Home Blog Page 1534

રાજીનામું માગવું હોય તો પહેલાં PMનું માગોઃ મમતા બેનરજી

કોલકાતાઃ ભાજપના બંગાળ બંધ પર CM મમતા બેનરજીએ PM મોદી સહિત ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજીનામું માગવું હોય તો પહેલાં PM મોદીનું માગો. ED, CBI બધી ઠગવાની એજન્સીઓ છે. આ એજન્સીઓ લોકો પર અત્યાચાર કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું. ગઈ કાલે જે રસ્તા પર ઊતર્યા હતા, એ બધા બહારના છે. તેમનું બંધ બંગાળની છબિને ધુમિલ કરવાની અને RG કર હોસ્પિટલ બળાત્કાર-હત્યા મામલાની તપાસને અવરોધવા માટે આપવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. રાજ્યમાં આગામી સપ્તાહે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે અને બળાત્કારીઓ માટે મૃત્યુદંડ આપવા માટે 10 દિવસની અંદર એક વિધેયક પસાર કરવામાં આવશે. અમે એ વિધયકને રાજ્યપાલની પાસે મોકલીશું. જો એ પસાર નહીં કરે તો અમે રાજભવનની બહાર ધરણાં કરીશું. એ વિધેયક પસાર થવું જ જોઈએ અને આ વખતે જવાબદારીમાં છટકી નહીં શકાય. મહિલા ડોક્ટર બળાત્કાર-હત્યા માટે માત્ર એક જ સજા છે- ફાંસી લટકાવો, એમ તેમણે કહ્યું હતું.

અમે ન્યાય ઇચ્છીએ છીએ, ભાજપે બંધનું આહવાન કરે છે. તેઓ ન્યાય નથી ઇચ્છતા, તેઓ માત્ર બંગાળને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ જેવી શરમજનક પાર્ટી આજસુધી નથી જોઈ. એમ તેમણે કહ્યું હતું.

CM મમતા બેનરજીએ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ કામ પર પરત ફરે. અમે લોકો તેમની વિરુદ્ધ કોઈ પગલાં નહીં ભરીએ. ભાજપ AI દ્વારા મોટા પાયે સાયબર ક્રાઇમમાં લિપ્ત છે, જેને કારણે સામાજિક અવ્યવસ્થા ફેલાઈ રહી છે. ભાજપનો ઉદ્દેશ બંગાળને બદનામ કરવાનો છે, એમ તેમણે કહ્યું હતું.

આ છે ઈબાદત માટેનું ઐતિહાસિક પરિસર…

ઐતિહાસિક ઈમારતો અને વેપાર-ઉધોગના ભવ્ય વારસાથી ધમધમતા અમદાવાદ શહેરમાં એક જ કિલોમીટરના એરિયામાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, યહુદી જેવા તમામ ધર્મના પવિત્ર સ્થાનો આવેલા છે. પાનકોર નાકા, ગાંધી રોડ, માણેકચોકને આવરી લેતા આ વિસ્તારમાં એક પવિત્ર જામા મસ્જિદ આવેલી છે, જે અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદ છે.

અમદાવાદ શહેરને વિકસાવવામાં જેનું મહત્વનું યોગદાન છે એવા અહમદશાહ બાદશાહે ઈ.સ. 1442માં આ મસ્જિદ બંધાવેલી. મસ્જિદની પૂર્વમાં અહમદશાહ બાદશાહ, એમના પુત્રો અને પૌત્રોની કબરો છે. મસ્જિદમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરી શકે એટલી વિશાળ જગ્યા છે. ઈદ સમયે નમાઝ અને ઈફ્તારી માટે મોટી સંખ્યામાં મુસ્લિમો અહીં એકત્ર થાય છે.

