Home Blog Page 1526

કંગના રનૌત સંસદને લાયક નથી…રોબર્ટ વાડ્રાએ કેમ કહ્યુ આવું?

રોબર્ટ વાડ્રાએ કંગના રનૌત પર શાબ્દિક હુમલો કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ ​બીજેપી સાંસદ કંગના રનૌત પર જોરદાર નિશાન સાધ્યું છે. રોબર્ટ વાડ્રાએ ખેડૂતો વિરુદ્ધ કંગનાની ટિપ્પણીની ટીકા કરી છે.

કંગના સંસદમાં રહેવા માટે યોગ્ય નથી
રોબર્ટ વાડ્રાએ કહ્યું કે કંગના રનૌત એક મહિલા છે અને હું તેનું સન્માન કરું છું, પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવાને લાયક નથી. તેણી શિક્ષિત નથી. મને લાગે છે કે તે લોકો વિશે વિચારતી નથી. તે ફક્ત પોતાના વિશે જ વિચારે છે.

સ્ત્રીઓ વિશે વિચારો કંગના
રોબર્ટ વાડ્રાએ વધુમાં કહ્યું કે કંગનાએ મહિલાઓ વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે મારી અપીલ છે કે સમગ્ર દેશ એક સાથે આવે અને મહિલાઓની સુરક્ષાના મુદ્દે આગળ વધે. મહિલાઓની સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો ગણાવતા તેમણે કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ તેને ઉકેલવા માટે સાથે આવવું જોઈએ.

કંગનાએ ખેડૂતોના આંદોલન પર વાત કરી હતી
હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે સોમવારે એક ઇન્ટરવ્યુ ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે રદ્દ કરાયેલા કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન ભારતમાં “બાંગ્લાદેશ જેવી સ્થિતિ” ઊભી થઈ શકે એમ હતી. પરંતુ દેશના મજબૂત નેતૃત્વથી એવું થયું નહીં.

ત્યારબાદ તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના આંદોલન દરમિયાન “મૃતદેહ લટકાવવામાં આવ્યા હતા અને બળાત્કાર થઈ રહ્યા હતા”. રનૌતે ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પર “ષડયંત્ર”માં સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, જેની વિરોધ પક્ષોએ ટીકા કરી હતી.

સિપાહી ભરતીમાં 100 ઉમેદવારો બેભાન, ત્રણનાં મોત

રાંચીઃ સરકારી નોકરીનું સપનું દરેક જણ જુએ છે, પણ યુવાઓની ફિટનેસ ઓછી જણાય છે, કેમ કે ઝારખંડમાં સિપાહી ભરતી પરીક્ષાના ફિઝિકલ ટેસ્ટ આપતા સમયે ત્રણ યુવકોનાં મોત થયાં છે, જ્યારે 22 અન્ય હજી હોસ્પિટલમાં છે.

ભીષણ ગરમીને કારણે પલામુ જિલ્લામાં 27 ઓગસ્ટે શરૂ થયેલી ફિઝિકલ ટેસ્ટમાં અત્યાર સુધી 100થી વધુ ઉમેદવારો દોડતી વખતે બેભાન થઈને હોસ્પિટલ પહોંચ્યા છે. ગિરિડહમાં શુક્રવારે દોડતા સમયે એક યુવક બેભાન થઈને પડી ગયાની ઘટના બની હતી.

પલામુમાં ફિઝિકલ ટેસ્ટ દરમ્યાન બેભાન થયેલા યુવાઓને મેદિનીપુર સ્થિત મેદિનીરાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં દાખલ કરવામાં આવેલા ઘણાબધા યુવાઓ હોસ્પિટલમાં ખાટલાની અછતને કારણે નીચે જમીન પર કપડું નાખીને પડ્યા છે. પોલીસ અધિકારી મણિભૂષણ પ્રસાદના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 25 ઉમેદવારોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેનાં મોત થયાં હતાં, જ્યારે એક અન્ય ઉમેદવારે રાંચી રિમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃતકોમાં 20 વર્ષીય અમરેશકુમાર, 25 વર્ષીય અરુણકુમાર અને 25 વર્ષીય પ્રદીપકુમાર સામેલ છે.

