Home Blog Page 1544

રેપની ઘટનાઓમાં તબીબી તપાસ પણ મહત્વનો પુરાવો: ડૉ. હસુમતી પટેલ

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતા સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના બાદ ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં એક જુનિયર મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ કેસમાં પોલીસની કાર્યવાહી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યાં છે ત્યારે ચિત્રલેખા.કોમએ દીવાદંડી વિભાગમાં આ પ્રકારના કેસમાં કેવાં પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કેવાં પ્રકારના પુરાવાઓ ભેગા કરવામાં આવતા હોય છે તેવાં અનેક મુદ્દાઓ પર ગુજરાતના સૌથી સિનિયર અને પ્રથમ મહિલા પોલીસ સર્જન હસુમતીબહેન પટેલ સાથે વાત કરી.

હસુમતીબહેને પોતાની કારકિર્દીમાં અનેક બળાત્કારના કિસ્સાઓમાં તબીબી પરીક્ષણ કર્યું છે સાથે જ 15 હજારથી વધુ પોસ્ટમોર્ટમ કર્યા છે. 1968માં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કર્યા બાદ 1988માં હસુમતીબહેને એમ.ડી. ફોસેન્સિકનો અભ્યાસ શરૂ કર્યો અને 1990માં તેમણે એમ.ડી. ફોરેન્સિક ડોક્ટરની પદવી મેળવી હતી. 34 વર્ષની સર્વિસમાં ડો. હસુમતી બહેને એક્સિડન્ટ, મર્ડર, રેપ એન્ડ મર્ડર, આત્મહત્યા, બર્નસ જેવા અતિ ગંભીર ગણાતા ગુનાઓમાં પોસ્ટમોર્ટમ કરી સચોટ તારણ આપ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન નિષ્ણાત તરીકે હસુમતી બહેન હાલ નિવૃત્ત છે. પોતાની કારકિર્દી દરમિયાન હસુમતીબહેને સરકારી હોસ્પિટલોમાં મેડિકલ ઓફિસર, પોલીસ સર્જન, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર અને સિવિલ સર્જન તરીકે વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી છે. ઉપરાંત ગુજરાતની વિવિધ મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. રેપ કેસના પોસ્ટમોર્ટમ અંગે હસુમતી બહેન કહે છે આવા કેસોમાં સાક્ષી કોઈ હોય નહીં પુરાવા પણ જલ્દી મળે નહીં, એ સમયે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પોલીસ માટે એક માત્ર સહારો હોય છે.

ચિત્રલેખા: હોસ્પિટલમાં ફિમેલ નર્સ કે ડોક્ટર્સ સાથે થતી જાતીય સતામણી વિશે આપનું શું કહેવું છે?
હસુમતીબહેન પટેલ: હું પોતે પણ હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટી કરતી હતી, પોસ્ટમોર્ટમ કરતી હતી. ઘણીવાર દારૂ પીધેલા ગુંડાઓ પણ હોસ્પિટલમાં આવતા હતા. જ્યારે એક મહિલા તરીકે કોઈ તમારી સામે ઉંચા અવાજે બોલે તો તમે સામે બે ઘાંટા પાડીને વધુ ઉંચા અવાજે બોલો તો સામેવાળો પુરૂષ ઢીલો પડી જાય છે. આ મારો અનુભવ રહ્યો છે. એક સ્ત્રી કર્મચારી તરીકે તમે જો ઢીલા પડો તો સામેવાળા આપણી ઉપર ચઢી બેસે. કોઈપણ પુરૂષ કે ગુનેગારને આપણા પર હાવી થવા દેવાના નહીં. જરૂર પડે તો તેને બે લાફા પણ મારી દેવા. સેલ્ફ પ્રોટેક્શન કરવું તો જોઈએ જ. અમારા સમયમાં ફિમેલ સ્ટાફ ઓછો હતો તો નાઈટ ડ્યૂટી ઓછી મળતી હતી. પરંતુ અત્યારે તો ફિમેલ સ્ટાફ વધારે હોય એટલે નાઈટ ડ્યૂટી પણ આવતી જ હોય છે. આથી જાતિય સતામણી સામે ડર્યા વગર સ્વરક્ષણ કરતાં દરેક મહિલાએ શીખવું પડશે.

પોલીસમાં થતી ફરિયાદો પરથી કહી શકાય કે મહિલાઓ સાથે બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ વિશે આપનું શું કહેવું છે
લોકોમાં વિકૃતતા વધી ગઈ છે. પહેલાં પણ બળાત્કારના કેસ આવતા હતા. પરંતુ હવે તો નાની-નાની બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે. બીજી તરફ આ પ્રકારના કિસ્સાઓમાં સજાની જોગવાઈ પણ ઓછી છે. આથી લોકોમાં ભય નથી રહ્યો. વિકૃતતા એ હદે વધી ગઈ છે કે નાની-નાની બાળકીઓ સાથે બળાત્કાર કરીને તેમને મોતને ઘાટ ઉતારીને ફેંકી દેવામાં આવે છે. સજા બરાબર કરવામાં આવે તો જ આ પ્રકારની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.

