Home Blog Page 1549

ઓલિમ્પિક બાદ આ ટેબલ ટેનિલ ખેલાડીએ 24 વર્ષની ઉંમરે કેમ લીધી નિવૃત્તિ?

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે ભારતીય ટીમને જર્મની સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં અર્ચના કામતે ભારત માટે એક મેચ જીતી હતી. પરંતુ આ પછી 24 વર્ષની અર્ચના ગિરીશ કામતે નિવૃત્તિ લીધી છે. જ્યારે કે તે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન પણ કરી રહી હતી. હવે તેના કોચ અંશુલ ગર્ગે ખુલાસો કર્યો છે કે તેણે નિવૃત્તિની જાહેરાત શા માટે કરી?

અભ્યાસ માટે ટેબલ ટેનિસ છોડ્યું
અંશુલ ગર્ગે કહ્યું કે નિવૃત્તિના સમાચારથી વધારે આશ્ચર્ય થયું નથી. કારણ કે જો તમે અર્ચના ગિરીશ કામતની પૃષ્ઠભૂમિ જાણો છો, તો તે એક સારા પરિવારની છે. તેના માતા-પિતા ડોક્ટર છે અને તેનો ભાઈ નાસામાં છે. શરૂઆતથી જ અભ્યાસ તરફ ઝુકાવ હતો. તેમનું ધ્યાન અભ્યાસ પર હતું. તેનું ધ્યાન ટેબલ ટેનિસ અને અભ્યાસ પર સમાન હતું. મૂંઝવણ હતી કે સર મને ભણવામાં પણ ખુબ જ રસ છે. જ્યારે હું ત્રણ-ચાર કલાક અભ્યાસ કરું તો મને લાગે હું વાંચતી જ રહું. જ્યારે હું ટેબલ ટેનિસ રમું છું, ત્યારે મને લાગે છે કે મારે ટીટી રમવું જોઈએ.

વધુમાં અંશુલ ગર્ગે કહ્યું કે જો આપણે બંને બાબતો પર નજર કરીએ તો તે ટોચ પર હતી. મેં મારી કોચિંગ કારકિર્દીમાં આવા ઘણા ખેલાડીઓ જોયા છે. હું તેમના નિર્ણયનું સન્માન કરું છું. દરેક સિક્કાની બે બાજુ હોય છે. દરેક એથ્લેટની પ્રાથમિકતાઓ અલગ અલગ હોય છે. હું પણ ઈચ્છું છું કે તે આગામી કેટલાક વર્ષો સુધી રમે. પરંતુ જો આપણે બળજબરીથી કંઇક કરાવીએ તો તે યોગ્ય નથી. અભ્યાસ તરફ તેમનો ઝુકાવ હતો.

અર્ચનાના કેસમાં પૈસાની સમસ્યા નથી
અંશુલ ગર્ગે કહ્યું કે વ્યક્તિગત રીતે તમે નિરાશ થશો. જો સુપરસ્ટાર તેની ટોચ છોડી દે છે, તો કોચ નિરાશ થશે. આપણે શું કરી શકીએ? અમે માત્ર કોચ છીએ. તે મહેનતુ, ધ્યાન કેન્દ્રિત અને નિર્ધારિત ખેલાડી છે. દેશ માટે મોટી ખોટ છે. એક ખેલાડી જે સારું પ્રદર્શન કરી રહી હતી. ખેલાડીની પ્રેરણા શું છે. જો ખેલાડીની પ્રેરણા પૈસા અને સ્ટારડમ હોય, જો તે તેને ન મળે તો તે રમત છોડી દેતા હોય છે. પણ અર્ચના સાથે એવું નથી. જો તમે જુઓ તો તેની પાસે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ નથી. તે એક સારા પરિવારમાંથી આવે છે. જો તમે તેની જીવનશૈલી પર નજર નાખો તો તે ખૂબ જ સરળ છે. અર્ચનાના કેસમાં પૈસાની કોઈ સમસ્યા નથી.

