Home Blog Page 153

પ્રિયદર્શન એક પ્રેક્ષકમાંથી નિર્દેશક બની ગયા હતા!

વિરાસત, હેરાફેરી, હંગામા વગેરે ફિલ્મોના નિર્દેશક પ્રિયદર્શનના જીવનના કિસ્સાઓ કોઈ ફિલ્મી પટકથાથી ઓછા નથી. ક્રિકેટર બનવાની ઈચ્છા રાખનાર એક યુવાન કેવી રીતે ભારતીય સિનેમાનો દિગ્ગજ દિગ્દર્શક બન્યો તેની રસપ્રદ અને ભાવુક વિગતો જાણવા જેવી છે. પ્રિયદર્શન ક્રિકેટર હતા. કેરળની ડિવિઝન લીગમાં રમતા હતા. તેમનું સપનું રાજ્ય સ્તરે અને આગળ જતાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનું હતું.

પરંતુ એક મેચ દરમિયાન બોલ સીધો ડાબી આંખ પર વાગ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ અને આંખનો પડદો ખસી ગયો. હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર લીધા પછી ડોક્ટરે સખત ચેતવણી આપી કે ફરીથી કોઈ ઈજા થશે તો કાયમી દ્રષ્ટિ ગુમાવી શકે છે. જ્યારે પ્રિયદર્શન હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે કેરળ યુનિવર્સિટીમાં લાયબ્રેરિયન રહેલા પિતા ખૂબ જ ડરેલા હતા. તેઓ નહોતા ઈચ્છતા કે રમતગમતમાં પુત્ર પોતાની આંખો ખોઈ બેસે.

પિતાએ ગુસ્સા અને ચિંતામાં આવીને તેમની ક્રિકેટ કિટ, બેટ અને ગ્લવ્સ સળગાવી દીધા. આ દ્રશ્ય પ્રિયદર્શન માટે આઘાતજનક હતું, પણ પિતાએ એક રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું કે હવે મેદાનમાં દોડવાને બદલે પુસ્તકોની દુનિયામાં જીવતા શીખ. પિતા લાયબ્રેરિયન હોવાથી પ્રિયદર્શનને પુસ્તકોનો ખજાનો મળ્યો. ક્રિકેટ છૂટ્યા પછી તેમણે કલાકો સુધી વાંચવાનું શરૂ કર્યું. આ વાંચન દરમિયાન જ તેમનામાં વાર્તા કહેવાની કળા વિકસી.

પ્રિયદર્શન જ્યારે ફિલ્મોમાં નસીબ અજમાવવા ચેન્નાઈ આવ્યા ત્યારે તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા. મોહનલાલ અને પ્રિયદર્શન લંગોટિયા મિત્રો હતા. સંઘર્ષના દિવસોમાં મોહનલાલ પાસે થોડા પૈસા હતા, જ્યારે પ્રિયદર્શન પાસે માત્ર વિઝન હતું. તેમના ગુરુ ફાઝિલે તેમને ભૂલથી પહેલીવાર ક્લેપબોર્ડ પકડાવ્યું હતું. એક નાની ભૂલથી તેમની આસિસ્ટન્ટ તરીકેની સફર શરૂ થઈ હતી.

જેમણે ‘ભૂલ ભુલૈયા’ની મૂળ ફિલ્મ ‘મણિચિત્રતાઝુ’ બનાવી હતી, એ મલયાલમ નિર્દેશક ફાઝિલની એક ફિલ્મનું રાત્રે અંધારા લોકેશન પર ચાલતું શૂટિંગ જોવા તેઓ ગયા હતા. પ્રિયદર્શન ત્યાં એક પ્રેક્ષક તરીકે ફિલ્મ કેવી રીતે બને છે તે જોવા ગયા હતા. શૂટિંગ દરમિયાન લાઈટ ઓછી હતી અને ફાઝિલ સાહેબ ઉતાવળમાં હતા. તેમને કોઈ શોટ માટે ક્લેપબોયની જરૂર હતી.