બળાત્કારની જે ફરિયાદો થાય છે તેમાંથી તમારી પાસે તબીબી પરીક્ષણ માટે આવ્યા બાદ કેટલાં ટકા સાચી ફરિયાદ નોંધાતી હતી?
10 વર્ષથી નીચેની બાળકીઓ સાથે બનતી ઘટનાઓ ખરેખર બળાત્કાર હોય છે. જ્યારે પુખ્ત વયની મહિલાઓની જે ફરિયાદો હોય છે તેમાં 70 થી 80 ટકા કેસમાં સહમતીથી સંબંધો બાંધેલા હોય છે. લાંબા સમય સુધી બંન્ને પાત્ર હર્યા-ફર્યા હોય. પછી મતભેદ થાય અથવા તો માતા-પિતાના પ્રેશરથી મહિલાઓ ફરિયાદ નોંધાવતી હોય છે. જેન્યુન બળાત્કારના કેસ માત્ર 15 થી 20 ટકા જ હોય છે.

આપ જ્યારે કાર્યરત હતા ત્યારે રેપના કિસ્સાઓમાં કોલકતામાં ડોક્ટર સાથે જે ઘટના થઈ છે એવો કોઈ કિસ્સો આવ્યો હતો.
હા મારા સમયમાં પણ આવા કિસ્સાઓ ઘણા મારી પાસે તપાસ માટે આવ્યા હતા. બળાત્કારના કેસમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે પોલીસ તાત્કાલિક ફરિયાદ નોંધતી નથી. લાંબા વિરામ બાદ મહિલાને ડોક્ટરી તપાસ માટે લાવે ત્યારે એવું બને કે તેણે કપડાં બદલી નાખ્યા હોય, સ્નાન કરી લીધું હોય. એટલે જે સીમેન્સ પ્રેઝન્ટ હોય કે બ્લડ મળવું જોઈએ તે પુરાવાઓ મળતા નથી. જેન્યુન કેસમાં પોલીસ તપાસની ઢીલાશના કારણે કેસમાં વિલંબ થાય અથવા તો કેસ ફેઈલ જાય છે. ઘણી વખત અમે લોકો લાળ અથવા તો મહિલાના શરીરે ભરેલાં બચકાંઓ પરથી પુરાવાઓ ભેગાં કર્યા છે.

કોઈ મહત્વનો કેસ જે તમને અત્યારે યાદ આવતો હોય તો,
મારી પાસે એક છોકરીનો ગેંગ રેપનો કેસ આવ્યો હતો. એના વર્જાઈનામાં સીમેન પ્રેઝન્ટ હતું. મેં એ નમૂના FSLમાં મોકલ્યા હતા. હું કોર્ટમાં ગઈ ત્યારે મને પૂછવામાં આવ્યું કે આ ચારમાંથી આ સીમેન કોનું છે એ તો તમે રિપોર્ટમાં જણાવ્યું નથી એટલે એ ગેંગ રેપ સાબિત ના થાય. ખરેખર આવા કેસમાં જેટલાં પણ આરોપી હોય તેના સીમેન પોલીસે લેવા પડે અને તેને FSLમાં મોકલવા પડે. ત્યાં પછી એ વાતનું પરીક્ષણ થાય કે પુરાવામાં મળેલું સીમેન કોનું છે. આમ ઘણી વખત સાચી ફરિયાદોમાં પોલીસ તપાસ બરાબર ન થાય તો પણ ગુનેગારો છૂટી જતા હોય છે.

બીજું એક વખત એક કિસ્સામાં એક 18 વર્ષના યુવકે એક દીકરી પર બળાત્કાર કર્યો હતો. યુવકના પરિવારની પહોંચ ઉપર સુધી હતી માટે એમને લાગતું કે ગમે એમ કરીને દીકરાને બાળ સુધાર કેન્દ્રમાં જવાની સજા મળે એવી ગોઠવણ કરીશું. માટે એમણે દીકરાની ઉંમર 16 વર્ષ દર્શાવી. કેસ મારી પાસે આવ્યો મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ છોકરો 18 વર્ષનો છે અને બળાત્કારના કેસમાં એને સજા મળવી જોઈએ. મે રિપોર્ટ તૈયાર કરીને આપી દીધો. એ છોકરાના પિતાએ મારા રિપોર્ટનો વિરોધ કર્યો તો મેં જન્મના પુરાવા માંગ્યા. એમણે જે પુરાવા રજૂ કર્યા એ બરોબર ન હતા અંતે મારો રિપોર્ટ જ સત્ય પુરવાર થયો. એ છોકરો નહોતો પુરુષ હતો. એટલે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં એને જેલ ભેગો કરવામાં આવ્યો.

