861માં 366 ઇંચ વરસાદ નોધાયો હતો. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં 1 ઓગસ્ટ 1860 થી 31 જુલાઈ 1861ના એક વર્ષમાં 26461 મીમી એટલે કે 1042 ઇંચ વરસાદ નોધાયો હતો. આ વરસાદ પર થયેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે આ વરસાદ દુનિયામાં સૌથી વધુ વરસાદ ગણી શકાય. કારણ કે આટલો વરસાદ એ સમય પહેલા ક્યારેય પડ્યો ન હતો.

અગુમ્બે(કર્ણાટક)

આ ગામ કર્ણાટક રાજ્યના શિમોગા જીલ્લામાં આવેલું છે. જેને દક્ષિણ ભારતનું ચેરાપુંજી માનવામાં આવે છે. ભારે વરસાદને કારણે ગામની આસપાસ વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેનો ઉપયોગ દવા માટે કરવામાં આવે છે. અહી દર વર્ષે 7691 મીમી વરસાદ નોધાય છે. આ વિસ્તારમાં નાના મોટા અનેક ધોધ પણ જોવા મળે છે. અહી દર વર્ષે ફક્ત જુલાઈ માસમાં જ 50 ઇંચ જેટલો વરસાદ પડે છે.

મહાબળેશ્વર(મહારાષ્ટ્ર)

મહાબળેશ્વરનું નામ પડતા જ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું હિલ સ્ટેશન આંખો સામે તરવળે છે. પરંતુ સુંદરતાની સાથે આ આ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પણ પડે છે. લોકો ચોમાસાની મોસમ માણવા માટે આ સ્થળ પર વધુ આવે છે. મહાબળેશ્વર પર દર વર્ષે 5618 મીમી વરસાદ ખાબકે છે. આ વિસ્તાર આખો જંગલથી ઘેરાયેલો છે. વધુ વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી એટલી છવાઈ જાય છે કે અમુક જગ્યાએ તો બારેમાસ નવી નવી વનસ્પતિ ઉગે છે.

પાસીઘાટ(અરુણાચલ પ્રદેશ)

ભારતમાં સૂર્યનું પહેલું કિરણ અરુણાચલ પ્રદેશમાં પડે છે એટલા માટે જ એને ઉગતા સૂર્યનો દેશ પણ કહેવામાં આવે છે. પણ આ રાજ્યની બીજી ઓળખ છે વધુ વરસાદ. જી હા, આ રાજ્યમાં દર વર્ષે 4388 મીમી વરસાદ નોધાય છે. અહી પણ સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં 42 ઇંચ જેટલો પડે છે.

ગંગકોટ(સિક્કિમ)

ગંગકોટ સિક્કીમની આંખનું નૂર માનવામાં આવે છે. વરસાદની વાત કરીએ તો આ વિસ્તારનો વરસાદ મેઘાલય બાદ સૌથી વધુ વરસાદ પડે છે. ગંગકોટમાં દર વર્ષે સરેરાશ 3737 મીમી વરસાદ પડે છે. જે આખા સીક્કીમમાંથી સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારનો બાન ઝાકરી ધોધ ચોમાસામાં સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.

મેંગલોર(કર્ણાટક)

અરબી સમુદ્રની હદ જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ એક શહેર મેંગલોર શરૂ થાય છે. મેંગલોર એક એવું શહેર છે કે જ્યાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ પડે છે. અહી દર વર્ષે 3620 મીમી વરસાદ પડે છે. આ શહેરમાં દક્ષિણ અને પશ્ચિમ બંને ભાગમાંથી વરસાદનો પ્રભાવ રહે છે. અહી વર્ષ 1994માં 200 ઇંચ વરસાદ નોધાયો હતો જે આજ સુધીનો આખા કર્ણાટકનો સૌથી વધુ વરસાદ છે.

કૂચ બિહાર(પશ્ચિમ બંગાળ)

પશ્ચિમ બંગાળનું નામ આવે એટલે મદન મોહન મંદિર યાદ આવે. આ મંદિર જ્યાં આવેલું છે એ કૂચ બિહાર વિસ્તાર એટલે બંગાળનો એવો વિસ્તાર જ્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અહીં દર વર્ષે 3450 મીમી વરસાદ પડે છે. જે વિસ્તારમાં વરસાદ પડે છે એ બારેમાસ લીલી વનસ્પતિથી ઘેરાયેલો જ રહે છે.

કણ્ણૂર(કેરળ)

આખા કેરલમાં જે વરસાદ નોધાય છે તેનો 60 ટકા વરસાદ એકલા કણ્ણૂરમાં પડે છે. કેરળનો આ વિસ્તાર એવો છે કે જ્યાં 3306 મીમી જેટલો વરસાદ દર વર્ષે નોધાય છે. આ વિસ્તાર આમ તો ઉદ્યોગો માટે જાણીતું છે પણ અહી વરસાદ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સહેલાણીઓ માટે કેરળએ ફરવા માટેનું મનપસંદ સ્થળ પણ છે.

