અમદાવાદ: શહેરનો પોઝ એરીયો ગણાતા એસ.જી.હાઈવે પર એક વર્ષ પહેલા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા 9 લોકોનો જીવ લીધો હતો. ત્યારે હવે આજે તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, તથ્ય પટેલે જેગુઆર કાર દ્વારા 9 લોકોના જીવ લીધા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
એક વર્ષ પહેલા પોતાની જેગુઆર કારની અડફેટે 9 લોકોના જીવ લેનારના એક દિવસ માટે કોર્ટે જામીનને મંજૂરી આપવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તથ્યના દાદાના મરણક્રિયાના કારણોસર જામીન માંગવામાં આવ્યા હતા. જે બાદ દાદાની અંતિમવિધી માટે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જોકે, અંતિમવિધી બાદ તથ્યને જેલમાં પરત લઈ જવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલે બે દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી હતી. આ વચગાળાના જામીનમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તથ્યના દાદા બીમાર છે અને દાદાની તબિયત ગંભીર હોવાથી તેમને કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વચગાળાના જામીન આપવામાં આવે. આ દરમિયાન ગઇકાલે સુનાવણી પહેલાં જ તેમના દાદાનું મોત થયું હતું. જેથી તથ્ય તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે, દાદાનું મોત થયું છે, તેમની અંતિમવિધિ કરવાની છે, ત્યારબાદ બેસણું અને 12, 13માં દિવસની વિધિ કરવાની હોવાથી તથ્યની હાજરી જરૂરી છે, ત્યારે ચાર અઠવાડિયાના જામીન આપવા જોઇએ. આ મામલે સરકારી વકીલને નોટિસ ઇશ્યુ કરી હતી. તેમણે જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપી સામે ગંભીર ગુનો છે, અંતિમવિધિ માટે જામીન આપી શકાય, પરંતુ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય. કોર્ટે બંને પક્ષોની આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમ વિધિની ક્રિયામાં હાજર રહેવા માટે જામીન મંજૂર કર્યા હતા.
નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના અને ચાંદી પર ડ્યુટીમાં કાપનું એલાન કર્યું હતું, પરંતુ ડ્યુટી ડ્રો-બેકને લઈને કંઈ થતું નથી દેખાતું. નવા નોટિફિકેશન જારી નહીં કરવાથી નિકાસ પર વધુ રિફંડ મળી રહ્યું છે, જ્યારે ડ્યુટીમાં કાપ કરી દેવામાં આવ્યો છે. જેથી સરકારને રૂ. 300 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે, જેથી સરકારે સોના-ચાંદીની નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી કરવું જોઈએ. એમ ઇન્ડિયા બુલિયન એસોસિયેશન (IBJA)નું કહેવું છે.
બજેટ આવ્યે આશરે એક મહિનો થઈ ચૂક્યો છે, જેમાં સોના અને ચાંદી પર ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરી દેવામાં આવી છે, પણ હજી સુધી નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી નથી કરવામાં આવ્યું. સોના પર આશરે 5.90 ટકા પ્રતિ કિલો ડ્યુટી ઓછી થઈ છે, જ્યારે ચાંદી પર રૂ. 7600ની ડ્યુટી ઓછી થઈ છે. સરકારે ડ્યુટી ડ્રો-બેકના 2023ના નોટિફિકેશનમાં કોઈ ફેરફાર નથી કર્યો અને સરકારે નવું નોટિફિકેશન લાવવું જોઈએ, એમ IBJAના સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
તેમનું કહેવું છે કે હાલમાં એક કિલો સોનાની નિકાસ પર રૂ. 7.04 લાખની ડ્યુટી ડ્રો-બેક છે, જ્યારે ચાંદીની નિકાસ પર રૂ. 8949ની ડ્યુટી ડ્રો-બેક છે. હજી સોના પર રૂ. 3.90 લાખની ડ્યુટી લાગે છે, જ્યારે ચાંદી પર પ્રતિ કિલો રૂ. 5100 ડ્યુટી લાગે છે.