તેમણે અંધારામાં જોયું કે એક યુવાન ત્યાં ઉભો છે. ફાઝિલને લાગ્યું કે આ તેમનો નવો આસિસ્ટન્ટ છે, જે હમણાં જ જોડાયો છે. તેમણે બૂમ પાડી અને કહ્યું, ‘એય, જલ્દી આ ક્લેપબોર્ડ પકડ અને કેમેરા સામે જઈને ક્લેપ આપ. લાઈટ જઈ રહી છે!’ પ્રિયદર્શન ગભરાઈ ગયા, પણ તક ઝડપી લીધી. કશું જ બોલ્યા વગર ક્લેપબોર્ડ હાથમાં લઈ કેમેરા સામે જઈને નંબર બોલ્યો અને ક્લેપ આપ્યો.

શોટ પૂરો થયા પછી ફાઝિલ તેમની પાસે આવ્યા અને પૂછ્યું, ‘તારું નામ શું છે? તું ક્યારથી જોડાયો?’ જ્યારે પ્રિયદર્શને કહ્યું કે, ‘સર, હું તો ખાલી શૂટિંગ જોવા આવ્યો હતો,’ ત્યારે ફાઝિલ ખડખડાટ હસી પડ્યા. તેમણે પ્રિયદર્શનની કામ પ્રત્યેની ઝડપ અને શિસ્ત જોઈને કહ્યું, ‘ભલે, તો કાલથી તું મારો આસિસ્ટન્ટ જ છે!’ અને પ્રિયદર્શનને તે જ દિવસે કામ મળી ગયું.

ફાઝિલના આસિસ્ટન્ટ તરીકે તેમણે ફિલ્મના ટેકનિકલ પાસાઓ શીખ્યા. આ જ સેટ પર તેમની મુલાકાત મોહનલાલ સાથે પણ થઈ હતી. ત્યાંથી જ પ્રિયદર્શન-મોહનલાલ-ફાઝિલની ત્રિપુટી બની, જેણે આગળ જતાં દક્ષિણ ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલી નાખ્યો.

આજે પ્રિયદર્શન ગમે તેટલા મોટા નિર્દેશક હોય, પણ ફાઝિલને જ પોતાના ગુરુ માને છે. તેઓ કહે છે કે જો તે રાત્રે ફાઝિલે તેમને ભૂલથી ક્લેપબોર્ડ ન આપ્યું હોત, તો કદાચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા હજુ કેટલાય વર્ષો નીકળી ગયા હોત. તેમને પહેલી મલયાલમ ફિલ્મ બનાવવા માટે પણ મોહનલાલે જ મદદ કરી હતી. આ ફિલ્મ ‘પૂચક્કુરુ મૂક્કુત્તી’ એક કોમેડી હતી અને તેની સફળતાએ સાબિત કર્યું હતું કે પ્રિયદર્શન પાસે હાસ્યની અદભૂત સમજ છે.

તેના પરથી જ તેમની સુપરહિટ હિન્દી ફિલ્મ ‘હંગામા’ (2003) બની હતી. (હવે પછીના લેખમાં પ્રિયદર્શનને પહેલી હિન્દી ફિલ્મ ‘મુસ્કુરાહટ’ (1992) કેવી રીતે મળી તેની પાછળનો રસપ્રદ કિસ્સો જાણીશું.)

પંચાંગ 31/03/2026

૩૧ માર્ચ ૨૦૨૬

IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સના મુકાબલાની તસવીરો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026)ની બીજી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સ (MI) એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને 6 વિકેટથી હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા KKRએ 220 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા, રોહિત શર્મા (78) અને રાયન રિકેલ્ટન (81)એ અડધી સદી ફટકારી, ઇનિંગ્સનો મજબૂત પાયો નાખ્યો. આ મુંબઈનો સૌથી સફળ રન ચેઝ છે. ત્રણ વિકેટ લેનાર શાર્દુલ ઠાકુરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

221 ના ​​લક્ષ્યનો પીછો કરતા રાયન રિકેલ્ટન અને રોહિત શર્માએ પહેલા કેટલાક બોલનો આદર કર્યો અને સાવધાનીપૂર્વક રમ્યા. ત્રીજી ઓવરથી બંનેએ જોરદાર હુમલો કરવાનું શરૂ કર્યું અને પછી દરેક બોલરને પછાડ્યો. રોહિતે 23 બોલમાં તેની અડધી સદી પૂરી કરી, જે તેની સૌથી ઝડપી IPL અડધી સદી હતી. તેણે 38 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં છ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા. વૈભવ અરોરાના હાથે તેનો કેચ આઉટ થયો અને રિકેલ્ટન સાથે મળીને તેણે પહેલી વિકેટ માટે 148 રનની ભાગીદારી નોંધાવી.

