Home Blog Page 1547

ફરાળી સામાના વડા

જન્માષ્ટમીના ઉપવાસમાં ફરાળ માટે સામાના વડા બનાવશો તો દરેકને બહુ જ ભાવશે! કેમ કે, તે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રન્ચી બને છે! આ વડા કોથમીરની ચટણી અથવા દહીંની ચટણી સાથે સારાં લાગશે!

સામગ્રીઃ

  • સામો 1 કપ
  • બાફેલા બટેટા 3-4
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 4
  • કાળાં મરી પાઉડર 1 ટે.સ્પૂન
  • જીરુ 1 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • તેલ તળવા માટે
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • શેકેલા શીંગદાણાનો પાઉડર ½ કપ
  • ખાંડ 1 ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટે.સ્પૂન
  • શેકેલા જીરાનો પાઉડર 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ

દહીંની ચટણીઃ

  • દહીં 1 કપ
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાળાં મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • શેકેલા શીંગદાણાનો પાઉડર 1 ટે.સ્પૂન
  • લીલાં મરચાં 2
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ

રીતઃ સામાને 2-3 પાણીએથી ધોઈને પાણી નિતારી લો.

એક કૂકરમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 ટે.સ્પૂન ઘી તેમજ જીરૂ ઉમેરી સામો ઉમેરીને કૂકર બંધ કરીને ગેસની મધ્યમ આંચે 2 સીટી કરી લો.

કૂકર ઠંડું થાય એટલે સામો બહાર એક થાળીમાં કાઢીને મેશ કરી લો. બાફેલા બટેટાને પણ મેશ કરીને તેમાં ઉમેરો. હવે તેમાં ખમણેલું આદુ, ઝીણાં સમારેલાં મરચાં, કાળાં મરી પાઉડર, સ્વાદ મુજબ સિંધવ મીઠું, સમારેલી કોથમીર, શીંગદાણાનો ભૂકો, શેકેલા જીરાનો પાઉડર, લીંબુનો રસ, ખાંડ, 1 ટે.સ્પૂન સફેદ તલ મેળવીને હાથેથી મિશ્રણ એકસરખું મેળવી દો.

હવે હાથ તેલ વાળા કરીને આ મિશ્રણમાંથી લૂવો લઈ તેનો ગોળો વાળીને ચપટો આકાર આપીને ગોળા તૈયાર કરી લો. વડાની બંને બાજુએ થોડા તલ લગાડી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને તેમાં વડાં સોનેરી રંગના તળી લો.

દહીંની ચટણી બનાવવા માટે એક બાઉલમાં દહીંને જેરણીથી વલોવી લો. ત્યારબાદ તેમાં શીંગદાણાનો ભૂકો, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, કાળાં મરી પાઉડર તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું મેળવીને ચટણી તૈયાર કરીને ફ્રીજમાં મૂકી દો. વડા પીરસતી વખતે ચટણી પ્લેટમાં પીરસો.

૨૪ ઓગસ્ટ, ૨૦૨૪

ગીતકાર સઇદ કાદરી ‘મર્ડર’ થી જાણીતા બન્યા 

કહો ના કહો, અગર તુમ મિલ જાઓ, હમારી અધુરી કહાની જેવા ગીતોથી જાણીતા રહેલા ગીતકાર સઇદ કાદરી બોલિવૂડમાં સાત વર્ષના સંઘર્ષ પછી કોઈ કામ ન મળતા ઘરે પાછા જતા રહ્યા હતા. ઘણા નિર્માતા- નિર્દેશકો અને સંગીતકારોને મળ્યા પણ મેળ પડ્યો ન હતો. એકમાત્ર મહેશ ભટ્ટ સઇદના ગીતો સાંભળતા હતા અને કહેતા હતા કે તક મળશે ત્યારે તારા ગીતનો ઉપયોગ કરીશું. બીજા નિર્દેશકોએ પણ વાયદો કર્યો હતો. પરંતુ સાત વર્ષમાં એવો સમય આવ્યો ન હતો. એ ઘરે પાછા ફરીને જીવન વીમામાં એજન્ટ તરીકે જોડાઈ ગયા હતા. પરંતુ લખવાનું ચાલુ રાખ્યું હતું. દરમ્યાનમાં ‘તારક મહેતા’ નું પાત્ર ભજવનાર કવિ શૈલેષ લોઢાએ એક પુસ્તક તૈયાર કર્યું હતું અને એના વિમોચન માટે મહેશ ભટ્ટ આવવાના હતા.