જામા મસ્જિદથી એકદમ નજીક આવેલી કલાત્મક ઈમારતો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો તરીકે ઓળખાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ભાવનગરમાં રોગચાળો વકર્યો, દોઢ માસમાં 4,293 પાણીજન્ય રોગના કેસ નોંધાયા

ભાવનગર : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે વધતા વરસાદના કહેર સાથે રાજ્યમાં રોગચાળો પણ વધી રહ્યો છે. શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને છેલ્લા દોઢ માસમાં 4293 પાણીજન્ય રોગ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો અટકાવવા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી.

ye
ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે તેથી મોન્સુન એકટીવી અંતર્ગત ફીલ્ડમાં ઘરે ઘરે જઈને પાણીજન્ય અને વાહક જન્ય રોગોના નિયંત્રણની કામગીરી કરી લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે સઘન સર્વેલન્સ હાથ ધરી કામગીરી કરાવવામાં આવી હતી. જે અંતર્ગત તમામ શહેરી વિસ્તારને આવરી લેવાય તે મુજબનું આયોજન કરી છેલ્લા દોઢ માસ દરમિયાન આરોગ્યની કુલ 4840 ટીમ દ્વારા કુલ 69398 ઘરની મુલાકાત લઇને 346986 વસતીમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી, જેમાં ઝાડાના 706 કેસ, ઝાડા-ઉલ્ટીના 168 કેસ, શરદી-ખાંસીના 1810 કેસ અને તાવના 1609 કેસ નોંધાયા હતાં. આ વિસ્તારમાં ઘરે-ઘરે ઓઆરએસના કુલ 16863 અને કલોરીનની ટેબ્લેટ કુલ 54638 નું વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા આરસી ટેસ્ટ કુલ 5454 કરવામાં આવ્યા હતા, જેમાંથી પોઝીટીવ આરસી ટેસ્ટ કુલ 5442 અને નેગેટીવ આરસી ટેસ્ટ કુલ 12 જોવા મળ્યા હતાં. નેગેટીવ આરસી ટેસ્ટ આવેલ વિસ્તારના ઘરોમાંથી પાણીના સેમ્પલનું કલેકશન કરીને માઇક્રોબાયોલોજી વિભાગમાં ટેસ્ટીંગ અર્થે નમુના મોકલવામાં આવ્યા હતાં. પાણીજન્ય અને વાહક જન્ય રોગોની જનજાગૃતિ અર્થે તથા આ રોગની વિસ્તૃત માહિતી માટે ઘરે ઘરે જઈને આઈઇસી દ્વારા રોગોના લક્ષણો શું છે અને રોગોથી બચવા શું શું તકેદારીઓ રાખવી અને સારવાર અર્થેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તથા જરૂર જણાયે નજીકના પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે તેમ ભાવનગર મહાપાલિકાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થે જણાવેલ છે. પાણીજન્ય અને વાહક જન્ય રોગોના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત થવુ જરૂરી છે.

“BSE સેન્સેક્સ નેક્સ્ટ 30’’ નામે નવો ઇન્ડેકસ લોન્ચ કરાયો

મુંબઈઃ BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ) લિ.ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એશિયા ઈન્ડેક્સ પ્રા. લિ.એ વધુ એક નવો ઈન્ડેક્સ BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 લોન્ચ કર્યો છે.  BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 BSE 100 ઈન્ડેક્સમાંની સેન્સેક્સ સિવાયની મોટી કંપનીઓની કામગીરીને ટ્રેક કરે છે. રોકાણકારોને બજારની અગ્રણી કંપનીઓના આગામી સેટના વિકાસનો લાભ આ ઈન્ડેક્સ મારફત મળી રહેશે.આ ઈન્ડેક્સ લોન્ચ કરતાં એશિયા ઈન્ડેક્સ પ્રા.લિ.ના એમડી આશુતોષ સિંહે કહ્યું હતું કે BSE સેન્સેક્સ નેક્સ્ટ 30 રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોને આકર્ષશે, કારણ કે તે પ્રવાહિતા, નીચી ઇમ્પેક્ટ કોસ્ટ, રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આદિ ફીચર્સ ધરાવે છે. આ પ્રસંગે BSEના MD-(મેનેજિગ ડિરેકટર) અને CEO (ચીફ એકિઝક્યુટિવ ઓફિસર) સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું હતું કે પ્રોડક્ટ ઇનોવેશનમાં હંમેશાં ગ્રાહકોની પસંદ અગ્રસ્થાને રહેશે. એસેટ મેનેજરોની જરૂરિયાતો માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું કામ કરવાનું બાકી છે, એમાંનું આ એક છે.  કોટક એસેટ મેનેજમેન્ટના MD નીલેશ શાહે આ પ્રસંગે કહ્યું હતું કે આ પ્રકારના  વધુ સંબંધિત ઈન્ડાયસિસની મૂડીબજારને હજી આવશ્યકતા છે, આ ઈન્ડેક્સને બેન્ચમાર્ક ગણી એસેટ મેનેજરો તેમના પરોક્ષ બજાર વ્યૂહો આગળ ધપાવી શકશે.