મહેતાનું કહેવું છે કે સરકારે તરત ડ્યુટી ડ્રો-બેક પર નવું નોટિફિકેશન લાવવું જોઈએ. જો તમે રૂ. ચાર લાખની ડ્યુટી આપી રહ્યા છે અને રૂ. સાત લાખની ડેયુટી ડ્રો-બેકનું રિફન્ડ કેવી રીતે આપી શકો છો, એમ તેમણે કહ્યું હતું.
ચોમાસાની શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસુ ક્યાંકને ક્યાંક નબળું પડતું જોવા મળી રહ્યું હતું. ત્યારે ફરી એક વખત વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આજે રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાવવાની શક્યતા છે. આ ઉપરાંત આજે રાજ્યના બે જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત અને અમરેલીમાં આજે અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદની વિવિધ સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસે શકે છે. આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વહેલી સવારથી જ વડોદરામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ થયું હતું. તે સાથે જ અમદાવાદ શહેરમાં વહેલી સવારે તડકો અને બફારો અનુભવાયા બાદ સવારથી જ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય એક ઓફ શોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે. આ ત્રણ સિસ્ટમનો લાભ ગુજરાત રાજ્યને મળશે, તેથી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ દરમિયાન ક્યારેક ઓરેન્જ તો ક્યારેક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈ: ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. લોકોમાં ફિલ્મનો ક્રેઝ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વાર્તાથી લઈને ‘સ્ત્રી 2’ ના પાત્રો સુધી બધું જ લોકોને પસંદ આવી રહ્યું છે. આ દરમિયાન રાજકુમાર રાવે શૂટિંગ દરમિયાન બનેલી ડરામણી ઘટના વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ‘સ્ત્રી’ અને તેની સિક્વલના શૂટિંગ દરમિયાન તેને અલૌકિક શક્તિઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં ફિલ્મમાં ખંડેર જોવા મળ્યુ હતું. ત્યાં એક ક્રૂ મેમ્બર સાથે એક ડરામણી ઘટના બની. રાજકુમારે ‘સ્ત્રી 2’ના હોન્ટેડ લોકેશન વિશે પણ ખુલાસો કર્યો છે.
રાજકુમાર રાવનું ભૂત સાથે એન્કાઉન્ટર થયું હતું
તાજેતરમાં, રણવીર અલ્હાબાદિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં, રાજકુમાર રાવે ખુલાસો કર્યો હતો કે ‘સ્ત્રી’ ના શૂટિંગ દરમિયાન તેને અહેસાસ થયો હતો કે કેટલીક અલૌકિક શક્તિઓ અને ભૂત આસપાસ છે, જેના પછી તે ખૂબ ડરી ગયો હોય. અભિનેતાએ કહ્યું કે નાઇટ શૂટિંગ દરમિયાન તેણે આખી ટીમ સાથે તસવીર ખેંચાવી હતી, પરંતુ તેમાં કોઈનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો. તે દિવસને યાદ કરતાં અભિનેતાએ કહ્યું,’રાત્રે શૂટિંગ ચાલી રહ્યું હતું અને મારી પાસે એક શૉટ હતો જેમાં હું શેરીમાંથી પસાર થઈ રહ્યો હતો… અને તે સમયે મેં ચહેરા વિનાની એક છોકરી જોઈ.’ તેણે વધુમાં જણાવ્યું કે તેના એક ક્રૂ મેમ્બર સાથે પણ અકસ્માત થયો હતો, પરંતુ તે ઠીક છે.
સ્ટ્રી 2 ના ભૂતિયા સ્થાનો
‘સ્ત્રી’ના દરેક દ્રશ્યને સારા બનાવવા માટે ટીમે ચેતવણીઓ મળવા છતાં સુમસામ જગ્યાએ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મધ્યપ્રદેશના ભોપાલ અને ચંદેરીમાં થયું છે. ‘સ્ત્રી 2’માં જોવા મળેલા ખંડેર મધ્યપ્રદેશના ભોપાલ શહેરના છે. ‘સ્ત્રી 2’ના સૌથી ડરામણા દ્રશ્યો ચંદેરી કિલ્લા, 150 વર્ષ જૂની તાજમહેલ હવેલી, કાટી વેલી, રાજા રાની મહેલ અને જાગેશ્વરી મંદિરમાં થયા હતા.