સૂર્યકુમાર યાદવ ફક્ત 16 રન બનાવીને આઉટ થયો. રાયન રિકેલ્ટને 43 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 8 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા. તે રન આઉટ થયો.

 

તિલક વર્માએ 14 બોલમાં 20 રન બનાવ્યા, અને હાર્દિક પંડ્યાએ 11 બોલમાં 18 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સે 19.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટે જીત મેળવી. આઈપીએલમાં મુંબઈનો આ સૌથી સફળ રન ચેઝ છે.

કેકેઆરની કેપ્ટનશીપમાં અનુભવનો અભાવ જોવા મળ્યો; કેમેરોન ગ્રીનને બોલિંગ માટે બોલાવવામાં આવ્યો ન હતો. સુનીલ નારાયણને પણ મહત્વપૂર્ણ સમયે બોલ આપવામાં આવ્યો ન હતો. વૈભવ અરોરાએ 4 ઓવરમાં 52 રન આપ્યા. બ્લેસિંગ મુઝારાબાનીએ 3 ઓવરમાં 34 રન આપ્યા. વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 48 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી.

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ લીધી, જ્યારે હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી. શાર્દુલ ઠાકુરે ચાર ઓવરમાં 39 રન આપ્યા, જ્યારે હાર્દિકે ત્રણ ઓવરમાં 39 રન આપ્યા. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 38 રન આપ્યા, જ્યારે જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં 35 રન આપ્યા.

 

(તમામ તસવીરો: દીપક ધૂરી)

ગુજરાત સાયન્સ સિટી ખાતે સાયન્સ કાર્નિવલ 2026નું આયોજન

અમદાવાદ: સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા 27 થી 29 માર્ચ દરમિયાન સાયન્સ કાર્નિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં રાજ્યભરની વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્ય સચિવ એમ કે દાસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી પી. ભારતી તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી કે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન થયું હતું. દિવસે હેન્ડ્સ-ઓન વર્કશોપ (AI & Robotics), “Explore Science City”, ભવ્ય ડ્રોન શો તથા નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન જેવા આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.બીજા દિવસે જુનિયર લેવલ (પ્રાથમિક વિભાગના) વિદ્યાર્થીઓ માટે સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજી એક્ઝિબિશન, સાયન્ટિફિક 3D રંગોળી, ગેલેરી વિઝિટ તથા લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં “Women in Science” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “Wonder of Chemistry” સાયન્સ શો, મેથ્સ થ્રૂ ઓરિગામી વર્કશોપ અને સાયન્સ ડ્રામા જેવા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને વિશેષ આકર્ષ્યા હતા. દિવસના અંતે નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન થયું હતું.

ત્રીજા અને અંતિમ દિવસે સિનિયર લેવલ (સેકન્ડરી વિદ્યાર્થીઓ) માટે સાયન્સ ક્વિઝ યોજાઈ હતી. સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શન તથા 3D રંગોળી સાથે “Fun Physics” સાયન્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્નિવલ દરમિયાન હેન્ડ્સ-ઓન લર્નિંગ, ઇન્ટરએક્ટિવ પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને મનોરંજનનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ વધારવો અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં ગુજરાત સાયન્સ સિટી સફળ રહી છે.ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ ભવ્ય સાયન્સ કાર્નિવલને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ વધુ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા મળી છે.