આ ઇન્ડેક્સમાં નાણાકીય સેવાઓ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઊર્જા, કોમોડિટીઝ, હેલ્થકેર, ઉદ્યોગો, ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને યુટિલિટીઝ જેવાં ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે. વધુમાં, એવી જ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ BSEમાં ઉપલબ્ધ છે. BSE સેન્સેક્સ નેક્સ્ટ 30ની ફર્સ્ટ વેલ્યુ ડેટ 20 જૂન, 2014 છે અને વેલ્યુ 10,000 છે. આ ઈન્ડેક્સની અર્ધવાર્ષિક ધોરણે સમીક્ષા કરાશે.

જય શાહ બાદ BCCIના સેક્રેટરી બનવાની રેસમાં કોણ છે આગળ?

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC)ના ચેરમેન તરીકે બિનહરિફ ચૂંટાયા છે. 35 વર્ષના જય શાહ ICCના સૌથી યુવા વયના ચેરમેન બન્યા છે. વર્તમાન પ્રમુખ ગ્રેગ બાર્કલીનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે, જે પછી 1 ડિસેમ્બરથી નવા ચેરમેન તેમની જવાબદારી સંભાળી લેશે. જય શાહ એ એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર બાદ ICCના ચેરમેન બનનારા ત્રીજા ભારતીય છે. ICCના ચેરમેન બનવા માટે તેમનેBCCIના સેક્રેટરી તરીકેનું પદ છોડવું પડશે. BCCIના નવા સેક્રેટરી બનવાની રેસમાં અરૂણ જેટલીના પુત્ર રોહન જેટલી સૌથી આગળ હોવાની ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. જો કે BCCIના સચિવની રેસમાં ઘણા નામો સામે આવ્યા છે. રોહન જેટલી – DDCAના પ્રમુખ રોહન જેટલી અથવા બંગાળ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અવિશેક દાલમિયાનું નામ પણ BCCI સચિવ પદના દાવેદારની લિસ્ટમાં ચર્ચામાં છે. રોહન જેટલી પૂર્વ ભાજપા નેતા અરૂણ જેટલીના પુત્ર છે. આથી આ રેસમાં રોહનનું નામ સૌથી આગળ હોવાની ચર્ચા ચાલી રહી છે.રાજીવ શુક્લા – BCCI સચિવ પદના દાવેદારની રેસમાં રાજીવ શુક્લાનું નામ પણ છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે BCCIના પદોના ફેરબદલ કરીને વર્તમાન ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાને સચિવ પદ આપવામાં આવી શકે છે.અરુણ ધૂમલ – ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અધ્યક્ષ અરુણ ધૂમલને બોર્ડ ચલાવવાનો સારો અનુભવ છે. તેઓ બોર્ડના ખજાનચી પણ રહી ચૂક્યા છે.

આશિષ શેલાર – મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા આશિષ શેલાર, જેઓ BCCIના ખજાનચી અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનના વહીવટમાં મોટું નામ છે. શેલાર પણ સચિવ પદની રેસમાં સામેલ થઈ શકે છે.દેવજીત સૈકિયા – BCCIના સંયુક્ત સચિવ દેવજીત સૈકિયા ખાસ લોકપ્રિય નથી. જો કે, તે વર્તમાન BCCI વહીવટનો મહત્ત્વનો ભાગ છે. જેમને સચિવ પદ પર પ્રમોશન મળી શકે છે.

વિશ્વમાં ડાઉન થયું મસ્કનું X પ્લેટફોર્મઃ સાયબર હુમલો?

નવી દિલ્હીઃ અબજોપતિ એલન મસ્કનું X પ્લેટફોર્મ (ટ્વિટર) બુધવારે સવારે અચાનક ડાઉન થયું હતું. ભારત સહિત વિશ્વના યુઝર્સ આ પ્લેટફોર્મની સર્વિસને એક્સેસ નહોતી કરી શકતા. ત્યાર બાદ યુઝર્સે અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ આઉટેજનો રિપોર્ટ કરવો શરૂ કર્યો હતો. યુઝર્સ પોતાના એકાઉન્ટ્સ પર પોસ્ટ નહોતા જોઈ શકતા.