હોસ્પિટલના વડા ડો. આર. કે. રંજને ફિઝિકલ ટેસ્ટ દરમ્યાન યુવાઓના મોતનું કારણ કોઈ દવાનું સેવન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે મોતનું કારણ જાણવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ પ્રારંભિક તપાસમાં શ્વાસ ફૂલવાનું કારણ સામે આવ્યું છે. આ યુવાઓએ સહનશક્તિ વધારવા માટે બેભાન કરવાવાળી કોઈ દવા લીધી હોવાની શક્યતા છે, જેનો વધુપડતો ડોઝ પણ મોતનું કારણ હોઈ શકે છે.

 

હવે કાયદાના સહારે મળશે પ્રાથમિક સુવિધા?

ગુજરાતનું મેગાસિટી ગણાતું અને સ્માર્ટ સિટીનું બિરુદ મળેલું અમદાવાદ આજે ફરી એક ચર્ચામાં આવ્યું છે. આ સ્માર્ટ સિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળતી પ્રાથમિક સુવિધા માટે પણ હવે કાયદાના દરવાજ ખખડાવવા પડી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ 215 જાહેરહીતની થયેલી અરજી પૈકી રોડ,ગટર અને પાણી જેવી બાબત માટે 115 જાહેર હીતની અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિ.તંત્ર સુધરતુ જ નથી.

અમદાવાદમાં ખરાબ રસ્તાની બાબત હોય,રખડતા પશુઓની સમસ્યા હોય કે પછી ટ્રાફિક વિષયની બાબત હોય. આ પ્રકારની તમામ બાબતોને લઈ ગુજરાત હાઈકોર્ટ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા વખતોવખત આદેશ આપેલા છે. આમ છતાં હાલમાં પણ રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા, રોડ ઉપર પડેલા ખાડા જેવી અન્ય બાબતને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.વિપક્ષનેતાએ કરેલા આક્ષેપ મુજબ,મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો દ્વારા કરવામાં આવતા મનસ્વી વહીવટના કારણે પ્રાથમિક સુવિધાનું સ્તર સતત કથળતું રહ્યું છે. શહેરીજનોને રોડ,ગટર તથા પાણી જેવી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવી પડી છે. શહેરીજનો નિયમિત રીતે તમામ કરવેરા ભરતા હોવાછતાં તંત્ર કે શાસકપક્ષ સારી પ્રાથમિક સુવિધા આપવા મામલે પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહ્યુ છે.

‘તેણે મને મારા કપડા ઉતારવા મજબૂર કર્યો’,રંજીત પર અભિનેતાનો આરોપ

મુંબઈ: મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ MeToo 2.Oનો યુગ શરૂ થઈ ગયો છે. ઈન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડનને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ ઘણી મહિલા કલાકારો આગળ આવી અને ઈન્ડસ્ટ્રીનું કાળું સત્ય સામે આવ્યું. આ મહિલા કલાકારોએ મોલીવૂડના પ્રભાવશાળી સેલેબ્સ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેમને જે ગેરવર્તણૂકનો સામનો કરવો પડ્યો હતો તે જાહેર કર્યો હતો. ફિલ્મ નિર્માતા રંજીત પર પણ આ મામલે ગંભીર આરોપો લાગી રહ્યા છે અને હવે એક પુરૂષ અભિનેતાએ તેમની મુસીબત વધારી દીધી છે. અભિનેતાએ ફિલ્મ નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેની સામે ફરિયાદ પણ નોંધાવી છે.

ઓડિશનના બહાને પુરુષ અભિનેતા સાથે દુષ્કર્મ

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, પીડિત અભિનેતાએ જણાવ્યું કે રંજીતે તેને ઓડિશન આપવાના બહાને બેંગલુરુની એક હોટલમાં બોલાવ્યો હતો. પરંતુ ત્યાં ઓડિશન લેવાને બદલે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. રંજીતે તેને તેના બધા કપડા કાઢી નાખવા કહ્યું અને પછી તેને માર માર્યો.પીડિતને શરૂઆતમાં લાગ્યું કે તેને ઓડિશન માટે બોલાવવામાં આવ્યો છે, પરંતુ બાદમાં તેને સમગ્ર પરિસ્થિતિનો અહેસાસ થયો.