એન્ગ્રી યંગમેનઃ 1970ના બળવાની કથા…

“હર કામિયાબ હીરો (અથવા હીરોઈન) કે પિછે પાવરફુલ સ્ટોરીરાઈટર કા હાથ હોતા હૈ” એવું કોણે કહ્યું? ચલો, મેં કહ્યું. મેઈન વાત છે આવો ડાયલૉગ મારવાની વજહઃ પ્રાઈમ વિડિયોની ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘એંગ્રી યંગ મેનઃ સલીમ જાવેદ સ્ટોરી’. ચુસ્ત કથા-પટકથા, જોશીલા-ધારદાર ડાયલૉગ્ઝના રચયિતા સલીમ-જાવેદના ઉદયની, એમના ચરમની, જોડીના ખંડનની, અંગત વાતોની કથા. સિરીઝનું નિર્માણ બન્ને લેખકના બેટા- સલમાન ખાન અને ફરહાન અખ્તરની કંપનીએ (ઝોયા અખ્તર, રિતેશ શિધવાની, રીમા કાગતી) કર્યું છે, ડિરેક્ટર છે નમ્રતા રાવ.

આ ડૉક્યુમેન્ટરી એ બે લેખકની એક જોડી વિશેની નથી, પણ 1970ના અને અમુક અંશે 1980ના દશકના હિંદી સિનેમાનો દસ્તાવેજ છે, જે મારા-તમારા જેવા ફિલ્મરસિકોને બન્ને લેખકો તેમ જ હિંદી સિનેમાના સુવર્ણયુગમાં લઈ જાય છે. 45-45 મિનિટ્સના ત્રણ એપિસોડ્સની સિરીઝમાં સલીમ-જાવેદનો બોલિવૂડપ્રવેશ, ટિન્સેલપુરમાં જમાવટ, દોમદોમ લોકપ્રિયતાની ક્લાઈમેક્સ અને ધડામ્… દો હંસો કા જોડા બિછડ ગયો રે… આ ઉપરાંત એ બન્નેની અંગત જિંદગાનીમાં પણ ડોકિયું કરાવે છે.

સલીમ-જાવેદની પર્સનલ સ્ટોરી એકદમ સેઈમ ટુ સેઈમ જાય છેઃ બન્ને ટિન્સેલ ને ગ્લિસરીનની સૃષ્ટિમાં પગદંડો જમાવવા ઘરેથી ભાગી નીકળેલા. ઈંદોરથી મુંબઈ આવીને સલીમ ખાન ફલૉપ એક્ટર બન્યા તો ઉર્દૂ અદબના ચુનંદા શાયરમાંના એક એવા જનાબ જાં નિસાર અખ્તરના બેટા જાવેદ ગ્વાલિયરથી આવીને સ્ટ્રગલર બન્યા. સ્ટ્રગલ કરતાં કરતાં બન્ને ભેગા થયા ‘સરહદી લૂટેરા’ નામની એક ફિલ્મના સેટ્સ પર. નાણાભીડ બન્નેની સરખી હતી. પાંચ હજાર રૂપિયામાં એક ફિલ્મ લખી ભૂતિયા રાઈટર તરીકે અર્થાત્ પૈસા મળ્યા, નામ નહીં, પણ સલીમ-જાવેદની જોડી બની ગઈ. લોહા ગરમ થા… મારી દીધા બન્નેએ હથોડાઃ ‘યાદોં કી બારાત’, ‘જંજીર’, ‘અંદાજ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’, ‘દીવાર’, ‘ત્રિશૂલ’, ‘શોલે’, ‘શક્તિ’… ઓહોહોહો.

સલીમ-જાવેદ પોતાની કાબેલિયતથી સ્ટાર જેટલાં જ માનપાન મેળવતા તો થયા, પરંતુ એમના લીધે કાયમ હાંસિયામાં ધકેલાઈ જતા ફિલ્મરાઈટરોને નિર્માતા-દિગ્દર્શકો રિસ્પેક્ટથી જોતા થયા.