આમ બળાત્કારની ફરિયાદોમાં ઘણી બધી ખોટી થતી હોય છે, પરંતુ જેન્યુન ફરિયાદોમાં જો પોલીસ તપાસ બરાબર કરવામાં આવે તો આરોપીને સખતમાં સખત સજા થઈ શકે છે. બીજી તરફ મહિલાઓએ પોતાનું રક્ષણ જાતે જ કરતા શીખવું પડશે એ પણ એટલી જ જરૂરી વાત છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

‘મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન કેમ રડવા લાગ્યા હતા સલમાન ખાન?

મુંબઈ: સલમાન ખાન અને ભાગ્યશ્રીની સુપરહિટ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ 35 વર્ષ બાદ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 1989માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું. એટલું જ નહીં તેની સ્ટાર કાસ્ટ અને ગીતો આજે પણ લોકોમાં ફેમસ છે. આ દરમિયાન હવે સલમાન ખાનનો એક ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શૂટિંગ સાથે જોડાયેલી કેટલીક સુંદર પળોને યાદ કરતા જોવા મળી રહ્યા છે. સૌ જાણે છે કે ભાગ્યશ્રી સેટ પર કેવી રીતે રડી રહી હતી.’મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન સલમાન પણ રડ્યા હતા અને હવે તેણે ખુલાસો કર્યો છે કે તે સેટ પર કેમ રડ્યા હતા.

સલમાન ખાન કેમ રડ્યા?
ઈન્ડો-અરેબિયા સાથેની જૂની વાતચીતમાં સલમાને કહ્યું હતું કે ‘મૈંને પ્યાર કિયા’ના પ્રખ્યાત ગીત કબૂતર જા જાના શૂટિંગ દરમિયાન તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે કહ્યું, ‘હું લગભગ 18 વર્ષનો હતો અને કબૂતર જા જા ગીતનું શૂટિંગ મારા માટે ખરેખર યાદગાર બની ગયું હતું જ્યારે મને ખબર પડી કે મને આના માટે પસંદ કરવામાં આવ્યો છે.’ સલમાને શેર કર્યું કે કેવી રીતે વાર્તાના વર્ણન દરમિયાન તે જેકી શ્રોફ અને અનિલ કપૂર જેવા કલાકારોની કલ્પના કરતો હતો. સલમાન ખાને આગળ કહ્યું, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલી મોટી ફિલ્મમાં કામ કરવાની તક મળશે. તે પ્રથમ વખત હતું જ્યારે મેં વિચાર્યું કે હા, હું આ કરી શકું છું અને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.’

સલમાન ખાનની પહેલી ફિલ્મ
તમને જણાવી દઈએ કે ઘણા ઓછા લોકો જાણે છે કે સલમાન ખાનની પહેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ હતી જે 1988માં રિલીઝ થઈ હતી. તેને ‘મૈંને પ્યાર કિયા’થી ખ્યાતિ મળી હતી. અનેક ઓડિશન આપ્યા બાદ રાજશ્રીએ ‘મૈંને પ્યાર કિયા’ માટે સલમાન ખાનને પસંદ કર્યા જે ભાગ્યશ્રીની પણ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મ પછી સલમાન ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને સફળતા મેળવી. જ્યારે ભાગ્યશ્રીએ પોતાના પરિવારનું ધ્યાન રાખવા માટે ફિલ્મોમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

કોલકાતા રેપ-હત્યા કેસ: CBIને CCTV ફુટેજ મળ્યા

કોલકાતાઃ કોલકાતા કેસમાં સાત લોકોનો પોલિગ્રાફ ટેસ્ટ પૂરો થઈ ચૂક્યો છે. CBIએ કોલકાતા ઓફિસમાં આરોપી સંજય રોય, RG કર મેડિકલ કોલેજના ભૂતપૂર્વ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષ અને ચાર ડોક્ટરોનો પોલીગ્રાફ ટેસ્ટ થયો છે. આ બધા ડોક્ટરો ઘટના સમયે પીડિયાની સાથે હતા. આ સાથે CBIએ સંદીપ ઘોષની વિરુદ્ધ FIR નોંધી છે.