ગાંધીનગર: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાતમાં નર્મદા નદી પરથી પસાર થવાનો છે. નર્મદા નદી પરના આ પુલની કામગીરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઝડપથી પ્રગતિ કરી રહી છે. જેના પર 4 વેલ ફાઉન્ડેશન બનાવવામાં આવી રહ્યા છે. જેની ઊંડાઈ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈ કરતાં પણ વધારે છે. ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર 1.4 કિલોમીટર લાંબો પુલ (સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે) નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાત હિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે.પુલ વેલ ફાઉન્ડેશન પર બનાવવામાં આવી રહ્યો છે. વેલ ફાઉન્ડેશન એ એક પ્રકારનો ઊંડો પાયો છે જે નદીઓમાં સ્થિત હોય છે જેનો ઉપયોગ પુલ જેવા ભારે માળખાને ટેકો આપવા માટે થાય છે. તેમાં એક ખોખલું, નળાકાર માળખું હોય છે, જે સ્થિરતા અને લોડ-બેરિંગ ક્ષમતા પૂરી પાડવા માટે ઇચ્છિત ઊંડાઈ સુધી જમીનમાં ડૂબી જાય છે. વેલ ફાઉન્ડેશન એ વિશાળ નદીઓ પર રેલવે, ધોરીમાર્ગો, પુલો/વાયડક્ટ્સ માટેના સૌથી જૂના અને સૌથી અસરકારક પાયાના પ્રકારોમાંનો એક છે. આ પદ્ધતિનો ઉપયોગ ઘણીવાર ઊંડા અને અસ્થિર નદીના પથારીવાળા વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં અન્ય પાયાના પ્રકારો શક્ય નથી.
નર્મદા એચ.એસ.આર. પુલમાં ૨૫ નંગ વેલ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. 5 નંગ વેલ 70 મીટરથી વધુ ઊંડા છે અને નર્મદા નદીમાં સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન (વેલના સ્થાપક સ્તર સુધી વેલ કેપ ટોપ) 77.11 મીટર છે, અને નદીમાં અન્ય વેલના પાયાઓની ઊંડાઈ આશરે 60 મીટર છે. 4 નંગ વેલ ફાઉન્ડેશન્સ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈને વટાવી જશે, જે ભારતના સૌથી ઊંચા બાંધકામોમાંનું એક છે. સુસ્થાપિત માળખા સાથે સંકળાયેલો મુખ્ય પડકાર એ છે કે ભરતીના મોજાઓ, નદીના ઊંચા પ્રવાહ અને ડૂબતા સ્તરે જમીનની સ્થિતિ જેવા કુદરતી બળોને કારણે લાંબા ગાળાની ડૂબવાની પ્રક્રિયા દરમિયાન વેલનો ” ઝુકાવ” અને “સ્થળાંતર” કરવું છે.