પુરુષ અભિનેતાએ રંજીત પર ગંભીર આરોપો લગાવ્યા
એટલું જ નહીં, પીડિતે એવો પણ દાવો કર્યો છે કે ઘટનાના બીજા દિવસે રંજીતે તેને ચૂપ રહેવા માટે પૈસાની ઓફર પણ કરી હતી. તે દરમિયાન તેની સાથે શું થયું તેનું વર્ણન કરતાં પુરુષ અભિનેતાએ દાવો કર્યો, જ્યારે રંજીતે મને નગ્ન ઊભા રહેવા કહ્યું ત્યારે તે એક અભિનેત્રી સાથે વાત કરી રહ્યો હતો. મેં તે અભિનેત્રીનું નામ પહેલેથી જ જણાવી દીધું છે, રેવતી. રણજીતે મને કહ્યું કે તે રેવતી હતી. મને ખબર નથી કે રંજીત અને રેવતી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં, પણ રંજીતે મારી તસવીરો લીધી અને મોકલી.

રણજીત સામે વધુ એક ફરિયાદ
આ અઠવાડિયાની શરૂઆતમાં રંજીત સામે તેની 2009ની ફિલ્મ પાલેરી મણિક્યમ: ઓરુ પાથિરકોલાપાથકથિંટે કથાના ઓડિશન દરમિયાન બંગાળી અભિનેત્રી પર જાતીય હુમલો કરવા બદલ બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ પછી તાજેતરમાં કેરળ પોલીસે એક અભિનેત્રીની ફરિયાદના આધારે ફિલ્મ નિર્માતા રંજીત વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તપાસ ટીમે ગઈ કાલે ફરિયાદીનું નિવેદન નોંધ્યું હતું. આ કેસ કોઝિકોડમાં નોંધાયેલ છે.

શંભુ બોર્ડરે ખેડૂત આંદોલનમાં પહોંચી વિનેશ ફોગાટ

નવી દિલ્હીઃ શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થવા પર પહેલવાન વિનેશ ફોગાટ પણ વિરોધ સ્થળે પહોંચી હતી.  ખેડૂતોના નેતાઓએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતો અહીં મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને મોટા પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે.

આ પંચાયત દરમ્યાન હરિયાણા ચૂંટણીને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે, જેમાં વિનેશ ફોગાટ પણ સામેલ થવાની શક્યતા છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ પરંતુ ખૂબ તીવ્રતાથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેમના સંકલ્પનું પરીક્ષણ કરી રહી છે અને હજી સુધી અમારી માગ સંતોષવામાં નથી આવી. વિનેશે કહ્યું હતું કે ખેડૂતોને બેઠા  200 દિવસ થયા છે, એ જોઈને દુઃખ થાય છે. તેઓ બધા દેશના નાગરિક છે. ખેડૂત દેશ ચલાવે છે. તેમના વિના કશું સંભવ નથી. ત્યાં સુધી એથ્લીટ પણ કંઈ નથી. જો તેઓ અમને નહીં ખવડાવે તો અમે સ્પર્ધામાં કંઈ નહીં કરી શકીએ. કેટલીય વાર અને અસહાય થતાં કશું નથી કરી શકતા, પણ અમે પરિવારને દુખી જોઈને પણ તેમના માટે કશું નથી કરી શકતા.

હું નથી ઇચ્છતી તે ફોકસ મારા પર કરો, પણ તમે ખેડૂતોના સંઘર્ષ પર વધુ ધ્યાન આપો. જ્યારે યોગ્ય દિવસ આવશે, ત્યારે હું તમને ફોન કરીશ, એમ તેણે કહ્યું.

પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવ્યા બાદ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. ખેડૂતો સરકાર દ્વારા અન્ય મુખ્ય મુદ્દાઓની સાથે તમામ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી માગી રહ્યા છે.

 

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો

ગુજરાતમાં ગત સપ્તાહે ધામાકેદાર બેટિંક કર્યા બાદ મેઘરાજાએ આજે વિરામ લીધો છે. મળતી માહિતી મુજબ ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે. જેમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે 6.00 થી 10.00 કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

ગુજરાતમાં હાલ સુધીમાં ચોમાસાની સિઝનનો કૂલ સરેરાશ વરસાદ 111 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી
આજે 31 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતું યલો ઍલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ગ્રીન ઍલર્ટ રહેશે.1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલેયલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 31 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ભારે વરસાદને પગલે ભાવનગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

PM મોદી બનશે ગુજરાતના મહેમાન..