સલીમ-જાવેદની મોટા ભાગની ફિલ્મોમાં તે વખતની (1970-1980ના દશકની) સામાજિક પરિસ્થિતિનાં પ્રતિબિંબ ઝિલાતાં. બેકારી પ્રત્યે આક્રોશ, સંઘર્ષ, ચોરી-ગુંડાગીરી-સ્મગલિંગ જેવા બેકારી-નિવારણના શૉર્ટ કટ્સ, વેરની ભાવના, વગેરે. સ્ટોરીમાં આ બધું લાવવા એમણે બળવાખોર બનીને પૂર્વસુરિઓએ રચેલા લેખનના નિયમ તોડી નાખ્યા. બન્નેએ કુમારકાળમાં મા ગુમાવેલી એટલે વાર્તામાં માનું પાત્ર હંમેશાં મોખરે રહેતું. બની શકે કે અંગત જિંદગાની, અંગત સંઘર્ષના જાતઅનુભવથી એમને પાવરફુલ કેરેક્ટર્સ સર્જવામાં મદદ મળી.

કથા-પટકથા લખવા ફોરેનની ફિલ્મમાંથી કેટલું લીધું એ વિષય પણ ડૉક્યુમેન્ટરીમાં છેડવામાં આવ્યો છે. સલીમ ખાન કહે છે કે “શોલેમાં સિક્કો ઉછાળીને વાતનો ફેંસલો લાવવામાં આવે છે તે ‘ગાર્ડન ઓફ ઈવિલ’થી પ્રેરિત છે. જો કે હોલિવૂડની ‘ગાર્ડન ઓફ ઈવિલ’માં સિક્કાને બદલે પત્તાં બાંટવામાં આવે છે. સલીમ સાહેબ કહે છે કે “પ્રેરણા ક્યાંથી લીધી એ અમે ક્યારેય છુપાવ્યું નથી. જ્યાં સુધી પ્રેરણાસ્રોત વિશે ખબર ન પડે ત્યાં સુધી એ મૌલિક જ રહે છે”.

સાથે મળીને વીસેક સુપરહિટ ફિલ્મ લખ્યા બાદ જ્યારે સમાચાર આવ્યા કે સલીમ-જાવેદની જોડી તૂટી ત્યારે નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો જ નહીં પણ થિએટરમાલિકો પર પણ જાણે વીજળી પડવા જેવો ઘાટ થયો. સલમાન ખાન કહે છેઃ “એક સાંજે પાપા ઘરે આવ્યા અને માઁ (સલમા ખાન)ને એટલું જ કહ્યું કે અમે બન્ને નોખા થઈ રહ્યા છીએ”. શું કામ એ ત્યારે પણ નહોતું કહ્યું ને અત્યારે પણ નથી કહ્યું.

પાર્ટનરશિપ તૂટ્યા બાદ સલીમ સાહેબે એકલપંડે નામ, ‘અંગારે’, ‘ફલક’ અને ‘કબ્ઝા’, વગેરે ફિલ્મની કથા-પટકથા લખી, જ્યારે જાવેદ સાહેબે ‘મશાલ’, ‘દુનિયા’, ‘મેરી જંગ’, ‘બેતાબ’, ‘ડકૈત’, ‘અર્જુન’, ‘સમુંદર’, વગેરે.

નોખા થયા એ જ અરસામાં જાવેદ સાહેબનો હની ઈરાની સાથે લગ્નવિચ્છેદ થયો. આ વાત ડૉક્યુમેન્ટરીમાં કરવામાં આવી છે, પત્ની શબાના આઝમીએ પ્રતિક્રિયા આપી છે. તો સલીમ ખાન પોતાનાં બીજાં, હેલન સાથેનાં લગ્નની વાત કરે છે.