પંચાંગ 30/03/2026

આંદામાન બેઝિનમાં મળેલા ગેસના ભંડારથી દેશને નવી અપેક્ષા

નવી દિલ્હીઃ વધતા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક ઓઇલ સપ્લાયમાં આવતી અડચણોને ધ્યાનમાં રાખીને ભારત હવે પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માટે ઊંડા સમુદ્ર અને નવા વિસ્તારો તરફ વળી રહ્યું છે. આ વ્યૂહરચનાના કેન્દ્રમાં આંદામાન-નિકોબાર બેસિન છે, જ્યાં મોટા ગેસ ભંડાર મળવાના સંકેતો મળ્યા છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ ગેસનો ઉપયોગ ઘરેલુ અથવા ઔદ્યોગિક સ્તરે શરૂ થવામાં હજુ લાંબો સમય લાગી શકે છે.

આંદામાન-નિકોબાર બેઝિન કેમ મહત્વપૂર્ણ છે?

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ઓઇલ અને 50 ટકા ગેસ આયાત કરે છે. ઈરાન યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ વિસ્તારમાં વધતા તણાવને કારણે ભારતની ઊર્જા સપ્લાય પર જોખમ વધ્યું છે. આવી સ્થિતિમાં આંદામાન સમુદ્ર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અંદાજ મુજબ આ બેઝિનમાં લગભગ 371 મિલિયન ટન ઓઇલ અને ગેસના ભંડાર હોઈ શકે છે.

સરકારે ‘ઓપન એકરેજ લાયસન્સિંગ પોલિસી’ (OALP) હેઠળ લગભગ 10 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારને શોધખોળ માટે ખુલ્લો મૂક્યો છે, જ્યાં અગાઉ પ્રતિબંધ હતો. સરકારી કંપની ONGC અને Oil India 2026ની શરૂઆતથી અહીં ડ્રિલિંગ અને સર્વે કાર્ય કરી રહી છે.

ક્યાં ગેસ મળ્યો અને ક્યાં નિષ્ફળતા મળી?

આંદામાન સમુદ્રમાં ચાલી રહેલી ડ્રિલિંગમાંથી અત્યાર સુધી મિશ્ર પરિણામો સામે આવ્યાં છે:

વિજયપુરમ-1: આ કૂવો ‘ડ્રાય’ રહ્યો, એટલે અહીં કોઈ સંસાધન મળ્યું નથી.

વિજયપુરમ-2: અહીં 2212થી 2250 મીટરની ઊંડાઈએ ગેસની હાજરીની પુષ્ટિ થઈ છે, જેમાં 87 ટકા મિથેન મળી આવ્યું છે.

અલ્ટ્રા-ડીપવોટર ડ્રિલિંગ: ONGC અહીં 6000 મીટર સુધી ડ્રિલિંગ કરવાની યોજના પર કામ કરી રહી છે. ગેસના સંકેતો મળ્યા છે, પરંતુ હજુ ‘કોમર્શિયલ સફળતા’ પ્રાપ્ત થઈ નથી.

ટૂંકા ગાળાનો ઉકેલ શું?

જ્યાં સુધી નવા બેઝિન તૈયાર ન થાય, ત્યાં સુધી ભારતે પોતાની તાત્કાલિક ઊર્જા જરૂરિયાત માટે હાલના સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મુંબઈ હાઇ, બાડમેર અને આસામ જેવાં જૂનાં ક્ષેત્રોમાં ‘એન્હાન્સ્ડ ઓઇલ રિકવરી’ (EOR) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન ઘટતું અટકાવવું પડશે.

ભક્તિ અને સાહિત્યનો દિવ્ય સમન્વય : ચૈત્રી કથામૃતનું ભવ્ય આયોજન

અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પ્રાંગણમાં ચૈત્રી નવરાત્રીના પવિત્ર અવસરે અધ્યાત્મ અને સાહિત્યનો એક અભૂતપૂર્વ સંગમ રચાયો હતો. સંસ્થાના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપીઠે આયોજિત ‘ચૈત્રી કથામૃત’ પારાયણે હજારો ભક્તોના હૃદયમાં ભક્તિનો સંચાર કર્યો હતો. આ નવ દિવસીય જ્ઞાનયજ્ઞમાં સ્વામીજીએ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા આલેખિત ‘સારસિદ્ધિ’ ગ્રંથના આધારે કથામૃતનું પાન કરાવ્યું હતું. આ દિવ્ય કથાનું શ્રવણ કરવા માટે દૂર-દૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અને કથાના માધ્યમથી જીવન ઘડતરની પ્રેરણા મેળવી હતી.