આ આઉટેજે હજારો યુઝર્સને પ્રભાવિત કર્યા હતા. ખાસ કરીને મંગળવારે આ ઘટના દરમ્યાન 36,500થી વધુ સમસ્યાઓ નોંધાઈ હતી. અન્ય પ્રભાવિત ક્ષેત્રોમાં અમેરિકા, કેનેડા અને વિશ્વમાં યુઝર્સ હેરાન થયા હતા. ત્યાં 3300થી વધુ પોર્ટ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બ્રિટનમાં 1600થી વધુ યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

 ભારતમાં સવારે નવ કલાકે X ડાઉન

દેશમાં આઉટેજ સૌપ્રથમ વાર ભારતીય સમયાનુસાર સવારે નવ વાગ્યાની આસપાસ ડાઉન થયું હતું, જેમાં 700થી વધુ યુઝર્સે આ સમસ્યાનો રિપોર્ટ કર્યો હતો. યુઝર્સ નવી પોસ્ટ કે ફીડને રિફ્રેશ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને એ લોકોને મુશ્કેલીઓ થઈ હતી, જેમણે મોબાઇલ એપનો ઉપયોગ કરી રહ્યા હતા.

વર્ષ 2022માં મસ્કે 44 અબજ ડોલરમાં Xને હસ્તગત કરી હતી. આ પ્લેટફોર્મ પર પહેલાં પણ અનેક પ્રકારની અડચણો આવી હતી, જેમાં ઓગસ્ટમાં થયેલી એક ઘટના સામેલ છે.

આ આઉટેજ મસ્ક અને ભૂતપૂર્વ રાશ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે X પર પ્લાન કરવામાં આવેલા એક ઇન્ટરવ્યુના તરત બાદ આવ્યું હતું, જેને મસ્કે મોટા પાયે સાયબર હુમલો ગણાવ્યો હતો. છેવટે વાતચીત સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકેસ મસ્કે આશ્વાસન આપ્યું હતું કે આ મુદ્દાને હલ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. જોકે Xએ આ મુદ્દે સત્તાવાર નિવેદન જારી નથી કર્યું.

નેશનલ સ્પોર્ટસ ડે: ગીર સોમનાથનું સરખડી ગામ એટલે ‘વોલીબોલ વીલેજ’

ગીર સોમનાથ: વર્ષ ૧૯૯૦માં ઘાઘરો શર્ટ, બંગડી, છડા અને સ્લીપર પહેરેલી ટીમ મેઘરજ મુકામે વોલીબોલ રમવા પહોંચી અને અમદાવાદ સામે પ્રથમ રાઉન્ડ 15-0, 15-3 થી હારી ત્યારે રમતના આયોજકોએ ટીમ લઈને જનાર કોચ વરજંગ વાળાને સંભળાવ્યું કે, ‘હું હાલી નીકળ્યા છો..?’બસ આ અપમાનજનક શબ્દો કાને પડતા જ વરજંગ વાળા સાચા અર્થમાં હોકીની રમત માટે ‘સરખડી’ ગામને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા ચાલી નીકળ્યા. બસ પછી શું? આજે સરખડી એક એવું ગામ છે જ્યાંથી ૩૦૦ જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની રમત રમી ચૂક્યા છે. સાથે જ, 4 બહેનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌવત બતાવી ચૂકી છે. જે પૈકી 2બહેનો કિંજલ વાળા અને ચેતના વાળા ભારતીય ટીમના કેપ્ટન પદે પણ રહી ચૂકી છે.