એક દર્શક તરીકે, આ જોડી વિશે ઈન્ટરનેટ પર અથવા જગજાહેર વાતો સિવાયની વાતો જાણવી હતી તે જાણવા ન મળ્યાથી થોડી નિરાશા જરૂર થઈ. દાખલા તરીકે મારે એમના પટકથાલેખનના કસબની બારીકાઈ વિશે જાણવું હતું, પણ નિરાશા સાંપડી. જો કે હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર-કસબીના ઈન્ટરવ્યુમાંથી એક અધિકૃતતા મળી છે, એડિટિંગ ચુસ્ત છે અને હા, એક પછી એક સુપરહિટ ફિલ્મો આપ્યા પછી એમના સ્વભાવમાં આવેલાં તોછડાઈ, અહંકાર વિશે વાત કરવામાં આવી છે, પણ એ વિશે લખવામાં રસક્ષતિ થશે. તમે જ જોઈ લો. એમેઝોન પ્રાઈમ પર.

એક્ટિંગ માટે પિતા સામે બળવો કર્યો હતો આ અભિનેત્રીએ

મુંબઈ: ‘ખેલ ખેલ મેં’, ‘શમશેરા’ અને ‘ચંદીગઢ કરે આશિકી’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળેલી વાણી કપૂર (Vaani Kapoor) હંમેશા તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તે આજે 23 ઓગસ્ટે પોતાનો 36મો જન્મદિવસ (Vaani Kapoor Birthday) ઉજવી રહી છે. અક્ષય કુમારથી લઈને રણવીર સિંહ સુધીના ઘણા મોટા કલાકારો સાથે કામ કરી ચૂકેલી વાણીનું કોઈ ફિલ્મી બેક ગ્રાઉન્ડ નથી. તેણે એકલા હાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ઉભી કરી છે, જેની તે હકદાર છે. અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેણે તેના પિતા સામે બળવો કર્યો હતો.

આ રીતે અભિનેત્રી બનવાનો વિચાર આવ્યો
વાણી કપૂરે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) માંથી ટુરિઝમમાં સ્નાતક થયા અને પછી તેણે ઓબેરોય હોટેલ, જયપુરમાં ઈન્ટર્નશિપ પણ કરી. આટલું જ નહીં, આ પછી બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરે કેટલાક મહિનાઓ સુધી ITC હોટલમાં કામ કર્યું અને અહીંથી તેને ફિલ્મોમાં કામ કરવાનો વિચાર આવ્યો. અભિનેત્રી બનવા પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. તે જે હોટલમાં કામ કરતી હતી ત્યાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ જોયા પછી, વાણી કપૂરે પણ અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું.

અભિનય માટે પિતા સામે બળવો
અક્ષય કુમાર સાથે સ્ક્રીન પર બે વાર કામ કરી ચૂકેલી વાણી કપૂરે અભિનેત્રી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે તેના પિતા સાથે લડાઈ પણ કરી હતી. અભિનયની દુનિયામાં નામ કમાવવા માટે વાણી કપૂર તેના પરિવાર સામે ઉભી રહી હતી. વાસ્તવમાં, વાણી કપૂરની માતાએ અભિનય કરવાના નિર્ણયમાં તેને ટેકો આપ્યો હતો, પરંતુ તેના પિતાએ આ બધું કરવાની ના પાડી હતી અને તેણે પણ વાણીને મોડલિંગ કરવા દેવાની ના પાડી દીધી હતી. આટલું બધું થયા પછી પણ વાણીએ કોઈની વાત ન માની અને પોતાનું સપનું પૂરું કર્યું.