આ કથાના માધ્યમથી માત્ર ધાર્મિક જ્ઞાન જ નહીં, પરંતુ સાહિત્યિક ચેતનાનો પણ પ્રસાર કરવામાં આવ્યો હતો. દરરોજ કથાના વિરામ બાદ ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકારોએ પધારીને વિવિધ વિષયો પર રસપ્રદ પ્રવચનો આપ્યા હતા. જેમાં બળવંતભાઈ જાનીએ સ્વામિનારાયણ સંપ્રદાયનું સમાજ અને સાહિત્યમાં પ્રદાન, ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંતો તથા ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના સામાજિક-ધાર્મિક યોગદાન અંગે ઊંડાણપૂર્વક વાત કરી હતી. સાથે જ તેમણે માધવપ્રિયદાસજી સ્વામીના વિશાળ વ્યક્તિત્વની સરાહના કરી હતી. સભામાં હાસ્યની સરવાણી વહેવડાવતા જીતુભાઈ દ્વારકાવાળાએ શ્રોતાઓને હાસ્યરસમાં તરબોળ કર્યા હતા, જ્યારે પ્રસિદ્ધ ઇતિહાસકાર અને સાહિત્યકાર વિષ્ણુભાઈ પંડ્યાએ ગુજરાતના ક્રાંતિકારીઓ અને ગૌરવવંતી ઇતિહાસગાથાનું સચોટ વર્ણન કરીને દેશપ્રેમની ભાવના જગાડી હતી.

આ ભવ્ય આયોજનના અંતિમ ચરણોમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત આદરણીય હાસ્યકાર રતિલાલ બોરીસાગર સાહેબનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમને વિશાળ પુષ્પહાર, શાલ, ભગવાન શ્રીકૃષ્ણની શોભાયમાન મૂર્તિ અને પચીસ હજાર રૂપિયાના રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરાયા હતા. આ સન્માનનો સ્વીકાર કરતા રતિલાલ બોરીસાગરે ભાવુક થઈને જણાવ્યું હતું કે, સ્વામી માધવપ્રિયદાસજીનો પ્રેમ એટલો અદ્ભુત છે કે આજે તેમના હાથે સન્માનિત થવાથી અન્ય તમામ સન્માનો ગૌણ લાગે છે. સ્વામીજી સૌના છે અને સૌને પોતાના લાગે છે.

આ મહોત્સવમાં પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, માધવ રામાનુજ જેવા દિગ્ગજ સાહિત્યકારોની ઉપસ્થિતિએ વાતાવરણને સાહિત્યમય બનાવી દીધું હતું. આમ, અમદાવાદ ગુરુકુલ ખાતે યોજાયેલું આ ચૈત્રી કથામૃત ખરા અર્થમાં અધ્યાત્મ અને સાહિત્યના ગૌરવવંતા મેળાવડા તરીકે સંપન્ન થયું હતું.

રાશિ ભવિષ્ય 30/03/2026 થી 05/04/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

લાભના સમાચાર મળે. કામકાજ દરમિયાન વધુ વિચારો આવવાના કારણે કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક લાગતો હોય તેવી લાગણી મનમાં રહે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી તેમજ સામાજિક પ્રવૃત્તિઓ પાછળ નાણા અને સમયનો વ્યય થઈ શકે છે. મોસાળ પક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર મળી શકે. આરામ કરવાની વૃત્તિ વધુ જોવા મળે. બજારમાં અનુભવના આધારે નાનું કામકાજ કરવું વધુ યોગ્ય છે. યુવાવર્ગને મનોરંજનમાં મન વધુ લાગે.