સપ્ટેમ્બર ૨૦૨૩માં ચોમાસાની ઋતુ અને પૂરની પરિસ્થિતિ દરમિયાન શકિતશાળી નર્મદા નદી ઉપર પુલના નિર્માણને પ્રતિકૂળ અસર થઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો મોટો જથ્થો (અંદાજે 18 લાખ ક્યુસેક) છોડવામાં આવ્યો હતો, જેના પરિણામે કામચલાઉ સ્ટીલના પુલને નુકસાન થયું હતું, જેના પરિણામે બાંધકામની જગ્યા ઉપર ઓન-સાઇટ હેવી ડ્યુટી ક્રેન ડૂબી ગઈ હતી અને તેમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે વર્ક-ફ્રન્ટ્સ દુર્ગમ બન્યા હતા અને ઇલેક્ટ્રિકલ જોડાણમાં ખલેલ પહોંચી હતી.આ પડકારો છતાં, સાઇટ ઇજનેરોએ કામગીરીને પુન:સ્થાપિત કરવા માટે રાત-દિવસ અથાક મહેનત કરી હતી. વેલના ડૂબી જવા પર સતત નજર રાખવા માટે વધારાની ટીમોને એકત્રિત કરવામાં આવી હતી. જેક-ડાઉન પદ્ધતિના ઉપયોગ સાથે, ઝુકાવ અને સ્થળાંતરના મુદ્દાઓને સમયસર સારી રીતે સંબોધવામાં આવ્યા હતા. ઝીણવટભર્યું આયોજન અને સમર્પિત ઓન-સાઇટ ટીમ સાથે પુલના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે અને 25 વેલમાંથી 19 ફાઉન્ડેશન પૂર્ણ થયા છે. સુપરસ્ટ્રક્ચરના નિર્માણનું કામ પણ શરૂ થઈ ગયું છે.
પુલની મુખ્ય લાક્ષણિકતાઓ:
– કુલ સ્પાન: 24 નંગ. (21X60 મીટર + 2X36 મીટર + 1X35 મીટર)
– વેલ ફાઉન્ડેશનની સંખ્યા અને કદ: 25 નંગ. (10 મીટર ડાયા. અને ૬૦ મીટરથી વધુ ઊંડું)
– થાંભલાની કુલ સંખ્યાઃ 25 ગોળાકાર થાંભલા (5 મીટર અને 4 મીટર ડાયા.)
– થાંભલાની ઊંચાઈ: 14 મીટર થી 18 મીટર
– સુપરસ્ટ્રક્ચરનો પ્રકારઃ પોસ્ટ-ટેન્શન બોક્સ ગર્ડર્સ (એસબીએસ પ્રકાર)આ પ્રોજેક્ટમાં કુલ 24 નદી પુલ છે, જેમાંથી 20 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતના 20 પુલ પૈકી દસ (10) નદીઓ પર કાર્ય પૂર્ણ થયું છેઃ પાર (320 મીટર) વલસાડ જિલ્લો, પૂર્ણા (360 મીટર) નવસારી જિલ્લો, મિંઢોળા (240 મીટર) નવસારી જિલ્લો, અંબિકા (200 મીટર) નવસારી જિલ્લો, ઔરંગા (320 મીટર) વલસાડ જિલ્લો, વેંગા (200 મીટર) નવસારી જિલ્લો, મોહર (160 મીટર) ખેડા જિલ્લો, ધાધર (120 મીટર) વડોદરા જિલ્લો, કોલાક નદી (160 મીટર) વલસાડ જિલ્લો અને વાત્રક (280 મીટર) વલસાડ જિલ્લો, વલસાડ જિલ્લો અને વાત્રક (280 મીટર) ખેડા જિલ્લો.
મુંબઈઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે. લોકસભા ચૂંટણીમાં ઉદ્ધવની પાર્ટીએ શિંદેની શિવસેનાથી વધુ સીટો જીતી હતી, પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભાજપ હાલના સમયે રાજ્યમાં કેટલાય પડકારોનો સામનો કરી રહ્યો છે. અજિત પવારને મહાયુતિ ગઠબંધનમાં સામેલ કરવાનો નિર્ણય અંદર અને બહાર –બંને તરફથી ટીકાત્મક રહ્યો છે. જ્યારે ચાલી રહેલું મરાઠા આંદોલને એ આગમાં ઘીનું કામ કર્યું છે. જેથી ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીમાં અનેક પડકારો છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક દેખાવો પછી કાર્યકર્તાઓના મનોબળ પર સીધી પ્રતિકૂળ અસર પડી છે. એનાથી વિરુદ્ધ મહાવિકાસ આઘાડી (MVA) વિધાનસભામાં જીતવા માટે આશ્વસ્ત છે. એક સર્વેમાં માલૂમ પડ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 200માંથી MVA 160થી વધુ સીટો જીતે એવી શક્યતા છે.