સઇદના સંઘર્ષ વિશે જાણતા ભાઈએ કહ્યું કે અખબારમાં સમાચાર છે કે મહેશ ભટ્ટ શહેરમાં આવી રહ્યા છે. તમારી એમની સાથે ઓળખાણ રહી છે તો આપણે એમને મળવા જઈશું. સઇદનું માનવું હતું કે મહેશ ભટ્ટ બહુ મોટી હસ્તી બની ચૂક્યા હતા. એમને મારા જેવા ‘સઇદ કાદરી’ અનેક મળતા હશે. હું યાદ પણ નહીં હોઉં. તેથી એમ કહીને ના પાડી દીધી કે મને ઓળખશે નહીં તો તકલીફ થશે. બીજા દિવસે જ્યારે સઇદ કામ પર જતા હતા ત્યારે ભાઈ આવ્યો અને વિચાર્યું કે ઇરાદો બદલાય તો આવે પણ ખરા. એટલે ફરી એક વખત પૂછ્યું કે આવશો? અને સઇદને થયું કે ભાઇનો આગ્રહ છે તો જઈ આવવું જોઈએ. અપમાન થાય તો પણ વાંધો નહીં. અને સઇદ એના સ્કૂટર પર બેસીને એ ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચ્યા જ્યાં મહેશ ભટ્ટ રોકાયા હતા.

સઇદ હોટલની લોબીમાં પ્રવેશ્યા ત્યારે જ મહેશ ભટ્ટ દાદર ઉતરીને નીચે આવી રહ્યા હતા. એમની નજર સઇદ પર પડી અને એ ત્યાં જ રોકાઈ ગયા. સઇદને ઓળખી ગયા અને દોડીને ભેટી પડ્યા. એમણે પ્રેમથી ફરિયાદ સાથે પૂછ્યું કે ભાઈ, તું મુંબઈથી કોઈને કહ્યા વગર કેમ જતો રહ્યો હતો? ફોન પણ ના કર્યો? લખવાનું-વાંચવાનું ચાલુ છે કે? અને આ દિવસોમાં શું લખ્યું છે? સઇદે હા કહ્યું એટલે એને રૂમમાં લઈ ગયા. સઇદે નવી રચના લખેલી એ ‘આવારાપન બંજારાપન’ સંભળાવી.

મહેશ ભટ્ટે તરત જ કહ્યું કે આ ગીત મારી પુત્રી પૂજાની ફિલ્મ ‘જિસ્મ’ (2003) માટે લઈ લઉં છું. સઇદે ‘જિસ્મ’ માં એ સિવાય ‘શિકાયત હૈ’ અને ‘મેરે ખ્વાબોં કા’ સહિત ત્રણ ગીત લખ્યા. એ ઉપરાંત મહેશ ભટ્ટે ‘સાયા’ (2003) ના બધા જ ગીતો સઇદ પાસે લખાવ્યા હતા. ‘પાપ’ (2004) માં એક જ ગીત મળ્યું. પરંતુ ‘મર્ડર’ (2004) ના કુણાલ ગાંજાવાલાએ ગાયેલા ‘ભીગે હોંઠ તેરે પ્યાસા દિલ મેરા’ સહિતના ગીતોએ સંગીતની દુનિયામાં ધૂમ મચાવી દીધી અને સઇદ કાદરી એક ગીતકાર તરીકે સફળ થઈ ગયા. ગીતકાર તરીકે વીસ વર્ષમાં સઇદે ‘ગદર 2’ (2003) સુધી અનેક ગીતો લખ્યા છે.

રાશિ ભવિષ્ય 24/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમા ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવુ લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમા આવી શકો છો. વેપારમા નાનુ કામ કરવુ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા આયોજનવાળુ કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટો પ્રવાસ થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદર ના થતી હોય તેવુ વધુ લાગે, મન પરાણે મોટુ રાખવું પડતુ હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારમા કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામા આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમા તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામા આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શકાય તેવા સંજોગો બની શકે છે. વેપારમા નાનુ કામ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમા થોડું ચિડીયાપણુ જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવુ, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમા ન ઉતરવુ, માર્કેટિંગમા મહેનત વધુ પડે, વેપારના કામકાજમા જોખમ ન કરવુ.