અચાનક કોઈ સારા સમાચાર સાંભળવા મળે અને ઉત્સાહ અનુભવશો. લગ્ન બાબતે ક્યાંક વાતચીત ચાલતી હોય તો તેમાં સારા સંકેતો મળી શકે. જૂના મિત્રો સાથે મુલાકાત દરમિયાન મસ્તી અને ભૂતકાળની યાદો તાજી થાય. વિદ્યાર્થી વર્ગને નવી જાણકારી કે શીખવાની તક મળે. તમારા માનમાં વધારો થાય અને કામમાં સહકાર મળે. બજારમાં આત્મવિશ્વાસ વધે અને લાભ મળવાથી ખુશી વધે.


આ સપ્તાહ દરમિયાન મનને શાંતિનો અનુભવ થાય. કામમાં ઉત્સાહ વધે, પરંતુ ઉતાવળ કરવાની વૃત્તિ રહે. ઘર કે ઓફિસમાં દલીલ થઈ શકે, પરંતુ ધીરજ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહેશે. કામમાં સહકાર મળશે અને તમે પણ સહયોગી બનશો. વેપારમાં થોડી અશાંતિ અનુભવાઈ શકે. લગ્ન બાબતે યોગ્ય પ્રયત્નોથી વાત આગળ વધી શકે.


વિદ્યાર્થીઓએ તકેદારી રાખવી. આર્થિક ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવી શકે. સંતાન, પરિવાર કે ભાઈ-બહેન બાબતે ચિંતા થઈ શકે. કામમાં સહકાર ઓછો મળે. લગ્ન બાબતે વાતચીતમાં ખટપટ ટાળવી. વાણી-વર્તનમાં સંયમ રાખવો. વાહન ધીમે ચલાવવું. મુસાફરી કંટાળાજનક બને અને માનસિક થાક વધે. પ્રિયજન સાથે મતભેદ ટાળવા.


સામાન્ય પરિસ્થિતિ રહેશે. ધીરજ જરૂરી છે, કારણ કે આવેશ સમસ્યા ઊભી કરી શકે. અણધાર્યા ખર્ચથી અકળામણ થાય. વિચારો વધુ આવવાના કારણે કામ અને વર્તનમાં અસર પડે. મુસાફરી થઈ શકે, પરંતુ કંટાળો અનુભવાય. વાતચીતમાં સ્પષ્ટતા રાખવી. બજારમાં ઉતાવળિયા નિર્ણય ટાળવા.


આશા અને નિરાશા વચ્ચે સપ્તાહ પસાર થાય. કોઈની અવગણના ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતે સારા પ્રભાવ પડે. થોડું ચંચળપણું અને ઉદારતા જોવા મળે, પરંતુ સાવચેતી રાખવી. બજારમાં અપેક્ષા વધારે હોય, પરંતુ કામ સામાન્ય રહે. પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાતથી ખુશી વધે. કામ ટાળવાની વૃત્તિ દેખાય.


કામમાં અવરોધથી વ્યસ્તતા વધે. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રભાવ વધે. નવા કામની શરૂઆત થઈ શકે. અણધાર્યા ખર્ચ થાય. સહભાગિતા સારી રહે અને તમારા કામની નોંધ લેવાય. જૂના અટકેલા કામમાં સહયોગ મળે. બજારમાં વિચારપૂર્વક કામ કરવું. માર્કેટિંગમાં મહેનત પ્રમાણે ફળ મળે.


વધુ મહેનત કરવી પડે અને જે ફળ મળે તેમાં સંતોષ માનવો. મિત્રો સાથે મુલાકાતમાં ખુશી સાથે થાક પણ અનુભવાય. અટકેલા કામમાં ગતિ આવે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને શરદી, તાવ, કફ, આંખ કે માથાની સમસ્યાઓમાં. બજારમાં નાનું અને આયોજનપૂર્વક કામ કરવું. યુવાવર્ગમાં ખર્ચ વધે.


વડીલોના આરોગ્ય અંગે ચિંતા થાય. અધીરાપણું વધે, પરંતુ સહકાર પણ મળે. ઘર કે ઓફિસમાં મતભેદ થાય, પરંતુ વ્યવહારકુશળતાથી નિયંત્રણમાં લાવી શકાય. બજારમાં નિર્ણય લેવામાં મુશ્કેલી થાય, માટે શાંતિથી કામ કરવું. વાહન ધીમે ચલાવવું.