સરખડી અને વરજંગ વાળાની સફર અત્યંત રોચક છે. ભૌગોલિક દ્રષ્ટીએ સરખડી ગામ સરનામું બદલાતું રહ્યું છે, બદલાતા સરનામાની સાથે-સાથે વોલીબોલ પ્રત્યેનો ગામનો અભિગમ પણ બદલાતો રહ્યોં છે. શરૂઆતમાં એટલે કે વર્ષ ૧૯૯૦ના સમયગાળામાં સરખડી અમરેલી જિલ્લામાં હતું. લગભગ ૧૯૯૭-૯૮માં તે જૂનાગઢમાં ગયું અને હાલ ગીર સોમનાથ જિલ્લામાં છે. અંદાજે પાંચ હજારની વસતી ધરાવતા આ ગામમાં મહત્તમ વસતી કારડીયા રાજપૂત અને કોળી સમાજની છે. તે પછીના ક્રમે અનુસૂચિત જાતિ, થોડા બ્રાહ્મણ અને થોડા મુસ્લિમ સમાજના લોકો સંપીને રહે છે. વોલીબોલની રમત માટે ગામના લોકોમાં અજીબોગરીબ સંપ છે. વરજંગભાઈ વાળા વર્ષ ૧૯૮૮માં સ્થાનિક શાળામાં પી.ટી શિક્ષક તરીકે જોડાયા. તેના વિશે તેઓ કહે છે, “એ વખતે ગામમાં લાજ-પ્રથા બહુ ચુસ્તપણે અમલમાં હતી. એટલે દીકરીઓને પણ સંકોચ બહુ થતો. ગામમાં નળીયાવાળા ઘરમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને ખેતમજૂરી હતો. દીકરીઓને ઘર સફાઈ, ખેતીકામ, નિંદામણ, પાણી ભરવા જવા જેવાં કામ કરવા પડતા હતા. બહુ મથામણ પછી, મહિલા વોલીબોલ ટીમ તૈયાર કરી અને વર્ષ ૧૯૯૦માં તે સમયે સાબરકાંઠા જિલ્લાના મેઘરજમાં શાળાકીય સ્પર્ધામાં રાજ્યકક્ષાએ રમવા ઉતારી. દીકરીઓ ઘાઘરો, શર્ટ, બંગડી, છડા અને સ્લીપર એમ પરંપરાગત વસ્ત્રોમાં જ રમવા ગઈ હતી. ટીમ આયોજકોએ દીકરીઓને સ્લીપર કાઢીને રમવાની ફરજ પાડી અને અધુરામાં પૂરું અમદાવાદની ટીમ સામે ૧૫-૦, ૧૫-૩ થી હારી ગઈ, ત્યારે રમતના આયોજકોએ મને સંભળાવ્યું કે, હું હાલી નીકળ્યા છો..? આ શબ્દો મને હાડોહાડ લાગી ગયા અને ત્યાંથી જ શરુ થઈ દીકરીઓને પરંપરાગત વસ્ત્રોના બદલે ટીશર્ટ, લોઅર, શૂઝ પહેરાવી હોકી રમતી કરવાની અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાની યાત્રા.”

વધુમાં વરજંગભાઈ વાળા ઉમેરે છે, “શાળામાં આવતી દીકરીઓને વોલીબોલ રમાડવાનો પ્રયાસ શરુ કર્યો. પરંતુ દીકરીઓ રમે એ તેમના વાલીઓને પસંદ ન હતું. અમે પહેલા મારા પરિવારની દીકરીઓને આમાં જોડી, પછી ધીમે-ધીમે ગામની અન્ય દીકરીઓ પણ જોડાઈ. દીકરીઓને શાળા સમય દરમ્યાન વોલીબોલ રમાડવાનું શરુ કર્યું. શાળા છૂટ્યા પછી તો એ શક્ય જ ન હતું. વોલીબોલની રમત શું છે? અને તેનાથી શું ફાયદો થાય? તે સમજાવતા-સમજાવતા નાકે દમ આવી ગયો. મારુ ઘર શાળાથી માત્ર 200 મીટર જ દૂર હતું. દીકરીઓ કસમયે રમવા આવે તે તો શક્ય જ ન હતું. એટલે સવારે 5-30થી 7-30 અને સાંજે 6-30 થી 8-30નો સમય ભાઈઓ માટે રાખ્યો અને અજવાળે અજવાળે દીકરીઓ રમી શકે તે માટે સવારે 7-30 થી 9-00 અને સાંજે 4-30 થી 6-30નો સમય દીકરીઓને પ્રેકટિસ કરાવતો. રમતના માધ્યમથી ગામની અને કંઈક અંશે દીકરીઓની સંકુચિતતા દૂર થઈ. શરૂઆતમાં ગામની માત્ર 3-4 છોકરીઓ ટીમમાં સામેલ થઈ શકતી અને ધીમે-ધીમે આ સંખ્યા 7-8 સુધી પહોચી.”