કોલકાતા રેપ-હત્યા કેસનો શિકાર થયેલી 31 વર્ષની ટ્રેની ડોક્ટરની સાથે કામ કરવાવાળી સહ કર્મચારીઓની સાથે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. CBIનું કહેવું છે કે આ ડોક્ટરોના નિવેદનો એકબીજાથી મેળ નથી ખાતાં, જેથી તેમની સાથે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે. તેમનામાં બે ટ્રેનિંગ ડોક્ટર, એક હાઉસ સર્જન અને એક ઇન્ટર્ન ડોક્ટર પણ સામેલ છે.કેન્દ્રીય એજન્સીનું કહેવું છે કે આ ચારો ડોક્ટરો અપરાધમાં સામેલ છે, પરંતુ એ તપાસ કરવી બહુ જરૂરી છે કે શું તેમણે પુરાવાની સાથે નષ્ટ કરવામાં કોઈ ભૂમિકા નિભાવી છે.

CBIને શું મળ્યું?

CBIને આ ચાર ડોક્ટરોમાંથી બેના ફિંગરપ્રિન્ટ ત્રીજા માળે સેમિનાર રૂમમાં મળી આવ્યા છે, જ્યાંથી લાશ મળી આવી હતી. તે રાત્રે હાઉસ સર્જન પહેલા માળેથી ત્રીજા માળે જતા CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાઉસ સર્જનનું કહેવું છે કે તે રાત્રે 2.45 વાગ્યે ત્રીજા માળે ગયો હતો. ઇન્ટર્ન ત્રીજા માળે હતો અને તે રાત્રે તેણે પીડિતા સાથે વાત કરી હતી.

CBIને લાઈ ડિટેક્ટરનો ઉપયોગ કરીને ચાર ડોક્ટરો અને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડa. સંદીપ ઘોષની તપાસ કરવાની પરવાનગી મળી છે. ઘોષની આ કેસને સંભાળવા બદલ ટીકા થઈ હતી. ગઈ કાલે વિશેષ અદાલતે આ માટે લીલી ઝંડી આપી હતી.

કલ્કી માટે પ્રભાસને જોકર કહ્યા બાદ અરશદ વારસી પર ભડક્યા ડિરેક્ટર

મુંબઈ: પ્રભાસ અભિનીત ‘કલ્કી 2898 એડી’ આ વર્ષની સૌથી સફળ ભારતીય ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસ પર આશરે રૂ. 1100 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી ફિલ્મ તાજેતરમાં OTT પર રિલીઝ થઈ છે અને તે પણ એક નહીં પરંતુ બે પ્લેટફોર્મ પર. કલ્કી 2898 એડી પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે, જેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને દર્શકો, ફિલ્મ સમીક્ષકો અને સેલેબ્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ હાલમાં જ અરશદ વારસીએ ફિલ્મમાં પ્રભાસના પાત્ર વિશે એવી વાત કરી હતી કે ત્યારથી તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં અરશદ વારસીએ કલ્કી 2898 એડીમાં પ્રભાસના પાત્ર ‘ભૈરવ’ના લુકની તુલના ‘જોકર’ સાથે કરી હતી. સાઉથ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સને ફિલ્મ પર રિવ્યુ આપતી વખતે અરશદ વારસીએ જે કહ્યું તે ગમ્યું નહીં અને ફરી એકવાર સાઉથ વિરુદ્ધ બોલિવૂડનું યુદ્ધ શરૂ થઈ ગયું. આ દરમિયાન ફિલ્મના નિર્દેશક નાગ અશ્વિને પણ અરશદ વારસીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી અને તેની સખત નિંદા કરી હતી.

અરશદ વારસીના નિવેદન પર નાગ અશ્વિને પ્રતિક્રિયા આપી

નાગ અશ્વિને સોશિયલ મીડિયા દ્વારા અરશદ વારસીના ‘જોકર’ નિવેદન પર પ્રતિક્રિયા આપી અને બોલિવૂડ વર્સીસ ટોલીવુડ મુદ્દા પર પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો. આ સાથે તેણે એ પણ ધ્યાન દોર્યું કે કલ્કી 2898 એડી પછી, પ્રભાસ કલ્કી 2 માં વધુ શક્તિશાળી અવતારમાં જોવા મળશે. નાગ અશ્વિને એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે આ સમગ્ર મામલાને લઈને અરશદ વારસી પર નિશાન સાધ્યું છે.

અરશદના નિવેદન પર નાગ અશ્વિને શું કહ્યું?
નાગ અશ્વિને પોતાના ટ્વીટમાં લખ્યું ,’ચાલો બહુ દૂર પાછા ન જઈએ… હવે ઉત્તર-દક્ષિણ કે બોલિવૂડ વર્સીસ ટોલીવુડ નહીં.. મોટા ચિત્ર પર નજર રાખીએ છીએ.. યુનાઈટેડ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી.. અરશદ સાહેબને તેમના શબ્દો કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ, પરંતુ ઠીક છે… અને કલ્કી 2 માં પ્રભાસને તેના શ્રેષ્ઠ દેખાવ માટે સખત મહેનત કરીશ.’