આજનો દિવસ સામાન્ય છે, કામમા સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમા ઉત્તેજનાને લીધે ગેરસમજ ના થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમા નાનુ કામ કરવુ જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સાંભળવા મળી જાય, કોઈ સામાજિકકે ધામિકકામકાજમા તમે તમારુ યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમા જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનુ હોયતો તેમા પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમા થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમા સુમેળ થોડો ઓછો જોવા મળી શકે છે, કામકાજમા થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમા તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમા તમને કોઈ મોટીતકલીફ ન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમા થોડી નિરાસા જોવા મળી શકે છે, વેપારમા જોખમ ન કરવુ, પ્રિયજન સાથે કોઈ મનદુખ ના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે, વડીલવર્ગને ભૂતકાળમા કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમા યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવુ બની શકે છે, નોકરીકે વ્યવસાયમા ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે છે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે.

લોકો કોઈ ‘સારી આદત’ના પણ ગુલામ હોય છે?

મારા પિતરાઈ ભાઈનાં મામી સુવર્ણાબેન ધનાઢ્ય પરિવારનાં હતાં. ભાવનગરમાં તેમના પિયરમાં વિશાળ બંગલો હતો, જેમાં આખા દિવસ માટે રસોઈયો, નોકર-ચાકરો, ડ્રાઈવર, વગેરે કામ કરતા. આ કુટુંબનું ઘણું માન હતું. તેઓ બીજી બધી રીતે સાદગીપૂર્ણ જીવન જીવતા અને માનવસેવા માટે ઉદાર હાથે દાન કરતા. તેમના પિતા મોટા વેપારી હતા, જેમણે હંમેશાં પ્રામાણિકતા અને નીતિમત્તા સાથે ધંધો કર્યો હતો અને તેમનું જીવન ઉચ્ચ આદર્શોથી પ્રેરિત હતું.

સુવર્ણા મામીમાં પિતાનો આ વારસો ઊતર્યો હતો. તેઓ મામા સાથે ભોપાળમાં સ્થાયી થયાં હતાં. મામા લાકડાના વેપારી હતા. વૅકેશનમાં અમે એકાદ-બે દિવસ તેમના ઘરે રહેવા જતા અને તેઓ અમને ઘણી સારી રીતે રાખતા. મામી અત્યંત પ્રેમાળ હતાં. તેમની પાસેથી ઘણું શીખવા જેવું હતું. તેઓ કરકસર કરતાં અને સાદગીમાં માનતાં. નાનપણમાં તો મને તેમના આ ગુણ ઘણા ગમતા, પરંતુ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મને લાગ્યું કે કરકસર વગર જાણે તેમનું જીવન શક્ય ન હતું.

દુનિયાને લોકોની કેટલીક આદતો ઘણી સારી લાગતી હોય છે. આપણે બધા તેનાં વખાણ કરતાં થાકતા નથી, પરંતુ એ વ્યક્તિ માટે આદતો બોજરૂપ બની જાય છે. કમનસીબે, એ વ્યક્તિ આ બાબતથી અજાણ હોય છે. સુવર્ણાબેનના ઉદાહરણ પરથી આ વાતને સમજીએ. તેઓ ક્યારે પણ ખરીદી કરવા જાય ત્યારે કાયમ ભાવતાલ કરે. તેમનું એક સામાન્ય વાક્ય હોયઃ ”આપણી મહેનતની કમાણી કંઈ ઉડાડી ન દેવાય.” ભાવતાલ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ આપણે તેના કારણે ઓળખાવા લાગીએ એ વાત તકલીફ ઊભી કરે છે. મામી શાકભાજીવાળા સાથે ભાવતાલ કરે એ તો સમજ્યા, પણ તેઓ ફિક્સ્ડ ભાવની સરકારી નોટિફાઇડ દુકાનોમાં પણ ડિસ્કાઉન્ટ માગવા લાગી જાય. જો ભાવમાં કોઈ ફરક પડવાનો ન હોય તો તેઓ કોઈ ફ્રી ગિફ્ટ માગી લે. તેમણે બચાવેલા પૈસા કે મેળવેલી ફ્રી ગિફ્ટ આખરે તો કોઈ જરૂરતમંદને જ મળવાની હોય છે. મામાની કમાણી સારી હતી અને પરિવાર સમૃદ્ધ હતો. મને હજી યાદ છે, સુવર્ણાબેને ભોપાળ ગૅસ કાંડ વખતે ઘણા જરૂરતમંદોને સહાય આપી હતી. તેઓ તેમને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં અને તેમની સારવાર પાછળ ઘણો ખર્ચ કર્યો હતો. એમાંથી કેટલાક લોકો એવા હતા, જેમની સાથે તેઓ ખરીદી કરતી વખતે ભાવતાલ કરતાં.