વરજંગભાઈ વાળાના પ્રયત્નોથી આજે સરખડીમાં જ કુલ 100 રમતવીરો પૈકી 30-40 છોકરાઓ અને 60 જેટલી દીકરીઓ તાલીમ લે છે. વર્ષ 2006માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતને વોલીબોલમાં પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો એ ટીમમાં 12સભ્યો સરખડી અને ચરાડા ગામના જ હતા. આગળ વાત વધારતા વરજંગભાઈ વાળા કહે છે, “તાલીમ અને ધ્યાન વધતા ગયા. પ્રતિ વર્ષ મેડલ મળતા ગયા અને વધતા પણ ગયા. વર્ષ 2015-16માં ચંડીગઢમાં 41મી જૂનિયર નેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ, તેમાં 12 પૈકી રમનાર છ એ છ દીકરીઓ સરખડીની જ હતી. ફાઈનલમાં પહોંચ્યા, સામે કેરાલાની ટીમ હતી. ઓડિયન્સમાંથી સતત સૂત્ર સ્વરૂપે અવાજ ઉઠતા. ’એક તરફ ગાંવ, એક તરફ દેશ.’ આ સાંભળી મારી છાતી ગદગદ ફૂલતી હતી, અમે જીત્યા પણ ખરા. એ વખતે મેચના એનાઉન્સરે એક વાક્ય ઉચ્ચાર્યું કે, “ ગુજરાતની ટીમ છેક અહીં સુધી પહોંચી છે તેમાં ગુજરાત સરકારની સ્પોર્ટ્સ પોલીસીની મહત્વની ભૂમિકા છે…” આ મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી.”સરખડી પ્રાથમિક શાળામાં ઈન સ્કૂલ યોજના ચાલે છે, અને રમત પ્રતિભા સંવર્ધન કેન્દ્રમાં હાલ અનેક દીકરીઓ વિશેષ તાલીમ લઈ રહી છે. જો કે વરજંગભાઈવાળા વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા છે. પરંતુ વોલીબોલ રમતી દીકરીઓને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.સો સો સલામ છે આવા વોલીબોલ વીરને…

(હિમાંશુ ઉપાધ્યાય – અમદાવાદ)

માંગરોળાના દરિયામાં બોટ પલટી, 1નું મોત 4ની શોધખોળ શરૂ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં સાર્વત્રિક ભારે થી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જુનાગઢમાં ગઈકાલે સવારથી આજે સાંજ સુધીમાં ગિરનાર અને વિસાવદરમાં આઠ ઈંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, કેશોદ, મેંદરડા, ભેસાણ પંથકમાં છ ઇંચ તેમજ માળીયાહાટીનામાં બે અને માંગરોળમાં એક ઈંચ વરસાદ થયો હતો. ઉલ્લેખીય છે કે જુનાગઢ જિલ્લાની ઓઝત, ઉબેણ, સોનરખ,કાળવા નદીમાં ફરી પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદની આગાહી પગલે માછીમારોને દરિયામાં જવા પર મનાઇ ફરવામાં આવી છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માછીમારોને સાવચેત કરવા માંગરોળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વરસાદની સ્થિતીને પહોંચી વળવા માટે કેશોદમાં એન.ડી.આર.એફ. અને જૂનાગઢમાં એક એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

હવામાનની ભારે આગાહી વચ્ચે માંગરોળઆના દરિયાકાંઠે એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દરિયો ખેડવા ગયેલા માછીમારો બોટમાં ફરી રહ્યા હતા. ત્યારે દરિયો તોફાનો બન્યો હતો. આ દરમિયાન બોટનું એન્જિન બંધ થઇ જતાં ભર દરિયે બોટ એકાએક બંધ થઇ ગઇ હતી અને પલટી ખાઇ ગઇ હતી. બોટમાં 8 માછીમારો સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે ને એક માછીમારનું મોત નિપજ્યું છે.ઘટનાની જાણ થતાં ડે.કલેક્ટર સહિત અધિકારીઓનો કાફલો અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. એનડીઆરએફ ટીમ અને સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ગત જુલાઈ માસમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે ભેસાણ અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં સિઝનનો સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો હતો. જ્યારે ભેસાણમાં પણ હવે 100 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વિલિંગડન ડેમ અને દામાંડરકુંડ ખાતે કોઈ અનિચ્છનીય બનાવન બને એ માટે તંત્રએ રેસ્કયુ ટીમ તૈનાત કરી દીધી છે.