અરશદ વારસીએ શું કહ્યું?

હકીકતમાં, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અરશદ વારસીએ કલ્કી 2898 એડીમાં પ્રભાસના લુકની જોકર સાથે સરખામણી કરી હતી. તેણે કહ્યું હતું કે પ્રભાસ જોકર જેવો દેખાતો હતો. મને મેડ મેક્સ જોવાની આશા હતી. હું મેલ ગિબ્સનને ત્યાં જોવા માંગતો હતો. તમે તેનું શું કર્યું, મેન? તમે આવું કેમ કરો છો, મને સમજાતું નથી. અરશદના આ નિવેદન બાદ સુપરસ્ટાર નાનીથી લઈને સુધીર બાબુ સુધી બધાએ અભિનેતા પર નિશાન સાધ્યું હતું.

શું ‘ધરોહર મેળા’માં કોઈ પણ રાઈડ્સ જોવા નહીં મળે ?

રાજકોટમાં બનેલી માનવ સર્જીત સૌરાષ્ટ્રની સૌથી મોટી દુર્ઘટના બાદ, હવે રાજકોટ તંત્ર સજ્જડ સજાગ બન્યું છે. આવનાર જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા મેળાઓમાં મોટી રાઈડ્સ મામલે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ SOPને લઈને રાજકોટ લોકમેળામાં રાઈડ્સ લગાવવા ઈચ્છુક સંચાલકોએ SOPમાં આંશિક રાહત મળે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટની પ્રથમ સુનાવણીમાં SOPને લઈ કોઈ બાંધછોડ કરવાની ઈન્કાર કર્યો છે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રાઈડ્સ વગર જ યોજાઈ તેવી શક્યતા છે.

રાજકોટમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર સહિત હાઈકોર્ટ પણ સુરક્ષાને લઈ આકરું વલણ અપનાવ્યુ છે. એવામા જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. ત્યારે આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ કરવા ઇચ્છતું ન હોવાથી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. તેવામાં આ SOP સંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો SOPમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તો બીજી બાજું હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઈડ્સનું કામ તંત્રએ અટકાવી દીધું હતું. દરમિયાન આ અંગે આજે પ્રથમ સુનાવણી થઇ હતી જેમાં કોર્ટે કોઈપણ છૂટછાટ આપવાની મનાઈ કરી દીધી હતી. જે અંગે વધુ સુનાવણી આગામી 27મીએ થવાની છે.

દેશમાં ગોલ્ડ લોન માર્કેટ પાંચ વર્ષમાં બમણું થવાની શક્યતા

નવી દિલ્હીઃ આકરા નિયમોને કારણે અને ગ્રોથમાં નરમાઈને શક્યતા છતાં દેશનું સંગઠિત ગોલ્ડ લોન માર્કેટ આગામી પાંચ વર્ષમાં બમણું વધીને રૂ. 14.19 લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે એમ PWC ઇન્ડિયાનો એક રિપોર્ટ કહે છે.  આ ગોલ્ડ લોન બજાર આગામી પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ 14.85 ટકા ચક્રવૃદ્ધિદર (CAGR)થી ગ્રોથ જોવા મળશે, વર્ષ 2023-24માં ગોલ્ડ લોન માર્કેટ 7.1 લાખ કરોડના મૂલ્યાંકને પહોંચ્યું હતું.

અહેવાલ અનુસાર ભારતીય પરિવારો પાસે જંગી સોનું છે, જે અંદાજે 25,000 ટન છે. ભારતીયો પાસે જે સોનું છે તેનું અંદાજિત મૂલ્ય રૂ. 126 લાખ કરોડ થાય છે. આગામી બે વર્ષ ગોલ્ડ લોન માર્કેટમાં સાધારણ ગ્રોથ જોવા મળશે, કારણ કે ગોલ્ડ પર ધિરાણ આપતી કંપનીઓ સામે લોન ટુ વેલ્યુ (LTV) મેઇનન્ટેઇન્સ સંબંધિત અને લિલામી સંબંધિત પ્રક્રિયાઓ અંગે હાલ નિયામકીય સ્ક્રુટિની વધી ગઈ છે.ગોલ્ડ લોન ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી કંપની પર અંકુશને કારણે નિષ્ક્રિય રહેવાથી ચાલુ વર્ષે ગોલ્ડ લોન માર્કેટના ગ્રોથને પર અસર પડશે. આ ઉપરાંત RBIએ એનબીએફસીને કેશ ડિસ્બર્સમેન્ટ માટે મહત્તમ મર્યાદા રૂ. 20,000 નક્કી કરી હોવાથી ગ્રાહકો બિનસંગઠિત ક્ષેત્ર તરફ વળે તેવી સંભાવના છે.