એક વખત મેં મામીને પૂછ્યું હતું કે તેઓ શા માટે ફેરિયાઓ સાથે ભાવતાલ કરે છે. ”તમે તેમને પૂરેપૂરી રકમ આપો અને તેમાંથી બચત અને રોકાણ કરવાની તેમને સલાહ આપો,” એવું મેં તેમને સૂચવ્યું હતું. તેમણે જવાબ આપ્યો, ”તેઓ બચત અને રોકાણ તો કરશે, પરંતુ પૈસા ભેગા થયા પછી બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચી કાઢશે.”

મામીના વ્યક્તિત્વની બે બાજુઓ હતી. એક, તેઓ કરકસરમાં માનતાં અને બે, તેઓ જરૂરતમંદોને મદદ કરવામાં અચકાતાં નહીં. એમ જોવા જઈએ તો આ બન્ને ગુણ સારા કહેવાય. જો કે, એમાં એક જ સમસ્યા છે. માણસ પોતાના અહમને સંતોષવા ખાતર એવું કરતો હોઈ શકે. ”હું કરકસર કરું છું” અને ”હું વખત આવ્યે બીજાઓને મદદ કરું છું,” એવા વિચારમાં હુંપણું રહેલું છે.

એક ત્રીજી વ્યક્તિ તરીકે મારે તેમના કે બીજા કોઈના આવા વલણ બાબતે મત બાંધી લેવાનું યોગ્ય ન કહેવાય. વાસ્તવમાં દરેક વ્યક્તિએ અંતરાત્મામાં ડોકિયું કરીને જોવું જોઈએ કે પોતાના વલણમાં કોઈ હુંપણું રહેલું છે કે કેમ. આ સવાલનો જવાબ મેળવવાનું સહેલું નથી, કારણ કે સ્વની ઓળખ કરવાનું ઘણું અઘરું હોય છે. આપણે સવાલ પૂછશું તો આપણું મન આપણા વલણને યોગ્ય પુરવાર કરવા માટેનાં અનેક કારણો આગળ ધરવા લાગી જશે.

આથી જાતને પૂછવાને બદલે પોતે જે સામાન્ય રીતે કરતા હોઈએ તેના કરતાં અલગ વર્તન કરવું, અર્થાત્ ભાવતાલ કરવાને બદલે માગેલો ભાવ આપી દેવો અને કોઈ વ્યક્તિને આર્થિક સહાય કરવી નહીં. આપણે ભાવતાલ કર્યા વગર પૈસા ચૂકવી દેવાનું તો આસાનીથી કરી શકશું, પરંતુ કોઈને મદદ નહીં કરીએ તો આપણું મન ખિન્ન થઈ જશે. જો એવું થાય તો સમજી લેવું કે આ બન્ને પ્રકારનું વર્તન અત્યાર સુધી આપણા અહમને પોષતું આવ્યું છે.

દુનિયા ભલે આપણા વ્યવહારનાં વખાણ કરે, પરંતુ ખરેખર તો આપણે તેના ગુલામ બની ગયા હોઈએ છીએ અને ગુલામને કોઈ સ્વતંત્રતા હોતી નથી. સ્વતંત્રતા નહીં હોવાને કારણે ગુલામ ખુશ રહી શકતો નથી. જો આપણે કોઈ આદતના ગુલામ બની ગયા હોઈશું તો એ વર્તનને ક્યારેય બદલી નહીં શકીએ.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