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના મહેમાન બનશે.17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો તેમનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટ માટે તેઓ ભાગ લેશે. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવી જશે. ત્યારબાદ તેઓ 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. આ માટે કેટલીક તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે ગુજરાતમાં આવવા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. 16મી સપ્ટેમ્બરે તેઓ અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે તેઓ ગાંધીનગરમાં ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લે તેવી શક્યતા છે. એટલું જ નહીં તેમના જન્મદિવસે નિમિત્તે બીજા કેટલાક કાર્યક્રમો પણ સામેલ થાય તેવી વાત સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ તે દિવસે જ કરવામાં આવે તેવું પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર રાતે અમદાવાદ આવશે અને 17મી સપ્ટેમ્બર મોડીરાતે તેઓ પરત ફરશે તેવું જાણવા મળી રહ્યું છે.પ્રધાનમંત્રીના બીજા કેટલાક કાર્યક્રમો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે તેવું ગાંધીનગરના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ગુજરાતીમાંથી મરાઠીમાં અનુવાદ થયેલા પુસ્તક ‘કથાસેતુ’નો લોકાર્પણ કાર્યક્રમ

મુંબઈં: ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ વાર્તાઓનો તાજેતરમાં મરાઠી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે . આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વતી પદ્મગંધા પ્રકાશન, પુણે દ્વારા આ પુસ્તક છાપવામાં આવ્યું છે.

પુસ્તક ‘કથાસેતુ’ ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર ને રવિવારે કાર્યક્રમ નાણાવટી હોસ્પિટલ હોલ,એસ.વી.રોડ,વિલેપાર્લે વેસ્ટ ખાતે યોજવામાં આવ્યો છે.

શ્રીકાંત બોજેવાર ( કન્સલ્ટિંગ એડિટર મહારાષ્ટ્ર ટાઈમ્સ) , દિલીપ દેશપાંડે ( વસંત સામાયિકના તંત્રી), તથા કવિ -વાર્તાકાર સંદીપ ભાટિયા પુસ્તક વિશે વાત કરશે. કવિ -વાર્તાકાર કાનજી પટેલ ટૂંકી વાર્તા વિશે વકતવ્ય આપશે.સંપાદન વિશે સંજય પંડ્યા પોતાની વાત મૂકશે. જાણીતા નાટ્યકલાકાર અભિજીત ચિત્રે એક વાર્તા ગુજરાતીમાં અને એક વાર્તા મરાઠીમાં વાચિકમ કરશે.

આ કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશી અને મોનિકા ઠક્કર કરશે.આ આખો કાર્યક્રમ દ્વિભાષી હશે.કાર્યક્રમ માટે નાણાવટી મૅકસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત દશરથલાલ જોશી વાચનાલયનો સહયોગ મળ્યો છે. કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેની પણ સંકલન સહાય છે. આ જાહેર કાર્યક્રમ છે અને ઈચ્છુક દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

કેન્દ્ર-મમતા વચ્ચે પત્રયુદ્ધઃ રેપ કેસમાં ફાંસીની જોગાવાઈ છે જ

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે બંગાળનાં CM મમતા બેનરજીએ PM મોદીને લખેલા બીજા પત્રનો જવાબ આપ્યો છે. આ વખતે પણ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણ દેવી તરફથી જવાબ આપવામાં આવ્યો છે. બળાત્કાર જેવા કેસોમાં દોષીને ફાંસીની સજાની જોગવાઈ પહેલાંથી જ છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)માં રેપ માટે કમસે કમ 10 વર્ષની જેલની જોગવાઈ છે, જેને ઉંમરકેદ કે મોતની સજા સુધી વધારી શકાય છે.  

પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે પત્રો લખી ચૂક્યાં છે. શુક્રવારે લખેલા પત્રમાં તેમણે બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધો પર કડક કેન્દ્રીય કાયદો અને સજા માંગ કરી હતી. જેના જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે હાલના કાયદાઓ હિંસા અને મહિલાઓ સામેના ગુનાઓનો સામનો કરવા માટે પૂરતા કડક છે.