વળી, છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ ખાસ્સા વધી ગયા છે તે જોતાં કંપનીઓ ધિરાણ કરવામાં સાવચેતીનો અભિગમ અપનાવે તેવી સંભાવના છે, કારણ કે જો સોનાના ભાવમાં ઘટાડો થાય તો LTV રેશિયની મર્યાદા ચૂકી જાય તેવી સંભાવના રહે છે. આવા સંજોગોમાં લિલામી સહિતમાં ઓપરેશનલ સમસ્યા ઊભી થઈ શકે છે. પ્રાઈસવોટરહાઉસકૂપરના રિપોર્ટ અનુસાર બેન્કો અને NBFC બન્ને દ્વારા ગોલ્ડ લોન માર્કેટમાં ગ્રોથ જોવા મળશે તેમ જણાય છે.

 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી સારી બેટિંગ જોવા મળી રહી છે, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. પાણી સારી આવક થતા ડેમનું રુલ રેવલ જાળવવા માટે 9 દરવાજા 0.80 મીટર સુધી ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા જિલ્લાના અન્ય બે ડેમ પણ ઓવર ફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ચોપડવાવ ગામ પાસે આવેલો ચોપડવાવ ડેમ અને નાના કાકડીઆંબા ડેમ ઓવર ફ્લો થયો છે. આ ડેમ ઓવર ફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત લોકોને નદી કિનારે અવર જવર નહીં કરવા સૂચના અપાઇ છે. બીજી બાજુ ડેમથી સાગબારા તાલુકાના કોડબા, ચોપડવાવ, ચિત્રાકેવડી, સીમઆમલી, ભવરીસવ૨, પાનખલા, કેલ, સાગબારા, કનખાડી, મોરાવી, પાંચપીપરી, પાટ, ધનસેરા, ગોટપાડા, સેલંબા, નવાગામ, ખોચરપાડા, નરવાડી અને ગોડાદેવી સહિત કુલ 19 ગામને સિંચાઈના પાણીનો લાભ મળશે.

રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલું પાણી છે. જયારે 52 ડેમ પાણીથી 100 ટકા ભરાઈ ગયા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. મહેસાણા જિલ્લા સહિત તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. તેવામાં રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં પાણીની આવક થઇ છે. રાજ્યમાં નાના-મોટા કુલ 206 જળાશયોમાં 64 ટકા જળ સંગ્રહ થયો છે.ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 88 ટકા જળ સંગ્રહ થયો છે. આ સાથે રાજ્યના 66 જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે.

ગુજરાત કોર્ટ વિધેયક વિધાનસભામાં પસાર

વિધાનસભા ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થાને નુકશાન કરતા બુટલેગરો, જી.એસ.ટીના કૌભાંડીઓ, જાહેર સેવકો, રાષ્ટ્ર વિરોધીની પ્રવૃત્તિ કરનારા લોકો, ભુમાફીયાઓ, ડ્રગ માફીયાની સંપતિ જપ્ત કરવા ગુજરાત વિશેષ કોર્ટનો કાયદો બન્યો છે, સંજોગોની મજબૂરીના કારણે અથવા ક્ષણિક આવેગમાં થયેલા કોઇ નાના-મોટા ગુનાઓમાં ફસાયેલા આરોપીઓને આ કાયદો લાગુ પડતો નથી. આવા તમામ મોટા ગુનેગારો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સર્જીકલ સ્ટ્રાઇક એટલે આ કડક કાયદો છે.

સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે

હર્ષ સંઘવીએ કહ્યુ કે, કળિયુગમાં દાનવોના નાશ માટે કાયદો અમોઘ શસ્ત્ર છે. જેમ દાનવો દ્વારકાધીશના સુદર્શન અને સોમનાથ મહાદેવના ત્રિશૂળથી ભય પામે છે તેમ ગુનાહિત પ્રવૃત્તિ કરીને ગુનો આચારનારા લોકો આ કાયદાથી ભય પામે છે. આ કાયદો ગરીબો અને શોષિતોની સંપત્તિ પડાવીને એકઠી કરેલી સંપત્તિને ગુનેગારો પાસેથી જપ્ત કરી ગરીબો, શોષિતો અને વંચિતોના વિકાસ માટેનું ગંગાજળ છે. સાચો ન્યાય ત્યારે જ થાય જ્યારે આરોપીને સજા ઝડપથી મળે ઘણા ગુનાઓ ગંભીર હોય છે પરંતુ તેમાં સજા ઓછી હોય છે.જેથી આવા ગુનાના આરોપીઓ જામીન ઉપર છુટીને વારંવાર ગુનાહીત પ્રવૃતિ આચરતા રહે છે અને આવા ગુનાઓના માધ્યમથી આર્થિક રીતે પણ સદ્ધર થતા જાય છે.