નાગપુર માટે સુરતની ટ્રાફિક સિસ્ટમ પ્રેરણા બની, નીતિન ગડકરીએ કર્યા વખાણ

સુરતમાં ચાર મહિના પહેલા ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરામાં આવી છે. પરંતુ ક્યાંકને ક્યાંક સિગ્નલો હજુ પણ નિષ્ફળ થયા હોય તેવુ જોવા મળી રહ્યું છે. ગ્રીન લાઇટ સિગ્નલને ઓછો સમય અને રેડ લાઇટ સિગ્નલને વધુ સમય આપવાથી ટ્રાફિક જામ થાય છે. ત્યારે બીજી બાજુ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરતની ટ્રાફિક વ્યવસ્થા અને એક NGOની મદદથી ટ્રાફિક વ્યવસ્થાપનથી પ્રભાવિત છે. તેથી તે પોતાના ગૃહ જિલ્લા નાગપુરમાં આ સિસ્ટમ લાગુ કરવા માંગે છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં શરૂ કરવામાં આવેલી સિસ્ટમ નાગપુરમાં લાગુ કરવા માટે, નાગપુર તંત્રની ટીમ મોકલવમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં નવી ટ્રાફિક લાઈટને લઈ ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો. પરંતુ અંતે સુરતીઓ આ નવી સિસ્ટમ સાથે વ્યવહાર બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. એપ્રિલથી લાગુ કરાયેલી નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમમાં ક્ષતિઓ દૂર કર્યા બાદ હવે સુરતમાં ટ્રાફિક પહેલા કરતા ઘણો સરળ છે. જેના કારણે સુરતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. સુરતમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થા વર્ષોથી ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરે છે.

સુરતની આ સરહાનીય કામગીરીની માહિતી મળતાં ગડકરીએ નાગપુરના અધિકારીઓને કહ્યું કે સુરતની ટ્રાફિક વ્યવસ્થા એક એનજીઓ દ્વારા અસરકારક રીતે સંચાલિત કરવામાં આવે છે. જે નાગપુરે સુરત પાસેથી શીખવું જોઈએ. નાગપુરમાં 100 થી 150 મીટરના અંતરે સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સિગ્નલ પરની પીળી લાઈટ ફ્લેશ થતી નથી અને સિસ્ટમ ટાઈમર સેટ નથી. જેના કારણે જ્યાં ટ્રાફિક જામ ન હતો તે ચાર રસ્તા પર ટ્રાફિક જામ થવા લાગ્યો છે. પીક અવરમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય છે. શહેરમાં જ્યાં સિગ્નલની જરૂર નથી ત્યાં પણ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. એક કિલોમીટરના અંતરમાં 4 થી 5 સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આનાથી લોકોનો સમય અને ઈંધણનો વ્યય થાય છે અને પ્રદૂષણ વધે છે. નાગપુરમાં ગડકરીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક ટીમ સુરત મોકલવાનો નિર્ણય લેવાયો છે.

નાગપુરના તંત્રએ ફોન પર સુરતની ટ્રાફિક વ્યવસ્થાની માહિતી લીધી છે. સુરતની જેમ ત્યાં શું સુધારી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સિસ્ટમાં ત્રણ મુખ્ય પરિબળ છે, જેમાં એક સિગ્નલ સિસ્ટમ, બીજું ટ્રાફિક પોલીસ યુનિટ અને ત્રીજું ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ રોડ અકસ્માતનો દર ઘટીને 160 પર પહોંચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં 8 બ્લેક સ્પોટ હતા, જે ઘટીને 5 થઈ ચૂક્યા છે. જેના પર તંત્ર કાર્યરત છે. ઈમરજન્સીની સ્થિતિમાં પોલીસકર્મી અને ટ્રાફિક પોલીસ સાથે વાત કરી શકે તે માટે શહેરમાં 27 ટ્રાફિક પોઈન્ટ પર 50 ટ્રાફિક એડ્રેસ સિસ્ટમ લગાવવામાં આવી છે.થજેમાં હેલા જ રોકવી જો સમગ્ર સુરત શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં કંટ્રોલ રૂમમાંથી સમગ્ર શહેર પર નજર રાખવામાં આવે છે. કોઈપણ સિગ્નલ પર ટ્રાફિક જામ થાય તે પછી કંટ્રોલ રૂમ તરત જ સૂચના જાહેર કરે છે.