જીવનસાથી સાથે સંબંધ મજબૂત બને. લાગણીની કદર થાય. નારાજ લોકો તરફથી સારો પ્રતિભાવ મળે. લાગણીઓનો દુરુપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતે સારા સમાચાર મળે. ધાર્મિક વૃત્તિ વધે. બજારમાં અનુભવથી લાભ મળે.


યુવાવર્ગમાં ગુસ્સો અને નારાજગી વધે, પરંતુ અચાનક લાભ મળે. કમર, સાંધા કે સ્નાયુની સમસ્યાઓમાં તકેદારી રાખવી. સગા-સ્નેહી સાથે સારા સમાચાર મળે. વિરોધીઓથી સાવધાન રહેવું. પસંદગીની વસ્તુ ખરીદવાની તક મળે. બજારમાં નાનું કામ કરવું યોગ્ય.


કામમાં સહકાર ઓછો મળે. મહેનત પ્રમાણે ફળ ઓછું મળે. લગ્ન બાબતે ઉતાવળ ટાળવી અને ખટપટથી બચવું. મુસાફરીમાં ઉત્સાહ ઓછો રહે. મિત્રો સાથે નવી વાતચીત થાય. બજારમાં આયોજનપૂર્વક કામ કરવાથી લાભ મળે. અચાનક ખર્ચથી મન દુઃખી થઈ શકે.

નાસા સાથે જોડાયેલા ડૉ. એકતા શાહનું “હર સ્પેસ, હર સ્ટોરી” વિષય પર સંબોધન

અમદાવાદ: AMA (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) દ્રારા “હર સ્પેસ, હર સ્ટોરી: વિમેન શેપીંગ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન થ્રુ લીડરશીપ, લર્નિંગ, એન્ડ લીગસી” વિષય પર ખાસ સંબોધન રાખવામાં આવ્યું. જાણીતા એસ્ટ્રોફિઝિસ્ટ, ડેટા સાયન્ટિસ્ટ અને સાયન્ટિફિક રિસર્ચ મેન્ટર ડૉ. એકતા શાહ દ્રારા સંબોધિત ૧૬મા ડૉ. લલિતા અય્યર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.ડો. એક્તા શાહ બ્રહ્માંડની પ્રારંભિક વિશાળ સંરચનાઓના મેપિંગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે. છ નવી આકાશગંગા પ્રોટોસ્ટ્રક્ચર્સની તેમની ગ્રાઉન્ડબ્રેકિંગ શોધ — જેમના નામ ભારતીય છ ઇન્દ્રિયો પરથી: દ્રષ્ટિ, સુરભિ, સ્પર્શ, રુચિ, સ્મૃતિ અને શ્રવણ રાખવામાં આવ્યા છે — તે હવે યુએસએ અને યુરોપના સંશોધન જૂથો માટે મુખ્ય સંદર્ભ બની ગઈ છે.

મુખ્ય અતિથિ ડૉ. એકતા શાહે AMAના ડેટા એનાલિટિક્સ અને પાવર બીઆઈ, બિઝનેસ મેનેજર્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટના એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

અવકાશ અને સમયની સફર

શોધાયેલી સંરચનાઓ બ્રહ્માંડમાં અત્યાર સુધીની જાણીતી સૌથી મોટી ગીચતા ધરાવે છે, જે તે સમયની છે જ્યારે બ્રહ્માંડ તેની વર્તમાન વયના માત્ર એક અંશ જેટલું જૂનું હતું.

ડો. એક્તા શાહે સમજાવ્યું કે, “જેમ આપણે વધુ દૂર જોઈએ છીએ, તેમ આપણે બ્રહ્માંડના ભૂતકાળમાં જોઈ રહ્યા હોઈએ છીએ. આ પ્રણાલીઓ અતિશય ઝાંખી અને દૂર છે, જેને જોવા માટે વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપની જરૂર પડે છે.”