વિકાસનો નવો માર્ગ બતાવતું ગ્રીન વિલેજ એટલે વલસાડનું ‘અતુલ’

વલસાડ: અતુલ એ રાજ્યના દક્ષિણ છેડે વલસાડ જિલ્લામાં આવેલું સ્વચ્છ અને હરિયાળું ગામ છે. લગભગ સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતા આ ગામને નાબાર્ડની મદદથી ગ્રીન વિલેજ તરીકેની ઓળખ મળી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા IGBC (ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ) એ આ ગામની ગ્રીન સિસ્ટમ્સનું મૂલ્યાંકન કર્યું. ત્યારે તેણે તેને સૌથી વધુ રેટિંગ (પ્લેટિનમ કેટેગરી) આપ્યું અને ગામને ગ્રીન વિલેજ તરીકે જાહેર કર્યું. નોંધનીય છે કે અત્યાર સુધી 11 રાજ્યોમાં માત્ર 35 ગામોને જ ગ્રીન વિલેજ તરીકે માન્યતા મળી છે. અતુલ ગુજરાતના પુંસરી અને સુરપુર પછી ગ્રીન વિલેજ તરીકે ઓળખાતું ત્રીજું ગામ બન્યું છે.આપણા દેશમાં 6 લાખથી વધુ ગામડાઓ છે અને તે એક સ્થાપિત હકીકત છે કે ગામડાઓ શહેરો કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. ઘણા ગામોમાં પર્યાવરણ સંરક્ષણ સંબંધિત ઘણી પ્રથાઓ અનુસરવામાં આવે છે. પરંતુ પર્યાવરણ એ લોકોના સુધરેલા જીવનધોરણની કિંમત ચૂકવવી ન જોઈએ. ગ્રીન વિલેજ એટલે એવું ગામ જેમાં લોકોને સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ અને પર્યાપ્ત પાણી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન અને નિકાલ હોય, વૃક્ષો, તળાવો અને નદીઓ વગેરેનું બિનજરૂરી કાપ ન હોય, પ્રદૂષણથી મુક્ત હોય અને પૂરતો વરસાદ હોય અને પાણીનું યોગ્ય સંચાલન થતું હોવું જોઈએ.અતુલ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં લાંબા સમયથી મોટાભાગની હરિયાળી પ્રથાઓનું પાલન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપની અતુલ લિ. (ATUL Ltd.) તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ આ ગામમાં ઘણી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીને લોકોને ગુણવત્તાયુક્ત જીવનનો માર્ગ બતાવ્યો છે. લોકો પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત છે અને તમામ સરકારી અને બિનસરકારી પ્રયાસોમાં સહયોગ આપી રહ્યા છે. હરિયાળા ગામ તરીકે ઓળખ મેળવ્યા બાદ હવે આ ગામ રાષ્ટ્રીય મંચ પર ઓળખ મેળવી રહ્યું છે.નાબાર્ડ, ગુજરાતે આ ગામની હરિયાળી પ્રથાઓને રાષ્ટ્રીય માન્યતા આપવા માટે ગામના સરપંચ અને અતુલ લિ. સાથે સહયોગ કર્યો. આઈ.જી.બી.સી.ના અધિકારીઓને રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નાબાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે અતુલ ગામમાં પર્યાવરણ સંરક્ષણ અને કચરાના વ્યવસ્થાપન માટે ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે.નાબાર્ડે ગ્રામ પંચાયતને ”ગ્રીન વિલેજ’ તરીકે પ્રમાણપત્ર આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને રેટિંગ માટે જરૂરી નાણાકીય સહાય પણ આપી. રેટિંગ માપદંડો સમજાવવામાં આવ્યા હતા અને IGBC સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. IGBC એ ગ્રાઉન્ડ લેવલ પર સુધારા માટે કેટલાંક વધુ પગલાં સૂચવ્યા. આ પછી રેટિંગ એજન્સીના અધિકારીઓ ગામમાં આવ્યા અને તમામ વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું. ગામને સાત મુખ્ય માપદંડો પર રેટ કરવામાં આવ્યું. આરોગ્ય અને સ્વચ્છતા, ગામમાં પાયાની સુવિધાઓ, પાણીનું સંરક્ષણ, વીજળીની ઉપલબ્ધતા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ, સામગ્રી અને સંસાધનો, સામાજિક અને સામુદાયિક પ્રવૃત્તિઓ અને નવીન ગ્રીન પ્રેક્ટિસ. આ સાત માપદંડો હતા. અતુલ ગામે શ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું અને ગ્રીન વિલેજનું પ્લેટિનમ પ્રમાણપત્ર મેળવ્યું.