સાચી માહિતી લોકો સુધી પહોંચે તે જરૂરી: હર્ષ સંઘવી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્રના છેલ્લાં દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અગત્યની બાબત પર ચર્ચા કરી. જેમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં રૂપિયા 850 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ચર્ચાનું પ્રસારણ કરવા માટે વિનંતી કરી હતી. જે મુદ્દે તેમણે કહ્યું કે સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં વધુમાં જણાવ્યું કે, તમામ લોકોને જવાબ આપવા માગુ છું. રાજ્યના હિતમાં પ્રશ્ન છે કે લોકો માટે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તેનો જવાબ આપીશ. રાજ્યની ધરતીને ડ્રગ્સની ધરતી ના બનાવે.

ચર્ચાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અન્ય કેટલાંક મુદ્દાઓને લઈને ચર્ચા કરવા માટેની માંગ કરવામાં આવી હતી. ત્યારે વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ટકોર કરવામાં આવી હતી. બીજી તરફ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, તેમને દુ:ખ શેનું છે એ મને ખબર છે. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો જાણી જોઇને વિષય ન ચાલે તેવો પ્રયાસ છે તેમ પણ ઉમેર્યું હતું. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ.

અનિલ અંબાણી પર પાંચ વર્ષનો પ્રતિબંધ, રૂ. 25 કરોડનો ફટકારાયો દંડ

નવી દિલ્હીઃ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ બિઝનેસમેન અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ સહિત 24 લોકો પર શેરબજાર અને અન્ય સિક્યોરિટી (બોન્ડ્સ, મ્યુચ્ચુઅલ ફંડ્સ અને કરન્સી)માં સામેલ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ પાંચ વર્ષ માટે છે.

સેબીએ અનિલ અંબાણી પર રૂ. 25,000 કરોડનો દંડ ફટકાર્યો છે. આ સિવાય રજિસ્ટર્ડ કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે KMP- મુખ્ય વહીવટી પોસ્ટ પર સામેલ ના થઈ શકે. આ સિવાય સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સને માર્કેટથી છ મહિના માટે પ્રતિબંધિત કરી દીધી છે અને એના પર રૂ. છ લાખનો દંડ ફટકાર્યો છે.સેબીએ કુલ 222 પાનાંના આદેશમાં કહ્યું છે કે અનિલ અંબાણીએ RHFLના મોટા અધિકારીઓની મદદથી પૈસા કાઢવા માટે એક છેતરપિંડીની યોજના બનાવી હતી, જેમાં એને એની સાથે જોડાયેલી સંસ્થાઓને લોન તરીકે દર્શાવી હતી. જ્યારે કે RHFLના બોર્ડમાં આ પ્રકારની લોન આપવાની પ્રથાઓને અટકાવવા માટે કડક નિર્દેશ જારી કર્યા હતા અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા પણ કરી હતી. તેમ છતાં ગેરરીતિને અટકાવી નહીં શકાઈ, કેમ કે નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

એનાથી માલૂમ પડે છે કે દેવાં પાછળ કોઈ બદઇરાદાભર્યો હેતુ હતો. આમાંથી મોટા ભાગના લોન લેનારા લોકો ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા. એને કારમે કંપની RHFL દેવાં ના ચૂકવી શકી અને ડિફોલ્ટ થઈ હતી.

પ્રતિબંધિત 24 સંસ્થાઓમાં RHFLના ભૂતપૂર્વ મુખ્ય અધિકારી- અમિત બાપના, રવીન્દ્ર સુધાલકર અને પિંકેશ આર શાહ સામેલ છે. અને સેબીએ તેમની પર પણ દંડ ફટકાર્યો હતો. આ સિવાય સેબીએ અનિલ અંબાણી પર રૂ. 25 કરોડ, બાપના પર રૂ. 27 કરોડ, સુધાલકર પર રૂ. 26 કરોડ અને શાહ પર રૂ. 21 કરોડનો દંડ ફટકાર્યો હતો.