આ સંશોધનમાં મુખ્ય ગ્રાઉન્ડ-બેઝ્ડ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને અવલોકન માટે ઘણી રાતોનો સમય લાગ્યો હતો. જ્યાં કાર્યકારી ખર્ચ રાત્રિ દીઠ રૂપિયા એક કરોડથી વધુ હોઈ શકે છે. જટિલ ડેટાસેટ્સને જોડીને અને સખત ૩ડી વિશ્લેષણ લાગુ કરીને, ડો. શાહ અને તેમની ટીમે અવકાશની વિશાળતામાં છુપાયેલી આ પ્રાચીન સંરચનાઓને સફળતાપૂર્વક ઓળખી કાઢી છે.

બ્રહ્માંડનું નામકરણ
જ્યારે આકાશગંગાઓ માટે પસંદ કરાયેલા અનોખા નામો વિશે પૂછવામાં આવ્યું ત્યારે ડો. શાહે સાર્વત્રિક જોડાણની ઈચ્છા પર ભાર મૂક્યો હતો. “હું એવા નામો પસંદ કરવા માંગતી હતી જેની સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકે. આ છ ઇન્દ્રિયો આપણા માનવીય અનુભવને વ્યાખ્યાયિત કરે છે, જેવી રીતે આ સંરચનાઓ આપણા બ્રહ્માંડના પ્રારંભિક સ્થાપત્યને વ્યાખ્યાયિત કરે છે. આ એક સ્મૃતિપત્ર છે કે આપણે બ્રહ્માંડના બનેલા છીએ, અને બ્રહ્માંડ આપણો એક ભાગ છે.”અવકાશ વિજ્ઞાનનું ભવિષ્ય: એઆઈ અને ડેટા સાયન્સ

પ્રતિષ્ઠિત એલએસએસટીસી ડેટા સાયન્સ ફેલોશિપ મેળવનાર ડો. શાહે આધુનિક ખગોળશાસ્ત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની પરિવર્તનકારી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેણીએ નોંધ્યું હતું કે વર્તમાન ટેલિસ્કોપ એક રાતમાં એટલો ડેટા એકત્રિત કરે છે જેટલો આખા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

ડો. શાહે જણાવ્યું હતું કે, “એઆઈ અને ડેટા સાયન્સ આપણને લાખો આકાશગંગાઓને સેકન્ડોમાં પ્રોસેસ કરવાની મંજૂરી આપે છે — જે કાર્યોમાં પહેલા વર્ષો લાગતા હતા. આ સાધનો માત્ર આપણા કાર્યને ગતિ નથી આપી રહ્યા; તેઓ આપણને બ્રહ્માંડના નવા ગાણિતિક નિયમો શોધવામાં મદદ કરી રહ્યા છે જે માનવીય મર્યાદાઓ કદાચ ચૂકી શકે છે.”

સન્માન અને વિઝન

ડો. શાહ, જેમને તાજેતરમાં એનઆરજી –સ્પેટ રત્ન એવોર્ડ (૨૦૨૫)થી નવાજવામાં આવ્યા હતા, તેમણે તેમની સફળતાનો શ્રેય “અટલ સમર્પણ અને સંસાધનશીલતા”ના મંત્રને આપ્યો હતો. આણંદ, ગુજરાત જેવા સાધારણ પૃષ્ઠભૂમિમાંથી નાસા દ્રારા ભંડોળ પૂરું પાડવામાં આવતા સંશોધનની ઊંચાઈઓ સુધી પહોંચીને, તેઓ ભારતીય વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા માટે વૈશ્વિક એમ્બેસેડર તરીકે સેવા આપી રહ્યા છે.

ડો. શાહે જણાવ્યું હતું કે, “નાસા સાથે કામ કરવાથી તમે જોઈ શકો છો કે માનવતા ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે. અમે અત્યારથી જ ૨૦૪૦ માટે ટેલિસ્કોપનું આયોજન કરી રહ્યા છીએ. તે ધ્યેયને ઓળખવા વિશે છે, પછી ભલે તે ગમે તેટલું દૂર હોય, અને ત્યાં પહોંચવા માટેની તકો ઊભી કરવા વિશે છે.”