કોઝીકોડ(કેરળ)

કણ્ણૂર બાદ સૌથી વધારે વરસાદ પડતો હોય એવું શહેર એટલે કેરળનું જ કોઝીકોડ છે. આખા કેરળમાં આ શહેર બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. અહી દર વર્ષે 3083 મીમી વરસાદ પડે છે. આ વિસ્તારમાં વરસાદ પડવાનું મુખ્ય એક કારણ એ પણ છે કે આખું શહેર દરિયાની નજીક આવેલું છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2023 માં, કોઝિકોડને ‘યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક’ (UCCN) ની ‘સાહિત્ય’ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આ છે ગુજરાતનું ચેરાપુંજી…

વરસાદની મોસમ હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય એવુ તો બને જ કઇ રીતે. ભારતમાં જેમ સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડતો હતો, જો કે છેલ્લા વર્ષથી એ રેકોર્ડ મેઘાલયના માસિનરામના નામે છે. પરંતુ અહીં તો વાત કરીએ ગુજરાતના ચેરાપુંજીની. તો રાજ્યમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં પડતો હતો. પરંતુ  હાલમાં ગુજરાતનું ચેરાપૂંજી વલસાડનો કપરાડા તાલુકો ગણી શકાય છે. આ તાલુકામાં અત્યાર સુધીમાં સરેરાશ 117.40 ઈંચ વરસાદ નોંધાયો છે.  જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ ઉપરાંત ડાંગની તુલના પણ એની નયનરમ્ય પ્રાકૃતિક નજારાઓના કારણે ‘ગુજરાતના ચેરાપુંજી’ તરીકે થાય છે. શિયાળા અને ચોમાસામાં હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવતા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભરપૂર વરસાદ પડતો હોય છે. ડાંગ જિલ્લામાં સૌથી વધુ 93.68 ઈંચ વરસાદ પડ્યો છે. આ બંને સ્થળ સહેલાણીઓ માટે માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ બારે મહિના હોટ ફેવરીટ છે.

હેતલ રાવ

તમે મારી વાચા બનશો જીવનભર?

શહેરના એક મોટા રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફેમસ સિંગર પરખ રાવની આવનજાવન રહેતી. તે પોતાના મોટા ભાગના ગીતોનું રેકોર્ડિંગ અહીં જ કરતો. આજે જેવો તે સ્ટુડિયોમાં એન્ટર થયો કે તેની નજર સામે જ કમ્પ્યુટર પર વર્ક કરી રહેલી એક સુંદર યુવતી પર પડી. આમ તો તે સ્ટાફના દરેક મેમ્બરને સારી રીતે ઓળખતો, પણ આ યુવતીને આજે પહેલીવાર જોઇ!

પર્પલ કલરનું ફ્રોક, સુડોળ ફીગર, ગોરા ચહેરા પર લહેરાતાં સોનેરી વાળ અને મોટી નિર્દોષ બ્રાઉન આંખો… એક જ નજરે સામે જોઇ જ રાખવાનું મન થાય એવી સુંદર હતી તે.
પરખ પણ તેને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયો. સામાન્ય રીતે સહેલાઇથી રેકોર્ડિંગ પૂરું કરનાર પરખને આજે ગીત ગાવામાં થોડુંક ધ્યાનભંગ થયું હોવાનું અનુભવાયું.

બીજા દિવસે તે ફરી આવ્યો. આજે તો ટર્કોઇશ કલરનું લોંગ ફ્રોક અને બ્લુ હેરબેન્ડ! ગઇકાલ કરતાંય આજે તે વધુ આકર્ષક લાગતી હતી! પોતાની જાતને રોકી ન શકતા પરખે સીધા અંદર જઇને મેનેજરને તેનુ નામ પૂછ્યું તો જાણવા મળ્યુંઃ ક્રિતી.

બસ, પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હોય એમ પરખ રાતદિવસ તેના વિચારોમાં ખોવાયેલો રહેવા લાગ્યો. એક વીક પછી તેનો નંબર મેળવીને તેણે હિંમત કરી અને ફાઇનલી ક્રિતીને મેસેજ કર્યોઃ I like you.

સામેથી કોઇ રિપ્લાય ન આવ્યો. પરખે વિચાર્યુંઃ કાંઇ વાંધો નહીં. રાહ જોઇશું.

બે દિવસ પછી પરખે ફરી લખ્યુંઃ I love you. Will you be my partner?

ક્રિતી ફરી પાછી ચૂપ. નો રિપ્લાય.