મમતા બેનર્જીએ પત્રમાં લખ્યું કે તેઓ વિધાનસભામાં એવો કાયદો લાવશે કે રેપ કેસમાં પીડિતને 10 દિવસમાં ન્યાય મળે અને જો રાજભવનમાંથી બિલ પસાર નહીં થાય તો પ્રદર્શન કરવામાં આવશે.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન અન્નપૂર્ણા દેવીએ મમતા બેનર્જીને જવાબ આપતાં લખ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) અને સ્પેશિયલ પોક્સો કોર્ટની સ્થિતિ અંગે તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતીના સંદર્ભમાં, હું ઉલ્લેખ કરવા માંગુ છું કે કલકત્તા હાઈ કોર્ટથી પ્રાપ્ત માહિતી મુજબ, પશ્ચિમ બંગાળે 88 ફાસ્ટ ટ્રેક કોર્ટ (FTC) ની સ્થાપના કરી છે, જે કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ જેવી નથી.અન્નપૂર્ણા દેવીએ જવાબ આપતા લખ્યું કે પશ્ચિમ બંગાળમાં 48,600 બળાત્કાર અને POCSO કેસ પેન્ડિંગ હોવા છતાં રાજ્યએ વધારાના 11 FTSCs કાર્યરત કરી નથી. જેમ જોઈ શકાય છે, આ સંબંધમાં તમારા પત્રમાં આપવામાં આવેલી માહિતી હકીકતમાં ખોટી છે અને રાજ્ય દ્વારા FTSC ને કાર્યરત કરવામાં વિલંબને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનું જણાય છે.

‘સુન રહા હૈ ના તૂ?’ થી અંકિતનો અવાજ ગુંજ્યો  

ફિલ્મ ‘આશિકી 2’ (૨૦૧૩) માં પહેલાં અંકિત તિવારીનું ગીત ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ ન હતું. ફિલ્મ તૈયાર થઈ ગયા પછી ઉમેરવામાં આવ્યું હતું. અંકિત જ્યારે ગાયક- સંગીતકાર બનવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એણે ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ શબ્દો લખી ધૂન બનાવી હતી. અને એને જ ગણગણતો રહેતો હતો. વળી એમાં પોતે રડે છે એવું બે વખત બોલે તો સારું ના લાગે એટલે બીજી વખત ‘ક્યૂં રો રહા હૂં મેં’ શબ્દો લખ્યા. એણે પ્રેમિકા માટે નહીં પણ ભગવાનને પોતાની જિંદગીની પરિસ્થિતિ જણાવવા લખ્યું હતું.

અંકિતે પહેલાં ‘દો દૂની ચાર’ (2010) માટે થોડું કામ કર્યું હતું. એ પછી તિગ્માંશુ ધૂલિયાની ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ (2013) માં એક ગીત ‘સાહબ બડા હઠીલા’ કર્યું હતું. એ ફિલ્મના ગીતો ચાલ્યા નહીં પણ સફળ રહી. એની સફળતાની પાર્ટીમાં અંકિતના ઓળખીતા એક ભાઈ મળ્યા અને એમણે ગીતના વખાણ કર્યા. એ જ્યારે ઘરે આવ્યા ત્યારે અંકિતે ‘સુન રહા હૈ ના તૂ?’ સંભળાવ્યું. એ સાંભળી એણે કહ્યું કે આ મહેશ ભટ્ટનો ફોન નંબર છે. તું એમને વાત કર. અંકિતે મહેશ ભટ્ટને ફોન કર્યો અને પોતે ગીત-સંગીતમાં જે થોડું કામ કર્યું હતું એ જણાવ્યું. એમણે મળવા માટેની ઇચ્છા પણ દર્શાવી. પરંતુ તે એટલા વ્યસ્ત રહેતા હતા કે વાયદો કરીને મળી શકતા ન હતા. આખરે એમણે કહ્યું કે તું નિર્દેશક મોહિત સુરીને મળજે.