 

અગ્નિકાંડ મુદ્દે ડિબેટની માંગણી કરતા, જીગ્નેશ મેવાણીની ગૃહમાંથી હકાલપટ્ટી

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટી.આર.પી. અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણી બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઇવ કરવાની વાત કરતાં હોબાળો થયો હતો. આ મુદ્દે જીગ્નેશ મેવાણી વેલમાં ધસી ગયા હતા. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર જતા રહેવાનો આદેશ કર્યો હતો. જેથી તેઓ ગૃહમાંથી વૉકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા.

જીગ્નેશ મેવાણી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ટી.આર.પી. ગેમઝોનના પીડિતોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને 12 મુદ્દાનો એક આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે સીબીઆઇ અથવા નોન-કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો.

આ જ બધાં મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવામાં આવી. જેનો ગઈકાલે 14મો દિવસ હતો. મોરબીથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા ગુરૂવારે અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસા મુખ્યાલય પર પહોંચી હતી. મોરબી બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને હરણી બોટકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. જે આગામી દિવસોમાં ગાંધીનગર પહોંચવાની છે.

યુદ્ધભૂમિ યુક્રેન પહોંચ્યા PM મોદીઃ ખતમ થશે યુદ્ધ?  

કિવઃ વડા પ્રધાન મોદી પોલેન્ડની બે દિવસની યાત્રા પછી યુક્રેન પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના નિમંત્રણ પર PM મોદી યુક્રેન પહોંચ્યા છે. વિશ્વની નજર મોદીના પ્રવાસ પર અને બંને નેતાઓની મુલાકાત પર છે. તેમની આ મુલાકાત ઘણી મહત્ત્વની છે. PM મોદીની યુક્રેનની આ પહેલી યાત્રા છે. તેઓ થોડી વારમાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે.

PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની સાથે મુલાકાત અને વાતચીત કરશે. તેમની વાતચીત યુક્રેન અને રશિયાની વચ્ચે જારી સંઘર્ષનો હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત હશે.રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે PM મોદી કહી ચૂક્યા છે કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન નથી. તેઓ ભારતનો શાંતિનો સંદેશ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સુધી પહોંચાડશે. PM મોદીએ કિવ પહોંચવા પર ત્યાં ભારતીય સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી. એ દરમ્યાન ભારત માતાની જયના નારા લાગ્યા હતા.

PM મોદીએ કહ્યું હતું કે હાલમાં યુક્રેન અને પશ્ચિમી એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ ચિંતાની વાત છે. ભારતનું માનવું છે કે યુદ્ધના મેદાનમાંથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી નીકળી શકતું. કોઈ પણ સ્થિતિમાં જો લોકોના જીવ જઈ રહ્યા છે, એ માનવતા માટે સૌથી મોટો પડકાર છે. અમે કૂટનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ. અપેક્ષા છે કે એનાથી શાંતિ સ્થાપિત થશે. ભારત દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે શાંતિ વાર્તા બોમ્બ અને ગોળીઓની વચ્ચે સફળ ના થાય.

 

 

ભારતનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ: આ દિવસે રચાયો હતો ઈતિહાસ

મુંબઈ: બરાબર એક વર્ષ પહેલાં દેશના લોકો એક વસ્તુ પર મીટ માંડીને બેઠા હતાં. ચંદ્રયાન 2 ની નિષ્ફળનો વિચાર આવતો હતો. તે વસ્તુઓ પરેશાન કરતી હતી, નજર અવકાશમાં સફળતાની નવી વાર્તા લખી રહેલા વિક્રમ અને પ્રજ્ઞાન પર હતી જેમણે ચંદ્રયાન 3 મિશન હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. 22મી ઓગસ્ટની સાંજથી બીજા દિવસની રાહ જોવાઈ રહી હતી. કાઉન્ટડાઉન શરૂ થયું અને 23મીએ સાંજે એક જ ઝાટકે ભારતીય વૈજ્ઞાનિકોએ દુનિયાને પોતાની તાકાત બતાવી દીધી.