પંચાંગ 24/08/2024

સુરત મેટ્રોમાં બીજી વખત દુર્ઘટના, કાટમાળ હટાવવાનું પ્લાનિંગ શરૂ

સુરત મેટ્રોની કામગીરી ફરી એક વખત ચર્ચાનો મુદ્દો બની છે. પાછલ એક મહિનામાં બીજી વખત સુરતમાં ચાલી રહેલ મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના બની છે. પહેલી ઘટના નો કાટમાળ દુર થાય તે પહેલા ગઈકાલે બીજી દુર્ઘટના બની હતી. નાના વરાછાની એક સોસાયટી ના મકાન પર 135 ટન વધજન ધરાવતું ગર્બોડર બોક્સ અને ક્રેઇન પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા બાદ લગભગ 20 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં હજી પણ કાટમાળ હટાવવામાં આવ્યો નથી.

આ ઘટના બાદ સૂત્રો હવાલે મળતી માહિતી મુજબ હાલ મેટ્રોની ક્રેન અને લોન્ચરનું વજન વધુ હોવાથી તેને હટવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને સંભવતઃ આજે મોડી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવશે.  જોકે, આ મોટી દુર્ઘટના અને ગંભીર બેદરકારી છે તેમ છતાં હજી જવાબદારો સામે પોલીસ ફરિયાદ ન થતાં લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. રતના સરથાણા થી કાપોદ્રા મેટ્રો રૂટ પર નાના વરાછા, ચોપાટી સામે ગંગા જમના સોસાયટી નજીક આવેલા યમુના નગર વિસ્તારમાં પીલ્લર નંબર પી 110 અને 11 વચ્ચે  135 ટનનો ગર્ડર બોક્સ લોન્ચ કરવાની કામગીરી દરમિયાન ગઈકાલે સાંજે 5-10 વાગ્યે અચાનક ક્રેઈન તુટી પડી હતી અને ક્રેઈન અને લોન્ચર એક મકાન પર પડી ગયું હતું. ધડાકાભેર લોન્ચર મકાન પર પડતાં ભાગદોડ મચી ગઈ હતી.

8 વર્ષ પછી શાહરૂખ ખાન અને કરણ જોહર આઈફા 2024 કરશે હોસ્ટ

ભારતની સૌથી લોકપ્રિય એવોર્ડ ઇવેન્ટ્સમાંની એક, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA)23 વર્ષથી ચાલી રહી છે. આઈફાની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. દર વર્ષે આયોજિત થનાર અવોર્ડ સમારોહ આ વખતે અબુ ધાબીના યાસ આઇલેન્ડમાં આયોજિત કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અબુ ધાબીમાં જ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ વખતે શાહરૂખ ખાન અને કરણ જોહર એકસાથે આઈફા 2024 હોસ્ટ કરતા જોવા મળશે. આ એવોર્ડ સમારોહનું સ્થળ એક જ છે, પરંતુ હોસ્ટ બદલાઈ ગયો છે.

IIFA 2024 ક્યારે શરૂ થશે?
IIFA 2024 27 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાશે અને સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવશે. બંનેની સેન્સ ઓફ હ્યુમર અદભૂત છે, તેથી એમ કહેવું ખોટું નહીં હોય કે આ વખતે પણ આ સમારોહ ખૂબ જ મજેદાર અને મનોરંજક હશે. 24માં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સમાં આ વખતે વધુ ધમાકો થવા જઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ લોકો આઈફા એવોર્ડ 2024ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાન IIFA 2024 ના હોસ્ટ બન્યા
IIFA 2024 હોસ્ટ કરવા વિશે પોતાના વિચારો શેર કરતા શાહરૂખ ખાને કહ્યું, ‘IIFA એ ભારતીય સિનેમાનો સૌથી મોટો ઉત્સવ છે, જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. ફરી એકવાર, અમને આ એવોર્ડ ઇવેન્ટ હોસ્ટ કરીને બધાને હસાવવાનો મોકો મળશે. આ વખતે પણ બોલીવુડ સ્ટાર્સ IIFA એવોર્ડ 2024ના મંચ પર ખૂબ જ મસ્તી કરતા જોવા મળશે.’