અંકિતે મોહિતને ફોન લગાવ્યો પણ ઉપાડયો નહીં. એટલે મેસેજ કરીને પોતાનો પરિચય આપ્યો અને મહેશ ભટ્ટનો સંદર્ભ આપ્યો. મોહિતે મળવા બોલાવ્યો અને માત્ર પાંચ ગીત લાવવા કહ્યું. અંકિત ‘વિશેષ ફિલ્મ્સ’ ની ઓફિસ પર ગયો. મોહિતે એને આવકાર આપી સ્ટુડિયોમાં ગીતો સંભળાવવા કહ્યું. અંકિતે પોતાની સાથેના કીબોર્ડ પર સંગીત સાથે ‘સુન રહા હૈ ના તૂ?’ ગીત સૌથી પહેલું સંભળાવ્યું. પછી બીજા ગીતો સંભળાવવાને બદલે ‘સુન રહા હૈ ના તૂ?’ ગીત જ પાંચ વખત ગાયું. મોહિતે સાંભળ્યું પણ ખરું. પછી કહ્યું કે મારું આલબમ (આશિકી 2) તૈયાર થઈ ચૂક્યું છે પણ ગીત બહુ સારું છે. હું એને રાખું છું. બીજા કોઈને જોઈતું હોય અને આપવું હોય તો પહેલાં મને પૂછજે.

અંકિતને એટલી આશા જાગી કે એની બીજી કોઈ ફિલ્મમાં લઈ શકે છે. આ વાતને આઠ મહિના વીતી ગયા પછી મોહિતના સહાયક સિધ્ધાંતનો અંકિતને ફોન આવ્યો અને પૂછ્યું કે તારું પેલું ‘રડવાવાળું’ ગીત વેચ્યું નથી ને? અંકિતે ના પાડી એટલે એણે કહ્યું કે એ પસંદ થઈ ગયું છે અને મહેશ ભટ્ટે તને બોલાવ્યો છે. અંકિત ત્યાં પહોંચ્યો અને ગીત સંભળાવ્યું. ત્યાં જ  ભટ્ટે એનો ફોટો લઈ સોશિયલ મીડિયા પર મૂકી દીધો અને લખ્યું કે ‘આશિકી ૨’ માં અંકિત તિવારીનું પણ ગીત આવી રહ્યું છે.

અસલમાં ઘણા મહિનાઓ પછી જ્યારે મોહિત, આદિત્ય કપૂર અને સાદ એક કારમાં સાથે જઈ રહ્યા હતા ત્યારે મોહિતના બ્લ્યૂ ટૂથમાં અન્ય ગીતો સાથે ‘સુન રહા હૈ ના તૂ?’ વાગ્યા પછી બધાએ નક્કી કર્યું કે આ ગીત ફિલ્મમાં લેવું જોઈએ. ફિલ્મ પૂરી થઈ ગઈ હતી અને સંગીત આલબમ બની ચૂક્યું હોવા છતાં આ ગીતનો પ્રભાવ એવો ઊભો થયો હતો કે એને તૈયાર કરી ઉમેર્યું. અંકિતે શુભંકર મિશ્રા સાથેના પોડકાસ્ટમાં આ ઉપરાંત કહ્યું હતું કે ખરેખર તો એ સંગીતકાર બનવા મુંબઇ આવ્યો હતો. આ ગીત પછી ગાયક તરીકે વધુ લોકપ્રિય થઈ ગયો. એ આ ગીતમાં સંગીત જ આપવા માગતો હતો અને ગાયક કે.કે. ગાય એમ ઈચ્છતો હતો. પરંતુ એણે જે રીતે મોહિત સામે ગાયું હતું એ જોતાં એને જ ગાવા આપ્યું હતું.

અસલમાં ગીત દર્દ અને ઠહેરાવવાળું હતું. પણ ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી કે મોહિત સુરીએ એને ગીતકાર સંદીપ નાથ પાસે ‘સુન રહા હૈ ના તૂ?’ શબ્દો સાથે તૈયાર કરાવી અંકિતના અવાજ અને સંગીતમાં હીરો સ્ટેજ પર ગાય છે એ રીતે બનાવ્યું હતું. ‘આશિકી 2’ નું મિથુનના સંગીતમાં અરિજિત સિંઘનું ‘તુમ હી હો’ જલદી લોકપ્રિય થઈ ગયું હતું. જ્યારે અંકિતના અવાજ અને સંગીતવાળું ‘સુન રહા હૈ ના તૂ?’ ધીમેધીમે બહુ લોકપ્રિય થયું હતું.