બંગાળ બંધમાં TMC કાર્યકર્તાઓએ ભાજપ નેતા પર કર્યો ગોળીબાર

કોલકાતાઃ કોલકાતાના ટ્રેની ડોક્ટરના રેપ-હત્યા કેસમાં CM મમતા બેનરજીના રાજીનામાની માગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર છે, ત્યારે ભાજપે 12 કલાકનું બંગાળ બંધનું આહવાન કર્યું છે. આ બંધ સવારે છથી સાંજે છ કલાક રહેશે. આ બંધ દરમ્યાન ઉત્તર પરગણાના ભાટપાડામાં ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેની કાર પર 6-7 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. તેમની કાર પર દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એક દેશી બોમ્બ પણ જપ્ત કર્યો હતો. ભાજપના નેતા અર્જુન સિંહનું કહેનું હતું કે પ્રિયાંગુની હત્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બંધ દરમ્યાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી કોલકાતાના બાટા ચોક પર દેખાવો કરી રહેલા લોકેટ ચેટરજીને પોલીસે હિરાસતમાં લેવામાં આવ્યા હતા. એ દરમ્યાન તેમણે કહ્યું હતું, જેટલું આ લોકો મને હિરાસતમાં લેશે, એટલું જ લોકો આ પ્રદર્શનનો હિસ્સો બનશે. આ લોકોનો ગુસ્સો છે અને લોકો રસ્તાઓ પર છે.

આ બંધ દરમ્યાન રાજ્યમાં બસ અને ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી. જ્યારે ફ્લાઇટ સેવાઓ પણ પ્રભાવિત થવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની સાથે પોલીસની છૂટીછવાઈ અથડામણ થઈ હતી. TMC અને ભાજપના નેતાઓની વચ્ચે પણ આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો હતો.

ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે TMCના લોકોના કહેવા પર પોલીસ તેમને ડિટેન કરી રહી છે. પોલીસ સતત ભાજપના કાર્યકર્તાઓને બસોમાં ભરીને લઈ જઈ રહી છે. બંગાળ બંધની માહિતી આપતાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે બંગાળમાં મમતા બેનરજીએ નિર્મમતા અને તાનાશાહીની બધી હદો પાર કરી દીધી છે.

ગુજરાતમાં ‘બારે મેઘ ખાંગા’, સિઝનનો 100 ટકા વરસાદ પૂરો

ગુજરાતમાં પાછલા બે દિવસમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાય છે. રાજ્યમાં સતત ભારે વરસાદને પગલે જનજીવન અસ્થવ્યસ્થ જોવા મળી રહ્યું છે. મોટાભાગનું ગુજરાત ‘જળમગ્ન’ બની ગયું છે. મંગળવારે 245 તાલુકામાં 10 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી વડોદરા, રાજકોટમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવેલી છે. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ પણ પૂરો થઇ ગયો છે. ભારે વરસાદથી બે દિવસમાં 7 વ્યક્તિના મોત થયા છે.

ગુજરાતમાં સોમવારથી મેધરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે ઠેર-ઠેર ભારે વરસાદના પગલે લોકમેળાનું આયોજન પણ રદ કરવાની ફરજ પડી હતી. મંગળવારે પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 9 ઈંચ વરસાદ નોંધયો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ ડાંગ જિલ્લામાં સરેરાશ 10.9 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલસાડ જિલ્લામાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડમાં ઔરંગા નદીના પાણી ભરાતા 1152 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. નવસારીમાં ત્રણ નદીઓ ગાંડીતૂર બનતા 1573 લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. ભારે વરસાદને પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ હેઠળ મૂકાયા હતા. તો રાજકોટનો આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો હતો.

હવામાન વિભાગ દ્વારા આજે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે. તો આવતી કાલ એટલેકે 29 ઓગસ્ટના રોજ રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો 30 ઓગસ્ટના દિવસે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારેથી અતિ ભાર વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.