કરણ જોહર પોતાનો જાદુ બતાવશે
કરણ જોહર પણ શાહરૂખ ખાન સાથે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ 2024 હોસ્ટ કરતો જોવા જઈ રહ્યો છે. આઈફા સાથે પોતાની ખુશી શેર કરતા તેણે કહ્યું,’હું બે દાયકાથી વધુ સમયથી તેનો ભાગ છું. હું ખૂબ જ ખુશ છું કે હું શાહરૂખ ખાન સાથે આ ઈવેન્ટને હોસ્ટ કરવા જઈ રહ્યો છું.’

‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, કઈ-કઈ બાબતો ગણાશે ગુનો ?

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુંં સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર કરી દેવાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું હતું. જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનારા અને દુષ્પ્રેરણા આપનારાને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને છ માસથી સાત વર્ષની જેલ અને રૂ. પાંચ હજારથી માંડીને રૂ. 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. આ ઉપરાંત હવે આ કાયદા પ્રમાણે જે લોકો માનવ બલિદાન, કાળા જાદુ, અઘોરી પ્રથાને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપશે, તો તે ગુનો ગણાશે. આસામ, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદાના અમલ પછી ગુજરાતમાં આ પ્રકારનો કાયદો અમલમાં આવતાં તે 7મું રાજ્ય બન્યું. 

કેવાં પ્રકારની બાબતોનો ગુનાહીત કૃત્યમાં સમાવેશ?
શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે રહેલી પાતળી ભેદરેખા અંગેની કાયદાની કલમ–2માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેવાં પ્રકારની બાબતોનો ગુનાહીત કૃત્યોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

  • માનવબલી, અઘોરી પ્રથા, કાળા જાદુ કે આ પ્રકારના અન્ય અમાનવીય, અનિષ્ટ કૃત્યોનું આચરણ, પ્રોત્સાહન, પ્રચાર- પ્રસાર.
  • ભૂત, ડાકણ કે દુષ્ટ આત્માને શરીરમાંથી બહાર કાઢવાના બહાને વ્યક્તિને દોરડા કે સાંકળથી બાંધીને, લાકડી કે ચાબુકથી માર મારવાની ઘટના
  • મરચાંનો ધુમાડો કરી અથવા વાળથી બાંધીને છત પર લટકાવી અથવા શરીર ઉપર ગરમ પદાર્થથી ડામ આપવામાં આવે અથવા પગરખાં પલાળેલું પાણી પીવડાવી, માનવ મળમૂત્ર બળજબરીથી વ્યક્તિના મોઢામાં મૂકવામાં આવે વગેરે જેવી ઘટનાઓ
  • કહેવાતા ચમત્કારોનું પ્રદર્શન કરીને દ્વારા પૈસા કમાવવા તેમજ કહેવાતા ચમત્કારોના પ્રચાર અને પ્રસાર દ્વારા લોકોને છેતરવાની ઘટનાઓ
  • દિવ્ય શક્તિની કૃપા મેળવવાના હેતુથી કે કિંમતી ચીઝો, ખજાનો મેળવવા, અઘોરી કૃત્યો, કાળા જાદુના કૃત્યો કે અમાનવીય કૃત્યો કરી કોઇના જીવનને ભય કે ગંભીર ઇજા પહોંચાડવી
  • કોઈ વ્યક્તિ ડાકણ કે શૈતાનનો અવતાર છે તેની હાજરીથી ઢોરની દૂધ આપવાની ક્ષમતા ઘટે છે, તે દુર્ભાગ્ય લાવે છે કે રોગચાળો લાવે છે તેવા આક્ષેપો લગાડવા
  • મંત્ર તંત્રથી ભૂત- ચુડેલને બોલાવવાની ધમકી આપી લોકોના મનમાં ભય ઉભો કરવો, કોઈ ભૂતપ્રેતના રોષથી શારીરિક ઈજાઓ કરવી
  • કુતરું, સાપ કે વીંછી કરડવાના કિસ્સામાં કે અન્ય કોઈપણ માંદગીમાં વ્યક્તિને તબીબી સારવાર કરતા અટકાવવી અને દોરા, ધાગા, તંત્ર મંત્રથી સારવાર આપવી.
  • પોતાનામાં વિશેષ અલૌકિક શક્તિઓ હાજર છે, અને તેનો ભક્ત પાછલા જન્મમાં તેની પત્ની, પતિ અથવા પ્રેમી હતો તેવું દર્શાવી આવી વ્યક્તિ સાથે જાતીય પ્રવૃત્તિમાં જોડાવવું.
  • અલૌકિક શક્તિ દ્વારા માતૃત્વની ખાતરી આપી ગર્ભધારણ કરવામાં અસમર્થ હોય તેવી સ્ત્રી સાથે જાતીય સંબંધો બાંધવો.