ભાજપે સત્તામાં વાપસી માટે ઉપ CM દેવેન્દ્ર ફડણવીસે ફરીથી કેપ્ટન બનાવ્યા છે.જેથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે ફડણવીસ જ સૌથી મોટા ટાર્ગેટ છે. ઠાકરેએ તો ઘોષણા કરી છે કે ફડણવીસ કે ખુદ તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં જીવતા રહેશે. ઠાકરે અને ફડણવીસની વચ્ચે દુશ્મની 2019ની પહેલાંથી છે, પણ ચૂંટણી પરિણામો પછી એ ઔર બગડી હતી. આમ હવે વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રનો કિંગ કે કિંગમેકર કોણ બનશે? એ એક સવાલ છે.
જોકે બીજી બાજુ એક સર્વે મુજબ હાલની સરકારના કામથી 25 ટકા લોકો સંતુષ્ટ છે અને CM શિંદેના કામથી સંતુષ્ટ લોકોની સંખ્યા 35 ટકા છે. શિંદેની લોકપ્રિયતા વધી છે તો એ ભાજપ માટે ચિંતાનું કારણ છે અને એ ચિંતા દેવેન્દ્ર ફડણવીસ માટે પણ છે, કેમ કે ભાજપ શિંદેનો ચહેરો કરીને ચૂંટણીમાં જશે કે દેવેન્દ્ર ફડણવીસનો- એ એક સવાલ છે.
રાજકોટમાં બનાલી ગોઝારી માનવ સર્જીત દુર્ઘટના બાદ ફાય વિભાગમાં મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે. ભરતી પ્રક્રિયાની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારીઓની હકાર પટ્ટી પાછળનું મુખ્ય કારણ બોગસ સ્પોન્સરશીપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયરબ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને તેના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનાર ત્રણ ડેપ્યુટી ફાયર ઓફિસરો સહિત કુલ 9 જેટલા અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરે આજે શુક્રવારે બપોરે નોકરીમાંથી કાઢી મૂકવા માટેનો ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશીપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના IR વિભાગ દ્વારા ફાઈનલ શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. 10 દિવસમાં બોગસ સ્પોન્સરશીપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તુરે પણ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ ઓફિસર્સ કોર્ષ, સ્ટેશન ઓફિસર અને ઈન્સ્ટ્રકટર્સ કોર્ષ તથા ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલ અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.
નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈના માર્ચ 2024ના ડેટા સામે આવ્યા છે. જેમાં કેટલીક રસપ્રદ માહિતી પણ પ્રાપ્ત થઈ છે. આ ડેટા અનુસાર ભારતમાં ઈન્ટરનેટ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા માર્ચ 2023માં 88.1 કરોડથી વધીને માર્ચ 2024 સુધીમાં 95.4 કરોડ થઈ હતી, જેમાં 7.3 કરોડ ગ્રાહકોનો નોંધપાત્ર ઉમેરો થયો છે. આ આંકડો વાર્ષિક વૃદ્ધિ દર 8.30%નો દર્શાવે છે. બીજી તરફ દેશમાં મોબાઈલ યુઝર્સ દ્વારા દર મહિને વોઈસ કોલ પર વિતાવેલો સરેરાશ સમય 10 વર્ષમાં લગભગ દોઢ ગણો વધી ગયો છે. મોબાઈલ યુઝર્સ હવે દર મહિને વોઈસ કોલ પર સરેરાશ 963 મિનિટ વિતાવે છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. 10 વર્ષ પહેલા 2014માં મોબાઈલ યુઝર્સ વોઈસ કોલ પર સરેરાશ 638 મિનિટ વિતાવતા હતા.ડિસેમ્બર 2018 સુધીમાં મોબાઇલ વપરાશકર્તાઓનો દર મહિને વૉઇસ કૉલ પર સમય પસાર કરવાનો સરેરાશ સમયગાળો 622 મિનિટ હતો. પરંતુ આ પછી તેમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં મોબાઇલ વપરાશકર્તાઓ દ્વારા વૉઇસ કૉલ્સ પર વિતાવતો સમય વાર્ષિક 9.1% ના દરે વધ્યો છે. તેનું મુખ્ય કારણ ટેલિકોમ કંપનીઓ દ્વારા વોઈસ કોલ ફ્રી કરવા અને ડેટાના દરમાં વધારો છે. પોસ્ટ-પેડ યોજનાઓના સંદર્ભમાં વૉઇસ કૉલ્સ ઘટી ગયા છે અને વૃદ્ધિ મુખ્યત્વે પ્રિ-પેડમાંથી આવી રહી છે.