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો
23 ઓગસ્ટ, 2023ના રોજ ભારત ચંદ્રયાન 3 મિશન દ્વારા ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બન્યો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો. પીએમ નરેન્દ્ર મોદીએ એ જ દિવસે જાહેરાત કરી હતી કે 23 ઓગસ્ટનો દિવસ દેશના સુવર્ણ અક્ષરોમાં કોતરાઈ ગયો છે અને હવે દેશ દર વર્ષે સફળતાની ઉજવણી કરશે. જે દિવસે શિવશક્તિ પોઈન્ટ દ્વારા અવકાશમાં નામ નોંધવામાં આવ્યું તે દિવસને નેશનલ સ્પેસ ડે નામ આપવામાં આવ્યું હતું.

ટચિંગ ધ મૂન ટચિંગ લાઈવ્સઃ ઈન્ડિયાઝ સ્પેસ સ્ટોરી
આજે ભારત તેનો પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ દેશના અવકાશ સંશોધન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. ઈવેન્ટનો ઉદ્દેશ્ય યુવા પેઢીને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રેરિત કરવાનો અને તેમાં સામેલ કરવાનો છે. આ વખતે વિષય લાગણીઓને પણ સ્પર્શે છે. આ વર્ષની ઉજવણીની થીમ ટચિંગ લાઈવ્સ બાય ટચિંગ ધ મૂનઃ ઈન્ડિયાઝ સ્પેસ સ્ટોરી છે. તે સમાજ અને ટેકનોલોજી પર અવકાશ સંશોધનની ઊંડી અસર દર્શાવે છે.

આ થીમ ભારતના અવકાશ કાર્યક્રમની સિદ્ધિઓ અને દેશના વિકાસમાં તેના યોગદાનને સ્વીકારવાની એક સરસ રીત છે. તે ચંદ્રયાન-1ની પણ યાદ અપાવે છે જે 2008માં ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. આ મિશન ભારતની અવકાશ સંશોધન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતું.

ચંદ્રની સપાટી એક સમયે મેગ્માનો મહાસાગર હતી
આજે 23મી ઓગસ્ટ 2024 છે અને બરાબર એક વર્ષ પહેલા ચંદ્રયાન-3 આપણા માટે ગૌરવ લાવ્યું હતું. એક વર્ષ વીતી ગયું અને યોગાનુયોગ આપણા પ્રજ્ઞાન દ્વારા એકત્ર કરાયેલ ડેટાએ વિશ્વને બીજી અદ્ભુત માહિતી આપી. એક ખૂબ જ સુંદર માહિતી જે તાજેતરમાં ‘નેચર’ નામના સંશોધન સામયિકમાં પ્રકાશિત થઈ છે. પ્રજ્ઞાન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પરથી એવું તારણ નીકળ્યું હતું કે શીતલ ચંદા કાકા પર ગરમ લાવા રેડતી હતી. જર્નલમાં પ્રકાશિત થયેલું વિશ્લેષણ ચંદ્ર પરની માટીના માપ પર આધારિત છે, જે પ્રજ્ઞાન રોવર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું છે કારણ કે તેણે સમગ્ર સપાટી પર 100 મીટરની મુસાફરી કરી હતી.

ISRO ચીફે શું કહ્યું?
દેશને ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પર ગર્વ છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર પર હાજર રહેશે… અને જે રીતે વિશ્વ પ્રજ્ઞાન દ્વારા મોકલવામાં આવેલા ડેટા અને માહિતીની તપાસ, સમજણ અને વિશ્લેષણ કરી રહ્યું છે, તેનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને તેનું વિશ્લેષણ કરીએ તો ચોક્કસપણે કહી શકાય કે આપણું ચંદ્રયાન 3 ચોક્કસપણે દેશને ગૌરવ અપાવી રહ્યું છે.

૨૩ ઓગસ્ટ, ૨૦૨૪