નાબાર્ડ, ગુજરાતના ચીફ જનરલ મેનેજર બી. કે. સિંઘલ માને છે કે અતુલ વિલેજ સરકારી તંત્ર સાથે ખાનગી ક્ષેત્ર અને જનતા વચ્ચેની ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. નાબાર્ડે ગામને IGBC રેટિંગ માટે ટેકો આપ્યો જેથી ગ્રામજનો પર્યાવરણ સંરક્ષણમાં વધુ ઉત્સાહપૂર્વક યોગદાન આપે અને તેમની નવીન પહેલ અન્ય ગામોને આવી હરિયાળી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરે.જો અતુલ ગામમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો ગામમાં ધોરણ 12 સુધીની બે શાળાઓ, બે આંગણવાડી, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, સરકારી અને ખાનગી બેંકો, ATM, બે હોસ્પિટલ, ક્રિકેટનું મેદાન, પર્યાપ્ત જાહેર શૌચાલય, કોમ્યુનિટી સેન્ટર, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કૌશલ્ય વિકાસ કેન્દ્ર, ગેસ સંચાલિત સ્મશાનગૃહ વગેરે. પરંતુ એક વખત સુવિધા પુરી પાડવી પુરતી નથી. તે સુવિધાઓની નિયમિત જાળવણી અને યોગ્ય સંચાલન દ્વારા જ સ્થળ આદર્શ બને છે. આ દૃષ્ટિકોણથી ગામમાં લોકભાગીદારી પણ અજોડ છે.ગામમાં, ભીનો અને સૂકો કચરો ઘરોમાંથી અલગ-અલગ એકત્ર કરવામાં આવે છે. રસ્તાઓ દરરોજ સાફ કરવામાં આવે છે. જાહેર ઈમારતો અને બજારો વગેરેમાં પીવાના પાણી અને શૌચાલયની પૂરતી સગવડ છે અને તે નિયમિતપણે સાફ કરવામાં આવે છે. ગામમાં લાંબા સમયથી ખુલ્લામાં શૌચ કરવાની કોઈ સમસ્યા નથી.લોકો શિક્ષણ, તબીબી અને કૌશલ્ય-વિકાસ સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને નદીઓ અને તળાવો પ્રમાણમાં પ્રદૂષણમુક્ત છે. ખાતર બનાવવા માટે છાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આમ, જનભાગીદારીથી ગામ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પ્રથાઓનું પાલન કરે છે. ગામડાના પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જીવનના ઉત્તરાર્ધમાં તેમની પ્રવૃત્તિઓમાં પણ જોઈ શકાય છે. ગામના સ્મશાનગૃહમાં ગેસ સંચાલિત સ્મશાનગૃહ છે. વૃક્ષોને બચાવવા માટે ગ્રામજનોએ આ નવતર પ્રયોગને ખુશીથી સ્વીકાર્યો છે. એટલે કે અતુલ ગામ પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને ટકાઉ વિકાસનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે.ગ્રામ પંચાયતની ઇમારતમાં વાઇ-ફાઇ સુવિધા છે, રસ્તાઓ પર એલઇડી લાઇટો છે, સ્વચ્છ અને સુસજ્જ આરોગ્ય કેન્દ્રો છે. પરંતુ પ્રગતિનો માર્ગ ક્યારેય સમાપ્ત થતો નથી. ‘ગ્રીન’ વિલેજ જાહેર થયા પછી, ગ્રામજનો ઉત્સાહિત છે અને હવે હરિયાળી પ્રથાઓ પ્રત્યેનું તેમનું સમર્પણ પહેલા કરતા વધારે છે.અતુલ જેવા હરિયાળા ગામો આપણા માટે વિકાસની નવી વ્યાખ્યા લખી રહ્યા છે. થોડા સમય પહેલા સુધી વિકાસ અને પ્રગતિનો અમારો વિચાર એવો હતો કે આલીશાન બંગલા, ચમકદાર રસ્તાઓ અને ઝડપી ગાડીઓ હોવી જોઈએ. પરંતુ આબોહવા પરિવર્તનની કટોકટીએ આપણને શીખવ્યું છે કે પ્રકૃતિનો નાશ કરીને આપણે લાંબા સમય સુધી ટકી શકતા નથી. અતુલ જેવા હરિયાળા ગામો દરેકને આ પ્રકારના વિકાસ માટે પ્રેરણા આપશે જેમાં આપણી ભાવિ પેઢીઓ અને આપણી પ્રગતિ માટે સ્વચ્છ હવા, પાણી અને જમીન ઉપલબ્ધ થશે.

CM ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ કાયદાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો એ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.

આ ઉપરાંત, બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે, અગાઉ ખુટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કિંગ માટે ગુજરાતમાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.