થોડાક અકળાયેલા, પણ જવાબ ન મળવાથી વધારે પ્રેમમાં પાગલ બનેલા પરખે તેના માતાપિતા વિશે તપાસ કરી તો ખબર પડી કે ક્રિતી તો પોતાની કોઇ ફ્રેન્ડ સાથે એકલી જ રહેતી હતી. હવે પરખ વધારે રાહ જોઇ શકે એમ નહોતો. એકતરફી પ્રેમમાં પાગલ થઇ ચૂકેલા પરકે હવે સીધા મેરેજ કરવા સુધી વાત વિચારી લીધીઃ ના પાડે તો તેને ઉપાડીને લઇ જઇશ! પછી ક્યાં સુધી નહીં બોલે?

ક્રિતીની જાણ બહાર જ પોતાના ચાર-પાંચ અંગત મિત્રો સાથે જાણે વરઘોડો લઇને જતો હોય એમ એ તો સીધો પહોંચ્યો ક્રિતીના ઘરે.

તેને આ રીતે વરરાજાની જેમ સજ્જ થઇને આવેલો જોઇને ગભરાયેલી ક્રિતી કાંઇ સમજે એ પહેલાં તો એની સામે ઘૂંટણભેર નમીને હાથમાં બ્યુટીફુલ ડાઇમંડ રીંગ લઇ સીધું પૂછી જ લીધુંઃ Will you marry me?

બધા આતુરતાથી જોઇ રહ્યા હતા કે શું થશે હવે? ક્રિતી બે મિનીટ માટે પરખને એકીટશે જોઇ રહી. અચાનક તેની આંખોમાં અનરાધાર આંસુ વહેવા લાગ્યા. કાંઇ બોલ્યા વિના લગાતાર રડતી રહેલી ક્રિતીને પરખે પૂછ્યુંઃ “કેમ કંઇ બોલતી નથી? મૂંગી છે તું?”

ક્રિતીએ માથું હલાવી હા પાડી અને પોતાના ફોનમાં ટાઇપ કરીને પરખને વંચાવ્યુંઃ Sorry, I am dumb. I cant speak!

શોક થઇ ગયેલો પરખ સિંગર હતો, પણ આ ક્ષણે એના ગળામાં કાંઇ ભરાઇ ગયું હોય એવું લાગ્યું. શું કરવું તે સૂઝ્યું નહીં. એ કાંઇ બોલે એ પહેલાં ક્રિતીએ લખ્યું, “હું તમને મારી મનની આંખોથી સાંભળીશ. ચાલશે? તમે મારી વાચા બનશો જીવનભર?”

ખુશી સાથે ગદગદ થઇ ગયેલા પરખે ક્રિતીને કાંઇ બોલ્યા વિના સીધી રીંગ જ પહેરાવી દીધી! એક અલગ જ પ્રકારની પ્રેમકહાનીના સાક્ષી બનેલા સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી…

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

અર્જુનને પાનો ચઢાવતો ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ…

જુદી રીતે એટલે? એ રીતે કે પહેલા આપણે અર્જુનની હતાશા એટલે કે વિષાદ પર ભાર મૂકી ભગવાન શ્રીકૃષ્ણ એને હતાશામાંથી બહાર લાવવા માટે મથામણ કરે છે તેની વાત કરી. પણ.. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ હતાશા પાછળ એક દ્વિધા એટલે કે Conflict પણ છે. અર્જુનનું મન દ્વિધામાં છે અને એ દ્વિધાનો માર્યો ભગવાનને એ પૂછે છે કે, ‘હે મધુસૂદન! એક બાજુ પૂજવા યોગ્ય ભિષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ છે. અત્યંત ઉદાર અંતઃકરણવાળા આ ગુરુજનોને મારવા કરતાં આ લોકમાં ભીખ માગીને ખાવું પણ કલ્યાણકારી છે, કેમ કે, ગુરુજનોનો વધ કરીને મળેલ ભોગ લોહીથી ખરડાયેલા છે.’ (સાંખ્યયોગ શ્લોકઃ ૪-૫)

આમ, અર્જુનની બીજી દ્વિધા પોતાના ગુરુ તેમજ વડીલો સામે શસ્ત્ર ઊંચકવાની છે, એના મનમાં દ્વંદ ચાલી રહ્યું છે. મનમાં જ્યારે પણ વિરોધાભાસી વિચારોનો દ્વંદ્વ જાગે એટલે કે conflict ઊભી થાય, સાચો નિર્ણય લેવાની માણસની શક્તિ હાલકડોલક થઈ જાય છે. વિચાર મક્કમ કર્યા વગર લેવાયેલો નિર્ણય ગેરમાર્ગે દોરનારો અને ખોટો હોય છે. માટે મૅનેજમેન્ટ બાબતે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર સ્થિર કરો. સ્પષ્ટ થઈ જાવ કે તમે જે રસ્તે જવા માગો છો તે એક માત્ર જ રસ્તો છે અને એ રસ્તે જવા માટે પૂરી તાકાત લગાવી દો, વિજય તમારો જ છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