જોકે, વોઇસ કોલ્સમાં વૃદ્ધિ ટેલિકોમ ઓપરેટર્સને મદદ કરી રહી નથી, વોઇસ કોલ્સમાંથી વપરાશકર્તા દીઠ સરેરાશ આવક ઘટી રહી છે. ડિસેમ્બર 2016 સુધીમાં ટેલિકોમ કંપનીઓ કોલ્સમાંથી પ્રતિ મહિને પ્રતિ યુઝર રૂ.59 કમાતી હતી. ટ્રાઈના જણાવ્યા અનુસાર, માર્ચ 2024 સુધીમાં આ કમાણી ધીમે-ધીમે ઘટીને પ્રતિ યુઝર પ્રતિ મહિને 15 રૂપિયા થઈ ગઇ છે. આ સાથે મોબાઈલ ફોન પર સરેરાશ ડેટા વપરાશ પણ ઓલ ટાઈમ રેકોર્ડ સ્તરે છે.રિલાયન્સ જિયોએ જૂનમાં 19.1 લાખ નવા મોબાઇલ ફોન વપરાશકર્તાઓ ઉમેર્યા છે. આ સમયગાળા દરમિયાન એરટેલના ગ્રાહકોની સંખ્યામાં 12.5 લાખનો વધારો થયો છે. બીજી તરફ જૂન મહિનામાં વોડાફોન આઈડિયાના યુઝર્સની સંખ્યામાં સતત ઘટાડો રહ્યો હતો. તેણે તેના 8.61 લાખ વપરાશકર્તાઓ ગુમાવ્યા.
અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ શહેરમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં પણ વધારો નોંધાય રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની ખરીદીમાં ત્રણ વર્ષમાં 927 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરટીઓના સુત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, 2021માં 1 હજાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાયા હતા, જે 2022માં વધી 7,127 સુધી પહોંચી હતી અને 2023માં 10,271 વાહનનું વેચાણ નોંધાયું હતું. આ ઉપરાંત લાઈટ વેટ વ્હિકલ્સ અને થ્રી-વ્હીલર્સની ખરીદીમાં 2021થી 2023 દરમિયાન વધારો થયો છે. જ્યારે બીજી બાજું 2 હજારથી વધુ ઈલેક્ટ્રિક કારનું પણ વેચાણ થયું છે.
ઈલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ.એ 81 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ઈલેક્ટ્રિક વાહનની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 12 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે. જેમાં સિંધુભવન રોડ, પ્રહલાદનગર ગાર્ડન, ઈન્કમટેક્સ બ્રિજ, નારોલ ફ્લાયઓવર, સીટીએમ બ્રિજ નીચે, કાંકરિયા, ન્યુ એસજી રોડ, બાપુનગર બ્રિજ, અને ગોવિંદવાડી સર્કલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 27 નવી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. 81 જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આના સાથે અમદાવાદ શહેરનું ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.
ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નવ જિલ્લામાં જુલાઈમાં પડેલા ભારે વરસાદને પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા CM ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂ. 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ચાર લાખ હેકટર વિસ્તારમાં પાકને થયેલા નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે. રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતાં આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનાં ધારા-ધોરણો મુજબ પાક નુકસાન માટે સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાને આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 3500 ચૂકવવામાં આવશે, જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
આ સાથે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયત નમૂનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.