સાત વર્ષ સુધીની કેદની સજા અને પચાસ હજાર સુધીના દંડની જોગવાઈ
વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ વિધેયક લાવવા પાછળ ગુજરાતમાં બનેલી કેટલીક હ્રદય દ્રાવક ઘટનાઓ ગૃહ સમક્ષ રજૂ કરતા કહ્યુ હતું કે, ભારતમાં જ નહિ, દુનિયાના તમામ દેશોમાં કોઇને કોઇ સ્વરૂપે અંધશ્રધ્ધા જોવા મળે છે. આનાથી કોઇ પણ દેશ કે રાજ્ય બાકાત નથી. આઝાદીના ૭૮ વર્ષ બાદ પણ આપણા રાજ્યમાં કેટલીક હ્રદય કંપાવી દેતી ઘટનાઓ આપણા ધ્યાને આવી છે.

  • બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં નરબલી આપવાથી પોતાના લગ્ન થઈ જશે એવો વહેમ રાખી માસુમ બાળકની હત્યા કરી નાંખવામાં આવી.
  • ગીર સોમનાથ જિલ્લામાં પોતાની ૧૪ વર્ષની દીકરીને કોઈ વળગાડ છે તેવી મનમાં શંકા રાખી આ વળગાડ દૂર કરવા પોતાના ખેતરમાં દીકરીને બે કલાક આગ પાસે ઉભી રાખી. બાદમાં દાજેલી દીકરીને ચાર-પાંચ દિવસ સુધી ખેતરમાં જ ભુખી બાંધી રાખી મોત નિપજાવવામાં આવ્યું.
  • અરવલ્લી જિલ્લામાં ડાકણ હોવાનો વહેમ રાખી ૭૦ વર્ષીય દાદીમાની હત્યા પોતાના જ પૌત્ર દ્વારા કરવામાં આવી.
  • સુરતમાં એક દીકરીને પોતાના ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને એક ઢોંગી તાંત્રિકે તેની સાથે શારીરિક શોષણ કરી, યુવા દિકરીની જીંદગી બરબાદ કરી નાંખી.
  • આ ઉપરાંત ખેતરમાં સોનાના ચરૂ તેમજ અન્ય ખજાનો દટાયેલો છે, તેવા બહાના હેઠળ અનેક લોકો પાસેથી રૂપીયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે.

PM મોદી, ઝેલેન્સ્કી વચ્ચે થયેલી વાતનો વિદેશપ્રધાને કર્યો ખુલાસો

કિવઃ વડા પ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સેકી વચ્ચે કેટલાય મુદ્દાઓ પર ભારત અને યુક્રેન વચ્ચે ચાર મોટા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારત અને યુક્રેનની વચ્ચે થયેલી સમજૂતી બહુ ખાસ છે.

વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે મીટિંગમાં વેપાર, આર્થિક, સંરક્ષણ સહિત ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને શિક્ષણ વિશે બંને નેતાઓની વચ્ચે વિચારવિમર્શ થયો છે.  વેપાર અને આર્થિક સંબંધોના પુનર્નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વાતચીત થઈ હતી, જે હાલના દિવસોમાં ખરાબ  થયા છે.

વૈશ્વિક શાંતિ  સમિટ પાર્ટ યુક્રેન આગળ ભારતની ભૂમિકા પર વાત ઇચ્છે છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો હલ કરવા માટે વાતચીત પણ થઈ હતી. પુતિનથી આ મુદ્દે થયેલી વાતચીતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું. ડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન મુલાકાતે છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બેઠક યોજી ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં બંને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

PM મોદીએ કહ્યું હતું કે શાંતિના પ્રયાસમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. બંને દેશો વચ્ચે માનવીય મદદ, કૃષિ, ફૂડ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગ વધારવા સંદર્ભે મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું સમાધાન લાવે તેવો અંદાજ યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવ્યો છે.